નિસબત

ચંદુ મહેરિયા

                               તસવીર નેટ પરથી

ભારત કરતાં પાકિસ્તાનના અને એ બેઉ કરતાં રશિયા સાથેના યુધ્ધથી ત્રાહિમામ યુક્રેનના લોકો વધુ આનંદિત જીવન વ્યતીત કરે છે તથા એશિયા કરતાં યુરોપના દેશો વધુ ખુશહાલ છે એવું કોઈ કહે તો આપણે માનીએ ? શું આનંદ, ખુશી, પ્રસન્નતાની લાગણી માપી શકાય? આ સવાલો થવાનું કારણ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ ૨૦૨૩ છે. આ વરસના વિશ્વ પ્રસન્નતા દિવસે(વીસમી માર્ચ) જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્ર્સંઘ સમર્થિત સંસ્થા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્કના વિશ્વ પ્રસન્નતા અહેવાલમાં સામેલ ૧૩૭ દેશોમાં ભારતનું સ્થાન ૧૨૬મું છે. દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા ધરાવતા વિશ્વગુરુ ભારતને આનંદિત દેશોના ક્રમમાં મળેલા નિમ્ન સ્થાને વિવાદ જગવ્યો છે.

યુનોએ ૨૦૧૩થી આનંદ, તંદુરસ્તી અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધારવા વીસમી માર્ચના દિવસને નેશનલ ડે ઓફ હેપ્પીનેસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. તે દિવસે વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટ પ્રગટ થાય છે. ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસનું વિષ્લેષણ રજૂ કરતાં ૨૦૨૩માં જાહેર, ૧૬૬ પ્રુષ્ઠોના અને પાંચ પ્રકરણોમાં વિભાજિત આ રિપોર્ટમાં પાંચ લેખો તથા ૧૩૭ દેશોનું રેન્કિંગ છે. માત્રાત્મક સંકેતકોથી લોકોના જીવનનું ગુણાત્મક મૂલ્યાંકન કરતાં આ અહેવાલમાં સતત છઠ્ઠા વરસે માંડ ૫૫.૫૪ લાખની વસ્તી ધરાવતો દેશ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ૨૦૨૦થી અંતિમસ્થાને રહેતા અફઘાનિસ્તાને તેનું આ સ્થાન ૨૦૨૩માં પણ જાળવી રાખ્યું છે. પહેલા વીસ દેશોમાં એક પણ એશિયન દેશ નથી.

ગૈલપ વલ્ડ પોલના ડેટા ઉપરાંત સંબંધિત દેશોના પ્રતિનિધિરૂપ ૫૦૦થી ૩૦૦૦ લોકોએ નિશ્ચિત માપદંડોને લગતા પ્રશ્નોના જવાબો તરીકે ૦થી ૧૦નો જે રેન્ક દર્શાવ્યા હોય છે તેની સરેરાશ પરથી આ હેપ્પીનેસ આંક નક્કી કરવામાં આવે છે. ઠરાવેલા માપદંડો સ્થાનિક અને વૈશ્વિક હોય છે. જેમકે, સ્વસ્થ સરેરાશ આયુષ્ય, પ્રતિવ્યક્તિ જીડીપી, સામાજિક સમર્થન, ઉદારતા, વ્યક્તિને જીવનમાં પસંદગીની સ્વતંત્રતાનો અધિકાર, ઉદારતા, કલ્પનાલોક અને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર.

વલ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું સ્થાન સુધરી રહ્યું છે. પરંતુ ઘણા વરસોથી તે તળિયે જ જોવા મળે છે. ૨૦૧૯માં તેનો પ્રસન્નતા આંક ૧૪૦, ૨૦૨૦માં ૧૪૪, ૨૦૨૧માં ૧૩૯, ૨૦૨૨માં ૧૩૬ અને ૨૦૨૩માં ૧૨૬ છે. ૨૦૨૩માં ભારત કરતાં ભારતના પાડોશી દેશોમાં વધુ પ્રસન્નતા જણાઈ છે. ચીનનો ક્રમ ૬૪, મ્યાંમારનો ૭૨, નેપાળનો ૭૮, બાંગ્લાદેશનો ૧૦૨ અને પાકિસ્તાનનો ૧૦૮ છે. યુધ્ધમાં ઘેરાયેલા રશિયા અને યુક્રેનના આનંદક્રમ અનુક્રમે ૭૦ અને ૯૨ છે. તે પણ ભારત કરતાં પ્રસન્નતામાં ચડિયાતા હોય તે બાબત નવાઈ પમાડે તેવી છે.

એકસો સાડત્રીસ દેશોમાં ભારતનું સ્થાન એકસો છવ્વીસમું હોય તે વાત ઘણાને હજમ થતી નથી. જોકે ઘણાને તેમાં કંઈ અજુગતું પણ લાગતું નથી. ઓક્સફામના અમીરો-ગરીબો વચ્ચેના અંતરનો અહેવાલ, ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ, માતા-બાળક મૃત્યુદર, માનવ વિકાસ સૂચકાંક, ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ, ગુણવતાયુક્ત શિક્ષણના અભાવ થી અપૂરતી આરોગ્ય સગવડો  જેવા ઘણા અહેવાલોમાં ભારતનું સ્થાન નીચું છે.એટલે હેપ્પીનેસ રિપોર્ટમાં ભારત તળિયાના દસ દેશોમાં હોય તે સ્વાભાવિક લેખાવું જોઈએ. દેશમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાનો અભાવ, શહેરીકરણા અને તેના સવાલો, બેરોજગારી સાથે આવકમાં ઘટાડો, આરોગ્ય ખર્ચમાં વધારો , ખરાબ માનસિક આરોગ્ય અને પર્યાવરણ-પ્રદૂષણ જેવી બાબતો ભારતના લોકોની ખુશીમાં બાધક છે.

સવાસો કરોડની વસ્તીના દેશના ૫૦૦ થી ૩૦૦૦ લોકોના જવાબો પરથી પ્રસન્નતા આંક કઈ રીતે નક્કી થઈ શકે તેવો સવાલ પણ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતના નીચા સ્થાનના વિરોધીઓનો છે. બહુ નાની સેમ્પલ સાઈઝનો આ સવાલ લગભગ કોઈપણ સર્વેક્ષણના નિષ્કર્ષો સામે ઉઠતો હોય છે. તેના જવાબમાં રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે તેના તારણો ૯૫ ટકા સાચા છે કે તે રિઝનેબલી ગુડ એસ્ટીમેટ એટ ઘ નેશનલ લેવલ છે.

કેટલાક આલોચકો માપદંડો સામે સવાલો ઉઠાવે છે. ખુશીને અસર કરી શકે તેવા માપદંડોનો અભાવ હોવાની તેમની ફરિયાદ છે. વળી જટિલ અને બહુઆયામી આનંદ અને ઉદારતાની અવધારણાને કઈ રીતે માપી શકાય ? તેમ પણ તેઓ પૂછે છે. માત્ર આર્થિક સમૃધ્ધિ આનંદનું કારણ હોઈ શકે ખરું ? જો જવાબ હા હોય તો અમેરિકા, બ્રિટન અને સંયુક્ત આરબ અમીરાત જેવા ધનના ઢગલે આટોળતા દેશો પ્રસન્નતામાં ટોપ ટેન કેમ નથી? એટલે લોકોની ખુશી અને સંતોષ માત્ર આર્થિક બાબતો પર જ નિર્ભર નથી.

ભારત પણ લોકોના ચહેરા પર પ્રસન્નતા આણવા અને આંકવા પ્રયત્નો કરી રહ્યું છે. મધ્યપ્રદેશ સરકારે ૨૦૧૬થી રાજ્યમાં આનંદ મંત્રાલય શરૂ કર્યું છે. તેનું કારણ રાજ્યમાં વધતા આત્મહત્યાના બનાવો અને લોકોમાં વ્યાપ્ત તણાવ અને નિરાશા હતા. લોકોમાં આનંદ સહિતની બાબતો રોપવા કેટલાક મોડ્યુલ તૈયાર કર્યા છે. તે ઉપરાંત આનંદ કલબ અને જોય ઓફ ગિવિંગના આયોજનો થાય છે. વડાપ્રધાને જી-૨૦ના દેશોને મહિલાઓમાં પ્રસન્નતા જાણવા કરેલા આહ્વાનને અનુસરીને હરિયાણામાં એક એનજીઓએ રાજ્યના ત્રણ જિલ્લામાં વુમન હેપ્પીનેસ ઈન્ડેક્ષ માટે સર્વે હાથ ધર્યો છે. સંસ્થા વુમન હેપ્પીનેસ ચાર્ટ મહિલાઓના ઘરે લગાવીને તેના પરથી મહિલાઓની ખુશી માપવાની છે. ૨૦૨૩માં દુનિયાના જે દસ દેશો પ્રસન્નતામાં ટોચે છે તેમાંથી આઠ દેશોમાં ચાળીસ ટકા સંસદીય પદો પર મહિલાઓ છે. એ દ્રષ્ટિએ પણ મહિલાઓની ખુશીને પ્રાધાન્ય મળવું જોઈએ.

માનસશાસ્ત્રના સંશોધક ફ્રેન્ક માર્ટેલા પ્રસન્નતા આંકને જરા જુદી રીતે મૂલવે છે. તેઓ કહે છે કે હું ફિનલેન્ડ દુનિયાનો સૌથી ખુશખુશાલ દેશ છે એમ નહીં કહું પણ એમ કહીશ કે  ફિનલેન્ડમાં બહુ ઓછા લોકો દુ:ખી છે. કોઈપણ સરકાર તેના નાગરિકોના ચહેરા પર પરાણે સ્મિત ના આણી શકે પરંતુ યોગ્ય અને સારું કામ કરવા સક્ષમ સંસ્થાઓ, સગવડો અને સેવાઓ આપીને તે તેમના દુ:ખના ઘણા કારણો દૂર કરી શકે છે.

૧૯૫૬માં સૌરાષ્ટ્ર સરકારે સફાઈ કામદારોની સ્થિતિનો અભ્યાસ કરવા દવે કમિશનની રચના કરી હતી. કમિશને તેના અહેવાલમાં  સફાઈ કામદારોની વસ્તીની જાત મુલાકાતના આધારે સાંજ પડે લોકો વસ્તીમાં ભેગા થઈ હાહાહીહી અને ઠઠ્ઠામશ્કરી કરતા હોય છે તેની ટીકા કરી હતી. સફાઈ કામદારો તેમના દુ:ખ અને વેદનાને ભૂલવા હસે કે હસી કાઢે તે ટીકાસ્પદ અને મહાનગરો-નગરોની કૃત્રિમ હાસ્યની લાફિંગ કલબો આવકારદાયક એવા વિરોધાભાસ વચ્ચેના પ્રસન્ન ભારતના પ્રસન્નતા આંકને માપવો અઘરો છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.