પારુલ ખખ્ખર

આજે ફરી એકવાર આત્મકથાના પુસ્તક વિશેની વાત લઈને આવી છું. ઉર્દૂ સાહિત્યના તેજતર્રાર  લેખિકા એટલે ઈસ્મત ચુગતાઈ. ઉર્દૂ વાર્તાકારોમાં એમનું સ્થાન પ્રથમ હરોળમાં ગણાય છે. ઈસ્મતજીએ ભારતીય સમાજની જરીપુરાણી પરંપરાઓ અને રૂઢીગત જીવનમૂલ્યો પર પ્રહાર કરતી કટાક્ષપૂર્ણ વાર્તાઓ લખી છે. એમણે સ્ત્રીઓના પ્રશ્નોને અવાજ આપ્યો છે. નિમ્ન મધ્યમવર્ગીય મુસ્લિમ સમાજની યુવાન છોકરીઓની મનોદશાનું વર્ણન કરતી વાર્તાઓ લખી છે.જેવી એમની વાર્તાઓ છે એવું એ જીવ્યા છે.એમની આત્મકથા ‘કાગઝી હૈ પૈરહન’નામે ગ્રંથસ્થ થઈ છે.આ આખી આત્મકથા  જુદાજુદા પ્રસંગોના ટુકડાઓમાં વિભાજીત છે. આ બધાં ટુકડાઓને જોડીને એક સળંગ ચિત્ર બનાવવાની અહીંયા કોશીશ કરી છે.

કોઈ જ પ્રસ્તાવના વગર શરુ થતું આ પુસ્તક વાચકોને છેલ્લા પન્ના સુધી જકડી રાખે એટલું રોમાંચક છે.પ્રથમ ફકરામાં જ ઈસ્મતજી જણાવે છે કે ‘હું જોરજોરથી રડી રહી હતી.કોઈને નિર્દયતાથી માર પડી રહ્યો હતો.મારવાવાળો રાક્ષસ જેવો અને માર ખાવાવાળો મરિયલ બાળક હતો.’ -આ દૃશ્ય જોયું ત્યારે એ બહુ નાના હોવાથી કોણ-કોને મારી રહ્યું હતું એ યાદ ન રહ્યું પરંતુ એમને એક વાત ગાંઠે બંધાઈ ગઈ કે જે મોટા અને તાકાતવાન હોય તે નાના અને કમજોર લોકોને મારે છે.અજાગૃત મનથી તાકાતવાન પર માન થયું અને નિર્બળ માટે ઘૃણા થઈ. કદાચ તે દિવસથી જ તેમના મનમાં નબળા નહીં જ રહેવાનું બીજ રોપાઈ ગયું.

એમનો પરિવાર ખૂબ મોટો હતો. દસ ભાઈ-બહેનોમાં ઈસ્મતજી નવમો નંબર હતાં.માતા તો બાળકોને જન્મ આપી આપીને થાકી જતી હોવાથી બાળકો નોકરો પાસે મોટા થતાં હતાં.તેઓ લખે છે કે ‘લોકો પાસે બાળપણની કેવી સુંદર યાદગીરીઓ હોય છે!મારું બાળપણ તો જેમતેમ કરીને પસાર થયું છે.બાળપણ તો મજબુરી અને કમનસીબીનું મીશ્રણ છે.’ ઈસ્મતજી નાનપણથી જ વિદ્રોહી વ્યક્તિત્વ ધરાવતા હતાં. એમને ક્યારેય છોકરીઓની જેમ રહેવું ફાવ્યું નહી. છોકરાઓ સાથે જ રહેવું,એમના જેવી જ રમતો રમવી, એમના જેવા જ તોફાનો કરવાં એમને સાહજીક લાગતું.બીજાઓની માન્યતા પ્રમાણે ચાલવું એમને ક્યારેય માફક ન આવતું એ પોતાની કેડી જુદી કંડારતા.

એમના જીદ્દી સ્વભાવનો પરિચય કરાવતાં બે ત્રણ કિસ્સાઓ જોઈએ.ઈસ્લામ ધર્મ વિશે ભણાવવા ઘરે એક શિક્ષિકા આવતાં એ બાળકોને મારીમારીને આયતો શીખવતાં. ઈસ્મતજી લખે છે કે ‘મારી મરજી વિરુદ્ધ મને ધર્મ શીખવતી આ સ્ત્રીને મેં મારી જિંદગીમાં સૌથી વધુ નફરત કરી છે. હું અલ્લાહને બંદગી કરતી કે ‘આ ડોશી મરી જાય.’ બીજો કિસ્સો જણાવતા કહે છે કે ‘ફારસી અમારી ખાનદાની ભાષા હતી પરંતુ મને એ ક્યારેય ગમી નહી. મેં બગાવત કરીને પણ હિન્દી શીખી અને મારા લખાણ માટે અપનાવી લીધી.ઘરમાં હંગામો થયો પણ હું મારી વાત પર અડગ રહી.’  ત્રીજો કિસ્સો એવો હતો કે ‘કોલેજમાં ગયા ત્યાં પ્રાધ્યાપકો એકધારું ઝડપથી બોલીને અંગ્રેજી શીખવતા, ઈસ્મતજીએ એક તુક્કો લગાવ્યો, તેઓ અંગ્રેજી શબ્દોને ઉર્દૂ લિપિમાં લખતાં જેથી ઝડપથી લખાતું. એમની હરકત પકડાઈ ગઈ અને મેડમ ખીજાયા ત્યારે જરાય ગભરાયા વગર કહ્યું કે ઉર્દૂ લિપિ મારા માટે શોર્ટહેન્ડનું કામ કરે છે.હું તો એમાં જ લખીશ.’ આ ઘટના પછી તો બીજી અનેક છોકરીઓએ આ પદ્ધતિ અપનાવી.

ઈસ્મતજીની આત્મકથામાં ક્યાંય ધાર્મિક કટ્ટરતા જોવા મળતી નથી. ઈસ્મતજીને એક હિન્દુ બહેનપણી હતી એને ત્યાં જન્માષ્ટમી વખતે  કૃષ્ણ કનૈયાની મૂર્તિ જોઈને એમને એ મૂર્તિ પર એટલું વ્હાલ આવ્યું કે એને ચૂમી લીધી.ત્યાર પછી એક લડ્ડુગોપાલની મૂર્તિને પોતાના કબાટમાં કાયમ માટે સાચવી રાખી હતાં.એમના કોચવાન એમને રામાયણની વાર્તાઓ સંભળાવતા અને છેલ્લે રામનો જયજયકાર બોલાવતા. ઈસ્મતજીને આ વાર્તાઓ અને ખાસ તો આ જયજયકાર એટલા ગમતાં કે રોજ રાત્રે વાર્તાની ફરમાઈશ કરતાં.ખાસ તો હનુમાનજીનું પાત્ર એમને અતિશય પ્રિય હતું.એમના મામાના દીકરા જુગનુ કહેતા કે જયજયકાર કરવાથી જીભ દોઝખમાં સળગી જશે, કોચવાન કહેતા કે જયજયકાર નહી કરે તો નર્કમાં જવું પડશે,બહેનપણી ઈંદિરા કહેતી કે જીસસની મુર્તિ સામે ઘૂંટણિયે પડી માફી નહીં માંગે તો હેલમાં જઈશ.પરંતુ ઈસ્મતજીએ ક્યારેય નર્કની બીક રાખી નહીં, એમને યોગ્ય લાગ્યું એમ જ જીવ્યા.મોટા થયા પછી લાગ્યું કે આ બધા તો ન દેખાતા નર્ક છે પણ નજર સામે દેખાય તેવું ચોથું નર્ક તો સાસરુ છે.તેથી જાણીજોઈને એ નર્કમાં કદી પડવું નથી.

ઈસ્મતજીની બધી બહેનો એકદમ સુઘડ અને ઘરરખ્ખુ હતી.જે અનેક કળાઓ,ભરત ગૂંથણ અને ધર્મનું જ્ઞાન ધરાવતી હતી જ્યારે ઈસ્મતજી એમનાથી સાવ વિરુદ્ધ! ઘરની સ્ત્રીઓને આ મોઢે ચડેલી છોકરી જરાય ન ગમતી પણ ઈસ્મતજીને કોઈની પરવા ન હતી.છોકરાઓ સાથે રમવું, ઝાડ પર ચડવું,સાયકલ ચલાવવી,ઘોડેસવારી કરવી,ફૂટબોલ રમવું એમને ખૂબ ગમતું પરંતુ એમના ભાઈઓને જરાય ન ગમતું તેથી ઈસ્મતજી લખે છે ‘અસમાનતા માત્ર અમીર-ગરીબના મામલે જ નહીં સ્ત્રી-પુરુષના મામલે પણ હોય છે.’ ભાઈઓ પોતાની સાથે ન રમાડે ત્યારે તે ઉશ્કેરાઈ જતાં પરંતુ એમનાથી દોઢેક વર્ષ મોટા અઝીમભાઈ કાયમ બીમાર રહેતાં અને ઘરમાં બેસી અભ્યાસ કરતા એમણે એક સોનેરી સલાહ આપી કે ‘આ બધી રમતોમાં છોકરાઓ સાથે ટક્કર લેવાને બદલે અભ્યાસમાં મન પરોવ અને આ બધાથી આગળ નીકળી જા.’તે દિવસથી ઈસ્મતજી લાગી પડ્યાં અને અભ્યાસને જીવનમંત્ર બનાવી લીધો.પાઠ્યપુસ્તકોની સાથોસાથ ધર્મ,ઈતિહાસ તથા વિજ્ઞાનનું વાંચન પણ કરતા રહેતાં.પિતા અને એમના મિત્રોની સભા ભરાતી ત્યારે ઈસ્મતજી કુરાનનો અનુવાદ અને મુસ્લિમ ઈતિહાસ વિશે ચર્ચાઓ કરવા લાગતા ત્યારે તેની માતા-પિતાના આશ્ચર્યનો પાર ન રહેતો.આમ, અભ્યાસને કારણે ઈસ્મતજીનો સિક્કો ચાલવા લાગ્યો.

એમની વિચારસરણી ઘડવામાં એમની એક બહેનપણી મંગુનો પણ પરોક્ષ ફાળો છે.સાવ નાની ઉંમરે પરણાવી દેવાયેલી મંગુ ત્રણ દીકરીઓની માતા બનવાના ગુના હેઠળ પિયર મોકલી દેવામાં આવી અને એના પતિ માટે બીજી પત્નિ લાવવાના કારસા ઘડાવા લાગ્યા. મંગુ અને એની દીકરીઓની મજબૂરી જોઈ ઈસ્મતજી ડરી ગયાં એમણે દુઆ માંગી કે ‘હે અલ્લાહ મને છોકરો બનાવી દે, મારાથી સ્ત્રીઓનો આ અન્યાય સહન નથી થતો.’થોડા વખત પછી સમાચાર મળ્યા કે મંગુ પર ભૂતની છાયા પડી ગઈ છે.એ સાસુ અને પતિને મારે છે, પોતાની આંગળી પર નચાવે છે.ઈસ્મતજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. જો કે એમને હકીકત જાણવા મળી કે મંગુએ મુસીબતમાંથી બહાર આવવા ભૂતની છાયા વાળો ઢોંગ શરુ કર્યો છે ત્યારે એ દંગ થઈ ગયાં..એ અભણ બાઈને આ તુક્કો સુઝ્યો અને સફળ રહ્યો ત્યારથી ઈસ્મતજીને શ્રદ્ધા બેસી ગઈ કે સ્ત્રી કમજોર હોઈ શકે પણ અક્ક્લ વગરની હોય એ જરુરી નથી.પોતે માંગેલી દુઆ બાબતે વિચાર્યુ કે ભલે હું છોકરો ન બનું પણ છોકરાઓ જેવી સુઝબુઝ તો કેળવીશ જ…! બસ…એ દિવસથી એ સ્ત્રી હોવાની લઘુતાગ્રંથીમાંથી તેઓ બહાર આવી ગયાં.

ઈસ્મતજીના બંડખોર સ્વભાવ અને વલણને જોઈ માતા-કાકી-ફોઈ વગેરે ભયભીત હતાં.માતાને તો એનું વર્તન આંખના કણાની જેમ ખૂંચતું. આ સ્ત્રીઓને લાગતું કે આ છોકરીમાં છોકરી જેવા એકેય લક્ષણ નથી,સાસરે જશે તો શું થશે? જેને ત્યાં જશે એનું ઘર ભાંગશે અને બે દિવસમાં પિયર પાછી ફરશે.ઈસ્મતજી તો પોતાની મસ્તીમાં ભણ્યે જતાં હતાં. અઝીમભાઈ પાસેથી દેશ-દુનિયાની વાતો જાણતાં એમની લખેલી વાર્તાઓ સાંભળતાં.પોતે પણ કાચી પાકી વાર્તાઓ લખવાં લાગ્યાં.ભાઈની વાર્તાઓ સાંભળી તેમને થતું કે તમારે જે કહેવું હોય એ સીધું કહેવાને બદલે વાર્તામાં લપેટીને કહો તો ઓછી ગાળો સાંભળવાની રહે.

ઈસ્મતજી પહેલેથી જ બુરખાપ્રથાના વિરોધી હતાં પરંતુ પોતાના મોટાભાઈના લગ્ન વખતે  જાનમાં ગયાં ત્યારે ફરજીયાત બુરખો પહેરવો પડ્યો.આવી તોફાની છોકરીએ પહેલીવાર બુરખો ઓઢ્યો એટલે એના ભાઈઓએ એમને ખૂબ ચીડ્વ્યાં, ખૂબ મજાક ઉડાડી.એક તો અનિચ્છાએ પહેરેલો બુરખો અને ઉપરથી ભાઈઓનો ત્રાસ ! એમને થયું કે આ અપમાન સહન કરવા કરતાં તો જીવ આપી દેવો સારો.અંતે એમણે એક એવું તીકડમ ચલાવ્યું કે એમને બુરખા વગર રહેવા મળ્યું. એ લખે છે કે ‘ટ્રેનનાં પ્લેટફોર્મ પર નાનીમોટી તમામ સ્ત્રીઓ બુરખામાં હતી અને હું રાજરાણીની જેમ ખુલ્લા મોંએ માથું ઊંચુ કરીને ચાલી રહી હતી. અને આ મારી જીત હતી.’

પિતા મેજીસ્ટ્રેટ હતા,બહારથી કડક અને અંદરથી સાવ કોમળ.માતાએ પોતાની આવડત વડે બહોળા પરિવારને એકસૂત્રમાં જોડી રાખ્યો હતો. ઈસ્મતજીનો અભ્યાસ ચાલુ હતો ત્યાં જ પિતાજીની બદલી મારવાડનાં એક નાના ગામમાં થઈ ગઈ. ત્યાં એકપણ સ્કૂલ ન હોવાથી અભ્યાસ છૂટી ગયો.હોસ્ટેલમાં રહેવાથી છોકરીઓ બગડી જાય એવી માન્યતા દ્ર્ઢ હોવાથી હોસ્ટેલમાં પણ નહીં મોકલાય એવું ફરમાન નીકળ્યું.ઈસ્મતજીનો એક ભાઈ ધરાર ભણવા નહોતો માંગતો છતાં એના પર ભણવાનું જોર અપાઈ રહ્યું હતું જ્યારે ઈસ્મતજીને ભણવું હતું પરંતુ ભણી શકતા ન હતાં.એ વિચારતા કે ‘આ દુનિયાના લેખક કોણ છે?મારી જિંદગીનો નિર્માતા કોણ છે?જો મારા મા-બાપ મારા નિર્માતા છે તો ખુદાએ મને દિમાગ શા માટે આપ્યું?હું એનું શું કરીશ?’ આ રીતે રડીરડીને દિવસો પસાર કરી રહ્યાં હતાં. ક્યારેક ભાગી જવાનો તો ક્યારેક આત્મહત્યાનો પ્લાન બનાવતાં રહેતાં. એવામાં એમના મોટાભાઈનો પત્ર આવ્યો જેમાં ઈસ્મતજી માટે એક છોકરાની વિગત તથા ફોટો મોકલવામાં આવ્યો હતો.ઈસ્મતજી આ લગ્ન માટે બિલકુલ તૈયાર ન હતાં એમનું મગજ ઝપાટાબંધ ચાલવા લાગ્યું કે હું શું કરુ તો આ લગ્નની બબાલમાંથી બચી જાઉં?અંતે એક ક્રાંતિકારી નિર્ણય લીધો.પોતાના મામાના દીકરા જુગનુને ખાનગી પત્ર લખ્યો કે ‘મારા માટે એક ઠેકાણું આવ્યું છે પરંતુ હું લગ્ન કરવા માંગતી નથી. તમે તાત્કાલિક અહીંયા આવો અને બધાને એમ કહો કે તમે મારી સાથે લગ્ન કરવા માંગો છો.હું તમારી સાથે ક્યારેય લગ્ન કરવાની જબરદસ્તી નહીં કરું પણ તમે મારી મદદ કરો’ઈસ્મતજીનો આ તુક્કો ચાલી ગયો અને લગ્નની વાત ટાળી દેવાઈ.

ઈસ્મતજીને છોકરીઓની જેમ તૈયાર થવું કે સુંદર દેખાવું જરાય ન ગમતું. એમને એવું લાગતું કે આ બધુ પોતાના દોષ છૂપાવવા માટે કરવામા આવે છે.ઈસ્મતજી લગ્ન માટે એવું વિચારતા કે મારા જેવી ફૂવડ,આખાબોલી અને જબરી છોકરી સાથે કોણ લગ્ન કરશે? મારી પાસે નથી આકર્ષક શરીર કે નથી રુપાળો ચહેરો.નથી ભરત ગૂંથણની કળા કે નથી છોકરીઓ જેવી રીતભાત !મારા પર કોણ ફિદા થશે? કોઈ મને ઠુકરાવે એનાં કરતાં હું જ એ બધાને ન ઠોકર મારું? ભણીગણીને પગભર ન થઈ જાઉ? એમણે પિતા પાસે જીદ કરી કે ગમે તે થાય મારે આગળ ભણવું છે મને હોસ્ટેલમાં રહીને ભણવાની પરવાનગી આપો નહીંતર હું ભાગી જઈશ.અંતે બધા માન્યા અને ઈસ્મતજીએ અલીગઢ જઈ મેટ્રીકમાં પ્રવેશ મેળવ્યો.મેટ્રીકમાં પાસ થતાં જ કોલેજમાં પ્રવેશ લઈ લીધો.ત્યાં ભણવાની સાથોસાથ ફૂટબોલ,વોલીબોલ,હોકી,બાસ્કેટબોલ જેવી રમતો શીખ્યાં અને એમાં નામ પણ કાઢ્યું. એકવખત હોસ્ટેલમાં ખરાબ ભોજનનો વિરોધ કરવા માટે અસહકારનું આંદોલન ચલાવવામાં આવ્યું તેમાં આગેવાની લીધી ત્યારથી છોકરીઓ એમને  લિડર માનતી થઈ ગઈ. એક વખત લખનૌના તોફાની છોકરાઓએ એક પુસ્તક છપાવ્યું જેમાં ગર્લ્સ કોલેજનો ‘રંડીખાના’ તરીકે ઉલ્લેખ કરાયો અને છોકરીઓ ભડકી ગઈ.ઈસ્મતજીએ બુદ્ધિ ચલાવી અને અલીગઢ યુનિવર્સિટીના ૬૦૦૦ છોકરાઓને ‘ભાઈ’તરીકે સંબોધીને એક ખુલ્લો પત્ર લખ્યો. જે એક મેગેઝિનમાં છપાયો અને યુનિવર્સિટીના છોકરાઓએ પેલા તોફાની તત્વોને મારી ભગાડ્યાં.એ દિવસથી મુસ્લિમ કોલેજની છોકરીઓ અને છોકરાઓ વચ્ચે દોસ્તીની શરુઆત થઈ.

બી.એ.કર્યા બાદ ઈસ્મતજી પોતાના ભાઈને ત્યાં જાવરા ગયાં. તે શહેરમાં ધૂમ મચી ગઈ કે એક મુસ્લિમ છોકરીએ બી.એ. કર્યુ છે?ત્યાંના નવાબસાહેબે તરત જ ઈસ્મતજીને ગર્લ્સ સ્કૂલના હેડમિસ્ટ્રેસ બનાવી દીધાં.ઈસ્મતજીએ મુસ્લિમ છોકરીઓને અંગ્રેજી લખતા અને વાંચતા શીખવવાનું હતું.ઈસ્મતજીએ પોતાનું કામ એટલું સરસ રીતે કર્યું કે નવાબ સાહેબના મનમાં વસી ગયા. નવાબ સાહેબે પોતાના દીકરા માટે પસંદ કરી લીધા અને શાદીનું ફરમાન મોકલ્યું.આવો એકતરફી ફેંસલો ઈસ્મતજીનું વિદ્રોહી દિમાગ સ્વીકારે ખરું!એક તો સાવ અજાણ્યા માણસને આમ પતિપરમેશ્વર તરીકે સ્વીકારવો અને એ પણ પોતાની મંજુરી લીધા વગર ?ફરી એકવાર લગ્નનો મામલો હતો અને ફરી એકવાર ઈસ્મતજીએ બુદ્ધિ લગાવી. એ ઊંચા જીવે આખી રાત જાગ્યા અને વહેલી સવારે કોઈને કહ્યાં વગર ગામ છોડીને ભાગી નીકળ્યા.

ભાગીને બરેલીમાં આવી રહેવા લાગ્યાં. ત્યાં પણ ગર્લ્સ સ્કૂલના હેડમિસ્ટ્રેસ બન્યા. પોતાની સાથે પોતાના બીમાર ભાઈના ત્રણ બાળકોને પણ રાખ્યા, એક વિધવા બહેનને પણ બોલાવી લીધી અને ઓછામાં પુરુ ત્યાંના મેનેજરની બે છોકરીઓને પણ આશરો આપ્યો.ઘર તો જાણે હોસ્ટેલ બની ગયું.સ્કૂલની છોકરીઓને અનેક પ્રકારની રમતોમાં ભાગ લેતી કરી.ભણતાં ભણતાં શરુ થયેલી લેખનની સફર સરસ રીતે આગળ ચાલી રહી હતી એવામાં કોઈ મેગેઝિનમાં એમનું એડ્રેસ છપાયું અને ઘરે પત્રોના ઢગલાં થવા લાગ્યાં.આ ઢગલાંમાંથી એક અનોખો પત્રમિત્ર મળી ગયો અને એમની સાથે દોસ્તી બંધાઈ જે લાગણી સુધી આગળ વધી.

એમની જ કોલેજના ડોકટર ટકર નામના પ્રાધ્યાપિકાએ સમજાવ્યું હતું કે તેજસ્વી અને હોનહાર છોકરીઓએ લગ્ન  કરવા જ જોઈએ જેથી એ પોતાનાથી સવાયા તેજસ્વી બાળકોની ભેટ દુનિયાને આપી શકે.કોઈપણ દેશનો વિકાસ કરવા માટે ભણેલ ગણેલ માતાઓની જરુર હોય છે.કોલેજનાં સ્થાપક અને સંચાલક એવા ‘આલા બી’એ પણ સમજાવ્યું કે તું એકદમ સમજદાર અને ઘર સંભાળી શકે તેવી છોકરી છે.તારે જરુર લગ્ન કરવા જોઈએ.આ લોકોની સલાહ માનીને ઈસ્મતજીએ લગ્ન કરવા વિશે હકારાત્મક નિર્ણય લીધો.

ઈસ્મતજી કહે છે કે ‘મને પુસ્તકોએ માલામાલ કરી છે.મેં વાંચેલા દરેક પુસ્તકે મને કંઈ ને કંઈ આપ્યું છે.મને લગભગ બધા જ પ્રશ્નોના જવાબ પુસ્તકોમાંથી મળ્યા છે.’ લેખકો એમને સગાવ્હાલાં જેવા લાગતાં. વાંચવાનો શોખ હંમેશા પહેલા નંબર પર રહ્યો છે.પુસ્તકો સાથે એટલો બધો લગાવ કે દરેક પુસ્તકને સુંઘીને વાંચતા. પોતાના પલંગ પર,ઘરના દરેક ખૂણામાં,અરે…ટોઇલેટમાં પણ  પુસ્તકો પડ્યા હોય.બીજા નંબર પર વાતો છે. આખું ઘર વાતોડિયું અને ઈસ્મતજી તો જરા વધારે વાતોડિયણ ગણાતાં.ખાતાં-પીતાં-ઊઠતાં-બેસતાં બસ વાતો જ વાતો !એમને દરેક પ્રકારના લોકો સાથે વાતો કરવી ગમે. દુકાનદારો,ભીખારીઓ,ઘોડાગાડીવાળાઓ,નોકરો વગેરે જુદાજુદા સ્તરના લોકો સાથે વાતો કરતાં કરતાં એમના દિમાગના દરવાજા ખુલવા લાગતા.થોડાક સીધા-સ્પષ્ટ સવાલો પૂછીને એ દરેકની જિંદગીનું સરવૈયું કાઢી શકતાં.ત્રીજો શોખ લખવાનો રહ્યો છે.વાર્તા લખવી ખૂબ ગમતી.એમને મોટાભાગની વાર્તાઓ સત્યઘટના પર આધારિત રહી છે. એમને કાલ્પનિક કથાઓ કરતાં જીવાતી જિંદગીઓમાં વધુ રસ પડતો.એ જણાવે છે કે ‘મારી કલમ માત્ર મારી સાથીદાર જ નહીં પણ મને રોજીરોટી રળી આપતો કમાઉ દીકરો પણ છે.એ મારી બોલતી ચાલતી દોસ્ત છે.એની હાજરીમાં હું ક્યારેય એકલતા નથી અનુભવતી.હું કલમને જેમ નચાવું તેમ તે નાચે ત્યારે મને હું કોઈ સૃષ્ટિની સર્જક હોય એવું લાગે છે.’ લખતી વખતે એમને એવું લાગતું કે જાણે મારા વાચકો મારી સામે બેઠાં છે અને હું તેની સાથે વાતો કરી રહી છું.

ઈસ્મતજીએ લખેલી એક વાર્તા ‘લિહાફ’એમના વાર્તા સંગ્રહમાં છપાઈ અને સમાજમાં હાહાકાર ફેલાઈ ગયો.સ્ત્રીઓના સમલૈંગિક સંબંધોનું વર્ણન કરતી આ વાર્તા પર અશ્લિલતાનું બિરુદ લાગી ગયું. ઈસ્મતજીના નામ પર થૂંથૂં થવા લાગ્યું .એમના પર ગંદી ગાળો લખેલા પત્રોનો વરસાદ થયો. છાપા-મેગેઝિનમાં એમને અશ્લિલ લેખિકા તરીકે ચીતરવામાં આવ્યાં. એમના વિરુદ્ધ ભાષણો થયાં.એમના પર અશ્લિલતાનો કેસ દાખલ કરવામાં આવ્યો. પતિ સાથે આ વાર્તા બાબતે એટલા બધા ઝગડા થયા કે વાત તલાક સુધી આવી ગઈ.આખો સમાજ એમના પર ફિટકાર વરસાવી રહ્યો હતો. સગાવ્હાલાઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં.લાહોર કોર્ટમાં કેસ ચાલ્યો. લોકોએ ખૂબ સમજાવ્યા, ધમકી પણ આપી કે માફી માંગી લો તો કેસ પાછો ખેંચી લઈએ પરંતુ ઈસ્મતજી પોતાની વાત પર મક્કમ રહ્યાં અને કેસ જીતી ગયાં. બરાબર એ જ  સમયે સહાદત હસન મંટો પર પણ અશ્લિલતાનો કેસ ચાલી રહ્યો હતો.કોર્ટમાં હાજર થવા ઈસ્મતજી અને એમના પતિ તથા મન્ટો અને એમના પત્નિ  બે વખત સાથે જ લાહોર ગયાં.ચારેય જણા ત્યાં ખૂબ ફર્યા,શોપિંગ કર્યુ,પાર્ટીઓ કરી. એટલી મજાઓ કરી કે ઈસ્મતજીના મોંમાંથી દુઆ નીકળી ‘હે ખુદા, તું કેસ કરનારાનું ભલુ કરજે’. ‘લિહાફ’ પછી અને પહેલા અનેક વાર્તાઓ લખાઈ છે પરંતુ લોકો આજેપણ તેમને ‘લિહાફ’ના લેખિકા તરીકે વધુ યાદ કરે છે.

આ એક એવી લેખિકા છે જે પૂરી સચ્ચાઈથી જીવી છે.કોઈ દંભ કે દેખાડો કર્યા વગર ,પોતાને મહાન ચીતર્યા વગર જેવું જીવાયું છે એવું જ આપણી સમક્ષ મૂકી આપ્યું છે.રસપ્રદ શૈલીમાં લખાયેલા પ્રસંગો, કહેવતો અને રુઢીપ્રયોગોનો ભરપુર ઉપયોગ, સાદી સરળ બોલચાલની ભાષા વગેરે આ પુસ્તકની ઉડીને આંખે વળગે એવી ખાસિયતો છે. કહેવાય છે કે આત્મકથા લખનારે સ્વપ્રશસ્તિથી દૂર રહીને જીવાયેલા સત્યને ઉજાગર કરવાનું હોય છે.આ પુસ્તકમાં એ વાત સુપેરે સિદ્ધ થઈ છે. ઉર્દૂ સાહિત્યમાં ‘ઈસ્મત આપા’ તરીકે ઓળખાતા આ લેખિકા આ પુસ્તક વાંચ્યા પછી આપને પણ પોતાના લાગવા માંડે તો નવાઈ નહીં.


સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.