ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

સિત્તેરના દાયકામાં હિન્દી ફિલ્મોમાં ‘કવ્વાલી’ તરીકે જે પ્રકાર ચલણી બન્યો એ પરંપરાગત કવ્વાલીનો નહીં, પણ નાયક-ખલનાયક- ખલનાયિકા વચ્ચે થતી સંતાકૂકડી અને શાબ્દિક મુકાબલાનો તેમજ કોઈક કૃત્યને અંજામ આપતાં અગાઉ લોકોનું ધ્યાન ભટકાવવા માટેના પ્રયાસ જેવો વધુ હતો, જેમ કે, ધર્મા (ઈશારોં કો અગર સમઝો), શંકરદાદા (તૂને જલવે નહીં દેખે), શંકરશમ્ભુ (હમ લૂટને આયે હૈં), ફકીરા (હમ તો ઝુક ઝુક સલામ કરતે હૈં), કર્મયોગી (આજ ફૈસલા હો જાયેગા) અને બીજી અનેક.

અલબત્ત, કવ્વાલી એના શુદ્ધ સ્વરૂપે ‘આહેં ન ભરી, શિકવે ન કિયે‘ (ઝીનત) , ‘હમેં તો લૂટ લિયા મિલકે હુસ્નવાલોં ને‘(અલ હિલાલ), ‘તેરી મહેફિલ મેં કિસ્મત આજમાકર હમ ભી દેખેંગે‘ (મુગલ-એ-આઝમ) , ‘આજ ક્યું હમ સે પરદા હૈ‘ (સાધના) સહિત બીજી અનેક પચાસ અને સાઠના દાયકામાં ફિલ્મોમાં આવી ગઈ હતી. આ કવ્વાલીઓમાં સંગીતપ્રેમીઓ લગભગ એકમતે સંગીતકાર રોશનની કવ્વાલીઓને શ્રેષ્ઠ ગણે છે. એમાં પણ ‘બરસાત કી રાત’ની ‘ના તો કારવાં કી તલાશ હૈ‘ની વાત આવે એટલે બસ! આગળ કશી ચર્ચા જ નહીં.

(આ કવ્વાલીના મૂળ વિશેની રસપ્રદ વિગત અહીં વાંચી શકાશે.)

આ ફિલ્મમાં આ ઉપરાંત બીજી બે અદ્‍ભુત કવ્વાલી ‘જિ ચાહતા હૈ ચૂમ લૂં‘ અને ‘નિગાહે નાઝ કે મારોં કા હાલ ક્યા હોગા‘ પણ હતી, અને સાહિરની લખેલી ઉત્તમ નઝમ ‘જિન્દગીભર નહીં ભૂલેગી યે બરસાત કી રાત‘ અને ‘મૈંને શાયદ તુમ્હેં પહલે ભી કહીં દેખા હૈ‘ પણ ખરી. આ ઉપરાંત ‘મુઝે મિલ ગયા બહાના તેરી દીદ કા‘ જેવું રોશનની મુદ્રા ધરાવતું ગીત.

આ તમામ ઉત્તમોત્તમ રચનાઓની વચ્ચે આગવું અને અનોખું સ્થાન સુમન કલ્યાણપુર અને કમલ બારોટ દ્વારા ગવાયેલું ‘ગરજત બરસત સાવન આયો રે’ ધરાવે છે. રાગ કે શાસ્ત્રીય સંગીત વિશે ખાસ જાણકારી ન હોય એવા, મારા જેવા અનેકોને આ ગીત અદ્‍ભુત રસનો અનુભવ કરાવે છે. તેના આરંભે સંતૂર, સિતાર, જલતરંગ અને સારંગીના સૂર જાણે કે વરસતા વરસાદનો અનુભવ કરાવે છે. આ ગીતનું આરંભિક સંગીત વિવિધ ભારતી પર આવતા શાસ્ત્રીય સંગીતની ચર્ચા કરતા કાર્યક્રમ ‘સંગીતસરિતા’ની સિગ્નેચર ટ્યૂન તરીકે વરસો સુધી સંભળાતું રહ્યું.

(ડાબેથી: રોશન, સાહિર, મોહમ્મદ રફી અને, અહીં રોશનના સહાયકની ભૂમિકામાં, સંગીતકાર ઓમી)

‘બરસાત કી રાત’ (૧૯૬૦)ના ટાઈટલ સોન્‍ગ તરીકે આ જ ગીતને મૂકવામાં આવ્યું છે. આ અગાઉ, રોશને આ જ ધૂનનો ઉપયોગ પોતાના સંગીતવાળી ફિલ્મ ‘મલ્હાર’ (૧૯૫૧) ના ટાઈટલ સોન્ગ તરીકે કર્યો હતો. લતા મંગેશકરે ગાયેલા એ ગીતના શબ્દો હતા, ‘ગરજત બરસત ભીજત આઈ લો‘. શક્ય છે કે ‘બરસાત કી રાત’ માટે આ જ ધૂન અને મુખડા પર સાહિરસાહેબ પાસે ગીત લખાવાયું હોય. આ ગીતમાં કમલ બારોટનો અતિશય પાતળો સ્વર ખાસ ધ્યાન ખેંચે છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

गरजत बरसत सावन आयो रे
गरजत बरसत सावन आयो रे
लायो ना संग में हमरे
बिछड़े बलमवा
सखी का करूं हाय
गरजत बरसत सावन आयो रे

गरजत बरसत सावन
आयो री सावन आयो सावन आयो रे
गरजत बरसत सावन…

रिमझिम रिमझिम मेहा बरसे
रिमझिम रिमझिम मेहा बरसे
बरसे मेहा

रिमझिम रिमझिम मेहा बरसे
तड़पे जियरवा मीन सामान
पड़ गई फीकी लाल चुनरिया
पिया नहीं आए
गरजत बरसत सावन आयो रे
गरजत बरसत सावन…

पल पल छिन छिन पवन झकोरे
पल पल छिन छिन पवन झकोरे

पल पल छिन छिन पाव झकोरे
लागे तन पर तीर समान
तीर समान
सखी लागे तन पर तीर समान
नैनन जल सो गीली चदरिया
अगन लगाए
गरजत बरसत सावन आयो रे

लायो ना संग में हमरे बिछड़े बलमवा
सखी का करूं हाय
गरजत बरसत सावन आयो

लायो ना
संग में
हमरे
बिछड़े बलमवा
सखी का करूं हाय रे हाय

આ ક્લીપમાં ‘બરસાત કી રાત’નું આ અદ્‍ભુત ટાઈટલ સોન્ગ સાંભળી શકાશે.

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)