ફિર દેખો યારોં

બીરેન કોઠારી

નદીને લોકમાતા કહેવામાં આવે છે, એ વાક્ય હવે કદાચ શાળાના નિબંધમાં પણ લખાતું બંધ થઈ ગયું હશે. કેમ કે, મોટા ભાગની વર્તમાન પેઢીના ભાગે નદીનો કોરો પટ કાં ધસમસતું વહેણ એમ બે જ અંતિમો જોવાનાં આવે છે. નદીઓ હવે પ્રદૂષણયુક્ત બની રહી છે. આ સંદર્ભે કેન્‍દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ (સી.પી.સી.બી.)નો વર્ષ ૨૦૨૨નો આ વર્ષે પ્રકાશિત અહેવાલના કેટલાક અંશ પર નજર કરવા જેવી છે.

આ અહેવાલમાં બૉર્ડ દ્વારા દેશની કુલ ૨૭૯ નદીઓ પૈકીના ૩૧૧ સ્થાન(પટ)ને પ્રદૂષિત પટ તરીકે ઓળખાવાયા છે. આશ્વાસનરૂપ હકીકત એ છે કે ૨૦૧૮માં આ સંખ્યા ૩૫૧ હતી, જે ચાર વર્ષમાં ઘટી છે. આમ છતાં, ‘સૌથી પ્રદૂષિત’ પટની સંખ્યા એમની એમ રહી છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં ‘સૌથી પ્રદૂષિત’ પટનું પ્રમાણ વધુ છે.

આ બધામાં પણ મહારાષ્ટ્ર સૌથી આગળ છે, જેમાં પ્રદૂષિત પટની સંખ્યા વધીને ૫૫ થઈ છે. દેશની વિવિધ નદીઓનાં પાણીની ગુણવત્તાને સમયાંતરે ચકાસવામાં આવે છે, અને ‘બાયોલોજિકલ ઑક્સિજન ડિમાન્‍ડ’ (બી.ઓ.ડી.)નું પ્રમાણ નિર્ધારીત કરતાં વધુ હોય તેને ‘પ્રદૂષિત’ની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આવાં સ્થાન પરનું પાણી પીવા કે સ્નાનને લાયક હોતું નથી. પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રાને માપવા માટે ‘બી.ઓ.ડી.’નો ઉપયોગ કરવામાં આવે છે. ‘પ્રદૂષિત’ અને ‘અતિ પ્રદૂષિત’ સ્થાન વચ્ચે ઝાઝો તફાવત નથી. માનવો તેમજ નદીના જળ પર આધારિત અન્ય જીવસૃષ્ટિ તેમજ વનસ્પતિસૃષ્ટિ માટે બન્ને નુકસાનકારક જ છે. આમ છતાં, આપણા દેશમાં વિશાળ સંખ્યામાં લોકો આવા પાણીનો ઉપયોગ પીવામાં તેમજ સ્નાન માટે કરે છે. આથી નદીઓનાં આવાં પ્રદૂષિત સ્થાન માનવસ્વાસ્થ્યને તેમજ અન્ય જળચરોને વિપરીત અસર કરે છે.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી

નદીઓ પ્રદૂષિત શાથી થાય છે એ કંઈ કોઈ ગૂઢ બાબત નથી. ઔદ્યોગિક પ્રદૂષકોને સીધેસીધાં નદીમાં ઠાલવવામાં આવે છે, એમ શહેરોની ગટરની ગંદકી પણ નદીમાં જ છોડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગો સૌથી વધુ છે, આથી ત્યાંની નદીઓના પ્રદૂષિત પટની સંખ્યા સૌથી વધુ હોય એમાં શી નવાઈ? દેશભરમાં હવે શહેરીકરણની માત્રા વધુ ને વધુ થઈ રહી છે. તેને કારણે નદીઓની સ્થિતિ બદતર થતી ચાલી છે. પેદા થતા કચરાનું પ્રમાણ ગુણાકારમાં હોય છે, જેનો સીધો યા આડકતરો ભોગ નદીએ બનવું પડે છે.

નદીઓની સ્વચ્છતા બાબતે ઉપાયો અજમાવવામાં આવે છે ખરા, પણ એ મોટે ભાગે ટૂંકા ગાળાના હોય છે. તેમાં ખાસ સફળતા મળતી નથી. ગંગા અને યમુના જેવી મોટી નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે, અને તેને સ્વચ્છ કરવા માટે અતિશય ખર્ચાળ યોજનાઓ બનાવવામાં આવી છે. આમ છતાં, આ નદીઓના પ્રદૂષણમાં ખાસ કશો ફરક પડ્યો નથી. કારખાનાં પોતાના પ્રવાહી કચરાને નદીમાં ઠાલવે એ અગાઉ તેને યોગ્ય રીતે ‘ટ્રીટ’ કરે એવો નિયમ છે. આમ કરવા માટે કારખાનાંએ અલાયદું એકમ બનાવવું પડે. મોટા ભાગના કારખાનાંવાળા આવી ઝંઝટમાં પડતા નથી, અને પ્રદૂષકો ધરાવતો પ્રવાહી કચરો નદીઓમાં સીધેસીધો જ ઠાલવે છે. શહેરો અને નગરો પણ ગટરની ગંદકીને આ જ રીતે, કશી ‘ટ્રીટમેન્‍ટ’ કર્યા વિના મોટા ભાગે સીધેસીધી જ નદીમાં ઠાલવે છે. તેમની પાસે ‘ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ‘ હોય તો પણ તેની કાર્યક્ષમતા બાબતે સામાન્ય રીતે બેપરવાઈ જોવા મળે છે.

આ સમસ્યા આજકાલની નથી, અને એટલી સહેલાઈથી ઊકેલાય એમ પણ નથી લાગતું. કેમ કે, પાણી અંગેની નીતિ કાગળ પર તૈયાર થાય તો પણ તેના અમલમાં જે સખ્તાઈ હોવી જોઈએ એ જણાતી નથી. હજી તો વિવિધ નદીઓનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરવાની અને નદીઓને એકમેક સાથે સાંકળવાની યોજનાઓ તૈયાર થઈ રહી છે. આ પ્રકારની કોઈ પણ યોજના વિચારતી વખતે કાગળ પર તેનાં દરેક પાસાંનું આયોજન હોય છે. ધારી લઈએ કે એ બધું આયોજન એકદમ યોગ્ય રીતે પાર પડે તો પણ તેની વિપરીત અસર જે થવાની એ થવાની જ. એ અસર થાય અને પછી તેને ઘટાડવા અંગેનાં પગલાં લેવાય તોય એ નુકસાન કર્યા વિના રહેતા નથી.

એ હકીકત પણ સ્વીકારવી રહી કે આવી દેખરેખ સાતત્યપૂર્વક રાખી શકાતી નથી. સરવાળે થાય છે એવું કે વિકાસનાં ફળ સૌને નજર સામે દેખાય છે, અને તેની આડમાં પ્રદૂષણનો મુદ્દો સાવ કોરાણે મૂકાઈ જાય છે.
અગાઉ ‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ’ દ્વારા હુકમનામું બહાર પાડવામાં આવ્યું હતું કે સી.પી.સી.બી. અને જલશક્તિ મંત્રાલયે નદીઓના પ્રદૂષણ અને તેની સાથે સંકળાયેલી તમામ બાબતો પર દેખરેખ રાખવી. પ્રત્યેક રાજ્યે સુનિશ્ચિત કરવું કે ઓછામાં ઓછા કોઈ પણ એક નદીના પટને ‘સ્વચ્છ’ કરવામાં આવે કે જેથી તે પાણી પીવા માટે નહીં તોય સ્નાન માટે ઉપયોગી બની શકે.

ટૂંકમાં કહીએ તો, રાજ્ય અને રાષ્ટ્રની સંબંધિત એજન્‍સીઓ નદીઓના આ પ્રદૂષણ બાબતે સભાન છે, એટલું જ નહીં, તેને ઘટાડવા માટે કટિબદ્ધ પણ હોય એમ જણાય છે. કાગળ પર એ અંગેની વિગતો દેખાડવામાં આવે છે, એ આશ્વાસન ઓછું નથી. મુખ્ય સવાલ એ રહે છે કે કાગળ પરની આ કવાયતનો વાસ્તવમાં કશો અર્થ સરશે ખરો? શું નદીઓના પ્રદૂષિત જળની માત્રામાં ખરેખર ઘટાડો થશે ખરો? આ સવાલના જવાબ ન અપાય તો પણ ચાલે. એનું પરિણામ નજર સામે જોવા મળે તો ઘણું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)