વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

મુળ લેખક  શ્રી રામ મનોહર વિકાસ

અનુવાદઃ  જગદીશ પટેલ

“મને લાગે છે કે તે રામા પીરનો ફોટો છે,” મેં દિવાલ પર લટકેલા અને માળા પહેરાવેલા એક મોટી ફ્રેમવાળા ફોટા તરફ ઇશારો કરતાં કહ્યું. ચિત્રના કેંદ્રમાં રામદેવ પીરને સફેદ ઘોડા પર બેસાડવામાં આવ્યા હતા અને તેમના હાથમાં તલવાર ધારણ કરી હતી અને ઘોડાની ફરતે ઘડિયાળની દિશામાં એક વર્તુળમાં રામા પીરના જીવનના મહત્વના બનાવો ચીતરવામાં આવ્યા હતા. સાંજે 6 વાગ્યાની સ્થિતિમાં રામા પીરનું વિચ્છેદ કરાયેલું માથું, મોટી આંખો અને મોટી મૂછો સાથે દર્શક તરફ જોતું હતું.

[જો તમે રામદેવ પીર વિશે જાણવા આતુર હો તો તમે ડોમિનિક-સિલા ખાન (૨૦૦૩) દ્વારા રચિત “કન્વર્ઝન્સ એન્ડ શિફ્ટિંગ આઈડેન્ટિટીઝ: રામદેવ પીર એન્ડ ધ ઈસ્માઈલીસ ઇન રાજસ્થાન” નો સંદર્ભ લઈ શકો છો.]

“તેઓ તેની પૂજા કરે છે,” પુત્રએ તેના પિતા તરફ સંકેત કરતા કહ્યું.

“અને તમે?”

“હું નથી કરતો. હું બૌધ છું. હું બાબાસાહેબને અનુસરું છું,” પુત્રએ સ્મિત સાથે કહ્યું અને ઉમેર્યું, “હું પહેલા માળે રહું છું. મારા ઘરમાં કોઈ હિંદુ દેવી-દેવતાઓના ફોટા નથી. જો કે ઘરમાં કોઇ પ્રસંગ હોય તો હું જોડાઉં છું. મારો તેમનો (હિંદુ દેવી દેવતા) સામે કોઈ વિરોધ નથી પણ હું બૌધ્ધ છું.”

બાજુમાં બેઠેલા પિતા શાંતિથી સાંભળાતા હતા.

પલંગ પર બેઠેલા પિતા-પુત્રની જોડીની પાછળ દિવાલ પર કબાટમાં મેં બુદ્ધ અને બાબાસાહેબનો એક ફોટોગ્રાફ જોયો જે કપ-રકાબી અને સિરામિક પૂતળાંના સંગ્રહ પાછળ છુપાયેલો હતો.

થાનગઢ સુરેન્દ્રનગરથી ટ્રેન દ્વારા લગભગ ૪૮ કી.મીટરને અંતરે છે જે એક્સપ્રેસ ટ્રેન 45 મિનિટમાં કાપે છે. એક સમયે થાન સિરામિક ક્રોકરી માટે પ્રખ્યાત હતું. થાન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામેની બાજુએ પરશુરામ પોટરી નામનું મોટું કારખાનું હતું. તે હવે બંધ છે.

થાન હવે સેનિટરીવેર ઉત્પાદન માટે પ્રખ્યાત છે.

[ટ્રેન સુરેન્દ્રનગર સ્ટેશને એક કલાક અને પિસ્તાળીસ મિનિટ મોડી આવી. જનરલ કોચ ખચોખચ ભરેલા હતા. ચમારજ, દિગસર, મૂળી રોડ, રામપરડા અને વાગડીયા સ્ટેશન પર ઉભી ન રહેતાં ગાડી સડસડાટ થાન પહોંચી. વાગડિયામાં અને તેની આસપાસના વિસ્તારમાં મેં કાળા પથ્થરના ટેકરાની બાજુમાં મશીનો ગોઠવાયેલા જોયા. મને આ વિસ્તારમાં કોલસાની ખાણ – ઘણે ભાગે ગેરકાયદેસર ખાણો- વિશે જાણ કરવામાં આવી;. મને જાણીને આશ્ચર્ય થયું કે આ વિસ્તાર 200થી વધુ કોલસાની ખાણોથી ભરેલો છે.]

“થાનમાં અને તેની આસપાસ લગભગ ૩૦૦ સેનિટરી ચીજોનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ છે. જો કે, તેમાંથી કોઈ પણ પરશુરામ જેટલું મોટું નથી,” વૃદ્ધ વ્યક્તિએ કહ્યું. તેણે પોતાની ઉંમર ૭૫ વર્ષ હોવાનું જણાવ્યું.

“તમને સિલિકોસિસ ક્યારે થયો?” મેં પિતાને પૂછ્યું.

“મેં સિરામિક ઉદ્યોગમાં ૪૦ વર્ષ કામ કર્યું. ત્રીસ વર્ષ સુધી મેં પરશુરામમાં અને પછી ૧૦ વર્ષ નાની ફેક્ટરીઓમાં કામ કર્યું,” તેમણે કહ્યું.

“તમે ત્યાં શું કરી રહ્યા હતા?”

“મૈં ભરાઈ કા કામ કરતા થા – હું ફિલિંગ વર્ક કરી રહ્યો હતો,” તેણે શુધ્ધ હિન્દીમાં કહ્યું.

મેડિકલ રિપોર્ટમાં COPDનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો (ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ). સીઓપીડી એ શ્વસનતંત્રનો એવો રોગ છે જેમાં હવા બહાર કાઢવી મુશ્કેલ છે. હોસ્પિટલના ડિસ્ચાર્જ કાર્ડની આગળની લાઇન “સિલિકોસીસ” માં પ્રશ્ન ચિહ્ન સાથે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમનો બીડી પીવાનો ઇતિહાસ પણ હતો.

“ભરાઈ કા કામ શું છે – ભરવાનું કામ?”

“તેમાં તમારે માટીને મોલ્ડમાં ભરવી પડે, પછી મોલ્ડને કાઢીને આગળની પ્રક્રિયા માટે સપાટી સાફ કરવાની હોય છે. આ સફાઇ દરમિયાન સપાટી પર જામેલી ધૂળને દૂર કરવામાં આવે છે. સફાઇ કરવા માટે દબાણપુર્વક હવા ઉત્પાદનો પર ફૂંકવામાં આવે છે. આ ખાતામાં આસપાસની ઘણી બધી ધૂળ પણ હોય છે,” તેમણે જણાવ્યું.

“તમને આ રોગ ક્યારે થયો?”

“2017-18થી હું નિયમિતપણે દવા લઈ રહ્યો છું. અગાઉ જ્યારે હું કામ કરતો હતો ત્યારે મને નિયમિતપણે છીંક આવતી હતી અને ખાંસી આવતી હતી, પરંતુ તે દવાથી ઠીક થઈ જતી હતી. તે ધૂળને કારણે થતું,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “૧૯૯૪ સુધી મેં પરશુરામમાં કામ કર્યું હતું. પછી 2006 સુધી નાની ફેક્ટરીઓમાં.”

“આ રોગ વકરતાં ૧૨ વર્ષ લાગ્યા?” મેં પુછયું.

“હા,” તેણે કહ્યું અને માથું હલાવ્યું.

દીકરો ઉભો થયો અને ઉપલા માળે તેના ઘરેથી મેડિકલ રિપોર્ટ્સ લેવા ગયો. મોટા ડ્રોઈંગ રૂમની અંદરના પ્રવેશદ્વારની નજીક સુગરીના છ ત્યજી દેવાયેલા માળાઓ લટકાવવામાં આવ્યા હતા. એવું લાગતું હતું કે હોલમાં છ ફેફસાં લટકાવવામાં આવ્યાં હોય! તેમાંથી એકમાં રણશીંગી તુતી (ટ્રમ્પેટર ફિન્ચ) પક્ષીઓએ માળો બનાવ્યો હતો. એકાએક બચ્ચાઓ અવાજ કરવા લાગ્યા. એવું લાગે છે કે તેઓ ખોરાકની અપેક્ષાથી ઉશ્કેરાયા હતા. માળાની ટોચ પર એમની મા ખોરાક લઈને બેઠી હતી. બહાર આંગણામાં બેમોસમ પડી રહેલો વરસાદ આંગણાના પથ્થર પર પડવાને કારણે વિશિષ્ટ સંગીત રેલાવતો હતો. આગળ સાંકડા રસ્તા પર બાળકો રમતા હતા. એક નાનકડી છોકરી રડવા લાગી કારણ કે એક નાના છોકરાએ તેના પર પાણી ફેંક્યું. તે આંગણામાં આવીને રડતી ફરિયાદ કરવા લાગી. છોકરાની માતા બહાર આવી અને છોકરાને સોરી કહેવા કહ્યું. તેણે “માફ કરશો” કહ્યું અને આ મુદ્દો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો.

દીકરો મેડિકલ રિપોર્ટ્સવાળી બેગ લઈને આવ્યો.

“તારી ઉંમર કેટલી છે?  મેં તેને પૂછ્યું.

“૫૦ વર્ષ,” તેણે ડોકટરોની ફાઇલ અને કેસ પેપેર અને રિપોર્ટ કાઢ્યા અને મારી સામે ધર્યા

એક કેસપેપરમાં “ફાઇબ્રોસિસ” લખ્યું હતું.

“સ્વાસ્થ્યની સમસ્યા ક્યારથી શરૂ થઈ?” મે પુછ્યુ.

“ગયા વર્ષે મે મહિનામાં મને ખાંસી શરૂ થઈ. હું સરકારી મેડિકલ હોસ્પિટલમાં ગયો. તેણે મને ગળફાનો ટેસ્ટ કરાવવા કહ્યું. ગળાફાના ત્રણેય રિપોર્ટમાં રિઝલ્ટ નેગેટિવ આવ્યું એટલે કે તેમાં ટીબીના જંતુ દેખાયા નહી. પણ ડૉક્ટરે ટીબીની દવા શરૂ કરી. ખાંસી ઓછી થઈ પણ શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ. ત્યારપછી, હું સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલમાં ગયો. તે એક મોટી ખાનગી હોસ્પિટલ છે,” તેમણે કહ્યું.

“મારા ફેફસાંની અંદર પાણી હતું (તબીબી પરિભાષામાં તેને પલ્મોનરી એડીમા કહેવામાં આવે છે). તેઓએ તેને બહાર કાઢ્યું અને દવા આપી. ડૉક્ટરે મને નિયમિતપણે એક દવા લેવાનું કહ્યું. ડૉક્ટરે કહ્યું કે તે દવા ફેફસાંને વધુ નુકસાન થતું અટકાવશે. ડોક્ટરે જો કે એમ પણ કહ્યું કે સ્થિતિ સુધરશે કે નહીં તેની ખાતરી નથી પણ તેણે મને દવા લેવાનું ચાલુ રાખવા કહ્યું. તે ખૂબ જ મોંઘી દવા છે,” પુત્રએ કહ્યું.

“તેની કિંમત કેટલી છે?”

“આ વખતે હું બે મહિના માટે દવા ખરીદવા ગયો હતો તેની કિંમત રૂ. ૯,૦૦૦/- (માત્ર નવ હજાર રૂપિયા) હતી. મારી પાસે પૈસા ન હતા તેથી મેં માત્ર 10 દિવસ માટે રૂ. ૧,૫૦૦/-માં દવા ખરીદી હતી,” તેણે છેલ્લા પર ભાર મૂકતા કહ્યું.

“શું તમારી પાસે MA કાર્ડ છે (મુખ્યમંત્રી અમૃતમ યોજના MA ના નામથી જાણીતી છે)?”

“ના. મારી પાસે આયુષ્માન કાર્ડ છે, પરંતુ તે હોસ્પિટલમાં ચાલતું નથી (સી. યુ. શાહ),” તેણે કહ્યું.

“કેમ?” મે પુછ્યુ.

“તેઓ આયુષ્માન ભારત કાર્ડ સામે મફત દવા આપતા નથી. તેઓ નજીવું ડિસ્કાઉન્ટ આપે છે,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “મેં બીજી વખત રૂ. ૨,૦૦૦ /-માં ૧૫  દિવસ માટે દવા ખરીદી. મેં હજુ સુધી એક મહિનાના ડોઝની દવા ખરીદી નથી, ” તેણે કીધુ.

“તમે દવા કેવી રીતે ખરીદશો?” મે પુછ્યુ.

“ધીમે-ધીમે હું દવા ખરીદીશ. શું કરૂં? મારી પાસે પૈસા નથી. હું કોઈ કામ કરી શકતો નથી. ડૉક્ટરે મને કોઈ કામ કરવાની મનાઈ કરી છે. તેમણે કહ્યું કે જો હું કામ કરીશ તો દવા કામ નહીં કરે,” તેણે કહ્યું.

“તમારા પરિવારમાં બીજું કોઇ કમાનાર નથી?” મેં પૂછ્યું.

“મારી પુત્રી એક મોલમાં જાય છે. તે દર મહિને રૂ. ૫,૦૦૦/- કમાય છે. મારી પત્ની ઘરકામ કરવા જાય છે. તે દર મહિને રૂ. ૩,૦૦૦/- કમાય છે. મારા ઘરની કુલ માસિક આવક રૂ. ૮,૦૦૦/- છે,”

“જેમાંથી રૂ. ૪,૫૦૦/- તમારી દવા પાછળ ખર્ચવામાં આવે છે અને તમારી પાસે દર મહિને રૂ. ૩,૫૦૦/- બચે છે. તમે કેવી રીતે મેનેજ કરશો?” મે પુછ્યુ.

“હું મારી છેલ્લી ફેક્ટરીના શેઠ (માલિક) પાસે ગયો જ્યાં મેં સાત વર્ષ કામ કર્યું અને તેમને મારા તબીબી ખર્ચ વિશે જણાવ્યું. અહીં ઘણી નાની ફેક્ટરીઓ છે. તેમાંથી કોઈ પણ કામદારોને કાયમી રોજગાર આપતું નથી. તેનાથી વિપરીત, તેઓ જાણીજોઇને કોઇને કોઇ બહાને કારખાનું થોડા દિવસ બંધ કરે છે. વર્ષમાં ૩ – ૪  મહિના ગેસ ન મળવો અથવા માલનો ભરાવો થયો જેવા બહાના અથવા અન્ય બહાને ફેક્ટરી બંધ કરે છે. વધુમાં, રોજમદાર કામદારની કોઈ વ્યવસ્થા નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે. ધારો કે તમે ભારાઈ (ફિલિંગ)નું કામ કરો છો. તમે જેટલા નંગ તૈયાર કરીને ગ્લેઝિંગ કરવા આગળ મોકલો તે નંગ મુજબ તમને ચૂકવણી કરવામાં આવે છે,” તેમણે કહ્યું.

હું સાંભળતો હતો.

“મેં માલિકને કહ્યું કે હું ખરાબ તબિયતને કારણે છેલ્લા છ-સાત મહિનાથી કામ કરી શકતો નથી અને તેને મારૂ મેડિકલ બિલ બતાવ્યું. તેણે મને રૂ. ૫,૦૦૦/- આપ્યા. મેં તેમને કહ્યું કે મેં દવા અને હોસ્પિટલમાં દાખલ થવા પાછળ લગભગ રૂ. ૩૦,૦૦૦/- ખર્ચ્યા છે. પરંતુ તેણે મને માત્ર રૂ. ૫,૦૦૦/- આપ્યા,” તેણે કહ્યું.

“સી. યુ. શાહને બદલે તમારે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં (તે સરકારી હોસ્પિટલ છે) જવું જોઈએ. સિલિકોસિસના દર્દીઓને મફત દવા આપવાનો સરકારી આદેશ છે. વધુમાં, ગઈકાલે હું RMO, સુરેન્દ્રનગરને મળ્યો હતો. તેમણે પુષ્ટિ કરી કે ત્યાં તમામ દવાઓ વિનામુલ્યે આપવામાં આવે છે તે વાત તેમણે સ્પષ્ટ કરી. સિલિકોસિસનો કોઈ ઇલાજ નથી. ડૉક્ટરો માત્ર લક્ષણોને ધ્યાનમાં રાખી સારવાર આપે છે. તમને સિલિકોસિસ થયો હોવાથી તમારે નિયમિત દવાઓ લેવી પડે છે,   તેથી તમે મફત દવા માટે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.” વરિષ્ઠ સાથીદારે વાત કરી.

“તમે સરકારી દવાખાને નથી ગયા?” મેં પૂછ્યુ.

“ના,” પુત્રએ કહ્યું અને માથું હલાવ્યું.

“થાનમાં કોઈ સરકારી હોસ્પિટલ છે?”

“તેઓ અહીં કંઈ કરતા નથી. તેઓ ફક્ત કેસને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરે છે. અહીં કોઈ ડૉક્ટરો નથી,” તેમણે કહ્યું અને ઉમેર્યું, “સી. યુ. શાહ એક ખાનગી હોસ્પિટલ છે. ત્યાં પ્રવેશ માટે કોઈ ફી નથી પરંતુ તેઓ જે દવાઓ લખે છે તે ખૂબ ખર્ચાળ હોય છે. જો તમને ત્યાં દાખલ કરે અને ત્યાં ૫  – ૬  દિવસ રહેવું પડે તો ઓછામાં ઓછા રૂ. ૧૨,૦૦૦/- નો ખર્ચ થઇ જાય.”

“તમે સરકારી દવાખાને, સુરેન્દ્રનગર ગયા હતા?”

“ના, ત્યાં તેઓ આ રિપોર્ટ્સ આપતા નથી. તેથી હું સી. યુ. શાહમાં ગયો. તે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે. તેઓ સંપૂર્ણ રિપોર્ટ આપે છે. અન્ય કોઈ હોસ્પિટલમાં મને આવી સારવાર મળતી નથી,” તેણે કહ્યું.

“તમે ESI હોસ્પિટલમાં ગયા હતા?” મેં પૂછ્યુ. [તે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારીઓનું રાજ્ય વીમા નિગમ છે.]

દીકરો મારી સામે તાકી રહ્યો. મેં ત્રણ વાર પ્રશ્નનું પુનરાવર્તન કર્યું. તેને મારો સવાલ જ સમજાતો ન હતો. એ મોં વકાસીને જોતો રહ્યો. તેના પિતાએ દરમિયાનગીરી કરતાં કહ્યું, “તે બંધ કરવામાં આવ્યું છે.”

દીકરાએ તેની સામે જોયું. પછી તેણે પૂછ્યું, “તમે બીમા કા દવાખાના વિશે પૂછપરછ કરો છો?”

“હા,” મેં કહ્યું.

“તે ત્યાં પહેલા હતું પરંતુ હવે તે અસ્તિત્વમાં નથી. તે પરશુરામ ઇન્ડસ્ટ્રીઝની નજીક સ્થિત હતું. ફેક્ટરી બંધ થયા પછી વીમા દવખાનું પણ બંધ થઈ ગયું હતું. થાનમાં વીમાનું એ એક જ દવાખાનું હતું,” તેમણે કહ્યું.

“તે કેમ બંધ કર્યું?”

“મને ખબર નથી. મારા પિતા કદાચ જાણતા હશે. હું પરશુરામમાં કામ કરતો ન હતો. હું ખાનગી (નાની) કંપનીઓમાં કામ કરતો હતો,” તેણે કહ્યું.

“એટલે?”

“એવા મોલ્ડ હોય છે જેમાં તમારે માટીની સ્લરી રેડવાની હોય છે. મોલ્ડને થોડો સમય મુકી રાખવામાં આવે છે. પાણી ધીમે ધીમે ચુસાઇ જાય છે અને માટી કડક બને છે. પછી મોલ્ડને દૂર કરવામાં આવે છે અને સપાટીને કાગળથી સાફ  કરવામાં આવે છે. કાગળની સપાટીને ઘસ્યા પછી હવાના દબાણથી સાફ કરવામાં આવે છે. આખો ઓરડો ધૂળથી ભરાઈ જાય છે.” તેણે કહ્યું.

તે બોલી રહ્યો હતો ત્યારે લાઇટ ગઇ. તેણે આગળ કહ્યું, “આખો શેડ ધૂળથી ભરેલો રહે. જો તમે માસ્ક ન પહેર્યો હોય તો તમારા શ્વાસમાં સીધી જ ધૂળ જાય. જો તમે માસ્ક પહેર્યા હોય તો પણ થોડી ધૂળ તો શ્વાસમાં જાય જ. થાનમાં સિરામિક સિવાય બીજું કોઈ કામ નથી.”

“થાનમાં કેટલા કારખાના છે?”

“નાના મોટા થઇ લગભગ ૩૦૦ ” તેમણે કહ્યું.

“બધા કારખાનામાં ભારાઇનું કામ હોય?”

“હા. પછી, તેઓ રંગ નાખે છે. તેને ગ્લેઝિંગ વર્ક કહેવામાં આવે છે. તે વધુ જોખમી છે. આખી જગ્યા ધૂળથી ભરેલી હોય. તેમાં ખતરનાક રસાયણો પણ હોય છે. જો તે ફેફસાંની અંદર જાય તો કામદારો મૃત્યુ પામે છે. ઘણા કામદારો મૃત્યુ પામ્યા છે. ૪૦  વર્ષ જેટલા નાના છોકરાઓ મૃત્યુ પામ્યા. સ્થાનિક લોકો તેના વિશે જાણે છે. હવે, ગ્લેઝિંગ વિભાગમાં લગભગ કોઈ ગુજરાતી કામ કરતું નથી. માત્ર સ્થળાંતરિત કામદારો ત્યાં કામ કરે છે,” તેમણે કહ્યું.

“એક દિવસમાં કેટલા નંગ બને છે?”

“૨૦ – ૨૫  નંગ,” તેમણે કહ્યું.

“તેની મજુરી કેટલી મળે?” મે પુછ્યુ.

“રૂ.૯,૦૦ /- થી રૂ.૧,૦૦૦ /-,” તેમણે કહ્યું.

“આ તો મોટી રકમ કહેવાય,” મેં કહ્યું.

તેના પિતાએ દરમિયાનગીરી કરી. મને તેમનું હિન્દી તેના પુત્રની સરખામણીમાં ઘણું સારું લાગ્યું પણ હું તેનું કારણ પુછવાનું ભૂલી ગયો. તેમનું હિન્દીનું વ્યાકરણ અને ઉચ્ચારણ દોષરહિત હતું. તેણે કહ્યું, “આ રકમ ત્રણ કામદારો વચ્ચે વહેંચવામાં આવે છે. એક મુખ્ય કામદાર અને બે હેલ્પર હોય.”

“હિન્દી (કામદારો) વધુ ઉત્પાદન કરે છે. ૪ – ૫ ની ટીમમાં કામ કરે છે અને એક દિવસમાં તેઓ ૪૦  નંગનું ઉત્પાદન કરે છે,” તેમણે કહ્યું.

“તમે રોજની કેટલી કમાણી કરતા હતા?”

“એક દિવસમાં હું રૂ. ૧,૩૦૦ /- જેટલી કમાણી થાય તેટલા નંગનું ઉત્પાદન કરતો. જો કે, તમારે બીજા દિવસે રજા રાખવી પડે કારણ કે નંગ ભીના હોય. તે બે દિવસ પછી સુકાય ત્યાં સુધી વાટ જોવી પડે. કામ બે કામદારો દ્વારા પૂર્ણ થાય છે. તેથી સરેરાશ કમાણી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ રૂ.૩૨૫/- થાય,” તેમણે કહ્યું.

હું સાંભળતો હતો.

“મારી પત્ની મારી સાથે મારા હેલ્પર તરીકે કામ કરતી હતી. તે અહીંનો શિરસ્તો કે પરંપરા છે. પતિ અને પત્ની બંને ભેગા મળી ભરાઈ કામ કરે છે,” તેણે કહ્યું.

“તમારા પત્નીને ધૂળની અસર નથી થઈ?”

“તે કામ કરતી હતી ત્યારે તેને સતત ખાંસી આવતી હતી. મેં કામ છોડ્યું પછી તેણે પણ કામ કરવાનું છોડી દીધું. ત્યારથી તેને કોઈ સમસ્યા નથી,” તેણે કહ્યું.

“શું સ્ત્રીઓને સિલિકોસિસ જલદી લાગુ પડતો નથી?” મે પુછ્યુ.

“મને ખબર નથી પણ તેઓ આ કામમાં મોડેથી જોડાયા હતા. મારા પત્ની લગ્ન પછી મારી સાથે કામ કરવા જોડાયા. તે મારી સાથે ફેક્ટરીમાં જોડાઈ ત્યારે હું પહેલેથી જ ત્યાં કામ કરતો હતો. જ્યારે મેં કામ છોડ્યું ત્યારે તેણે પણ કામ કરવાનું છોડી દીધું હતું. તેથી તેણે માંરા કરતાં ઓછા વર્ષો કામ કર્યું. વળી, પુરૂષોની તુલનામાં મહિલાઓને  ધૂળનો સંપર્ક ઓછો હોય છે,” તેમણે સમજાવ્યું.

“તમે એક મહિનામાં કેટલા કમાતા?’

“રૂ. ૧૮,૦૦૦/-,” તેમણે કહ્યું.

“તમે કોઈ પૈસા બચાવી શકતા ન હતા?” મે પુછ્યુ.

“મારે ત્રણ દીકરીઓ છે. મોટી દીકરીના લગ્ન કરાવ્યા તેનો ખર્ચ કાઢ્યો. મારી બીજી દીકરીને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા હતી તેથી મારે સુરેન્દ્રનગર તેની સારવારનો ખર્ચ થયો,” તેણે કહ્યું.

“તમારે લોન લેવી પડી હતી?”

“ના. મેં મારા સંબંધીઓ પાસેથી રૂ. ૨,૦૦૦/- અથવા રૂ. ૩,૦૦૦ /-ની મદદ લીધી છે પણ મેં કોઈ લોન લીધી નથી. મારા ઘરનો કુલ ખર્ચ રૂ. ૮,૦૦૦ /- પ્રતિ મહિને થાય છે,” તેણે કહ્યું.

“ગયા વર્ષે છઠ્ઠા મહિનાથી મેં કામ કર્યું નથી. હું સંપૂર્ણ આરામમાં છું. જો હું કામ કરું તો મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. દવાને કારણે હું થોડું ચાલી શકું છું,” તેણે કહ્યું અને ઉમેર્યું, “નહાતી વખતે પણ મને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.”

“તમે હંમેશા પાતળા હતા?” મે પુછ્યુ. એટલામાં લાઇટ આવી ગઇ.

“ના, પહેલા મારું વજન ૬૦ કિલો હતું. બીમાર પડ્યા પછી હવે મારૂં વજન માત્ર ૪૭ કિલો છે. મેં ૧૩ કિલો વજન ગુમાવ્યું છે,” તેણે કહ્યું.

“તમને તાવ પણ આવે છે?”

“ના.”

થોડી વારે તેણે કહ્યું, “મને હાંફ ચડે છે.”


(વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના વિષય પરની આ કોલમ ૨૦૧૮માં મે મહીનામાં શરૂ કરી તેની આજે પાંચ વર્ષ પુરાં થયાં. આ ૬૦મો લેખ. ગીતા કથ્યા ‘કર્મણ્યે વાધિકારસ્તે, ના ફલેષુ કદાચન’ આદર્શ તરીકે ઠીક હશે પણ મારી માન્યતા નથી. માણસ તરીકે આપણે સતત સજાગ રહી આપણે જે કરતા હોઇએ તેના પરિણામ જોવા તપાસવા જોઇએ, મુલ્યાંકન કરવું જોઇએ અને તે મુજબ ફેરફારો કરવા જોઇએ. આ લખાણો કેટલા લોકપ્રિય થયા, કેટલા સમાજોપયોગી થયા, થયા એવો દાવો કે ન થયા તેવો દાવો પણ શાના આધારે કરવો; એ માટે આપણી પાસે ઉપલબ્ધ સાધનો ક્યાં? એ બધું જોતાં આપણા સમય શક્તિનો વધુ સારો ઉપયોગ સમાજ માટે શી રીતે થઇ શકે? આ બધું વિચારતા હવે આ કોલમને વિરામ આપવા નક્કી કર્યું છે. વેબ ગુર્જરીએ આટલા લાંબા સમય સુધી સહયોગ આપ્યો તે માટે વહીવટ કરનારા તમામનો ખાસ આભાર. ખાસ કરીને બીરેન કોઠારીએ આગ્રહપુર્વક લખાવ્યું તે માટે અને અશોકભાઇ વૈષ્ણવનો લખાણને સાઇટ પર વ્યવસ્થિત ગોઠવવો અને અનુરૂપ તસ્વીરો શોધી મુકવી, લિંક મુકવી અને સરસ રીતે રજુઆત કરવા માટે, કેટલાક લેખોમાં ફોન્ટ બદલી  આપવા માટે ઉર્વીશ કોઠારીનો આભાર માની વીરમું.)

જગદીશ પટેલ


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M – +91 942648685


‘વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી’ જેવા વિષયો વિશે સામાન્યપણે બહુ જાણ આપણને હોતી નથી. જગદીશભાઇએ પાંચ વર્ષ સુધી આ વિષય પર બહુ રસ લઈને ખંતથી આ શ્રેણી હેઠળ આપણને આ વિષયનાં ઘણાં પાસાંઓથી માહિતગાર કરેલ છે.
વેબ ગુર્જરી શ્રેણીને વિરામ આપવાના તેમના નિર્ણયને સ્વીકારવાની સાથે આ તકે તેમનો આભાર પણ માને છે.
આશા કરીએ કે સમયોચિત વિષયો પર તેઓ તેમના અનુભવનો લાભ વેબ ગુર્જરીના વાચકો સાથે વહેંચતા રહેશે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી