કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
ખેડુત એટલે પ્રકૃતિ સાથે જૂનો ધરોબો અને જીવંત નાતો ધરાવનાર શ્રમિક પેઢીનો વારસદાર ! કહોને ધરતી, પાણી અને હવા-પ્રકાશ જેવા પ્રાકૃતિક સ્ત્રોતોની નિશ્રામાં ખેતી પાકો અને પશુઓને પાળી-પોષી, તેના દ્વારા પ્રામાણિક પેટિયું રળવા કરવામાં આવતા પુરુષાર્થનું સાચુકલું પ્રતીક.
જેની પાસેથી કંઇક નવું પામવાનું છે, એ ખેતીપાકો અને પાલતુ જાનવરો છે બધાં જીવતાં, અને જેને ભરોસે ધંધામાં બધાં સાહસો ખેડવાનાં છે, તે બધાં પરિબળો છે પાછાં પૂરેપૂરા કુદરતી, એટલે કે એ બધાંનો એકબીજા સાથે મેળ બાંધનાર ખેડુત પૂરેપૂરો પ્રાકૃત સ્વભાવનો જ હોય તે સાવ સ્વાભાવિક ઘટના ગણાય.
એટલે જ કહું છું, ખેડુતમાં ખાસ પ્રકારના કેટલાક ગુણ –અવગુણની રીતે નહીં, પણ ધંધાની ઓતપ્રોત્તામાંથી ઊતરી આવેલા કેટલાક સંસ્કારો જે ખેડુતોમાં કાયમના માટે સ્થાઇ થઈ ગયેલા જણાય છે. ખરું કહીએ તો તેમાંના કેટલાક સાચવી રાખવા જેવા છે, તો કેટલાક ત્યજવા જેવા પણ છે એ નથી છૂટતા એટલે એ બધા ખેતી-ધંધા પર મોળી-માઠી અસરો ઉપજાવી રહ્યા છે. એ ઊંડા મૂળ ઘાલી, જડબેસલાક થઈ બેઠેલી માન્યતાઓ અને કેટલીક ઠરીને ઠામ થઈ ગયેલી સ્વભાવગત આદતોમાં બદલાવ લાવવો એક આધુનિક કૃષિકાર માટે અનિવાર્ય બની ચૂક્યું છે. જો આ એકવીસમી સદીમાં સહુની સાથે કદમ મિલાવી વ્યવસાય કરવો હોય તો……
@……. “ ક્યાંય ન હાલે તે ખેતીમાં હાલે” ઘર કરી ગયેલી માનસિકતાને દેવો પડશે જાકારો :
ખેતી એ આપણા બાપદાદા વખતનો જૂનો ધંધો છે. એટલે આપણને ગળથૂથીમાં જ ખેતી પ્રત્યેનો પ્રેમ અને કેટલીક વારસાગત આવડતોના સંસ્કાર મળેલા છે. એનો અર્થ એવો જરીકે ય કરવાની જરૂર નથી કે બીજા ધંધામાં ન હાલે તે બધાં ઓછી બુધ્ધિ કે નહિવત દ્રષ્ટિ વાળા ખેતીના ધંધામાં હાલે ! ખેતી એ તો એવડું મોટું આખું શાસ્ત્ર છે કે જેમાં બિયારણો, ખાતરો, પાણી, જમીન,વનસ્પતિના વિવિધ પાકો અને તેમાં આવતા રોગો, લાગતી જીવાતો તથા તેમાંથી ઉગરવાના ઉપાયો ઉપરાંત સાથમાં પાલતુ જાનવરો વિષેનો અભ્યાસ-જાણકારી વગેરે કેટલાય વિષયોમાં પારંગતતા હોય તો જ વ્યવસ્થિત ખેતી કરી શકાતી હોય છે. ખેતી એ તો જીવંત પાસાઓ સાથે કામ પાડનારો અને પૂરેપૂરો કુદરત-આધારિત વ્યવસાય હોઇ, કાયમ એકધારું બધું સમુસૂતરું હાલતું હોતું નથી. એમાં છાશવારે પરિસ્થિતિ બદલાતી રહેતી હોવાથી તાત્કાલિક અગાઉ નક્કી કરેલા નિર્ણયોમાં ફેરફાર કરવા પડતા હોય છે. એટલે મંદબુધ્ધિવાળા કે મનથી થાકી પડેલા માણસો આપણને ‘ખેતી’ના ધંધા ઉપર ભાર વધારનાર સાબિત થતા હોય છે. પોતાનાં આંખ-કાન ખુલ્લાં રાખી, શકરાબાજની નજરે નીરખતા રહેવાનો અભ્યાસ અને આદત નહીં કેળવીએ તો હવેની ખેતી સંભાળવામાં ખૂબ ઊણાં પડશું, એમ સ્પષ્ટ દેખાઇ આવે છે.
@…….માત્ર શરીર શ્રમને જ નહીં, બુધ્ધિચાતુર્યને પણ આગળ કરીએ :
માત્ર હળ-કોદાળી સાથે મથતા રહી, ટાઢ-તડકો વેઠતા રહી, ધરતીમાંથી ધાન શોધવા, ઢોર સાથે ઢોર અને ધૂળ સાથે ધૂળ બની રહી, ઉંધું ઘાલી કાળજાતૂટ પંડ્ય મહેનત કર્યા કરીએ, એને ખેતી કરી ન કહેવાય ! એવા બુધ્ધિને કોરાણે રાખીને કરાતા કામ તો ચોપગાં જાનવરો પાસેથી પણ ક્યાં નથી લઈ શકાતાં ? અને હવેના ઝડપી વિજ્ઞાનના જમાનામાં તો મોટા ગંજાવર મશીનો પાસેથી માત્ર ચપટી વગાડતાંની વારમાં આંગળીના ટેરવે [સ્વિચ દબાવી] ધાર્યુ કામ કરાવી શકાય તેવો સમય ચાલી રહ્યો છે ત્યારે હવે આપણે ખેડુતો જાતેકામ કરવાની પંડ્ય મહેનતની માસ્ટરી [ગધ્ધા-વૈતરાં]નાં જ વખાણ કર્યા કરશું કે એક સારા વ્યવસ્થાપક તરીકેની હેસિયત અદા કરવાની ત્રેવડ કેળવવાની શરૂઆત પણ કરીશું ?
ખેતીમાં શરીરશ્રમનું વજનદાર મહત્વ છે તેની ના નથી. ખેડુતમાં જરૂરપડ્યે ખાતરનો રેંકડો – ટ્રેલર જાતે ભરી વાળવાથી શરૂ કરી 100 ફૂટ ઊંડા કૂવામાં ઊતરવા સુધીના કોઇપણ કામને પૂરી અદાથી-સિફત પૂર્વક પૂર્ણ કરી શકે તેવી ત્રેવડ હોવી જોઇએ. પણ પાછો તેનો અર્થ એવો નથી કરવાનો કે તેણે માત્ર ઊંધું ઘાલીને બળ કરવાના કામો સિવાય બીજું કંઇ કરવું જ નહીં ! ખેડુત એ માત્ર ‘મજૂર’ નથી. તે એક કુશળ ‘વ્યવસ્થાપક’પણ છે, તે વાત કદી ન ભુલાવી જોઇએ.
શ્રમ કરતાં કરતાં શરીર થાકી જાય તો કંઇ વાંધો નહીં-આરામ કર્યા પછી, શરીરની તાજગી પાછી આવી જ જવાની છે. પણ શરીર શ્રમ એટલો વધારે ન કરવો કે જેથી ‘મન’ થાકી જાય ! જો મન થાકી જશે તો નવું કામ, નવું સાહસ, કે નવો પ્રયોગ કરવાની કદિ ઇચ્છા જ નહીં થાય.
ખેતીવાડીમાં કરાતો શારીરિક શ્રમ ધંધાનો એક ભાગ છે.તો બીજો ભાગ પાછો બુધ્ધિ-ચતુરાઇનો ઉપયોગ કરી, ધંધાને સંલગ્ન બીજા કેટલાય કામો-બજાર, ઓફિસ-કચેરી, બેંક, એગ્રોશોપ કે મીનીસ્ટ્રી-કોઇપણ સાથે જરૂર પડ્યે કામ પાર પાડતું રહેવાનો પણ છે. એવે ટાણે આપણે વધુ ભણ્યા ન હોઇએ તેથી શું થઈ ગયું ? વ્યાજબી વાતની યોગ્ય રજુઆત કરીશું ત્યારે સામાવાળા મુશ્કેલીમાંથી માર્ગ બતાવશે ને ? આપણી વાત આપણે જ સામાને ગળે ન ઉતરાવી શકીએ કે ન સમજાવી શકીએ –ગેંગેં..ફેં ફેં..કર્યા કરીએ- જરૂર વગરનો સંકોચ અને ઢીલપ દેખાડ્યા કરીએ, એટલે પછી તેમને મન આપણે “ગાડર” [ઘેટું]માં ખપીએ હો !
ધીરાણ મેળવવાનું હોય, સબસીડી લેવાની હોય કે એફીડેવીડ કરાવવાનું હોય, દસ્તાવેજ કરાવવાનો હોય કે દારપણાનો દાખલો કઢાવવાનો હોય, અન્ય કોઇને મોરિયાળ બનાવી આગળ કરીએ ત્યારે જ ઓફિસનાં પગથિયાં ચડી શકાય. આ તે કેવી વિટંબણા ? ઓફિસ-કચેરીથી ભડકણા ઢોર જેમ ભડકીએ, અને વર્તન એવું બાઘા જેવું કરીએ, એટલે કામ ભલેને કાયદેસરનું અને તરતમાં જ પતી જાય એવું હોય, પણ જરૂર ન હોય એટલા ધક્કા અને ટેબલ પર થોડુંકે ય વજન મૂકાય ત્યારે જ કાગળિયાં ઊડતા બંધ થાય અને અધિકારીના હાથમાં જલાય ! આપણે જાણે એમના ગુનેગાર બનીને ગયા હોઇએ તેવું આપણું જ વર્તન અને રીતભાત વિપરિત પરિસ્થિતિ માટે નિર્ણાયક બનતાં હોય છે.આમાંથી બહાર આવવાની ક્ષમતા નહીં કેળવીએ તો કેમ ચાલશે મિત્રો !
@……..સામામાણસની વાતમાં આવી જઈ- છેતરાઇ જવું =
આપણામાં પણ ‘અપવાદ’ ન હોય એવું નથી. પણ સામાન્ય રીતે બીજા ધંધાર્થીઓ કરતા ખેતી કરતા જણને સીસામાં ઉતારી દેવાનું સહેલું છે. કારણ કે આપણે સામા માણસની વાતમાં- શેહમાં જલ્દીથી આવી જતા હોઇએ છીએ. મારી જ વાત કરું, તો હું ય છું તો ખેડુત જ ને ? સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઓછું પાણી, આછા દળની જમીન, અને સુકા હવામાનમાં સાગની ખેતી કરવામાં હું નાસીપાસ થયો હોવા છતાં- પાછો હમણાં એક પ્રાઇવેટ કંપનીના રોપા વેચનાર કાબેલ એજંટની ઝાળમાં આવી ગયો અને રૂપિયા પંદરસોના માત્ર ચાલીશ, એવા મોંઘાદાટ કહેવાતા ટીસ્યુ કલ્ચરના રોપાનો થોર મારી બેઠો ! પછી ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય ? તીર તો કમાનમાંથી છૂટી ગયું હતું ! રોપાની તો ડીલીવરી પણ તરત જ આવી ચૂકી હતી.
આજે કેટલાય એવા ધંધાઓ ફૂલતા ફાલતા જાય છે કે જેના ચાલાક એજંટો- દવાવાળા, બિયારણ વાળા, ખાતરો વાળા, અવનવા રોપા અને કલમો વાળા, ઔષધીય ખેતપાકો વાળા વગેરેનો રાફડો ફાટ્યો છે, અને ખેડુતોને શોધી શોધી, હોમ ડીલીવરી અને ફાર્મ ડીલીવરીમાં તેમની પ્રોડક્ટો પકડાવી જાય છે. આપણામાં એટલું ય પારખવાની શક્તિ ન હોય કે આ લોકોના આંખ-કાન છે નોખનોખા ! એ રૂપિયાના ત્રણ અડધિયાં પડાવવા આવ્યો છે કે આપણા લાભને માટે આવ્યો છે ?
કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેંદ્રો, સરકારના ખેતી-બાગાયત-વન-પશુપાલન-પર્યાવરણ જેવાધંધાને માર્ગદર્શક વિભાગો કાર્યરત હોવા છતાં તેને કોરાણે રાખી, આવા મોંમાગ્યા પૈસા પડાવી, કશાય પ્રમાણ-આધાર વિનાની ચીજો ભટકાડવા આવે અને આપણે માની જઈએ ? એ બધા તો એની ચીજોનાં વખાણ કરે જ ! કારણ કે એને ધંધો કરવો છે. પણ આપણે તે ખરીદતા પહેલાં સાત ગળણે ગાળવું ન જોઇએ ? આજે તો એવું થઈ રહ્યું છે જાણે ખેડુત એટલે બીજાને મન ગોળનો ગાંગડો ! આવું “આંકડે મધ અને માખો વિનાનું” બીજાને માટે આપણે ક્યાં સુધી થઈ રહેવું છે ? “છેતરાઇ જવું” એ જાણે કે ખેડુતનો જન્મસિધ્ધ હક્ક હોય એવું સાબિત કરવાનું ક્યારે બંધ કરશું ?
@…….માલ પકાવવામાં રાજા ! પણ વેચાણ બાબતે ઢીલા ઢફ ! = એવા કેટલાય ખેડુત મિત્રો મારી નજરમાં છે કે જેને માલ ઉત્પન્ન કરવામાં માસ્ટરી આવી ગઈ હોય, તે તેના મય હોય, છોડ-ઝાડ પાસેથી કેમ વધુમાં વધુ ઉત્પ્ન્ન મેળવવું, તેમાં લોહી-પાણી એક કરી ધાર્યો આંકડો સર કર્યે પાર કરતા હોય.પણ વેચાણ બાબતે હોય ઢીલા ઢફ ! જરાય આવડત નહીં, કે નહીં તે અંગેની બીજા પાસેથી જાણકારી મેળવવાની થોડીકેય સૂઝ ! માલ પકાવે ઢગલાબંધ, પણ તેને વ્યવસ્થિત ગ્રેડીંગ કરી, બરાબર સાફ-સૂથરો કરી, સારા અકર્ષક પેકીંગમાં ગ્રાહકની નજરને ગમી જાય, તે રીતે બજારમાં રજૂ કરવાની કે ઘર-ઘરાઉ ગ્રાહકો શોધી, સારા ભાવે માલના વેચાણ બાબતની એટલી ઢીલાશ કે ન પૂછો વાત !
માર્કેટયાર્ડમાં માલ પહોંચતો કર્યો હોય, “ એક, બે ને ત્રણ ” કરી, જે આવ્યો તે હિસાબ ખિસ્સે નાખીને, ખાલી કોથળા ખંભે મારતાક ને થઈ જઈએ ઘર ભેગા ! એવા કેટલા ખેડુતો નીકળે છે કે જે “ મારે આ ભાવે માલ નથી વેચવો, મૂકી દ્યો ગોડાઉનમાં, ભલે અહીં રહ્યો, પછી વેચશું” તેમ કહી, ધાર્યો ભાવ મેળવવાની મહેનત લેતા હોય ? કારણ કે એ દ્રષ્ટિ જ નથી. એ તો માર્કેટ પહોંચ્યા નથી કે માલનો ઘડો-લાડવો કરી ઘેર પાછા પહોંચ્યા નથી ! નહીં તો વાડી એની એ જ દિશાએ અને ઘર એના એ જ ઠેકાણે રહેવાના હોય ! આઘા-પાછા મુદ્દલે ન થવાના હોય, પણ હૈયું હેઠું મૂકીને ખોટ ઓછી જાય એ રીતે વેચાણ કરવાની જરીકે નિરાંત નહીંને ! આ મનોવૃત્તિમાં ફેર કરવો પડશે.
@………આંખ-કાન બંધ, ખોટી થવાનું પાલવે નહીં :
આપણે જે રીતે ખેડ-ખાતર અને પાણીના કાર્યક્રમો કરી રહ્યા છીએ, જે બિયારણો વાપરી રહ્યાં છીએ કે જે કંઇ પધ્ધતિઓ દ્વારા ખેતીકાર્યો કરી રહ્યા છીએ તેમાં હવે કોઇ સુધારા-વધારાને અવકાશ નથી જ, એવું આપણે મનમાં રાખીએ તો એ કૂવામાંના દેડકાએ સાગરનું માપ કર્યું ગણાય ! વિજ્ઞાન પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. આજે નવું લાગતું, આવતી કાલે જૂનું બની, એની જગ્યાએ ઓર બાબત નવી તરીકે આવી જાય છે. એટલે નવું જાણતા રહેવા અને ધંધાને કાયમી તરોતાઝા રાખવા જ્યાંથી નવું મળે તેમ હોય તેવા કાર્યક્રમો, આંખ-કાન ખુલ્લા રાખી, તેના માટે ખાસ નવરાશ મેળવી, બીજા કાર્યક્રમોમાં કાપ મૂકવો પડે તો મૂકીને પણ એટલો સમય કાઢી, તે માટે ખર્ચ કરવો પડે તો હોંશે હોંશે કરવાનું ખેતીના ઉજળા ભવિષ્ય માટે ગોઠવવું પડશે.
બીજા લોકોની ઉજળી બાબતોને લગતું જોવા-સાંભળવાની માનસિક સૂગ બાજુએ મૂકી, પ્રયોગશીલ ખેડુતોની વાડીઓની મુલાકાતો , સ્વેચ્છિક સંસ્થાઓનાં આયોજનો, ખેડુત સેમિનારો, તાલીમ શિબિરો, કૃષિ વિષયક પરિસંવાદો, નિદર્શનો-પ્રદર્શનો, કૃષિ મેળાઓ તથા ખેતી સાહિત્યના મેગેઝીનો કે પુસ્તકો દ્વારા વાંચન અને રેડિયો-ટીવીના કૃષિ વિષયક વાર્તાલાપો વગેરેમાંથી ઘણી તાજગી મળતી હોય છે. એટલે આપણે તે અર્થે ખર્ચેલાં નાણાં કે વાપરેલ સમયને ધંધાના વિકાસનો એક ભાગ ગણાવો ગણવો જોઇએ.
@,,,,,,,,,,અંદાજિત આવકથી દોઢા ખર્ચનું આયોજન:
માણસ છીએ, અને સૌની જેમ ગામમાં સાથે રહેતા હોઇએ એટલે સમયાનુસાર ઇચ્છાઓ અને લાગણીઓના આવેશમાં આવી જઈ, ખળા-ખળવટ વખતે કોઇ ગરીબ-ગુરબા કે માગણના માથે કરુણા લાવી, બે ખોબા દાણા-કઠોળ દેવાઇ જાય કે દીકરી-દીકરાના વિવાહ-વાજમ જેવા પ્રસંગે પોરહમાં આવી જઈ, થોડોક વધારે ખર્ચ કરી વળાય તો તે એટલું બધું વાંધા જનક નથી, પણ આવક આવવાની હોય તેનાથી બમણી વધારે ઢાળ {અંદાજ] બંધાય, અને એનાથી બે-ત્રણ ગણી રકમ અગાઉ કોઇ વ્યક્તિ-પેઢી કે શાહુકાર પાસેથી વ્યાજે લઈ, ખેતીના મોટા સાધન-સરંજામ કે બીજા નંબરની જરૂરિયાત વાળી બાબતોમાં ખર્ચ કરી વળાય, તો જે ‘રામ’ ચડતા થઈ જાય, એને પછી ઘોડા ય આંબતા નથી ! એટલે આવનારી ઉપજનો અંદાજ બરાબર કસીને મૂકીએ, અને વેચાણની રકમ હાથમાં ન આવી જાય ત્યાં સુધી વગર વિચાર્યું આગોતરું ખર્ચ પણ ન કરી વાળીએ.
આ આપણી આદતો છે તો માત્ર આંગળીના ટેરવે ગણાય એટલી જ ! પણ તેમાં સમયાનુસાર ફેરફાર નહીં કરીએ તો જતે દહાડે વહમી રીતે સાંખી રહેવું પડશે તે વાત ભૂલવા જેવી નથી.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com