{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
ભૂતકાળમાં અનેક અભિનેતાઓ પોતાની પ્રતિભાનો ઉપયોગ ગાયકીમાં કરવાનું પ્રલોભન ટાળી નથી શક્યા. મહત્તા વધારવા માટે ગાયકી ઉપર હાથ અજમાવવાનો લોભ ટાળી નથી શક્યા. આમ હોવા છતા અલબત્ત, આનાથી સંગીતઉદ્યોગને ઝાઝો ફેર નથી પડ્યો.
એક સમયના મહાન નાયક દિલીપકુમારે પણ ગાયક બનવાનું સપનું સેવ્યું હતું. તેમણે એ તમન્ના લતા મંગેશકર સાથે ૧૯૫૭ની ફિલ્મ ‘મુસાફીર’નું ગીત લાગી નાહી છૂટે રામ ગાઈને પૂરી કરી પણ ખરી. તેમણે પ્રમાણમાં સારું ગાયું હોવા છતાં તે ગીત ખાસ ઉપડ્યું નહીં. જો કે દિલીપકુમારના સ્વરને લીધે એ ગીત સંગ્રાહકો માટે મૂલ્યવાન બની રહ્યું. ૧૯૬૭ની બંગાળી ફિલ્મ ‘હાટે બઝારે’ માટે વૈજયંતિમાલા મૃણાલ ચક્રવર્તી સાથે એક યુગલગીત છે થાકી છે થાકી ગાયું હતું. વૈજયંતિમાલાએ એટલું સારું ગાયું હતું કે મને થાય છે કે તેમણે એ પછી વધારે ગીતો કેમ ન ગાયાં!
અભિનેતા કરણ દીવાને લતા મંગેશકર સાથે ૧૯૪૯ની ફિલ્મ ‘લાહોર’ માટે દુનીયા હમારે પ્યાર કી યૂં હી જવાં રહે અને ઝોહરાબાઈ સાથે સાવન કે બાદલોં (‘રતન’, ૧૯૪૪) જેવાં અતિશય લોકપ્રિય બની રહેલાં યુગલગીતો ગાયાં છે. એમ તો ‘રતન’નું જ તેમનું એકલગીત જબ તુમ હી ચલે પરદેસ પણ ખુબ જ ઉપડ્યું હતું.

કરણને માટે નૌશાદ અને શ્યામ સુંદર જેવા પ્રતિષ્ઠીત સંગીતકારોના નિર્દેશનમાં ગાવાની મહેચ્છા સંતોષવાનું આસાન હતું, કેમ કે એ બન્ને ફિલ્મોનું નિર્માણ તેમના ભાઈ જેમીની દીવાને કર્યું હતું. ગીતોની સફળતામાં તેમની ગાયકી કરતાં સંગીતનિર્દેશકોની કમાલ વધુ કામ કરી ગઈ છે. કરણ દીવાન એટલા સારા ગાયક નહોતા પણ આવાં ગીતોની લોકપ્રિયતાએ તેમની યાદ તાજી રાખી છે.
સંપૂર્ણતાના આગ્રહી વી.શાંતારામે ફિલ્મ ‘દહેજ’(૧૯૫૦)માં કરણ દીવાન માટે પાર્શ્વગાયનનો આગ્રહ રાખ્યો, પણ તેમણે પત્નિ જયશ્રી માટે અપવાદ કર્યો હતો. તેમણે તે જ ફિલ્મનું અમ્બુવા કી ડાલી પે બોલે રે કોયલીયાં ગાયું હતું. વળી જયશ્રી એટલાં સારાં ગાયિકા ન હોવા છતાં શાંતારામે ફિલ્મ ‘શકુંતલા’ (૧૯૪૩)નું ગીત કમલ હૈ મેરે સામને અને ‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ (૧૯૪૬)નું નયી દુલ્હન નયી દુલ્હન ગીત તે જ ગાય એવો આગ્રહ રાખ્યો હતો. છેવટે સી.રામચન્દ્ર સમક્ષ શાંતારામને નમતું જોખવું પડ્યું હતું અને ફિલ્મ ‘પરછાંઈ’ (૧૯૫૨)ના જયશ્રી ઉપર ફિલ્માવેલા ગીત કટતે હૈ દુ:ખ મેં દિન માટે લતા મંગેશકરનું પાર્શ્વગાન પ્રયોજાયું હતું.
જૂના જમાનામાં સંજોગ જ એવો હતો કે યોગ્ય આવડત વગરનાં કલાકારો ગાતાં. જેમ કે ૧૯૩૬ની ફિલ્મ ‘જાગીરદાર’નું લોકપ્રિય યુગલગીત નદી કિનારે બૈઠ કે તે સમયનાં લોકપ્રિય કલાકારો મોતીલાલ અને માયા બેનરજીએ ગાયું હતું. સંગીતનિર્દેશક અનિલ બિશ્વાસની બનાવેલી તરજોને લીધે ૧૯૩૦ના દાયકામાં મોતીલાલે ગાયેલાં ગીતો ઉપડ્યાં પણ ખરાં. તેમણે ૧૯૪૩ની ફિલ્મ ‘તકદીર’માં શમશાદ બેગમ સાથે ચાર યુગલગીતો ગાયાં ત્યાં સુધી ગાવાનું ચાલુ રાખ્યું હતું
૧૯૪૫માં પોતાના પિતરાઈ મુકેશને પાર્શ્વગાયક તરીકેની તક મળે તે માટે મોતીલાલે પોતાને માટે મુકેશનું પાર્શ્વગાયન હોય તેવો આગ્રહ રાખ્યો. પણ નિર્માતા મઝહર ખાન તે સમયે પ્રમાણમાં અજાણ્યા અને નિષ્ફળ ગાયક મુકેશને લેવાનું જોખમ ખેડવા તૈયાર નહોતા. આથી મોતીલાલે પોતે ગાવાની ચીમકી આપી, જે ત્યારે પ્રસ્થાપિત થઈ ગયેલી પાર્શ્વગાયન પ્રણાલીને જોતાં નિર્માતાને સ્વીકાર્ય નહોતું. આમ, મઝહર ખાને નછૂટકે મુકેશ પાસે ગવરાવવું પડ્યું. આગળ જતાં દીલ જલતા હૈ તો જલને દે (‘પહલી નજર’, ૧૯૪૫)ને મળેલી અપ્રતિમ લોકપ્રિયતા સાથે જ મોતીલાલની પાર્શ્વગાયક તરીકેની કારકીર્દિનો અંત આવી ગયો.
૧૯૩૬ની ફિલ્મ ‘અછૂત કન્યા’નું મૈં બન કી ચીડીયા બન કે , ૧૯૪૦ની ‘બંધન’નું ચલ ચલ રે નૌજવાન અને ‘ઝૂલા’ (૧૯૪૧)ના ન જાને કીધર આજ મેરી નાવ ચલી રે જેવાં ગીતો ગાયા પછી અશોક કુમાર એવો ભ્રમ સેવતા થઈ ગયેલા કે પોતે સારું ગાય છે.

(‘સાજન’, ૧૯૪૭)નું ગીત હમ કો તુમ્હારા હી આસરા માટે સી. રામચન્દ્ર મહંમદ રફીના અવાજમાં રેકોર્ડ કરવા ઈચ્છતા હતા. પણ અશોકકુમાર પોતાની ઉપર ફિલ્માવાનું હતું તે ગીત જાતે જ ગાવાનો આગ્રહ રાખતા હતા. તેઓ રેકોર્ડીંગ માટે સમયસર ન પહોંચ્યા તેનો લાભ લઈને સી. રામચન્દ્રએ તે ગીત રફીના અવાજમાં રેકોર્ડ કરાવી લીધું. આ ગીતને મળેલી અપાર લોકપ્રિયતા સાથે અશોકકુમારની ગાયક તરીકેની કારકીર્દિ પૂરી થઈ ગઈ.
૧૯૩૫માં બોમ્બે ટૉકીઝની સ્થાપના થઈ ત્યારે દરેક કલાકાર માટે જરૂર પડ્યે ગાવું ફરજીયાત હતું. દેવીકારાનીના ગાયેલા ૧૯૩૬ની ફિલ્મ ‘અછૂત કન્યા’ના ગીત મૈં બન કી ચીડીયા અને લીલા ચીટનીસના ગાયેલા સૂની પડી હૈ સિતાર (‘કંગન’, ૧૯૩૯) જેવાં ગીતો લોકપ્રિય પણ થયાં હતાં. ૧૯૩૦ના દાયકામાં બનતું તેમ ફરજીયાતપણે ગવાયાં હોય કે ત્યાર બાદના અરસામાં વારંવાર બનતું તેમ કલાકારના અહમને પોષવાના ભાગરૂપે ગવાયાં હોય તે મહત્વનું નહોતું. નોંધનીય એ હતું કે પ્રસ્થાપિત ન હોય તેવાં કલાકારોનાં ગાયેલાં ઘણાં ગીતો શ્રોતાઓને ગમી ગયાં. મહદઅંશે આનો યશ સંગીતકારોને આપવો રહ્યો. તેમણે મધૂર અને જે તે ગાયકની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને તેમને અનૂકુળ આવે તેવી ધૂનો સર્જી. આમ હોવાને લીધે જ ૧૯૩૯ની ફિલ્મ ‘પુકાર’નું નસીમબાનુ(સાયરાબાનુનાં માતા)એ ગાયેલું ગીત જીંદગી કા સાઝ ભી ક્યા સાઝ હૈ અસાધારણ લોકપ્રિયતાને વર્યું હતું.
૧૯૩૦ના અરસામાં પાર્શ્વગાયનનું ચલણ નહોતું ત્યારે કાનનદેવી અને શાંતા આપ્ટેના કિસ્સામાં હતું તેમ, સારો દેખાવ અને સારો અવાજ હોય તે જમા પાસું ગણાતું હતું. પાર્શ્વગાયન પ્રણાલી પ્રસ્થાપિત થઈ ગયા પછી જે અદાકારોએ ફરજિયાતપણે ગાવું પડતું હતું તેમણે રાહતનો દમ લીધો. તો પણ જેમ દિલીપકુમારે ‘મુસાફીર’ (૧૯૫૭) અને રાજ કપૂરે ‘દીલ કી રાની’ (૧૯૪૭)માં કર્યું તેમ કલાકારો પોતાની એષણા સંતોષવા માટે ગાઈ લેતા હતા. રાજ કપૂરે તેમના પિતાના નાટક ‘દીવાર’ અને પછીથી કેટલીક ફિલ્મો માટે ગાયું પણ પોતાનો અવાજ તેમના આર.કે. નિર્માણગૃહની ફિલ્મો માટે ગાવા જેટલો સારો નહીં લાગ્યો હોય.
પહેલાંના જમાનામાં ચીલાચાલુ ગાયકોએ ગાયેલાં ગીતોની લોકપ્રિયતા સંગીતકારોની કાબેલિયત પર આધારિત હતી. તે દિવસો માધુર્યના ચલણના હતા.
અત્યારના સમયમાં જે જાતનું માધુર્ય (કે તેનો અભાવ) શ્રોતાઓ ઉપર લાદી દેવામાં આવે છે તેમાં કોણ શું ગાય છે તેનું કશું જ મહત્વ નથી રહ્યું.
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લીધેલી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામા આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com