ચિરાગ પટેલ
उ. २०.६.६ (१८२७) अग्निर्जागार तमृचः कामयन्तेऽअग्निर्जागार तमु सामानि यन्ति । अग्निर्जागार तमयँ सोम आह तवाहमस्मि सख्ये न्योकाः ॥ (अवत्सार काश्यप)
અગ્નિ જાગૃત છે, એનાથી ઋચાઓ અપેક્ષા રાખે છે. અગ્નિ જાગૃત છે, તેથી સામગાનનો લાભ લે છે. જાગૃત અગ્નિને જ સોમ કહે છે કે “હું તારા મિત્રભાવમાં જ રહું છું.”
આ સામ દ્વારા ઋષિ સામગાનનો લાભ કે સામગાનની ચૈતસિક અસરોનો લાભ મેળવવા કેવી સાધનાનો અભ્યાસ કરવો જોઈએ એ અંગે જણાવે છે. જે વ્યક્તિ જાગૃત અગ્નિ સામે સામગાન કરે કે સાંભળે અર્થાત સામગાન સાથે ઓતપ્રોત રહીને યજ્ઞ દ્વારા સામગાન કરે તે વ્યક્તિ આ અસરોનો લાભ મેળવી શકે છે. આડકતરી રીતે મંત્રજાપ કે મંત્ર દ્વારા યજ્ઞની પધ્ધતિનો અહી નિર્દેશ છે. આ પહેલાના સામમાં આવી જ રીતે ઋષિ ધ્યાનની પદ્ધતિનો નિર્દેશ કરે છે. એટલે કે, ધ્યાન અને યજ્ઞ એ બંને અગત્યની સાધના પધ્ધતિઓ છે.
उ. २०.६.१० (१८३१) अग्निर्ज्योतिर्ज्योतिरग्निरिन्द्रो ज्योतिर्ज्योतिरिन्द्रः । सूर्यो ज्योतिर्ज्योतिः सूर्यः ॥ (अवत्सार काश्यप)
અગ્નિ જ્યોતિ છે, જ્યોતિ જ અગ્નિ છે. ઇન્દ્ર જ્યોતિ છે, જ્યોતિ જ ઇન્દ્ર છે. સૂર્ય જ્યોતિ છે, જ્યોતિ જ સૂર્ય છે.
આ સામમાં ઋષિ અગ્નિ, ઇન્દ્ર અને સૂર્યને, જે મુખ્ય દેવો છે, જ્યોતિ એટલે પ્રકાશ અથવા વિશ્વરૂપ ગણે છે. આધ્યાત્મિક અર્થમાં, આત્મા એ જ આ જ્યોતિ છે જે અગ્નિ, ઇન્દ્ર કે સૂર્ય રૂપે પ્રચલિત છે.
उ. २०.७.९ (१८४२) यददो वात ते गृहेॠऽमृतं निहितं गुहा । तस्य नो धेहि जीवसे ॥ (उल वातायन)
હે વાયુદેવ! આપની પાસે ગુપ્તરૂપે જે અમૃત રહેલું છે તે જીવન માટે અમને આપો.
આ સામમાં ઋષિ વાયુમાં રહેલ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનની વાત કરે છે. અમૃત એટલે કે ઑક્સીજન જીવન માટે કેટલું આવશ્યક છે એ તો આજનું વિજ્ઞાન સુપેરે જાણે છે. અને, વિજ્ઞાન એ પણ કહે છે કે, વાયુમાં અનેક તત્વો રહેલાં છે અને ઑક્સીજન એક મિશ્રણરૂપે એમાં છે જે આપણે જોઈ શકતા નથી, પરંતુ પ્રયોગશાળામાં તારવી શકીએ છીએ. ઋષિ ઉલ વાતાયન આ તથ્ય કેવી રીતે જાણી શક્યા હશે?
उ. २०.७.११ (१८४४) अप्सु रेतः शिश्रिये विश्वरुपं तेजः पृथिव्यामधि यत्संबभूव । अन्तरिक्षे स्वं महिमानं मिमानः कनिक्रन्ति वृष्णो अश्वस्य रेतः ॥ (सुपर्ण)
વિશ્વવ્યાપી જે તેજ વીર્યરૂપે જળમાં આશ્રિત છે, જીવશક્તિરૂપે પૃથ્વી પર છે, દિવ્યશક્તિ પ્રવાહરૂપે અંતરિક્ષમાં પોતાની મહિમાનો વિસ્તાર કરે છે, એ આ સૃષ્ટિમાં શક્તિની વ્યાપક્તા સિદ્ધ કરે છે.
આ સામના દેવતા અગ્નિ છે. ઋષિ કહે છે કે, અગ્નિ જળમાં વીર્ય રૂપે એટલે કે એવી શક્તિ રૂપે જે જીવન આપે છે. વિજ્ઞાન કહે છે કે, પૃથ્વી પર બહુકોશી જીવો સમુદ્રમાં ઉત્પન્ન થયાં હતાં. એ દૃષ્ટિએ ઋષિનું અવલોકન કેટલું સચોટ છે! વળી, જીવમાં અગ્નિ વિવિધ ઊર્જા સ્વરૂપે છે. અંતરિક્ષમાં જે દિવ્ય પ્રવાહો છે એ સોમ કે ફોટોન છે જે અગ્નિનું જ એક સ્વરૂપ છે. આમ, અગ્નિ સમગ્ર વિશ્વમાં વિવિધ રૂપે ઉપસ્થિત છે અને એ જ જીવનનું મૂળ છે.
उ. २०.७.१२ (१८४५) अयँ सहस्रा परि युक्ता वसानः सूर्यस्य भानुं यज्ञो दाधार । सहस्रदाः शतदा भूरिदावा धर्ता दिवो भुवनस्य विश्पतिः ॥ (सुपर्ण्)
પૃથ્વી અને દ્યુલોકના ધારક પ્રજાપાલક યાજકોને અપાર વૈભવ આપનાર અગ્નિ અસંખ્ય કિરણોને વિસ્તારીત કરી સૂર્યના તેજને ધારણ કરે છે.
આ સામમાં ઋષિ અગ્નિની પ્રશંસા કરે છે. પૃથ્વી અને વાતાવરણના અસ્તિત્વ માટે અગ્નિ મૂળ કારણ છે. વિવિધ જીવોને જીવન ટકાવવા સૂર્ય કે ઊર્જારૂપ અગ્નિ મૂળ કારણ છે. અગ્નિ વિવિધ કાર્યો માટે પ્રયોજી મનુષ્ય અનેક પ્રવૃત્તિઓરૂપી વૈભવ પ્રાપ્ત કરે છે. સૂર્યનું તેજ પણ અગ્નિને આભારી છે. અગ્નિની મહત્તા માટેના ઋષિના આ બધાં અવલોકનો રસપ્રદ છે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com