વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૭ – ૧

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩) ની શુદ્ધ શાસ્ત્રીય ગાયકી અને અવાજની સહજ બુલંદીને કારણે હિંદી ફિલ્મ જગતે તેમને શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતો કે ધાર્મિક  ભાવનાં કે દેશભક્તિ કે કુદરતની નિશ્રામાં ગવાતાં ગીતોનાં ચોકઠામાં ગોઠવી નાખ્યા હતા. પરંતુ શંકર જયકિશને શ્રી ૪૨૦ (૧૯૫૫)માં રાજ કપુરના પાર્શ્વ સ્વર તરીકે પ્યાર હુઆ ઈક઼રાર હુઆ, દિલ કા હાલ સુને દિલવાલા કે મુડ મુડ મુડ કે ન દેખ જેવાં ગીતોથી મન્ના ડેની પાર્શ્વ ગાયક તરીકેને રૂઢ થતી જતી છાપને બદલી નાખવામાં બહુ મોટો ફાળો આપ્યો. તે પછી, ચોરી ચોરી (૧૯૫૬)નાં આ જા સનમ મધુર ચાંદનીમેં હમ, યે રાત ભીગી ભીગી અને જહાં મૈં જાતી હું જેવાં રોમાંસ નીતરતાં ગીતો પછી તો મન્ના ડેની રોમાંસ ભર્યાં ગીતો ગાવાની ક્ષમતા વિશે કોઇ શંકાને સ્થાન જ ન રહ્યું એમ કહી શકાય. ૧૯૫૬ અને તે પછીથી અન્ય સંગીતકારો પણ તેમને માટે હવે રોમાંસનાં સૉલો કે યુગલ ગીતો માટે સર્જતા થઈ ગયા હતા. ૧૯૫૬ પછીથી તેમને મળતાં ગીતોની સંખ્યામાં ખુબ વધારો જરૂર થયો પણ હિંદી ફિલ્મ જગતની નિયતિની અવળચંડાઈએ તેમને મુખ્ય પાર્શ્વ ગાયકનાં  સ્થાન માટે હંમેશાં વધારે પડતા લાયકનો દરજ્જો તો ધરાર પકડાવી જ દીધો !

    મન્ના ડેના જન્મના મહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

    ૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

    ૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

    ૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો,

    ૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો, અને,

    ૨૦૨૨માં તેમનાં ૧૯૫૬નાં ગીતો

    સાંભળી ચૂક્યાં છીએ.

    ૧૯૫૭માં મન્ના ડે એ ગાયેલાં ગીતોની સંખ્યા ૯૫ ગીતોના આંકડાની ટોચને આંબવા લાગી. આટલાં ગીતોમાંથી, કૌન આયા મેરે મન કે દ્વારે પાયલકી ઝંકાર લિયે (દેખ કબીરા રોયા – ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર મદન મોહન) જેવાં શાસ્ત્રીય રાગ પર આધારિત પણ ખુબ જાણીતાં એવાં ગીતોને છીડી દઈને, ઓછાં સાંભળવા મળતાં ગીતોને પણ ન્યાય કરવા માટે આપણને એકથી વધારે મણકાની જરૂર પડશે એ નોંધ સાથે આજના અંકની શરૂઆત કરીએ.

    ઓ મિસ્ટર ઓ મિસ્ટર સુનો એક બાત, બડી બેવફા હૈ યે મર્દોંકી જાત બદલતે હી રંગ પલમેં હજ઼ાર, કરે ઈનકે વાદોં પે ઈતબાર યે કરનેકો તો કર લે હૈ ભી સ્વીકાર પર એક હી નઝરમેં હૈ કીસકા ઈતબાર – આગ્રા રોડ – ગીતા દત્ત, કોરસ સાથે – ગીતકાર: પ્રેમ ધવન – સંગીતકાર: રોશન

    વિજય આનંદનાં હીરો તરીકેનાં પદાર્પણને નવાજવા રોશને અન્ય ગીતોમાં ભલે મોહમ્મદ રફીને પસંદ કર્યા પણ વૉલ્ઝની ધુન પર સજ્જ કરેલાં આ પાર્ટી ગીતમાં વિજય આનંદના પાર્શ્વ અવાજ તરીકે મન્ના ડેની પસંદ કરીને નવો ચીલો કોતર્યો.  જોકે ફિલ્મને સફળતા ન મળી એટલે વિજય આનંદ હીરો તરીકે ચાલ્યા નહીં અને મન્ના ડેને મુખ્ય અભિનેતાના પાર્શ્વ સ્વરનાં સ્થાનને પણ માન્યતા મળવામાં કંઈક અંશે ઓછપ આવી.

    તુમ કો પુકારતી હૈ પ્રતાપકી કહાનિયાં  ….. ક્યા ઉંચાઈ ઈંસાન કી – અમર સિંગ રાઠોડ – ગીતકાર: ભરત વ્યાસ – સંગીતકાર: સન્મુખ બાબુ

    દેશ ભક્તિનાં ગીતો માટે જ સર્જાયા હોવાની છાપને ઘુંટવામાં મદદ કરતાં ગીતમાં મન્ના ડે કરૂણ રસને પણ એટલી જ સહજતાથી ન્યાય આપી શકેલ છે.

    ફિર વહી દર્દ હૈ ફિર વહી જિગર, ફિર વહી રાત હૈ ફિર વહી હૈ ડર – અપરાધી કૌન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

    હાસ્ય ગીતમાં પણ શરાબીપણાંનો સ્પર્શ આપવામાં પણ મન્ના ડે એટલા જ માહિર અનુભવાય છે.

    હૈ પ્યાર કે દો મતવાલે … એક હમ હૈ ઔર એક તુમ  – અપરાધી કૌન – ગીતા દત્ત સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી – સંગીતકાર: સલીલ ચૌધરી

    સલીલ ચૌધરીએ હાસ્ય કલાકારો દ્વારા ગવાતાં રોમેંટીક યુગલ ગીતોના પ્રકારમાં મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે.  ‘એક હમ ઔર તું’ને મન્ના ડે જે રીતે અલગ અલગ પ્રકારે ઘુંટે છે તે તેમની ગાયકીની અનન્ય લવચીકતાને સિદ્ધ કરે છે.

    મા તેરી મમતા કિતની પ્યારી કિતના પ્યાર જતાતી હૈ – બંસરી બાલા – ગીતકાર: પંડિત ફણિ – સંગીતકાર: કમલ મિત્ર

    ધર્મની આસ્થાના ભાવમાં દેવીનાં સ્વરૂપમાં મા માટેના પ્રેમની લાગણીને પણ વ્યક્ત કરવામાં મન્ના ડે તેમના સ્વરને કેટલો કોમળ કરી શક્યા છે !

    એક બડે બાપ કી બેટી કો હૈ ઘરકી મુંશીકે સંગ.. અરે દેખા ઘુલ મિલ બતીયાં કરતે ઔર જમાતે રંગ – બંદી – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: હેમંત કુમાર

    મનોરંજન માટે ગામમાં થતા શેરી કાર્યક્રમોમાં તે સમયના રિવાજોને વણી લેવાતા. લોક ગીતના ઢાળમાં રચયેલ આ ગીતના હળવા કટાક્ષમય ભાવને  મન્ના ડે બહુ જ સજ્જતાથી વ્યક્ત કરી રહે છે.

    હૈ બહોત દિનોંકી બાત એક થા મજનુ ઔર એક  લૈલા – ભાભી – એસ બલબીર અને મોહમ્મ્દ રફી સાથે – ગીતકાર: રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર: ચિત્રગુપ્ત

    બલબીર જેવા તળ પંજાબી થાટના અને મોહમ્મદ રફી જેવા બહુમુખી સિદ્ધ થઈ રહેલા ગાયક સાથે, પંજાબી લોકકથાની લોક શૈલીમાં  પણ મન્ના ડેનો “બંગાળી”, “શાસ્ત્રીય”  સ્વર ખુબ સરળતાથી ભળી જાય છે.

    https://youtu.be/7_wwVvCuOLQ

    દુનિયા તેરી દુનિયા કા તુ યું ડાલીમેં પાત તેરા મેરા જનમ જનમ કા સાથ – ભક્ત ધ્રુવ – ગીતા દત્ત સાથે – ગીતકાર: પંડિત મધુર – સંગીતકાર: અવિનાશ વ્યાસ

    પરંપરાગત ભક્તિભાવનાં ગીતમાં પણ અવિનાશ વ્યાસ મન્ના ડે અને ગીતા દત એમ બન્ને અલગ જ પ્રકારનાં સુરનાં ગાયકોની ખુબીઓને ખીલવે છે.

    દિન અલબેલે પ્યાર કા મૌસમ ચંચલ મનમેં તુફાન, ઐસેમેં કર લો પ્યાર – બેગુનાહ – લતા મંગેશકર સાથે –  ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન

    મન્ના ડેના સ્વર માટે શંકર જયકિશનને ખાસ લગાવ તો હતો જ. તેમાં ‘ચોરી ચોરી’નાં મન્ના ડેનાં ગીતોની સફળતા પછી રોમેંટિક ગીતો માટે શંકર જયકિશન મન્ના ડે તરફ વધારે ઢળે તે સ્વભાવિક જણાય. પણ હિંદી ફિલ્મ જગતના પ્રવાહો એટલા સરળ નથી હોતા. શંકર જયકિશનને મુકેશ માટે પણ એટલી જ લાગણી હતી. વચ્ચેનાં વર્ષોમાં મુકેશની પોતાની અભિનય કારકિર્દીની તમન્નાએ તેમને અન્ય સંગીતકારો માટે બહુ ઉપલબ્ધ નહોતા રાખ્યા. એટલે મન્ના ડે આમ પણ સ્વાભાવિક પસંદ બને. પણ મુકેશ ફરીથી ગાયક તરીકે સક્રિય થવા તૈયાર હતા ત્યારે શંકર જયકિશન જેવા મિત્રો તેમને માટે અય પ્યાસે દિલ બેજુબાં જેવાં ખાસ ગીતોની રચનાઓ કરે તેને મન્ના ડેનાં કમનસીબનો જ દોષ માનવો રહ્યો.

    તુમ મેરે અંતર્યામી માત પિતા તુ મેરે – છોટે બાબુ – ઉષા મંગેશકર સાથે – ગીતકાર પી એલ સંતોષી – સંગીતકાર મદન મોહન

    ‘દેખ કબીરા રોયા’માં મન્નાડેને ખુબ અસરકારક રીતે રજુ કર્યા બાદ પણ મદન મોહનને મન્ના ડેને ધાર્મિક ભાવનાં ગીતોના ગાયકની છાપ અનુસાર આ ગીત આપવું યોગ્ય લાગ્યું. તેની સામે સ્પર્ધાત્મક પરિબળોને કારણે મુખ્ય અભિનેતા માટેનાં દો દિન કી મોહબ્બતમેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ કે તેરી ચમકતી આંખોંકે આગે યે સિતારે કુછ ભી નહી જેવાં ગીતો એ સ્મયે વધારે ચલણી ગણાતા તલત મહમુદને ફાળવવાં પડ્યાં છે.

    આ જાઓ સાવન કે દિન આયે – ચંપાકલી – લતા મંગેશકર – ગીતકાર રાજેંદ્ર કૃષ્ણ – સંગીતકાર હેમંત કુમાર

    મન્ના ડેને ફાળે ફરી એક વાર ઋતુઓના ભાવની બુલંદીને વ્યક્ત કરવાનું આવી રહ્યું. જોકે તે સાથે મન્ના ડે પોતાના પ્રેમના એકરારના ભાવને પણ વ્યક્ત કરવાનો તો હતો જ.

    ૧૯૫૭નાં આટલાં ગીતોમાં જ આપણને મન્ના ડેની બહુમુખી પ્રતિભાનો ફરી એક વાર પરિચય થાય છે. તે સાથે તેમનાં નસીબના આટાપાટાના ખેલ પણ આપણને જોવા મળે છે.  મન્ના ડેની કારકિર્દીનાં આ કેલિડોસ્કૉપ જેવાં બદલતાં સ્વરૂપોનો ખેલ હજુ પણ ચાલુ જ છે.

  • રૂડો રૂપાળો ખેરખટ્ટો

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    લગભગ ૪૫ થી ૫૦  સેન્ટિમીટર પૂંછડી સાથે એટલેકે ૧૨ ઇંચ જેટલું લાંબુ અને લગભગ ૬ ઇંચની પુંછડીવાળું આ રંગે રૂપે ડેખાવડું પક્ષી કાગડાનાં કુળનું પક્ષી છે. ભારતવર્ષ અને એશિયામાં સર્વવ્યાપક પક્ષી છે. કાગડાનાં કુળનું હોવા છતાં કાગડાની જેમ તેઓ મોટા ઝુંડમાં એક સાથે નથી જોવા મળતાં પણ બે ચારની સંખ્યામાં એક સાથે જોવા મળે છે. અત્યારે એવો સમય આવ્યો છે કે બે ચાર ખેરખટ્ટા પણ ભાગ્યેજ સાથે જોવા મળે અને જયારે જુવે ત્યારે કોઈક વિદેશી અને અજાયબ પક્ષી જોયું હોય તેવી મોટાં ભાગના વ્યક્તિઓને અનુભૂતિ થાય. ફળના ઝાડ વધારે હોય અને ખોરાક વધારે મળે તો તેઓ ઘણાં બધા એક જ  જગ્યાએ જોવા મળે અને બીજા પક્ષીઓ સાથે સહઅસ્તિત્વમાં જીવતાં જોવા મળે. ખોરાકમાં સર્વભક્ષી ખેરખટ્ટો  ફૂલના મધુરસ, બીયા, અંજીર અને ફાયકસ જેવા ફળ, ગરોળીઓ, કરોળિયા, દેડકા, ઈયળો જેવા જીવ અને પક્ષીઓના ઈંડા વગેરે ખાય છે. સ્તનવાળા પ્રાણીઓ ને જે ફળ ઝેરી લાગે છે તેવા ફળ પણ ખેરખટ્ટા ખાઈ લે છે.

    ખેરખટ્ટો / Rufous Treepie / Indian Treepie / Dendrocitta vagabunda

    હરણ અને સાબર જેવા પ્રાણીઓ તેમને તેમના શરીર ઉપર બેસવા દે છે અને તે તેમના *શરીર ઉપરના વાળમાં જે નાના નાના જીવ ભરાયા હોય તેને ખેરખટ્ટો ખાઈ જાય છે*. આમ તેઓ એકબીજાને ઉપયોગી થઇ જીવે છે. તેવી રીતે દક્ષિણ ભારતમાં નારિયેળી અને પામની ખેતીને ઘણો ટેકો કરે છે. નારિયેળી અને *પામના વૃક્ષોમાં થતાં ખતરનાક કીડા તેઓ ખાઈ જાય છે* જેથી નારિયેળી અને પામની ખેતીને થતાં વ્યાપક નુકશાનથી બચાવે છે, જે કારણે *ખેડૂતો તેમને મિત્ર ગણે છે.* આ એક કુદરતની ખોરાકની શૃંખલા છે જેને આપણે સહઅસ્તિત્વમાં જીવતા જીવ તરીકે સન્માનીય ગણાય છે.

    ભારતના ૧૭ કોમન પક્ષીઓમાંનું આ એક પક્ષી હવે શહેરમાં કમનસીબે ખુબ ઓછા જોવા મળે છે અને તે શહેરની બહારના વિસ્તારમાં જોવા મળે તો બહુ ઓછા લોકો તેને ઓળખી શકે છે, જાણે કોઈને પક્ષી જગતમાં રસ જ નથી. જેમ આજના સમયમાં સામાન્ય સંજોગોમાં લોકોને આજુબાજુના દસ વૃક્ષના નામ પણ નથી જાણતાં હોતા તે પ્રમાણે પક્ષીના નામ પણ ખબર નથી હોતા, જે કમનસીબ પરિસ્થિતિ માટે આપણેજ જવાબદાર છીએ. તેનો અવાજ વાંસળીમાંથી જેમ છૂટક છૂટક સુર નીકળે તેમ કો- કી- લા તેમ અવાજ કાઢે, ઉરુ – બો – લિંક, બૉલિંક તેવા  કૃતુહલ થાય તેવા અને ધ્યાન આકર્ષક કાન ચમકે તેવા અવાજ કાઢે છે. ઘણીબધી વખત સરસ અવાજની સાથે ભેગો ભેગો કઠોર, કર્કશ અને ઘોઘરો ખડખડવા જેવો દબાઈને આવતો અવાજ હોય છે. ગામમાં સ્ત્રી વાસણ ધુવે અને વાસણ ખખડે અને જે બેસૂરા  અવાજ આવે તેવા અવાજના કારણે તેનું નામ હરીચાચા પણ પડેલું છે. કેવા અજાયબ પ્રકારના અવાજ વિવિધ પક્ષીઓના હોય છે! જે તે પ્રદેશમાં તેનાં ગુણને અનુરૂપ નામ લોકો પાડી દેતાં હોય છે જે તેમની ઓળખ બની જાય છે.

    *દિલડું હાર્યો*
    *ભૂખરો ને રૂપાળો*
    *પ્રીતની લત*

          *હાઈકુ: જગત.કીનખાબવાલા*

            ભલે તેમના રંગ ચમકીલા ન હોય પણ તે રંગે દેખાવડુ અને ઘાટીલું પક્ષી છે. કાગડાના કુળનું આ પક્ષી છે તેમ જલ્દી માની ન શકાય તેટલું દેખાવડું પક્ષી છે. ખાખી ભૂખરો તજ જેવો રંગ, ધોળા ખભા, કાળું માથું અને લાંબી આસમાની પૂંછડી ભૂરાશ રાખોડી રંગની અને આકર્ષક હોય છે. લાલ ચણોઠી જેવી ચમકીલી સુંદર આંખો હોય છે. નર અને માદા બંન દેખાવમાં સામ્ય ધરાવે છે. શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગનો હોય છે અને તેની ચાંચ આગળથી છેડેથી હુક જેવી દેખાય છે. જુવાન બચ્ચાને માથું અને શરીરનો નીચેનો ભાગ ઘેરા કથ્થઇ રંગના હોય છે જે પછી તેઓ મોટાં થતાં જાય તેમ માથાનો ભાગ ધીરે ધીરે કાળો થતો જાય છે. તેમનું માથું, પગ અને નાખ કાળા રંગના હોય છે.

    ખુલ્લી લીલોતરી અને વૃક્ષો વાળી જગ્યાઓ, જંગલ, ખેતર, શહેરી બાગબગીચામાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તર પૂર્વ ભારતથી શરુ કરી છેક હૈદરાબાદ સુધી તેમની વસ્તી છે. ઉત્તર ભારતના ગઢવાલ જેવા પ્રદેશમાં જ્યારે ઠંડી વધે ત્યારે શિયાળામાં તેઓ નીચેના વિસ્તારમાં સ્થળાંતર કરી જાય છે અને પાછી ગરમી શરુ થાય તેટલે પાછા ઉપરના પ્રદેશમાં પોતાના જુના વિસ્તારમાં પરત ફરી જાય છે. દરિયાથી ૨૦૦૦ મીટર જેટલી ઊંચાઈ ઉપર પણ જોવા મળે છે. પૂર્વ ભારતના ઘાટમાં ચમકીલા રંગમાં અને પશ્ચિમ ઘાટમાં થોડા પ્રમાણમાં નાના હોય છે. ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડીયા અને લાઓસ જેવા દેશમાં હોય છે પણ એકબીજાથી થોડાક થોડાક જુદા હોય છે અને આમ એશિયાના ઘણાં બધા પ્રદેશમાં જોવા મળે છે.

    એપ્રિલ મહિના થી શરુ કરી જૂન મહિના સુધીમાં તેઓ ત્રણ થી ચાર ઈંડા મૂકે છે જયારે બંગાળ જેવા પ્રદેશમાં એપ્રિલ મહિનાથી મે મહિનાનો સમય ગાળો હોય છે. ઈંડા મુકવા માટે તેઓ વૃક્ષ ઉપર અને ઝાડીઓમાં થોડાક છીછરા માળા બનાવે છે. જુદા જુદા પ્રદેશમાં તેમને લોકો સ્થાનિક નામથી ઓળખે છે. તેમના અવાજ ઉપરથી લોકો તેમને ‘કોતરી’, ‘હાંડી ચાચા’ અને ‘ટકા ચોર’ જેવા નામ પડી ગયા છે.બંગાળીમાં મીઠડું નામ કુટુમ પંખી છે. તેની લાંબી પૂંછડીને લીધે તેમની ઉડાન પણ ધ્યાન આકર્ષક લાગે છે જે ઉડાન સાથે પોતાનું ૯૦ થી ૧૩૦ ગ્રામ વજન ઊંચકી લે છે. ખેરખટ્ટો ચતુરતો એવું છે કે ખાઈને પેટ ભરાઈ જાય તેટલે વધેલો ખોરાક નજીકની વૃક્ષની બખોલમાં સંતાડી દે છે.


    (ફોટો મિત્ર શ્રી દિપક પરીખ  દ્વારા સાભાર)


    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : અરણી

    ગિજુભાઈ બધેકા

    નાનપણમાં જોયેલું ભૂંસાતું નથી. અમારા ગામની પોસ્ટ ઑફિસના ચોગાનમાં અરણિ*નું ઝાડ હતું.

    એકવાર મેં એક માણસને મૂંગો મૂંગો તેનાં સુકાં ડાંખળાંને તોડતો જોયો. મેં તેને બોલાવ્યો; પણ તે બોલ્યો નહિ. પાછળથી મને માલૂમ પડ્યું કે એ પોતાના છોકરાના ગળામાં ડાળખાંની માળા કરી પહેરાવવા માટે તે લેતો હતો. વાંચનારને આ વાત વિચિત્ર લાગશે; મૂંગાં મૂંગાં અરણિ લેવાનું સમજાશે નહિ. પણ તમે જાણજો કે હજી પણ લોકોમાં વહેમો ઘણા ચાલે છે; અને મૂંગા મૂંગા દવાનાં ડાળખાં લેવાં પણ એક વહેમ જ હોય.

    જોકે આપણા જૂના વૈદકશાસ્ત્રમાં તો અમૂક ઔષધિ મૂંગા મૂંગા લેવી એવું લખેલું છે. કોઈ સારા જૂના વૈદને પૂછજો; વખતે કાંઈ વાજબી કારણ નીકળે !

    અરણિના ઘણા ઉપયોગ છે, પણ તેમાં બહુ કામનો ઉપયોગ એ છે કે વાઘ કરડે ત્યારે અરણિનો પાલો મીઠું નાંખી વાટીને બાંધવો. દવા તો સારી છે અને સાચી પણ હશે; પણ મૂશ્કેલી છે કે વાઘ અને અરણિ એ બે નજીક નજીક રહેતા હોય તો જ દવા થઈ શકે !

    સીમમાં હોઈએ ત્યારે અરણિનાં ફૂલોથી મઘમઘેલી સીમ નાકને આનદ આપશે. બારડોલીમાં ફરતી વખતે ગુજરાતના ફળદ્રુપ ખેતરોની વાડે ઊભેલી અરણિના ફૂલોની સુવાસ અમને બહુ મળી હતી.

    એક વાર અમે ગાડામાં બેસી એક જગાએથી બીજી જગાએ જતા હતા. ધીમે ધીમે ઊંગતો ચાંદો પૃથ્વી ઉપર અજવાળું અને વાડે ઉગેલી અરણિ ધીમે ધીમે સુવાસ ફેલાવતા હતાં.

    અરણિમાં ફૂલ પાંચ પાંખડીનાં, બહારથી ઢાંકણથી ઢંકાયેલ હોય છે. તેમાં પુંકેસર અને સ્ત્રીકેસર હોય છે.

    અરણિ વિષે આટલી વિગત હું માંડમાંડ જાણું છું તો પછી વિશેષ તમને ક્યાંથી કહું ? એ તો અમે ગામડામાં રહેતા એટલે ઝાડની કંઈક ખબર; બાકી તમે જેઓ શહેરમાં રહેતા હશો તેમણે તો અરણિનું નામ પણ નહિ સાંભળ્યું હોય.

    પણ તમારા ઘરમાં કોઈ સંસ્કૃત ભણ્યા હોય તો એમને પૂછશો તો ખબર પડશે કે અરણિને સંસ્કૃત ભાષામાં અગ્નિમંત કહે છે.

    અસલના વખતમાં દીવાસળી નહોતી; અને ચકમક પણ કોણ જાણે લોકોને હાથ આવ્યો હોય તો ! એ જૂના વખતના લોકો અરણિના બે લાકડાંને ઘસીને તેમાંથી અગ્નિ પેદા કરતા ! હજી પણ અરણિમાંથી ઉત્પન્ન કરેલો અગ્નિ પવિત્ર મનાય છે. યજ્ઞના કામમાં આરંભ વખતે યજમાન પાસે અરણિનાં લાકડાં ઘસાવી અગ્નિ ઉત્પન્ન કરાવે છે. ખેરના લાકડાંમાંથી પણ અગ્નિ પેદા કરી શકાય છે; એનો અગ્નિ પણ પવિત્ર લેખાય છે. અરણિ, ખેર, ખીજડો, પીપળો, આકડો અને ખાખરો, એના લાકડાંને યજ્ઞકામમાં સમિધરૂપે અગ્નિહોત્રી બ્રાહ્મણો વાપરે છે.


    *અરણી : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ lerodendron multiflorum (Burm. f.) O. Ktze. Syn. C. phlomidis L. (સં. अरणिक, अग्निमन्थ, वातघ्न, હિં. अरनी, अगेथु, गणियारी; મં. ટાકળી, નરવેલ; અં. ટ્યૂબ ફ્લાવર) છે. ઇન્દ્રધનુ, સાગ, સેવન, નગોડ વગેરે તેનાં સહસભ્યો છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • મહાનતાના સ્વીકાર પછી પણ મૂલ્યાંકન આવશ્યક છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એક કલાકારનું મૂલ્યાંકન તેની કળાના આધારે કરવું કે વ્યક્તિ તરીકે? સામાન્ય રીતે આપણને પહેલાં તેની કળાનો પરિચય થાય છે, તેમાં રસ જાગ્રત થાય છે, અને પછી તેના અંગત જીવન વિશે જાણવાની જિજ્ઞાસા થાય છે. આ જિજ્ઞાસા સંતોષવા જતાં ઘણી વાર અણગમતી હકીકતો સામે આવે ત્યારે ઘણા કિસ્સામાં કલાકારને બદલે તેની કળાને અન્યાય થાય એમ બનતું હોય છે.

    વીસમી સદીના ખ્યાતનામ સ્પેનિશ કલાકાર પાબ્લો પિકાસો તેમના અવસાનના પચાસ વર્ષ પછી ફરી એક વાર ચર્ચામાં છે. ચિત્રકળા, શિલ્પકળા, છાપ તેમજ સિરામીક્સના માધ્યમમાં પ્રચંડ કામ કરનાર પિકાસો પોતાની ક્યુબીઝમ એટલે કે ઘનવાદની શૈલી માટે જાણીતા છે. પોતાના જીવનકાળ દરમિયાન કલાકાર તરીકે તેમને પુષ્કળ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.

    તસવીર નેટ પરથી

    સાથોસાથ વિવિધ સ્ત્રીઓ સાથેનાં સંબંધો અને વર્તાવ માટે તેઓ ચર્ચામાં રહ્યા હતા. ૧૯૨૦ના દાયકાના આરંભથી ત્રીસેક વર્ષ સુધી તેમણે અવારનવાર પોતાનાં ચિત્રોમાં ‘માઈનોટોર’નું ચિત્રણ કર્યું હતું. ‘માઈનોટોર’ ગ્રીક પૌરાણિક પાત્ર છે, જેનું માથું આખલાનું અને શરીર મનુષ્યનું છે. પોતાના વતન સ્પેનમાં પરંપરાગત રીતે ચાલતી રહેલી ‘આખલાલડાઈ’ને કારણે પિકાસો આખલાની ખાસિયતોથી પ્રભાવિત થયા હશે. આથી સાવ યુવાન વયે તેમણે આખલા અને તેની સાથે લડનારા મેટાડોરનાં અનેક ચિત્રો ચીતર્યાં હતાં. અલબત્ત, પછીના અરસામાં તેઓ ‘માઈનોટોર’માં પોતાની જાતને દર્શાવતા હતા. આ પાત્રમાં રહેલા પ્રચંડ પૌરૂષીય તત્ત્વ અને શારિરીક તાકાતમાં તેઓ પોતાના ગુણોનું પ્રતિબિંબ નિહાળતા હતા. ‘માઈનોટોર’ના પાત્રમાં અમુક અંશે તેઓ સ્વછબિ પણ ચીતરતા હોવાનો એક મત છે.

    પિકાસોની કૃતિઓ પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’માં પ્રદર્શિત છે. માર્ચ, ૨૦૨૩માં પિકાસોની પચાસમી જયંતિ નિમિત્તે આ મ્યુઝિયમના સત્તાવાળાઓએ પિકાસોની કળાકૃતિઓની સાથોસાથ તેમના વિશેના વિપરીત અભિપ્રાયની ચર્ચાને પણ સ્થાન આપવાની પહેલ કરી છે. પિકાસોની કલાકારી વિશે જેમ મોટા ભાગનો વર્ગ એકમત છે, એમ તેમના જાતીય જીવન અને તેની વિચિત્રતાઓ વિશે પણ મોટા ભાગના વર્ગની એકમતિ છે. આ બાબત પર ઢાંકપિછોડો કરવાને બદલે મ્યુઝિયમવાળાઓએ તેને ખુલ્લી ચર્ચામાં લાવવાનું વલણ દાખવ્યું એ પ્રશંસનીય પહેલ કહી શકાય.

    આ અગાઉ ૨૦૨૧માં સ્પેનના બાર્સેલોનામાં આવેલા ‘પિકાસો મ્યુઝિયમ’માં બાર્સેલોના આર્ટ સ્કૂલનાં પ્રાધ્યાપિકા મારીઆ યોપીસ અને તેમની સાત વિદ્યાર્થીનીઓએ પિકાસોની મહિલાઓ સાથેની ક્રૂર વર્તણૂક વિરુદ્ધ દેખાવ કર્યા હતા. ખાસ કરીને ડોરા માર નામની ફ્રેન્‍ચ કલાકાર સાથેના પિકાસોના સંબંધ પેચીદા રહ્યા હતા. પિકાસોનાં અનેક ચિત્રોમાં સ્થાન પામનાર પાત્ર તરીકે ડોરા જાણીતાં બન્યાં હતાં. પણ પિકાસો સાથેના સંબંધના અંત પછી તેમનું જીવન યાતનામય બની રહ્યું હતું. સ્પેનિશ પ્રાધ્યાપિકા અને વિદ્યાર્થીનીઓએ ડોરા મારનો ઉલ્લેખ કર્યો હતો અને ‘મહિલાઓનો શોષક, પિકાસો’ જેવું લખાણ ધરાવતાં ટીશર્ટ પહેરીને તેઓ મ્યુઝિયમમાં આવ્યાં હતાં. પિકાસોના અવસાનના પચાસેક વરસ પછી આવા દેખાવ કેટલા પ્રસ્તુત ગણાય એવો સવાલ કોઈ પણને થઈ શકે. યોપીસે આ બાબતનો ખુલાસો કરતાં કહેલું કે તેઓ નાને પાયે વિરોધ દર્શાવવા માગતા હતા, કેમ કે, તેમનો મુદ્દો એટલો હતો કે મ્યુઝિયમવાળા પિકાસોના મહિલાઓ સાથેના સંબંધોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં દર્શાવતા નહોતા. યોપીસે જણાવેલું કે આ કંઈ પિકાસો પરનો હુમલો નહોતો, પણ પોતે સત્યમાં માને છે, નહીં કે હકીકતોને છુપાવવામાં.

    હવે વધુ એક વાર પિકાસો સામેના વિરોધને મોકળું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. અને એ પણ બીજા કોઈ નહીં, બલ્કે પેરિસના ‘પિકાસો મ્યુઝિયમ’ દ્વારા. આ અભિગમ ખરેખર આવકાર્ય ગણાવો જોઈએ, કેમ કે, અંધ વ્યક્તિપૂજાને બદલે એક જ વ્યક્તિની પ્રકૃતિમાં અનેક સ્તરો હોઈ શકે છે એ બાબતનો સ્વીકાર જરૂરી છે. એ પુખ્ત નાગરિકધર્મનું લક્ષણ છે. આમ ન હોય ત્યાં ભૂતકાળની વિભૂતિઓનો પોતાના મત માટે ઉપયોગ અને પોતાના ટૂંકા રાજકીય સ્વાર્થ માટે તેમનું નવેસરથી ચરિત્રહનન કે પછી ચરિત્રસ્થાપન થતું રહે છે.

    ટીકાથી કોઈ પર હોઈ શકે નહીં, પણ ‘કેન્‍સલ કલ્ચર’ એટલે કે વ્યક્તિની લાક્ષણિકતાની કોઈ એક જ બાજુને પકડી લઈને તેને આધારે એનો બહિષ્કાર કરવો એ અપરિપકવતાની નિશાની છે. આનાં ઉદાહરણ લેવાં બીજે ક્યાંય જવાની જરૂર નથી. આપણા દેશના રાજકારણમાં જ એ ભરપૂર મળી રહે છે. ભૂતકાળના કોઈ નેતાને ભૂતકાળના જ કોઈ નેતાથી ચડિયાતા કે ઉતરતા બતાવીને તેમને ચોક્કસ વ્યક્તિસમૂહ પૂરતા મર્યાદિત કરી દેવાની આપણા રાજકારણીઓને જબરી ફાવટ છે. નેતાઓ તો ઠીક, દેવતાઓ સુદ્ધાંને ચોક્કસ જાતિસમૂહમાં કેદ કરી દેવામાં આવ્યા છે. રંગ, પ્રાણી, પક્ષી, વાનગીઓ જેવી ચીજોને પણ સામુદાયિક ઓળખનો હિસ્સો બનાવી દેવામાં આવી છે. રાજકારણીઓ તો આ ખેલ પોતાના સ્વાર્થ માટે પાડતા હોય છે, પણ તેમની એ ચાલમાં આવી જવું એ નાગરિકોની અપરિપકવતાનું લક્ષણ છે.

    પેરિસના પિકાસો મ્યુઝિયમના પિકાસોના જીવનનાં વિવિધ પાસાંની ચર્ચા થાય- ખાસ કરીને પિકાસોની કળા માટે પૂજ્યભાવ ધરાવતી નવી પેઢી તેમની આ બાબતો વિશે જાણે, એ નિમિત્તે વંશીય ભેદભાવ, લિંગભેદ, સંસ્થાનવાદ જેવા બીજા અનેક આનુષંગિક મુદ્દાઓની ચર્ચા થાય એ હેતુ આ ઉપક્રમ પાછળ રહેલો છે.

    કોઈ પણ કલાકારનું કામ તેના સમયનું પ્રતિબિંબ હોય છે, એમ તેની માનસિકતાને પણ એ ઉજાગર કરતું હોય છે. સમયાંતરે એ નવાં નવાં અર્થઘટનો માટે કળારસિકો અને અભ્યાસુઓને પ્રેરતું રહે છે. એમ થવું જ જોઈએ. ‘ચરિત્ર’ની બહુ સંકુચિત વ્યાખ્યા આપણે ત્યાં પ્રચલિત છે, અને તેનો વખતોવખત દુરુપયોગ કોઈકની કારકિર્દી પર ડાઘ લગાડવા માટે થતો આવ્યો છે. આવા પરિપકવ અભિગમ થકી એ અર્થઘટન થઈ શકે. અલબત્ત, પરિપકવ અભિગમ ઘડાય શી રીતે? એનો જવાબ જાતે જ મેળવવો રહ્યો.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૫ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો – (૨૩) – બિહારમાં વિદ્રોહ : (૧) : ત્રણ શહીદો

    દીપક ધોળકિયા

    વિદ્રોહથી પહેલાં

    બળવાથી પહેલાં જ  બિહાર અંદરથી  તો ધુંધવાતું જ હતું. આ ધુંધવાટની શરૂઆત પણ ૧૮૫૫માં પટનાની જેલની એક ઘટનાથી થઈ.

    થયું એવું કે કેદીઓને અંગત વપરાશ માટે પિત્તળની હાંડલીઓ મળતી હતી. તેને બદલે માટીની નાની માટલીઓ આપવાનો સરકારે હુકમ કર્યો. જેલના અધિકારીઓનો દાવો હતો કે કેદીઓ પિત્તળની હાંડલીઓ દીવાલમાં ઘસીને દીવાલોને ખોખરી બનાવી નાખતા હતા અને પછી લાગ મળતાંવેંત એમાં છીંડું પાડીને ભાગી જતા હતા. કેદીઓ ક્રોધે ભરાયા અને એમણે જેલોમાં આંદોલન શરૂ કર્યું. ઇતિહાસમાં આ ‘લોટા આંદોલન’ તરીકે જાણીતું છે.  કેદીઓ બેકાબુ બની ગયા હતા અને એમને કાબુમાં લેવા પોલીસે ગોળીબાર કર્યો. અંતે કેદીઓ હારી ગયા.

    પરંતુ અફીણની ખેતી કરતા બાર હજાર ખેડૂતો હવે કેદીઓને પિત્તળની હાંડલીઓ અપાવવા મેદાને પડ્યા. સામાન્ય જનતા પણ કેદીઓ સાથે હતી અને ખેડૂતો આગળ આવતાં લોકોમાં જોશ આવી ગયું.  શહેરમાં એવાં તોફાન થયાં કે સરકારને બીક લાગી કે સરકારી તિજોરી પર ટોળાં ત્રાટકશે. લોકોએ કમિશનરને પકડી લીધો અને કેદીઓને પિત્તળની હાંડલીઓ આપવાની માગણી કરી. અંતે કમિશનરે નમતું મૂક્યું અને કહ્યું કે મને છોડી દો, તમારી બધી માગણી મંજુર છે. અંતે સરકારે પિત્તળની હાંડલીઓ પાછી આપી.

    રોહિણીમાં અંગ્રેજોની હત્યા

    આમ સ્થિતિ તો વિસ્ફોટક હતી જ, એટલે ૧૮૫૭માં દિલ્હી, અવધ, ઝાંસી, કાનપુરમાં થયેલા બળવાની અસર હવે બિહારમાં જલદી દેખાવા લાગી હતી. મેરઠમાં દસમી મેના રોજ વિદ્રોહ શરૂ થયો તેના પડઘા ૧૨મી જૂને બિહારના દેવઘર અને રોહિણીમાં પડ્યા.

    દેવઘરમાં ૩૨મી રેજિમેન્ટનું મથક હતું અને રોહિણીમાં પાંચમી કૅવલરીનું નાનું એકમ હતું. ૧૨મી જૂનની રાતે લશ્કરની છાવણીમાં મૅજર મૅકડૉનલ્ડ, લેફ્ટેનન્ટ નૉર્મન લેસ્લી અને ડૉ. ગ્રાન્ટ ઘરના બગીચામાં ખુરશીઓ માંડીને ચા પીતા બેઠા હતા. અચાનક ત્રણ શખ્સો ખુલ્લી તલવારો સાથે ધસી આવ્યા અને એમના પર પ્રહાર કર્યો. લેસ્લી એ વખતે ઘરમાં જવા માટે ઊઠતો જ હતો ત્યારે એની પીઠ પર તલવારનો બીજો ઘા પડ્યો અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ મામ્યો. મૅજર મૅકડોનલ્ડ અને ડૉ. ગ્રાન્ટ પણ સખત જખમી થઈ ગયા.

    આ ત્રણ લશ્કરી અફસરો રહેતા હતા ત્યાં સખત જાપ્તો હતો પરંતુ ચોકીપહેરાની ડ્યૂટી કરતા ગાર્ડને ખબર પણ ન પડી કે એ ત્રણ ક્યાંથી આવ્યા. ઘટનાની તપાસ શરૂ થઈ પણ કંઈ કડી મળતી નહોતી. પરંતુ એક ઈમામખાં નામનો સિપાઈ પોતાના જખમની સારવાર માટે ડૉક્ટર પાસે આવ્યો ત્યારે ધીમે ધીમે ભેદ ખૂલવા લાગ્યો. ઈમામ ખાં હુમલાના કાવતરાનો સૂત્રધાર હતો. તે પછી ત્રણ સિપાઈ પકડાયા – અનામત અલી, શહાદત અલી અને શેખ હારૂન. મૅજર મૅકડોનલ્ડ પોતે ઘાયલ થયો હતો તેમ છતાં એણે સરકારની પરવાનગી લીધા વિના જ ત્રણેયને પોતાના હાથે ફાંસી આપી. એણે પોતાના એક સાથીને પત્ર લખીને વિગત આપી તે પ્રમાણે એણે એક હાથી પર ત્રણેય સિપાઈઓને બેસાડ્યા અને હાથીને એક ઝાડ નીચે લઈ આવ્યા. એના પર બાંધેલાં દોરડાં મૅકડૉનલ્ડે જાતે જ ત્રણેયનાં ગળાંમાં નાખ્યાં,  અને હાથીને હટાવી લીધો. તે સાથે જ ત્રણેય ક્રાન્તિવીરોના દેહ ઝાડ પર ઝૂલવા લાગ્યા. આજે પણ દર વર્ષે ૧૨મી જૂને એમની શહીદીનો દિન રોહિણીમાં શહીદ સ્થળે મનાવાય છે.

    પટના ફરી ઊકળ્યું – ૩ જુલાઈ ૧૮૫૭

    રોહિણીની ઘટના બની તે પહેલાં જ અંગ્રેજ સરકાર પટનામાં કંઈ ન થાય તે માટે સાવચેત હતી. કંઈ થાય તો યુરોપિયનોને  બચાવવા માટે અફીણનાં ગોદામોમાં રહેવાની પણ વ્યવસ્થા કરી લીધી હતી. તે સાથે જ એમણે દમનનો દોર છૂટો મૂકી દીધો. ઘરેઘરની ઝડતી લેવાઈ. પટનાના અંગ્રેજ હાકેમ વિલિયમ ટેલરે  દગાખોરીનો રસ્તો લીધો અને ૧૯મી જૂને  શહેરના આગેવાનોને પોતાને ઘરે બોલાવ્યા અને એમાંથી ત્રણ મૌલવીઓ અહમદુલ્લાહ, મહંમદ હુસેન અને વાએઝુલ હકને પકડી લીધા અને કાળા પાણીની સજા આપી. એક મૌલવીનો ગુનો એટલો જ હતો કે એ ખ્રિસ્તી મિશનરીઓ વિરુદ્ધ પ્રચાર કરતો હતો. પટના જિલ્લામાં એક વર્ષ માટે માર્શલ લૉ લાગુ કરી દેવાયો અને ૨૩મી જૂનથી ૧૦ જુલાઈ વચ્ચે દસ જણને ફાંસી આપી દેવાઈ.

    આમ છતાં લોકો કાબુમાં નહોતા આવતા. જુલાઈની ત્રીજી તારીખની રાતે એક મશાલ સરઘસ નીકળ્યું. એની આગેવાની પીર અલીએ લીધી હતી. પહેલાં તો એમણે એક રૉમન કૅથલિક ચર્ચ પર હુમલો કરીને તોડફોડ કરી. ભીડ તે પછી એક અફીણના ગોદામ તરફ આગળ વધી. ત્યાંનો મુખ્ય અધિકારી ડૉ. આર. લૉયલ શીખોની ટુકડી લઈને એમનો સામનો કરવા નીકળ્યો પણ ભીડે એને મારી નાખ્યો. અફીણના ગોદામ પર હુમલો કરવો તે ઈસ્ટ ઇંડિયા કંપનીના સીધા વેપાર પર હુમલો હતો. બિહારમાં વિદ્રોહીઓએ જ્યાં અફીણ પેદા થતું હતું એ પ્રદેશોને નિશાન બનાવ્યા હતા. એમનું લક્ષ્ય કંપનીને આર્થિક રીતે પાયમાલ કરી નાખવાનું હતું.

    દાનાપુરમાં સિપાઈઓનો સફળ વિદ્રોહ

    દાનાપુરમાં હાલત ગંભીર હતી. ત્રીજી જુલાઈની પટનાની ઘટનાઓ પછી પટનાથી દસેક કિલોમીટર દૂર દાનાપુરમાં દેશી સિપાઈઓ પાસેથી શસ્ત્રો લઈ લેવાનો અંગ્રેજ ફોજી અધિકારીઓએ નિર્ણય લઈ લીધો હતો.એમની જગ્યાએ ગોરાઓની બનેલી ફોજ ગોઠવવાની હતી. ૨૫મી જુલાઈએ અંગ્રેજ પલટન દાનાપુર પહોંચી એટલે બધા દેશી સિપાઈઓને પરેડમાં એકઠા કરવામાં આવ્યા અને એમને પહેલાં તો શસ્ત્રાગાર છોડી દેવાનો હુકમ અપાયો. સવારે જ બધાં શસ્ત્રો ગોરા પલટન પાસે હિન્દી સિપાઈઓ જાતે જ પહોંચાડી આવ્યા. બપોરે એમને ફરી એકઠા કરીને એમનાં પોતાનાં શસ્ત્રો સોંપી દેવાનો હુકમ અપાયો. એ વખતે એમને ચારે બાજુથી અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધા. પરંતુ બે ટુકડીઓએ હુકમ ન માન્યો. એમણે દોડીને પોતાનાં હથિયારો ફરી હાથમાં લઈ લીધાં. એમને જોઈને બીજી એક બટાલિયન પણ એમની સાથે જોડાઈ ગઈ. એ વખતે કોઈ ગોરા અફસર કે સૈનિક ત્યાં નહોતા. જનરલ લૉઈડ પોતે ચાલ્યો ગયો હતો અને જતાં જતાં એવી વ્યવસ્થા કરતો ગયો હતો કે બપોરે જ્યારે સિપાઈઓનાં હથિયારો લેવાની કાર્યવાહી થાય ત્યારે એ કામ દેશી અફસરોની નજર નીચે જ કરાવવું કે જેથી સિપાઈઓ હુકમ ન માને તો એમના ક્રોધનું નિશાન પણ કોઈ અંગ્રેજ નહીં પણ દેશી જ બને.

    હવે બળવાખોર ફોજીઓ દાનાપુરથી આગળ વધ્યા અને રસ્તામાં જે કોઈ સરકારી ઑફિસ આવી તેને જમીનદોસ્ત  કરતા ગયા. અંગ્રેજ ફોજે સોન નદીમાં સ્ટીમર દ્વારા વિદ્રોહીઓ પાછળ સૈનિકો મોકલ્યા પણ એમનું કંઈ ચાલ્યું નહીં. નદીમાં પાણી ઓછું હોવાથી સ્ટીમરો પણ છીછરા પાણીમાં ખૂંપી જતી હતી.

    ૨૯મી જુલાઈએ કૅપ્ટન ડનબરની સરદારી હેઠળ શીખ અને અંગ્રેજ સૈનિકોની સાથે મોટી ટુકડી બળવાખોરોની પાછળ નીકળી. શીખો આગળ અને ગોરા સૈનિકો પાછળ ચાલતા હતા. ઓચિંતા જ વિદ્રોહીઓએ એમના પર છાપામાર હુમલો કરતાં ડનબર પોતે અને બીજા ઘણા સૈનિકો માર્યા ગયા. જીવતા રહ્યા તે નદી તરફ ભાગ્યા અને પાછા જવા માટે એક સ્ટીમરમાં ચડી ગયા પણ વિદ્રોહીઓએ સ્ટીમરને ઘેરી લીધી અને આગ લગાડી દીધી.

    આ પરાજય પછી અંગ્રેજી ફોજ અને હાકેમોમાં પરસ્પર આક્ષેપોની ઝડીઓ વરસી. એક તો, બિહારમાં બળવો જલદી અને ચારેકોર ફેલાયો અને બીજું એ કે અહીં બચાવ કરવાનું ઈસ્ટ ઇંડિયા કંપની માટે સૌથી વધારે મુશ્કેલ રહ્યું. બિહારના વિદ્રોહીઓની કથા હજી  આગળ ચાલશે.

    ૦૦૦

    સંદર્ભઃ

    1. 1857: बिहार में महायुद्ध, प्रसन्न कुमार चौधरी तथा श्रीकान्त, राजकमल प्रकाशन, 2015 (Google Books)

    (https://books.google.co.in/books?id=9cGgdEGTxvYC&lpg=PP1&pg=PA7#v=onepage&q&f=false)

    1. https://archives.peoplesdemocracy.in/2007/0506/05062007_1857.htm
    2. ભારતઃ ગુલામી– અને આઝાદી માટેનો સંઘર્ષ ભાગ ર: આઝાદી માટેનો સંઘર્ષ , પ્રકરણ ૩૪ (આ લેખકની વેબગુર્જરી પરની શ્રેણી)

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • કિશોરકથાનું ભાલતિલક : બકોર પટેલની વાર્તાઓ

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ગુજરાતને ગુજરાતી સાહિત્યનો એક આખોય કાલખંડ હતો જેમાં બાળમાનસનાં જાણભેદુશ્રી હરિપ્રસાદ વ્યાસની કૃતિ ‘બકોર પટેલ’નું એકચક્રી શાસન ચાલેલું. બકોર પટેલની વાર્તાઓ એટલે પ્રાણીસૃષ્ટિ ને માનવસૃષ્ટિનો વિરલ સમન્વય ચીંધતી વાર્તાઓ. એમાં મુખ્ય નાયક બકોર પટેલ ને નાયિકા શકરી પટલાણી. અન્ય પાત્રોમાં વાઘજીભાઈ વકીલ, ટીમુ પંડિત, ડૉ. ઊંટડિયા, બાંકુભાઈ બંદર, ભત્રીજો અમથો ને એવાં કંઈ કેટલાંય.

    મારા બાળપણમાં બકોર પટેલને મેં એકશ્વાસે ને મનભરીને વાંચેલ. આ કૃતિને ફરીથી માણવા માટે જીવનના પાંચમા દાયકે એને જ્યારે ફરીથી હાથમાં લીધા ત્યારે એમાં મને લેખકનું એક જુદું જ જીવનદર્શન સાંપડ્યું, જેણે મને આત્મનિરીક્ષણ કરવા પણ પ્રેરી –દોરી.

    ગુજરાતી સાહિત્યના મધ્યકાળમાં થયેલા સમર્થ કવિ પ્રેમાનંદે રામાયણ, મહાભારત ને પુરાણોમાંથી વસ્તુ લઈને ઉત્તમ આખ્યાનો રચ્યાં – પોતાની મૌલિકતાથી રસીને. જેમાં પ્રેમાનંદે  નળને ચાહતી દમયંતીને વરવા ઈચ્છતા દેવોએ કરેલી યુક્તિમાં, સુદામા કૃષ્ણને મળવા આવે છે ત્યારે એને જોઇને વિસ્મય અનુભવતી કૃષ્ણની રાણીઓમાં, દમયંતીને વરવા ઈચ્છતા વૃદ્ધ રાજાઓની લાલસાનું આલેખન કરીને આમલોકને પેટ પકડીને હસાવ્યા છે જેની પાછળ પ્રેમાનંદના મનમાં કોઈ ડંખ નથી. છે માત્ર મનુષ્યમાં સળવળતી રહેલી વૃત્તિઓના તરંગનું સૂક્ષ્મ નિરીક્ષણ. જેને નિર્દોષતાથી પ્રેમાનંદે સૌને પીરસ્યું છે. કંઈક આવું જ વહેંચવા હરિપ્રસાદ પણ પ્રેરાયા હોય એવું જણાય છે. બકોર પટેલમાં એક બાજુ છે જીવનમૂલ્યોનો અનાયાસ બોધ ને બીજી બાજુ છે આમલોકમાં પડેલા અનેક સ્થાયી, સંચારી ભાવોનો શંભુમેળો. વાર્તાને અંતે એ ભાવોમાંથી ઉપર ઊઠવાની, એમાંથી સાંગોપાંગ નીકળી જવાની કલા ! જેના આલેખનમાં લેખકનું જીવનદર્શન પ્રગટ્યું છે.

    મૂળે તો બકોર પટેલ એક એવા નાયક જેના દરેક કાર્યમાં, વિચારમાં આચારમાં ભારે ઉતાવળ, ધમાલ અને તેને પરિણામે જાતજાતના છબરડા ને તેમાંથી વાચક માટે પીરસાતું ખડખડાટ હાસ્યને નરવો આનંદ ! પણ એ આનંદની પછવાડે વાચકના ચિત્તમાં ઘર તો કરી જાય એમની જીવનને જોવાની નરવી, ગરવી, નિર્દોષ, સરળ દ્રષ્ટિ ! બકોર પટેલને નિમિત્તે આપણા જેવા સૌ આમલોકોમાં કેવા કેવા સ્થાયી, સંચારી ભાવો પડેલા છે ને વખત આવ્યે એ કેવા જાગ્રત બને છે એની જ લેખકે મજા લીધી છે ને અન્યોને કરાવી છે. પોતાને વતન તારાપુર ગયેલા બકોર પતેમ વાઘજીભાઈ ને ડૉ. ઊંટડિયાને પણ સાથે લઇ જાય ને જૂના ઘરમાં જૂની વસ્તુઓ ફેંદતા એક નકશો મળે ને પટેલને લાગે કે નક્કી આ નકશો કોઈ છૂપા ખજાનાનો છે. બસ, થઈ રહ્યું ! ત્રિપુટી રાત્રે નીકળી પડે ને ઘણી ધમાલ પછી નવાં નાણાંના સિક્કાની થેલી મળે ! પછી રહસ્ય ખૂલતાં ખબર પડે કે પટેલના ગામના યુવાનોએ સારવાર –ફંડ માટે એકઠા કરેલા પૈસાની જ એ થેલી હતી ! તો પટેલના ભત્રીજા અમથાના લગ્ન લઈને પટેલ નીકળે ને છેલ્લી ઘડીએ કન્યા કાણી નીકળી પડે ત્યારે ભોંઠા પડેલા વેવાઈ પોતાની બીજી પુત્રી વેરે અમથાને પરણાવી દે. ને જાનમાં આવેલા એક લંગડા યુવક સાથે પેલી કાણીનુંય ગોઠવી આપે !

    અહીં આજથી લગભગ નવ-દસ દાયકા પહેલાંનો સરળ જીવનપદ્ધતિ દર્શાવતો એક કલાખંડ આલેખાયો છે. કેવો હતો આ સમય ? જયારે જીવતરમાં એક નિરાંતનો અહેસાસ હતો. સાદું –સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવતા આમલોક સાથેનું પોતાપણું, સંબંધોની મીઠાસ ને ગરિમા, ચગળી- ચગળી ને જિવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ. છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને પ્રસ્તુત કરે છે.

    આ વાર્તાઓમાં ક્યાંક અનાયાસ ગાંધીપ્રભાવ પણ  ઝીલાતો વરતાય છે. બકોર પટેલ ફૂલઝાડ વાવવાના ભારે શોખીન છે. આમ, તો એને પાણી પીવડાવવાનું કામ નોકરાણી બહેન ખુશાલનું પણ બકોર પટેલ ક્યારેક સવારના પહોરમાં ઝાડને પાણી પીવા મંડી પડે. એની પાછળ એમનો વ્યક્તિગત શોખ તો ખરો જ. સાથોસાથ ખુશાલને એટલું કામ ઓછું કરવાનો ભાવ પણ પટેલના મનમાં પડેલો.

    તો, પોતાનું ઘડિયાળ ચોરાયું ત્યારે પટેલને પોતેના ઓફિસના પટાવાળા વીઠુ પર વહેમ પડેલો ને તેને ધમકાવીને પટેલે ઓફિસમાંથી રજા આપી દીધી. પણ ઘડિયાળ તો પોતે રિપેર કરાવવા દીધેલું એ યાદ આવતાં પટેલે નોકરને ઘેર જઈને માફી માંગવામાંય નાનપ ન અનુભવી!

    પટેલની ઓફિસના મુનિમ બાંકુભાઈની બુદ્ધિ ભારે તેજ. પટેલ જયારે જયારે મૂંઝાય ત્યારે બાંકુભાઈની સલાહ લે. ને બાંકુભાઈની યુક્તિઓ પટેલને આબાદ કામ લાગી જાય. એવી ક્ષણોમાં જુદી જુદી રીતે બાંકુભાઈને નવાજીને પટેલ એમની કદર કરવાનું ક્યારેય ન ભૂલે. લેખકની આ ભાવના લેખકની અંગત મૂડી તો ખરી જ, પણ સાથોસાથ એમના યુગપ્રભાવે પણ એની પાછળ ભાગ ભજવ્યો હોવાનું અનુમાની શકાય.

    લેખકના નાયક બકોર પટેલ અને કુલીન, સદગૃહસ્થ, પ્રેમાળ પતિ, વત્સલ વડીલ, હૂંફાળા મિત્ર, પ્રામાણિક વેપારી, જીવનની ક્ષણેક્ષણમાંથી રસના ઘૂંટડા ભરનાર જીવનપ્રેમી જણ છે. ભલે ને એ જાદુઈ વટાણાથી આકર્ષાય છે, ધન બમણું કરનાર બાવાઓની જાળમાં ફસાય છે, લોટરીની ટિકિટનાં આકર્ષણોમાં લલચાય છે પણ છેવટે અનુભવોમાંથી મળેલી દીક્ષાને ગ્રહણ કરીને આ લાલચોમાંથી તત્કાળ બહાર નીકળી જાય છે. બકોર પટેલના સહૃદય ભાવકોને એની મોટી ઉંમરે આ કૃતિના વાચનની જે ફળશ્રુતિ સાંપડે છે તે આ. જીવતરના વાળાઢાળાની વચાળે અથડાયા, કૂટાયા, ફંટાય, છેતરાયા પછી પોતાની ભૂલની જાણ થવી, પરિણામે ફરીથી એ ન કરવાની સમજ પ્રાપ્ત થવી ને છેવટે હસી કાઢીને એમાંથી બહાર નીકળી જવાની ક્ષમતા પ્રાપ્ત કરવી – જાગૃતિની આ જણસ હરિપ્રસાદને એક ઊંચા ગજાના તત્ત્વચિંતકની કોટિએ લઈ જાય છે.

    બાળકોને તેમ મોટેરાંઓનેય પેટ પકડીને હસાવતાં લેખકે અનાયાસ આ સૌમાં રોપી છે મૂલ્યનિષ્ઠા. પટેલની કામવાળી બાઈ ખુશાલ રજા પર જતાં નવા પટેલ નવા નોકરની શોધ કરે છે ને પટેલને વારંવાર નોકર બદલવા પડે છે, જેનું કારણ છે કે નોકરોની ચિત્ર – વિચિત્ર માંગો. આવા નોકરોને જોઇને પટેલને ખુશાલની કિંમત સમજાય છે. તો એક વાર પટેલને ઊડવાનું મન થાય છે ને ઘણા પ્રયત્નોને અંતે પટેલ ઊડતાં શીખે પણ છે ને મિત્ર વાઘજીભાઈને શિખવાડે પણ છે ! પછી તો બંને જણા આખા મુંબઈને હાથમાં, કહો કે બાથમાં, લે છે ને જાતજાતનાં તોફાનોય કરે છે, જેમાંનું એક તોફાન કોઈના બગીચામાં પડેલાં આઈસ્ક્રીમનાં થરમોસ ઉપાડવાનું છે.

    એ ઉપાડતાં ઉપાડતાં પટેલ ત્યાં પચાસ રૂપિયાની નોટ પણ મૂકી દે છે. કોઈનું મફત તો કેમ લેવાય – એવા વિચારોથી. મિત્રો માટે, પાડોશીઓ માટે, મહેમાનો માટે, નોકરાણી ખુશાલ માટે પટેલ કાયમ ઓછા ઓછા થતા રહે છે,તેમનાં સુખ-દુઃખ માં ખડે પગે ઊભા રહે છે ને છતાંય એની કોઈ સભાનતા એમના મનમાં નથી. કોઈનેય માટે બધું જ કરી છૂટતાં પટેલ –પટલાણી કશુંક કર્યાના ખ્યાલમાં ક્યારેય અળપાતા નથી. આચાર્ય મમ્મટ કાવ્યનાં પ્રયોજનોમાં એક પ્રિય પત્નીની જેમ ઉપદેશ આપવાને પણ ગણાવે છે. હરિપ્રસાદે કદાચ આવા કોઈ ખયાલની સભાનતા રાખ્યા વિના ગુજરાતની પ્રજાને હળવાશથી જીવતરની મીઠાશ પીરસી આપવાનું ગુરુકૃત્ય ને સાથોસાથ સર્જકકૃત્ય પણ બજાવી દીધું છે.

    બકોર પટેલની આ વાર્તાઓમાં અંધશ્રદ્ધાનું છેદન, વૈજ્ઞાનિક શોધો ને ટેકનોલોજીનો મહિમા, આરોગ્યની જાળવણીનું મુલ્ય જેવા આધુનિક વિચારોની પ્રતિષ્ઠા તે કાળે લેખકે કરી જાણી છે. પટેલ ઊડવાની કલા શીખે ને તેમાં સફળ થાય. છેક વિદેશ સુધી તેમની વાહવાહ થાય ને છેલ્લે ‘પટલાણી, તમે આ પ્રયોગની નોંધ રાખી હોત તો ?’ કહીને દસ્તાવેજીકરણનું મૂલ્ય કરે – આવી કંઈ કેટલીય વિચારણા આજેય આધુનિક લાગે તો એ સમયના સમાજને તો પચવીય ભારે પડી હશે. તે છતાંય એવું આલેખન કરીને એના લેખકે કરેલું સમયની પરનું ચિંતન એમની વિચારશક્તિની ક્ષમતાનું દ્યોતક છે. કૃતિની ભાષામાં ઠેરઠેર તળપદા શબ્દોનું પ્રાચુર્ય નજરે ચડે છે. ‘હાઉસેન જાઉંસેન’, ‘ત્રેખડ’, ‘ઠોઠું’ ‘મોકાણ’ જેવા શબ્દપ્રયોગ કૃતિને જીવંત બનાવે છે.

    બકોર પટેલની વાર્તાઓમાં સૌને સમાન રીતે આકર્ષે એવું એક તત્ત્વ લેખકની કલ્પનાસમૃદ્ધિ છે. પટેલ તેમજ અન્ય પાત્રોને નિમિત્તે લેખક કેવું કેવું વિચારી શક્યા છે ! પટેલને ઊડવાનું મન થાય, પટેલને રોજના જીવનમાંથી જાતજાતના તુક્કા સુઝે ને આ બધાની અભિવ્યક્તિ એટલી તો વાસ્તવિક રીતે થાય કે વાચકોને આ વાર્તાઓ એકદમ વાસ્તવિક લાગે, બલકે એના નાયક બકોર પટેલ ન રહેતાં દરેકને એનો નાયક જાણે એ પોતે જ હોય એવી અનુભૂતિ થાય બધી વાર્તાઓને અંતે લેખકને જે કહેવું છે તે આ, દરેકમાં એક બકોર પટેલ છુપાયેલો છે –તુક્કાબાજ , ભૂલકણો , પ્રેમાળ, સજ્જન એવો એક જન. આ અર્થમાં બકોર પટેલનું પાત્ર સૌ માટે એક દર્પણની ગરજ સરતું પાત્ર બની રહ્યું છે.

    પટેલની પત્ની શકરી પટલાણી વિના પટેલને ચાલે શકે એવી ડંફાશ હાંક્યા પછી પટલાણીના પિયર ચાલ્યા જવાથી પટેલ કેવા લાચાર બની જાય ને તેની લાચારી જોઈ ન શકવાથી ચાલ્યાં આવેલાં પટલાણી પ્રત્યે અપરાધભાવ અનુભવે; બદામપાકની છાપામાં જાહેરાત વાંચીને તાત્કાલિક શકરી પટલાણી પાસે પાક તૈયાર કરાવે, પણ પાક ચાખતાં પટેલને ખબર પડે કે બધી બદામ કડવી પસંદ થઈ ગઈ છે; ઘેર આવેલા અજા ફોઈને યાત્રાએ વળાવ્યા પછી એ જ ગાડીને અકસ્માત થયાના સમાચાર મળતાં પટેલ ગામ જઈને ફોઈબાનું બારમું ધામધૂમથી ઊજવે ત્યારે છેલ્લી ઘડીએ ફોઈબા આવીને પોતે બચી ગયાનું જણાવીને સૌ સાથે ભોજન આરોગવા બેસી જાય ને જીવતે જીવ જ પોતાના મૃત્યુની ઉજવણીમાં સામેલ થઇ જાય;- આવું તો કંઈ કેટલુંય બકોર પટેલની સૃષ્ટિમાં બને. પણ આ બધા છબરડા, ગોટાળા, ઊંધાચત્તા બનાવોને અંતે રેલાય નરી પ્રસન્નતા. બકોર પટેલની દરેક વાર્તાને અંતે લેખકનું બ્રહ્મવાક્ય આ જ ‘ને પટેલ પટલાણી ખડખડાટ હસી પડ્યાં !’ આ પાત્ર દ્વારા લેખકે શીખવ્યું છે –વિષમ જીવતર પર હસી પડવાનું – કહો કે હસી નાખવાનું ! ગીતકારે સહૃદય ભાવકોને પ્રસન્નચિત્ત રહેવાનો જે ગંભીર  બોધ પ્રબોધ્યો તેનું હરિપ્રસાદે અહીં સરલીકારણ કરીને ભગવદગીતા રમતાં રમતાં હાથવગી કરી આપવાનું જે ગંજાવર કર્મ કરી આપ્યું છે તે આનંદ અને વિસ્મય જગવે તેવી છે.

    લેખકે અહીં ભલે પ્રાણીમાં મનુષ્યત્વનું ઓપણ કર્યું હોય પણ ખરી રીતે જોતાં એ લાગે છે કે આખરે તો મનુષ્ય તરીકે કોઈ મનુષ્ય કે પશુ તરીકે કોઈ પશુને જોવું એ તેનું ખંડદર્શન છે. હકીકતમાં પ્રાણીને મનુષ્ય પરસ્પર સમન્વિત છે. દરેક પશુ અર્ધું મનુષ્ય છે ને દરેક મનુષ્ય અર્ધો પશુ. શ્વાન, બિલાડી, ગાય, સિંહ જેવાં પશુઓમાં વફાદારી, ખંધાઈ, રાંકપણું કે સ્વાભિમાન મનુષ્યને આંટે એ રીતે વ્યક્ત થતાં હોય છે તો માનવીમાં હિંસકતા, નિર્માલ્યતા, શિકારીવૃતિ જેવી પશુને હંફાવે એ રીતે જોવામાં આવતી હોય. ‘ભાગવત’માં આલેખાયેલા નૃસિંહાવતારના રહસ્યને અનાયાસ ચીંધી બતાવીને લેખક જીવનની સૂક્ષ્મ સમજને કેવી તો પામી શક્યા છે તેનું આ કૃતિએ આપણને દર્શન સંપડાવ્યું છે.

    કૃતિનાં ચિત્રો, કૃતિના વાર્તાઓનાં શીર્ષકો, દરેક કૃતિનો અંત –કોઈ પણ રીતે જોતાં આ શ્રેણી પુરા નવમ – દરેક યુગે નવી બની રહીને ગુજરાતી સાહિત્યની શાશ્વત કૃતિઓમાં સ્થાન મેળવવાની અધિકારિણી બને છે. ગુજરાતના સમાજની લગભગ પાંચ પેઢીઓનું આ કૃતિના પ્રસન્ન દંપતી પટેલ-પટલાણીએ સાદ્યંત ઘડતર કરીને ગુજરાતી સાહિત્યને ગૌરવ બક્ષ્યું છે.


     સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ગુજરાતી વિશ્વકોશ

    સંપાદકીય નોંધ:

    વેબ ગુર્જરીના સમય પ્રત્રકમાં ઘણી વાર આકસ્મિક ખાલી જગ્યાઓ પડવાની સંભાવવાનાઓ સ્વાભાવિક છે. એ સમયે વિવિધ વિષયો વિશે અધિકૃત માહીતી મળી શકે તેવાં લેખો આવરી લેવાના આશયથી ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાનો આ ઉપક્રમ છે.

    આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

    સંપાદન મંડળ વેબ ગુર્જરી


    ગુજરાતી વિશ્વકોશ : પરિચય

    ગુજરાતી વિશ્વકોશ એ ગુજરાતી ભાષાનો પ્રથમ અને એકમાત્ર જ્ઞાનકોશ છે. આ જ્ઞાનકોશમાં વિશ્વભરનું વિવિધ વિષયોને લગતું જ્ઞાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
    બ્રિટીશ ઍન્સાઇક્લોપીડિયા જેવો ગુજરાતી ભાષામાં પણ જ્ઞાનકોશ હોવો જોઇએ તેવો સૌપ્રથમ વિચાર સંત પૂજ્ય શ્રી મોટાને આવ્યો. ગુજરાતીમાં વિશ્વકોશ તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને રૂ।.૧૦ લાખનું દાન આપ્યું. યુનિવર્સિટીએ આ માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઇ ઠાકરને તેનું કામ સોંપ્યું.[૧] પણ વધારાની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કામ આગળ ન વધ્યું. થોડા વર્ષો બાદ સાંકળચંદભાઇ પટેલે ભાષા પ્રેમથી પ્રેરાઇને આ માટે જરૂરી રકમ આપવાની બાંહેધરી આપી અને પુનઃ કામ શરું થયું. ત્યાર બાદ ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટની સ્થાપના થઈ. શ્રેણીક્ભાઇ કસ્તુરભાઇ તેના પ્રથમ મુખ્ય અધ્યક્ષ બન્યા. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્યવસ્થા થતાં ૨ ડિસેમ્બર ૧૯૮૫ના રોજ વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ.

    ૨૪ વર્ષના પુરુષાર્થના ફળસ્વરૂપ ગુજરાતી વિશ્વકોશના ૨૫ ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના ૨૬,૦૦૦ પૃષ્ઠોમાં માનવવિદ્યાના ૮,૩૬૦ વિજ્ઞાનના ૮,૦૮૩, સમાજવિદ્યાના ૭,૬૪૦ – એમ કુલ ૨૪.૦૮૩ અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં ૧૧,૬૬૦ ચિત્રો અને આકૃતિઓ, ૭,૬૪૭ લઘુચરિત્રો, ૫૬૩3 વ્યાપ્તિ-લેખો અને ૨૪૬ અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે ૧,૫૯૩ જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. ૧,૭૩,૫૦,૦૦૦ જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.

    ગુજરાતી વિશ્વકોષ એ ગુજરાતની અસ્મિતાને ઉપસાવી આપતો ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, વાણિજ્ય, ટૅક્નૉલૉજી, ઉદ્યોગ, વિશિષ્ટ વ્યક્તિઓ, સંસ્થાઓ અને ગુજરાતી પ્રજાની તમામ ક્ષેત્રની પ્રવૃત્તિઓનો વિગતસમૃદ્ધ રસપૂર્ણ અધિકૃત પરિચય કરાવવાનો અભિનવ પ્રકલ્પ છે.

    વિશ્વકોશની યાત્રા વિશેષ આગળ ચાલતી રહી છે. તેના દ્વારા ‘બાળવિશ્વકોશ’ અને ‘પરિભાષાકોશ’ પણ તૈયાર થયા અને ‘બૃહદ્ નાટ્યકોશ’, ‘નારીકોશ’ અને ‘વિજ્ઞાનકોશ’ જેવા કોશ તૈયાર થઈ રહ્યાં છે. પુસ્તકો અને સામયિકના પ્રકાશન ઉપરાંત વ્યાખ્યાનશ્રેણી પણ ચાલે છે.

    ગુજરાતી વિશ્વકોશનું પ્રકાશન થયા બાદ એનાં બે કે ત્રણ પુનઃસંસ્કરણ થયાં છે અને એના પુનઃસંસ્કરણમાં જરૂરી ઉમેરાઓ પણ કર્યા છે. જે તે વિશ્વકોશની રચના પછી ફરીવાર એનું પ્રકાશન થતી વેળાએ એનું પુનઃસંસ્કરણ થતાં વચ્ચે ઘણાં વર્ષોનો ગાળો વીતી જાય તે સ્વાભાવિક છે. આથી વિશ્વકોશની અહીં પ્રસ્તુત કરેલી માહિતીમાં કેટલીક માહિતી થોડા સમય અગાઉની હોય તે સ્વાભાવિક છે અને તેથી દરેક અધિકરણની ઉપર જે વર્ષમાં વિશ્વકોશનું પ્રકાશન થયું તેનું વર્ષ લખેલું છે. વિશ્વકોશના પચ્ચીસે ગ્રંથો ઑનલાઇન ઉપલબ્ધ થાય તે પહેલું કાર્ય સિદ્ધ કરવાનો પ્રયાસ પણ સક્રિય છે. એ પછી વિશ્વકોશનાં જુદાં જુદાં તજ્જ્ઞો દ્વારા એમાં જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ કે સંવર્ધન કરવામાં આવશે.

    આ સંદર્ભમાં કોઈ વિશેષ જાણકારી જોઈતી હોય તો વિશ્વકોશના ઈ-મેઇલ vishwakoshonline@gmail.com પર સંપર્ક કરી શકાય છે.

     

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૩ – અંશ : ૨ #

    આપણાં જીવનનું પોતાનું અર્થશાસ્ત્ર પણ સમજવું તો જોઇએ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    પ્રકરણ # ૩ – અંશ : ૧ થી આગળ

    અર્થશાસ્ત્રીઓની તર્કસંગત પૂર્વધારણાઓ અને અનુમાનો

    પરંપરાગત રીતે અર્થશાસ્ત્રીઓ માને છે કે આપણે બધાં એવી તાર્કિક વ્યક્તિઓ છીએ જેઓ પોતાના આર્થિક  નિર્ણયો ઓછામાં ઓછાં ‘નાણાં’ ખર્ચીને વધારેમાં વધારે (નાણાકીય) ‘ઉપયોગિતા’ મળશે એ તર્કથી જ લે છે. જેમકે, ઓછાંમાં ઓછાં કિંમતની સારામાં સારી વસ્તુ કે સેવા ખરીદવી, કે આપણાં કામ કે નોકરી માટે વધારેમાં વધારે મહેનતાણાંની અપેક્ષા કરવી; એ જ કામ માટે જો વધારે નાણાં મળતાં હોય તો અત્યારની નોકરી પણ છોડી દેવા તૈયાર થઈ જવું; કે પછી આપણાં રોકાણ પર વધારેમાં વધારે વ્યાજ કે ડિવિડંડ રૂપી  વળતરની શોધમાં રહેવું, વગેરે. એટલે જ આપણને ‘મફત’ મળતી ભેટો બહુ વહાલી લાગે છે!  બીજા શબ્દોમાં કહીએ તો આપણા દરેક આર્થિક નિર્ણયોનો મૂળભૂત આશય વધારેમાં વધારે નાણાકીય સંપત્તિ અર્જિત કરવાનો હોય છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે, વધારે મહેનતાણાંના પ્રસ્તાવ જતા કરવા કે વધારે મોંઘી વસ્તુ કે સેવા પર પસંદગી ન ઉતારવી કે રોકાણ પર ઓછું વળતર સ્વીકારવા જેવા ‘અતાર્કિક’ નિર્ણયો આપણે ‘તાર્કિક’ વ્યક્તિઓ તરીકે ન લઇએ.

    ‘તાર્કિકતા’ની આ વ્યાખ્યાનો વ્યવહારમાં અર્થ એ થાય કે આપણે ‘નાણાં સંચાલિત’ અર્થવ્યવસ્થાની બહારની કોઈ અર્થવ્યવસ્થામાં ભળવા નથી માગતાં. બીજા શબ્દોમાં કહીએ તો,  કોઈને કોઈ સ્વરૂપના નાણાકીય વળતરની જ આપણે હંમેશાં તલાશ રહે છે, આપણી વસ્તુઓ કે સેવાઓ આપણે બીજાંને નાણાનાં બદલામાં જ આપવાનું પસંદ કરીએ છે. આપણી બધી ખુશીઓ પણ નાણામાં શરૂ  થઈને નાણામાં જ પુરી થાય છે.

    એટલે કે, અર્થશાસ્ત્રીઓ તો એમ જ માનશે કે ‘બિનતાર્કિક’ વિશ્વનું કોઈ અસ્તિત્વ જ નથી. વળી જો કદાચ કોઈ રડ્યુંખડ્યું બિનતાર્કિક હોય, તો પણ તેને અપવાદ ગણીને ગણતરીમાં ન લેવામાં કોઈ વાંધો ન આવે.

    અર્થશાત્રીઓનું આ મૂળભુત અનુમાન જ સમસ્યાની જડ છે. એ લોકો તો આપણને બધાંને એવાં ‘તાર્કિક પ્રાણી’ માને છે જેમને નાણાકીય ‘ઉપયોગિતા’ને પોતાનાં સુખની શોધ મહત્તમ કરવામાં જ રસ છે. પરંતુ, વાસ્તવમાં આપણા બધા નિર્ણયો ‘તાર્કિક’, એટલે કે નાણાકીય ફાયદાઓને મહત્તમ કરવા અંગેના, નથી હોતા. આપણે હાલના વ્યવસાયમાં અન્યથા ખુશ હોઇએ તો માત્ર વધારે મહેનતાણાં માટે કરીને વ્યવસાય ન પણ બદલીએ ! આપણને કૉઈ વસ્તુ ગમી ગાઈ છે, કે સમાજમાં વટ પાડવો છે, એટલે પણ ઘણી વાર મોંધી દાટ વસ્તુ કે સેવા આપણે ખરીદવાનું આપણે પસંદ કરી લેતાં હોઇએ છીએ. જે રોકાણમાં વળતર ઘણું વધારે હોય, પણ વળતર કે રોકાણની સલામતી ન હોય એવાં રોકાણો કરવાનું આપણે ટાળતાં પણ હોઇએ છીએ – જેમકે, ઘણી વાર આપણે કોઈ વસ્તુ ખરીદવાનો નિર્ણય એટલે કરીએ છીએ કે તે ‘પર્યાવરણને નુકસાન કરનાર’ નથી, કે પછી કોઈ સંસ્થા સાથે રોકાણ કરવાનું, કે અન્ય કોઈ રીતે સંકળાવાનું, એટલે પસંદ એટલે નક્કી કરીએ છીએ કે એ સંસ્થા ‘બાળ મજૂર’ને કામે ન લગાડવાં જેવાં ઉચ્ચ નૈતિક ધોરણો જ અપનાવે છે.

    જોકે છેલ્લા થોડા સમયથી અર્થશાસ્ત્રીઓને આ ‘તાર્કિક પૂર્વધારણા’ની ભુલ સમજાવા લાગી છે. પરિણામે, આચરણમૂલક અર્થશાસ્ત્રની શાખાનો વિકાસ થવા લાગો છે. આચરણમૂલક અર્થશાસ્ત્રીઓ આપણી વર્તણૂકો, અને તેને સુસંગત લેવાતા આપણા નિર્ણયોને દોરતા મનાતા નિયમો બાબતે વિચારવા લાગ્યા છે. જોકે, પોતાના આવા પ્રયાસોમાં, હજુ પણ, એ લોકોનો મૂળભુત અભિગમ તો આપણી નિર્ણય પ્રક્રિયા  ‘તર્કસંગત’ જ હશે એવી માન્યતા અનુસારનાં વિજ્ઞાનના રંગે જ રંગાયેલો છે.  એ લોકો ને એ વિચાર જ નથી આવતો કે આપણે ‘તાર્કિક’ ધારાધોરણો સિવાયનું કોઈ આચરણ કરી પણ શકીએ છીએ. અંગત સ્તરે આપણા ઘણ નિર્ણયો – કે આચરણો – તર્કની બહાર પણ હોય છે એવું મહદ અંશે સાબિત થઈ ચૂકવા છતાં એ લોકો આપણાં આચરણોની પાછળ ઓછામાં ઓછાં નાણાકીય ખર્ચ વડે મહત્તમ વળતર વડે આથિક સંપતિ ઊભી કરનારા ‘તર્કસંગત’ નિયમોની જ શોધમાં મચ્યા પડ્યા રહે છે. પરિણામે, આપણી ઘણા નિર્ણયો – કે આચરણો- હજુ પણ તેમની ગણતરીમાં આવતાં જ નથી.

    અર્થશાસ્ત્રનાં વિજ્ઞાનનું ખરૂં સ્થાન

    વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ ફુગાવો, ઉપાદકતા કે નાણાકીય સ્થિરતા જેવા સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાનાં વિજ્ઞાન અને સંશોધનોમાં રચ્યા પય્યા રહેતા હોય છે. તેમના આ અભ્યાસ અને આગાહીઓને કારણે શાસનકર્તાઓ કે નિયમનકર્તાઓને નીતિ ઘડવામાં સલાહકારો તરીકેની ભૂમિકા સુનિશ્ચિત જરૂર બને છે.

    પરંતુ સામુહિક સ્તરની અર્થવ્યવસ્થાને લગતી સફળતાઓ આપણને, વ્યક્તિગત સ્તરે, બહુ ઉપયોગી નથી નીવડી. જો અર્થશાસ્ત્રીએ સામાજિક વિજ્ઞાન જેવાં તેમનાં અર્થશાસ્ત્રનાં દરેક પાસામાં સફળ થવું હશે તો તેમણે આપણા જેવી, સામાન્યતઃ બિનઆર્થિક કક્ષાની, વ્યક્તિઓની વ્યક્તિગત નિર્ણય પ્રક્રિયાના અસરકારક ‘માર્ગદર્શક’ તરીકે સફળ થવું જોઇશે. એમ કરી શકવા માટે તેમણે આપણી નિર્ણય પ્રક્રિયા પાછળનાં પરિબળો અને નિર્ણયોનાં પરિણામોને ગણતરીમાં લેવાનું શરૂ કરવું જોઇશે. એટલે કે, તેમનાં સામૂહિક સ્તરનાં અર્થશાસ્ત્રને આપણી વ્યક્તિગત સ્તરની અર્થવ્યવસ્થા સાથે સક્રિયપણે સાંકળવું જોઇશે. વધારેમાં વધારે ‘ઉપયોગિતા’ કે નાણાકીય સમૃદ્ધિ જેવી બાબતોની તેમની વૈશ્વિક સ્તરની ખોજનો સમન્વય એ લોકો વ્યક્તિગત સ્તરની આપણી એ જ ખોજ સાથે કરી શકશે તો જ તેઓ વ્યક્તિગત સ્તરે તેમ જ સામુદાયિક રીતે વૈશ્વિક કક્ષાએ આપણને સંતોષ અને સુખ આપી શકશે.

    વ્યાવસાયિક અર્થશાસ્ત્રીઓ આપણને મર્યાદિત સ્તરે જ મદદ કરી શક્યા છે – કરી રહ્યા છે – એટલે આપણે હવે એમના વિશે ચિંતા કરવાનું છોડીને આપણાં અંગત સ્તરે, થોડું વધારે દૂરનું, વિચારવા પર ધ્યાન આપવું જોઇશે. આપણી પોતાની આગવી અર્થવ્યવસ્થા ગોઠવીને પણ સાધનોની બિલકુલ જરૂર પુરતી જ ખપત કરીને આપણે વધારેમાં વધારે પરિણામો લાવી શકીએ તેમ છીએ. આપણી આગવી અર્થવ્યસ્થાની ગોઠવણી કરતી વખતે આપણે આર્થિક જેલની નીતિઓ અને નાણારૂપી જેલરના નિયમોને અનુરૂપ થવાની સન્નિષ્ઠ કોશિશ કરીએ તે વધારે જરૂરી બની રહે છે. એમ કરવામાં આપણે જો સફળ થઈશું તો કોઈ જ આશ્ચર્યની વાત નહીં હોય કે જેલર દ્વારા આપણા બિનનાણાકીય નિર્ણયો અને આચરણોની સ્વીકૃતિ પણ મળશે. હા, એટલી જ શરત રહેશે કે આપણે બીજા જેલવાસીઓને નુકસાન ન પહૉંચાડીએ, કે જેલમાં સુરંગો ખોદીને બિનઅર્થિક અભયારણ્યો તરફ ભાગી છૂટવાની પેરવીઓ ન કરીએ.

    તો ચાલો, આર્થિક જેલમાં રહ્યે રહ્યે આપણી આગવી અંગત અર્થવ્યવસ્થાના નિયમો ઘડીએ.


    ક્રમશઃ


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • મધુ લિમયેની જન્મશતાબ્દી અને સમાજવાદી આંદોલન

    નિસબત

    ચંદુ મહેરિયા

    તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રતિબધ્ધ સમાજવાદી નેતા મધુ લિમયે(૧૯૨૨-૧૯૯૫) ની જન્મશતાબ્દીનું સમાપન વરસ અને  કોંગ્રેસ સમાજવાદી પક્ષથી નોખા સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૪૮)નું અમૃતપર્વ ઠાલો યોગાનુયોગ જ નથી. આમ તો ભારતમાં સમાજવાદી આંદોલન બહુ વહેલું આરંભાયું હતું. કોંગ્રેસના ભાગરૂપે જ સમાજવાદીઓ કામ કરતા હતા. પરંતુ ગાંધી હત્યાના વરસે તેઓ છૂટા પડ્યા અને પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો એ રીતે આ સમાજવાદી પક્ષની સ્થાપનાનું પંચોતેરમું વરસ છે. એ સમયે દેશમાં સમાજવાદનું પંચો  તેરમું હોય એવી સ્થિતિ છે. સમાજવાદી નેતા તરીકે મધુ લિમયેને તેનો અણસાર આવી ગયો હતો. તેમણે તેનું નિર્મમ વિષ્લેષણ પણ કર્યું હતું. આજે દેશમાં એક રાજકીય પક્ષ તરીકે સમાજવાદી પક્ષ જરૂર અસ્તિત્વમાં છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તેની રાજવટ પણ હતી. પરંતુ મુલાયમસિંઘ યાદવના કુણબાના આ પક્ષનો પરિવારવાદ અને તકવાદ તેને સમાજવાદી કહેતાં અટકાવે તેવો છે.

    પહેલી મે ૧૯૨૨ના રોજ પુણેમાં જન્મેલા મધુ લિમયે  પંદર વરસની વયે સ્કૂલમા ગયા વિના મેટ્રિકની પરીક્ષા પાસ કરીને બૌધ્ધિકોનો અડ્ડો ગણાતી ફર્ગ્યુસન કોલેજમાં  દાખલ થયા હતા. વાચન, સ્વતંત્રતા આંદોલન અને સમાજવાદનો પાશ એમને વિધ્યાર્થીકાળમાં જ લાગ્યો હતો. પ્રખર સમાજવાદી એસ.એમ. જોશીના પરિચયે તે ગાઢ થયો. આઝાદી આંદોલનમાં ભાગ લેવા તેમણે કોલેજ શિક્ષણ અધૂરું છોડી દીધું પણ વાચન અને અધ્યયન જીવનભર રહ્યાં. ૧૯૪૦માં અઢાર વરસના નવયુવાન લિમયેને યુધ્ધ વિરોધી વકતવ્ય બદલ જેલની સજા થઈ. તેમને જે ધુલિયા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે જેલમાં ચાળીસ વરસના સાને ગુરુજી વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે હતા. લિમયે અને સાને ગુરુજીની ત્યાં એવી તો આત્મીયતા બંધાઈ કે જેલમાં લિમયેએ સમાજવાદ પર જે અઢાર વ્યાખ્યાનો આપ્યા હતા તેનું રોજેરોજ શબ્દાંકન સાને ગુરુજી કરતા હતા. એસ.એમ.જોશી અને સાને ગુરુજી તરફથી મધુ લિમયેને પુત્રવત પ્યાર મળ્યો હતો.

    સમાજવાદીઓ માટે સહજ એવી અધ્યયનશીલતા અને આંદોલનકારિતા મધુ લિમયેમાં પણ હતી. ભારત આઝાદ થયા પછી પણ ગોવામાં પોર્ટુગીઝ શાસન હતું. ડો.રામ મનોહર લોહિયાના ગોવા મુક્તિ આંદોલનમાં લિમયે સક્રિય હતા. અસ્થમાની પરવા કર્યા વિના તેઓ જોડાયા હતા. જુલાઈ ૧૯૫૫માં ગોવા મુક્તિ સત્યાગ્રહના  એક જૂથનું નેતૃત્વ કરતા તેમને એ હદે માર મારવામાં આવ્યો હતો કે તેમના અવસાનની અફવા ચાલી હતી. પોર્ટુગીઝ પોલીસના મારની શારીરિક પીડા આજીવન એ રીતે રહી કે તેઓ કદી ચત્તા સુઈ ના શક્યા. છતાં ગોવા મુક્તિ સત્યાગ્રહને તેઓ જિંદગીનું સુવર્ણ પૃષ્ઠ માનતા હતા જેમાં તેમને બાર વરસના કારાવાસની સજા થઈ હતી. આંદોલન આઝાદીનું હોય કે દૂસરી આઝાદીનું , મજદૂરોનું હોય કે કિસાનોનું , યુવાનોનું હોય કે મહિલાઓનું  લિમયે સદા તેમાં હોય જ. તોંતેર વરસની આવરદામાં આ અધ્યયનશીલ આંદોલનકારીને ત્રેવીસ વખત જેલમાં જવું પડ્યું હતુ. ઈંદિરાઈ કટોકટીમાં પણ તેમણે ઓગણીસ મહિનાનો જેલવાસ વેઠ્યો હતો.

    જન્મભૂમિ મહારાષ્ટ્રને બદલે તેમણે બિહારને કર્મભૂમિ બનાવી હતી.  ચાર વખત બિહારમાંથી તેઓ લોકસભામાં ચૂંટાયા હતા. એટલે સિધ્ધાંતનિષ્ઠાને વરેલા સજગ સાંસદ સંસદમાં સદાય કર્મભૂમિના લોકોની ભાષા હિંદીમાં જ બોલતા હતા. જે તેમણે પહેલા જેલવાસમાં શીખી હતી. જાગ્રત અને નીડર સાંસદ તરીકે તેમનાથી સત્તાપક્ષ સતત ડરતો. કેટકેટલા કૌભાંડો તેમણે ઉજાગર કર્યા છે. આંતરિક કટોકટી વખતે ઈન્દિરા ગાંધીએ લોકસભાની ચૂંટણી ટાળવા પાંચને બદલે મુદત વધારીને છ વરસની કરી તો તેના વિરોધમાં તેમણે જેલમાંથી સંસદસભ્યપદેથી રાજીનામુ મોકલી આપ્યું હતું. યાદ રહે કે આવું સાહસ જેલમાં રહેલા એક પણ વિપક્ષી સાંસદે કર્યું નહોતું માત્ર શરદ યાદવ જ તેને અનુસર્યા હતા. સ્વાતંત્ર્ય સૈનિક અને સંસદસભ્ય તરીકે મળતું પેન્શન એમણે આર્થિક અભાવો છતા કદી ના લીધું. લોહિયાએ પિછડા માંગે સો મેં સાઠનો નારો આપ્યો તો તેનો અમલ લિમયેએ પોતાથી કર્યો. ચોથી લોકસભાના સંયુક્ત સમાજવાદી પક્ષના સંસદીય નેતા પદેથી રાજીનામુ આપીને તેમણે પછાત વર્ગના રવિ રાયને નેતાપદે બેસાડ્યા. કટોકટી પછી જનતા પક્ષની સરકાર બની તો સરકારમાં જોડાવાને બદલે તેમણે પક્ષના મહાસચિવ તરીકે સંગઠનના કામને પ્રાધાન્ય આપ્યું હતુ. એ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે અલગ અલગ રાજકીય વિચારધારાના લોકોના બનેલા પ્રધાનમંડળમાં મારા  વિચારોનો કદાચ મેળ ના બેસે.

    અસંમતિનો અવાજ લિમયેની પહેચાન હતી. સંયુક્ત  મહારાષ્ટ્ર આંદોલનથી તે વેગળા રહ્યા. એટલે જે પ્રજાએ ગોવા મુક્તિ આંદોલનના નેતા તરીકે જેલમુક્તિ પછી તેમની મુંબઈના શિવાજી પાર્કમાં વિરાટ સત્કાર સભા યોજી  આરતી ઉતારી હતી તે જ પ્રજાએ તે જ સ્થળે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિના ઉમેદવાર સામે તેમને બોલવા ના દીધા અને ચૂંટણીમાં તેમની ડિપોઝિટ ડૂલ થઈ. જોકે આવી આકરી કિંમત ચૂકવીને તે જનમતની વિરુધ્ધ રહ્યા હતા. ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં હાર પછી સમાજવાદીઓમાં વિચારમંથન ચાલ્યું હતું. અશોક મહેતાએ સત્તાપક્ષ સાથે હળીમળીને કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પણા લિમયે તેના વિરોધમાં હતા. તેનાથી સમાજવાદીઓનું વિપક્ષ તરીકેનું વજૂદ નહીં રહે તેમ તે માનતા હતા. ડો.લોહિયાના બિનકોંગ્રેસવદના પણ તે વિરોધી હતા. રાજા મહારાજાઓના સ્વતંત્ર પક્ષ અને જનસંઘ જેવા સાંપ્રદાયિકા પક્ષ સાથે માત્ર કોંગ્રેસને હરાવવા જોડાણ કરવાના મતના તે નહતા.

    ૧૯૮૨માં સક્રિય રાજનીતિમાંથી તે નિવૃત થયા પણ લેખન થકી જાહેર જીવનમાં સક્રિય હતા. બારેક વરસના આ ગાળામાં તેમણે અનેક પુસ્તકો લખ્યા. નિત્ય અધ્યયનરત આ રાજનેતાએ  અંગ્રેજી, હિંદી અને મરાઠીમાં પંચોતેર જેટલા પુસ્તકો લખ્યા છે. જેમાં સમાજવાદનો ઈતિહાસ અને તેની આલોચના પણ છે. ધર્મ નિરપેક્ષપક્ષોએ  મુસ્લિમ અને હિંદુ સાંપ્રદાયિક કટ્ટરપંથી પક્ષો સાથે  કરેલા સિધ્ધાંતહીન જોડાણોને કારણે  સાંપ્રદાયિક પક્ષો બળવત્તર બન્યા હોવાનું અને સમાજવાદીઓના વિખરાવે તે સત્તામાં આવશે તેમ તે માનતા હતા.

    સમાજવાદ એક છેતરામણો શબ્દ છે. કોંગ્રેસે તેના અધિવેશનોમાં ‘સમાજવાદી પધ્ધતિનો સમાજ’  અને ‘લોકતાંત્રિક સમાજવાદ’ ના ઉલ્લેખ સાથે સામાજિક આર્થિક નીતિઓ માટે તે  સ્વીકાર્યો હતો. ઈન્દિરા ગાંધી ૧૯૭૬માં તેને બંધારણના આમુખમાં મુકી દીધો છે. ભારતીય જનતા પક્ષે પણ ગાંધીવાદી સમાજવાદને અપનાવ્યો હતો.જો મૂડીવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી માલિકોના હાથમાં હોય છે તો સમાજવાદમાં તે રાજ્યની માલિકીના હોય છે. સામ્યવાદમાં તે સમાજની માલિકીના હોય છે. એટલે સમાજવાદ એ સામ્યવાદ પૂર્વેની સ્થિતિ કહી શકાય. . ૧૯૯૧માં કોંગ્રેસે આર્થિક ઉદારીકરણનો માર્ગ અખત્યાર કરીને સમાજવાદનું અચ્યુતમ કેશવમ કરી નાંખ્યું છે. દેશમાં વિકરાળ આર્થિક-સામાજિક અસમાનતાને લીધે આજે સમાજવાદ જાણે કે પોથીઓમાં કેદ શબ્દ બની ગયો છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક અનોખા સેવાલક્ષી સરકારી અધિકારીની અનોખી કથા (૨)

    લ્યો, આ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    (ગતાંકથી ચાલુ)

    ભાગ્યે જ કોઇને અંદાજ હશે કે ગુજરાતભરમાં કુલ મળીને ૩.૩૦ લાખથી વધુ ટ્રસ્ટો ખુબ જ સરાહનિય અને પ્રેરણાદાયી સેવાકાર્યો કરે છે. એક આંકડો જોઈએ તો હાલ ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રનાં લગભગ બે લાખ સાઠ હજાર ટ્રસ્ટ તથા છ્ન્નુ હજાર સોસાયટી રજિસ્ટર્ડ છે. પણ તેમાનાં બધાંને જોઇએ તેટલો સહયોગ સાંપડતો નથી. ચેરીટી કમિશનર યશવંત શુકલે (વાય.એમ.શુક્લએ) એ વાત પર ભાર મુક્યો કે માત્ર સરકારે જ નહીં, જનતાએ પણ એમને સહયોગ આપવો જરૂરી. એમણે પોતાના કાર્યક્ષેત્રની  ઉફરા ચાલીને પણ આ હકીકત પર  ધ્યાન આપવાની લોકોને અપીલ કરી.

    (વાય.એમ.શુક્લ)

    તેઓ પોતે તો મૂળ લખતરના છે, પણ તેમના નામની સુવાસથી ભાવનગર જ નહીં, સેવાક્ષેત્ર સાથે સંકળાયેલી એવી ગુજરાતની કોઇ વ્યક્તિઓ અજાણ નહીં હોય. એમણે એ ભાવનગરમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ તરીકે વર્ષો સુધી સેવા આપી અને તેમણે આ કાર્યની સાથે ભાવનગરમાં ન્યાયક્ષેત્રના વિષય ઉપરાંત બીજા વિષયમાં ચંચુપાત કરીને અનેક એવા સેવાભાવી કાર્યો અને નિર્ણયો કર્યા, જેના કારણે ભાવનગરની પુરી વકીલ આલમમાં અને સામાન્ય જનસમાજમાં તેમનાં સેવાકાર્યોની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે.

    તેમણે હમણાં એક ખુબ જ સરસ વાત કરી અને કહ્યું કે વર્તમાન સમયમાં લોકોને જ્યારે ટ્રસ્ટો પરથી વિશ્વાસ ડગમગી રહ્યો છે ત્યારે કેટલાક ટ્રસ્ટો એવાં પણ છે કે, જેમનાં કાર્યોને ખરેખર બિરદાવવા જરૂરી છે. સામાજિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, સેવાના ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રે આવાં 3.30 લાખથી વધુ ટ્રસ્ટો છે કે જે ખરેખર એવા કાર્યો કરેછે કે, તેમને સહાયરૂપ થવાની દિલથી ઈચ્છા થાય છે. આવાં ટ્રસ્ટોને જો વધુ સહાય મળે તો સમાજવ્યવસ્થામાં તેની એક ખૂબ સારી અસર ઉભી થશે અને જરૂરીયાતમંદો માટે સેવાના કાર્યોની તકો વધુ ઉભી થશે. તેઓ એ મતના છે કે તન, મન,ધનથી સમાજસેવા કરી રહેલાં આવા ટ્રસ્ટને સહયોગ આપવો એ સૌની ફરજ છે.

    હંમેશા બીજાથી કાંઈક અલગ એવા સેવાકાર્યો કરવા માટે તેઓ પંકાયેલા છે. છેવાડાના માણસને સહાયરૂપ થવા માટેના પ્રયાસો તેમના રહ્યાં છે. વિકાસની બાબતમાં પણ તેમની એક અલગ ઓળખ સેવાકીય કાર્યો સાથે સર્વત્ર ઉભી થયેલી છે. તેમના અનુભવી મતે સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત એન.જી.ઓ.માં એવી પણ સંસ્થાઓ છે જેને વિશ્વાસપાત્ર કહી શકાય. આવી સંસ્થાઓ સમાજસેવા માટે હરહંમેશા તત્પર રહેતી હોય છે. જો કે, કોઇ અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટ પ્રત્યે શંકા ઉભી થાય છે, પરંતુ બિનસરકારી તમામ સંગઠનો વિશ્વાસપાત્ર હોતાં નથી તેવું નથી. આવા ટ્રસ્ટોથી લોકોનાં અનેક કામોના સુખઃદ નિવારણ પણ આવ્યાં છે અને આવી સંસ્થા સમાજમાં શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક તેમજ બાળકલ્યાણક્ષેત્રે સર્વોત્તમ કાર્ય કરી રહી છે.

    શુક્લાજી 2014માં અમેરિકા ગયા હતા અને ત્યાંય એમની દૃષ્ટિ ટ્રસ્ટો દ્વારા થતા સેવાકાર્યો ઉપર જ રહી. અમેરિકાથી ભારત આવ્યા પછી એમના ધ્યાનમાં એવી વાત આવી કે અમુક અપવાદરૂપ ટ્રસ્ટના કારણે લોકોના મનમાં જાહેર ટ્રસ્ટો પ્રત્યે શંકા-કુશંકા ઉભી થઈ છે, પરંતુ 3 લાખ 30 હજાર જેટલા નાના મોટા ટ્રસ્ટો શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક, બાળકલ્યાણ સહિતના સામાજીક કાર્યો પ્રત્યે આવી સંસ્થાઓ સર્વોત્તમ કાર્ય કરી રહી છે અને લોકોમાં આદર્શનું ઉદાહરણ પણ પુરૂ પાડી રહી છે. ત્યારે એવા અણગમતા  દાખલા  બહુ જુજ  જ નજરે પડે છે. તેમણે કાર્યભાર સંભાળ્યાં પછી એમને પોતાને શ્રેષ્ઠ કામગીરી કરતાં ટ્રસ્ટોનો નજીકથી પરિચય થયો છે. તેઓ માનતા હતા કે આવા ટ્રસ્ટોને ઓળખી ઓળખીને તેમને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ. તેમણે પોતે છેલ્લા થોડા વર્ષોમાં આવાં લોકોપયોગી ટ્રસ્ટોને ઓળખી તેને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે. એમણે જોયું કે અનેક ટ્રસ્ટો એવાં છે જેમનામાં પોતાની શ્રેષ્ઠ કાર્યવાહીને વધુ વિસ્તરિત કરીને સમાજ માટે કંઈક કરી છુટવાની તમન્ના રહેલી છે, પરંતુ નાણાંના અભાવે કેટલાક કાર્યો કરવામાં અડચણ ઉભી થાય છે. આ માટે આવા ટ્રસ્ટોને આર્થિક સહાયની જરૂર છે. તેમણે કોઇ કોઇ કિસ્સામાં એવું પણ જોયું કે આ માટે આવાં કેટલાક ટ્રસ્ટો પોતાની જ સ્થાવર-જંગમ મિલકત વેચવા માટે પરવાનગી માંગી રહ્યાં છે.

    વિકાસ માટે શૈક્ષણિક ટ્રસ્ટોને વિકસીત કરવા અને આર્થિક સહાય માટે મદદરૂપ થવાનો તેમણે પ્રયાસ કર્યો છે. આવા વિશ્વાસપાત્ર ટ્રસ્ટને નડતી જટિલ સમસ્યાઓને પણ સુલઝાવવા માટે પ્રયાસ કરી એના શ્રેષ્ઠકાર્યના માર્ગમાં આવતી અડચણ દુર કરવા સનિષ્ઠ પ્રયાસો પણ તેમણે કર્યા છે.

    તેમના જેવા ચેરિટી કમિશનર આવવાથી ગુજરાત રાજ્યના અને ખાસ કરીને સ્વૈચ્છિક સંસ્થાઓના સદનસીબે છેલ્લા સાત વર્ષમાં ચેરિટી તંત્રની કાર્યપદ્ધતિમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. સમગ્ર ચેરિટી વિભાગની સમૂળી કાયાપલટ તેમના દ્વારા થઇ છે.

    મૂળ સુરેન્દ્રનગર પાસેના લખતરના શ્રી યશવંતભાઈ શુક્લની કારકિર્દીની શરૂઆત થઈ ગોંડલમાંથી. અને ત્યાં જ તેઓ જજ થયા. પ્રથમથી જ પ્રબળ નીતિશાસ્ત્ર સાથે જોડાયેલા પ્રામાણિક જજ તરીકેની છાપ ધરાવનાર યશવંતભાઈનાં પત્ની જોલીબહેન પણ ગ્રાહક સુરક્ષા અમદાવાદ કોર્ટનાં જજ છે. તેમનો પુત્ર નૈતિક શુક્લ પણ કાયદાશાસ્ત્રની ઉચ્ચ ડીગ્રી સાથે ગુજરાત હાઇકોર્ટમાં સફળ વકીલાત કરે છે. ભાવનગરથી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયા બાદ ગુજરાત સરકારે યશવંતભાઈની ચેરિટી કમિશનર તરીકે નિમણૂક કરી. આજે એ જ હોદા ઉપર તેમનું આઠમું વર્ષ ચાલે છે.

    ચેરિટી કમિશનર તરીકે તેમના આવ્યા પછી  તેમના કારણે જ વહીવટમાં ટેક્નોલોજીના આગમન સાથે આધુનિકતાનો આવિષ્કાર થયો. અસલ રેકર્ડને સ્કેનિંગ કરી તેને ડિજિટલાઈજેશન કરવામાં આવ્યા. આ ડિજિટલાઈજેશનને કારણે ટ્રસ્ટના કોઈ પણ પ્રકારના રેકર્ડમાં ચેડાં કરવાનું હવે શક્ય બનશે નહીં. દરેક જિલ્લા કે તાલુકાના નામ બાદ ટ્રસ્ટનું નામ ક્લિક કરતાં ઓનલાઈન ટ્રસ્ટની નોંધણીની તારીખથી આજ દિન સુધીની બધી કાર્યવાહી કોમ્પ્યુટર પર નિહાળી શકાય તેવી સુવિધા ઉભી થઇ. કોઇ પણ અને તમામ ટ્રસ્ટનો રેકર્ડ આજે જાહેર જનતાને જોવા માટે ઉપલબ્ધ થયો તે સિદ્ધિ ખરેખર અદ્વિતીય છે. ચેરિટી કમિશનર અને તેની અંતર્ગતની કચેરીઓના તમામ રેકર્ડનું દસ્તાવેજીકરણ ડિજિટલ થતાં તે હવે સુરક્ષિત તો ખરૂં જ, પણ સૌ કોઇ માટે સુલભ બન્યું છે.

    એમના સંસ્પર્શથી ચેરિટી વિભાગમાં બીજો એક ફેરફાર એ આવ્યો કે, અગાઉ ખાનગી ટ્રસ્ટની મિલકતની હરાજી વખતે અમુક લોકો ટોળી બનાવીને સસ્તામાં મિલકત પડાવી લેવાનો કારસો કરતા. એ અટકાવવા કડક નિયમ બનાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક શૈક્ષણિક સંસ્થાની જમીન અંદાજે 450 કરોડમાં, જ્યારે એક ટ્રસ્ટની જમીન અંદાજે 350 કરોડમાં વેચાઈ. જેનાથી ટ્રસ્ટને સારી આવક થઈ અને તેનો ફાયદો ચેરિટી વિભાગને પણ મળતાં તે આત્મનિર્ભર બન્યો છે.

    તેમનો ચેરિટી વિભાગમાં આંતરમાળખાકીય સુવિધા આપવામાં પણ અમૂલ્ય ફાળો રહ્યો છે. ચેરિટી કમિશનર પાસે સ્વૈચ્છિક સંસ્થાઓએ આપેલા કાયદેસરના ફાળાની કરોડો રૂપિયાની રકમ બેંકમાં જમા હતી પરંતુ ચેરિટી કમિશનરની મુખ્ય કચેરીથી માંડીને ક્ષેત્રીય કચેરીઓના મકાનોની હાલત જર્જરીત હતી. ફર્નિચરથી માંડીને તમામ સુવિધાઓમાં અનેક બાબતોમાં રાજ્ય સરકારે ચેરિટી કમિશનરની ભલામણ માનીને અમદાવાદમાં વસ્ત્રાપુર પાસે બહુમાળી મકાનમાં એક સુંદર ઓફિસનું નિર્માણ કર્યું. ચેરિટી તંત્રની ઓફિસ આધુનિક બનાવી. તેમાં કામ કરતા અધિકારીઓ,  કર્મચારીઓ,વકીલો અને મુલાકાતે આવતી વ્યક્તિઓને એક સારો અનુભવ થાય તેવા સુંદર વાતાવરણનું નિર્માણ થયું. આ ઉપરાંત વડોદરા, સુરત, ભાવનગર, ભરૂચ, જામનગર, ગોધરા, અમરેલી એમ અનેક સ્થળોએ ચેરિટી તંત્રનાં નવા મકાનોનું નિર્માણ થયું છે. અન્ય જિલ્લાઓમાં પણ જમીનોની ફાળવણી થઈ છે અને તેના ઉપર જરૂરી બાંધકામ કરવા માટે પણ કાર્યવાહી શરૂ થઈ છે. જ્યાં ઈચ્છા મજબૂત છે ત્યાં સિધ્ધિ હાથવગી છે એ વાતને યથાર્થ કરતા યશવંતભાઈની આવી ઉમદા કામગીરી ખરેખર પ્રશંસનીય છે. અમદાવાદની મુખ્ય કચેરીના લોકાર્પણ સમયે રાજ્યના મુખ્યમંત્રીએ પણ ચેરિટી કમિશનર કચેરીની નવી જગ્યાની પ્રશંસા કરી લોકોને ખાતરી આપી હતી કે હવે રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ માટે સરળતા રહેશે અને લોકો સેવા કરવાના કામમાં જે તંત્રના અંતરાયો અનુભવતા હતા તેનું નિરાકરણ થશે.

     

    (ભરૂચ અને ગોધરાનાં ચેરિટી ભવન)

    ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચેરિટી કમિશનર પાસે અનેક બાબતોની નોંધણી કરાવવી, મંજૂરી મેળવવી વગેરે બાબતો ફરજિયાત છે. અધિકારીઓની ખાલી જગ્યા, કર્મચારીઓની અછત અને કામના બોજા હેઠળ સમગ્ર તંત્ર મૂર્છિત અવસ્થામાં હતું. તેમાંથી હવે ખૂબ ઓછી સંખ્યામાં પડતર કેસો સાથે ગુજરાતનું ચેરિટી તંત્રનું કાર્ય ઝડપી બન્યું છે, જે પણ તેમને આભારી છે. રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેકના જીવનમાં હવે નવી રોશની આવી છે ત્યારે કોરોના પછીના કાળમાં અનેક લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં સ્વૈચ્છિક સંસ્થાઓ અસરકારક ભૂમિકા ભજવી શકે તે માટે ટ્રસ્ટની અનેક જોગવાઈઓનું સંશોધન કરી સૌના સાથ-સહકારથી એક નવા વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી બન્યું છે. સ્વભાવે શાંત, સરળ અને પ્રામાણિક એવા યશવંતભાઈની આજે ઉંમર થઈ ગઈ હોવા છતાં તેમની કામગીરીથી પ્રભાવિત સરકાર તેમને હોદામુક્ત કરતી નથી. ક્યારેય પોતાની ખ્યાતિ કે પ્રશંસા કોઈ કરે તેની અપેક્ષા રાખ્યા વગર યશવંતભાઈ પણ વફાદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક તેમની કામગીરી બજાવી રહ્યા છે.

    તેમનો સંપર્ક-Mobile- 98254 13120 / ચેરીટી  કમિશ્નર , ત્રીજો માળ, બહુમાળી ભવન નં 2, વસ્ત્રાપુર અમદાવાદ-380 052


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com