વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કાયદાનું નિયંત્રણ અને જનજાગ્રુતિથી અંધશ્રધ્ધા ડામી શકાય

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુજરાત અને કેરળમાં અંધશ્રધ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રુર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી  તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ  આપણે હજુય વહેમ અને અંધશ્રધ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે..

    ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રધ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.

    મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રધ્ધાનાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કોંગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રધ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો.મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઉભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો.૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો.નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રધ્ધાનાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રધ્ધાને જ આવરી લે છે.તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઉભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.

    રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રધ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઈન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રધ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રધ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી.શાયદ એટલે જ ગુજરાતની ભાજપ સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિધ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રધ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી.!

    હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રધ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે.પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ.પ્યૂ રિસર્ચ  સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના  ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રધ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.

    ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રધ્ધા નહીં પણ હોય.કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રધ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રધ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રધ્ધા આવરી લેનારો હોવો જોઈએ.જનજાગ્રુતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.

    ધાર્મિક અંધશ્રધ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રધ્ધાનાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રધ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રધ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે.પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રુતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રધ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.

    ‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુધ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત  ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે.પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રધ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રધ્ધાના સમર્થક હોવું નથી.ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રધ્ધાનાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.

    થોડા વરસો પૂર્વે ઉત્તરપ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તરપ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રધ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો..મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા.  આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ  ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રધ્ધા વહેલી ભાગે.

    અંધશ્રધ્ધાનાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દ્રષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા(ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા.તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કામની વ્યસ્તતા અને જીવનનો આનંદ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે
    અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ.

    અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન કામની ભારે વ્યસ્તતા વચ્ચે માંડમાંડ થોડો સમય કાઢી આરામ કરવા મેક્સિકો ગયો હતો. એ દરિયાકિનારે બેઠો હતો. એણે એક માછીમારને દરિયામાંથી માછલીઓ પકડી કાંઠે હોડી લાંગરતો જોયો. હજી તો સવારના માંડ અગિયાર વાગ્યા હતા. બિઝનેસમેનને નવાઈ લાગી કે એ આટલો વહેલો એનું કામ આટોપે છે? એણે એને પૂછ્યું: ‘હજી બપોર પણ નથી થયો અને તું પાછો આવી ગયો?’ માછીમારે કહ્યું: ‘મને જોઈતી હતી એટલી માછલી પકડી લીધી. અમારા કુટુંબના ભરણપોષણ માટે અને આજની રોજીરોટી રળવા માટે આટલી માછલી પૂરતી છે.’ બિઝનેસમેને પૂછ્યું કે એ હવે આખો દિવસ નવરો બેસીને શું કરશે. માછીમારે કહ્યું: ‘ઘેર જઈશ, મારાં સંતાનો સાથે રમીશ, પત્ની સાથે સમય ગાળીશ, સાંજે મિત્રો સાથે ગપ્પાં મારીશ.’

    બિઝનેમેન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યો હતો. એ માછીમારને ‘બિઝનેસ’ના પાઠ ભણાવવા લાગ્યો: ‘તારે આખો દિવસ કામ કરવું જોઈએ. વધારે માછલી પકડાય તો વધારે આવક થાય.’ માછીમારે પૂછ્યું: ‘પછી?’ બિઝનેસમેને જવાબ આપ્યો: ‘તું સાદી વાત પણ સમજતો નથી? વધારે કમાણી થાય તો પૈસા બચાવી તું મોટી બોટ ખરીદી શકે, ધંધો વધે પછી શહેરમાં રહેવા જા, તારી ફિશિન્ગ કંપની શરૂ કર. કેટલા બધા પૈસા મળે તને.’ માછીમારના કપાળે સળ પડ્યા. એણે પૂછ્યું: ‘પછી?’ બિઝમેસમેન: ‘બસ, પછી તો પૈસા જ પૈસા છે. આરામથી તારી પત્ની-સંતાનો સાથે જીવી શકશે.’ માછીમાર વિચારમાં પડ્યો. પૂછ્યું: ‘એવું કરતાં કેટલાં વર્ષ લાગે?’ બિઝનેસમેન: ‘પચીસેક વર્ષ તો સહેજે થાય.’ માછીમાર ખડખડાટ હસ્યો. ‘હું અત્યારે પણ કરી શકું છું તે કરવા માટે મારે પચીસ વર્ષ રાહ જોવાની શી જરૂર છે? ત્યાં સુધી મારાં સંતાનો મોટાં થઈ જાય, હું અને મારી પત્ની વૃદ્ધ થઈ જઈએ. અત્યારે જ સમય છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે મજા કરું. બુઢ્ઢો થાઉં પછી હું શું મજા કરવાનો હતો!’

    અભણ માછીમાર સમજી શક્યો હતો તે સત્ય અમેરિકાનો ભણેલોગણેલો બિઝનેસમેન સમજી શક્યો નહોતો. માછીમાર પૈસા રળવા માટે કામના સમય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવી શક્યો હતો. એ એનાં સંતાનો, પત્ની અને મિત્રો સાથે પણ સમય ગાળવા ઇચ્છતો હતો. આર્થિક પ્રવૃત્તિની આંધળી દોડધામમાં ઉંમર વીતી જાય અને સંતાનો મોટાં થઈ જાય કે પત્ની ઘરમાં બેસીને રાહ જોયા કરે એવી જિંદગી એને જોઈતી નહોતી.

    બધા લોકો એવું કરી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી આજના સમયમાં ખૂબ મહત્ત્વની બની ગઈ છે. એમાં પણ પતિ અને પત્ની બંને આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેતાં હોય ત્યારે તો આ વાત અલગ પ્રકારે મહત્ત્વ ધારણ કરે છે. વધારે પૈસા કમાવા માગતા લોકો સાચા સુખની વ્યાખ્યા ભૂલી ગયા છે. ગરીબ લોકો બે છેડા ભેગા કરવા માટે વધારે કામ કરે તે વાત જુદી છે, પરંતુ પ્રમાણમાં પૈસેટકે સુખી થયેલા અને ધનાઢ્ય લોકો પણ આ પ્રકારની દોટમાંથી બહાર નીકળી શકતા નથી. એ લોકો ભૂલી જાય છે કે પ્રસન્ન અને હળવાશભરી જિંદગી પણ જીવનનો મુખ્ય હેતુ છે. એ વિશે સભાનતા જાગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

    અલબત્ત, કેટલાક લોકો સમયસર ચેતી જઈને કામ અને અંગત જિંદગી વચ્ચે સુમેળ સાધવા પોતપોતાની રીતે માર્ગ શોધવાના પ્રયત્ન કરે છે. એક બહુ મોટી કંપનીના સ્થાપક ઇથેન ઇમ્બોડેન કહે છે: ‘મેં એક સત્ય સાથે સમાધાન કરી લીધું છે કે કામનો કોઈ અંત નથી. મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારે પુષ્કળ કામ કરવું પડે તેમ હતું જ, પરંતુ સફળતા મળ્યા પછી વધારે સફળ થવાના પ્રયત્નોમાં હું કામના બોજમાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો. આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હું હવે મોડોમોડો પણ મારા અંગત જીવનમાં પાછો ફર્યો છું અને જે કંઈ બચ્યું છે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.’

    એક બહુ મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સાંજ પડે ત્યારે સમયસર ઘેર જવા નીકળવા માટે એક નુસખો શોધી કાઢ્યો હતો. એ એનો પાલતુ કૂતરો ઑફિસ લઈ જતો. સાંજ પડે ત્યારે કૂતરો ચોક્કસ સમયે એને ઘેર જવાની ફરજ પાડતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની એક બહુ મોટી કંપનીના વડાને બીજું સંતાન જન્મ્યું ત્યારે એણે વીક એન્ડમાં કે રજાના દિવસે ઘેરથી કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કમ્પ્યૂટર ખોલવાનું જ નહીં. કોઈનો ફોન લેવાનો નહીં. ધીરેધીરે એના સહકાર્યકર્તાઓ અને ક્લાયન્ટ્સને પણ એના શિડ્યુઅલની ખબર પડતી ગઈ. એમણે ચોવીસ કલાક ઇ-મેઇલ મોકલવાનું કે ફોન કરવાનું બંધ કર્યું. એથી એ રજાના દિવસે પરિવાર સાથે નિરાંતે રહી શકે છે અને કામ પર જાય ત્યારે વધારે પ્રોડક્ટિવ રહે છે.

    સાદી વાત છે: જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું જ ભૂલી જઈએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્ત્રીઓના સ્કેચીઝ. ભાગ 4

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • મુસ્કાન [૧]

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    એ શુભ દિવસ નજીક આવી રહ્યો હતો, સુશીલા અને સત્યેન્દ્ર એમના પ્રસન્ન દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપ વારસના જન્મના એંધાણથી બંને અત્યંત ખુશ હતાં. ન સાસુ, ન સસરા કે નણંદ દિયર, સુશીલા આ પ્રસન્નતા કોની સાથે માણે? પણ સત્યેન્દ્રએ એની દરેક તમન્ના પૂરી કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી.

    સત્યેન્દ્રએ સુશીલાની સંભાળ માટે બે પરિચારિકાની વ્યવસ્થા કરી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ પણ સુશીલાને પોતાનું, કોઈ આત્મિય સાથે હોય એવી લાગણી થતી. સત્યેન્દ્રના પરિવારમાંથી તો કોઈ એવું નહોતું કે જેને બોલાવી શકાય પણ સુશીલાની ઈચ્છાનુસાર એની નાની બહેન ગુણસુંદરીને બોલાવા સત્યેન્દ્રએ સંમતિ આપી. સુશીલા તરફના અત્યંત અનુરાગને લઈને સત્યેન્દ્ર એની કોઈ વાત ટાળી શકે એમ હતા જ નહીં,

    અને સાવ અલ્પ સમયમાં સુશીલાએ કરેલા તારના જવાબમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને મૂકવા આવ્યો.

    ગુણસુંદરી…

    ગુણ અને સુંદરતાનો સરવાળો એટલે ગુણસુંદરી. સાદી ભાષામાં કહીએ કે રંગે રૂડી રૂપે પૂરી, સર્વ કળામાં માહિત એવી સુશીલાથી ત્રણ વર્ષ નાની ગુણસુંદરીએ આવતાની સાથે જ ઘરની વ્યવસ્થા ખૂબીપૂર્વક સંભાળી લીધી. વહેલી સવારે પૂજાપાઠથી શરૂ થતો એનો દિવસ ઘર આખાને મંગલમય બનાવી દેતો.

    સુશીલાની સ્નેહપૂર્વક સંભાળની સાથે પરિચારિકાઓને સરસ રીતે સાચવી લેતી અને સત્યેન્દ્રની તો વાત જ અલગ હતી. એ તો એના જીજાજી હતા, અત્યંત સન્માનપૂર્વક એમની તમામ તક સાચવી લેતી. સત્યેન્દ્રના વાચનકક્ષને વ્યવસ્થિત રાખતી, રોજ તાજા ફૂલોથી સત્યેન્દ્રના ટેબલને સજાવતી.

    ગુણસુંદરીએ એના સુચારુ વ્યક્તિત્વની મોહિનીથી સૌના દિલ જીતી લીધા.

    આવી સર્વગુણસંપન્ન ગુણસુંદરીને માત્ર એક સુખથી વિધાતાએ વંચિત રાખી. એ બાળ-વિધવા હતી પણ એણે તો આ વૈધવ્યને સાદગી અને સન્માનપૂર્વક અને પૂરેપૂરી ગરિમાથી સ્વીકારી લીધું હતું. નિર્વિકાર તપોમય સાધાનાથી એનો ચહેરો કાંતિમય બન્યો હતો.

    પ્રખર-પ્રકાંડ વિદ્વાન એવા એના પિતાએ એના તપોમય જીવન માટે સંસ્કૃતથી માંડીને અન્ય ભાષાઓના જ્ઞાનથી સુસંસ્કૃત કરી હતી. આમ ગુણસુંદરી અતુલનીય સુંદર જ નહીં અતુલનીય વિદુષી પણ હતી.

    અને એ દિવસ આવી ગયો. સવારના બ્રાહ્મ મુરતમાં સુશીલાએ પુત્રને જન્મ આપ્યો. ઘર આખું પ્રસન્નતાથી છલકાઈ રહ્યું. ગુણસુંદરીએ માતાના ઘરેથી આણેલી સોને મઢેલા રુદ્રાક્ષ પોરવેલી સોનાની ચેઈન બાળકને પહેરાવી. ખુશીથી છલકતા ગુણસુંદરીના ચહેરા પર જે આભા પ્રસરી હતી એ જોઈને સુશીલા અને સત્યેન્દ્ર ચકિત બની ગયાં.

    સ્વભાવગત શાંત ગુણસુંદરી સુશીલાની ખુશીથી પ્રફુલ્લ બની જતી. આજ સુધી એના ચહેરા પરની શાંત સૌમ્યતામાં ઉત્ફુલ્લિતા ઉમેરાઈ અને એના આજ સુધીના આ અજાણ્યા ભાવથી સત્યેન્દ્ર એના તરફ આકર્ષાતો ચાલ્યો. ગુણસુંદરી તરફનો સ્નેહ શ્રદ્ધાથી સિંચાયેલો હતો. એ વાત્સલ્ય શ્રુંગારમાં પરિવર્તન થવા માંડ્યું.  સત્યેન્દ્રએ એના આ ભાવ પ્રગટ ન થાય એવી અનેક કોશિશ કરી પણ હવે એને જોઈને એ વ્યાકુળ થઈ જતો. ગુણસુંદરીને જોવાની તીવ્ર લાલસા થઈ જતી. બાળકના લાલનપાલનમાં વ્યસ્ત સુશીલાની અધિકાંશ જવાબદારીઓ ગુણસુંદરીના માથે આવી, અનેક કારણોસર સત્યેન્દ્ર અને એનો અરસપરસ સંપર્ક વધતો ચાલ્યો અને સત્યેન્દ્રનો એના તરફનો મોહ પણ…

    આજે તો નવજાતના નામકરણ સંસ્કારનો દિવસ હતો. આખા દિવસના આ ઉત્સવમાં ગુણસુંદરી પોતાનું અસ્તિત્વ સુદ્ધા વિસરી ગઈ. સૌ વિખરાયા અને રાત્રે જીજાજીનું ભોજન લઈને એ એના રૂમમાં ગઈ. સાહિત્યનું કોઈ પુસ્તકમાં ઓતપ્રોત દેખાતો સત્યેન્દ્ર ખરેખર તો કથાની નાયિકાના સૌંદર્યમાં ગુણસુંદરીને નિરુપીને કલ્પિત જગતમાં રાચતો હતો અને મનોવ્યાપારમાં છવાયેલી એ જ રૂપસુંદરીને સમક્ષ જોઈને એની આંખો વિસ્ફારિત થઈ ઊઠી, જેની ભાવના કરતો હતો એને નજર સામે ઊભેલી જોઈને એ મ્હોં વકાસીને એને જોઈ રહ્યો. જીજાજીના આવા ભાવ જોઈને ગુણસુંદરીના ચહેરા પર વિસ્મય અંજાયું અને એના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત આવી ગયું અને વળતી પળે નીચી નજરે એ થાળી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગઈ.

    ગુણસુંદરીના એ સ્મિતે એની વિવેક બુદ્ધિને હડસેલીને હ્રદયના તારને ઝંકૃત કરી દીધા. સૌંદર્યે તો ભલભલા મુનિને ચળાવી દીધા છે તો સત્યેન્દ્રની શી વિસાત! એ વધુને વધુ મોહાંધ બનતો ચાલ્યો. એનું મન મનગમતા વિચારોમાં અટવાતું ચાલ્યું. ગુણસુંદરીના સ્મિતનું એ મનભાવન અર્થઘટન કરતો ચાલ્યો. એણે માની લીધું કે ગુણસુંદરીની એ મુસકરાહટ એના પ્રેમનો જ પડઘો હતો.

    સત્યેન્દ્રએ એ આખી રાત ખુલ્લી આંખે સપનામાં વિતાવી. રાતના અંધકારને ચીરતું સવારનું અજવાળું બારીમાંથી ધસી આવ્યું અને એની સાથે ગુણસુંદરીનો સૂરીલો અવાજ પણ..

    “રે મન ભૂલ્યો ફરે જગ વચ્ચે…..” એના અવાજની આંગળીએ એ સત્યેન્દ્ર બહાર બગીચા સુધી દોરાઈ આવ્યો. એકટક એ એને જોઈ રહ્યો. ગુણસુંદરીની નજર પડતાં એનું ભાવ વિશ્વ વિખેરાયું.

    કહેવું ના કહેવુંની અવઢવમાં એ ગુણસુંદરીને પૂછી બેઠો,.

    “ગુણસુંદરી, કેટલાક વખતથી એક વાત કહેવી છે, કહેતા સંકોચ થાય છે, પણ કહેવી તો છે જ. હું પત્ર લખું તો તું એનો જવાબ તો આપીશ ને?”

    “જીજાજી, મારી અલ્પ બુદ્ધિ એવું માને છે કે જે વાત કહેવામાં સંકોચ થાય એ વાત લખીને કહેવી પણ અનુચિત જ હશે અને જે વાત અનુચિત છે એને હ્રદયમાં જ ભંડારી દેવી વધુ યોગ્ય છે.” કહીને એ અંદર ચાલી ગઈ.  સત્યેન્દ્ર સ્થિર બનીને ઊભો રહી ગયો.

    પણ કહે છે ને કે લાગણીઓને જેટલી કાબૂમાં લેવા મથો એટલી એ વધુ છલકાય અને એક દિવસ સત્યેન્દ્રની લાગણીઓ પત્રમાં છલકાઈને ગુણસુંદરી સુધી પહોંચી.

    આ ઘટનાના એક સપ્તાહમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને લેવા આવ્યો. ગુણસુંદરીની માતાની ઉંમરના લીધે ઘરની જવાબદારી એની પર હતી. ઘરના નાના-મોટા તમામ કાર્યોને એ સરળતાથી  વહે જતી. સુશીલા અને સત્યેન્દ્ર બંને ગુણસુંદરીના જવા પર પોતપોતાના કારણોથી વ્યથિત હતાં. સત્યેન્દ્રના વિવશ હ્રદયમાં તુમુલ સંગ્રામ ચાલતો હતો. એની હ્રદય સમ્રાજ્ઞી દૂર થવાની હતી એ વિચારે એ વ્યાકુળ હતો.  આ ચોવીસ કલાકમાં એણે ગુણસુંદરીને મળવાના અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. ગુણસુંદરી એને અવગણે છે એવું સમજવા છતાં એના સુધી પહોંચવા મથતો રહ્યો.

    અંતે ગુણસુંદરીથી છૂટા પડવાની ક્ષણ આવીને ઊભી રહી. સ્ટેશન સુધી એની સામે પણ ન જોનાર ગુણસુંદરીએ અત્યંત કોમળતાથી એને બોલાવ્યો. ટ્રેનની બારી પાસે બેઠેલી ગુણસુંદરીએ સુશીલા અને નવજાત શિશુને લઈને આવવાનું આમંત્રણ આપ્યુ.

    ટ્રેન ઉપડી, પ્લેટફોર્મ છોડીને જતી ટ્રેનની સાથે સત્યેન્દ્રને એનામાંથી પણ કશુંક છૂટી રહ્યું હોય એવું લાગ્યું . એ પ્રાણ-શૂન્ય બનીને ઘરે પાછો ફર્યો. ઘરમાંથી જાણે માધુર્ય ચાલ્યું ગયું. સુશીલા કે સંતાન બંનેમાંથી કોઈને મળવા-જોવા સુદ્ધા એને મન ન થયું. મોડી રાત્રે પરિચારિકા આવીને એને એક બંધ કવર આપી ગઈ. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.


    ક્રમશઃ


    જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં કેવી રીતે વ્યક્ત કરી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે એ વાંચીશું આવતા અંકે.


    ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • જીરવાતી રહી!

    શૈલા મુન્શા

    શ્વાસોની આવન જાવનમાં ભરમાતી રહી,
    ક્ષણ આવરદાની શું નાહક ખર્ચાતી રહી?

    કાલે હો ને આજે નહીં, પંજો ઘાતકનો;
    અણધાર્યો ત્રાટકતો, યાદો જખમાતી રહી!

    દોરાં ધાગા મંત્રો, કોઈએ રોકે ના પળ;
    બદલાશે રેખા આશા એ બંધાતી રહી!

    ઘા આપે જો ઈશ્વર તો કોને કહેવું દર્દ,
    મન મક્કમ તો એ પીડા પણ સહેવાતી રહી!

    તણખો ઊડ્યો ને ઝાળ આકાશે ઊડી,
    બળતી ચેહ ને, ઘટના જગમાં ચર્ચાતી રહી!

    ચાહી છે એકલતા પળભર જીવી લેવા,
    ભીતર ભાવોની સરવાણી રેલાતી રહી!

    કોઈ રહે ના સંગ હરદમ જીવન આખુંયે,
    ભીની આંખે ભવની ભાવટ જીરવાતી રહી!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • ફિલસુફીભર્યા ગીતો – ૪ – हर फ़िक्र को धुए में उडाता चला गया

    નિરંજન મહેતા

    ૧૯૬૧ની ફિલ્મ ‘હમદોનો’નું આ ગીત બેફીકરાઈને શબ્દદેહ આપે છે. સૈન્યનાં અફસર તરીકે દેવઆનંદ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનું. સ્વર છે રફીસાહેબનો.

    मै जिन्दगी का साथ निभाता चला गया
    हर फ़िक्र को धुए में उडाता चला गया

    बरबादियो का सोग मनाना फ़िज़ूल था
    बरबादियो का सोग मनाना फ़िज़ूल था
    बरबादियो का जश्न मनाता चला गया
    मै जिन्दगी का साथ निभाता चला गया

    जो मिल गया उसी को मुकद्दर समज लिया
    जो मिल गया उसी को मुकद्दर समज लिया
    जो खो गया मै उसको भूलाता चला गया
    मै जिन्दगी का साथ निभाता चला गया

    गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
    गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
    मै दिल को उस मुकाम पे लाता चला गया
    मै जिन्दगी का साथ निभाता चला गया

     

    ગીત દ્વારા જીવનની ફિલસુફી દર્શાવાઈ છે. જિંદગી જેમ સામે આવે તેમ તેને વિતાવો અને દરેક ફિકરને ભૂલી જાઓ અને ફિકરને સિગારેટના ધુમાડા માફક ઉડાવતા જાઓ. આગળ ઉપર કહ્યું છે કે બરબાદીનો સમય આવે ત્યારે પણ તેનો શોક ન મનાવો બલકે તેનો ઉત્સવ મનાવો જેથી તે બરબાદી ભુલાઈ જશે.

    જીવનમાં જે મળે છે તે તમારા નસીબમાં લખ્યું છે તે જ મળે છે તો તેને સ્વીકારી લો. જે ખોવાઈ ગયું છે તેને ભૂલી જાઓ.

    દુઃખ અને સુખ વચ્ચે કોઈ ફરક ન જુઓ અને તેમ કરી શકો તેવા સ્થાન સુધી તમારી જાતને લઇ જવાનો પ્રયત્ન કરો જેથી તમે આ ફરક સમજી શકશો.

    ફિલ્મનું આ ગીત આજે પણ આ ફિલસુફીને કારણે અત્યંત પ્રચલિત છે અને આજે પણ તેને સંગીતપ્રેમી મમળાવે છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ચાર દિવારી (૧૯૬૧)

    વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) તેમનાં સંગીતની રચના કોઈ ગણતરીથી નહોતા કરતા, પણ પોતાના ભાવને, પોતા માટે, રજુ કરવા કરતા હતા. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) નાં પણ ફિલ્મ ગીતોના બોલ એ ગીત માટેની સિચ્યુએશનના સંદર્ભની તેમની પોતાની સમજના ભાવોની પોતાની કવિ સહજ સ્વાભાવિક અનુભૂતિ વ્યક્ત કરતા.

    શૈલેન્દ્રનાં શંકર જયકિશન સાથેનાં મિલનને કદાચ નિયતિ દ્વારા ગોઠવાયેલ આકસ્મિક સંજોગ ગણી શકાય, પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય.  બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી.  તો, તૈયાર ધુન પર પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિમાં પોતાની સ્વાભાવિક અનુભૂતિને નીખારી શકવાની અને બંગાળી ભાષાના તેમના પરિચયે શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોના સંગાથને હિંદી ફિલ્મ સંગીત માટેની એક ખુબ ભાગ્યશાળી સફર બનાવી રાખી.

    નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

    ૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

    ૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

    ૨૦૨૦માં વર્ષ ૧૯૫૭, અને

    ૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦

    નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

    સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારુ આજના અંકમાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત વર્ષ ૧૯૬૧નાં ગીતો સંભળીશું. ૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર કે બન્નેની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળીશું.

    ચાર દિવારી (૧૯૬૧)

    ‘ચાર દિવારી’નું કથાવસ્તુ તો ભારતીય નારીનું જીવન તો પોતાનાં પતિના સુખદુઃખનાં સહભાગી બનવામાં પોતાની ઓળખને ઓગાળી દેવા માટે જ સર્જાયું છે એવા સમાજના પારંપારિક પરિપ્રેક્ષ્યમાં ઘુંટાય છે. પરંતુ તે સિવાય હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે શશી કપૂરની પહેલવહેલી ફિલ્મ અને તેમની અને નંદાની જોડીની અનેક સફળ ફિલ્મોની સફરનાં પહેલાં સોપાન તરીકે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં ફિલ્મની ઓળખ વધારે યાદ કરાય છે.

    ગોરી બાબુલ કા ઘરવા અબ હૈ બિદેશવા, સાજનકે ચરણોંમે અબ હૈ ઘર તેરા – લતા મંગેશકર અને સાથીઓ

    કન્યા વિદાયના પારંપારિક દૃશ્યોને ફિલ્મનાં પાત્રોમાંગોઠવી રજૂ કરવાં અને એક ગીત અચુક મુકવૂ એ સામાજિક પૃષ્ઠભૂ પર બનતી ફિલ્મોમાં બહુ અસરકારકપણે વપરાતો મસાલો હતો. પરંતુ  શૈલેન્દ્ર આ ઘટનાની તક ઝડપી લઈને ફિલ્મનાં શીર્ષકની રજુઆત કરી લેવાની સાથે ફિલ્મની વાર્તાનાં હાર્દને મુખડાની પહેલી જ પંક્તિમાં જ  વણી લે છે.  તે પછી આગળ જતાં આ ભાવને પોતાની આગવી શૈલીમાં ઘુંટે છે –

    હો ગોરી ચાર દિવારી અંગના અટારી
    યેહી તેરી દુનિયા યે જગ હૈ તેરા

    કૈસે મનાઉં પિયવા ગુન એક હુ મેરે નાંહી, આઈ મિલનકી બેલા ઘબરાઉં મન માંહી – મુકેશ

    પોતાના (પ્રિયતમ) પતિનાં ઘર / જીવનમાં પગ મુકવાની ક્ષણે પરંપરાગત, આદર્શ, ભારતીય નારીનાં મનના ભાવોને શૈલેન્દ્ર વાચા આપે છે.

    જોકે શૈલેન્દ્રનો કવિ જીવ લગ્ન જીવનની આ ક્ષણે એક નારીના મનમાં ઉઠતા સહજ ભાવોને પણ ઝડપી લેવાની તક પણ ચુકતો નથી –

    સાજન મેરે આયે
    ધડકન બઢતી જાયે
    નૈના ઝુકતે જાયેં
    ઘુંઘટ ઢલતા જાયે
    તુઝસે ક્યું શરમાયે
    આજ તેરી પરછાઈં

    સલીલ ચૌધરીએ પણ મુકેશના સ્વરની કરૂણામય મુલાયમતાને આ અવઢવને વ્યક્ત કરવા એટલી અસરકારક સહજતાથી ગીતની બાંધણીમાં વણી લીધી છે કે આ ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં કોતરાઈ ગયું છે.

    આડ વાત:

    સલીલ ચૌધરી પોતાની ધુનોને અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવોને રજુ કરવામાં માહીર હતા એ વાત તો હવે બહુ જાણીતી છે. અહીં પણ આ ધુનને તેમણે તેમના દુરદર્શન સાથેના સમયકાળમાં બીતે દીનોં કે સપને હમેં યાદ આને લગે હૈં (ગાયિકા અરૂંધતી હોમ-ચૌધરી, ગીતકાર યોગેશ) સ્વરૂપના ગૈરફિલ્મી ગીતમાં રજૂ કરી છે.

    ઝુક ઝુક ઝુક ઝુમ ઘટા આયે એરે, મન મોરા લહારાયે – લતા મંગેશકર

    શ્રાવણનાં ઘેરાતાં વાદળોથી ભારતીય નારીમાં રહેલી યુવાન સ્ત્રીના મનમાં પણ એ વર્ષાની છાંટની લહેરોમાં તેનાં મનની અંદર મઘમઘતી ખુશીઓની પુરેપુરી અસર સલીલ ચૌધરીનાં મનમાં રહેલ સંગીતને પણ ઝણઝણાવી રહે છે. તેમનાં પ્રિય વાદ્ય, વાંસળી,ની આસપાસ રચેલું તેમણે વાદ્ય સર્જન ખુશીની એ છાંટ અને ફોરમને અથતથ વ્યકત કરી રહે છે.

    અકેલા તુઝે જાને ન દુંગી…. બાંકે છૈયા…..મૈં સંગ સંગ ચલુંગી – લતા મંગેશકર

    લગ્ન જીવનમાં પ્રવેશોસ્તુક કન્યા – પછી ભલેને લગ્ન પછી તેને પતિવ્રતા સતી બની જવાનું હોય -પણ મનમાં કોડ તો તેના જીવનસાથીની સાથે હમકદમ થવાના જ સેવે! આ અનુભૂતિઓને જેટલી શુધ્ધતાથી શૈલેન્દ્રના બોલ ઝીલી લે છે એટલી જ શુદ્ધ સંવેદનશીલતા સલીલ ચૌધરીની સંગીત બાંધણીમાં જળવાઈ રહે છે.

    નીંદ પરી લોરી ગાયે માં જ઼ુલાયે પાલના, સો જા મેરે લાલના …..મીઠે મીઠે સપનોં મેં ખો જા મેરે લાલના – લતા મંગેશકર

    એ સમયની હિંદી ફિલ્મોમાં હાલરડાં પણ બહુ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો હતો. દરેક સંગીતકાર પોતાની સર્જન સજ્જતાની પરખ કદાચ આ પ્રકારનાં હાલરડાંની ધુનમાં તેમની ઠલાવાયેલી સર્જન શક્તિની પરથી કાઢતા હશે એટલી હદે અમુક હાલરડાં તો ચિરસ્મરણીય બની ગયાં છે.

    સલીલ ચૌધરી પોતાના પ્રયોગો મોટા ભાગે બંગાળી સંગીતમાં કરતા. ત્યાં એમણે પ્રયોજેલી અનેક ધુનોને તેઓએ અજબ કલ્પનાશક્તિથી તેમનાં હિંદી ગીતોની રચનાઓમાં પ્રયોજેલ છે.

    અહીં તેમણે ૧૯૫૩માં રચેલ એક બંગાળી ગૈરફિલ્મી ગીત પ્રાણતરેર ગાન અમર[1] (વનવગડાનું ગીત મારૂં છે; ગાયિકા ઉત્પલા સેન)ની ધુન અહીં હાલરડાંની બાંધણી રૂપે સમગ્ર વાતાવરણ પર છવાઈ જાય છે.

    હમકો સમજ બૈઠી હૈ યે દુનિયા દિવાના…. પર મૈં અગર પાગલ હું તો યે દુનિયા હૈ પાગલખાના  – મુકેશ

    દુનિયા જેને પાગલ સમજે છે તેની નીજી મસ્તી દુનિયાને જ પાગલખાનું સમજી બેસે એવી અદભૂત, મોજીલી કલ્પના તો શૈલેન્દ્રને જ આવે. તેમણે આ તક ઝડપી લઈને એ જ મસ્તીના ભાવમાં તેમનાં દિલમાંથી ઉઠતા સમતાવાદી સમાજના આદર્શને પણ રજુ કરી લીધેલ છે.

    હવે પછીના મણકામાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત ‘મેમ દીદી’નાં ગીતો માણીશું.


    [1] ઉત્પલા સેનના સ્વરમાં અમર થઈ ગયેલું ગીત ‘પ્રાણતરેર ગાન અમર’ ંઊળે તો જાણીતાં સવિન્દ્ર સંગીત ગાયિકા કણીકાના સ્વરમં રેકોર્ડ થયેલું. પરંતૂ સલીલ ચૌધરી તેમનાં પુસ્તક ‘જિબો ઉજિબોન’ માં લખે છે તેમ વિશ્વ ભારતીએ કણિકાને રવિન્દ્ર સંગીત સિવાયનાં ગીતો ગાવાની અનુમતિ ન આપી.પરિણામે રેકોર્ડ થયેલું એ ગીત ક્યારે પણ પ્રકાશિત ન થઈ શક્યુ. તે હવે ઉત્પલા સેનના સ્વરમાં સાકાર થયું.એક અફવા અનુસાર કણીકાની ક્યારે પણ પ્રકાશિત એ રેકોર્ડ ક્યાંક અસ્તિત્વમાં તો છે. કોઈ જબરા ચાહકને હાથ એ ચડી જાય અને આપણે તેને સાંભળી શકીએ એવી આશા તો સેવી જ શકાય !!-  Other Singers @ World of Salil Chowdhury

  • વનવૃક્ષો : આંબલી

    ગિજુભાઈ બધેકા

    ભૂતનું ઠેકાણું આંબલી. મેં તો કોઈ દિવસ આંબલી નીચે ભૂત ભાળ્યું નહિ; કોઈ “મેં ભાળ્યું છે.” એમ પણ કહેતું નથી. લોકો ગપ્પાં મારે ત્યારે પાયા વિનાનાં ગપ્પાં મારે, એવું આ પણ એક ગપ્પું.

    પણ ગપ્પું મારવાનું એક કારણ છે. કેમકે આંબલી એક મોટું ઘટાટોપ ઝાડ છે; જંગી ઝાડ છે. એવા મોટા ઝાડ ઉપર માણસ ચડીને બેસે તો દેખાય પણ નહિ; કેટલા યે વાંદરાઓ તેમાં ન દેખાય તેમ સમાઈ રહે; પાર વિનાનાં પક્ષીઓનો તે માળો થઈ શકે.

    વળી આંબલી ઘણે ઠેકાણે ગામની બહાર, કોઈ કોઈ ઠેકાણે સ્મશાન પાસે, ને કોઈ કોઈ ઠેકાણે કોઈ ન જતું હોય એવા ખાડાટેકરાઓ ઉપર હોય છે. આંબલી બાગનું ઝાડ નથી, જંગલનું ઝાડ છે; છતાં લોકોએ આ ઝાડને પાળેલું છે. આંબલીનો વેપાર ચલાવવા ઝાડનું રક્ષણ કરવામાં આવે છે. તેનો છાંયો મજાનો છે, તેથી રસ્તાની બંને બાજુએ તેને રોપવામાં આવે છે.

    આંબલીનું ઝાડ ઘણું ઊચું છે. ગુજરાત આંબલીનું પિયર કહેવાય. વરતમાં પણ ‘સો આંબા સો આંબલી’ છે, એટલે જેટલા આંબા એટલી આંબલી ગુજરાતમાં વખતે મળે. આંબલીનાં પાંદડાં તીરખીઓ ઉપર ઝીણાં ઝીણાં થાય છે. પવનથી કંપે છે ત્યારે તે જોવા જેવાં લાગે છે. આંબલીનાં ફૂલો રૂપાળાં અને ખાટી ગંધભર્યાં હોય છે. આંબલીનાં કાતરા વાંકા, ઘણી વાર દાતરડાના આકરના હોય છે. પાક્યા પહેલાં કાતરા લીલા હોય છે; પાક્યા પછી તપખીરી રંગના થાય છે.

    આંબલીનાં પાંદડાં ખાટાં, આંબલીના કાતરા ખાટા, ને આંબલીની હવા ખાટી; પણ આંબલીમાંથી નીકળતા આંબલિયા તૂરા.

    આંબલીનો મોટો વેપાર ચાલે છે. ગુજરાત આખામાં દાળમાં, શાકમાં આંબલી નખાય છે. આંબલીનું પાણી ગોળ મેળવી બનાવાય છે તેને આંબલવાણું કહે છે; રોટલી સાથે તે સારું લાગે છે. ઉનાળાનું તે એક ઠંડુ પીણું છે. આંબલીથી ઊટકેલાં વાસણો બહુ ઝગારા મારે છે. આંબલી બહુ ખાવાથી સાંધા રહી જાય અને માથું દુખે.

    આંબલિયાથી છોકરાંઓ એકીબેકી રમત રમે છે. આંબલિયા ફોલીને મુખવાસ તરીકે લોકો ખાય છે. આંબલિયો ઘસીને નાની નાની ફોડકીઓ ઉપર ડોશીઓ ચોપડે છે. આંબલિયો પથરા ઉપર ઘસીને, તપાવીને નાનાં છોકરાંઓ એકબીજાની ચામડીને અડાડીને ગમ્મત કરે છે.

    આંબલીનું ઝાડ ઉગાડવા જેવું છે. આંબલીના ઝાડ ઉપર ચડવા જેવું છે. આંબલીનાં ફૂલ હાથમાં રાખવા જેવાં છે. આંબલીના ફૂલનું પાણી પીધા જેવું છે. આંબલીના આંબલિયાથી રમ્યા જેવું છે.

    આંબલી સારી છે; ભગવાને એને ઠીક બનાવી છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • નાનો પતરંગો : દેખાય બધે પણ તોય તમે ના ઓળખો

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ભારત, એશિયા, આફ્રિકા જેવા ઉષ્ણ પ્રદેશમાં નાનો પતરંગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે પણ બહુ ઓછા લોકો તેને નામથી ઓળખે. *પતરંગો* ઘણા પ્રકારના હોય છે. તેના રંગરૂપને કારણે ગુજરાતીમાં તે પતરંગો તરીકે ઓળખાય અને તેના રંગ અને ખોરાક ને કારણે અંગ્રેજીમાં તે *ગ્રીન બી ઈટર* તરીકે ઓળખાય. ખુબ સુંદર રંગવાળું આ પક્ષી ભારતના ૧૭ કોમન બર્ડ્સ માનું એક પક્ષી છે. સામાન્યતઃ બધે જોવા મળે પણ જોઈને બહુ ઓછા લોકો તેને નામથી ઓળખી શકે. આ નીલ ગગનના પક્ષીઓનું પક્ષી જગત એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. પક્ષી એક જ એવો જીવ છે જે લાંબા સમય સુધી અને લાંબા અંતર સુધી ઉડી શકે છે.

    *નાનો પતરંગો/ Small Green Bee Eater / Little Bee Eater / Merops orientalis : કદ: ૯ ઇંચ/ ૨૨ સેં.મી.*

    સપાટ અને સૂકો પ્રદેશ પતરંગાને વધારે માફક આવે છે અને તે કારણે શિયાળામાં અને વર્ષા ઋતુમાં નજીકના ઉષ્ણ પ્રદેશમાં જતા રહે છે. આ કારણે કેટલાક પ્રદેશમાં ફક્ત ઉનાળામાંજ જોવા મળે છે. આમ છતાં હિમાલયમાં ૫,૦૦૦ થી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર પણ તેમની નોંધ લેવાઈ છે. શહેરી વિસ્તારમાં જોવા હોય તો વૃક્ષની ખુલ્લી ડાળ, ઇલેક્ટ્રિક કે ટીવીના કેબલ ઉપર વધારે જોવા મળે. જીવજંતુ  તેમનો મુખ્ય ખોરાક છે અને નીચે જમીનથી એક મીટર ની ઊંચાઈ ઉપર થી પણ જીવડાં પકડી લેવાની  કાબેલિયત  ધરાવે છે. એમ પણ કહી  શકાય કે જો હવામાં *ઉડતા ઉડતા જીવડાં પકડવાની કાબેલિયતની શરખામણી કરો તો નાના પક્ષીઓમાં પતરંગાનો અવ્વલ નંબર આવે.* આ જોવું તે એક નજારો હોય છે.

    *કાબો અર્જુન*
    *ચપળ બળબુદ્ધિ*
    *રૂડું ને રૂપાળું*

                 હાઈકુ:

    જગત.કીનખાબવાલા

    ભમરી, મધમાંખી, કીડાં, મકોડા, દ્રેગોન ફ્લાય ( લોકો તેને હેલિકોપ્ટર તરીકે પણ ઓળખે) જેવા નાના જીવ તેનો મુખ્ય ખોરાક છે. જે જીવ જંતુમાં ઝહેરી ડંખ હોય તો તેમને ચાંચમાં પકડી પછાડી પછાડી તેનો ડંખ કાઢી નાખે ને પછી આરોગી જાય છે. પોતાની બેઠક ઉપરથી જીવડાં ખાવા નાની નાની ઉંડાણ મારતાં હોય છે. ઊડતી વખતે અને જીવડાં મારતી વખતે તેમની પૂંછડીના એન્ટેનાની મદદથી તે પોતાની ઉંડાણ કાબુમાં રાખે છે. *શિકાર કરવાની તેની છટા મુગ્ધ કરી દે*. નાના શિકારને હવામાં ઉડતા ઉડતાજ ગળી જાય અને ફેલાયેલી પાંખો ઉપર હવામાં તરતાં તરતાં પોતાની જગ્યા ઉપર પાછું આવી જાય. પોતાની ખુશી પ્રગટ કરવા ટ્રી ટ્રી ટ્રી અવાજ કરે જે અવાજમાં ઉલ્લાસ દેખાય.

    પોતાના ઝુંડમાં વધારે જોવા મળે. આરામ અને રાતવાસો અચૂક પોતાના ઝુંડમાં કરે. ખાસ કરીને સવારના સમયમાં એકબીજાની બાજુ બાજુમાં હૂંફ મળે તેમ બેઠા હોય અને બપોરે વધારે ગરમી લાગે તો પોતાની ડોક શરીર તરફ ખેંચી લઇ બેઠા કોકડાઈને બેસી જાય. ગરમીમાં શરીરને ઠંડુ રાખવા જો પાણી મળી જાય તો પાણીમાં ઉપર ઉપર ડૂબકી મારી શરીર ઠંડુ કરી લે અને શરીરની ઠંડક તેમજ પાંખોની સફાઈ માટે માટી અથવા રેતીમાં બેસી પાંખો પાથરી પાંખ ફફડાવી તેમાં રેતી/ માટી સ્નાન કરી લે. આ જોવું એક ખુબજ અજુક્તું લાગે. તેમના ઝુંડમાં ૫૦૦ થી ૬૦૦ જેટલા મોટી સંખ્યામાં પણ હોય. જોકે આટલા મોટા ઝુંડ શહેરી વિસ્તારમાં જવલ્લેજ જોવા મળે છે. સાંજ પડે જયારે રાતવાસો કરવા પાછા આવે ત્યારે ખુબ અવાજ કરે અને પોતાના જે સાથીદારો આંચળ છૂટી ગયા હોય તેમને દિશા સૂચન આપે. *તેઓ નદીના કોતર જેવી જગ્યાઓમાં માટીની અંદર ત્રણથી પાંચ ફૂટ ઊંડે સુધી માટી ખોતરી પાઇપ જેવું બોગદું બનાવી અંદર ઈંડા મૂકે છે.*

    ગરમી શરુ થાય એટલેકે માર્ચ મહિનાથી શરુ કરી જૂને મધ્ય સુધી ઈંડા મૂકે છે. તેમની ક્ષમતા પાંચ સુધી ઈંડા મૂકી શકવાની હોય છે. ક્યાં માળો કરવો અને ક્યાં માણસ માળા સુધી પહોંચી શકે છે તે સમજી લેવાની કાબેલિયત તેનામાં વધારે હોય છે અને તે ધ્યાનમાં રાખીને માળાની જગ્યા શોધે છે. માણસની ફિતરત સમજી લેવામાં ઘણું કાબેલ હોય છે.  ઈંડા સેવવાનું કામ નર અને માદા બંન્ને લગભગ ૧૪ દિવસ સુધી કરે છે અને ત્યારબાદ ૩ થી ૪ અઠવાડિયાના સમયમાં તેમના બચ્ચા ઉડવાને કાબિલ બની જાય છે. તેમના કમનસીબે ઉનાળામાં ઈંડા મુકવા માળા બનાવે. તે સમયે નદીના કોતરમાં માળા બનાવે. તે સમયે મોટા પાયે રેત ખોદાય અને ત્યારે તેમના માળાનો સર્વનાશ થઇ જાય છે. કાળા માથાનો માનવી ઘણો ક્રૂર બની જાય છે.

    તેને તામ્રવરણું માથું હોય અને ગળે પાતળો કાળો કાંઠલો હોય છે, તેમજ તેમના ગળાનો ભાગ વાદળી ઝાય વાળો હોય છે.  જયારે તે ઉડતા હોય ત્યારે નીચેથી પાંખમાં સુંદર લીલો રંગ દેખાય છે. દેહ પાતળો અને રીતભાત ખુબ ચપળ હોય છે. આંખની કિકી ઘેર લાલ રંગની અને આજુબાજુ થોડા આછા લાલા રંગની લાલાશ આંખને ખુબ સુંદર બનાવે છે.

     

    *મુગ્ધ દેખાવ*
    *અફલાતૂન વિંધે*
    *ચપળ આંખ*

                          હાઈકુ:

    જગત.કીનખાબવાલા


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • સદરહુ બાબત આપસાહેબના ધ્યાન પર લાવતાં જણાવવાનું કે…

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ભાષા એકત્વ સાધે કે ભેદ કરાવે? બાઈબલમાં આવતી ‘ટાવર ઑફ બાબેલ’ની જાણીતી કથા અનુસાર માનવો ઈશ્વર સુધી પહોંચી શકાય એવો ટાવર બનાવવાનું શરૂ કરે છે. એ સમયે સમગ્ર પૃથ્વી પર સૌ કોઈ એક જ ભાષા બોલતા હોય છે. આથી જોતજોતાંમાં તેઓ ટાવરનિર્માણને આગળ ધપાવે છે. ઈશ્વરને લાગે છે કે માનવો આ રીતે તેમના સુધી પહોંચી જશે. આથી તેઓ સૌ મનુષ્યોની ભાષા અલગ અલગ કરી દે છે. આ કથાનો એક સાર એ કાઢી શકાય કે ભાષા અલગ અલગ હોય તો પ્રત્યાયનમાં ઘણી મુશ્કેલી પડે છે, અને ભાગ્યે જ ઐક્ય સાધી શકાય છે. આ વાત થઈ સાવ ભિન્ન ભાષાઓની. પણ એક જ ભાષામાં આમ બનવાની શક્યતા કેટલી? ‘બાર ગાઉએ બોલી બદલાય’ ઉક્તિ અનુસાર આપણે ત્યાં એક જ ભાષામાં પણ અનેક બોલીઓનું વૈવિધ્ય જોવા મળે છે. બોલીઓ પ્રદેશ અને વ્યવસાય આધારિત હોવા ઉપરાંત ન્યાતજાત મુજબ પણ તે અલગ રહેતી. ગાંધીજી દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં એક સમયે વિવિધ ક્ષેત્રના પારિભાષિક શબ્દોનો કોશ તૈયાર કરવાનું મહત્ત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આમ છતાં, અસલ સરકારી વ્યવહાર, દસ્તાવેજો કે પરિપત્ર ગુજરાતી ભાષામાં હોય તો પણ તેનો સાદા ગુજરાતીમાં અનુવાદ કરાવવો પડે એવી સ્થિતિ મોટે ભાગે જોવા મળે છે. આ સ્થિતિને સહુએ સ્વિકારી લીધી હોવાથી તેમાં ખાસ કશો ફેરફાર થાય એવી શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી.

    સરકારી ભાષા અંગેની સમસ્યા કેવળ આપણા રાજ્યની કે દેશની છે એમ માની લેવાની જરૂર નથી. ગત મહિને ન્યુઝીલેન્‍ડમાં આ અંગે ચર્ચા, બલ્કે વિવાદ ચાલી રહ્યો હતો એમ કહેવું વધુ ઉચિત ગણાશે. એ પછી 19 ઑક્ટોબરે આ ખરડો પસાર થઈને તેને કાનૂનનું સ્વરૂપ મળી ગયું છે. ‘પ્લેઈન લેન્ગ્વેજ બીલ’ અથવા ‘સરળ ભાષા ખરડા’ દ્વારા સરકારી વ્યવહારની ભાષાને ‘સ્પષ્ટ, સંક્ષિપ્ત, સુવ્યવસ્થિત અને સુયોગ્ય’ કરવાની તેમાં જોગવાઈ છે. ખરડો સૂચવતો હતો કે સરકારી ભાષા-પરિભાષાથી ન્યૂઝીલેન્ડના લોકો પણ ત્રસ્ત છે. આ ખરડામાં મુખ્ય ભાર અમલદારો દ્વારા સરળ ભાષા વાપરવા પર હતો. આ ખરડો રજૂ કરનાર સાંસદ રકેલ બોયકના જણાવ્યા અનુસાર, ‘ન્યૂઝીલેન્ડમાં વસતા લોકોને તેમની સરકાર શું કરવાનું કહી રહી છે, પોતાના અધિકારો કયા છે અને સરકાર તરફથી તેમને શા હક પ્રાપ્ત છે એ જાણવાનો અધિકાર છે.’ રકેલનું એમ પણ કહેવું છે કે લોકો સમજી ન શકે એ ભાષામાં વ્યવહાર કરવાથી પોતાને મળવાપ્રાપ્ત સેવાઓ સાથે લોકો પોતાને સાંકળી શકતા નથી. તેને કારણે તેઓ સરકારમાંથી વિશ્વાસ ગુમાવે છે અને સમાજમાં પૂરેપૂરી હિસ્સેદારી કરી શકતા નથી.

    અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે બોલનારા, કૉલેજ શિક્ષણ ન લીધેલા, વિકલાંગ કે વયસ્ક લોકો આ બાબતે સૌથી અસરગ્રસ્ત લોકો હોય છે. સરળ ભાષાના તરફદારોનો એક મોટો વર્ગ આ બાબતને સામાજિક ન્યાય અને લોકશાહીના હક સાથે સાંકળે છે. તરફદારો માને છે કે આ દેશના સરકારી વ્યવહારની ભાષામાં સુધારણા માટે પૂરતો અવકાશ છે. આ બાબતને પ્રોત્સાહન મળે એટલા માટે ‘શ્રેષ્ઠ વાક્ય રૂપાંતર’ સહિત બીજાં પારિતોષિક ઘોષિત કરવામાં આવ્યાં છે. એટલે કે, કોઈ ચલણી, અટપટા સરકારી વાક્યનું રૂપાંતર સરળ ભાષામાં ઉત્તમ રીતે કરી શકે તેને પુરસ્કૃત કરવાનું. આ પુરસ્કાર શરૂ કરનારાં અને સાદી ભાષા અંગેની કન્સલ્ટન્‍સી ‘રાઈટ લિ.’નાં નિદેશક લીન્‍ડા હેરીસ માને છે કે ‘ખરાબ’ વાક્ય કેવળ કળાત્મકતાના અભાવ કરતાં ઘણી વધુ ગંભીર બાબત છે. લોકોના જીવનની સૌથી અંતરંગ અને અગત્યની બાબતો સરકારી વ્યવહાર દ્વારા નક્કી થાય છે, જેમ કે, ઈમિગ્રેશનની જાણકારી, છૂટાછેડાનાં કાગળિયાં, કલ્યાણકારી યોજનાઓ થકી મળતા લાભ, મકાન બાંધવા માટેની ક્ષમતા નક્કી કરવી વગેરે.

    લોકશાહી હોવાથી આ ખરડાનો વિરોધ ન થાય તો જ નવાઈ. વિરોધ માટે પણ સૌનાં પોતપોતાનાં કારણો હતાં. કેટલાક માનતાં હતાં કે આ ખરડામાં અમુક બાબતોની સ્પષ્ટતા થઈ નથી. વિરોધ પક્ષની દલીલ એવી હતી કે એનાથી ‘સરળ ભાષા નિરીક્ષણ અધિકારી’ થકી અમલદારશાહીનું અને એની કિંમતને લગતું વધુ એક સ્તર ઉમેરાશે, અને ભાષાના સરળીકરણનું ખરેખરું કામ થશે નહીં. ન્યૂઝીલેન્‍ડની ‘નેશનલ પાર્ટી’ના સાંસદ ક્રિસ બીશપે કહ્યું હતું, ‘સાવ સરળ ભાષામાં મને કહેવા દો કે આ ખરડો આ સત્રમાં સરકાર સમક્ષ આવેલો સૌથી મૂર્ખામીયુક્ત ખરડો છે. અમારો પક્ષ એને પાછો લેવડાવશે.’ આ ખરડો લાવનાર સત્તાધારી ‘લેબર પાર્ટી’ના નેતાઓની દલીલ છે કે સરવાળે આનાથી ફાયદો થશે. લોકો સરળતાથી વેરો ભરી શકશે, જેનાથી વેરાની રકમમાં વધારો થશે, કૉલ સેન્‍ટર થકી ઓછો સમય વેડફાશે, ગૂંચવાયેલા લોકો સાથે કર્મચારીઓ સારી રીતે કામ પાર પાડી શકશે અને સરકારમાં લોકોનો વિશ્વાસ વધશે.

    ભાષાવિદ્‍ ડૉ. એન્‍ડ્રીઆ કેલ્યુડ, જો કે, માને છે કે, ‘આપણે સૌ કોઈ ચોક્કસ દૃશ્યનું વર્ણન કરવા માટે આપણને ફાવે એ રીતે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. સાદી અને સરળ ભાષામાં આવા કોઈ વર્ણન માટે અવકાશ રહેતો નથી.’ તેમણે કહેલી સૌથી અગત્યની વાત એ છે કે સાદાં વાક્યો કંઈ આપમેળે પારદર્શિતા તરફ દોરી નહીં જાય.

    આ ખરડાએ હવે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું છે, પણ આમાં બે બાબતો મહત્ત્વની જણાય છે. પહેલું તો ક્લિષ્ટ સરકારી ભાષાના વ્યવહારુપણાની આ નિમિત્તે ચર્ચા થઈ અને એ મુદ્દો ધ્યાનમાં આવ્યો. બીજું એ કે વ્યવહારમાં પારદર્શિતા સાવ અલગ બાબત છે. ભાષા કેવળ એક માધ્યમ છે. ‘લાંચ આપવા’ માટે ‘ચાપાણી’, ‘વહેવાર’, ‘સમજી લેવું’ જેવા મૌલિક શબ્દપ્રયોગો શોધી કાઢનારા આપણા રાજ્ય કે દેશના લોકોથી વિશેષ આ હકીકત કોણ જાણતું હોય!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)