મંજૂષા

વીનેશ અંતાણી

આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે
અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ.

અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન કામની ભારે વ્યસ્તતા વચ્ચે માંડમાંડ થોડો સમય કાઢી આરામ કરવા મેક્સિકો ગયો હતો. એ દરિયાકિનારે બેઠો હતો. એણે એક માછીમારને દરિયામાંથી માછલીઓ પકડી કાંઠે હોડી લાંગરતો જોયો. હજી તો સવારના માંડ અગિયાર વાગ્યા હતા. બિઝનેસમેનને નવાઈ લાગી કે એ આટલો વહેલો એનું કામ આટોપે છે? એણે એને પૂછ્યું: ‘હજી બપોર પણ નથી થયો અને તું પાછો આવી ગયો?’ માછીમારે કહ્યું: ‘મને જોઈતી હતી એટલી માછલી પકડી લીધી. અમારા કુટુંબના ભરણપોષણ માટે અને આજની રોજીરોટી રળવા માટે આટલી માછલી પૂરતી છે.’ બિઝનેસમેને પૂછ્યું કે એ હવે આખો દિવસ નવરો બેસીને શું કરશે. માછીમારે કહ્યું: ‘ઘેર જઈશ, મારાં સંતાનો સાથે રમીશ, પત્ની સાથે સમય ગાળીશ, સાંજે મિત્રો સાથે ગપ્પાં મારીશ.’

બિઝનેમેન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યો હતો. એ માછીમારને ‘બિઝનેસ’ના પાઠ ભણાવવા લાગ્યો: ‘તારે આખો દિવસ કામ કરવું જોઈએ. વધારે માછલી પકડાય તો વધારે આવક થાય.’ માછીમારે પૂછ્યું: ‘પછી?’ બિઝનેસમેને જવાબ આપ્યો: ‘તું સાદી વાત પણ સમજતો નથી? વધારે કમાણી થાય તો પૈસા બચાવી તું મોટી બોટ ખરીદી શકે, ધંધો વધે પછી શહેરમાં રહેવા જા, તારી ફિશિન્ગ કંપની શરૂ કર. કેટલા બધા પૈસા મળે તને.’ માછીમારના કપાળે સળ પડ્યા. એણે પૂછ્યું: ‘પછી?’ બિઝમેસમેન: ‘બસ, પછી તો પૈસા જ પૈસા છે. આરામથી તારી પત્ની-સંતાનો સાથે જીવી શકશે.’ માછીમાર વિચારમાં પડ્યો. પૂછ્યું: ‘એવું કરતાં કેટલાં વર્ષ લાગે?’ બિઝનેસમેન: ‘પચીસેક વર્ષ તો સહેજે થાય.’ માછીમાર ખડખડાટ હસ્યો. ‘હું અત્યારે પણ કરી શકું છું તે કરવા માટે મારે પચીસ વર્ષ રાહ જોવાની શી જરૂર છે? ત્યાં સુધી મારાં સંતાનો મોટાં થઈ જાય, હું અને મારી પત્ની વૃદ્ધ થઈ જઈએ. અત્યારે જ સમય છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે મજા કરું. બુઢ્ઢો થાઉં પછી હું શું મજા કરવાનો હતો!’

અભણ માછીમાર સમજી શક્યો હતો તે સત્ય અમેરિકાનો ભણેલોગણેલો બિઝનેસમેન સમજી શક્યો નહોતો. માછીમાર પૈસા રળવા માટે કામના સમય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવી શક્યો હતો. એ એનાં સંતાનો, પત્ની અને મિત્રો સાથે પણ સમય ગાળવા ઇચ્છતો હતો. આર્થિક પ્રવૃત્તિની આંધળી દોડધામમાં ઉંમર વીતી જાય અને સંતાનો મોટાં થઈ જાય કે પત્ની ઘરમાં બેસીને રાહ જોયા કરે એવી જિંદગી એને જોઈતી નહોતી.

બધા લોકો એવું કરી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી આજના સમયમાં ખૂબ મહત્ત્વની બની ગઈ છે. એમાં પણ પતિ અને પત્ની બંને આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેતાં હોય ત્યારે તો આ વાત અલગ પ્રકારે મહત્ત્વ ધારણ કરે છે. વધારે પૈસા કમાવા માગતા લોકો સાચા સુખની વ્યાખ્યા ભૂલી ગયા છે. ગરીબ લોકો બે છેડા ભેગા કરવા માટે વધારે કામ કરે તે વાત જુદી છે, પરંતુ પ્રમાણમાં પૈસેટકે સુખી થયેલા અને ધનાઢ્ય લોકો પણ આ પ્રકારની દોટમાંથી બહાર નીકળી શકતા નથી. એ લોકો ભૂલી જાય છે કે પ્રસન્ન અને હળવાશભરી જિંદગી પણ જીવનનો મુખ્ય હેતુ છે. એ વિશે સભાનતા જાગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

અલબત્ત, કેટલાક લોકો સમયસર ચેતી જઈને કામ અને અંગત જિંદગી વચ્ચે સુમેળ સાધવા પોતપોતાની રીતે માર્ગ શોધવાના પ્રયત્ન કરે છે. એક બહુ મોટી કંપનીના સ્થાપક ઇથેન ઇમ્બોડેન કહે છે: ‘મેં એક સત્ય સાથે સમાધાન કરી લીધું છે કે કામનો કોઈ અંત નથી. મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારે પુષ્કળ કામ કરવું પડે તેમ હતું જ, પરંતુ સફળતા મળ્યા પછી વધારે સફળ થવાના પ્રયત્નોમાં હું કામના બોજમાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો. આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હું હવે મોડોમોડો પણ મારા અંગત જીવનમાં પાછો ફર્યો છું અને જે કંઈ બચ્યું છે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.’

એક બહુ મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સાંજ પડે ત્યારે સમયસર ઘેર જવા નીકળવા માટે એક નુસખો શોધી કાઢ્યો હતો. એ એનો પાલતુ કૂતરો ઑફિસ લઈ જતો. સાંજ પડે ત્યારે કૂતરો ચોક્કસ સમયે એને ઘેર જવાની ફરજ પાડતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની એક બહુ મોટી કંપનીના વડાને બીજું સંતાન જન્મ્યું ત્યારે એણે વીક એન્ડમાં કે રજાના દિવસે ઘેરથી કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કમ્પ્યૂટર ખોલવાનું જ નહીં. કોઈનો ફોન લેવાનો નહીં. ધીરેધીરે એના સહકાર્યકર્તાઓ અને ક્લાયન્ટ્સને પણ એના શિડ્યુઅલની ખબર પડતી ગઈ. એમણે ચોવીસ કલાક ઇ-મેઇલ મોકલવાનું કે ફોન કરવાનું બંધ કર્યું. એથી એ રજાના દિવસે પરિવાર સાથે નિરાંતે રહી શકે છે અને કામ પર જાય ત્યારે વધારે પ્રોડક્ટિવ રહે છે.

સાદી વાત છે: જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું જ ભૂલી જઈએ.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.