ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સ્વાસ્થ્ય અને શિક્ષણ કોઈ પણ રાજ્યવ્યવસ્થાની પાયાની જરૂરિયાત છે. આ બન્ને ક્ષેત્રો એવાં છે કે જેમાં પરિણામ લાંબે ગાળે મળે. આથી તેના અંગેની નીતિઓ કે માળખાકીય બાબતોને તૈયાર કરતાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. વખતોવખત તેની પુન:ચકાસણી કે પુનર્મૂલ્યાંકન કરતાં રહેવું જરૂરી બની રહે છે.
યુ.કે.ના અતિ પ્રતિષ્ઠિત ગણાતા સ્વાસ્થ્ય સામયિક ‘ધ લાન્સેટ જર્નલ’માં સ્વાસ્થ્યસંબંધી વિવિધ વિષયોના અભ્યાસ પ્રકાશિત થતા રહે છે. આ અભ્યાસ નક્કર ક્ષેત્રીય વિગતોના આધારે કરવામાં આવે છે. હમણાં તેમાં પ્રસૂતાઓના મૃત્યુદર વિશેનો એક અભ્યાસ પ્રકાશિત કરાયો છે. એ આંકડા ૨૦૨૩ના છે. અભ્યાસ દર્શાવે છે કે વિશ્વભરમાં થતા પ્રસૂતાઓના મરણ પૈકી ૩૬ ટકા મરણ કુલ પાંચ દેશોમાં થાય છે. આ પાંચ દેશો છે: નાઈજીરિયા, ભારત, ઈથિઓપિયા, પાકિસ્તાન અને કેમેરૂન. બીજી રીતે કહીએ તો, પ્રસૂતાઓનાં થતાં મરણ પૈકી ત્રીજા ભાગનાં મરણ આ પાંચ દેશોમાં જ થાય છે અને આ જ ક્રમમાં. એટલે કે આપણા ભારત દેશનો તેમાં દ્વિતીય ક્રમ છે.
વર્ષ ૨૦૨૩માં ભારતમાં કુલ ૨૪,૭૦૦ પ્રસૂતાઓનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જે નાઈજીરિયા પછીના ક્રમે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં કુલ બે લાખ ચાલીસ હજાર પ્રસૂતાઓ મૃત્યુ પામી હતી. એટલે કે કુલ એક લાખ બાળકોના જન્મ દરમિયાન ૧૯૦.૫ માતાઓનાં મરણ નીપજ્યાં. આશ્વાસન એટલું છે કે અગાઉ ૧૯૯૦માં આ પ્રમાણ ૩૨૧ મૃત્યુનું હતું.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુ.એન.) દ્વારા ૨૦૧૫માં કુલ ૧૭ ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ ગોલ્સ’ (એસ.ડી.જી.) નક્કી કરીને ફરજિયાત બનાવાયાં હતાં, જે પૈકીનું એક પ્રસૂતાઓના મૃત્યુદરમાં ઘટાડાનું પણ છે. એ મુજબ ૨૦૩૦ સુધી પ્રત્યેક એક લાખ બાળકના જન્મ દીઠ પ્રસૂતાના મૃત્યુનું પ્રમાણ ૭૦થી ઓછું કરવાનું લક્ષ્યાંક છે. મતલબ કે હજી લક્ષ્યાંકની સરખામણીએ આ મૃત્યુ દર ત્રણ ગણાથી સહેજ જ ઓછો છે.
આ અભ્યાસમાં કુલ ૨૦૪ દેશોને આવરી લેવાયા હતા, જેમાં જણાયું હતું કે હજી એકસો ચાર દેશો આ લક્ષ્યાંક સિધ્ધ કરવાથી ઘણા ઘણા છેટે છે. આ દેશોમાં ઊપસહરા (સહરાના રણની દક્ષિણે આવેલો વિસ્તાર) અને દક્ષિણ એશિયાના દેશોનો સમાવેશ થાય છે. મૃત્યુનાં બે મુખ્ય કારણ જોવા મળ્યાં છે: રક્તસ્રાવ (હેમરેજ) અને ઊચ્ચ રક્તચાપ (હાઈ બ્લડપ્રેશર). આ આંકડા અને અભ્યાસનો અર્થ એ થયો કે ૨૦૩૦ સુધીમાં યુ.એન.નું લક્ષ્યાંક સિધ્ધ કરવું હોય તો તત્કાળ અને એકદમ કેન્દ્રિત પગલાં લેવાં પડે.

ભારતમાં ૪૫ ટકા પ્રસૂતાઓનાં મૃત્યુ આ બે કારણોથી થાય છે. અલબત્ત, રક્તસ્રાવથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૯૯૦માં ૪૫ ટકા હતું, જે હવે ઘટીને ૩૩.૭ પર પહોંચ્યું છે, પણ ઊચ્ચ રક્તચાપથી થતાં મૃત્યુનું પ્રમાણ ૧૦ ટકાથી વધીને ૧૨.૧ ટકાનું થયું છે.
બીજી એક ચિંતા પ્રસૂતિ દરમિયાન કે એ પછી તરત નહીં, પણ મોડાં થતાં મૃત્યની છે, જે શિશુના જન્મ પછીના ૪૩ દિવસથી એક વર્ષના સમયગાળાની અંદર થાય છે. આ પ્રમાણ વૈશ્વિક સ્તરે બમણું થઈને ૧.૩ ટકાથી ૩.૨ જેટલું થયું છે. આનો સીધો અર્થ એ થાય કે પ્રસૂતિ પછી રખાતી સંભાળમાં બેદરકારી દાખવવામાં આવે છે યા તેને સદંતર અવગણવામાં આવે છે. પ્રસૂતિ કેવળ યોગ્ય રીતે સંપન્ન થાય એટલું પૂરતું નથી, એ પછીની સારસંભાળ પણ એટલી જ જરૂરી છે.
ઊપસહરા પ્રદેશના દેશો પ્રસૂતાઓના મૃત્યુદરનું મુખ્ય કેન્દ્ર કહી શકાય. અહીંના વીસ પૈકીના પંદર દેશોમાં આ પ્રમાણ અતિશય વધુ છે.
આપણા દેશની વાત કરીએ તો આ દિશામાં પગલાં લેવાઈ રહ્યાં છે એમ લાગે. ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ અંતર્ગત ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોની સગર્ભા મહિલાઓની દર માસની નવમી તારીખે શારિરીક તપાસ કરવામાં આવે છે. સરકાર દ્વારા આરંભાયેલી કોઈ પણ યોજનાની કાર્યક્ષમતા અને સફળતાનો આધાર સ્થાનિક પ્રશાસનની જોગવાઈઓ અને તેના ઈરાદા પર અવલંબિત હોય છે. વિવિધ યોજનાઓની ઘોષણા એક વાર કરી દેવાય છે, પણ તેના અમલીકરણ માટેની માળખાકીય સવલતો બાબતે પૂરતી તૈયારી કરાતી નથી.
આમ છતાં, આ દિશામાં જેટલું પણ કામ થઈ શક્યું છે એ મહત્ત્વનું ગણાવી શકાય. આવા ગંભીર મામલે એવું આશ્વાસન લેવું તદ્દન ખોટું છે કે અમુકતમુક દેશની સરખામણીએ આપણે ત્યાં પરિસ્થિતિ ઘણી સારી છે. કેમ કે, સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી મહત્ત્વની બાબતોમાં સરખામણી હંમેશાં આપણાથી પાછળ હોય એની સાથે નહીં, પણ આપણાથી આગળ હોય એની સાથે કરવાની હોય છે.
અત્યારે પ્રચારનું જોર એવું છે કે એ ભલભલા સત્યને ઢાંકી શકે, એટલું જ નહીં, સાવ બદલી શકે. સરકારનું આખેઆખું તંત્ર સરકારની વિવિધ ક્ષેત્રે સફાળતા દર્શાવવા માટે કામે લાગેલું હોય છે. આથી સાચાખોટાનો ભેદ પારખવો મુશ્કેલ બની રહે છે. યુ.એન.ના નિર્ધારીત લક્ષ્યાંકને પાર પાડવા આડે હવે માંડ ચાર વરસ રહ્યાં છે. આપણા દેશમાં સ્વાસ્થ્યની સુવિધા અને પહોંચ છેવાડાના લોકો સુધી વિસ્તરે એ મહત્ત્વનું છે. કેમ કે, હજી ઘણા પ્રદેશો તેનાથી વંચિત છે. પ્રસૂતિ અંગેની સુવિધાઓ એકદમ પાયાની અને મૂળભૂત ગણાય. તેના અમલીકરણ અંગેની પ્રણાલિ સુદૃઢ અને હજી વધુ સુવિકસીત બને તો માતાઓના મૃત્યુદરને નિયંત્રણમાં લાવી શકાય. આ સંજોગોમાં આવા અભ્યાસ વિવિધ શાસકોને અંતર્દર્શનની તક પૂરી પાડે છે, જો એ કરવાની ઈચ્છા હોય તો.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૫– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
