વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • તમારી આંતર્‍સ્ફુરણા – યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવા માટેનું તમારૂં દિગ્દર્શક યંત્ર

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    આંતરસ્ફુરણા મનમાંથી ગુંજતો એવો છુપો નાદ છે જે હવે શું કરવું તે જણાવતો રહે છે. તે ખુબ અંદર રહેલો હોય છે, એટલે ઘણી વાર આપણને સ્પષ્ટપણે સંભળાતો નથી. આપણાં આંતરિક મન કરતાં બાહ્ય મન મોટા ભાગે  વધારે મોટો અવાજ કરતું હોય છે તેથી ઘણી વાર આપણી કોઠાસૂઝ કે આપણી આંતરસ્ફુરણાને આપણે અવગણી બેસતાં હોઈએ છીએ.

    થોડા વર્ષો પહેલાં નવાસવા પ્રોજેક્ટ મેનેજર તરીકે એક પ્રોજેક્ટના  મહત્વના તબક્કાનું હું કામ કરી રહ્યો હતો. એક તબક્કે, માત્ર થોડીક ક્ષણો માટે જ મને ‘થયું’ કે મારે મારાં ગ્રાહકને આવનારી અડચણોની જણ કરી દેવી જોઈએ. પણ દિમાગનું કહેવું કંઈ જુદું હતું. તેણે તરત જ જણાવી દીધું કે રખે એવું કરતો, ક્યાંક ગ્રાહક આડો ફાટશે અને વધારાની મુસીબતો ઊભી કરશે.  દિમાગ મન પર હાવી થઈ ગયું એટલે મારી સામેના પડકારોની સાથે કામ લેવામાં હુ વ્યસ્ત થઈ ગયો.

    થોડા દિવસો બાદ હું મારા ઉપરી પાસે આ બાબતે માર્ગદર્શન લેવા ગયો તો તેમણે જ મને આવનારા પ્રશ્નો બાબતે ગ્રાહક સાથે વાત કરી લેવાનું સુચવ્યું.

    મેં તેમને કહ્યું કે એક તબક્કે મને પણ એવું જ લાગ્યું હતું.

    જવાબમાં તેમણે કહ્યું કે તારે તારા અંદરના અવાજને સાંભળવો જોઈતો હતો.

    મારી આંતરસ્ફુરણાને અવગણવાની મેં ભુલ કરી હતી.

    આપણી આંતરસ્ફુરણા ઘણી વાર આપણા માટે દિશાસૂચક નીવડે છે, તેને અનુસરવી એ મોટા ભાગે બહુ સાચો નિર્ણય પરવડે છે.

    આપણું મગજ અમુક રીતે કામ કરવા અને નિયમોનું પાલન કરવા ‘કેળવાયેલું’ હોય છે.પણ આંતરસ્ફૂરણાને નિયમોનાં બંધન નથી હોતાં. તે તો જે યુથોચિત હોય તે જ કહે છે. દિમાગને જ સાભળતાં રહેવાથી આપ્ણે વધારે પડતાં વિશ્લેષણની સ્થિતિમાં અટવાઈ જઈ શકીએ છીએ, ભૂતકાળના નિર્ણયો પર વધારે પડતો આભાર રાખવા લગીએ છીએ અને કદચ, અજાણે પણ, નિયમોનાં ગુલામ બની જઈએ છીએ. જો કંઈ નવું, નોંધપાત્ર, અલગ કરવા કે નવી કેડી કોતરવા માટે આંતરસ્ફુરણાને અનુસરવી એ યથોચિત માર્ગ બની રહી શકે છે.

    વાતનો આખરી વળ એ કે, પ્રગતિની ખોજમાં આપણે ત્વરિત નિર્ણયો કરતાં રહીએ છીએ. આપણે કાયમ એટલી ઉતાવળમાં હોઈએ છીએ કે થોડાં ધીરા પડવાની આંતરસ્ફુરણા આપણે અવગણી બેસતાં હોઈએ છીએ. આપણી ધસમસાટના સુસવાટાઓ વચ્ચે પણ આપણાં અંદરના મનનો અવાજ સંભળાય એટલી શાંતિ મેળવવી જોઈએ, જેથી ખરા સમયે એ અવાજ અવશ્યપણે સંભળાય. અને એક વાર અંદરનો અવાજ તમને સંભળાય, એટલે તેને કયારે પણ સાંભળ્યો ન સાંભળ્યો તો ન જ કરવો.


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • આયોજનનો ભ્રામક તર્ક

    મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંત

    પાર્કિન્સનનો નિયમ અને સમયનું વ્યવસ્થાપન

    સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

    કામમાં ઢીલ પડવી એ એટલી વ્યાપક ઘટના બનતી ગઈ  છે કે જ્યાં સુધી ફરજ ન પડે ત્યાં સુધી આપણે એ વિશે વિચારવાનું પણ વિચારતાં નથી. ધાર્યા સમય કરતાં મોડા પડવા વિશે મને મારાં જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. અમારાં લગ્ન થયાં તે સમયે હજુ હું શનિવારે અર્ધા દિવસની ઑફિસની સમય વ્યવસ્થાનો લાભ લઈ શક્તો હતો. એટલે મેં નક્કી કરાવ્યું કે મારાં પત્ની અમારી ઑફિસ નજીકના સિનેમા હોલ પર ૪.૦૦ વાગ્યાના અંગ્રેજી ફિલ્મના શૉ માટે આવી જાય તો સાથે સારી સારી અંગ્રેજી ફિલ્મો જોઇએ. પરંતુ બનતું એવું કે હું જ્યારે સિનેમા હૉલ પર પહોંચું ત્યારે એટલું મોડું થઈ ગયું હોય કે મારાં પત્ની ટિકીટના ચુરેચુરા લઈને સાથે ઘરે જવાની રાહ જોતાં હોય.

    તમે કલ્પી જ લીધું હશે કે અમારો આ પ્રયોગ થોડા પ્રયાસો પછી કાયમ માટે ધરબાઈ ગયો હતો.

    આવી જ વ્યાપક બીજી ઘટના છે કામ પુરું થવાના સમયના અંદાજને ઓછો આંકવાની. અહીં મુકેલાં બે કાર્ટુન અલગ અલગ પરિસ્થિતિઓમાં આ ઘટનાને તાદૃશ કરે છે.

    [1]

    જ્ઞાનગ્રહણનાં મનોવિજ્ઞાનના નિષ્ણાતો કામ પુરૂં થવાના સમયને ઓછું અંદાજવાનાં વલણને ‘આયોજનનો ભ્રામક તર્ક’ કહે છે.

    વિષયની સમજણ

    ભૂતકાળમાં કામ ધાર્યા કરતાં વધારે સમયમાં પુરાં થયાં હોવાના ચોખ્ખા અનુભવ છતાં નવાં કામને પુરાં થવાનો સમય ઓછો અંદાજવાનાં વલણ હોવું એ આયોજનના ભ્રામક તર્કની વિશેષતા છે. હજુ વધારે વિચારવા જેવી બાબત તો એ છે કે અનેક અભ્યાસો દ્વારા પણ એમ જ ફલિત થતું રહ્યું છે કે કામ પુરૂં થવાનો સમય આપણે ઓછો જ અંદાજશું એ જાણવા છતાં આપણે ઓછો સમય જ જોઈશે તેમ જ અંદાજ  કરતાં રહી છીએ.

    જોકે ક્યારેક એવાં અજ્ઞાન વરદાનરૂપ પણ નીવડતાં હોય છે ! જો દરેક વખતે સાચો સમય જ અંદાજિત થઈ શકતો હોત, તો કલ્પના કરો કે દેખીતી રીતે જ પહોંચની બહાર હોય એવાં તમે કેટલાં કામ હાથ પર લીધાં પહેલાં જ છોડી દીધાં હોત?

    એટલે એટલું તો નક્કી જ છે કે લાકડાના લાડુને જેમ ન તો ખાઈ શકાય કે ન તો છોડી શકાય તેમ, કામ પુરૂં કરવાની ચોક્કસ મર્યાદા નથી તો પહોંચી શકાતી કે નથી તો તેના વિના ચેન પડતું.

    જ્ઞાનગ્રહણના આ વિશિષ્ટ વલણને ‘નરી તાકીદ પ્રભાવ / Mere Urgency Effect ‘ કહે છે. આ પ્રભાવ હેઠળ આપણે જે કામ કરવાથી વધારે ફાયદો થઈ શકે, પણ જેના માટે બહુ તાતી સમય મર્યાદા ન હોય તે કરવાને બદલે જે આપણને કામ સમય મર્યાદાની દૃષ્ટિ વધારે તકાલીન લાગતં હોય તે પહેલાં કરવાનું વલણ અખત્યાર કરીએ છીએ. આ વિષય પર થયેલા અનેક અભ્યાસો દર્શાવે છે કે વાત જ્યારે પહેલાં કયાં કામ કરવાં તેની પ્રાથમિકતાની હોય ત્યારે આપણે અકલ્પનીય ઢબે બીનતાર્કિક બની જતાં હોઈએ છીએ.

    આમ થવા વિષેનાં ચોક્કસ કારણો તો ઘણાં જટિલ છે, પણ સામાન્યપણે આ ત્રણ પ્રભાવ પૈકી કોઈ એક કે તેમની અલગ અલગ પ્રમાણની મેળવણી મહત્ત્વની ભૂમિકા ભજવતી જોવા મળતી હોય છે –

    આશાવાદ પ્રભાવ – જ્ઞાનગ્રહણનો એવો પ્રભાવ કે જેના પરિણામે કામ કરવા સંબંધી મોટા ભાગની નકારત્મક સંભાવનાઓ આ વખતે નહીં જ થાય એમ માનવા પ્રેરે છે. મજાની વાત તો એ છે કે માણસ જાત જ નહીં પણ ઉંદર કે પક્ષીઓમાં પણ આ વલણનો પ્રભાવ બહુ જોવા મળે છે.

    “મોટા ભાગનાં લોકોને દુનિયા હોય તેના કરતાં વધારે સાનુકૂળ લાગતી હોય છે, આપણી ખાસિયતો વાસ્તવમાં હોય તેના કરતાં વધારે મદદરૂપ થશે તેમ લાગતું હોય છે, અને આપણે જે લક્ષ્યો નક્કી કર્યાં હોય તે ખરેખર હોય તેના કરતાં વધારે આસાનીથી સિદ્ધ કરી શકાતાં લાગતાં હોય છે.” — ડેનીયલ કાહ્નેમેન

    સંદર્ભ : કાહ્નેમેન ડેનીઅલ; ત્વેર્સ્કી એમૉસ (૧૯૭૭). “Intuitive prediction: Biases and corrective procedures

    પ્રેરિત તર્ક. એવો લાગણી પ્રેરિત પ્ર્ભાવ જેના હેઠળ જે નક્કર પુરાવા દેખાય છે તેને અવગણીને  આપણને જે કરવું છે તેને વાજબી ઠેરવવા માટેની દલીલો ઊભી કરી દઈએ છીએ. આયોજન ભ્રામક તર્કના સંબંધમાં જોઈએ તો આપણે સમય મર્યાદામાં કામ પુરૂં થશે જ તે વિશે બહુ વધારે આત્મવિશ્વાસ અનુભવીએ છીએ.

    અંદર તરફી દૃષ્ટિકોણ અપનાવવો. બૃહદ દૃષ્ટિકોણથી કામને પહેલાં જોઈને પછી તેના સંદર્ભમાં તેની વિગતોમાં ઉતરવાને બદલે પહેલાં જ વિગતોમાં ખુંપી જવું. આંતરિક દૃષ્ટિથી કામને જોવા બેસવામાં આપણે જંગલમાંનાં ઝાડોની ગણતરી તો કદાચ સારી કરી લઈએ છીએ પણ જંગલની વાસ્તવિકતા બાબતે ભુલાં પડી જઈએ છીએ. એટલે કે આવાં કામ વિષે અન્યના અનુભવો, નિષ્ણાતોનાં મંતવ્યો કે નવું કામ કરતી વખતે તેમને શું શું ખબર હોવી જોઈતી હતી એ વિશે લોકોના મનમાં શું ખયાલો હતા કે બીજાં લોકોએ મેળવેલ સફળતા (કે નિષ્ફળતા)માંથી પદાર્થ પાઠો શીખવાં જોઈએ એવી સાદી બાબત જ ચુકી જતાં હોઈએ છીએ. તેમનાં બહુ ખ્યાત પુસ્તક ‘ધ બ્લેક સ્વાન‘માં નસ્સીમ નિકોલસ તાલેબ કહે છે કે ‘એ બહુ [આશાવાદી આગાહીઓ] માટેનું કે કારણ એ છે કે મોટા ભાગે આપણે [અજ્ઞાત માટેના અવકાશને ઓછો કરવા માટે] સંભવિત અનિશ્ચિત સ્થિતિઓને દબાવી દબાવીને અનિશ્ચિતતાનો અંદાજ ઓછો બાંધીએ છીએ.’

    ‘અનઅપેક્ષિત હંમેશાં વધારે ખર્ચા અને કામ પુરૂં થવા માટેના લંબાતા જતા સમયની દિશામાં જ ધકેલે છે. – નસ્સીમ નિકોલસ તાલેબ

    સરળ રીતે એમ કહી શકાય કે જે આપણને ખબર નથી હોતી તેનો આપણે અંદાજ ઓછો જ બાંધીએ છીએ. કાન્હેમેનવાળી સ્થિતિમાં તે વધારે જટિલ પાસાંઓ, અણધારી માંદગી જેવી વિપદાઓ, અમલદારશાહીની સમસ્યાઓ જેવાં આપણે કલ્પ્યાં પણ ન હોય એવાં અનેક પરિબળોનાં સ્વરૂપે જોવા મળી શકે છે.

    [નોંધ આ આખો વિષય તકનીકી પરિભાષામાં ‘છુપા હાથના સિદ્ધાંત / the Hiding Hand Principle‘ તરીકે ચર્ચાતો રહ્યો છે.]

    અંતર્મુખી દૃષ્ટિકોણમાંથી હૉફસ્ટેડ્લરના નિયમ તરીકેનો બોધપાઠ મળે છે.:

    “હૉફસ્ટેડ્લરના નિયમ / Hofstadter’s Lawને ગણતરીમાં લેવા છતાં ધાર્યા કરતાં હંમેશાં વધારે સમય જ લાગે છે. “ — તેમનાં પુસ્તક, Gödel, Escher, Bach: An Eternal Golden Braid (1979), માં ડગ્લાસ હૉફસ્ટેડ્લર

    ઘટના માટેના સૂચિત ખુલાસાઓ[2]

    • કાન્હેમેન અને તવેર્સ્કીએ મૂળતઃ આ ભ્રામક તર્કને આ જ પ્રકારનાં કામો પુરાં કરવા માટેના સમગ્ર અનુભવોને ધ્યાન પર લેવાને બદલે આયોજકો બહુ આશાવાદી અંદાજ પર ધ્યાન આપે છે એ વિચારથી સમજાવે છે[4]
    • રોજર બ્યુએહ્લર અને તેમના સાથીઓ ભ્રામક તર્ક માટે લોકોને પોતાને અનુકૂળ હોય તેમ જ માનવાનાં વલણને કારણભૂત ગણે છે; એટલે કે પોતે ઈચ્છતાં હોય કે કામો ધાર્યા કરતાં વહેલાં પુરાં થાય એટલે આ કામ પણ સહેલાઈથી અને ઝડપથી પુરૂ થશે એમ લોકો માને છે.[6]
    • એક અન્ય સંશોધન પત્રમાં બ્યુએહ્લર અને તેમના સાથીઓ પોતાની ભૂતકાળની કામગીરીનું અર્થઘટન પોતાને અનુકૂળ આવે તેવા પક્ષપાતી વલણ મુજબ કરવાને કારણભૂત જણાવે છે. જે કામો સરી રીતે પુરાં થયાં તેનું શ્રેય પોતે લઈ અને જે કામો બગડ્યાં તેનો દોષ બાહ્ય પરિબળો પર ઢોળી દઈને લોકો ભૂતકાળના પુરાવાઓ દ્વારા કામ પુરૂં થવામાં જે સમય લાગ્યો તેનો હિસાબ બેસાડી દે છે.[6] એક પ્રયોગમાં જોવા મળ્યું કે જ્યારે અનામી રીતે કામ પુરૂં થવાનો અડસટ્ટો લગાવવાનો હોય છે ત્યારે લોકો આશાવાદી અભિગમ નથી વાપરતાં. આનો એક અર્થ એમ પણ કરી શકાય કે બીજાં લોકો પર સારી છાપ પડવા માટે પણ લોકો આશાવાદી અડસટ્ટો બાંધવાનું વલણ ધરાવે છે,[12] જે પ્રભાવ પ્રબંધન સિદ્ધાંત / impression management theoryમાં જણાવાયેલ વિચારો જેમ જ ગણી શકાય.
    • રોય અને તેમના સાથીઓ બીજા એક ખુલાસામાં જણાવે છે કે ભૂતકાળમાં આવાં જ કામો કરવામાં કેટલો સમય લાગ્યો હતો તે બરાબર યાદ ન કરી શકવાને બદલે પધ્ધતિસર રીત એ જ કામો પુરાં થવાના અંદાજ ઓછા બાંધવાનું વલણ રાખે છે. પરિણામે ભવિષ્યનાં કામો માટેના અંદાજ પણ એ ભૂતકાળની યાદોથી પૂર્વગ્રહયુક્ત બની રહે છે. રોય અને તેમના સાથીઓ પણ નોંધ લે છે કે આ પ્રકારના યાદગીરીઓના પૂર્વગ્રહો આયોજન ભ્રામક તર્કની અન્ય પ્રક્રિયાઓ પણ લાગુ થવાની સંભાવનાઓને પણ ન અવગણી શકાય.[13]
    • સન્ના અને સાથીઓ સમયના સંદર્ભનાં ચોકઠાને બંધબેસાડવાને અને સફળતાને આયોજન ભ્રામક તર્કનાં પરિબળ તરીકે પણ તપાસે છે. તેમણે જોયું કે જ્યારે લોકોને બહુ દૂરની સમય મર્યાદા (ઘણો સમય હજુ બાકી છે)ની સરખામણીમાં બહુ જ નજદીક જણાતી સમય મર્યાદા (બહુ ઓછો સમય બાકી છે) માટે વિચાર કરવાનું જણાવાય છે ત્યારે તેમણે બહુ આશાવાદી અંદાજો બાંધ્યા અને સફળતાના જ વિચારો કર્યા હતા. તેમના અંતિમ અભ્યાસમાં તેમણે જોયું કે વિચારો કરી શકવાની સરળતા પણ આશાવાદી અંદાજો માટે કારણભૂત બનતી હોય છે.[10]
    • અમુક બાબત પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના સિધાંત,focalism, મુજબ લોકો આયોજન ભ્રામક તર્કનાં શિકાર એટલે બને છે કે ભૂતકાળમાં ધાર્યા કરતાં લાંબો સમય લાગેલાં કામોને બદલે લોકો ભવિષ્યનાં કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ ધરાવતાં હોય છે.[14]
    • પોતાનાં પુસ્તક The Mythical Man-Monthમાં ફ્રેડ બ્રૂક્સે વર્ણવ્યું છે તેમ જે પ્રકલ્પ મોડો જ પડી ગયો છે તેમાં વધારાની માનવશક્તિ ઉમેરવાથી નવાં જોખમો આવી પડી શકે છે અને વધારાના ખર્ચા ઉમેરે છે, જેને પરિણામે પ્રકલ્પ વધારે મોડો થઈ શકે છે; આ પરિસ્થિતિને બ્રૂકનો નિયમ / Brooks’s law કહે છે.
    • અધિકૃતતાની અનિવાર્યતા /authorization imperative એક બીજો સંભવિત ખુલાસો રજુ કરે છે : મોટા ભાગનાં પ્રકલ્પ આયોજન, પ્રકલ્પની શરૂઆત કરવા માટે જ આવશ્યક એવી નાણાકીય મંજૂરીના સંદર્ભમાં કરાતાં હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આયોજન કરનારને જ પ્રકલ્પ મંજૂર થાય તેમાં રસ હોય છે. આ ગતિશીલ પ્રવાહિતાને કારણે આયોજક જાણી જોઈને જરૂર કરતાં ઓછો સમય અંદાજવાનું વલણ ધરાવે છે. તેમના ભૂતકાળના અનુભવો પરથી તેમને ખબર છે કે વાસ્તવદર્શી અંદાજ સાથે પ્રસ્તાવિત પ્રકલ્પ શરૂ કરવાની મંજૂરી મેળવવા કરતાં મોડા પડવાની મજૂરી મેળવવી સહેલી પડતી હોય છે. જોન્સ અને ઑસ્કે આવાં ધરાર ઓછા અંદાજને ‘વ્યૂહાત્મક ગેરરજૂઆત /strategic misrepresentation કહે છે.[15]
    • માનસિક ખુલાસાઓ ઉપરાંત, નસ્સીમ તાલેબ આયોજન ભ્રામક તર્કને સહજ અસમપ્રમાણતા /natural asymmetry અને અંદાજના પ્રમાણોને નવાં પરિમાણમાં જોઈ શકવાની ક્ષમતાઓ દ્વારા સમજાવે છે. અનિયમિત રીતે થતી ઘટનાઓમાંથી નીપજતાં નકારાત્મક પરિણામો અને ખર્ચના વધારાઓમાંથી પેદા થતાં સકારક અને નકારક પરિણામોનાં અસંતુલનમાંથી અસમપ્રણાતા પેદા થાય છે. સમયના અંદાજને નવાં કામના સંદર્ભમાં સમજવાની મુશ્કેલીઓનો સંબંધ વિક્ષેપોનાં પરિણામો અરેખીય હોવા સાથેનાં તારણ સાથે છે, કેમકે જેમ જેમ પ્રયાસની માત્રા વધતી જાય છે તેમ તેમ એ વધારાના પ્રયાસોની બીનકાર્યક્ષમતાની પ્રતિભાવ કરવાની શક્તિની સ્વાભાવિક અસરની ભુલો વધવા લાગે છે. તેમાં પણ જો ક્રમિક પ્રમાણમાં આ વધારાના પ્રયાસોના ભાગલા ન પડી શકે તો આવી સંભાવના હજુ વધારે થવા લાગે છે. તે ઉપરાંત, સમયસર થયેલાં કામોના પ્રયાસો કરતાં આ અનુભવ વધારે વિરોધાભાસી જ નીવડે છે. આધુનિક આયોજન પધ્ધતિઓ અને પ્રયાસોની સુષુપ્ત નાજુકતાની સહજ ખામીઓ પણ અહીં જોઈ શકાય છે.[16]
    • બેન્ટ ફ્લાય્વીબ્યર્ગ અને ડેન ગાર્ડનર લખે છે કે સરકારી નાણાંની મદદથી થતા પ્રકલ્પોમાં સામન્યપણે શાસકીય ચાપલુસીઓને કારણે સંભવિત અડચણો ન આવી પડે એટલે પ્રકલ્પો બને એટલા વહેલા શરૂ કરી દેવાનું વલણ હોય છે.એમનું કહેવું છે કે આયોજનનો સમય લાંબો હોય તો બાંધકામ ઝડપી થવાની અને ઓછાં ખર્ચે થવાની શક્યતાઓ વધારે હોય છે. [17]

    [1] A quick word about estimating work

    [2] Planning fallacy

  • નવી નવી રીતે સ્વને ઓળખનારાં

    નિત નવા વંટોળ

    પ્રીતિ સેનગુપ્તા

    Navi Navi Reete Svane – November 2022

     


    સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

  • ખજાનો અમૂલ્ય હોવાની નહીં, એ ખજાનો હોવાની જ જાણ ન હોય તો?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    બુઢ્ઢા સાન્‍તિયાગોને વાર્તાનો કયો ચાહક નહીં ઓળખતો હોય? ‘પ્રત્યેક દિવસ એક નવો દિવસ છે’ જેનો જીવનમંત્ર છે એવો આ વૃદ્ધ માછીમાર લાગલગાટ ૮૪ દિવસ સુધી સમુદ્રમાં માછલી પકડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો રહે છે. ‘ઓલ્ડ મેન એન્‍ડ ધ સી’ નામની ખ્યાતનામ કૃતિનો આ નાયક છે, જેના લેખક હતા અર્નેસ્ટ હેમિંગ્વે. સફળતા અને નિષ્ફળતા એકમેક સાથે સંકળાયેલી હોવાનું સૂચવતી નોબેલ પારિતોષિકથી સન્માનિત આ કૃતિના લેખકે પોતે 62 વર્ષની વયે જીવન ટૂંકાવી દીધું હતું.

    તેમના જીવન દરમિયાન તેમની સાત નવલકથા, છ વાર્તાસંગ્રહ અને બે અન્ય પુસ્તક પ્રકાશિત થયાં હતાં. તેમની ત્રણ નવલકથા, ચાર વાર્તાસંગ્રહ તથા ત્રણ અન્ય પુસ્તકોનું પ્રકાશન મરણોત્તર કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે અને યુદ્ધના સંવાદદાતા તરીકે હેમિંગ્વેને જે અનુભવો થયા એમાંના ઘણા તેમનાં લખાણોમાં ઝીલાયા છે. તેમના જીવનમાં અનેક રોમાંચક ઘટનાઓ બનતી રહી. પણ સૌથી આઘાતજનક ઘટના બની ૧૯૨૨માં. સ્વીત્ઝર્લેન્ડના લોઝાનમાં યોજાયેલી શાંતિ પરિષદના અહેવાલ માટે ત્યાં ગયેલા હેમિંગ્વેએ પેરિસ રહેતી પોતાની પત્ની એલિઝાબેથને લોઝાન આવવા જણાવ્યું. એલિઝાબેથ સામાન લઈને ટ્રેનમાં આવવા નીકળી. સામાનમાં એક પેટી હેમિંગ્વેની કેટલીક હસ્તપ્રતો, કેટલાંક અપૂર્ણ લખાણ, લખાણના મુસદ્દા વગેરે અનેક મહત્ત્વની ચીજો હતી. આ લખાણની કાર્બન નકલ પણ તેણે પેટીમાં ભરેલી. આ સમયગાળો હેમિંગ્વેની લેખન કારકિર્દીનો આરંભિક કાળ હતો. કમનસીબે આ પેટી ટ્રેનમાંથી ગુમ થઈ ગઈ. તેમાં મૂળ લખાણોની સાથે તેની કાર્બન નકલો પણ જતી રહી હતી. આ ચીજો કદી હાથમાં આવી નહીં.

    હેમિંગ્વે પોતાના જીવનનો લાંબો સમય ક્યુબામાં રહેલા. તેમના જીવનનો અંત પણ ત્યાં જ આવ્યો. ક્યુબાની બૅન્‍કના વૉલ્ટમાં હેમિંગ્વેએ પોતાની કેટલીક હસ્તપ્રતો મૂકી રાખેલી. એ પછીના અરસામાં અમેરિકા અને ક્યુબાના રાજકીય સંબંધો વણસ્યા. ક્યુબાને ખૂબ ચાહતા હોવા છતાં હેમિંગ્વેની આ ચીજો તેમના હાથમાં આવી નહીં. વરસો પછી અલબત્ત, તે પ્રાપ્ત થઈ ખરી, અને હવે તો બોસ્ટનના જે.એફ.કેનેડી પ્રેસિડેન્‍શિયલ લાયબ્રેરી અને સંગ્રહાલયમાંના અર્નેસ્ટ હેમિંગ્વે સંગ્રહનો હિસ્સો છે.

    હેમિંગ્વેના મૃત્યુના છ દાયકા પછી વધુ એક વાર તેમની ચીજોનો ખજાનો ખુલ્લો મૂકાયો છે. પેન સ્ટેટ યુનિવર્સિટીમાંના હેમિંગ્વેના ટોબી એન્‍ડ બેટ્ટી બ્રુસ કલેક્શન થકી અનેક ચીજો હવે સુલભ બનાવવામાં આવી છે. 1939માં હેમિંગ્વેની દ્વિતીય પત્ની પૉલિન સાથેનું લગ્નજીવન ખરાબે ચડ્યું એ અરસામાં હેમિંગ્વે નિયમીતપણે ફ્લોરિડાના કી વેસ્ટમાં આવેલા ‘સ્લોપી જોઝ’ બારમાં જતા. અહીંના સ્ટોરરૂમમાં તેમણે પોતાની કેટલીક ચીજો મૂકી રાખી હતી. હેમિંગ્વેના અવસાન પછી તેમની ચોથી પત્ની મેરીએ એ ચીજો મેળવી હતી. પોતાની સ્મૃતિ માટે થોડી ચીજો રાખીને બાકીની તેણે બ્રુસ દંપતિને આપી દીધી હતી. બ્રુસ દંપતિના પુત્ર બેન્‍જામીને પોતાનાં માવતર પાસે રહેલી આ ચીજોને હવે પેન યુનિવર્સિટી સુધી પહોંચાડી છે. આમ, હેમિંગ્વેની અનેક મૂલ્યવાન ચીજો હવે જાહેરમાં સુલભ છે, જે અભ્યાસુઓ અને ચાહકો માટે ખજાનાથી કમ નથી. અપ્રકાશિત વાર્તાઓ, હસ્તપ્રત, મુસદ્દા, પત્રો, નોંધપોથી, તસવીરો ઉપરાંત લેખકના અંગત વપરાશની કેટલીક ચીજો આમાં સામેલ છે.

    સ્વાભાવિકપણે જ આ અભિગમની સરખામણી આપણા દેશમાં સાહિત્યકારોની વિવિધ ચીજવસ્તુઓની જાળવણીના અભિગમ સાથે થઈ જાય છે! આપણી ભાષાના મહાન ગણાતા સાહિત્યકારોમાંથી કેટલાની ચીજવસ્તુઓની જાળવણી આપણે કરી શક્યા છીએ? જે કંઈ છૂટાછવાયા અને એકલદોકલ પ્રયત્નો થયેલા છે એ વ્યક્તિગત ધોરણે છે. સાહિત્યકારોની આખેઆખી પેઢી વિલય થઈ અને તેમના મોટા ભાગના વારસોને સાહિત્ય સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોવાથી દિવંગત મહાન સાહિત્યકારોના આખેઆખા સંગ્રહ પસ્તીમાં અપાઈ જાય છે. આમ થાય એમાં લેખકનાં પરિવારજનોનો વાંક નથી. તેઓ આને શું કરે? આની જાળવણી કરવાનું કામ સમાજનું, સરકારનું છે.

    આપણા રાજ્યની જ વાત કરીએ તો આપણે ત્યાંની સાહિત્ય સંસ્થાઓમાં જેટલું રાજકારણ ચાલે છે એટલું કદાચ કોઈ રાજકીય પક્ષમાં પણ નહીં ચાલતું હોય. હવે સાહિત્યકારોને સમાજ કે વાચક નહીં, પણ સરકાર અને કથાકારો-સંતો માન્ય કરે છે એ સાહિત્યકારોની નહીં, સમાજની કમનસીબી છે. આને કારણે સત્ત્વશીલ સાહિત્ય સર્જાવાને બદલે વ્યક્તિકેન્‍દ્રી સાહિત્યનું પ્રમાણ વધુ રહે છે. પણ આ વાત અલગ થઈ. મૂળ વાત આપણા સાહિત્યિક વારસાની જાળવણીની છે. એક તો આ કામ ગણીગાંઠી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે કરે છે. આવી સંસ્થાઓ પણ કોઈ એકાદ વ્યક્તિની દૃષ્ટિ અને ખંતને લઈને કામ કરે છે. સારું કામ કરનારાની દ્વિતીય હરોળ ઊભી થઈ શકતી નથી કે નથી એ માટેનો પ્રયાસ કરવામાં આવતો. નાણાંકીય ભંડોળ કદાચ તેમને મળી રહે તો પણ ખરી સમસ્યા જગ્યાની છે. સંસ્થાઓની જગ્યાની પ્રતિ ચોરસ ફીટ કિંમત તેની અંદર રહેલી ચીજોના મૂલ્યને હરાવી દે છે.

    એવું નથી કે માત્ર સાહિત્ય કે સાહિત્યકારો બાબતે આવી સ્થિતિ છે. સાંસ્કૃતિક ઉદાસીનતા અને ઠાલા સાંસ્કૃતિક ગૌરવની બોલબાલા છે. સર્જનને બદલે હવે સર્જકો મેદાનમાં ઊતરેલા જોવા મળે છે. રાજકીય કે અન્ય વગદારોની કૃપાદૃષ્ટિ પામવા માટેના તેમના હાસ્યાસ્પદ પ્રયત્નો કરતાં વધુ વક્રતા આવા લોકોને મળતી જનસ્વિકૃતિ છે.

    ઘણા બધા વિત્તવાન અને ખ્યાતનામ લેખકોની નોંધ, મુસદ્દા, નોંધપોથી, હસ્તપ્રત જેવી અનેક ચીજો કાં પસ્તીવાળાને હવાલે થઈ ગઈ હશે કાં ઉધઈનો પરિવાર તેનાથી પોષાયો હશે. આવા સંજોગોમાં ભલે અમેરિકા જેવા દૂરના દેશમાં, પણ હેમિંગ્વેની અંગત ચીજો જનસુલભ બનાવવામાં આવી એનો આનંદ ઓછો ન કહેવાય!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


    નોંધ: સાંદર્ભિક તસવીરો નેટ પરથી સાભાર

  • મારા પછી – ૩

    પારુલ ખખ્ખર

              કોઈ અવાવરૂ તટ પર મૃતઃપાય પડેલી એક સ્ત્રી. ક્યારેક શાંત સરોવર સમજીને ભુસકો મારી બેઠેલી તે છેક દરિયાના મધ્યભાગે પહોંચી ગયેલી. એ ઊંડો અગાધ દરિયો તરવાની કંઈ એની ત્રેવડ હતી! એ તો તરતાં ય નહોતી શીખી બસ…ઝંપલાવી દીધું હતું. અંતે ન તરી શકી કે ન ડૂબી શકી, ફંગોળાતી ફંગોળાતી માંડમાંડ આ અવાવરૂ તટ સુધી ઘસડાઈ આવી હતી. થાકીને એવી તો લોથ થઈ હતી કે કિનારા પર જ પથરાઈ પડી. તું કિનારા પર જ હતો. એ નિર્જન કિનારા પર શું કરતો હતો એ હજુયે પ્રશ્ન છે પણ ખૈર…તે એને જોઈ અને દોડી આવ્યો. હાથ ઝાલીને ખેંચી લીધી. ઊંધા મોંએ પથરાયેલી એ કોઈ મરેલા ઢોરની જેમ ખેંચાઈ આવી. તેં હળવેકથી ચહેરો ઊંચો કર્યો અને નાક પાસે આંગળી મૂકી. ‘હાશ…શ્વાસ તો ચાલે છે’ એમ મનોમન બોલ્યો પણ માત્ર શ્વાસ ચાલતા હોય એને જીવતું ન ગણી શકાય એ તું જાણતો હતો. એ આખીયે પાણીપાણી હતી. આંખ,કાન,મોં,છાતી,ફેફસા અને હૃદય બધે જ ખારાંઊસ જળ ફરી વળ્યા હતા. તે ધીરજપૂર્વક ભીના વસ્ત્રોની જેમ એને સૂકાવા દીધી. હળવે હળવે એ જીવંત થઈ. તે ટેકો આપી એને બેઠી કરી,ઊભી કરી અને ચાલતી કરી. તું એને લઈ ગયો તારા નાનકડાં રજવાડામાં જ્યાં અનેક ઓરડાઓ હતા. દરેકનાં અંગત અને પોતીકા. પણ તે તો એને પૂજાઘરમાં બેસાડી, ઈશ્વરની લગોલગ. તું બેસી ગયો એનાં પગ પાસે. તારી શ્રદ્ધા,તારી આસ્થા,તારી ભક્તિ એને નવું જીવન આપતી રહી. તું જાણ્યે અજાણ્યે એને જીવવાનું, ચાલવાનું અને દોડવાનું બળ આપી રહ્યો હતો.

    અચાનક  કોઈ એક મધરાતે એ ચાલી ગઈ. કદાચ એ જ્યાં હતી તે જગ્યા એનું ગંતવ્યસ્થાન ન હોય.કે પછી તારી પૂજા પ્રેમમાં પલટાઈ જાય એ પહેલા એને નીકળી જવું હોય. કારણ જે હોય તે પણ એ કારણ આપ્યા વગર જ ચાલી ગઈ એ હકીકત છે. તું એને લાવ્યો ત્યારે તો તારા માટે એ બીજા સ્ત્રી પાત્રો જેવી જ હતી. તારા રજવાડાંના અલાયદા ઓરડાઓમાં રહેતી સ્ત્રીઓ જેવી જ! પણ તે એને પૂજાઘરમાં બેસાડીને ભૂલ કરી નાંખી. તને કદાચ એમ હતું કે હમણાં ભલે અહિંયા રહેતી આગળ જતાં એક અલાયદો ઓરડો કાઢી આપશું. પણ આ નોખી માટીની બાઈ…તને સમજવાનો કે સમજાવવાનો મોકો આપ્યા વગર જ ચાલી ગઈ.એનું મડદાંની જેમ કિનારા પર ઘસડાઈ આવવું,એનું જીવી જવું,એનું બેઠાં થવું અને ચાલતાં થવું બધુ જ જાણે હમણાં જ તારી આંખ સામેથી પસાર થયેલી બાઈક જેટલું ઝડપી હતું. આ આખી ઘટના જ એક સ્વપ્ન જેવી હતી,આંખનો પલકારો યે માર્યા વગર તે એને એકધારી જોઈ હતી. એ સડસડાટ પસાર થઈ ગઈ હતી તારા મનોજગતમાંથી. તે હજું તો સપના જોવાનું શરુ કર્યું ત્યાં જ સવાર પડી ગઈ હતી. તારે પડ્યા રહેવુ હતુ આ ઘેનભરી મદહોશ દશામાં પણ એ ઝળહળાટ વાસ્તવિકતાનો શેરડો પાડતી’ક ચાલી ગઈ! તને સમજાયું જ નહી કે શું કરવું જોઈએ! શું કહીને રોકી લેવી જોઈએ આ સોનપરીને? કોઈ સમજાવટ, કોઈ કાલાંવાલાં કરી શકાય કે આગ્રહ કરીને રોકી લેવાય એવી નક્કર જમીન જ ક્યાં હતી આ સંબંધની!

    અને પછી તે ઊભી કરી એક ભ્રમણાની દુનિયા,સાવ અવાસ્તવિક અને કાલ્પનિક! તું જાણતો હતો કે આ સત્ય નથી છતાં તને એમાં રમમાણ રહેવું ગમવા લાગ્યું હતું. એ દુનિયાનો તું રાજકુમાર અને એ સોનપરી. તું તારો ઘોડો લઈને નીકળી પડે એનાં મહેલે જવા. એ કોઈ સૂના ઝરુખે તારી રાહ જોતી બેઠી હોય. એ પોતાની સાડીનું દોરડું બનાવીને ફેંકે અને તું સડસડાટ એના એકદંડિયા મહેલના ઝરુખે પહોંચી જાય. કલાકો સુધી તમારી ગોઠડી ચાલે. સમય તો પોચા પોચા રૂ જેવા વાદળાની જેમ તમારી વચ્ચેથી ક્યારે પસાર થઈ જાય એની ખબર પણ ન પડે. ઘડિયાળમાં ટકોરા પડે અને એ સફાળી ચોંકી જાય. છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, પતિનું ટિફીન તૈયાર કરવાનું હોય,સાસુ માટે સૂંઠવાળી રાબ બનાવવાની હોય-આવા અંતહિન કામોનું લિસ્ટ એને પોકાર પાડે અને એ ભાગી જાય. તું ઉદાસ થઈ ઝરુખેથી નીચે ઉતરી જાય. ઘોડા પર સવાર થઈ આગળ વધવા જાય પરંતુ ક્યાંય ન જઈ શકે. મહેલની સામે અડીખમ ઊભેલા વડલાની નીચે જઈ ઊભો રહે. સોનપરી જતાંજતાં એકવાર પાછું વળી જોઈ લે. એ ઘેઘૂર વડલો, એ ઘોડો અને એ મૂછોને વળ દેતો તું જાણે કહી રહ્યાં હોય કે ‘અહિંયા જ ઊભો છું હો…ક્યાંય નહીં જાઉં. તારી ચિરઃકાળ સુધી પ્રતિક્ષા કરીશ’ સોનપરી હસીને સાડીનો છેડો કમર પર ખોંસતી’ક કામે વળગી જાય. વચ્ચે વચ્ચે ડોકિયું કરે ત્યારે તું કોઈ મૂર્તિની જેમ ઊભો હોય એ વડલાની નીચે.અવિરત પ્રતિક્ષાના પ્રતિક જેવો!

    તારી આ કલ્પનાસૃષ્ટિ તારી વાસ્તવિકતા પર હાવી થઈ જાય. તારા વિચારોના પ્લેન તારા મનના આકાશમાં સતત ચકરાવા લેવા લાગે અને તું ઘેનની દવા લઈને સૂઈ જાય. તને ખબર છે આ બધા માત્ર મનને બહેલાવવાના હવાતિયાં છે. આમાંનું કશું જ સાચું નથી કે સાચું થઈ શકે તેમ નથી છતાં તારું મન તને ફરીફરીને એ વડલાની છાંયે ઘોડો બાંધીને ઊભો રહેવા મજબૂર કરી મૂકે. આંખો મીંચીને ખોલીએ એટલી જ ક્ષણોનો સહવાસ હોવા છતાં એ સોનપરી તારા ચિત્તમાંથી પળવાર અળગી થતી નથી. તું ક્યારેક થાકીને માથું ધુણાવી દે છે.અને એ ઘોડો,એ ઝરુખો,એ વડલો બધુ એકસાથે ખંખેરી નાંખે છે તો એ જાદૂગરણી કોઈ બીજા જ સ્વરુપે તારી આંખો સામે હાજર થઈ જાય છે અને તું ચાલી નીકળે છે એ મોહમયી સ્ત્રીની પાછળ પાછળ…

    તારી આંગળી ઝાલીને ટહેલતી રહે એ સોનપરી લીલીછમ્મ ખેતરોમાં. તું બેહોશીની અવસ્થામાં દોરવાતો રહે એની સાથેસાથે. તને બતાવે એ ભાતભાતનાં પક્ષીઓ, ભાતભાતના વૃક્ષો,આકાશની રંગછટાઓ અને તું નાના બાળકની જેમ મુગ્ધ થઈ જોતો રહે એની પાણીદાર આંખોમાં! ચાલી ચાલીને થાકે ત્યારે એની ઓઢણી માથા પર ઓઢીને કોઈ વૃક્ષની નીચે લાંબો થઈ સૂઇ જાય તું એના ખોળામાં.તું ખોળામાં સૂતાં સૂતાં તારી ઇચ્છાઓનું પોટલું ખોલી બેસે એની પાસે.

    ‘સાંભળ, મારે તારો થોડોક સામાન જોઈએ છે, આપીશ?

    ‘શું જોઈએ છે બોલ…’ સોનપરી કુબેરનો ભંડાર લઈને બેઠી હોય એ અદાથી બોલે.

    ‘ખાસ કશું નહીં એક તારી મનગમતી પેન, એક ડાયરી જેમાં તારા વાંકાચૂંકા અક્ષરો હોય, તારા તૂટી ગયેલા ચશ્મા, તારા જૂના હેન્ડ્સફ્રી, માથાની એકાદી પીન, કોઈ પેચ વગરની બુટ્ટી, ઘુઘરી વાળી એકાદી ઝાંઝરી,બાંધણી પ્રિન્ટનો દુપટ્ટો,તારું ગમતું પુસ્તક અને એક એવી જણસ જેની માત્ર તને જ ખબર હોય.બોલ…આપીશ?’

    ‘બસ..આટલું જ!’ એ ઘુઘરીયાળું હસી પડે.

    ‘ના…તું ઘરડી થાય પછી એક પડી ગયેલો દાંત, એક ચમકતો રૂપેરી વાળ, ઢીલું પડી ગયેલું ડેન્ચર અને એવું બધું.’તું ભાવુક થઈ બોલે અને એ ખડખડાટ હસવા લાગે.

    ‘હજુ કંઈ બાકી હોય તો બોલી જા…’

    ‘બસ… એકાદ મારું સ્મરણ, એકાદ મારી સાથેની ઘટના, એકાદ મારા નામનો ઉજાગરો, એકાદ મારા વગરનો ખાલીપો અને તારી અંદરની તું મારે જોઈએ છે. બોલ આપીશ ને? અને જો નહીં આપે તો હું ચોરી લઈશ એ નક્કી!

    અને બન્ને મીઠું મીઠું હસતા રહે.

    તું એને ન ભાવતું શાક હોંશેહોંશે ખાય અને પછી મનોમન કચવાયા કરે, તું એના પત્રોની પ્રતિક્ષામાં ઉંબરે બેસી રહે, તું જ્યાં જાય ત્યાં એ તારી સાથે જ હોય એવું અનુભવતો રહે. નદીની ભેખડમાં,સ્મશાનને ઓટલે, અવાવરૂ મંદિરમાં તને એની હાજરી વર્તાયા કરે. તું પહાડની ટોચે જઈને એનાં નામની બૂમ પાડે અને સમગ્ર વાતાવરણમાં એનું નામ પડઘાયા કરે. તું એને ઝંખ્યા કરે અને તો પણ ક્યારેય સાદ ન પાડી શકે. તારી કલ્પનાઓમાં એને મળતો રહે પણ એના ગયા પછી એકપણ વખત એને મળવાની કોશીશ નથી કરી. તે હજારો વાર વિચાર્યું છે પરંતુ આજ સુધી એના ચાલ્યા જવાનું કારણ પૂછી શક્યો નથી. આખા ગામને જડબાંતોડ જવાબો આપનારો તું એક સ્ત્રી પાસેથી જવાબ માંગતા ધ્રુજી જાય છે. કદાચ તને કારણ ખબર છે પરંતુ એના મોંએ સાંભળવાની તારી હિંમત જ નથી ચાલતી.

    તું પોતે પણ જે સંબંધને નામ નથી આપી શક્યો એ સંબંધને કાંચળીની જેમ ત્યજી જનાર સોનપરીથી ક્યારેક તું મનોમન રિસાઈ પણ જાય છે. મનોમન જ ઝગડે છે એની સાથે અને પછી મનોમન જ એને સજા આપી બેસે છે. તું મનોમન વલોવાયા કરે છે ‘જા…તને મારા જેવો કોઈ નહીં મળે. મારા જેવો એટલે કોઈના જેવો નહીં સમજી? હું એટલે માત્ર ને માત્ર હું મારા જેવું કોઈ હોઈ જ ન શકે. નહીં મળે જા લખી રાખ…સોનાના પતરે. હું તને ભગવાન માનું છું…હું તને મારો આરાધ્ય દેવ ગણું છું…તું જ મારો રામ અને તું જ મારો શામળો. તારી જ પૂજા કરી છે મેં. તને જ સર્વસ્વ માની છે મેં. તને જે જગ્યાએ સ્થાપી છે ત્યાં બીજું કોઈ ન હોઈ શકે.મેં તને પૂજાઘરમાં બેસાડી હતી. પૂજાઘરમાં કોને બેસાડાય ભાન છે તને! એક વાત સમજી લેજે…શરીરના પૂજારી અનેક મળશે આત્માના પૂજારી નહીં મળે.’ તું માથું ધુણાવી બધુ ભૂલવાનો પ્રયત્ન કરતો રહે. ક્યારેક એ અવાવરૂ તટ પર ચાલ્યો જાય અને કલાકો સુધી એ ક્ષણોને વાગોળ્યા કરે જ્યારે એ તને મરણતોલ  હાલતમાં મળી આવેલ.

    એ નિર્જીવ પૂતળીને તે સજીવન કરી. એ શ્વાસ લેતાં ખોખાંને તે જીવતું કર્યું. એક કુંભાર જે રીતે માટીને ઘાટ આપીઆપીને મનોહર પાત્રમાં ઢાળે છે એમ જ તે ઘાટ આપ્યો એનાં ખાલિપાને. એની નિતાંત એકલતાને તે શણગારી. એનાં અંધારભર્યા ઓરડાને તે અજવાળ્યા. એની ઠીંગરાઈ ગયેલી ચેતનામાં પ્રાણ પૂર્યા. એની બુઝાવા આવેલી વાટમાં તે તેલ પૂરી આપ્યું અને એ ઝળહળતી થઈ. સુવર્ણ અક્ષરે લખાયેલી એની આજની સફળતામાં એક નાનકડો  હિસ્સો તારો પણ છે. એની યશગાથામાં એક નાનકડો ફકરો તારો પણ છે. એની આજ સુધીની સફરમાં એક નાનકડો વળાંક બનીને તું આવ્યો હતો. પરંતુ એ તો સોનપરી…આકાશની ટોચે પહોંચવા સર્જાયેલી…એ તારી સાથે કેમ રહી શકે? કદાચ આ જ નિયતિ છે અને એનો સ્વીકાર કર્યે જ છુટકો!

    ***

           સાંભળ રાજકુમાર,તારા જીવનમાં આવેલું એક એવું પાત્ર કે જે સાવ નાનકડો રોલ ભજવીને ચાલ્યું ગયું છે એ સોનપરી એટલે કે હું. હા, હું જ જેને તે મડદાંમાંથી સ્ત્રી બનાવી છે તે જ હું. હું જાણું છું કે મારા ગયા પછી તું મને યાદ કરતો જ હોઈશ. વિચારોના પ્લેન ઉડાડતો હોઈશ. ઉપર જણાવેલા દૃશ્યો, સંવાદો, બનાવો બધું જ મારા મનની ઉપજ છે. આ મારી અંગત દુનિયા છે જ્યાં હું જે ઈચ્છું એ જોઈ શકું. તને મારા વિચારોમાં ખોવાયેલો બતાવી શકું, મારા વિરહમાં તડપાવી શકું, મારા પછી પાગલ થઈ જતો દર્શાવી શકું, મારા પછી આત્મહત્યાના પ્રયત્નો કરાવી શકું. હું આ બધુ જ કરી શકું છું. કારણકે આ એક ભ્રમણાની દુનિયા છે.મને આનંદ છે કે હું આ રીતે મારી જાતને સાંત્વના આપી શકું છું કે ‘હા…મારા ગયા પછી કોઈને ફરક પડી શકે છે, ફરક પડતો હોય છે.’

    મારા પછીની તારી અવસ્થાને શબ્દદેહ આપવો એ મારી જરુરિયાત હતી, કદાચ ફરજ પણ હતી. હું તો રસ્તા પર થાક ખાવા માટે જેના પર પગ ટેકવું છું એ માઈલસ્ટોનને પણ ભૂલતી નથી તો તને કેમ ભૂલી શકુ? ભલે ને આને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ન હોય, ભલે ને આ કાલ્પનિક જગત હોય મને એનાથી શું? હું તો આ લખીને તર્પણ કરું છું, આ લખીને તને જ અર્પણ કરું છું. તારા પ્રત્યેની કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટેનો આ એક નાનકડો પ્રયાસ. એક અલ્પજીવી સંબંધને મારી નાનકડી શબ્દ-સલામ.


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૧ – (૨૦) દવાની આડઅસર

    એક અજાણ્યા સર્જનની જિંદગીની વાતો

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    હા, દવાઓ બે ધારી તલવાર જેવી હોય છે. એને વાપરતા ડૉક્ટરને ખૂબ જ ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. જો સહેજ ગફલત થાય તો દર્દીનો જાન પણ જોખમમાં મુકાઈ જાય છે. પેનીસિલિનનું ઇન્જેક્શન નવું-નવું આવ્યું, ત્યારે Anaphylaxis નામે આડઅસરને લીધે દર્દીનું મોત પણ થતું હતું. પછી Allergic Test કર્યા વગર આ દવા ન વાપરવાની સલાહ આપવામાં આવી. આવું ઘણી દવાઓમાં બને, અને એથી જ દરેક દવા આપતાં પહેલાં ટેસ્ટ કરવો જરૂરી હોય, તો કરવો જ પડે. છતાં જે દવાથી Allergic Reactions કે Anaphylaxis મોટેભાગે ના થતું હોય, તેવી દવાઓ પણ કોઈ માણસને અચાનક આવા રિઍક્શન લાવી શકે.

    પોતાના પ્રાઇવેટ નર્સિંગહોમમાં નવો-નવો સેટ થવા માંડ્યો હતો, ત્યારે ડૉ. પરેશ પણ એક સામાન્ય ગૂમડાને ચીરો મૂક્યા પછી (Incision & Drainage of Abcess) લોહી નીકળતું બંધ કરવામાં થાપ ખાઈ ગયો.

    બન્યું એવું કે નસમાં આપવાનું ઇન્જેક્શન (Aspirin) નામે આવેલું, જેનાથી દુખાવો ન થાય. પણ લોહીના ગંઠાવાની અને બંધ કરવાની પ્રક્રિયા પર તેની અસર થતી હતી, અને લોહી ગંઠાતું ન હતું. તેથી દર્દીને ચાર બોટલ લોહી ચડાવવું પડેલું, અને બીજાં ઘણાં ઇન્જેક્શનો અને બાટલા ચડાવવા પડેલા.

    એટલે જ ઘણા જૂના અનુભવી ડૉક્ટરોએ કહેલું છે કે,

    “Wait before using new drugs.”

    ઇતિહાસમાં એવા ઘણા કેસ નોંધાયા છે, જેમાં માનસિક અને અન્ય રોગોના દર્દીઓને અપાતી Thalidomide નામની દવાથી, સ્ત્રીઓને જે બાળકો જન્મે તેમને હાથ-પગ નહોતા, જેને Phacomelia કહેવાય, એવી ખોડ થતી હતી.

    પાછળથી આ દવાને બંધ કરી દેવાઈ હતી.

    ♦            ◊            ♦            ◊

    જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો,
    તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.

    – જલન માતરી


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાવ્યાનુવાદ : Waiting For Rain/ વરસાદની પ્રતીક્ષામાં

    Waiting for Rain

    Kalikrishna Guha

    The days we spent waiting for the rains have stayed within us,
    Those days, mixed in our memory, stay on like dead children.
    The tales our storytellers told, in the days the mangoes were young, all live on somewhere.
    They spoke to families, households at the beginning of the New Year.
    They spoke of thunderstorms, of crops, of famines, of goddesses.

    અનુવાદ : રક્ષા શુક્લ

    વરસાદની પ્રતીક્ષામાં

    અબુધ બાળકો રમતા રમતા વિચારતા રહ્યા – ‘કોણ છે આ દેવી ?’
    વડીલ વૃદ્ધો પણ પડ્યા પડ્યા
    ક્યાંય સુધી વિચારતા રહ્યા – ‘કોણ છે આ દેવી ?’
    કારણ કે એમની સમજમાં પણ કંઈ નહોતું આવ્યું.

    ક્યાં સુધી વિસ્તારવી સમજણની સીમા ?
    ક્યાં સુધી જીવનમાં વરસાદ થાય ?

    માત્ર ધૂંધળો દેખાતો એક અશ્વમેઘનો ઘોડો
    સમગ્ર પુરાણ અને તૃષાર્તના ધર્મજ્ઞાન પર પુરપાટ દોડતો રહે છે.
    એને રોકવાવાળું કોઈ નથી.

    વળી એક બીજો દિવસ આવો જ વીત્યો
    વરસાદની પ્રતિક્ષામાં


    સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

  • પંચાયતીરાજ, સત્તાનું વિકેન્દ્રીકરણ અને વાસ્તવ.

    નિસબત

    ચંદુ મહેરિયા

    પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે.

    જો કે ભારતીય બંધારણના મુસદ્દાના પ્રથમ વાચન સુધી બંધારણમાં પંચાયતીરાજનો કોઈ જ ઉલ્લેખ નહોતો. ગાંધીજીનું તે તરફ ધ્યાન દોરવામાં આવતાં ૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના ‘હરિજન બંધુ’માં એમણે લખ્યુ: ‘પંચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માંગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે. હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગુ છું.’ ગાંધીજીના આ અભિપ્રાય પછી બંધારણના બીજા વાચન વખતે પંચાયતીરાજને બંધારણમાં સામેલ કરવાની માંગ ઉઠી.પરંતુ તેમ કરતાં બંધારણના ઘડતરનું કામ વિલંબમાં મુકાવાની શક્યતા હોઈ બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં પંચાયતને સામેલ કરતી કલમ ઘડીને સંતોષ મનાયો હતો.

    બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો.આંબેડકર ગાંધીજીના ગ્રામસ્વરાજ અને પંચાયત અંગેના વિચારોના વિરોધી હતા. તેઓ ભારતના ગામડાંઓને સંકુચિતતા,અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર માનતા હતા. એટલે આપણા શાસનવિધાને ગામડાને એકમ બનાવવાને બદલે વ્યક્તિને એકમ બનાવી યોગ્ય જ કર્યું હોવાનો તેમનો મત હતો.‘

    બંધારણના અનુચ્છેદ ૪૦ મુજબ પંચાયતોની રચના કરવાની સત્તા રાજ્યોને હતી અને રાજ્યો તે બાબતમાં ઉદાસીન હતા. પંચાયતી રાજ રચના અંગેની બળવંત રાય મહેતા સમિતિએ તેના ૧૯૫૭ના અહેવાલમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી. તેને અનુસરીને  બીજી ઓકટોબર ૧૯૫૯ના રોજ રાજસ્થાનના નાગૌર જિલાના બગધરી ગામેથી પંચાયતીરાજનો આરંભ થયો. પરંતુ વરસો સુધી તમામ રાજ્યોએ ત્રિસ્તરીય પંચાયતોની રચના કરી નહોતી. રાજીવ ગાંધીના રાજકીય સલાહકારોએ એમને પંચાયતીરાજ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પછી તો એ તેમના માટે વળગણ બની ગયું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં સત્તાનશીન થયેલી કોંગ્રેસની પી.વી.નરસિંહરાવ સરકારે ૧૯૯૩માં ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો પસાર કર્યો હતો. તેને લીધે દેશમાં એકસરખું ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલી બન્યું હતું.

    ગ્રામ પંચાયત અને નગરપાલિકા ગ્રામીણ અને શહેરી ભારતની સ્થાનિક સ્વશાસન પ્રણાલી છે. પંચાયતોની દર પાંચ વરસે નિયમિત ચૂંટણી, ગ્રામસભા  અને અનુસૂચિતજાતિ-જનજાતિ માટે અનામત બેઠકો બંધારણ સુધારા પછી શક્ય બની.છે. તેમાં મહિલા અનામત અને અન્ય પછાત વર્ગો માટેની અનામત પાછળથી ઉમેરાઈ છે. સામાન્ય રીતે સત્તાથી વંચિત રહેતા આ વર્ગોને ન માત્ર સભ્યપદમાં હોદ્દાઓમાં પણ અનામત આપવામાં આવી છે.  સંવિધાનની ૧૧મી અને ૧૨મી અનુસૂચિ પ્રમાણેના કાર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાના હોય છે. પરંતુ આર્થિક વિકાસ, સામાજિક ન્યાય અને કેન્દ્ર તથા રાજ્યોની યોજનાઓનું અમલીકરણ તેનું મુખ્ય કામ છે. લોકતંત્ર મૂળભૂત રીતે તો વિકેન્દ્રિકરણ આધારિત શાસન વ્યવસ્થા હોવી જોઈએ એ અર્થમાં ગ્રામપંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા તેના કાર્યોને જોતાં લોકતંત્રનો પાયો અને મજબૂત આધાર છે

    સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. પરંતુ રીઢા રાજકારણીઓએ લોકતંત્રના આ પાયાને નબળો પાડ્યો છે.કોઈ સરકાર સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છતી નથી. તેના માટે વિકેન્દ્રીકરણ એટલે પોતાની સત્તામાં કાપ કે ભાગ.છે. ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા તેમની જરૂરિયાતો અને વિકાસ કામો માટે રાજ્ય સરકારો પર આધારિત રહે તેવું માળખું ઘડાયું છે. સ્થાનિક સ્વરાજ નામ માત્રનું છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા ત્યારે જ  ખપની જ્યારે તે આર્થિક રીતે પગભર હોય પંચાયતો હોય કે નગરપાલિકા તે નાણાંની બાબતમાં  રાજ્યોની દયા પર જીવે છે. તે આર્થિક રીતે તો જરાય આત્મનિર્ભર નથી જ નિયમોની જટાજૂટ અને અમલદારશાહી પણ તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી.

    સમાજના જે વર્ગોનું સત્તામાં પ્રતિનિધિત્વ નથી તેને પ્રતિનિધિત્વ મળી રહે અને લોકશાહી સમાવેશી તથા સાર્થક થાય એટલા માટે મહિલાઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને દલિતોને અનામત આપવામાં આવી છે. મહિલાઓ માટેની પચાસ ટકા અનામતનો અમલ તો થાય છે પરંતુ ખરી સત્તા તો મહિલાને બદલે ઘરનો પુરુષ જ ભોગવે છે. ખુદ વડાપ્રધાને તેમની થોડા મહિના પહેલાંની ગુજરાત મુલાકાત વખતે જાહેરમાં સરપંચ પતિ અંગે ટકોર કરી હતી. એટલે આ દૂષણ કેટલું જ્ઞાત અને વ્યાપક છે તેનો ખ્યાલ આવે છે. તો વળી અનુસૂચિત જાતિના સરપંચના માથે અવિશ્વાસની દરખાસ્તનું સંકટ સદાય લટકતું રહે છે.

    પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને લડાય છે તેવું કહેવાય છે પરંતુ ખરેખર તેવું છે ખરું? જો રાજકીય પક્ષોની સામેલગીરી અને દખલ મોટા પ્રમાણમાં હોય તો આ ચૂંટણીઓ રાજકીય પક્ષોએ તેના ચૂંટણી ચિહ્ન પર જ લડવી જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ચૂંટાયેલા પંચાયંતના સભ્યોને બદલે આખા ગામના મતદારો કરે છે. જો ગામના નાના એકમ માટે પ્રત્યક્ષ ચૂંટણી થઈ શકતી હોય તો તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયરની સીધી ચૂંટણી શા માટે નહીં ?

    આઝાદીના અમૃત પર્વે લોકતંત્રના મજબૂત પાયાને લાગેલો કે લગાડાયેલો આ લૂણો ઘનબળ અને બાહુબળને કારણે છે. લોકશાહીના પ્રાથમિક પાઠ શીખવા માટે ગ્રામપંચાયત સ્તરથી ચૂંટણી ,મતદાન અને ગામનો વહીવટ શીખવો જરૂરી હતો. સરપંચની પ્રત્યક્ષ ચૂંટણી અને વરસમાં ચાર વાર ગ્રામસભાની બેઠકોની જોગવાઈથી લોકશાહી પ્રક્રિયાને અનુસરી ગામના વિકાસ કામોના નિર્ણયો સમગ્ર ગામ મળી લે તેવો ઉદ્દેશ છે. પરંતુ જેમ સત્તાના વિકેન્દ્રીકરણનો આશય બર આવ્યો નથી તેમ ગ્રામસભાઓ પણ માત્ર ઔપચારિકતા બની ગઈ છે.

    મહાત્મા ગાંધીનું પંચાયતો દ્વારા સત્તાના વિકેન્દ્રીકરણનું અને અંતે ગ્રામ સ્વરાજનું સ્વપ્ન એક સપનું જ બની રહ્યું છે. જે પંચાયતી રાજને લોકતંત્રનો પાયો, આધાર અને સત્તાની મહારાણી બનવાનો ઉદ્દેશ છે તેને રાજકારણે દાસી કે પટરાણી બનાવી દીધી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભાગ્ય વિધાતા

    વાર્તા મેળો ૪ – વાર્તા પંદરમી

    ખેર સુમિત્રા નિલેશ

    આર્યમ એજ્યુ, ઍકેડમી, સુરત

    વાર્તા મેળો ૪ – વાર્તા પંદરમી – ભાગ્ય વિધાતા – ખેર સુમિત્રા નિલેશ


    સંપર્ક :  દર્શા કિકાણી –  darsha.rajesh@gmail.com

  • ઈમોશનલ એબ્યુઝ સંબંધોમાં ઉધઈનું કામ કરે છે

    વાત મારી, તમારી અને આપણી

    ડૉ. મૃગેશ વૈષ્ણવ

    એમ.ડી.(મનોચિકિત્સક)

     

    યુ સિલી વુમન… ડબ ડબ બંધ કર. લોકો કહે છે કે સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ હોય છે પણ… તારી તો પાનીમાંયે બુધ્ધિની ફૂટી કોડીએ નથી.

    સંબંધોમાં દિન-પ્રતિદિન દેખા દેતા વર્બલ અને ઈમોશનલ એબ્યુઝના સ્વરૃપો અને સંદર્ભો

    લીના સાધનસંપન્ન ઘરની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી છે. શ્રીમંત માતાપિતાની વ્હાલસોઈ દીકરી હોવાના કારણે તેનું બાળપણ જાહોજલાલીમાં વીત્યું છે. બાળકના માનસિક વિકાસ કે આનંદ માટે કોઈપણ એવા દેશી-વિદેશી રમકડાં નહિ હોય કે જેનાથી લીના રમી ન હોય. ભૌતિક યુગની તમામ સવલતો માતાપિતાએ પુત્રીને તે ઈચ્છે તે પહેલાં પૂરી પાડી છે. કુટુંબ વત્સલ પિતાએ પુત્રીને સિંગાપુર બેંગકોકથી માંડીને હોલિવુડના ઓસ્કાર ફેઈમ કોડાક થિયેટર સુધીની સફર કરાવી છે. આમ, લીનાનું બાળપણ અને તરૃણાવસ્થા ”ઈચ્છ્યું તે મેળવ્યું, ને ફાવ્યું તે કર્યું” એ સિધ્ધાંતોમાં પસાર થયું છે.

    મનોચિકિત્સા વિજ્ઞાાનના સિધ્ધાંત પ્રમાણે જે બાળકનું બાળપણ લાડકોડ, વધુ પડતું આળપંપાળ અને પ્લેઝર પ્રિન્સીપાલમાં વિત્યું હોય તે બાળક મોટું થઈને સમસ્યારૃપ બની જતું હોય છે. પરંતુ લીલાનો કિસ્સો તદ્દન જુદો હતો. ”ઓવર પેમ્પર્ડ ચાઈલ્ડ” હોવા છતાં લીના ભણવામાં પૂરતું ધ્યાન આપતી. માતાપિતાની અપેક્ષાઓ અને લાગણીઓનો પૂરતો ખ્યાલ રાખતી અને પોતાની જવાબદારીઓ તથા ફરજોથી તે પૂર્ણપણે સભાન હતી. એટલે જ તેની શૈક્ષણિક કારકિર્દી ઉજ્વળ રહી. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું તે તેની આદત રહી. માત્ર ભણવામાં નહિ પણ અભ્યાસેત્તર ક્ષેત્રોમાં પણ ‘વિનીંગ ઈઝ લીઝાઝ હેબીટ’ એ વિધાનને તે વારંવાર સાચું ઠેરવતી રહી.

    લીના પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ. માતાપિતાએ નક્કી કરેલ યુવાનને તે પરણી ગઈ. સાહિલ મધ્યમવર્ગનો હેન્ડસમ, સ્માર્ટ, તેજસ્વી કારકિર્દી ધરાવતો – માતાપિતાનો એકનો એક દરેક રીતે લાયક પુત્ર હતો. લીનાના માતાને ‘મેઈડ ફોર ઈચ અધર’નો અહેસાસ થતા લીના અને સાહિલ પરણી ગયા. સંસાર આગળ ચાલ્યો. લીના માતા પણ બની ગઈ. પોતાના એકના એક પુત્રની સંભાળ માટે ઉજ્જવળ તકો ધરાવતી નોકરી પણ તેણે છોડી દીધી અને પોતાનું જીવન એક સામાન્ય ગૃહિણીની જેમ કુટુંબમય બનાવી દીધું. સાહિલ પણ લીનાની નાની નાની બાબતની ખૂબ કાળજી રાખતો અને ‘બોર્ન વીથ સિલ્વર સ્પૂન’ પત્નીને ઓછું ન આવે તે માટે આકાશ-પાતાળ એક કરતો.

    કાળચક્ર ફરતું ગયું. લીનાના માતાપિતાનું અકસ્માતે અકાળે અવસાન થયું. અઢળક સંપત્તિ અને ધીકતા ધંધાને સંભાળનાર એકમાત્ર સાહિલ જ બચ્યો. શ્વસુરના ધંધાને આગળ ધપાવવા સાહિલે તનતોડ મહેનત કરી. લીના પણ પુત્ર મોટો થતા ગળથૂથીમાં મળેલા જ્ઞાાનનો પિતાના એમ્પાયરને વિકસાવવામાં વાપરવા લાગી.

    લગ્નનાં પાંચ વર્ષ પૂરા થયા. સામાન્ય ઘરનો સાહિલ હવે મલ્ટીમિલિયોનર સી.ઈ.ઓ. બની ગયો. સદ્નસીબે લીના જેવી જન્મજાત કુશાગ્ર બુધ્ધિશાળી પત્નીનો સથવારો પણ સાંપડયો. લીનાની આવડત પર ઓફિસનો સ્ટાફ આફ્રીન હતો. તેના નિર્ણયોથી કંપની હરણફાળ ભરતી આગળ વધતી હતી. એક દિવસ એક મુદ્દા પર સાહિલ અને લીનાના મત જુદા પડયા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લીનાના અભિપ્રાયનું સમર્થન કર્યું અને સાહિલ બરાડી ઉઠયો – ‘લીના યુ ડોન્ટ ડિસ્ટર્બ ઈન માય વર્ક, તારી બુધ્ધિની મર્યાદાઓ તું સમજ. તારા પપ્પાએ ને મેં તારી થોડી વાહ વાહ કરી એટલે તું તારી જાતને કંઈક વિશેષ સમજવા લાગી છે. તારું મોઢું બંધ રાખ અને કહું તેટલું કામ કર.’

    લીના ઓફિસ છોડીને ચાલી ગઈ. સાહિલના વર્તનથી તેને આઘાત લાગ્યો. સાહિલે કાકલૂદી કરી પત્નીને મનાવી. પટાવી લીધી. થોડા દિવસ પછી ફરી પાછા એક મુદ્દા પર સાહિલ બરાડયો – યુ સીલી વુમન, ડબડબ બંધ કર, લોકો કહે છે કે સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ હોય છે પણ તારી તો પાનીમાંયે બુધ્ધિની ફૂટી કોડી નથી.”

    સાહિલનાં શબ્દો સાંભળી ઓફિસનો સ્ટાફ અવાચક બની ગયો. તે દિવસથી લીનાએ ઓફિસ આવવાનું બંધ કરી દીધું. ઘરમાં પણ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું રહ્યું. સાહિલને હવે વાતવાતમાં લાગવા માંડયું કે લીના અમીર બાપની ફટવેલી પુત્રી છે. તેનામાં ડહાપણ ઓછું ને દોઢ ડહાપણ વધારે છે. ઘરમાં નાના નાના ઈસ્યુ માટે બોલાચાલી શરૃ થઈ. પુત્ર રોહનને ઉછેરતા પણ આવડતું નથી. એવા અનેક આક્ષેપો પણ થયા. ટૂંકમાં લીના ભોટ, નાદાન, મૂર્ખ, બુધ્ધિ વગરની વગેરે વગેરે તખલ્લુસો મેળવતી રહી.

    લીનાનો આત્મવિશ્વાસ ધીરે ધીરે તૂટતો રહ્યો. સમય જતા તેને લાગવા માંડયું કે તેનામાં ખરેખર આવડત, વિચાર શક્તિ અને બુધ્ધિ શક્તિનો અભાવ છે. તેને એમ પણ લાગવા માંડયું કે માતાપિતાએ ભૌતિક સુખ સગવડના સાધનો આપવા કરતાં થોડું વ્યવહારિક જ્ઞાાન અને સમજ આપી હોત તો જીવનમાં વધારે ઉપયોગી થાત. લીનાને એવું પણ લાગવા માંડયું કે તે નિષ્ફળ પત્ની, નકામી સ્ત્રી, બુધ્ધિહીન માતા અને વર્થલેસ ગૃહિણી છે. સતત હતાશા અને નિરાશા, એકલતા અને સાહિલના નકારાત્મક વાક્યોની હતાશાની ગર્તામાં ધકેલાયેલી લીનાએ આત્મહત્યાની કોશિષ કરી. પરંતુ તાત્કાલિક ઘનિષ્ઠ સારવારથી તેને બચાવી લેવાઈ.

    હતાશ પત્નીને મનોચિકિત્સા માટે લાવેલા સાહિલે કહ્યું – ”આને વાસ્તવિકતા સમજાવો. વ્યવહારિક જ્ઞાાન આવે એવું કરો. એ બહાર જ આવી શકતી નથી. અમારા બે ખાતર નહિ તો રોહનને ખાતર પણ તેણે બદલાવું જરૃરી છે એ વાત એના ગળે ઉતારો.”

    લીના અને સાહિલની હકીકત સાંભળ્યા પછી ખરેખર સમસ્યા કંઈક જુદી જ જણાઈ. લીનાના ડિપ્રેશનનું કારણ હતું ”ઈમોશનલ એબ્યુઝ”- વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ઈમોશનલ એબ્યુઝનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પતિ-પત્નીના સંબંધોમાં જેમ આત્મીયતા અને આધારિત્વ વધે છે તેમ વર્બલ અને ઈમોશનલ એબ્યુઝનું પ્રમાણ જાણે અજાણે વધતું જાય છે.

    મોટે ભાગે આમાં શાબ્દિક હિંસાનો આશરો લેવાય છે. સંબંધોમાં બે પાત્રો વચ્ચે લાગણી તો બંનેને હોય છે. લાગણીના પ્રવાહમાં તણાઈને એક પાત્ર ધીરે ધીરે વધું જતું કરે છે. જુદા જુદા મુદ્દાઓ ઉપર અહમ્ના ટકરાવ થાય છે અને ડોમીનન્ટ વ્યક્તિ ઈમોશનલ એબ્યુઝનો ઉપયોગ કરી બીજી વ્યક્તિ પર શાસન કરવાની કોશિષ કરે છે.

    ‘ડફોળ’, ‘બુધ્ધિહીન’, ‘બેવકૂફ’ વગેરે વગેરે તખલ્લુસો શરૃઆતમાં તો વ્યક્તિ સ્વીકારતી નથી. પૂરી તાકાતથી તેનો વિરોધ કરે છે. જે ભીષણ શાબ્દિક સંગ્રામમાં પરિણમે છે. આ સંગ્રામમાં ફિઝીકલ એબ્યુઝ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વર્બલ અને ઈમોશનલ એબ્યુઝ એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે સમય જતા વ્યક્તિ પોતાને મળેલા લેબલો સાચા છે એવું માનવા લાગે છે અને તે હતાશ થતી જાય છે.

    પોતાના નસીબે આવું કુપાત્ર ભટકાયું છે એવું સમજી ડોમીનન્ટ વ્યક્તિ સંબંધોના ફ્લર્ટિંગમાં પણ પડી શકે છે. સાહિલે એ વાત કબૂલ કરી કે લીનાના વારંવાર ઓફિસમાં થતા ઈન્સલ્ટને કારણે સેક્રેટરી રોમી તેની નજીક આવતી ગઈ. તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવતી ગઈ. લીના કેટલી બુધ્ધિ વગરની છે એ વાતના પુરાવાઓ રોજબરોજના વર્તનમાં આપતી ગઈ જેના કારણે સાહિલને લાગ્યું કે કાંતો રોમી થોડી મોડી જન્મી છે. કાં તો પોતે વહેલો જન્મ્યો છે.

    લીનાનું ડિપ્રેશન તો તિવ્ર હતું. તેનો આત્મવિશ્વાસ સાવ તળિયે બેસી ગયો હતો. તેને તેનું જીવન હેતુવિહીન અને અર્થહીન લાગતું હતું. તે માત્ર રોહનને માટે જ જીવતી હતી. પણ પપ્પાના પેંગડામાં પગ નાખીને નાનકડો રોહન પણ મમ્મીને સિલી અને ઈડીયટ જેવા વિશેષણોથી નવાજવા લાગ્યો હતો.

    મગજમાં આવતો પ્રત્યેક વિચાર મગજનાં ચોક્કસ રાસાયણિક ફેરફાર સર્જે છે અને આ રાસાયણિક ફેરફાર મગજમાં નકારાત્મક વિચારનો ગુણાકાર કરે છે. આ વિષચક્રને તોડવા લીનાને સિરોટોનીન અને નોર એપીનેફીન જાળવતી દવાઓ તો અપાઈ પણ સાથે સાથે એની બાલ્યાવસ્થા અને તરૃણાવસ્થાની હકારાત્મક ઘટનાઓને સબકોન્શિયસ માઈન્ડમાંથી બહાર લાવી તેની આવડત, અક્કલ, હોશિયારીના સંખ્યાબંધ પુરાવાઓ અપાયા. જેના કારણે લીનાનું ડિપ્રેશન દૂર થયું. તેનો આત્મવિશ્વાસ વધ્યો. અને ઓફિસમાં પુનઃકાર્યરત થવાની ઈચ્છા તેણે પ્રદર્શિત કરી.

    આ કેસનાં આખરી ઉકેલમાં હવે એક કપરું કામ બાકી હતું. સાહિલ સાથે ચર્ચા કરવાનું. લીનાની આ પરિસ્થિતિ માટે પોતે જવાબદાર છે એ સાંભળવા કે સમજવા એ તૈયાર નહોતો. એ તો એક વાતનું રટણ કરતો હતો કે તે એક સમજદાર પતિ, જવાબદાર પિતા અને પોતાની ફરજ પ્રત્યે સભાન પુરુષ હતો. પત્નીને જોઈએ એ બધું જ આપવા છતાં માતાપિતાના લાડકોડને કારણે અપરિપકવ રહેલી પત્ની તમામ સમસ્યાઓનું કારણ છે. અને આવી પત્ની હોવાના કારણે રોમી સાથેના સંબંધો બદલ પણ તેને કોઈ જ ગિલ્ટ નહોતી.

    સાહિલ સાથેની ચર્ચાઓને ચાલુ રાખી લીનાને ‘એસેર્ટીવનેસ’ અર્થાત્ સ્વાગ્રહી બનવાની તાલિમ આપવી શરૃ કરાઈ. સાહિલનું ઈમોશનલ એબ્યુઝ અટકતા મહિનાઓ લાગ્યા હતા, પણ આજે લીના પોતાની કંપનીમાં મહત્વના હોદ્દા પર છે. અમુક બાબતમાં નિર્ણય લેવાની આખરી સત્તા તેને જ છે. ઈન્ફીયારીટી, ગિલ્ટ, અને ડિપ્રેશનનાં વિષચક્રમાંથી તે બહાર આવી ગઈ છે. સાહિલની ઈમોશનલ એબ્યુઝ કરતી યુક્તિ-પ્રયુક્તિઓ હવે બહુ કારગત નીવડતી નથી. રોમીને નોકરીમાંથી છૂટી કરી દેવાઈ છે. સાહિલ હાલમાં આધુનિક ચિકિત્સા પધ્ધતિ પર ભઠાયેલો છે પણ રોહનનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને મને કમને પણ તેણે સમાધાન સ્વીકારી લીધું છે.

    યાદ રહે, કોઈપણ પ્રકારના સંબંધોમાં ઈમોશનલ એબ્યુઝ ઊધઈનું કામ કરે છે. તમારા સંબંધોને આ ઊધઈ લાગી ન જાય એટલા સાવચેત, સજાગ અને માહિતગાર તમે રહો એ આધુનિક યુગની અનિવાર્ય આવશ્યકતા છે.

    ન્યુરોગ્રાફ:

    સંબંધોનું સસ્ત્ર અને શાસ્ત્ર સમજવામાં ખેરખાંઓ પણ ગોથા ખાય છે. સંબંધોની માવજત કરાય, ઉપયોગ નહિ.


    ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

    E_Mail: mrugeshvaishnav@gmail.com
    Website: www.drmrugeshvaishnav.com