વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ

એમ.ડી.(મનોચિકિત્સક)

 

યુ સિલી વુમન… ડબ ડબ બંધ કર. લોકો કહે છે કે સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ હોય છે પણ… તારી તો પાનીમાંયે બુધ્ધિની ફૂટી કોડીએ નથી.

સંબંધોમાં દિન-પ્રતિદિન દેખા દેતા વર્બલ અને ઈમોશનલ એબ્યુઝના સ્વરૃપો અને સંદર્ભો

લીના સાધનસંપન્ન ઘરની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી છે. શ્રીમંત માતાપિતાની વ્હાલસોઈ દીકરી હોવાના કારણે તેનું બાળપણ જાહોજલાલીમાં વીત્યું છે. બાળકના માનસિક વિકાસ કે આનંદ માટે કોઈપણ એવા દેશી-વિદેશી રમકડાં નહિ હોય કે જેનાથી લીના રમી ન હોય. ભૌતિક યુગની તમામ સવલતો માતાપિતાએ પુત્રીને તે ઈચ્છે તે પહેલાં પૂરી પાડી છે. કુટુંબ વત્સલ પિતાએ પુત્રીને સિંગાપુર બેંગકોકથી માંડીને હોલિવુડના ઓસ્કાર ફેઈમ કોડાક થિયેટર સુધીની સફર કરાવી છે. આમ, લીનાનું બાળપણ અને તરૃણાવસ્થા ”ઈચ્છ્યું તે મેળવ્યું, ને ફાવ્યું તે કર્યું” એ સિધ્ધાંતોમાં પસાર થયું છે.

મનોચિકિત્સા વિજ્ઞાાનના સિધ્ધાંત પ્રમાણે જે બાળકનું બાળપણ લાડકોડ, વધુ પડતું આળપંપાળ અને પ્લેઝર પ્રિન્સીપાલમાં વિત્યું હોય તે બાળક મોટું થઈને સમસ્યારૃપ બની જતું હોય છે. પરંતુ લીલાનો કિસ્સો તદ્દન જુદો હતો. ”ઓવર પેમ્પર્ડ ચાઈલ્ડ” હોવા છતાં લીના ભણવામાં પૂરતું ધ્યાન આપતી. માતાપિતાની અપેક્ષાઓ અને લાગણીઓનો પૂરતો ખ્યાલ રાખતી અને પોતાની જવાબદારીઓ તથા ફરજોથી તે પૂર્ણપણે સભાન હતી. એટલે જ તેની શૈક્ષણિક કારકિર્દી ઉજ્વળ રહી. ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવું તે તેની આદત રહી. માત્ર ભણવામાં નહિ પણ અભ્યાસેત્તર ક્ષેત્રોમાં પણ ‘વિનીંગ ઈઝ લીઝાઝ હેબીટ’ એ વિધાનને તે વારંવાર સાચું ઠેરવતી રહી.

લીના પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગઈ. માતાપિતાએ નક્કી કરેલ યુવાનને તે પરણી ગઈ. સાહિલ મધ્યમવર્ગનો હેન્ડસમ, સ્માર્ટ, તેજસ્વી કારકિર્દી ધરાવતો – માતાપિતાનો એકનો એક દરેક રીતે લાયક પુત્ર હતો. લીનાના માતાને ‘મેઈડ ફોર ઈચ અધર’નો અહેસાસ થતા લીના અને સાહિલ પરણી ગયા. સંસાર આગળ ચાલ્યો. લીના માતા પણ બની ગઈ. પોતાના એકના એક પુત્રની સંભાળ માટે ઉજ્જવળ તકો ધરાવતી નોકરી પણ તેણે છોડી દીધી અને પોતાનું જીવન એક સામાન્ય ગૃહિણીની જેમ કુટુંબમય બનાવી દીધું. સાહિલ પણ લીનાની નાની નાની બાબતની ખૂબ કાળજી રાખતો અને ‘બોર્ન વીથ સિલ્વર સ્પૂન’ પત્નીને ઓછું ન આવે તે માટે આકાશ-પાતાળ એક કરતો.

કાળચક્ર ફરતું ગયું. લીનાના માતાપિતાનું અકસ્માતે અકાળે અવસાન થયું. અઢળક સંપત્તિ અને ધીકતા ધંધાને સંભાળનાર એકમાત્ર સાહિલ જ બચ્યો. શ્વસુરના ધંધાને આગળ ધપાવવા સાહિલે તનતોડ મહેનત કરી. લીના પણ પુત્ર મોટો થતા ગળથૂથીમાં મળેલા જ્ઞાાનનો પિતાના એમ્પાયરને વિકસાવવામાં વાપરવા લાગી.

લગ્નનાં પાંચ વર્ષ પૂરા થયા. સામાન્ય ઘરનો સાહિલ હવે મલ્ટીમિલિયોનર સી.ઈ.ઓ. બની ગયો. સદ્નસીબે લીના જેવી જન્મજાત કુશાગ્ર બુધ્ધિશાળી પત્નીનો સથવારો પણ સાંપડયો. લીનાની આવડત પર ઓફિસનો સ્ટાફ આફ્રીન હતો. તેના નિર્ણયોથી કંપની હરણફાળ ભરતી આગળ વધતી હતી. એક દિવસ એક મુદ્દા પર સાહિલ અને લીનાના મત જુદા પડયા. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લીનાના અભિપ્રાયનું સમર્થન કર્યું અને સાહિલ બરાડી ઉઠયો – ‘લીના યુ ડોન્ટ ડિસ્ટર્બ ઈન માય વર્ક, તારી બુધ્ધિની મર્યાદાઓ તું સમજ. તારા પપ્પાએ ને મેં તારી થોડી વાહ વાહ કરી એટલે તું તારી જાતને કંઈક વિશેષ સમજવા લાગી છે. તારું મોઢું બંધ રાખ અને કહું તેટલું કામ કર.’

લીના ઓફિસ છોડીને ચાલી ગઈ. સાહિલના વર્તનથી તેને આઘાત લાગ્યો. સાહિલે કાકલૂદી કરી પત્નીને મનાવી. પટાવી લીધી. થોડા દિવસ પછી ફરી પાછા એક મુદ્દા પર સાહિલ બરાડયો – યુ સીલી વુમન, ડબડબ બંધ કર, લોકો કહે છે કે સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ હોય છે પણ તારી તો પાનીમાંયે બુધ્ધિની ફૂટી કોડી નથી.”

સાહિલનાં શબ્દો સાંભળી ઓફિસનો સ્ટાફ અવાચક બની ગયો. તે દિવસથી લીનાએ ઓફિસ આવવાનું બંધ કરી દીધું. ઘરમાં પણ બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું રહ્યું. સાહિલને હવે વાતવાતમાં લાગવા માંડયું કે લીના અમીર બાપની ફટવેલી પુત્રી છે. તેનામાં ડહાપણ ઓછું ને દોઢ ડહાપણ વધારે છે. ઘરમાં નાના નાના ઈસ્યુ માટે બોલાચાલી શરૃ થઈ. પુત્ર રોહનને ઉછેરતા પણ આવડતું નથી. એવા અનેક આક્ષેપો પણ થયા. ટૂંકમાં લીના ભોટ, નાદાન, મૂર્ખ, બુધ્ધિ વગરની વગેરે વગેરે તખલ્લુસો મેળવતી રહી.

લીનાનો આત્મવિશ્વાસ ધીરે ધીરે તૂટતો રહ્યો. સમય જતા તેને લાગવા માંડયું કે તેનામાં ખરેખર આવડત, વિચાર શક્તિ અને બુધ્ધિ શક્તિનો અભાવ છે. તેને એમ પણ લાગવા માંડયું કે માતાપિતાએ ભૌતિક સુખ સગવડના સાધનો આપવા કરતાં થોડું વ્યવહારિક જ્ઞાાન અને સમજ આપી હોત તો જીવનમાં વધારે ઉપયોગી થાત. લીનાને એવું પણ લાગવા માંડયું કે તે નિષ્ફળ પત્ની, નકામી સ્ત્રી, બુધ્ધિહીન માતા અને વર્થલેસ ગૃહિણી છે. સતત હતાશા અને નિરાશા, એકલતા અને સાહિલના નકારાત્મક વાક્યોની હતાશાની ગર્તામાં ધકેલાયેલી લીનાએ આત્મહત્યાની કોશિષ કરી. પરંતુ તાત્કાલિક ઘનિષ્ઠ સારવારથી તેને બચાવી લેવાઈ.

હતાશ પત્નીને મનોચિકિત્સા માટે લાવેલા સાહિલે કહ્યું – ”આને વાસ્તવિકતા સમજાવો. વ્યવહારિક જ્ઞાાન આવે એવું કરો. એ બહાર જ આવી શકતી નથી. અમારા બે ખાતર નહિ તો રોહનને ખાતર પણ તેણે બદલાવું જરૃરી છે એ વાત એના ગળે ઉતારો.”

લીના અને સાહિલની હકીકત સાંભળ્યા પછી ખરેખર સમસ્યા કંઈક જુદી જ જણાઈ. લીનાના ડિપ્રેશનનું કારણ હતું ”ઈમોશનલ એબ્યુઝ”- વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં ઈમોશનલ એબ્યુઝનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પતિ-પત્નીના સંબંધોમાં જેમ આત્મીયતા અને આધારિત્વ વધે છે તેમ વર્બલ અને ઈમોશનલ એબ્યુઝનું પ્રમાણ જાણે અજાણે વધતું જાય છે.

મોટે ભાગે આમાં શાબ્દિક હિંસાનો આશરો લેવાય છે. સંબંધોમાં બે પાત્રો વચ્ચે લાગણી તો બંનેને હોય છે. લાગણીના પ્રવાહમાં તણાઈને એક પાત્ર ધીરે ધીરે વધું જતું કરે છે. જુદા જુદા મુદ્દાઓ ઉપર અહમ્ના ટકરાવ થાય છે અને ડોમીનન્ટ વ્યક્તિ ઈમોશનલ એબ્યુઝનો ઉપયોગ કરી બીજી વ્યક્તિ પર શાસન કરવાની કોશિષ કરે છે.

‘ડફોળ’, ‘બુધ્ધિહીન’, ‘બેવકૂફ’ વગેરે વગેરે તખલ્લુસો શરૃઆતમાં તો વ્યક્તિ સ્વીકારતી નથી. પૂરી તાકાતથી તેનો વિરોધ કરે છે. જે ભીષણ શાબ્દિક સંગ્રામમાં પરિણમે છે. આ સંગ્રામમાં ફિઝીકલ એબ્યુઝ ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ વર્બલ અને ઈમોશનલ એબ્યુઝ એટલી પરાકાષ્ઠાએ પહોંચે છે કે સમય જતા વ્યક્તિ પોતાને મળેલા લેબલો સાચા છે એવું માનવા લાગે છે અને તે હતાશ થતી જાય છે.

પોતાના નસીબે આવું કુપાત્ર ભટકાયું છે એવું સમજી ડોમીનન્ટ વ્યક્તિ સંબંધોના ફ્લર્ટિંગમાં પણ પડી શકે છે. સાહિલે એ વાત કબૂલ કરી કે લીનાના વારંવાર ઓફિસમાં થતા ઈન્સલ્ટને કારણે સેક્રેટરી રોમી તેની નજીક આવતી ગઈ. તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવતી ગઈ. લીના કેટલી બુધ્ધિ વગરની છે એ વાતના પુરાવાઓ રોજબરોજના વર્તનમાં આપતી ગઈ જેના કારણે સાહિલને લાગ્યું કે કાંતો રોમી થોડી મોડી જન્મી છે. કાં તો પોતે વહેલો જન્મ્યો છે.

લીનાનું ડિપ્રેશન તો તિવ્ર હતું. તેનો આત્મવિશ્વાસ સાવ તળિયે બેસી ગયો હતો. તેને તેનું જીવન હેતુવિહીન અને અર્થહીન લાગતું હતું. તે માત્ર રોહનને માટે જ જીવતી હતી. પણ પપ્પાના પેંગડામાં પગ નાખીને નાનકડો રોહન પણ મમ્મીને સિલી અને ઈડીયટ જેવા વિશેષણોથી નવાજવા લાગ્યો હતો.

મગજમાં આવતો પ્રત્યેક વિચાર મગજનાં ચોક્કસ રાસાયણિક ફેરફાર સર્જે છે અને આ રાસાયણિક ફેરફાર મગજમાં નકારાત્મક વિચારનો ગુણાકાર કરે છે. આ વિષચક્રને તોડવા લીનાને સિરોટોનીન અને નોર એપીનેફીન જાળવતી દવાઓ તો અપાઈ પણ સાથે સાથે એની બાલ્યાવસ્થા અને તરૃણાવસ્થાની હકારાત્મક ઘટનાઓને સબકોન્શિયસ માઈન્ડમાંથી બહાર લાવી તેની આવડત, અક્કલ, હોશિયારીના સંખ્યાબંધ પુરાવાઓ અપાયા. જેના કારણે લીનાનું ડિપ્રેશન દૂર થયું. તેનો આત્મવિશ્વાસ વધ્યો. અને ઓફિસમાં પુનઃકાર્યરત થવાની ઈચ્છા તેણે પ્રદર્શિત કરી.

આ કેસનાં આખરી ઉકેલમાં હવે એક કપરું કામ બાકી હતું. સાહિલ સાથે ચર્ચા કરવાનું. લીનાની આ પરિસ્થિતિ માટે પોતે જવાબદાર છે એ સાંભળવા કે સમજવા એ તૈયાર નહોતો. એ તો એક વાતનું રટણ કરતો હતો કે તે એક સમજદાર પતિ, જવાબદાર પિતા અને પોતાની ફરજ પ્રત્યે સભાન પુરુષ હતો. પત્નીને જોઈએ એ બધું જ આપવા છતાં માતાપિતાના લાડકોડને કારણે અપરિપકવ રહેલી પત્ની તમામ સમસ્યાઓનું કારણ છે. અને આવી પત્ની હોવાના કારણે રોમી સાથેના સંબંધો બદલ પણ તેને કોઈ જ ગિલ્ટ નહોતી.

સાહિલ સાથેની ચર્ચાઓને ચાલુ રાખી લીનાને ‘એસેર્ટીવનેસ’ અર્થાત્ સ્વાગ્રહી બનવાની તાલિમ આપવી શરૃ કરાઈ. સાહિલનું ઈમોશનલ એબ્યુઝ અટકતા મહિનાઓ લાગ્યા હતા, પણ આજે લીના પોતાની કંપનીમાં મહત્વના હોદ્દા પર છે. અમુક બાબતમાં નિર્ણય લેવાની આખરી સત્તા તેને જ છે. ઈન્ફીયારીટી, ગિલ્ટ, અને ડિપ્રેશનનાં વિષચક્રમાંથી તે બહાર આવી ગઈ છે. સાહિલની ઈમોશનલ એબ્યુઝ કરતી યુક્તિ-પ્રયુક્તિઓ હવે બહુ કારગત નીવડતી નથી. રોમીને નોકરીમાંથી છૂટી કરી દેવાઈ છે. સાહિલ હાલમાં આધુનિક ચિકિત્સા પધ્ધતિ પર ભઠાયેલો છે પણ રોહનનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને મને કમને પણ તેણે સમાધાન સ્વીકારી લીધું છે.

યાદ રહે, કોઈપણ પ્રકારના સંબંધોમાં ઈમોશનલ એબ્યુઝ ઊધઈનું કામ કરે છે. તમારા સંબંધોને આ ઊધઈ લાગી ન જાય એટલા સાવચેત, સજાગ અને માહિતગાર તમે રહો એ આધુનિક યુગની અનિવાર્ય આવશ્યકતા છે.

ન્યુરોગ્રાફ:

સંબંધોનું સસ્ત્ર અને શાસ્ત્ર સમજવામાં ખેરખાંઓ પણ ગોથા ખાય છે. સંબંધોની માવજત કરાય, ઉપયોગ નહિ.


ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:

E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com