વાર્તાઃ અલકમલકની

ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

સહદરીના ચોકમાં નળિયાના છાપરામાંથી તડકો બાકીની ઓસરીમાં રેલાઈ રહ્યો હતો.

આછા રેલાતા તડકામાં બેઠી કુબરા અને હમીદાની અમ્મી હાથ સિલાઈકામ કરી રહી હતી. અમ્મીના હાથમાં હુન્નર હતો. નાનાં મોટાં કે સાવ સાદા કપડાંને પણ એ એવી રીતે સીવી આપતી કે કપડાંની સિકલ બદલાઈ જાય, પહેરનાર રાજી થઈ જાય. કેટલાય બચ્ચાંની છઠ્ઠીથી માંડીને શાદી-બ્યાહ સુધીના કપડાં એણે સીવી આપ્યા હતા. આ સિલાઈકામથી જ એનાં ઘરની રોજી રોટી પૂરી થતી. કુબરા અને હમીદાના બાપના મોત પછી અમ્મી માટે ઘર ચલાવવા માટે આ એક જ રસ્તો હતો. નાની હમીદાના કહેવાથી અમ્મીએ એક વાર ભાઈ પાસે વારસાગત મિલકતમાંથી ભાગ માંગવા ઈશારો કરી જોયો હતો અને ત્યારથી ભાઈએ પત્ર લખવાનો એક માત્ર વ્યહવાર હતો એ પણ બંધ કરી દીધો હતો.  ઘર તો જેમ તેમ કરીને ચાલતું હતું પણ કુબરાની શાદી માટેની વાત ક્યાંય ચાલતી નહીં.

મોટી દીકરી કુબરા, સુકલકડી કાયા અને સાવ સાધારણ દેખાવના લીધે ઉંમર વળોટી ગઈ હોવા છતાં આજ સુધી કુંવારી બેઠી હતી. નાની હમીદા દેખાવે અને સ્વભાવે પણ ફટાકડો હતી. એના માટે તો કદાચ એક કરતાં એકવીસ મૂરતિયા મળી જાય પણ જ્યાં સુધી મોટી કુબરાની શાદી ન થાય ત્યાં સુધી હમીદા માટે વિચારવાનું અમ્મીને મુનાસીબ નહોતું લાગતું.

પણ હા, અમ્મી કુબરાની શાદી માટે હંમેશા એક લાલ જોડી તૈયાર રાખતી. સમય જતાં એનોય રંગ ફિક્કો પડતો અને કુબરાની શાદી માટેની આશા પણ.

હવે તો આ ઘરમાં આસપાસના મહોલ્લામાંથી આવતી પડોશણો પણ જાણે કપડાં સીવડાવવાની સાથે એકના એક સવાલ લઈને આવતી.

“કુબરા માટે કોઈ માંગુ આવ્યું? ક્યાંય આગળ વાત ચાલી?” અને આવા તીરની જેમ ચૂભતાં સવાલોથી ત્રાસીને કુબરાને ભાગ્યેજ બહાર આવીને કોઈને મળવાની ઈચ્છા થતી. એણે પોતાની જાતને એક કો્ચલામાં પૂરી દીધી હતી. આમ ને આમ દિવસો પસાર થતાં હતાં.

આજે જરા જુદી ઘટના બની. ઘરની છત પર બેઠેલો કાગડો કોઈ મહેમાન આવવાની એંધાણી આપે એ પહેલાં ટપાલી એક પોસ્ટકાર્ડ નાખી ગયો. વારસાગત મિલકતમાંથી ભાગ આપવાના બદલે સંબંધો જ ભૂલીને બેસી ગયેલા ભાઈનો દીકરો રાહત અલી એક આખા મહિના માટે કોઈ ટ્રેઇનિંગ માટે અહીં પધારી રહ્યો હતો. પોસ્ટકાર્ડ વાંચતી હમીદાનો ગુસ્સો લાવાની જેમ ઉકળી રહ્યો હતો. વાત એની વ્યાજબી હતી. અહીં બે ટાઈમ માંડ રોટી-સબ્જીથી પેટ ભરતાં મા-દિકરીઓએ રાહતનો બરાબર અતિથિસત્કાર કરવાનો હતો, હથેળીના છાંયે રાખવાનો હતો એવો મામુજાનનો આગ્રહ હતો.

મામાના ઘેર તો છપ્પનભોગ બનતાં હશે પણ અહીં હાંડલા કુસ્તી કરતાં હોય ત્યાં આવી તક સાચવવાની અપેક્ષા રાખે એ તીખા મરચાં જેવી હમીદાથી સહન થાય એમ નહોતું તો હમીદાની વાત ગમે એટલી વ્યાજબી હોય પણ અમ્મીએ તો સંબંધ સાચવે છૂટકો હતો.

“શા માટે? શા માટે, રાહતની તકેદારી સાચવવાની આટલી બધી ખેવના હોવી જોઈએ?” હરીફરીને હમીદાને આ સવાલ અકળાવતો અને દરેક વખતે અમ્મી એને સમજાવતી, ઠંડી પાડતી. અમ્મીને ઊંડે ઊંડે આશા હતી કે રાહતના નજરમાં કુબરા વસી જાય તો એનું ભાવિ સલામત બની જાય અને અંતે હમીદા કુબરા માટે થઈને અમ્મીની વાત પર નમતું જોખી દેતી.

સંબંધ સાચવવા કે બંધાવાની આશાએ ઘરમાં જરા જેટલું સોનું હતું એય વેચીને પરોણાગત કરવાની અમ્મીની તૈયારી હતી. હમીદાનો આ સામે પણ સખત વિરોધ હતો. એને મન કુબરાની શાદી માટે સાચવેલી જણસને આમ આવા સંબંધો સાચવવા વેડફી નાખવી એ નરી મૂર્ખતા હતી પણ તેમ છતાં એના આકરા વિરોધને અવગણીને અમ્મીએ રાહતને આવકારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી.

અને એક નિર્ધારીત દિવસે રાહતની પધરામણી થઈ.

મામુજાનની ઈચ્છા મુજબ રાહતને શક્ય હોય એવા શાહી ઠાઠથી રાખવાની અમ્મીની દરેક વાત પર હમીદા અકળાતી.

અમ્મી ઈચ્છતી કે કેમ કરીને રાહતની નજર કુબરા પર ઠરે પણ સાવ હાલીમવાલી જેવા દેખાતા રાહતની લોલુપ નજર કોના પર હતી એ હમીદા પારખી ગઈ હતી. માત્ર કુબરાના ભાવિની ચિંતા આડે અમ્મી રાહતની ફિતરત પારખી શકતી નહોતી અને કુબરા તો જાણે ભીની માટીનો પિંડ હતી. એને જેમ ઘાટ આપો એમ એ આકાર ધરી લે એવી હતી. ભગવાને કોઈની નજરમાં વસી જાય એવી ખૂબસૂરતીથી એને વંચિત રાખી હતી પણ એના હાથમાં હુન્નર હતો. અમ્મી ઈચ્છતી કે કુબરાનો આ હુન્નર રાહત પારખે. કુબરા પણ હવે અમ્મીની ઈચ્છા પારખી ગઈ હતી. રાહત રાજી રહે એના માટે એ બધું જ કરવા તૈયાર હતી. રાહતને ભાવતાં ભોજન બનાવવાનું હવે એને ગમવા માંડ્યુ હતું. રાહતની હર એક ખ્વાહિશ પૂરી કરવામાં કુબરા ધન્યતા અનુભવતી પણ હા, રાહતને રૂબરૂમાં મળવાની હિંમત આજ સુધી એની શર્મિલી પ્રકૃતિના લીધે એ કરી શકી નહોતી. એ અણગમતું કામ હમીદના માથે આવતું. રાહત સામે સખત ચીઢના લીધે હમીદા એની સાથે બોલવાનું ટાળતી પણ અમ્મીની વિનંતી અને કુબરાના ભાવિ માટે થઈને હમીદાએ કમને પણ એ જવાબદારી સ્વીકારી.

જે કામ હમીદા કુબરા માટે એક રસ્તો કંડારવાની જવાબદારી સમજીને કરતી એને રાહત હમીદા સુધી પહોંચવાનો માર્ગ સમજીને આગળ વધતો રહ્યો.

કુબરા માટે રાહત એક મનગમતું સપનું હતો જે એને ખુલ્લી આંખે જોવું હતું, રાહત સાથે એને જીવી લેવું હતું. રાહત એના માટે શું વિચારે છે, શું કહે છે એ જાણવાની સતત આતુરતા રહેતી.

હમીદા એને કે અમ્મીને કેમેય કરીને સમજાવી શકે એમ નહોતી કે કુબરા જેની સાથે જીવન જોડવાનું મખમલી સપનું જોઈ રહી છે એ રાહત ખરેખર તો બદમાશ,સ્વાર્થી પ્રકૃતિનો માણસ છે. રાહત કુબરા માટે થઈને હમીદા સાથે વાત કરતો નથી પણ હમીદાને પામવા કુબરા સાથે સંબંધ રાખવાનો ચાળો કરે છે. એ કેવી રીતે અમ્મી કે કુબરાને સમજાવે કે રાહતને કુબરામાં નહીં હમીદામાં રસ છે.

જો કે આ વાત જમાનાની અનુભવી અમ્મીના ધ્યાન બહાર નહોતી પણ ડૂબતો તરણું પકડે એમ કોઈ પણ રીતે રાહતની નજર કુબરા પર ઠરે એની મથામણમાં એ સતત પ્રયત્નશીલ રહેતી અને અવનવા નુસખા અજમાવતી.

જે સતત ચિંતામાં હોય એના શુભચિંતકોય અનેક હોય. અમ્મીની ચિંતા પારખી ગયેલી એની સખી વળી એક સાવ અનોખો નુસખો શોધી લાવી.

‘मरता क्या न करता’

અમ્મીએ આ નુસખો અજમાવાનો નિર્ણય લઈ લીધો અને એમાં સાથ આપવા કુબરા અને હમીદાને સમજાવી લીધા. કુબરાએ રાજી થઈને અને હમીદાએ નારાજગીથી એમાં સંમતિ આપી.

અને વાત ખાસ કોઈ એવી મોટીય નહોતી. કુબરાએ બનાવેલી અને મૌલવીના આશિષ વચનોથી પવિત્ર બનેલી રોટી હમીદાએ રાહતને પીરસવાની હતી. જેનાથી રાહતનું ધ્યાન પીરસનાર પરથી ખસીને બનાવનાર તરફ કેન્દ્રિત થાય. હમીદાને આ વાત તદ્દન વાહિયાત લાગતી હતી પણ કુબરાના માયૂસ ચહેરા પાછળ ઝળકી ઊઠેલી આશાની લકીરે એ થોડી કૂંણી પડી.

હમીદા સમજતી હતી કે કુબરા માટે શાદી એક એવી જરૂરિયાત હતી જેનાથી એની વિધવા અમ્મીની જવાબદારીઓ પૂરી થવાની હતી. માથેથી દીકરીની શાદીનો બોજ હળવો થવાનો હતો. હમીદા અમ્મીની લાચારી સમજી શકતી હતી.

અમ્મી કહેતી, “ જે દિવસે હું નહીં રહું ત્યારે તું તો જીવી લઈશ પણ કુબરા, એનું શું થશે?”

અમ્મીની વાત સાચી હતી. શીળા સ્વભાવની મોટી બહેન માટે નાની આટલું તો કરી શકેને? હમીદાએ પોતાની જાતને માંડ માંડ તૈયાર કરી. એ બલિએ ચઢતા પશુ જેવી લાચારી પોતાની જાત માટે અનુભવી રહી. એ રાત્રે કુબરાએ બનાવેલી અને મૌલવીના આશિષ વચનોથી પવિત્ર બનેલી રોટી લઈને હમીદા રાહતને પીરસવા આવી.

અને…..

બહાર મહોલ્લામાં ભીડભંજન હજરત અલીની દુઆઓ માંગતી સ્ત્રીઓના અવાજમાં હમીદાની ચીસો દબાઈ ગઈ.

બીજા દિવસે અમ્મીના ખોળામાં બેશુદ્ધ જેવી પડેલી કુબરા, થોડા દિવસ પહેલાં જ રાહત અને કુબરાની શાદીમાં કુબરાને પહેરવા માટે સીવીને તૈયાર કરેલી લાલ કપડાંની જોડી પડેલી હતી અને એક ખૂણામાં કૌમાર્યનું બલિ ચઢાવીને, વેર-વિખેર થયેલી હમીદા બેઠી હતી.

અમ્મીની મહેમાનનવાજી માણીને સંતોષના ઓડકાર ખાતો રાહત સવારની ગાડીમાં પોતાના ગામ જવા નીકળી ગયો. એની શાદીની તારીખ નિશ્ચિત થઈ ચૂકી હતી.


ઉર્દૂ સાહિત્યના વિવાદાસ્પદ લેખિકા ઈસ્મત ચુગતાઈ લિખિત વાર્તા “ચૌથી કા જોડા” પર આધારિત ભાવાનુવાદ


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.