ફિર દેખો યારોં

બીરેન કોઠારી

બુઢ્ઢા સાન્‍તિયાગોને વાર્તાનો કયો ચાહક નહીં ઓળખતો હોય? ‘પ્રત્યેક દિવસ એક નવો દિવસ છે’ જેનો જીવનમંત્ર છે એવો આ વૃદ્ધ માછીમાર લાગલગાટ ૮૪ દિવસ સુધી સમુદ્રમાં માછલી પકડવાનો નિષ્ફળ પ્રયત્ન કરતો રહે છે. ‘ઓલ્ડ મેન એન્‍ડ ધ સી’ નામની ખ્યાતનામ કૃતિનો આ નાયક છે, જેના લેખક હતા અર્નેસ્ટ હેમિંગ્વે. સફળતા અને નિષ્ફળતા એકમેક સાથે સંકળાયેલી હોવાનું સૂચવતી નોબેલ પારિતોષિકથી સન્માનિત આ કૃતિના લેખકે પોતે 62 વર્ષની વયે જીવન ટૂંકાવી દીધું હતું.

તેમના જીવન દરમિયાન તેમની સાત નવલકથા, છ વાર્તાસંગ્રહ અને બે અન્ય પુસ્તક પ્રકાશિત થયાં હતાં. તેમની ત્રણ નવલકથા, ચાર વાર્તાસંગ્રહ તથા ત્રણ અન્ય પુસ્તકોનું પ્રકાશન મરણોત્તર કરવામાં આવ્યું હતું. એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે અને યુદ્ધના સંવાદદાતા તરીકે હેમિંગ્વેને જે અનુભવો થયા એમાંના ઘણા તેમનાં લખાણોમાં ઝીલાયા છે. તેમના જીવનમાં અનેક રોમાંચક ઘટનાઓ બનતી રહી. પણ સૌથી આઘાતજનક ઘટના બની ૧૯૨૨માં. સ્વીત્ઝર્લેન્ડના લોઝાનમાં યોજાયેલી શાંતિ પરિષદના અહેવાલ માટે ત્યાં ગયેલા હેમિંગ્વેએ પેરિસ રહેતી પોતાની પત્ની એલિઝાબેથને લોઝાન આવવા જણાવ્યું. એલિઝાબેથ સામાન લઈને ટ્રેનમાં આવવા નીકળી. સામાનમાં એક પેટી હેમિંગ્વેની કેટલીક હસ્તપ્રતો, કેટલાંક અપૂર્ણ લખાણ, લખાણના મુસદ્દા વગેરે અનેક મહત્ત્વની ચીજો હતી. આ લખાણની કાર્બન નકલ પણ તેણે પેટીમાં ભરેલી. આ સમયગાળો હેમિંગ્વેની લેખન કારકિર્દીનો આરંભિક કાળ હતો. કમનસીબે આ પેટી ટ્રેનમાંથી ગુમ થઈ ગઈ. તેમાં મૂળ લખાણોની સાથે તેની કાર્બન નકલો પણ જતી રહી હતી. આ ચીજો કદી હાથમાં આવી નહીં.

હેમિંગ્વે પોતાના જીવનનો લાંબો સમય ક્યુબામાં રહેલા. તેમના જીવનનો અંત પણ ત્યાં જ આવ્યો. ક્યુબાની બૅન્‍કના વૉલ્ટમાં હેમિંગ્વેએ પોતાની કેટલીક હસ્તપ્રતો મૂકી રાખેલી. એ પછીના અરસામાં અમેરિકા અને ક્યુબાના રાજકીય સંબંધો વણસ્યા. ક્યુબાને ખૂબ ચાહતા હોવા છતાં હેમિંગ્વેની આ ચીજો તેમના હાથમાં આવી નહીં. વરસો પછી અલબત્ત, તે પ્રાપ્ત થઈ ખરી, અને હવે તો બોસ્ટનના જે.એફ.કેનેડી પ્રેસિડેન્‍શિયલ લાયબ્રેરી અને સંગ્રહાલયમાંના અર્નેસ્ટ હેમિંગ્વે સંગ્રહનો હિસ્સો છે.

હેમિંગ્વેના મૃત્યુના છ દાયકા પછી વધુ એક વાર તેમની ચીજોનો ખજાનો ખુલ્લો મૂકાયો છે. પેન સ્ટેટ યુનિવર્સિટીમાંના હેમિંગ્વેના ટોબી એન્‍ડ બેટ્ટી બ્રુસ કલેક્શન થકી અનેક ચીજો હવે સુલભ બનાવવામાં આવી છે. 1939માં હેમિંગ્વેની દ્વિતીય પત્ની પૉલિન સાથેનું લગ્નજીવન ખરાબે ચડ્યું એ અરસામાં હેમિંગ્વે નિયમીતપણે ફ્લોરિડાના કી વેસ્ટમાં આવેલા ‘સ્લોપી જોઝ’ બારમાં જતા. અહીંના સ્ટોરરૂમમાં તેમણે પોતાની કેટલીક ચીજો મૂકી રાખી હતી. હેમિંગ્વેના અવસાન પછી તેમની ચોથી પત્ની મેરીએ એ ચીજો મેળવી હતી. પોતાની સ્મૃતિ માટે થોડી ચીજો રાખીને બાકીની તેણે બ્રુસ દંપતિને આપી દીધી હતી. બ્રુસ દંપતિના પુત્ર બેન્‍જામીને પોતાનાં માવતર પાસે રહેલી આ ચીજોને હવે પેન યુનિવર્સિટી સુધી પહોંચાડી છે. આમ, હેમિંગ્વેની અનેક મૂલ્યવાન ચીજો હવે જાહેરમાં સુલભ છે, જે અભ્યાસુઓ અને ચાહકો માટે ખજાનાથી કમ નથી. અપ્રકાશિત વાર્તાઓ, હસ્તપ્રત, મુસદ્દા, પત્રો, નોંધપોથી, તસવીરો ઉપરાંત લેખકના અંગત વપરાશની કેટલીક ચીજો આમાં સામેલ છે.

સ્વાભાવિકપણે જ આ અભિગમની સરખામણી આપણા દેશમાં સાહિત્યકારોની વિવિધ ચીજવસ્તુઓની જાળવણીના અભિગમ સાથે થઈ જાય છે! આપણી ભાષાના મહાન ગણાતા સાહિત્યકારોમાંથી કેટલાની ચીજવસ્તુઓની જાળવણી આપણે કરી શક્યા છીએ? જે કંઈ છૂટાછવાયા અને એકલદોકલ પ્રયત્નો થયેલા છે એ વ્યક્તિગત ધોરણે છે. સાહિત્યકારોની આખેઆખી પેઢી વિલય થઈ અને તેમના મોટા ભાગના વારસોને સાહિત્ય સાથે સ્નાનસૂતકનો સંબંધ ન હોવાથી દિવંગત મહાન સાહિત્યકારોના આખેઆખા સંગ્રહ પસ્તીમાં અપાઈ જાય છે. આમ થાય એમાં લેખકનાં પરિવારજનોનો વાંક નથી. તેઓ આને શું કરે? આની જાળવણી કરવાનું કામ સમાજનું, સરકારનું છે.

આપણા રાજ્યની જ વાત કરીએ તો આપણે ત્યાંની સાહિત્ય સંસ્થાઓમાં જેટલું રાજકારણ ચાલે છે એટલું કદાચ કોઈ રાજકીય પક્ષમાં પણ નહીં ચાલતું હોય. હવે સાહિત્યકારોને સમાજ કે વાચક નહીં, પણ સરકાર અને કથાકારો-સંતો માન્ય કરે છે એ સાહિત્યકારોની નહીં, સમાજની કમનસીબી છે. આને કારણે સત્ત્વશીલ સાહિત્ય સર્જાવાને બદલે વ્યક્તિકેન્‍દ્રી સાહિત્યનું પ્રમાણ વધુ રહે છે. પણ આ વાત અલગ થઈ. મૂળ વાત આપણા સાહિત્યિક વારસાની જાળવણીની છે. એક તો આ કામ ગણીગાંઠી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે કરે છે. આવી સંસ્થાઓ પણ કોઈ એકાદ વ્યક્તિની દૃષ્ટિ અને ખંતને લઈને કામ કરે છે. સારું કામ કરનારાની દ્વિતીય હરોળ ઊભી થઈ શકતી નથી કે નથી એ માટેનો પ્રયાસ કરવામાં આવતો. નાણાંકીય ભંડોળ કદાચ તેમને મળી રહે તો પણ ખરી સમસ્યા જગ્યાની છે. સંસ્થાઓની જગ્યાની પ્રતિ ચોરસ ફીટ કિંમત તેની અંદર રહેલી ચીજોના મૂલ્યને હરાવી દે છે.

એવું નથી કે માત્ર સાહિત્ય કે સાહિત્યકારો બાબતે આવી સ્થિતિ છે. સાંસ્કૃતિક ઉદાસીનતા અને ઠાલા સાંસ્કૃતિક ગૌરવની બોલબાલા છે. સર્જનને બદલે હવે સર્જકો મેદાનમાં ઊતરેલા જોવા મળે છે. રાજકીય કે અન્ય વગદારોની કૃપાદૃષ્ટિ પામવા માટેના તેમના હાસ્યાસ્પદ પ્રયત્નો કરતાં વધુ વક્રતા આવા લોકોને મળતી જનસ્વિકૃતિ છે.

ઘણા બધા વિત્તવાન અને ખ્યાતનામ લેખકોની નોંધ, મુસદ્દા, નોંધપોથી, હસ્તપ્રત જેવી અનેક ચીજો કાં પસ્તીવાળાને હવાલે થઈ ગઈ હશે કાં ઉધઈનો પરિવાર તેનાથી પોષાયો હશે. આવા સંજોગોમાં ભલે અમેરિકા જેવા દૂરના દેશમાં, પણ હેમિંગ્વેની અંગત ચીજો જનસુલભ બનાવવામાં આવી એનો આનંદ ઓછો ન કહેવાય!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


નોંધ: સાંદર્ભિક તસવીરો નેટ પરથી સાભાર