પારુલ ખખ્ખર

          કોઈ અવાવરૂ તટ પર મૃતઃપાય પડેલી એક સ્ત્રી. ક્યારેક શાંત સરોવર સમજીને ભુસકો મારી બેઠેલી તે છેક દરિયાના મધ્યભાગે પહોંચી ગયેલી. એ ઊંડો અગાધ દરિયો તરવાની કંઈ એની ત્રેવડ હતી! એ તો તરતાં ય નહોતી શીખી બસ…ઝંપલાવી દીધું હતું. અંતે ન તરી શકી કે ન ડૂબી શકી, ફંગોળાતી ફંગોળાતી માંડમાંડ આ અવાવરૂ તટ સુધી ઘસડાઈ આવી હતી. થાકીને એવી તો લોથ થઈ હતી કે કિનારા પર જ પથરાઈ પડી. તું કિનારા પર જ હતો. એ નિર્જન કિનારા પર શું કરતો હતો એ હજુયે પ્રશ્ન છે પણ ખૈર…તે એને જોઈ અને દોડી આવ્યો. હાથ ઝાલીને ખેંચી લીધી. ઊંધા મોંએ પથરાયેલી એ કોઈ મરેલા ઢોરની જેમ ખેંચાઈ આવી. તેં હળવેકથી ચહેરો ઊંચો કર્યો અને નાક પાસે આંગળી મૂકી. ‘હાશ…શ્વાસ તો ચાલે છે’ એમ મનોમન બોલ્યો પણ માત્ર શ્વાસ ચાલતા હોય એને જીવતું ન ગણી શકાય એ તું જાણતો હતો. એ આખીયે પાણીપાણી હતી. આંખ,કાન,મોં,છાતી,ફેફસા અને હૃદય બધે જ ખારાંઊસ જળ ફરી વળ્યા હતા. તે ધીરજપૂર્વક ભીના વસ્ત્રોની જેમ એને સૂકાવા દીધી. હળવે હળવે એ જીવંત થઈ. તે ટેકો આપી એને બેઠી કરી,ઊભી કરી અને ચાલતી કરી. તું એને લઈ ગયો તારા નાનકડાં રજવાડામાં જ્યાં અનેક ઓરડાઓ હતા. દરેકનાં અંગત અને પોતીકા. પણ તે તો એને પૂજાઘરમાં બેસાડી, ઈશ્વરની લગોલગ. તું બેસી ગયો એનાં પગ પાસે. તારી શ્રદ્ધા,તારી આસ્થા,તારી ભક્તિ એને નવું જીવન આપતી રહી. તું જાણ્યે અજાણ્યે એને જીવવાનું, ચાલવાનું અને દોડવાનું બળ આપી રહ્યો હતો.

અચાનક  કોઈ એક મધરાતે એ ચાલી ગઈ. કદાચ એ જ્યાં હતી તે જગ્યા એનું ગંતવ્યસ્થાન ન હોય.કે પછી તારી પૂજા પ્રેમમાં પલટાઈ જાય એ પહેલા એને નીકળી જવું હોય. કારણ જે હોય તે પણ એ કારણ આપ્યા વગર જ ચાલી ગઈ એ હકીકત છે. તું એને લાવ્યો ત્યારે તો તારા માટે એ બીજા સ્ત્રી પાત્રો જેવી જ હતી. તારા રજવાડાંના અલાયદા ઓરડાઓમાં રહેતી સ્ત્રીઓ જેવી જ! પણ તે એને પૂજાઘરમાં બેસાડીને ભૂલ કરી નાંખી. તને કદાચ એમ હતું કે હમણાં ભલે અહિંયા રહેતી આગળ જતાં એક અલાયદો ઓરડો કાઢી આપશું. પણ આ નોખી માટીની બાઈ…તને સમજવાનો કે સમજાવવાનો મોકો આપ્યા વગર જ ચાલી ગઈ.એનું મડદાંની જેમ કિનારા પર ઘસડાઈ આવવું,એનું જીવી જવું,એનું બેઠાં થવું અને ચાલતાં થવું બધુ જ જાણે હમણાં જ તારી આંખ સામેથી પસાર થયેલી બાઈક જેટલું ઝડપી હતું. આ આખી ઘટના જ એક સ્વપ્ન જેવી હતી,આંખનો પલકારો યે માર્યા વગર તે એને એકધારી જોઈ હતી. એ સડસડાટ પસાર થઈ ગઈ હતી તારા મનોજગતમાંથી. તે હજું તો સપના જોવાનું શરુ કર્યું ત્યાં જ સવાર પડી ગઈ હતી. તારે પડ્યા રહેવુ હતુ આ ઘેનભરી મદહોશ દશામાં પણ એ ઝળહળાટ વાસ્તવિકતાનો શેરડો પાડતી’ક ચાલી ગઈ! તને સમજાયું જ નહી કે શું કરવું જોઈએ! શું કહીને રોકી લેવી જોઈએ આ સોનપરીને? કોઈ સમજાવટ, કોઈ કાલાંવાલાં કરી શકાય કે આગ્રહ કરીને રોકી લેવાય એવી નક્કર જમીન જ ક્યાં હતી આ સંબંધની!

અને પછી તે ઊભી કરી એક ભ્રમણાની દુનિયા,સાવ અવાસ્તવિક અને કાલ્પનિક! તું જાણતો હતો કે આ સત્ય નથી છતાં તને એમાં રમમાણ રહેવું ગમવા લાગ્યું હતું. એ દુનિયાનો તું રાજકુમાર અને એ સોનપરી. તું તારો ઘોડો લઈને નીકળી પડે એનાં મહેલે જવા. એ કોઈ સૂના ઝરુખે તારી રાહ જોતી બેઠી હોય. એ પોતાની સાડીનું દોરડું બનાવીને ફેંકે અને તું સડસડાટ એના એકદંડિયા મહેલના ઝરુખે પહોંચી જાય. કલાકો સુધી તમારી ગોઠડી ચાલે. સમય તો પોચા પોચા રૂ જેવા વાદળાની જેમ તમારી વચ્ચેથી ક્યારે પસાર થઈ જાય એની ખબર પણ ન પડે. ઘડિયાળમાં ટકોરા પડે અને એ સફાળી ચોંકી જાય. છોકરાઓને સ્કૂલે મોકલવાના હોય, પતિનું ટિફીન તૈયાર કરવાનું હોય,સાસુ માટે સૂંઠવાળી રાબ બનાવવાની હોય-આવા અંતહિન કામોનું લિસ્ટ એને પોકાર પાડે અને એ ભાગી જાય. તું ઉદાસ થઈ ઝરુખેથી નીચે ઉતરી જાય. ઘોડા પર સવાર થઈ આગળ વધવા જાય પરંતુ ક્યાંય ન જઈ શકે. મહેલની સામે અડીખમ ઊભેલા વડલાની નીચે જઈ ઊભો રહે. સોનપરી જતાંજતાં એકવાર પાછું વળી જોઈ લે. એ ઘેઘૂર વડલો, એ ઘોડો અને એ મૂછોને વળ દેતો તું જાણે કહી રહ્યાં હોય કે ‘અહિંયા જ ઊભો છું હો…ક્યાંય નહીં જાઉં. તારી ચિરઃકાળ સુધી પ્રતિક્ષા કરીશ’ સોનપરી હસીને સાડીનો છેડો કમર પર ખોંસતી’ક કામે વળગી જાય. વચ્ચે વચ્ચે ડોકિયું કરે ત્યારે તું કોઈ મૂર્તિની જેમ ઊભો હોય એ વડલાની નીચે.અવિરત પ્રતિક્ષાના પ્રતિક જેવો!

તારી આ કલ્પનાસૃષ્ટિ તારી વાસ્તવિકતા પર હાવી થઈ જાય. તારા વિચારોના પ્લેન તારા મનના આકાશમાં સતત ચકરાવા લેવા લાગે અને તું ઘેનની દવા લઈને સૂઈ જાય. તને ખબર છે આ બધા માત્ર મનને બહેલાવવાના હવાતિયાં છે. આમાંનું કશું જ સાચું નથી કે સાચું થઈ શકે તેમ નથી છતાં તારું મન તને ફરીફરીને એ વડલાની છાંયે ઘોડો બાંધીને ઊભો રહેવા મજબૂર કરી મૂકે. આંખો મીંચીને ખોલીએ એટલી જ ક્ષણોનો સહવાસ હોવા છતાં એ સોનપરી તારા ચિત્તમાંથી પળવાર અળગી થતી નથી. તું ક્યારેક થાકીને માથું ધુણાવી દે છે.અને એ ઘોડો,એ ઝરુખો,એ વડલો બધુ એકસાથે ખંખેરી નાંખે છે તો એ જાદૂગરણી કોઈ બીજા જ સ્વરુપે તારી આંખો સામે હાજર થઈ જાય છે અને તું ચાલી નીકળે છે એ મોહમયી સ્ત્રીની પાછળ પાછળ…

તારી આંગળી ઝાલીને ટહેલતી રહે એ સોનપરી લીલીછમ્મ ખેતરોમાં. તું બેહોશીની અવસ્થામાં દોરવાતો રહે એની સાથેસાથે. તને બતાવે એ ભાતભાતનાં પક્ષીઓ, ભાતભાતના વૃક્ષો,આકાશની રંગછટાઓ અને તું નાના બાળકની જેમ મુગ્ધ થઈ જોતો રહે એની પાણીદાર આંખોમાં! ચાલી ચાલીને થાકે ત્યારે એની ઓઢણી માથા પર ઓઢીને કોઈ વૃક્ષની નીચે લાંબો થઈ સૂઇ જાય તું એના ખોળામાં.તું ખોળામાં સૂતાં સૂતાં તારી ઇચ્છાઓનું પોટલું ખોલી બેસે એની પાસે.

‘સાંભળ, મારે તારો થોડોક સામાન જોઈએ છે, આપીશ?

‘શું જોઈએ છે બોલ…’ સોનપરી કુબેરનો ભંડાર લઈને બેઠી હોય એ અદાથી બોલે.

‘ખાસ કશું નહીં એક તારી મનગમતી પેન, એક ડાયરી જેમાં તારા વાંકાચૂંકા અક્ષરો હોય, તારા તૂટી ગયેલા ચશ્મા, તારા જૂના હેન્ડ્સફ્રી, માથાની એકાદી પીન, કોઈ પેચ વગરની બુટ્ટી, ઘુઘરી વાળી એકાદી ઝાંઝરી,બાંધણી પ્રિન્ટનો દુપટ્ટો,તારું ગમતું પુસ્તક અને એક એવી જણસ જેની માત્ર તને જ ખબર હોય.બોલ…આપીશ?’

‘બસ..આટલું જ!’ એ ઘુઘરીયાળું હસી પડે.

‘ના…તું ઘરડી થાય પછી એક પડી ગયેલો દાંત, એક ચમકતો રૂપેરી વાળ, ઢીલું પડી ગયેલું ડેન્ચર અને એવું બધું.’તું ભાવુક થઈ બોલે અને એ ખડખડાટ હસવા લાગે.

‘હજુ કંઈ બાકી હોય તો બોલી જા…’

‘બસ… એકાદ મારું સ્મરણ, એકાદ મારી સાથેની ઘટના, એકાદ મારા નામનો ઉજાગરો, એકાદ મારા વગરનો ખાલીપો અને તારી અંદરની તું મારે જોઈએ છે. બોલ આપીશ ને? અને જો નહીં આપે તો હું ચોરી લઈશ એ નક્કી!

અને બન્ને મીઠું મીઠું હસતા રહે.

તું એને ન ભાવતું શાક હોંશેહોંશે ખાય અને પછી મનોમન કચવાયા કરે, તું એના પત્રોની પ્રતિક્ષામાં ઉંબરે બેસી રહે, તું જ્યાં જાય ત્યાં એ તારી સાથે જ હોય એવું અનુભવતો રહે. નદીની ભેખડમાં,સ્મશાનને ઓટલે, અવાવરૂ મંદિરમાં તને એની હાજરી વર્તાયા કરે. તું પહાડની ટોચે જઈને એનાં નામની બૂમ પાડે અને સમગ્ર વાતાવરણમાં એનું નામ પડઘાયા કરે. તું એને ઝંખ્યા કરે અને તો પણ ક્યારેય સાદ ન પાડી શકે. તારી કલ્પનાઓમાં એને મળતો રહે પણ એના ગયા પછી એકપણ વખત એને મળવાની કોશીશ નથી કરી. તે હજારો વાર વિચાર્યું છે પરંતુ આજ સુધી એના ચાલ્યા જવાનું કારણ પૂછી શક્યો નથી. આખા ગામને જડબાંતોડ જવાબો આપનારો તું એક સ્ત્રી પાસેથી જવાબ માંગતા ધ્રુજી જાય છે. કદાચ તને કારણ ખબર છે પરંતુ એના મોંએ સાંભળવાની તારી હિંમત જ નથી ચાલતી.

તું પોતે પણ જે સંબંધને નામ નથી આપી શક્યો એ સંબંધને કાંચળીની જેમ ત્યજી જનાર સોનપરીથી ક્યારેક તું મનોમન રિસાઈ પણ જાય છે. મનોમન જ ઝગડે છે એની સાથે અને પછી મનોમન જ એને સજા આપી બેસે છે. તું મનોમન વલોવાયા કરે છે ‘જા…તને મારા જેવો કોઈ નહીં મળે. મારા જેવો એટલે કોઈના જેવો નહીં સમજી? હું એટલે માત્ર ને માત્ર હું મારા જેવું કોઈ હોઈ જ ન શકે. નહીં મળે જા લખી રાખ…સોનાના પતરે. હું તને ભગવાન માનું છું…હું તને મારો આરાધ્ય દેવ ગણું છું…તું જ મારો રામ અને તું જ મારો શામળો. તારી જ પૂજા કરી છે મેં. તને જ સર્વસ્વ માની છે મેં. તને જે જગ્યાએ સ્થાપી છે ત્યાં બીજું કોઈ ન હોઈ શકે.મેં તને પૂજાઘરમાં બેસાડી હતી. પૂજાઘરમાં કોને બેસાડાય ભાન છે તને! એક વાત સમજી લેજે…શરીરના પૂજારી અનેક મળશે આત્માના પૂજારી નહીં મળે.’ તું માથું ધુણાવી બધુ ભૂલવાનો પ્રયત્ન કરતો રહે. ક્યારેક એ અવાવરૂ તટ પર ચાલ્યો જાય અને કલાકો સુધી એ ક્ષણોને વાગોળ્યા કરે જ્યારે એ તને મરણતોલ  હાલતમાં મળી આવેલ.

એ નિર્જીવ પૂતળીને તે સજીવન કરી. એ શ્વાસ લેતાં ખોખાંને તે જીવતું કર્યું. એક કુંભાર જે રીતે માટીને ઘાટ આપીઆપીને મનોહર પાત્રમાં ઢાળે છે એમ જ તે ઘાટ આપ્યો એનાં ખાલિપાને. એની નિતાંત એકલતાને તે શણગારી. એનાં અંધારભર્યા ઓરડાને તે અજવાળ્યા. એની ઠીંગરાઈ ગયેલી ચેતનામાં પ્રાણ પૂર્યા. એની બુઝાવા આવેલી વાટમાં તે તેલ પૂરી આપ્યું અને એ ઝળહળતી થઈ. સુવર્ણ અક્ષરે લખાયેલી એની આજની સફળતામાં એક નાનકડો  હિસ્સો તારો પણ છે. એની યશગાથામાં એક નાનકડો ફકરો તારો પણ છે. એની આજ સુધીની સફરમાં એક નાનકડો વળાંક બનીને તું આવ્યો હતો. પરંતુ એ તો સોનપરી…આકાશની ટોચે પહોંચવા સર્જાયેલી…એ તારી સાથે કેમ રહી શકે? કદાચ આ જ નિયતિ છે અને એનો સ્વીકાર કર્યે જ છુટકો!

***

       સાંભળ રાજકુમાર,તારા જીવનમાં આવેલું એક એવું પાત્ર કે જે સાવ નાનકડો રોલ ભજવીને ચાલ્યું ગયું છે એ સોનપરી એટલે કે હું. હા, હું જ જેને તે મડદાંમાંથી સ્ત્રી બનાવી છે તે જ હું. હું જાણું છું કે મારા ગયા પછી તું મને યાદ કરતો જ હોઈશ. વિચારોના પ્લેન ઉડાડતો હોઈશ. ઉપર જણાવેલા દૃશ્યો, સંવાદો, બનાવો બધું જ મારા મનની ઉપજ છે. આ મારી અંગત દુનિયા છે જ્યાં હું જે ઈચ્છું એ જોઈ શકું. તને મારા વિચારોમાં ખોવાયેલો બતાવી શકું, મારા વિરહમાં તડપાવી શકું, મારા પછી પાગલ થઈ જતો દર્શાવી શકું, મારા પછી આત્મહત્યાના પ્રયત્નો કરાવી શકું. હું આ બધુ જ કરી શકું છું. કારણકે આ એક ભ્રમણાની દુનિયા છે.મને આનંદ છે કે હું આ રીતે મારી જાતને સાંત્વના આપી શકું છું કે ‘હા…મારા ગયા પછી કોઈને ફરક પડી શકે છે, ફરક પડતો હોય છે.’

મારા પછીની તારી અવસ્થાને શબ્દદેહ આપવો એ મારી જરુરિયાત હતી, કદાચ ફરજ પણ હતી. હું તો રસ્તા પર થાક ખાવા માટે જેના પર પગ ટેકવું છું એ માઈલસ્ટોનને પણ ભૂલતી નથી તો તને કેમ ભૂલી શકુ? ભલે ને આને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ન હોય, ભલે ને આ કાલ્પનિક જગત હોય મને એનાથી શું? હું તો આ લખીને તર્પણ કરું છું, આ લખીને તને જ અર્પણ કરું છું. તારા પ્રત્યેની કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટેનો આ એક નાનકડો પ્રયાસ. એક અલ્પજીવી સંબંધને મારી નાનકડી શબ્દ-સલામ.


સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.