નિસબત
ચંદુ મહેરિયા
પંચાયતીરાજ પ્રથાને ભારતનો પ્રાચીનતમ ભવ્ય વારસો ગણવામાં આવે છે. ‘મહાભારત’ના શાંતિપર્વમાં ગ્રામસભાનો અને કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં ગ્રામપંચાયતનો નિર્દેશ મળતો હોવાની ગવાહીઓ રજૂ કરાય છે. બ્રિટિશ શાસનકાળમાં ભારતનાં મોટાં શહેરોમાં મ્યુનિસિપલ તંત્ર દાખલ કરવામાં આવ્યું હોવાના કે આઝાદી પૂર્વે પંચાયતોની રચના સંબંધી કાનૂની પગલાં લેવાયાના દાખલા દેવાય છે.
જો કે ભારતીય બંધારણના મુસદ્દાના પ્રથમ વાચન સુધી બંધારણમાં પંચાયતીરાજનો કોઈ જ ઉલ્લેખ નહોતો. ગાંધીજીનું તે તરફ ધ્યાન દોરવામાં આવતાં ૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના ‘હરિજન બંધુ’માં એમણે લખ્યુ: ‘પંચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માંગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે. હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગુ છું.’ ગાંધીજીના આ અભિપ્રાય પછી બંધારણના બીજા વાચન વખતે પંચાયતીરાજને બંધારણમાં સામેલ કરવાની માંગ ઉઠી.પરંતુ તેમ કરતાં બંધારણના ઘડતરનું કામ વિલંબમાં મુકાવાની શક્યતા હોઈ બંધારણના માર્ગદર્શક સિધ્ધાંતોમાં પંચાયતને સામેલ કરતી કલમ ઘડીને સંતોષ મનાયો હતો.
બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો.આંબેડકર ગાંધીજીના ગ્રામસ્વરાજ અને પંચાયત અંગેના વિચારોના વિરોધી હતા. તેઓ ભારતના ગામડાંઓને સંકુચિતતા,અજ્ઞાન અને કોમવાદનું કેન્દ્ર માનતા હતા. એટલે આપણા શાસનવિધાને ગામડાને એકમ બનાવવાને બદલે વ્યક્તિને એકમ બનાવી યોગ્ય જ કર્યું હોવાનો તેમનો મત હતો.‘
બંધારણના અનુચ્છેદ ૪૦ મુજબ પંચાયતોની રચના કરવાની સત્તા રાજ્યોને હતી અને રાજ્યો તે બાબતમાં ઉદાસીન હતા. પંચાયતી રાજ રચના અંગેની બળવંત રાય મહેતા સમિતિએ તેના ૧૯૫૭ના અહેવાલમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રિસ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થાની ભલામણ કરી હતી. તેને અનુસરીને બીજી ઓકટોબર ૧૯૫૯ના રોજ રાજસ્થાનના નાગૌર જિલાના બગધરી ગામેથી પંચાયતીરાજનો આરંભ થયો. પરંતુ વરસો સુધી તમામ રાજ્યોએ ત્રિસ્તરીય પંચાયતોની રચના કરી નહોતી. રાજીવ ગાંધીના રાજકીય સલાહકારોએ એમને પંચાયતીરાજ માટે પ્રોત્સાહિત કર્યા હતા અને પછી તો એ તેમના માટે વળગણ બની ગયું હતું. રાજીવ ગાંધીની હત્યા પછી કેન્દ્રમાં સત્તાનશીન થયેલી કોંગ્રેસની પી.વી.નરસિંહરાવ સરકારે ૧૯૯૩માં ૭૩મો અને ૭૪મો બંધારણ સુધારો પસાર કર્યો હતો. તેને લીધે દેશમાં એકસરખું ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલી બન્યું હતું.
ગ્રામ પંચાયત અને નગરપાલિકા ગ્રામીણ અને શહેરી ભારતની સ્થાનિક સ્વશાસન પ્રણાલી છે. પંચાયતોની દર પાંચ વરસે નિયમિત ચૂંટણી, ગ્રામસભા અને અનુસૂચિતજાતિ-જનજાતિ માટે અનામત બેઠકો બંધારણ સુધારા પછી શક્ય બની.છે. તેમાં મહિલા અનામત અને અન્ય પછાત વર્ગો માટેની અનામત પાછળથી ઉમેરાઈ છે. સામાન્ય રીતે સત્તાથી વંચિત રહેતા આ વર્ગોને ન માત્ર સભ્યપદમાં હોદ્દાઓમાં પણ અનામત આપવામાં આવી છે. સંવિધાનની ૧૧મી અને ૧૨મી અનુસૂચિ પ્રમાણેના કાર્યો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાના હોય છે. પરંતુ આર્થિક વિકાસ, સામાજિક ન્યાય અને કેન્દ્ર તથા રાજ્યોની યોજનાઓનું અમલીકરણ તેનું મુખ્ય કામ છે. લોકતંત્ર મૂળભૂત રીતે તો વિકેન્દ્રિકરણ આધારિત શાસન વ્યવસ્થા હોવી જોઈએ એ અર્થમાં ગ્રામપંચાયત, નગરપાલિકા તથા મહાનગરપાલિકા તેના કાર્યોને જોતાં લોકતંત્રનો પાયો અને મજબૂત આધાર છે
સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. પરંતુ રીઢા રાજકારણીઓએ લોકતંત્રના આ પાયાને નબળો પાડ્યો છે.કોઈ સરકાર સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છતી નથી. તેના માટે વિકેન્દ્રીકરણ એટલે પોતાની સત્તામાં કાપ કે ભાગ.છે. ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા તેમની જરૂરિયાતો અને વિકાસ કામો માટે રાજ્ય સરકારો પર આધારિત રહે તેવું માળખું ઘડાયું છે. સ્થાનિક સ્વરાજ નામ માત્રનું છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. સ્વતંત્રતા અને સ્વાયત્તતા ત્યારે જ ખપની જ્યારે તે આર્થિક રીતે પગભર હોય પંચાયતો હોય કે નગરપાલિકા તે નાણાંની બાબતમાં રાજ્યોની દયા પર જીવે છે. તે આર્થિક રીતે તો જરાય આત્મનિર્ભર નથી જ નિયમોની જટાજૂટ અને અમલદારશાહી પણ તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેતી નથી.
સમાજના જે વર્ગોનું સત્તામાં પ્રતિનિધિત્વ નથી તેને પ્રતિનિધિત્વ મળી રહે અને લોકશાહી સમાવેશી તથા સાર્થક થાય એટલા માટે મહિલાઓ, પછાત વર્ગો, આદિવાસીઓ અને દલિતોને અનામત આપવામાં આવી છે. મહિલાઓ માટેની પચાસ ટકા અનામતનો અમલ તો થાય છે પરંતુ ખરી સત્તા તો મહિલાને બદલે ઘરનો પુરુષ જ ભોગવે છે. ખુદ વડાપ્રધાને તેમની થોડા મહિના પહેલાંની ગુજરાત મુલાકાત વખતે જાહેરમાં સરપંચ પતિ અંગે ટકોર કરી હતી. એટલે આ દૂષણ કેટલું જ્ઞાત અને વ્યાપક છે તેનો ખ્યાલ આવે છે. તો વળી અનુસૂચિત જાતિના સરપંચના માથે અવિશ્વાસની દરખાસ્તનું સંકટ સદાય લટકતું રહે છે.
પંચાયતની ચૂંટણીઓ રાજકીય પક્ષાપક્ષીથી પર રહીને લડાય છે તેવું કહેવાય છે પરંતુ ખરેખર તેવું છે ખરું? જો રાજકીય પક્ષોની સામેલગીરી અને દખલ મોટા પ્રમાણમાં હોય તો આ ચૂંટણીઓ રાજકીય પક્ષોએ તેના ચૂંટણી ચિહ્ન પર જ લડવી જોઈએ. ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી ચૂંટાયેલા પંચાયંતના સભ્યોને બદલે આખા ગામના મતદારો કરે છે. જો ગામના નાના એકમ માટે પ્રત્યક્ષ ચૂંટણી થઈ શકતી હોય તો તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયરની સીધી ચૂંટણી શા માટે નહીં ?
આઝાદીના અમૃત પર્વે લોકતંત્રના મજબૂત પાયાને લાગેલો કે લગાડાયેલો આ લૂણો ઘનબળ અને બાહુબળને કારણે છે. લોકશાહીના પ્રાથમિક પાઠ શીખવા માટે ગ્રામપંચાયત સ્તરથી ચૂંટણી ,મતદાન અને ગામનો વહીવટ શીખવો જરૂરી હતો. સરપંચની પ્રત્યક્ષ ચૂંટણી અને વરસમાં ચાર વાર ગ્રામસભાની બેઠકોની જોગવાઈથી લોકશાહી પ્રક્રિયાને અનુસરી ગામના વિકાસ કામોના નિર્ણયો સમગ્ર ગામ મળી લે તેવો ઉદ્દેશ છે. પરંતુ જેમ સત્તાના વિકેન્દ્રીકરણનો આશય બર આવ્યો નથી તેમ ગ્રામસભાઓ પણ માત્ર ઔપચારિકતા બની ગઈ છે.
મહાત્મા ગાંધીનું પંચાયતો દ્વારા સત્તાના વિકેન્દ્રીકરણનું અને અંતે ગ્રામ સ્વરાજનું સ્વપ્ન એક સપનું જ બની રહ્યું છે. જે પંચાયતી રાજને લોકતંત્રનો પાયો, આધાર અને સત્તાની મહારાણી બનવાનો ઉદ્દેશ છે તેને રાજકારણે દાસી કે પટરાણી બનાવી દીધી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.