-
પાંસઠ પછીનું પ્રભાત
સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ

જીંદગીના ત્રણથી વધુ દાયકા ગમેઅણગમે ઢસયડો કરીને માણસ નિવૃત્તિ પૈસાની જેમ જ કમાય છ ને છતાં ઘણા નિવૃત લોકોને “હું નિવૃત છું” ઈ કે’વામાં નાનપ લાગે છ. આવા લોકોને મારે થોડાક અમારા જેવા સામાન્ય માણસોના દાખલા દઇને એટલું જ કે’વું છ કે “નિવૃત્તિ માણવા માણસે અદાણી, અંબાણી, ટાટા કે બિરલા સમી સંપત્તિ સંપાદિત કરવાની જરૂર નથી પણ પે‘લાં નિવૃત્તિ માણવાની વૃત્તિ અને પછી તંદુરસ્ત, મન અને માયલાને ટાઢક દે અને પૈસે પરવડે એવી પ્રવૃત્તિઓ ઉભી કરવાની કે એમાં જોડાવાની જરૂર છે.”
સૌ જાણે છ કે માણસની જીંદગીના એની ઉંમર હારે જોડાયેલ ચાર પડાવ કે આશ્રમ છે કે જે ઓછાવધતા અંશે દરેક દેશમાં છે. મારી એકવીસમી સદીની દ્રષ્ટિએ પે’લાં ત્રીસેક વરસ બ્રહ્મચર્યાશ્રમ કે જેમાં નિર્ધારિત વ્યવસાય માટે સારું ભણતર અને તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થાવું. બીજું, પોતાની વડના સાચા મિત્રો અને એક જીવનસાથી ગોતવાં અને ઈ બેયની જરૂરે સલાહ લેવી અને વિચારીને એનો અમલ કરવો. ઉપરાંત થોડા નાનામોટા શોખો પણ પુરા પાડવા. પછી પાંસઠેક વરસ લગી ગૃહસ્થાશ્રમ કે જેમાં શક્ય એટલી કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓ પુરી કરવી અને આગામી નિવૃત્તિમાં આર્થિક અને પ્રવૃત જીવનની વ્યવસ્થા કરવી. પાંસઠ પછીનાં શરીર સાથ દે ઈ વરસો વાનપ્રસ્થાશ્રમ કે જેમાં નિવૃત્તિ છલોછલ માણવી અને અંતે જાતે ઉભા થઈને પાણીનો પ્યાલો ન લઈ સકીયેં કે ઘર ને સમાજમાં નડવા મંડીયે ત્યારે સન્યાસાશ્રમ.
માણસનું આવરદા વધતાં આશ્રમોના આ નવા ગાળા મેં વધાર્યા છ બાકી વરસો પે’લાં ભારતમાં ને અન્ય દેશોમાં ઈ ટૂંકા જ હતા જેમ કે ભારતમાં વાનપ્રસ્થાશ્રમ ૫૧થી ૫૮ વરસ લગીનો ગણાતો ને ઘણાખરા વનમાં જ ભુલા પડતા, અર્થાત ઈ ટાઢે શરીરે થાતા. પરિણામે નોકરીની ઘાણીએ જોડાયેલ માણસ મારા દાદાની જેમ એના વાનપ્રસ્થાશ્રમમાં જ બાવન વરસે નિવૃત થાતો. પછી ઈ ઉંમર વધીને પંચાવન થઇ કે જયારે મારા નાના નિવૃત થ્યા ને જો ઐછીકતાથી બીજાં ત્રણ વરસ વધુ નોકરી કરવી હોય તો અઠાવન વરસે તો મારા પપપ્પાની જેમ નિવૃત્તિ લેવી જ પડતી. યુ.એસ.માં પણ હજી હમણાં લગી બાંસઠ વરસની જ નિવૃત્તિની ઉંમર હતી ને અન્ય પશ્ચિમી દેશોમાં પણ આવી જ ક્યાંક ઉંમર હતી.
હાલમાં ભારતમાં સરકારી કે ખાનગી નોકરીમાં ફરજીયાત નિવૃત્તિની ઉંમર સું છે ઈ મને ખબર નથી પણ દરેક વ્યક્તિએ યથાયોગ્ય ઉંમરે નિવૃત્તિ સ્વીકારી નવા લોહી અને વિચારોને જગ્યા આપાવી ઈ અનિવાર્ય અને હિતાવહ છે. યુ.એસ.માં અત્યારે નિવૃત્તિની વયમર્યાદા નક્કી નથી પણ કેટલાક લોકો ૬૨માં વરસે નિવૃત થાય છ. આ લોકોને થોડા ઘટાડા હારે “સોસીયલ સિક્યોરીટી”ની આવક (સરકારી પેન્શન) મળે જો એને ઓછામાંઓછાં ૧૦ વરસ સોસીયલ સિક્યોરીટી ભરેલ નોકરી કરી હોય તો. આ આવકમાં લગભગ દર સાલ મોંઘવારી અનુસાર નાનોમોટો વધારો થાય અને જો માણસને કાયમી ખોડખાપણ હોય તો એને ડિસેબિલિટીની વધારાની આવક પણ મળે. યુ.એસ.ના હાલના નિયમો અનુસાર સરકાર તરફથી ૬૫માં વરસે સંપૂર્ણ મેડિકલ ઇન્સ્યોરન્સ કે “મેડીકેર” સાધારણ પ્રીમયમ હારે મળે છ એટલે મોટા ભાગે લોકો ત્યારે નિવૃત થાય છ. આ લોકોને સરકારી પેન્શન પણ ત્યારે વધુ મળે ને એટલે હું પોતે ૬૫માં વરસે નિવૃત થ્યોતો. વધુમાં,અમારા જેવા કે જેને એમ્પ્લોયર પેન્શન વાળી નોકરી કરી હોય એને ઈ પેન્શન પણ સરકારી પેન્શન ઉપરાંત મળે.
અમારું ૬૨થી ૬૫ વરસે નિવૃત થયેલ સાતઆઠ યુ.એસ. મિત્રોનું “યંગ એટ હાર્ટ” ટોળું અઠવાડીયે ત્રણચાર કલાક મળે છ અને અંબાઈના ઓટે બેઠા હોય એમ બેસીને ગપ્પા મારીયેં, બધાનું મન હોય તો ચારેક કી.મી. હાલીયેં ને પછી કોક સારી રેસ્ટોરાંમાં ભરપેટ લન્ચ ખાયેં. દર મહીને ફરતેફરતે ઘેર સહકુટુંબ ડિનર માટે પણ મળીયેં ને હાનીહીણ પંચાત કરીયેં કારણ કે તંદુરસ્ત પંચાત આપણી તંદુરસ્તી માટે આવશ્યક છે એમ અમે માનીયેં છ. બાકી રોજબરોજ હું પોતે સવારથી બપોર વાંચું, લખું, સ્ટોકમાર્કેટ જોવું, ગણિત ગણું, રેડીઓ સાંભળું, યુટ્યુબની મજા માણું અને વચમાં દસેક વાગે હળવો લન્ચ ખાઉં. બપોરના અઢીએક વાગે અમે બેય માણસ કોફી પીયેં, ત્રણેક વાગે હું મારાં પત્નીને રસોડામાં ચૂલેચોખે મદદ કરું ને પછી અમે બેય ચારથી સાડાપાંચ જીમમાં જીયેં. જીમમાંથી આવીને છ વાગે ડીનર ખાયેં ને નાનુંમોટું કામ પડ્યું હોય ઈ આટોપીયેં. સૂતા પે’લાં બેએક કલાક ટી.વી. જોયેં ને વિતેલા દિવસને “જનગણ…” કીયેં. વધુમાં દર બે અઠવાડિયે અમે બેય મળીને ઘર સાફસૂફ કરીયેં ને બાકી વરસ દરમ્યાન અમારાં છોકરાંઓ ઘેર આવે, અમે એને ઘેર જીયેં, બેચાર પાંચસાત હજાર કી.મી.ની રોડ ટ્રીપ લીયેં, મિત્રો હારે એકબે નવા દેશોમાં ફરવા જીયેં, વ. ઈ અમારી હાલમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ.
મારી જેમ જ વયમર્યાદાએ નિવૃત થયેલ મારા જૂનાગઢના મિત્રો પણ વલખાં માર્યા વિના મારી જેમ કે મારાથી જાજી મોજની જિંદગી જીવે છ. મારો એક મિત્ર નિવૃત શિક્ષક છે એટલે ઈ ને અન્ય મિત્રો રોજ “નિતવારીયે” શુદ્ધ ગપ્પા મારવા મળે, એકેક જણો સવાસો ગાંઠિયા ને સવાસો જલેબી ઉડાડી જાય, બબ્બે પ્યાલા પીવે ને હોઠે “પુનાપત્તી” તમાકૂનો તેજ “માવો” દબાવે. પછી બપોરે સાડાબારેક વાગે સૌ પોતપોતાને ઘેર જઈ હોજરીથી ગળા લગી ભરપેટ ખાઈ ને ફરફરાટ પંખા નીચે સુઈ જાય. ઊઠી, ચાપાણી કરી, ઘરમાં કે પાડોસમાં ગપ્પા મારે, જો દિકરા ભેગા હોય તો પૌત્રો-પૌત્રીઓ હારે પ્રવૃત્તિ કરે ને પછી બકાલે જાય કે બગીચે ફરવા જાય. વરસમાં બેત્રણ વાર આમાના ઘણા મિત્રો ભારતમાં કે દેશની બાર ફરવા પણ જાય. બાકી બધા ચોમાસે ગિરનારની ગીચ જાડીમાં રખડે, વરસાદમાં નાઈ, શિયાળે કોક જાણીતાની વાડીએ રોટલા ને રીંગણાંનો ઓળો ને ઉનાળે શાખની કેસર કેરી ખાવા જાય. આ બધા મિત્રો “બુધવારીયે” પાછા રાતના મળી હારે સમૂહ ભોજન કરે ને સુગલો કરે.
આવું જ ક્યાંક મારા જૂનાગઢના મિત્રો વડોદરે નિવૃત્તિ ભોગવે છ એનું છ. એનું ટોળું દર રવિવારે બેત્રણ કલાક એક બંધ દુકાનનાં ઓટે મળે, ગપ્પા મારે, નાસ્તાપાણી કરે ને નિર્ધારિત સમયે અને સ્થળે વરસમાં બેચાર પ્રવાસો કરે. તો મારા સનખડા, દેલવાડા, મેંદરડા, ચોરવાડ કે વિસાવદરના બાળપણના વાડીવજીફા વાળા મિત્રો એની વાડીઓમાં વધારો કરીને આરામની જિંદગી એનાં વાડીના જ ઘરોમાં અર્થાત ફાર્મહાઉસીસમાં જીવે છ ને વાડીની વિવિધ ઊપજો વેં’ચી એમાંથી સારી રીતે ગુજરાન હલાવે છ. જેને એના બાપદાદાના ધંધા સંભાળ્યા એને હવે ઈ ધંધે એના દીકરાઓને બેસાડી દીધા છ ને ઈ મિત્રો પણ નિવૃત્તિ માણે છ. જે મિત્રોએ સરકારી નોકરીઓ કરી ઈ પણ નિવૃત્તિ છાકમછોળ માણે છ. મારા આ બધા દોસ્તારું નિસ્વાર્થભાવે એકાબીજાને, કુટુંબને, નાતીને અને સમાજને ઉપીયોગી પણ બને છ.
મારો એક પરગજ્જુ ને હાંસ્યનો હરતોફરતો હિંડોળો એવો ભેરુ ભરત વૈષ્ણવ ઉર્ફે બકુ છે. એના આનંદી મિજાજને મઘ્યેનજર રાખી જો હું હળવા હૈયે કઉં તો – સૌને ઈ કે’છ કે ભાવનગર ભણીને ઈ એન્જીનીયર થ્યો છ પણ હકીકતમાં શું ભણ્યો છ ઈ તો હવે ઈ પણ ભૂલી ગ્યો છ. જો કે હું છેલ્લા બાવન વરસથી દેશ બા’ર છું એટલે સાચુંખોટું ભગવાન જાણે પણ એને મેઇનસ્વીચ બંધ કરતાં નથી આવડતી ને છતાં ઈવડો ઈ કે’છ, “હું ઊંચા ગજાનો કન્સલ્ટન્ટ ઇલેક્ટ્રીકેલ એન્જીનીયર હતો.” એકવાર હું એને જૂનાગઢમાં મળ્યો તો મને કે’, “હું હવે દેશવિદેશના ખૂણેખૂણે એન્જીનીયર તરીકે નથી પોંચી સકતો એટલે ઈ દોડાદોડી બંધ કરીને ઘરમાં જ લેડીઝ હોઝિયરીની દુકાન મેં ખોલી છ. દિનેશ, પણ ઘરના ઓટે વણનોતરે બેઠેલ કૂતરાં ને આંગણામાં ઘુસેલ ગધેડાં કોઈ લેડીઝને મારી દુકાનમાં ઘુસવા નથી દેતાં એટલે હું હવે “સ્વાન કન્સલ્ટન્ટ” થઇ ગ્યો છ.” ટુંકમાં, હું તો એમ માનું છ કે મારો આ ભેરુ જન્મ્યો ઈ દી’નો વેતની ઢસયડેથી નિવૃત જ છે.
હવે હકીહતે વળું તો બકુ સંપૂર્ણ બિનવેતની સમાજસેવામાં એટલો વ્યસ્ત રે’છ કે એને દી’ના ચોવીસ કલાક ઓછા પડે છ. એની સેવાનું ફલક જાજું ફેલાયેલ છે, દા.ત. નાતમાં, નાત બા’ર ને ગામમાં કે ગામ બા’ર કોઈ માંદું દવાખાને હોય તો ડોક્ટર પે’લાં ઈ પોંચી જાય ને દર્દી આગળ રાતોનીરાત રોકાય એટલું નહીં પણ ગાંઠના પૈસે ઈ માંદાની જરૂરિયાતો પણ પુરી પાડે. બીજું, કોઈ પણ માંદા માણસને દવા લાગુ ન પડતી હોય કે ઈ જણ નિરાશ થઇને બેઠો હોય તો બકુનું હાંસ્ય ઈ એની દવા છે ને ઘણા મરવાના માંદાને એને બેઠા પણ કરી દીધા છ. ત્રીજું, ગુજરાત કે ગુજરાત બા’ર જરૂરે કોઈ પણ મૃતદેહને નનામીમાં બાંધવાથી લઈને એની અંતિમક્રિયા લગી એની હાજરી હોય એટલું નહીં પણ ઘણીવાર એના અનુભવને લીધે અનિવાર્ય પણ હોય છ. મારી ગણત્રીએ એને ૧૫૦૦૦થી વધુ દિવગંતોને આ સેવા આપી હશે ને હજી પણ આપે છે ને એટલે ઈ હસતાંહસતાં કે’છ પણ ખરો, “જો સરકાર કાંધીયા પેન્શન આપેતો હું અદાણીને આખેઆખો ખરીદી લઉં.” ટૂંકમાં, સેવાના વિવિધ ક્ષેત્રે બકુનો અનુભવ બહોળો છે ને ઈ આધારે એના હળવા હાંસ્યથી ખદબદતાં પુસ્તકો જેવાં કે “સુહાના સફર” અને “આધ્યાત્મિક આસ્વાદ” એને લખ્યાં છ. એનાં બે મંત્રો અને એનું એના જીવનમાં શબ્દસહઃ આચરણ મને વિશેષ સ્પર્શે છે – “પોતા ઉપર હસવું, બીજા હારે હસવું, બીજાને હસાવાં ને હસી કાઢવું ઈ મારી ફિતરત છે,” ને “It’s nice to be important, but more important is to be nice.”
મારા યુ.એસ.ના બે દાક્તર મિત્રો પાંચેક વરસ પે’લાં આંઈ સામાન્યતઃ ગણાતી ૬૫ વરસની નિવૃત્તિની વય વટાવી ગ્યા છ. આ બેય પૈસેટકે સુખી છે ને એની પાસે બે આંગળીના વેઢે પણ ન ગણી સકાય એટલી સ્થાવર-જંગમ મિલકત છે એટલું જ નહીં પણ બેયનાં સંતાનો પણ એટલાં જ ગોઠવાયેલ ને સુખી છે. અમે જયારે ઈ બેયને પુછીયેં, “હવે ક્યારે નિવૃત થઈને અમારા “યંગ એટ હાર્ટ” ટોળે ભળવું છ?” તો એનો એક જ જવાબ, “અમારામાં દાક્તરી સિવાય કોઈ પણ બીજી ટેલન્ટ નથી. અમને વાંચવાલખવાનો, ગાનાબજાનાનો, વાતચીતનો કે એવો બીજો કોઈ જાજો શોખ નથી એટલે અમારાથી થાય યાં લગી કામ કર્યા કરસું.” આજ નિવૃત્તિનો સવાલ મારા જૂનાગઢના પણ અમદાવાદસ્થિત મિત્રોને પૂછ્યો તો એના જવાબો ભાતીગળ હતા, દા.ત. યુ.એસ.ના બે દાકતર મિત્રોથી પણ વધુ સ્થિતિપાત્ર અને એની ઉંમરના સાતદાયકા વીંધી ગે’લ બે મિત્રોના જવાબની સામન્યતા ઈ હતી કે ઈ બેય નિવૃત થઈને અપ્રવ્રુત થાય ને માખીમચ્છર પણ ન મારી સકે કારણ કે એનાં ભવ્ય ઘરો જીણી જાળીથી પેટીપેક બંધ છે. તો વળી ત્રીજો કે જે મારી જ ઉંમરનો ને પૈસેટકે સુખીછે એનો જવાબ, “મારે તો પેન્શન પણ પગારથી બમણું આવે છ, મારે રીટાયર પણ ઘણું થાવું છ પણ કમ્પની ક્યાં મને છોડવા દે છ ને હવે તો વળી કમ્પનીની કાર પણ તેડવામૂકવા આવે છ.”
બીજા થોડાક મારી ઉંમરની આસપાસના અને ખાધેપીધે સુખી મિત્રો કે જે નિવૃત જ છે છતાં પ્રવૃત છે ઈ દેખાડો કરવાના જવાબો, દા.ત. એક જણને મેં સવારના અગીયારેક વાગે ફોન કર્યો તો એક વાર, “હું મીટીંગમાં છું. પછી ફોન કરું.” હકીકતે આ જવાબ એને દીધો ત્યારે એને રસોડે કૂકરની ત્રીજી સીટી પાછળ વાગી ઈ મેં ફોનમાં સાંભળી. બીજી વાર એનો જવાબ, “હું દિલ્હી પ્રોજેક્ટના કામે આવ્યો છ. કાલે રાતની ફલાઇટમાં પાછો આવી ને નિરાંતે ફોન કરું.” પછી ઈ મારા ફોનની જ સાંજે ઈ ભાઈ “લો ગાર્ડન” આગળ ઉભાઉભા ચણીયાબોર ખાતાતા ઈ મેં રીક્ષામાંથી જોયું. બીજા એક ભાઈને મારી ભારતની રોકત દરમ્યાન બે વાર રૂબરૂ ને એક વાર ફોનમાં પૂછ્યું, “જલસો છે ને?” તો એનો એક જ જવાબ, “ઓહ યસ. હમણાં તો સેન્સેક્સ ઉપડ્યો છ તે જલસોએ છે ને રાત ક્યારે પડે છ ઈ ખબરે નથી રે‘તી.” હકીકતે ઈ ભાઈ એના બાપે પોસ્ટઑફિસમાં વિધવાવ્યાજે મુકેલ પૈસે જીવે છ ને ઈ ખૂટે પછી મહિનાની આખરમાં શાકને બદલે સંભારે દીવસું કાઢે છ. ત્રીજો એક મિત્ર મળ્યો ને મેં પૂછ્યું કે “યાર, તું કેમ દેખાતો નથી?” તો એનો જવાબ, “બસ, દસમના ટ્યુશનો સવારસાંજ જોરદાર ચાલે છ.” હકીકતમાં ઈવડો ઈ મેટ્રિકમાં મારી હારે ને પછી ચાર વરસે મેં કોલેજ પુરી કરી ત્યારે પણ ઈ મેટ્રિકમાં જ હતો. એક મિત્રને આખી સરગમ પણ ન આવડી પણ એનો નિવૃત્તિના સવાલનો જવાબ, “દિનેશ, અમદાવાદમાં કાંકરીયાથી કાળુપુર લગી સઁગીતના જલસા હોય છ ને મારે એમાં નિર્ણાયક તરીકે સેવા આપવી પડે છ. તું નહીં માન કે મારી ફી જલસા દીઠ રૂ.૩૦૦૦ છે ને મને અઠવાડિયાના સાતેય દી‘ ઓછા પડે છ. હવે વિચારું છ કે ફી બીજા બેએક હજાર વધારું તો જ રિટાયરમેન્ટ હું ભોગવી શકીશ.”
મારા યુ.એસ. ને અમદાવાદ વસેલ મિત્રો “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ” એવા નથી પણ ઈ ને એવા બધાને આજના “પૈસાની પેદાશ નહીં ને ઘડીની નવરાસ નહીં” ને માથા વિનાના મરઘાંની જેમ ભાગદોડ કરતા સમાજમાં “હું નિવૃત છું” ઈ કે’વામાં એક લાંછન અને નાનપ લાગે છ એમ મને લાગે છ. હા, આર્થિક જરૂર હોય તો ગમે ઈ ઉંમરે માણસે નોકરી કરવી પડે બાકી યોગ્ય ઉંમરે ને જાત હાલતી હોય ત્યારે માણસે રાજીખુશીથી નિવૃત્તિના હોડકે હલેસાં મારીને જીંદગીના પુરા ન કરેલ, ન કરી સકેલ ને નવનીત શોખનો એક નવો દરિયો ખેડવો જોયેં. હું પોતે “રિટાયરમેન્ટ કન્સલટન્ટ” નથી પણ આ બાબતે મારી વણમાગી સલાહ ટૂંકે આપું તો:
બ્ર્હ્મચર્યાશ્રમમાં તમે કોણ છો, શું છો, તમારું જીવનલક્ષ્ય શું છે ઈ વિચારો, સમજો અને ઈ મુજબ શક્ય એટલું સારું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભણો. ત્યાર પછી સારી અને શક્ય હોય તો પેન્શન મળે એવી નોકરીએ ચડો અને નાનામોટા મોજશોખ પુરા કરો. સાચા અને તમારી વડના આજીવન મિત્રો અને એક જીવનસાથી ગોતો અને જરૂરે ઈ સૌની સલાહ લ્યો અને વિચારીને એનો અમલ કરો. ગૃહસ્થાશ્રમમાં “પછેડી પ્રમાણે સોડ તાણી” જવાબદારીઓ અને મોજશોખ પુરાં કરતાં નિવૃત્તિમાં બીજા અઢીત્રણ દાયકા કાઢવાની આર્થિક – વાર્ષિક ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને – અને માનસિક તૈયારી કરો. જો બેચાર નોકરીઓ વધુ આવક માટે બદલવી પડે તો ઈ પણ કરો. બીજું, છોકરાંઓને સંસ્કાર અને અવલ ભણતરનો વારસો દયો જેથી ઈ સ્વતંત્ર અને એના પગભેર બને. વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્તિમાં છોકરાંઓ હારે કાયમી રે’વાની, એના ઉપર બોજ બનવાની કે એને ધનનો વારસો દેવાની ઈચ્છા ન રાખતાં જીવનસાથી અને મિત્રો હારે મનગમતી પ્રવૃતિઓ કરો ને ઘરમાં કે સમાજમાં ન નડવાની બાધા લ્યો. ઈશ્વર જે આપે, જેની હારે છો અને જેવા છો એનો સ્વિકાર કરો, એનું ગૌરવ લ્યો. ત્રીજું, જીવનનું ઈ પણ કડવું સત્ય છે કે ઉંમરે આપણે જીવનસાથી પણ કદાચ ગુમાવીયેં ને બે માંથી એક થીયેં તો એકલા પણ મેળાનો ઉજમ મનાવા પ્રયત્ન કરવો કારણ એકલા (લોનલી) હોવું ને એકલતા (લોનલીનેસ) અનુભવી ઈ બેયમાં હાથીઘોડાનો ફેર છે.
ટુંકમાં, સાચી વયે નિવૃત થાવ, મોજના બંધાણી બનો ને પૂછે તો સૌને છપ્પનની છાતીએ કયો, “હું નિવૃત છું, કાંઈ કરતો નથી, કરવાની ઈચ્છા પણ નથી, જરુર પણ નથી ને જલસે જીવું છ.” એમાં કોઈ નાનપ નથી કારણ આખી જીંદગી કામ કરવું એવું કોઈ લખાવીને આવ્યું નથી જો પછેડી પ્રમાણે સોડ તણો તો. છેલ્લે, અમારા જેવાં ખરતાં પાનને બંધ બેસતી ને મને ગમતી સૈફ “શૂન્ય” પાલનપુરીની એક ગઝલે આજ પૂરતી હું પણ નિવૃત્તિ લઉં છ:
“બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા
સબંધો બધા તમે માનો છ એટલા હુંફાળા નથી હોતાભૂલી જાઓ કે તમારો સૂર્ય મઘ્યાન્હે હતો એક દિવસ
આથમતા સુરજનાં બહુ જાજાં અજવાળાં નથી હોતાંઅવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી
એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતાઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો
જંપો હવે પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતાઅહમ ઘવાશે ક્યારેક ને ઈગો પણ ટકરાશે આવેશમાં
સ્વમાન સાચવજો સહુ કોઈ સંયમવાળા નથી હોતાઅફસોસમાં નીકળી જશે આયખું આખું એમ ને એમ
માણો મન ભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતામિત્રો જીંદગી અને ગણિતને જોડાશો તો ખાશો તમે ખતા
લેણદેણ હશે તો લેશો બાકી ‘શૂન્ય‘ના સરવાળા નથી હોતા.”
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બેવડી નોકરીનો કોને ભાર, કોને માર ?
નિસબત
ચંદુ મહેરિયા
અંગ્રેજી શબ્દ મૂનલાઈટનો અર્થ ચન્દ્રનો પ્રકાશ કે ચાંદની. થાય. જે શીતળતા આપે પણ આજકાલ ચર્ચામાં છે તે મૂનલાઈટિંગ કે મૂનલાઈટર્સ શબ્દનો અર્થ ઉધ્યોગોને દઝાડનારો છે.મૂળે તો તેના હાલના અર્થમાં આ શબ્દો અમેરિકાથી આયાત થઈને પ્રચલિત થયા છે. અમેરિકનોમાં પૂરક આવક માટે બીજી નોકરીની તલાશ થઈ ત્યારે આ શબ્દ જાણીતો થયો. ભારતમાં અને કદાચ દુનિયાભરમાં ઉધ્યોગ-ધંધા કે કારખાના માત્ર ડેલાઈટિંગમાં એટલે કે સૂર્યપ્રકાશમાં જ કાર્યરત નથી હોતા. મૂનલાઈટિંગ એટલે રાત્રે પણ કામ જારી હોય છે. હાલમાં મૂનલાઈટિંગનો જે વિવાદ છે તે કોઈ કર્મચારી નિયમિત સમયની નોકરી પછીના સમયમાં કોઈ બીજું કામ કે નોકરી કરે છે તે અર્થાત બેવડી નોકરીનો છે.

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો નિયમિત કામના કલાકો ઉપરાંત બીજાં કામો કરતાં જ હોય છે. જે ઉજળી નોકરીઓ કહેવાય છે ત્યાં પણ કેટલાંક બીજા કામો કરતાં હોવાનું જોવા મળે છે. શિક્ષકો નિયમિત અધ્યાપન કાર્ય કરવા ઉપરાંત ટ્યૂશન કરતાં જ હોય છે. કોઈ વાણિજ્યના અધ્યાપક કંપની કે પેઢીનું એકાઉન્ટનું કામ કરે છે. કમ્પ્યૂટર ઓપરેટર નોકરી કરવા સાથે બીજા સમયમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. વ્યાયામ શિક્ષક જિમમાં ટ્રેનર તરીકે કે સંગીત શિક્ષક ક્યાંક સંગીત વાધ્ય વગાડવા જતા હોય કે સરકારી કર્મચારી નોકરી પછીના સમયે પરિવારની દુકાન કે ધંધો સંભાળતો હોય તે સહજ મનાય છે. કોરોના મહામારી અને તાળાબંધી પછીના જે પદાર્થપાઠ મળ્યા તેના લીધે આઈટી અને ઈ કોમર્સ ક્ષેત્રમાં બેવડી નોકરીનું ચલણ વધ્યું છે. તેને કારણે જ મૂનલાઈટિંગ શબ્દ અને તેના લાભાલાભની ચર્ચા ઉપડી છે.
મૂનલાઈટિંગ કે બેવડી નોકરી અંગે ભારતના ઉધ્યોગ જગતનું મંતવ્ય એક સમાન નથી. દેશની એક ટોચની આઈટી કંપનીએ તેના કર્મચારીઓને બેવડી નોકરી અંગે પહેલા સાવધાન કરતી નોટિસ આપી અને પછી તપાસ કરતાં બેવડી નોકરી કરતાં ત્રણસો કર્મચારીઓને એક ઝાટકે છૂટા કરી દીધા. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલવરી કરતી એક કંપનીએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટના મંત્ર સાથે એના કર્મચારીઓને બીજે નોકરી કરવાની છૂટ આપી દીધી છે. આઈટી અને સ્કીલ ડેવલપમેન્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી રાજીવ ચન્દ્રશેખરે પણ મૂનલાઈટિંગનું સમર્થન કર્યું છે. આમ આ વિષયે મતમતાંતર પ્રવર્તે છે.
ગુજરાતીમાં કહેવત છે કે વહેલી પરોઢનું દળેલું અને જુવાનીનું રળેલું કામ આવે છે. અર્થશાસ્ત્રનો નિયમ છે કે દરેક વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય છે. કોવિડ મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓએ માનવીને વધુ રળવા અને માનવ મટી વસ્તુ બની પોતાનું ઉપયોગિતા મૂલ્ય વસૂલવા મજબૂર કર્યો છે. ઘણી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી હતી. જેમને કમ્પ્યૂટર કે ઈન્ટરનેટ પર કામ કરવાનું છે તેવા આઈટી પ્રોફેશનલ્સ અને અન્ય માટે ફાજલ સમય ઉભો થયો તો જે આર્થિક તંગી ઉભી થયેલી તેના ઉકેલ માટે વધુ કમાવી લેવા લલચાવ્યા. તેને કારણે આઈટી સેકટરમાં મૂનલાઈટિંગ જોવા મળી રહ્યું છે.
બેવડી નોકરીના તરફદારોનો મત છે કે કોઈ કર્મચારી તેની મહેનત અને પ્રતિભાનું ઉચિત મૂલ્ય ઈચ્છે તો તેમાં ખોટું શું છે ? વળી તેનો આશય પૂરક આવક મેળવવાનો અને વધુ સારી જીવનશૈલી અપનાવવાનો છે. જો તે આર્થિક રીતે વધુ સંપન્ન હશે તો ચિંતામુક્ત થઈને કામ કરી શકશે. તેની અસર તેની કાર્યક્ષમતા પર જોઈ શકાશે.કેન્દ્રીય મંત્રી પણ દેશના આત્મવિશ્વાસસભર યુવાનોને સ્ટાર્ટ અપ માટે તક આપવા ઉધ્યોગોને મૂનલાઈટિંગ પર પ્રતિબંધ જેવા બંધનો ન મૂકવા જણાવે છે. વિદેશોમાં જ્યાં મૂનલાઈટિંગ પ્રવર્તે છે તે દેશો આવક વધતાં વધુ કર મેળવીને ખુશ છે. એક અમેરિકી રિપોર્ટમાં બેવડી નોકરીના ચલણને લાભદાયી દર્શાવવામાં આવ્યું છે.
તેના કરતાં સાવ સામા છેડાની દલીલો મૂનલાઈટિંગના વિરોધીઓની છે. ભારતના કોઈ કાયદામાં સીધી રીતે બેવડી નોકરીનો બાધ નથી. પણ જો સરખા પ્રકારની નોકરી કે કામ હોય તો ગોપનીયતાનો પ્રશ્ન ઉદભવે છે. કંપનીની અનુમતી વિના આ પ્રકારની નોકરી વિશ્વાસઘાત કે કંપની પ્રત્યેની નિષ્ઠાનું ઉલ્લંઘન છે. કર્મચારી તેની શારીરિક ક્ષમતા કરતાં વધુ કલાક કામ કરે અને તેને પૂરતો આરામ ન મળે તો તેની અસર તેના આરોગ્ય પર પડે છે. તેને કારણે તે બંને કામને સરખો ન્યાય આપી શકે નહીં. તે કામચોરી કરે તો ઉત્પાદન અને તેની ગુણવત્તા પર અસર પડે છે. વળી આ અનુચિત, અનૈતિક તો છે જ નોકરીની શરતોનો ભંગ પણ છે.
કર્મચારી તેના કામના નિશ્ચિત કલાકો પછી કંઈ પણ કરવા સ્વતંત્ર છે. તે તેના ફાજલ સમયનો ઉપયોગ પરિવાર અને મિત્રો સાથે ગાળે, આરામ કરે કે કોઈ કામ કરે તેના પર કોઈ નિયંત્રણ લાદી શકાય નહીં. કર્મચારી કોઈ વેઠિયો મજૂર નથી કે તેના પર બીજી નોકરી નહીં કરવાની લક્ષ્મણ રેખા નોકરીદાતા મૂકી શકે. જ્યારે તેની આવક મર્યાદિત હોય અને ખર્ચ વધારે હોય તો તે બીજું કામ કરવા મુક્ત હોવો જોઈએ. ખરેખર તો નિયોક્તાએ એ વિચારવું જોઈએ કે તેના કર્મચારીને બીજા કામની આવશ્યકતા કેમ ઉભી થઈ ? શું તેને જીવનનિર્વાહ જેટલું વેતન મળતું નથી તેના કારણે તો તેને આવું કરવાની લાચારી ઉભી થઈ છે કે કેમ? તે વિચારીને મૂનલાઈટિંગના સવાલને આત્મખોજનો વિષય બનાવવો જોઈએ.
ફાજલ સમયમાં પૂરક આવક મેળવવા માટે કરવું પડતું કામ અને મૂનલાઈટિંગ કે બેવડી નોકરી વચ્ચેનો ભેદ પણ પારખવાની જરૂર છે. જો તેને મળતું વેતન જીવનનિર્વાહ માટે અપર્યાપ્ત હોય તો વેતન વૃધ્ધિ કેમ થઈ શકતી નથી ? વળી કરોડો હાથ રોજગારવિહોણા હોય અને દેશમાં બેરોજગારી ચરમસીમાએ હોય તો બેવડી નોકરીનું ઔચિત્ય કેટલું ? દીર્ઘ કામદાર-કર્મચારી લડતો પછી કામના નિશ્ચિત કલાકોનો અધિકાર મેળવી શકાયો છે. હવે ભલે કર્મચારીઓનો એક નાનકડો વર્ગ ખુદ જ તેનો ભંગ કરે પણ તેનાથી કામના આઠ કલાકના અધિકારની સાર્થકતા પર પણ સવાલો ઉઠી શકે છે. મધ્યમ વર્ગને એશોઆરામ માટે નહીં પણ ઘરના બે છેડા ભેગા કરવા જો બેવડી નોકરીનો ભાર વેઠવો પડતો હોય અને ઉધ્યોગપતિઓ તેને પોતાના પર માર તરીકે જોતા હોય તો સરકારે મૂનલાઈટિંગને અર્થવ્યવસ્થા માટે ઉપકારક કે સારી બાબત તરીકે મૂલવવાને બદલે તેના સઘળા પાસાંઓનો વિચાર કરવો ઘટે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
સાંદર્ભિક તસવીર નેટ પરથી લીધેલ છે.
-
સંવેદનાની અનુભૂતિ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સંત તિરુવલ્લુવર વણકર હતા. આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. ધીરજ ઉપરાંત આ કામ શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા.
એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત પૂછી. સંતે જવાબ આપ્યો….“ બે રૂપિયા.”
યુવકે એ સાડીના બે ટુકડા કરી નાખ્યા અને પૂછ્યું, “ હવે કેટલી કિંમત થઈ?” સંતે જવાબ આપ્યો…“એક રૂપિયો.” ફરી એ યુવકે સાડીના બે ટુકડાને ચાર ટુકડામાં વહેંચી નાખી અને પૂછ્યું, “ હવે ?” સંતે અપાર શાંતિથી જવાબ આપ્યો.“આઠ આના.” ફરી ચાર ટુકડામાંથી આઠ ટુકડા કર્યા અને પૂછ્યું,
“ ચાર આના.” સંતે જવાબ આપ્યો.
યુવક સંતને ઉશ્કેરવા સાડીના ટુકડાઓને પણ ટુકડાઓમાં વહેંચતો ગયો. અંતે સાડી લીરેલીરા થઈ ગઈ. યુવકે એ લીરાનો ગોળો વાળ્યો અને કહ્યું હવે આમાં બચ્યું છે શું કે આના પૈસા આપવાના હોય? તેમ છતાં સંત મૌન રહ્યા. થોડા અહંકાર અને વધારે તુચ્છકાર સાથે એ યુવકે બે રૂપિયા સંત તરફ ફેંક્યા અને કહ્યું, “ આ લો તમારી સાડીની કિંમત.” યુવકની આટલી ઉધ્ધતાઈ જોઈને પણ જરાય અકળાયા વગર સંતે કહ્યું,“ બેટા, જ્યારે તેં સાડી ખરીદી જ નથી ત્યારે તારી પાસે પૈસા કેવી રીતે લેવાય?” હવે યુવાન શરમિંદગી અનુભવી રહ્યો. પોતાના અપકૃત્ય બદલ ખુબ દુઃખી થઈને રડી પડ્યો અને માફી માંગી.
જરા વ્યથિત થઈને ભીના અવાજે સંતે એ યુવકને કહ્યું, “ બેટા, હવે તારા આ બે રૂપિયાથી થયેલી ક્ષતિ તો ભરપાઈ થવાની નથી. જરા વિચારી જો આ કપાસ ઉગાડવામાં સૂતર કાંતવામાં અને સાડી વણવામાં કેટલા પરિવારોએ પરિશ્રમ વેઠ્યો હશે ?”
યુવકે અપાર વેદના સાથે કહ્યું,“ ત્યારે તમે મને રોક્યો કેમ નહીં?”
સંતે ખુબ સરસ જવાબ આપ્યો,“ રોકી શક્યો હોત તો પણ તું તે સમયે તો ના જ રોકાત. પરસ્પર જીવન પ્રત્યે સાધી શકાય એવી આસ્થાની એ પળ ચૂકી જવાત. અત્યારે જે સંવેદનશીલતા તું અનુભવી રહ્યો છું તે કેળવવાની તક પણ ચૂકી જવાત.”
સીધી વાત- જે સમયે લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મારવાનો અર્થ બાકી તો સઘળા ઘા વ્યર્થ. સમજને સ્વીકારવાની શાણપણભરી માનસિકતા પર પહોંચેલી વ્યક્તિ માટે તો ઈશારો પણ કાફી છે. સમજદાર માટે ઈશારો પણ કાફી છે. નાસમજ માટે તો આખી ગીતા વાંચવી પણ અર્થહીન છે. સમજની ભૂમિકાએ પહોંચ્યા પહેલા એને ભાષણ આપવું પત્થર પર પાણી.. અને દેશી તળપદી ભાષામાં કહીએ તો ભેંશ આગળ ભાગવત.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મારોય એક જમાનો હતો, કોણ માનશે ?
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
કોઈ માણસ પોતાના રસ્તે ચાલ્યો જાય છે, એની પીઠ દેખાય છે ને કોઈ સામેથી સીધો ચાલ્યો આવે છે. આપણને એનો સીનો, એનો મોરો દેખાય છે. આપણી નજર સામે એ અલપઝલપ રહે છે ને પછી દૂર થઈ જાય છે, એમાં શી નવીનતા ? કયું વિસ્મય ? શેની જિજ્ઞાસા ?
સાચી વાત, આપણને એવું કાંઇ થતું નથી. આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે એ પસાર થતી ને અલોપ થઇ જતી વ્યક્તિ એ કોઈ એક દેહમાં પૂરાયેલી માત્ર વ્યક્તિ નહીં, પણ આખું મહાભારત હતી. સાવ બેફામ કલ્પના કરીએ, ફેન્ટેસી ગણીને ચલાવી લેવા જેવી છે, પણ કલ્પના એવી કરીએ કે એવી કોઈ નજર આપણને મળે કે પછી ચશ્મા મળે કે જેનાથી નજરે પડનાર માણસનો આખો ઈતિહાસ આપણે ક્ષણભરમાં તાગી લઇએ, તો ક્યારેક એમ તાગી લીધા પછી બીજી જ પળે હોઠમાંથી શબ્દો સરે કે “ઓહોહો… આપ ! આપ અહીં ? આ રસ્તા પર પગપાળા ? ફૂટપાથ પર એકલાઅટૂલા ચાલતા ? આ રીતે ? અરે, તમારી રેડ કાર્પેટ ક્યાં ? એકવીસ તોપો ક્યાં ગઈ ? ખેર, એ તો બધો તમારો ભપકો થયો, નામદાર! પણ તમે ભાગલા વખતે ભારત સંઘને અર્પણ કરી દીધેલાં જમીન, જાગીર, રાજકાજ, માલ, મિલકત એ બધાની પહોંચ ક્યાં ?”
પણ આવું કંઈ બનતું નથી, નજર તો અજાણ્યા હરેક માણસને અથડાઇને બીજા પર સરી જાય છે. એ નુગરીની નુગરી જ રહે છે. માણસના પહેરવેશ સુધી જાય, વય માપવા સુધી જાય, ને બહુ બહુ તો ચહેરો ઉપર ઉપરથી કેવો લાગે છે એ જોવા સુધી જાય. નકરી નજરમાં આથી વધુ હેસીયત નથી.

(મહેમૂદા બેગમ સાથે રુસ્વા) એટલે જ શાયર રુસ્વા ‘મઝલૂમી’ જ્યારે જિંદગીમાં પહેલી વાર મળ્યા ત્યારે એમ જ નજર તળેથી પસાર થઈ ગયા હતા. કોઈએ એક વાર કહ્યું કે આ ‘શાયર’ છે, ત્યારે જવાબમાં અંદરથી એમ ઉગ્યું કે ‘હશે, ઘણાય હોય’. પછી એમ પણ કોઈએ કહ્યું કે એમ નથી મિત્ર, આ તો એક વખતના મોટા જાગીરદાર, નવાબ જ કહેવાય. માંગરોળ પાસે પાજોદ નહીં ? અરે, બાંટવા પાસે! આ ત્યાંના દરબાર. આ સાંભળીને આપણે એમને દસ ટકા માર્ક વધારે આપ્યા. એકાદ સરસરી નજર વધુ એક વાર એમના વ્યક્તિત્વ પર નાખી – લાગે છે, દેખાય છે હજુ કંઈ રજવાડા જેવું એમની સુરત પર ? હા. જોવા જઈએ તો દેખાય ખરું કાંઇક સિકલ પર. બીજાઓ કરતાં કંઈક અનોખી, કંઈક વધારે રોલો પડે એવી. ત્વચામાં પણ એક જાતની સુંવાળપ દેખાય – નજરમાં ખાનદાની સાથે થોડી બેચેની પણ ઝલકે – પાતળી મોંફાડ, સાહિત્યપ્રીતિ બતાવે. જુવાનીમાં જરૂર ‘ખૂબસુરત નૌજવાં’ રહ્યા હશે. આ પછી ઓળખાણ આપનારે એવી પણ ઓળખાણ આપી કે આ તો મશહૂર શાયર અમૃત ‘ઘાયલ’ના ગુરૂ ! ત્યારે, એ દિવસોમાં પણ એ ક્ષણે અહોભાવનો ઉભરો આવી ગયો. ‘ઘાયલ’ માટે આખા ગુજરાતને ભારોભાર માન. અરે! જબરદસ્ત શાયર, જોટો ના મળે. ઓહો! ત્યારે આ એમના પણ ગુરૂ ? કેવી રીતે ?
સારો એવો સમય પસાર થઈ ગયો એમને ટગર ટગર જોયે રાખ્યે. છતાં વગર ઓળખાણ પાડ્યે, પણ આગળ ઉપર જ્યારે જૂનાગઢમાં કવિ પ્રફુલ્લ નાણાવટીએ ઓળખાણ પાડી ત્યારે મેં એમને પૂછ્યું : “આ જનાબ ઘાયલના ગુરૂ ? જરા સરખીયે વાત તો કરો ?”
“એમને જ પૂછો ને ?”
“પૂછાય ?”
“પૂછવું નહીં એ ગુનો છે.”
એ વખતે રુસ્વાસાહેબે પઠાણી પહેરવેશ પહેરેલો. ઉંચા, પડછંદ અને પહોળા ખભાવાળા વ્યક્તિત્વમાં આ પહેરવેશ જચે બહુ. લોખંડની સાવ સાદી ખુરશી પર બેસીને વિચારોમાં ગરકાવ હતા. વાળ ઉભા ઓળેલા. સફેદ થઈ ગયેલા, પણ એમાં મહેંદીથી લાલ ઝાંય પડી ગઈ હતી. એમણે એમના નોકર- (દરબારી ભાષામાં ‘માણસ’ કહેવાય)ને સિગારેટ લેવા મોકલેલા તે લઈ આવીને બે હથેળીમાં નાનકડા બાકસને ધરીને કમરેથી લળીને ઉભેલો. જાણે કે સોનાનું બિસ્કીટ ધરીને ઉભો હોય -‘કહેવું પડે. આ દૃશ્યમાં પણ ખરૂં રજવાડું!’ એમ મનોમન હું બોલ્યો. તે પછી થોડી ઔપચારિક ઓળખાણ પાડીને હળવેકથી સવાલ સેરવી દીધો : “આપ ઘાયલના ગુરૂ થાઓ ?”
એ ચોંકી ગયા. ભાવના અનેક અલટા-પલટા શકલ પર આવીને લોપાઇ ગયા. પછી જરા ખિન્ન થઇને કહ્યું : “આવું ના પૂછો, જનાબ ! દિલમાં ઉંડો ઘા પડી જાય છે. ચીરાઇ જાય છે.”
“કેમ? કેમ ?”
એમણે કહ્યું : “ઘાયલનો હું ગુરૂ નથી. ગુરૂ બનવાને લાયક પણ નથી. હું નાનકડો રાજવી હતો, પણ ઘાયલ તો મોટા શાયર. રાજવી કરતાં કવિનો દરજ્જો, એ ગમે તેટલો ગરીબ હોય તો પણ હમેશા એક વેંત ઉંચો હોય છે. મેં એમને મૈત્રી આપી અને કવિઓમાં રાજવી બનવાની એમની લાયકાતને માંજી આપી – એમણે મારા જેવા રાજવીને કવિ બનાવવાનો પ્રયત્ન કર્યો. અર્ધી સદી જૂની અમારી દોસ્તી. અમારો સહવાસ તો મારા જીવનની અણમોલ પૂંજી છે. ઘાયલની હસ્તી ના બની હોત તો રુસ્વાને કોઈ ઓળખત નહીં. મને તો તેમની કિર્તીના પડછાયામાં રોશની મળી છે, ભાઈ. ”
ધીરે ધીરે એ ખૂલતા ગયા અને એમની આખી દાસ્તાન કહી (જે મારા પુસ્તક ‘ઝબકાર’ કિરણ 3 માં એક બૃહદ લેખ રૂપે પણ છે. (ક્યારેક અહીં મૂકીશું.) અને મારા અને બીરેન કોઠારીના સંપાદનમાં બહાર પડેલા પુસ્તક ‘મારોય એક જમાનો હતો’માં પણ છે.)
**** **** ****
તા. 8 મી જૂન 1983નો શાયર અમૃત ‘ઘાયલ’નો પોતાના જીગરજાન મિત્ર પાજોદ દરબાર, શાયર રુસ્વા મઝલૂમી પરનો એક પોસ્ટકાર્ડ મારી પાસે છે. યૌવનકાળમાં થયેલો ભાઈબંધ બુઢાપામાં એ ભાઈબંધને કેવો પત્ર લખે છે ?

(ઘાયલસાહેબે રુસ્વાસાહેબને લખેલો પત્ર) “માય ડિયર બાપુ, હું ગઈ કાલે જ ચી. અયાઝને (રુસ્વાના પુત્રને) મળ્યો. આપનું ને મારી માનું સ્મરણ હતું ત્યાં જ હમણાં આપનો તા. 6-6-83 નો પત્ર મળ્યો. અને હું આ લખવા બેઠો, આભાર. આપણે ગમે ત્યાં ગમે ત્યારે વર્તમાન અથવા ભવિષ્યમાં મળીશું ત્યારે આપણે ભૂતકાળના સ્વપ્નમહેલમાં જ મળીશું, ઈન્શાલ્લાહ ! કદાચ જન્નતમાં જગ્યા નહીં હોય તો ખુદાએ અન્ય સ્થળે આપણી વ્યવસ્થા કરવાની રહેશે તેમ હું બંદાનવાઝને જણાવી ચૂક્યો છું. એ વ્યવસ્થા પણ નહીં થાય તો ‘ફિર પલટ આયેંગે હમ’. આપની નવલિકાનો બીજો સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો છે, જાણીને આનંદ થયો, મારી કોઈ પણ ગઝલ, પંક્તિ, કે હર્ફ પર રુસ્વાનો હક છે.”

(અમૃત ‘ઘાયલ’ અને રુસ્વાસાહેબ) પછીના સમયગાળામાં તો ‘અઢળક ઢળીયો રે શામળીયો’ની માફક એ બન્ને મિત્રોને પરસ્પરને ગળે હાથ ભેરવીને રડતા પણ જોયા અને ખડખડાટ હસતાં પણ. વેરાવળમાં કવિ મહેન્દ્ર ‘સમીર’(હવે તો સ્વર્ગસ્થ)ની કૃપાથી આ મોકો મને સાંપડ્યો હતો. મારા પણ એ કંઈક સંઘર્ષમાંથી જરી બેઠા થવાના દિવસો હતા. બેંકની સાવ નીરસ, છતાં રોટલો આપનારી નોકરીના યંત્રવત દિવસોમાં દિવસ તો પારકાં ધન અને નકરા રૂપિયા જ ચિતરેલા કાગળિયાં વચ્ચે જતો, પણ સાંજ ભારે મધુર, સલુણી વીતતી, તે આ રુસ્વા સાહેબની અવારનવાર મળી જતી કંપનીને કારણે( એ વિષે પણ મેં ‘ઘાયલકી ગત’ નામના મારા ઘાયલ વિષેના લેખમાં લંબાણથી લખ્યું છે. ક્યારેક એ પણ અહીં મૂકવાનો ઇરાદો છે. એ લેખ પણ ‘મારોય એક જમાનો હતો’ પુસ્તકમાં છે).

(રુસ્વાસાહેબ સાથે રજનીકુમાર) **** **** ****
એ પછી તો દિવસો વીત્યા અને મહિનાઓ. એ પછી વર્ષો અને પછી દસકાઓ – રુસ્વાસાહેબ વર્ષો લગી બાલાસિનોરના નવાબ સલાબતખાનજીના અંગત સગા અને મદદનીશની રૂએ ત્યાંના રાજમહેલમાં રહેતા હતા. એમના તાજબેગમ અને એ બન્ને એકલાં જ. પાજોદના રાજમહેલની જાહોજલાલી તો એમની પાસે એ વખતે નહોતી, પણ એમની પ્રભા, એમના ચહેરા, વાણી, વર્તણૂંક અને વ્યવહારમાં બરકરાર રહી હતી.
એ પછી પણ એમણે અનેક ગામો બદલ્યાં. સુરત પાસે ખોલવડ ગામે રહ્યા ત્યારે પણ મારી સાથે પત્રવ્યવહાર જારી રહ્યો, ને પછી સુરત પાસેનું કઠોર ગામ.

રુસ્વાસાહેબે રજનીકુમારને લખેલો એક પત્ર રુસ્વાસાહેબ જ્યાં રહ્યા ત્યાં ‘અલ્લાહ રાખે તેમ’ રહ્યા. હાથ કદાચ તંગદસ્ત રહ્યો હશે, પણ કલમની ધાર બુઠ્ઠી થઈ નહોતી. એ વૃદ્ધાવસ્થા, રઝળપાટ, અને આવકની અસલામતીના ગાળામાં પણ એમની કલમમાંથી શ્રેષ્ઠ શેરો, સુંદર ગદ્યકૃતિઓ, સંસ્મરણકથાઓ ટપકતાં રહ્યાં. ‘તમારાં નામે બધા ઓળખે છે’ એ એમનું નાનકડું પણ અત્યંત રસપ્રદ આત્મકથનાત્મક પુસ્તક બન્યું. મિત્રોને એમણે એની છૂટા હાથે લહાણી કરી, ન માની શકાય તેવા ચમત્કારોનું બયાન કરતું એમનું ‘કૌતુક’ પુસ્તક એમણે મને મોકલ્યું ત્યારે એના કથનો સાથે ભલે સાવ સંમત ના થવાય, પણ એંસીની ઉંમરે તેમણે એ પ્રકાશિત કરેલું.

(રુસ્વાસાહેબનાં કેટલાંક પુસ્તકો પૈકીનાં બે) **** **** ****
૨૦૦૮ ની સાલમાં તેમના પરમ મિત્ર અને ચાહક એવા મુંબઇના સાહિત્યપ્રેમી ‘આશાપુરા ગૃપ’ના ઉદ્યોગપતિ નવનીતલાલ શાહે તેમના જીવનની દસ્તાવેજી વિગતોને સાચવી લેવાને વાસ્તે એક ચરિત્રાત્મક પુસ્તક ‘મારોય એક જમાનો હતો’ અને એક વિડીયો ડૉક્યુમેન્ટરીનું નિર્માણ કશા પણ વ્યાવસાયિક ઉદ્દેશ વગર મારી પાસે કરાવ્યું. મેં એમાં મારી સાથે બીરેન કોઠારીને પણ લીધા. આ એકાણું વર્ષની જૈફ વયે પણ તેમને બહુ સંભાળપૂર્વક તેમના જૂના રજવાડાના ગામ પાજોદ લઇ જવામાં આવ્યા ત્યારે એ નાનકડું ગામ આખું પોતાના આ ભૂતપૂર્વ નવાબના દર્શને ઉમટ્યું અને ઢોલનગારાંથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગામની વહુ-દીકરીઓએ તેમના હાથમાં પોતાના નવજાત શિશુઓને મૂકીને આશિર્વાદ મેળવવા પડાપડી કરી. ત્યારે રુસ્વાસાહેબના કરચલીયાળા પણ ગૌર ચહેરા પર સંતોષની સુરખી છવાઇ ગઇ.
અને એથીય વધુ સંતોષ અને આનંદની લહેરખી તેમના ચહેરા ઉપર ત્યારે છવાઇ ગઇ કે જ્યારે તેમને એ વિડીયો ડોક્યુમેન્ટરી મોટા પડદે બતાવવામાં આવી. એમની જીભેથી પોતાના મિત્ર નવનીતભાઇ માટે શબ્દો સરી પડ્યા, ‘ખુદા આપકો હમેશા કે લીયે આબાદ રખ્ખે,મેરે દોસ્ત.’

(રુસ્વાસાહેબ અને નવનીતલાલ શાહ) એ જોયા પછી સંતોષના શ્વાસ સાથે 14 મી ફેબ્રુઆરી, 2008 ના દિવસે તેમણે દેહ છોડ્યો. રાજકોટના કબ્રસ્તાનમાં તેમની દફનવિધી કરવામાં આવી ત્યારે નવનીતભાઇ શાહે તેમના દેહ પર મૂકવા માટે ગુલાબના ફૂલોનો મોટો ગુલદસ્તો મોકલ્યો. એ પોતે તો આવી ના શક્યા, પણ મને એમણે પોતાની એ છેલ્લી ફરજ બજાવવાની વિનંતી કરી. અને રાજકોટના પોસ્ટઓફિસ સામેના એ કબ્રસ્તાનમાં મેં જરી નીચા નમીને રુસ્વા સાહેબના નિશ્ચેતન દેહના કાન પાસે મોં લાવીને કહ્યું; “તમારા એ દોસ્ત તરફથી આ છેલ્લો તોહફો !”

રુસ્વાસાહેબ વિશેનું દસ્તાવેજી ચિત્ર એ જ ક્ષણે ઘડીભર હવાની ધીમી લહેરખી જેવો એક આભાસ થઇ આવ્યો. શબ્દ કાને પડ્યો “શુક્રીયા!”. જાણે કે રુસ્વા સાહેબનો જ શબ્દ !
પણ બીજી જ ક્ષણે અહેસાસ થયો. એ શબ્દ તેમના પુત્ર અયાઝખાનજી દ્વારા મારા ખભે હળવો હાથ મૂકીને ઉચ્ચારાયો હતો. પણ પિતા-પુત્ર બન્નેના અવાજો એટલી બધી હદે એક જેવા હતા કે…..
હા. આત્મા પણ પ્લેબેક લે છે !
નોંધ: રુસ્વાસાહેબના દિલદાર દોસ્ત શ્રી નવનીતભાઇ શાહ ૩૦ મી જુન, ૨૦૧૫ ના રોજ નેવું વર્ષની વયે મુંબઇ ખાતે અવસાન પામ્યા.
નોંધ: પુસ્તક ‘મારોય એક જમાનો હતો’ની હવે હાર્ડ કોપી ઉપલબ્ધ નથી. સ્કેન કરેલી સોફ્ટ કોપી મેળવવા માટે લેખકનો સંપર્ક નીચે આપેલા સરનામે વ્હૉટ્સએપ યા ઇ- મેલથી સંપર્ક કરી શકાય.
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
રીક્ષાચાલકની નવ નિશાળો
વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની

૧૯૭૮
આસામના કરીમગંજ જિલ્લાના મધુરબંદ ગામમાં રીક્ષા ચલાવતાં ચલાવતાં અહમદ અલીને વિચાર આવ્યો, ‘હું ભણી ન શક્યો ત્યારે આમ મજૂરી કરીને બે ટંક ભેગા થવાનો વારો આવ્યો ને? કાલે અવતરેલ મારો દીકરો પણ એ જ રસ્તે ને?’ એ સાથે તેણે સંકલ્પ કર્યો –
’બાપીકી જમીન વેચીને એક નિશાળ બનાવીશ, જેથી ગામમાં કોઈ દીકરો અભણ ન રહે.’
અને એ સાથે એક નવી તરાહનો જન્મ થયો. બિન ઉપજાઉ ખાલી જમીનનો આમ તો કશો ઉપયોગ ન હતો. નાનકડા ગામમાં આવી જમીન ખરીદનાર પણ કોણ મળે? પણ ભેગી થયેલી થોડીક બચતમાંથી તેણે જાતમહેનત કરી એક ઓરડાની નિશાળ શરૂ કરી દીધી અને મામૂલી પગારે બાળકોને ભણાવનાર એક શિક્ષક પણ મળી ગયો. એ ખર્ચા પણ અહમદ અલી માટે ગજા બહારના હતા. હવે તેણે આખા દિવસના ધસરડાનો થાક હોવા છતાં, સાંજે લાકડાં ફાડવાનું કામ શરૂ કરી દીધું . અલબત્ત એની બે બીબીઓના કકળાટની અવગણના કરીને જ તો ને?!
પણ યજ્ઞ કામ માટે દખણા દેનારા મળી જતા જ હોય છે. ગામના ઘણા લોકોને અહમદની આ આદમિયત ગમી અને નાણાંનો પ્રવાહ ચાલુ થઈ ગયો. ધીમે ધીમે નિશાળમાં ઓરડાઓ અને શિક્ષકો ઉમેરાતા ગયા.
ધીમે ધીમે આજુબાજુના ગામોની માંગ પણ આવવા માંડી ; અલબત્ત નાણાં અને જમીનો પણ. એક અદના રીક્ષાચાલકની સંપદામાં એક પછી એક નિશાળ ઉમેરાતી ગઈ!
નવમી નિશાળ ઉમેરાઈ તે વખતે એના ઉદ્ઘાટનમાં પથેર કાંડી વિસ્તારના ધારાસભ્ય ક્રિશેન્દુ પોલ આવ્યા હતા. એ શાળાના વિકાસ માટે તેમણે ૧૧ લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરી હતી. લોકોના આગ્રહથી એ નિશાળનું નામ ‘અહમદ અલી માધ્યમિક શાળા’ રાખવામાં આવ્યું છે.

સમાજના છેવાડાના કુટુમ્બોનાં બાળકો શિક્ષણથી વંચિત રહે છે, તેનાં ત્રણ કારણો છે. ગરીબી, ગામમાં નિશાળ ન હોવી અથવા બહુ દૂર હોવી. અહમદ અલીએ જાત મહેનતથી બીજા અને ત્રીજા કારણોનો ઈલાજ પોતાના ગામ અને આજુબાજુના વિસ્તારો માટે કરી દીધો છે. આ શિક્ષણ યજ્ઞ દસકાંઓ સુધી ચાલુ રહ્યો છે. મધુરબંદ અને આજુબાજુના વિસ્તારોમાં ત્રણ પ્રાથમિક શાળાઓ, પાંચ માધ્યમિક શાળાઓ અને એક ઉચ્ચ માધ્યમિક શાળા હાલમાં વિધ્યાર્થીઓથી ધમધમે છે. પણ અલીના દિલમાં જંપ નથી. એનો સંકલ્પ શ્વાસ બંધ થાય એ પહેલાં દસમી શાળા અને બને તો એક કોલેજ સ્થાપવાનો પણ છે.
અહમદ અલીના શબ્દોમાં ….
અભણતા એ પાપ છે. એના કારણે ઘણાં બધાં દુઃખ અને દૂષણો ઊભાં થઈ જાય છે.
ભારતના પ્રધાન મંત્રી શ્રી. નરેન્દ્ર મોદીએ પણ એમના સંવાદ ‘ મનકી બાત’ ના એક હિસ્સામાં અહમદ અલીના આ પુરૂષાર્થનો ઉલ્લેખ કર્યો છે.
અહમદના સાતે સાત સંતાનો ભણી ગણીને આજે સારી રીતે સ્થાયી થયાં છે.
સંદર્ભ –
https://www.siasat.com/meet-ahmed-ali-illiterate-rickshaw-puller-became-mascot-education-1471304/
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એક ખાનગી સમાચાર!
વલીભાઈ મુસા
“હું પ્રસુતિગૃહના લેબર રૂમ સામેના બાંકડે બેઠો હતો. મારી પાસે અનસુયા બેઠી હતી, મારી બહેન. બનારસથી તેના હઠાગ્રહથી તેની ભાભીની સુશ્રૂષા કરવા અને ઘર સંભાળવા આવી હતી.
ત્રણેક વર્ષ પહેલાંનો મલ્લિકાનો પ્રથમ પ્રસુતિ વખતનો એ સમય મને યાદ આવી ગયો. અસહ્ય પ્રસવપીડા અને સિઝેરિયનની સલાહ છતાં મલ્લિકાએ કુદરતી રીતે પ્રસુતિ થવા દીધી હતી. એણે ગર્ભાવસ્થાના એ દિવસોમાં ‘માતૃત્વ’ અંગે વિપુલ પ્રમાણમાં વાંચન કર્યું હતું અને મારી સાથે શેર પણ કર્યું હતું. ઔષધશાસ્ત્ર (Medicine)ના પિતા ગણાતા હિપોક્રેટ્સનું ‘કુદરત એ શ્રેષ્ઠ તબીબ છે’ (Nature is the best Physician.) અવતરણ તેને પ્રિય હતું અને એને એ અનુસરવા માગતી હતી. કુદરતી પ્રસુતિ થવા દેવા માટે એ ત્રણત્રણ દિવસ સુધી ઝઝૂમતી રહી હતી અને અફસોસ કે આખરે તેણે મૃત બાલિકાને જન્મ આપ્યો હતો. આ દુ:ખદ ઘટનાથી એને, મને અને અમારાં સઘળાં સ્નેહીજનોને ખૂબ જ આઘાત તો લાગ્યો હતો; પણ અમે ઈશ્વરેચ્છાને આધીન થઈ ગયાં હતાં. આમ છતાંય આ વખતે બીજી પ્રસુતિએ પણ એ એના કુદરતી પ્રસુતિના ઈરાદામાં મક્કમ હતી.
એક પરિચારિકાએ અમને ભાઈબહેનને ખુશખબરી સંભળાવી, ‘કન્હૈયો અવતર્યો છે.’
‘તમે લોકોએ નામ પણ આપી દીધું!’ મેં કહ્યું.
‘અમારી સાંકેતિક નામ જણાવવાની પ્રથા છે. દીકરી હોત તો રાધા કહેત!’
‘કોઈ અન્ય ધર્મી પ્રસુતા હોય, તો પણ!’
‘ના. એમને પૂછી લઈએ છીએ, એમને પસંદ એવા સાંકેતિક નામ માટે. અમારાં મેડમને છોકરો-છોકરી, બાબો-બેબી, પેંડા-જલેબી જેવા નીરસ અને ભેદભાવસૂચિત શબ્દોમાં ખુશખબરી અપાય તે પસંદ નથી.’
થોડીવાર પછી ગાયનેક ડોક્ટર સુશીલા આહિરે અમને બેઉને પોતાના કન્સલ્ટીંગ રૂમમાં બોલાવ્યાં અને અમારા ‘કન્હૈયા’ના જન્મ વખતનાં તેમણે અનુભવેલાં ચાર આશ્ચર્યો કહી સંભળાવ્યાં. એક, પીડારહિત પ્રસુતિ; બે, બાળક રડ્યું નહિ; ત્રણ, તેણે સમજદાર બાળકની જેમ ખુલ્લી આંખે ચોતરફ નજર ફેરવ્યા કરી; અને ચાર, તેના ચાંદી જેવા ચમકતા બધા જ શ્વેત બાલ! એક બોનસ ખુશખબરી પણ હતી કે સંપૂર્ણ રીતે વિકસિત પૂરેપૂરા બત્રીસ ચમકતા દાંતની શૃંખલા!’ વધારામાં એમણે એ પણ કહ્યું કે, ‘મેડિકલ વર્લ્ડમાં આ એક મોટા સમાચાર છે. તમારા કન્હૈયાની જન્મગત ખાસિયતો અંગે હું, મિડવાઈફ ઝરીના અને બે નર્સ એમ અમે ચાર જણ; તમારી બહેન, બાળકની માતા અને તમે એમ ત્રણ મળીને બધાં કુલ્લે સાત જણ જ જાણીએ છીએ. વધુમાં અમેરિકા ખાતેના મારા પિતા સમાન અને ગાયનેક ફેકલ્ટીમાં વિશ્વભરમાં માંધાતા ગણાતા ડૉ. ફ્રેડરિક સાથે હું આ વાત શેર કરવાની છું. આમ આપણે આઠ જણ જ થોડાક સમય પૂરતાં આ ઘટનાનાં સાક્ષી હોઈશું. તમે તમારાં અન્ય સગાંવહાલાંને પણ આ અંગે કશું જ ન કહો તેવી મારી સલાહ છે. હા, તેનું સંપૂર્ણ રીતે માથું ઢંકાયેલું રહે તેવી કેપ સાથેનો તેનો ફોટોગ્રાફ મોબાઈલમાં લઈને તે લોકો સાથે જરૂર શેર કરી શકો છો. વળી હા, ફોટો લેતાં તેના દાંત દેખાઈ ન જાય તેની કાળજી રાખજો. જો એટલું પણ નહિ કરો તો એ લોકો જાતજાતની અટકળો બાંધશે. બીજું એમને જણાવી દેવાનું કે ત્રણ દિવસ સુધી બાળક કે તેની માતાને મળી શકાશે નહિ. આ બધી અગમચેતીનું કારણ એ છે કે જો આ વાત જાહેર થઈ જાય તો મિડિયાવાળાઓનાં ધાડાં ઊતરી પડે. હાલ તો માદીકરાને સંપૂર્ણ આરામની જરૂર છે.’ અમને વધામણી આપનાર નર્સને ‘કન્હૈયો’થી વિશેષ અમને કંઈપણ ન કહેવાનું જણાવાયું હશે, જેની અમને હવે ખબર પડી હતી.
હું તો આ બધું સાંભળીને અવાક્ બની ગયો હતો, પણ અનસુયા તો બોલી પડી હતી, ‘વાહ, ગ્રેટ. ઈટ્સ ક્યુટ, મેમ!’
અમારી હાજરીમાં જ એમણે કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ રિસર્ચના ગાયનેક વિભાગના પ્રિન્સીપલ ડાયરેક્ટર ડૉ. ફ્રેડરિકને ત્યાંની રાત્રિ હોવા છતાં ઉત્સાહ છલકતા ચહેરે સેલફોન જોડ્યો. તેમણે સ્પીકર ઑન રાખીને વાતચીત આરંભી, કે જેથી અમે પણ એ વાતચીત સાંભળી શકીએ. સ્વાભાવિક છે કે વાત અંગ્રેજીમાં જ હોય અને અમે બંને ભાઈબહેન અંગ્રેજી ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવતાં હોઈ અમેરિકન ઉચ્ચારવાળું અંગ્રેજી પણ આસાનીથી સમજી શકતાં હતાં. એમની વાતચીત કંઈક આ પ્રમાણે રહી હતી.
‘સર, અડધી રાત્રે ડિસ્ટર્બ કર્યા એ બદલ દિલગીર છું.’
‘નો પ્રોબ્લેમ.’ સામેથી જવાબ મળ્યો.
‘ઓળખાણ પડી?’
‘બાપ દીકરીને ન ઓળખી શકે? બોલ, માય ડૉટર.’
‘આપની સાથે હું જ્યારે ગાયનેકમાં સુપર સ્પેશ્યાલિટી કરતી હતી, ત્યારે આપે એક વાત કહેલી યાદ અપાવું. આપે કહ્યું હતું કે અમારા પૂર્વના કોઈક ધર્મસંસ્થાપક જન્મ્યા હતા, ત્યારે તેમના માથાના બાલ સફેદ હતા અને એમને ‘વૃદ્ધ રાજકુમાર’નું લાડલું નામ આપવામાં આવ્યું હતું. વળી આપે એ પણ કહ્યું હતું કે હજારો વર્ષોના આંતરે અબજો બાળકોના જન્મના કિસ્સાઓમાં કોઈ એકાદ જવલ્લે (Rarest of the rare) જ આવું બાળક જન્મે. મારા મેટરનિટી હોમમાં હમણાં જ એવું માથે સફેદ બાલવાળું એક બાળક જન્મ્યું છે. વળી બીજી ત્રણ વિશેષતાઓ એ છે કે એ બાળકે જન્મતાં તેની માતાને કોઈ વેદના આપી નથી, તે રડ્યું પણ નથી અને સૂમસામ સમજદાર બાળકની જેમ આસપાસ ઊભેલાંઓ સામે પોતાની નજર ફેરવ્યે જાય છે. આપ સમજી શક્યા હશો કે મેડિકલ સંશોધનના ક્ષેત્રમાં આ એક ટિપીકલ કેસ કહેવાય અને એનો અભ્યાસ થવો જોઈએ. અને હા, એક વાત તો કહેવાનું ભૂલી જ ગઈ કે તે દાંતની પૂરેપૂરી બત્રીસી ધરાવે છે. ’
‘એ બાળકનાં પેરન્ટ્સ હાજર હોય તો હું તેમની સાથે વાત કરી શકું?’
‘યેસ, યેસ, વ્હાય નોટ? હોલ્ડ ઓન, પ્લીઝ; એન્ડ ટૉક વિથ મિ. રણબીર ચાવલા.’
‘કોન્ગ્રેટ્સ મિ. ચાબલા. આપના ત્યાં દિવ્ય બાળક અવતર્યું છે. તે જન્મથી જ જિનિયસ છે. અભિનંદન. અમે તેના ઉપર રિસર્ચ કરવા માગીએ છીએ. મારી પાસે મિ. બિલ ગેટ્સ અને મિ. વૉરન બફેટના સંયુક્ત ચેરિટી ફંડમાંથી અસાધારણ એવી કોઈ મેડિકલ રિસર્ચ માટે અનલિમિટેડ ગ્રાન્ટની ઑફર છે. આપના બાળકના સમાંતરે અને ઉપલાં સ્તરે લોહીના સંબંધે જોડાયેલાં તમામ સગાંવહાલાંને પરમેનન્ટ અમેરિકન વિઝા, રોજગાર, નિવાસસ્થાન અને એ બાળકના ભણતરના તમામ ખર્ચને પૂરું પાડવામાં આવશે. અમારે બાળકની સાથે બ્લ્ડ રીલેટેડ તમામ સગાંઓને પણ ચકાસવાં પડશે અને એટલા માટે જ અમે તેમને બોલાવીએ છીએ. આ ખુલાસો એટલા માટે કે આપ આને પ્રલોભન ન સમજી બેસો. આ રિસર્ચ અમે જગતનાં તમામ જન્મનારાં બાળકો જન્મથી જ જિનિયસ હોય એ માટે નથી કરતા અને એ થઈ શકે પણ નહિ. અમે તો કંઈક એ શોધવા માગીએ છીએ કે જેના થકી ઓછામાં ઓછું મંદબુદ્ધિ ધરાવતાં બાળકોને નોર્મલ બનાવી શકીએ. આપને આ બધી જે ઑફર કરી રહ્યો છું તે માટેનો સત્તાવાર અધિકાર મારી પાસે ન હોવા છતાં મને વિશ્વાસ છે કે એ બધું હું મંજૂર કરાવી શકીશ. વધારામાં અમારી એક મુખ્ય ઑફર કે એ બાળકના નામે તમે કેટલા ડોલર રિઝર્વ કરાવવા માગો છો તે અમે આપના ઉપર છોડીએ છીએ. મેડિક્લ રિસર્ચમાં આપ સહકાર આપશો એ અમારે મન મોટી વાત છે અને તેથી જ એક બિલિયન ડૉલર સુધીની આપની માગણી અમે હોંશેહોંશે સ્વીકારી લઈશું. હવે આપ ડૉ. સુશીલાને ફૉન આપશો, મિ. રાનબીર?’
અમે હજુસુધી અમારા કન્હૈયાને જોયો પણ ન હતો અને આ બધું જે થઈ રહ્યું હતું તેનાથી હું તો સ્તબ્ધ બની ગયો હતો. મારે કબૂલ કરવું પડશે કે મારી બહેન અનસુયા કે જે મારી પાસે જ બેઠેલી હતી, તે મારા કરતાં વધારે પરિપક્વ, શાંત અને સ્વસ્થ (Matured, calm and comfortable) લાગતી હતી. તેણે સહજભાવે ડૉ. સુશીલાને મિ. ફ્રેડરિક સાથે વાતચીત ચાલુ રાખવાનું કહીને અને મને ઊભા થવાનો ઈશારો કરતાં કહ્યું, ‘અમે અમારા ક્ન્હૈયાને જોઈ તો લઈએ, એ પહેલાં કે દુનિયા આખીયમાં…!’. ગોપનીયતા જાળવવાનો ખ્યાલ આવી જતાં તેણે વાક્ય કાપી નાખ્યું.
ડૉ. સુશીલાએ ‘ભલે’ કહીને પોતાની ફોન ઉપરની વાત ચાલુ રાખી હતી.
અમે ડૉ. સુશીલાની ઑફિસમાં હતાં તે દરમિયાન મલ્લિકા અને અમારા કન્હૈયાને લેબર રૂમમાંથી ડીલક્ષ રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
ચેમ્બરમાંથી બહાર નીકળતાં જ બહાર ઊભેલી મિડવાઈફ મિસિસ ઝરીના પઠાણ અમને ડીલક્ષરૂમ ભણી લઈ જવા માંડી. રસ્તામાં તેણે કહેવા માંડ્યું, ‘મેડમની સૂચનાથી રૂમની બહાર ત્રણેય શિફ્ટ માટેના વૉચમેન નિયુક્ત થઈ ગયા છે. એ લોકોને પણ રૂમની અંદર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તમારાં બંને માટેના આ સ્પેશ્યલ પાસ છે. મેડમે કહ્યા મુજબ ત્રણ દિવસ સુધી સઘળી વાતને ગુપ્ત રાખવાની છે, એની ખબર છે ને ! આશા રાખું કે આપ બાળક અને તેની માતાના હિતમાં આ બાબતે સહકાર આપશો જ. Any Question?’
‘No, please’, મેં જવાબ વાળ્યો.
જેવાં અમે રૂમમાં દાખલ થયાં કે તરત જ મલ્લિકા રાડ પાડતાં બોલી ઊઠી,’જો જો, રણબીર! પ્રભુએ આપણને દિવ્ય બાળકની ભેટ ધરી છે! અનસુયા, મારી બહેના! હવે ફોઈ તરીકે તારો હક્ક બને છે, આપણા લાડલાના નામકરણનો! હાલથી જ વિચારવા માંડ, કેમ કે ડૉ. સુશીલાના આ ક્લિનિકમાં નવજાત બાળકનું નામ ચોવીસ કલાકમાં આપી દેવું પડતું હોય છે.
* * *
આજે અમારી ડૉ. સુશીલા સાથેની મિટીંગ મલ્લિકાના રૂમમાં જ ચાલી રહી હતી. અમે ડૉ. ફ્રેડરિકની ઑફરને સ્વીકારી લેવાના નિર્ણય ઉપર આવી ગયાં હતાં. અમારાં મધ્યસ્થી તરીકે મેડમ જ હોઈ અમારે કેટલાક અગત્યના ખુલાસા કરવાના હતા. હું અને મારું કુટુંબ તો તાત્કાલિક અમેરિકા જઈ શકીએ તેમ હતાં. આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજરપદે હું હતો અને આ બેંકની ઓવરસીઝ ઘણી શાખાઓ પૈકી કેલિફોર્નિયામાં પણ એક શાખા હતી. અમારાં બ્લડ રિલેટેડ સગાં માટે તો અમેરિકન ગવર્ન્મેન્ટ તરફથી સઘળી કાર્યવાહી થવાની હતી એટલે એમની અમને ચિંતા ન હતી. અમારી મૂંઝવણ તો અમારા કન્હૈયા અંગેની હતી. જો અમારે એ લોકોને રિસર્ચ માટે કન્હૈયાને સોંપી જ દેવાનો હોય તો આ ઑફર અમને માન્ય ન હતી. મેં ડૉ. સુશીલાને પૂછ્યું,’શું અમેરિકા ગયા પછી અમારે અમારા દીકરાથી છૂટાં પડી જવું પડશે?’
‘હું વધુ અભ્યાસ અર્થે અમેરિકા રહી ચૂકી છું. આ પ્રકારનું રિસર્ચનું કામ કેવી રીતે થતું હોય છે તેનો મને પ્રત્યક્ષ પરિચય છે અને મેં ડૉ. ફ્રેડરિકને ઝીણામાં ઝીણી વાતો પૂછી પણ લીધી છે. તમારે ત્યાં નોર્મલ ફેમિલી લાઈફ જીવવાની છે. તમને ખબર પણ નહિ પડે કે તમારા દીકરા ઉપર કોઈ રિસર્ચનું કામ થઈ રહ્યું છે. તમારા નિવાસસ્થાને તમામ ઓરડાઓમાં ક્લોઝ સર્કિટ કેમેરા થકી ખૂણેખૂણામાં તમારા બાળકની થતી પ્રત્યેક હિલચાલની માહિતી એ લોકોને મળતી રહેશે. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પણ ઘરમાં ગોઠવાયેલાં વિવિધ ઉપકરણો પાસેથી રિમોટ કન્ટ્રોલ દ્વારા મેળવી લેવામાં આવશે. ત્યાંની મેડિકલ એન્જિનિયરીંગ સિસ્ટમ અહીંના કરતાં એટલી બધી એડવાન્સ છે કે બાળકના કે તમારાં સગાંસંબંધીના લોહીના પરીક્ષણ માટે એક ટીપુંય બ્લડ પણ લેવામાં નહિ આવે. આ બધી અમારી મેડિકલની વાતો છે, જે આપને નહિ સમજાય. બીજું અમેરિકનો વ્યક્તિની પ્રાયવસીને બહુ જ માનસન્માન આપતા હોય છે. આપ ચોવીસે કલાક દરમિયાન જ્યારે અને જેટલા સમય માટે પ્રાયવસી ઇચ્છો ત્યારે જામર (Jammer) ઉપકરણ (Device) દ્વારા બધીજ સિસ્ટમને સ્થગિત કરી શકશો. દીકરાની અભ્યાસકીય કારકિર્દી અંગે તમારે કશું જ કરવાનું નહિ રહે. તમારે તો એને માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ આપવાનો છે. તમારો કન્હૈયો, સોરી હવે તો ‘પલ્લબીર’! તમે લોકો પણ ઓછાં જિનિયસ તો નથી જ હોં ! કેવું તમારાં બંનેનાં નામોને જોડીને બનાવેલું સંયુક્ત (Compound) નામ! એકદમ અનન્ય (Unique)! હું કહેતી હતી કે પલ્લબીર એવો જિનિયસ છે કે તેને એકલાને એજ્યુકેશનના નિષ્ણાતોની એક મોટી ફોજ એ જે દિશામાં ભણવા માગશે તેમાં ભણાવશે. કોને ખબર કે એ પલ્લબીર કોણ જાણે કેટકેટલાય આવિષ્કારો જગતના ચરણે ધરીને ભારતનું નામ રોશન કરશે, જેનો તમામ જ્શ પહેલો ઈશ્વરને અને પછી તમારા લોકોના ફાળે જશે.’
‘અને એ જશ આપને, ડૉ. ફ્રેડરિકને અને પેલા બિલ ગેટ્સ તથા વૉરન બફેટ જેવા મહાનુભાવોને નહિ?’
‘મને બાદ કરતાં એ લોકોને તો ખરો જ!’
‘આપને બાદ કરીને કેમ? આ સઘળી પ્રક્રિયામાં આપ જ તો મુખ્ય ચક્ર (Fly-wheel) છો ને!’
‘ના, બિલકુલ નહિ. હું તો નિમિત્ત માત્ર જ છું. જે કંઈ થયું તે હરીચ્છાએ જ તો!’
* * *
એ દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમેરિકા માટેનું એર ઇન્ડિયાનું બોઈંગ-૭૦૭ વિમાન ટેક-ઓફ તો થયું અને બાવીસ કલાકે કેલિફોર્નિયા લેન્ડ પણ થયું હશે; પરંતુ દઈ જાણે કે એમાં પેસેન્જર તરીકે ચાવલા દંપતી અને એમનો જિનિયસ પુત્ર પલ્લબીર હશે કે કેમ અને વળી મિ. ફ્રેડરિક અને તેમની ટીમ તેમને રિસીવ કરવા માટે એરપૉર્ટ ઉપર આવ્યાં હશે કે કેમ !!!”
* * *
આંતરરાષ્ટ્રીય રીતે ખ્યાતનામ એવા ‘Life’ અને ‘Time’ મેગેઝિનના જોડાણથી બનેલા નવીન મેગેઝિન ‘Lime’ દ્વારા આયોજિત ‘ઈન્ટરનેશનલ એબ્સર્ડ સ્ટોરી કૉમ્પિટિશન’માં આ વાર્તા ‘Late entry’થી કમનસીબ પુરવાર થઈને સ્પર્ધાની બહાર રહી જવા પામી છે. – એક ખાનગી સમાચાર!
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો | હળવા મિજાજે -
અ – મંગળસૂત્ર
નયના પટેલ
દિવ્યાએ સ્કૂટીની ડિકિમાંથી ગાઉન કાઢી પહેર્યો અને સામે દેખાતી ચાલી જેવા મકાન તરફ આગળ વધી.
હા, પોલીસસ્ટેશનમાંથી મેળવેલા સરનામા પ્રમાણે તો અહીં જ એ રહેતા હોવા જોઈએ.
દૂરથી એણે જોયું કે ચાલીની વચ્ચે આવેલા એક ઘરના ઓટલે કોઈ વ્યક્તિ આરામખુરશીમાં બેસીને ન્યુઝપેપરને સાવ આંખ પાસે રાખીને, વાંચતા તકલિફ પડતી હોય તેમ વાંચતી હતી.
છ વર્ષ પહેલા જોયેલી એ વ્યક્તિ દિવ્યાની આંખ આગળ આવી ગઈ…..હા એણે તે દિવસે જાડા કાચના ચશ્મા પહેર્યા હતાં. આ જ…. આ જ એ મનસુખભાઈ હોવા જોઈએ.
આ વખતે દિવ્યા બે કાળમાં સાથે જીવતી હતી – વર્તમાન અને ભૂતકાળ.
ભૂતકાળને દિવ્યાએ સશક્ત વર્તમાનકાળમાં ફેરવી નાંખ્યો હતો અને છતાં ય…..એના ઓળા તો હજુ ય ક્યારેક એને અકળાવી જતા હતા.
તે દિવસે શરીર પર અસંખ્ય ચકામા, ફાટેલા હોઠ અને સૂજી ગયેલા મોં લઈને ડરતી ડરતી પોલીસચોકીમાં એ પ્રવેશી હતી. અને આજે એ જ દિવ્યા મક્કમ અને આત્મવિશ્વાસથી ભરપૂર ચાલ સાથે મનસુખભાઈ સામે જઈને ઊભી રહી. દિવ્યાને ખાત્રી હતી કે સામે બેઠેલી વ્યક્તિની યાદશક્તિને ઢંઢળોવી પડશે.
સામે કોઈ આવીને ઊભું છે એની અનુભૂતિ થતાં જ મનસુખ નામની એ વ્યક્તિએ નેજવું કરી જોયું. એક તો નબળી આંખ અને તેમાં સામેથી આવતો તડકો. કાંઈ ગમ પડે તે પહેલાં દિવ્યા નમ્ર સ્વરે બોલી, ‘કેમ છો મનસુખભાઈ?’
સાવ જ અજાણી વ્યક્તિને પોતાના નામ સાથે બોલાવતી સાંભળીને મનસુખ અચરજથી જોઈ રહ્યો, ‘તમે કોણ?’
‘જેશ્રી કૃષ્ણ’ કહી એ વધુ નજીક જઈને ઊભી રહી.
પેપરને બાજુ પર નાંખી એ હજુ પણ અવઢવભરી આંખે દિવ્યાને જોઈ રાહ્યો. યાદદાસ્તને ઢંઢોળવા લાગ્યો પણ કંઈજ એટલે કંઈજ યાદ આવતું નહોતું!
વળી સામે ઊભેલી વ્યક્તિને વકીલના ગાઉનમાં સજ્જ નજરે પડતાં તો મનસુખ એકદમ જ ગભરાઈ ગયો.
લુંગી સંભાળતો એ ઊભા થવાની ગડમથલ કરતો હતો ત્યાં તો ઘરની અંદરથી એક યુવાન છોકરી બહાર આવી. પગથિયા પાસે કોઈ વકીલને ઊભેલા જોઈ અને પિતાને બહાવરા બની ઉઠવાની જહેમત કરતાં જોઈ એ પણ મુંઝાઈ. હજુ તો ઘરમાં એને ડિવોર્સ લેવા છે એ વાતે રોજ વાદ વિવાદ ચાલે છે તેમાં કોઈ વકીલને અચાનક ઘર આંગણે જોઈને એનું અચરજ ક્ષણભરમાં શંકામાં ફેરવાય ગયું.
રડી રડીને સૂજી ગયેલી આંખોમાં ન સમજાય તેવા ભાવ સાથે આગંતૂક તરફ જોતાં જોતાં એ યુવતી મનસુખને ખભેથી પકડી ફરી ખખડધજ આરામખુરશીમાં બેસાડી, કંઈક નિશ્ચય સાથે ઊભી રહી.
મનસુખના ઘરની પરિસ્થિતિથી સાવ અજાણ દિવ્યાને પણ મનસુખનાં ઘરના વાતાવરણમાં ભાર વર્તાયો તો ખરો પણ હવે આવી જ છે એટલે બને એટલી સહાનુભૂતિથી બોલી, ‘તમે લોકો જરાય ગભારાઓ નહીં, મારું નામ દિવ્યા છે અને હું મનસુખભાઈને મળવા આવી છું. હું કોર્ટ તરફથી નથી આવી.’ કહી પગથિયા પર બેસવા ગઈ.
પેલી છોકરી હાંફળી ફાંફળી બોલી, ‘સોરી મેમ, ત્યાં નહી….ત્યાં નહી બેસો. હું ખુરશી લઈ આવું છું.’ એ બોલી રહે તે પહેલાં તો પગથીયું સાફ કરીને દિવ્યા બેસી પણ ગઈ હતી, ‘તું ચિંતા ન કર બેન. મારી પાસે પણ ઝાઝો સમય નથી.’ કહી ‘તને વાંધો ન હોય તો તું ય બેસ.’ કહી પગથિયાનો સામેનો ખૂણો બતાવ્યો.
આરામખુરશીમાં ઉભડક બેઠેલા મનસુખનું અચરજ અને ગભરાટ સેળભેળ થઈ ગયા હતાં.
દિવ્યાએ મનસુખને ભૂતકાળમાં ઘસડી લઈ જતાં પૂછ્યું, ‘મનસુખભાઈ, આજથી લગભગ છ વર્ષ પહેલાં તમને ચોકડીના પોલીસસ્ટેશને મળી હતી. તમને કદાચ યાદ એટલા માટે હશે કે આપણા આ તાલુકામાં હું પહેલી સ્ત્રી હતી કે જે સાસરિયા પર ફરિયાદ નોંધાવા આવી હતી. યાદ આવે છે?’
એ સાંભળી મનસુખને એની યદદાસ્ત પર વધારે જોર આપવું ન પડ્યું.
‘હા, હવે યાદ આવે છે…….(યાદદાસ્તને ભૂતકાળમાંથી બહાર ખેંચી લાવવાની મનસુખની ગડમથલ દિવ્યા જોઈ રહી).
આગંતુક એના સાસરાના વકીલ બની નથી આવી એ સાંભળી પેલી યુવતી રીલેક્ષ થઈ. હવે એને ખ્યાલ આવ્યો કે એણે એની ઓળખાણ હજુ આપી નથી.
વચ્ચે જ એ બોલી, ‘ મેમ, પાણી પીશો, મારું નામ હીના છે. આ મારા પપ્પા છે.’
દિવ્યાએ મમતાળુ સ્વરે કહ્યું, ‘ના, હં, મારે પાણી નથી જોઈતું. થેંકયુ.’
અચાનક મનસુખને એ ભર બપોરે માથું અને મોં ઢાંકીને પોલીસસ્ટેશનમાં પ્રવેશેલી પેલી કુમળી છોકરી યાદ આવી ગઈ, ‘ હા, યાદ આવ્યું…… તું…. તને…..તમને…
દિવ્યાથી મલકી જવાયું. તે દિવસનું મનસુખનું તુમાખીભર્યું વર્તન એને યાદ આવી ગયું!
‘ મને ‘તું’ કહેશો તો ચાલશે, મનસુખભાઈ. મને પણ કોર્ટમાં જવાનું મોડું થાય છે એટલે તમારા મગજને વધુ તસ્દી ન આપતાં તે દિવસ તમને યાદ કરાવી દઉં…….
કાળઝાળ ગરમીનો બપોરનો સમય હતો. ચા પીને એકાદ ઝોકું મારી લેવાની ઇચ્છાથી હજુ તો મનસુખ દરોગો ચાને રકાબીમાં કાઢવા જાય છે ત્યાં મોઢાંને બને એટલું ઢાંકવાનો પ્રયત્ન કરતી ગભરાતી ગભરાતી ચોકીમાં પ્રવેશતી એ છોકરીને મનસુખે અંગુઠાથી માથા સુધી જોઈ હતી અને સાથે ચાની ચુસ્કી લેતો લેતો વ્યંગમાં બોલ્યો હતો, ‘બોલ કોની સામે ફરિયાદ દાખલ કરવા આવી છે? સાસરિયા કે વર સામે?
માંડ માંડ રુદનને કાબુમાં રાખતા એ બોલી હતી, ‘બન્ને’
‘જા, જા, ઘરે જા અને સુલેહ કરી લે, બૈરાની જાતને તે વળી…..(ગાળ ગળી જઈ મનસુખે એને વણમાંગી સલાહ આપી હતી.)
મક્કમ થઈને દિવ્યા તે દિવસે જો બેસી ન રહી હોત તો તેનામાં બાળક જણવાની લાયકાતને સાબિત કરતાં રહેવું પડતે, આખ્ખીને આખ્ખી જીંદગી.
‘તમે મારી વાત પહેલા સાંભળશો કે નહીં?’ દિવ્યામાં હવે બોલવાની હિંમત ફૂટી નીકળી હતી.
હજુ ય મનસુખ તો સલાહ આપવાના મૂડમાં હતો, ‘તે સામે ન બોલવાનું અને કહે તેમ કરતી રહે તો આમ માર ન ખાવો પડે અને ફરિયાદ….’
એને અધવચ્ચે અટકાવીને એ બોલી હતી, ‘મને માર ખાવાનું મન નથી થતું, ભાઈ’ એનાથી સાવ અજાણતામાં થઈ ગયેલા ‘ભાઈ’નાં સંબોધને કદાચ મનસુખને પિગળાવ્યો હશે, ‘ચાલ, બોલ, પહેલા તો તારું નામ.’ કહી દિવ્યા સામે જોઈને પેન્સિલની અણી કાઢવા લાગ્યો હતો.
‘દિવ્યા.’
‘હં, આગળ બોલ, કેમ મારી?’
થોડીવાર ચૂપ રહી થોડા સંકોચ સાથે બોલી હતી, ‘બાળક નથી થતું એટલે મારી તપાસ કરાવવા કહે છે.’
‘હા, તેમાં ખોટું શું છે, છોકરી?’
પુરુષ સામે આવી વાત કહેતાં યુગોથી સ્ત્રીને સંકોચ – શરમ વારસામાં મળ્યા છે, ‘મેં મારી એકલીની નહી પણ અમારા બન્નેની તપાસ કરાવવાનું જ માત્ર કહ્યું હતું.’
પેન્સિલ છોલતો મનસુખ અટકી ગયો, ‘તારું આખું નામ નથી કહ્યું તેં. દિવ્યા કેવા?’
‘દિવ્યા સુથાર’
તું ગામના સરપંચની…’
‘હા, એમના દીકરા રાહુલની વહુ છું.’
હવે તો કોઈ પણ હિસાબે ફરિયાદ નોંધાય જ નહીં.
પેન્સિલ ટેબલ પર બેદરકારીથી ફેંકી માથા પાછળ બન્ને હાથ રાખી બેઠો અને કડકાઈથી બોલ્યો, ‘તું ઘરે જા અને શાંતીથી રહે અને બીજાને…’
‘તો તમે ફરિયાદ નહીં લખશોને?’ પછી થોડું વિચારીને બોલી હતી, ‘ધારો કે તમારી દીકરીને બાળક ન થતું હોય તો દીકરીની જ તપાસ થાય કે બન્ને પતિ – પત્નીની?’ એણે સીધો જ પ્રશ્નનો ઘા કર્યો હતો.
મનસુખ ક્ષણવાર માટે મુંઝાઈ ગયો હતો. છોકરીની વાત તો સાચી છે પણ સરપંચના ઘરને દુનિયાનાં છાપરે ન જ ચઢાવાય.
ચૂપચાપ એણે દિવ્યા સામે જોયા કર્યું હતું.
‘અને તમારી દીકરી જો વિવેકથી પણ મક્કમતાથી કહે કે અમે અમારા બન્નેની તપાસ કરાવીશું. ત્યારે તમારી દીકરીને જોરાવર સસરો, માથાભારે સાસુ અને માવડીયો વર માર મારે અને છતાં તમે તમારી દીકરીને ચૂપચાપ સુલેહ કરી લેવાની સલાહ આપશો?’
આવા બેધડક સવાલનો જવાબ આપવાની બુદ્ધિ કે હિંમત મનસુખમાં નહોતી જ, ‘છોકરી તારે તો વકીલ બનવા જેવું હતું. જા, બાઈ, ઘરે જા અને વડિલ જેમ કહે તેમ કર’ કહીને ફરિયાદ બુક બંધ કરી ઘરે જવાની તૈયારી કરતો હોય તેમ માથે પોલીસ હેટ મુકી અને દીવ્યાને રસ્તો બતાવી દીધો હતો.
બ…..સ આ વાક્યે દિવ્યાની કુંઠિત થઈ ગયેલી બુદ્ધિનાં દરવાજા પર દસ્તખત કર્યા.
આખે રસ્તે વિચારતી રહી…..બાર ધોરણ સુધી તો અવ્વલ નંબરે પાસ થતી આવી હતી. વચ્ચેનાં આ ચાર વર્ષને જીવનમાંથી બાદબાકી કરીને ફરી ભણવાનું શરુ કરું કે નહીં!
‘અરે, પહેલા રહેવાની સગવડ કર દીવ્યા,’ એના મને કહ્યું હતું.
એ ઘરે તો પાછા જવાનો પ્રશ્ન જ નહોતો. ક્યાં જાય? બધાને સરપંચની બીક લાગે જ, એની કોઈ બહેનપણી ઈચ્છે તો પણ એના ઘરવાળા દિવ્યાને એક રાતનો આશરો પણ ન જ આપે……શેરીને નાકે એ અટકી ગઈ હતી.
પૈસા વગર કઈ રીતે પપ્પાને ત્યાં ય જાય? જીવનને ત્રિભેટે ઊભી હતી દિવ્યા.
બપોરનો સોપો આખા ગામને ભરડામાં લઈને સુતેલા સાપ જેવો લાગતો હતો.
દિવ્યાને ઘડીક તો આપઘાત કરવાનો વિચાર આવી ગયો… પછી થયું, ના મારે હવે વકીલ બન્યે જ છૂટકો. મારા જેવી સ્ત્રીઓને મુક્તિ અપાવવામાં જ જીવન ખપાવી દેવાના નિર્ણયે એના પગ અને શરીરમાં જોર આંણ્યું.
વળી ચારેબાજુ ગીધ નજરોથી બચવા માટે ત્વરિત નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. મારમાંથી બચવા માટે ચંપલ પહેરીને ઘરમાંથી માંડ માડ ભાગી હતી. પૈસા તો ન જ હોય પણ લેવા પણ કોની પાસે?
ભર બપોરે એને ચારે તરફ ઘોર અંધારું લગ્યું હતું. બસ સ્ટોપ પાસે ધીરે ધીરે પહોંચી હતી. ‘બસની ટિકિટ કેમ કરીને લઉં’ની મુંઝવણથી એક સેકંડ માટે તો એને ચક્કર આવવા જેવું થયું. એના પપ્પાનું ઘર નજીકમાં આવેલા શહેરમાં જ હતું પણ ત્યાં જવું કઈ રીતેની દ્વિધા, તેમાં મૂઢ મારથી પીડાતું શરીર અને ફાટેલા હોઠમાં ઊઠતો ચચરાટ!
એની નજર રસુલચાચાની રીક્ષા પર પડી. બસ, રીક્ષા પપ્પાના ઘર સુધી લઈ જશે અને પપ્પા પૈસા આપી દેશેની રાહતનો શ્વાસ લઈ એણે રસુલચાચાને બાજુના શહેરમાં પોતાના પિયર લઈ જવા માટે વિનવ્યા હતાં….
પહેલા તો એ છોકરીના દીદાર જોઈને રસુલચાચા સહેમી ગયા હતાં. ઘડીક તો ના પાડવાનું મન પણ થઈ ગયું પણ બાળક વગરના રસુલચાચાને એની પર દયા આવી ગઈ. આજુબાજુ કોઈ જોતું તો નથીની ખાત્રી કરવા બન્ને જણની આંખો ચારેકોર ફરી વળી. દિવ્યા ઝડપથી રીક્ષામાં બેસી ગઈ હતી અને રસુલમિંયાએ રીક્ષા શહેર તરફ મારી મૂકી હતી.
મમ્મી અને પપ્પા તો એમની દીકરીની આવી દશા જોઈને પહેલાં તો હેબતાઈ જ ગયાં હતાં પછી કળ વળી ત્યારે પરિસ્થિતિમાંથી ઈશ્વરે એને બચાવી લેવા માટે રસુલચાચા નિમિત્ત બન્યા, એમનો આભાર માની પૈસા આપવા માંડ્યા હતાં અને રસુલચાચાએ પાક કામ કામનાં પૈસા નહોતાં લીધાં.
‘તો મનસુખભાઈ તે દિવસે ભલે મને ટોણો મારવા કહ્યું હતું કે વકીલ બન….અને એ તમારો ટોણો મારે માટે માર્ગદર્શક બની ગયો. આજે હું મારો પહેલો કેસ લડવા જતી હતી, ત્યાં મને થયું કે તમે તે દિવસે જો એ વાક્ય બોલ્યા ન હોત તો હજુ ય સ્ત્રીત્વની તપાસ કરાવવામાં અને ન કરાવું તો માર ખવામાં જીંદગી ગઈ હોત.’
કહી બેગમાંથી મિઠાઈનું બોક્ષ કાઢી મનસુખ સામે ધર્યું.
નીચું જોઈને બેઠેલા મનસુખની આંખમાંથી વહેતાં પ્રશ્ચતાપનાં આંસુ જોઈ દિવ્યાને એની દયા આવી ગઈ.
ત્યાં મનસુખની દીકરી હીના બોલી, ‘પપ્પા, તમે તમારી જોબ દરમ્યાન આવી કંઈ કેટલીય છોકરીઓના નિઃસાસા લીધા હશેને?’
માથું હલાવી ‘હા’ કહી મનસુખ બોલ્યો, ‘જો એનું ફળ હું તો ભોગવું છું અને આ મારી કુમળી છોકરી પણ બિચારી ભોગવે છે.’
હીના દિવ્યા તરફ ફરી બોલી, ‘બેન, તમે મારો કેસ લડશો?’
દિવ્યાએ આવી કોઈ પરિસ્થિતિની અપેક્ષા રાખી નહોતી એટલે આશ્ચર્ય અને આઘાતથી હીના સામે જોઈ રહી.
‘હા, દિવ્યાબેન, હું પણ સાસરેથી પાછી આવી છું.’ મનસુખ હજુ પણ નીચું જોઈને રડતો હતો.
‘મને પણ મારા પપ્પા-મમ્મી સુલેહ કરવાનું કહેતાં હતાં પણ……..’
વાત કરતાં સંકોચ પામતી હીનાને ખભે હાથ મુકી દિવ્યાએ એને મુંગો સથિયારો આપ્યો.
બેન, તમે જ કહો, એક હોમોસેક્સ્યુઅલ સાથે કઈ રીતે જિંદગી જીવું? એ બિચારાએ જ મને ડિવોર્સ લેવા પ્રોત્સાહન આપ્યું છે. એ પણ લાચાર હતો.’
‘તો શું તમારા લગ્ન તમારી ઈચ્છા વિરુધ્ધ કરાવ્યા હતા?’
‘ના, મારા પક્ષે મને એ દેખાવમાં ગમે એવો લાગ્યો, એટલે મેં સહમતિ દર્શાવી હતી.’
‘અને એણે?
‘એને ખૂબ જ ખરાબ રીતે ઈમોશનલ બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. એટલે બિચારાએ હા પાડવી પડી.’
પછી સાવ ભાંગેલે સ્વરે બોલી, ‘તમે માનશો બહેન એના અને મારા ઘરે સૌ કહે છે કે મારા હસબંડ – જીતને ખોટી કંપની મળી ગઈ છે એટલે આવી છકેલા જેવી વાત કરે છે. તમે જ કહો આ બધાને કઈ રીતે જીતની પરિસ્થિતિ સમજાવીયે?’
એક ફળફળતો નિસાસો મુકી દિવ્યાએ કહ્યું, ‘એમ હિંમત ન હરી જા, આપણે તો હજુ સામા વહેણે ખબર નહીં કાંઈ કેટલાય માઈલો તરવાનું છે. એમ થાકી ગયે કેમ ચાલશે? ચાલ, તું મને મારી ઓફિસે મળ અને વિગતે વાત કહેજે, ભૂલતી નહીં, જરૂર આવજે’
પર્સમાંથી કાર્ડ કાઢી હીનાને આપતાં આપતાં દિવ્યાની નજર હીનાના મંગળસૂત્ર પર પડી. કાંઈ બોલવા જાય તે પહેલાં જ હીનાએ કહ્યું, ‘સમાજના વરુઓ સામે રક્ષણ મેળવા માટે આ મારું કવચ છે, દીદી’
દિવ્યા હસીને હીનાનો હાથ પકડી બોલી, ‘મને દીદી કહી એટલે એક વણમાંગી સલાહ આપું?’
હીનાએ પણ મલકીને સંમતિસૂચક માથું હલાવ્યું.
‘આ તારે અને મારે માટે અ-મંગળસૂત્ર બન્યું ને, બેન? તને કે મને આ આભુષણે કયા મંગળ સાથે એક સૂત્રે બાંધી? તારે તારી આંખમાં ખુમારીનું આંજણ આંજી અને આત્મવિશ્વાસનું કવચ પહેરવાનું હોય. જો આભુષણ રક્ષણ કરતાં હોતે તો કાંઈ કેટલીય પરણિત યુવતીઓ પર બળાત્કારના કેસ જ બનતે નહીંને? ચાલ તારી ફુરસદે ઓફિસે આવજે.’ કહી હીનાનો ગાલ થપથપાવી મનસુખને નમસ્કાર કરી દિવ્યા આત્મવિશ્વાસનું કવચ ઓઢી જીંદગીનો પહેલો કેસ લડવા ચાલી નીકળી..
Nayna Patel
29, Lindisfarne Road,
Syston, Leicester
U.KT.N: +44 7800548111
ઇ-મેલ: nayana.patel@gmail.com
-
મા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સ્ટેશન પર પંદર નંબરના પ્લેટફોર્મ પર સિગ્નલ ડાઉન થવાની, ગાર્ડને લીલી ઝંડી ફરકાવવાની, ફિરોજપુર જતી ટ્રેન ઉપડવાની થોડી વાર હતી. સૌ પ્રવાસીઓ પોતાના કંપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ચૂક્યા હતાં અને અચાનક એક કંપાર્ટમેન્ટના બારણા પાસે કોલાહલ ઊઠ્યો. કંપાર્ટમેન્ટમાં ચડવા મથતી એક સ્ત્રીને બીજી સ્ત્રી રોકવા મરણીયો પ્રયાસ કરતી હતી. છાતી સરસા ચાંપેલા એ બાળકને છોડાવવા મથતી બીજી સ્ત્રી જીદે ચઢી હતી.
પહેલીનું નામ આપીશું- રૂખી અને બીજીનું નામ આપીશું મણી.
બાળકને છાતીએ લપેટીને ઊભેલી રૂખી એક હાથે બાળકને પકડી રાખીને બીજા હાથે મણીને દૂર હડસેલવા મથતી હતી. જેટલા જોરથી એ મણીને હડસેલતી એનાથી બમણાં જોરે મણી રૂખી પાસેથી બાળક છોડાવવા પ્રયાસ કરતી. સાત મહીનાના બાળકને આ કશાથી કોઈ ફરક ન પડતો હોય એમ નિરાંતે રૂખીના ખભા પર ઊંઘતું હતું.
“મોત આવે તને, છોડ, મારા છોકરાને છોડી દે.” રૂખીએ મણીને ધક્કો માર્યો.
“નહીં આપું, મરી જઈશ પણ મારા છોકરાને તો તને નહીં જ લઈ જવા દઉં.” મણીએ ફરી બાળકને ખેંચ્યું.
થોડી વાર સુધી આમ ઝપાઝપી ચાલી. બંનેમાંથી કોઈ ટસનું મસ થવા તૈયાર નહોતું. મુસાફરો માટે તો જોણું હતું. તમાશાને તેડું ન હોય એમ ધીમે ધીમે ભીડ એકઠી થવા માંડી. કોલાહલ સાંભંળીને વર્દી પરનો હવાલદાર ભીડ ચીરતો ત્યાં ધસી આવ્યો.
હાથનો ડંડો પ્લેટફોર્મ પર ઠોકતો બોલ્યો, “શું છે આ બધું, કઈ વાતનો આટલો હલ્લો મચ્યો છે?”
હવાલદારને જોઈને રૂખી અને મણીએ બાળકને ખેંચવાની મથામણ છોડી પણ દલીલો કરવાનું ન છોડ્યું. બંને જણ હાંફતા હતાં અને તેમ છતાંય એકધારું બોલ્યે જતાં હતાં.
જેવું મણીનું ધ્યાન હવાલદાર તરફ ગયું એવું રૂખી બાળકને લઈને ટ્રેનમાં ચઢવા ધસી પણ એનો અણસાર આવતા મણીએ ફરી બાળકનો પગ પકડીને ખેંચ્યું, સાવ માયકાંગલા જેવા એ બાળકનું માથું આમથી તેમ ઢળી પડતું હતું, એને સંભાળતી રૂખીએ હવે તો રીતસર મણીને ધક્કો જ માર્યો.
“છોડ, મારા છોરાને.”
“બંધ કરો આ તમાશો.” હવાલદાર બરાડ્યો.
“મારું છોકરું છે, મેં એને જનમ આપ્યો છે, એને કેમ લઈ જવા દઉં?” મણીએ હવાલદારને કહ્યું.
“તારું હતું તો જણીને ફેંકવા કેમ જતી’તી?” રૂખીએ મણીને જડબાતોડ સવાલ કર્યો.
વાત જાણે એમ હતી કે મણીએ આ બાળકને જન્મ આપ્યો પણ છેલ્લા સાત મહીનાથી રૂખીએ પોતાનું દૂધ પીવડાવીને એને ઉછેર્યો હતો. હવારદાર મૂંઝાણો. કોનું બચ્ચું, કોણ એની મા? એ ક્યાં કાજી હતો પણ આ ક્ષણે એણે કાજી થવા કોશિશ કરી. રૂખી તરફ કરડી નજરે જોતાં બોલ્યો,
“એનું છોકરું છે એના હવાલે કરી દે.”
“હું શું કામ આપું? આ મારું છોકરું છે.” રૂખી અકળાઈ.
“તારા પેટેથી પેદા થયો છે.” હવાલદાર વધુ કડક બન્યો.
“પેટેથી પેદા નથી કર્યો પણ સાત સાત મહીનાથી દૂધ કોને પાયું છે ત્યારે આ છોકરું બચ્યું છે.” રૂખીએ મણી તરફ ઘૂરકિયાં કર્યા.
“હા,તો દૂધ પીવડાવ્યું એટલે એ તારું થઈ ગયું?” હવાલદારનો ટેકો મળતાં મણી વિફરી.
“હવાલદારજી, આ તો એના જણ્યાંને ફેંકવા જતી’તી તે મેં એની પાહેંથી માંગી લીધું અને એની જાતે મારા ખોળામાં નાખ્યો છે, ત્યારથી મેં દૂધ આલ્યું છે. એણે જ તો મને સોંપ્યો છે અને હવે ફરી જાય છે” રૂખીને હવાલદારને પોતાની તરફ ખેંચવા હુકમનો એક્કો નાખ્યો.
“હા, તે આપ્યો પણ ત્યારે તો તું ન્યાં કણે જ રહેવાની હતી ને, હવે હાલતી પકડે તો રોકું નહીં? મણીએ જવાબ આપ્યો.
ઝગડો એની ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યો હતો.
મૂળ વાત એમ હતી કે મણી રહેતી હતી એ વસ્તીની નજીક થોડા સમય માટે વણઝારાની પોઠ રોકાઈ હતી. મણીની બાજુમાં રૂખીની ઝૂંપડી હતી. મજૂરી કરતી મણીએ આ છોકરાને જન્મ આપ્યો ત્યારે રૂખી ત્યાંજ હતી. એની નાળ પણ રૂખીએ જ કાપી હતી. બસ રૂખી અને મણી વચ્ચે જે ગણો એ આટલો સંબંધ.
મણીનો કોઈ ધણી નહોતો. જેનો કોઈ ધણી નહીં એના સો ધણી. આ છોકરું કોની દેન હતું એય મણીને ક્યાં ખબર હતી? એને મન તો આ વણજોઈતી ઉપાધી હતી. એને આ ઉપાધીથી છૂટકારો મેળવવો હતો. છોકરાનું નસીબ તે રૂખીએ એને પોતાના જણ્યાંની જેમ ઉછેર્યો. જ્યાં સુધી રૂખી અને છોકરું આંખ સામે હતાં ત્યાં સુધી મણીને એની ઝાઝી તમા નહોતી પણ હવે જ્યાં રૂખીને એની પોઠ સાથે નીકળવાનો દા’ડો આવ્યો ત્યાં આ કંકાસ ઊભો થયો. મણી રૂખીને રોકવા ઘણું કરગરી પણ જ્યાં પોતાની પોઠ જવાની હતી ત્યાં જવા રૂખીએ પોતાનો સર-સામાન બાંધ્યો અને ત્યાંથી જ આ ઝગડો શરૂ થયો.
“અમે વણઝારા છૈએ સાબ, આજે અહીં તો કાલે ત્યાં. અમે તો ફરતાં ભલા.” રૂખીએ હવાલદારને પોતાની મુશ્કેલી સમજાવતી હોય એમ કહ્યું.
એટલામાં ગાર્ડે સીટી મારી, લીલી ઝંડી ફરકાવી. ભીડ વિખેરાવા માંડી. સૌ પોતાના ડબ્બામાં ચઢવા લાગ્યાં. રૂખી પણ ડબ્બા તરફ સરકી. જે મણી અત્યાર સુધી છોકરાનો પગ ઝાલીને ખેંચતી હતી એણે આગળ વધીને રૂખીના પગ પકડી લીધા.
“ના, જા, મારા છોકરાને લઈને ના લઈ જા.” મણી રીતસર કરગરી પડી.
ત્યાં ઊભેલાં કેટલાક લોકોને દયા આવી. આ ડખાનો ઉકેલ આણ્યા વગર હવાલદારનો હવે છૂટકો નહોતો.“છોકરું એને પાછું આપી દે. મા ના પાડતી હોય તો તું એને લઈ ના જઈ શકે, સમજે છે કે પછી..” વાક્ય અધૂરું મૂકીને એણે રૂખી સામે ડંડો ઉગામ્યો. રૂખી ડઘાઈ ગઈ. એને હવાલદાર પાસે આવી આશા નહોતી.
“જેનું કોઈ ઠેકાણું નથી, જેનો કોઈ ધણી નથી એને હું મરી જઈશ તોય મારું છોકરું નહીં આપું.” રૂખી જીદે ચઢી.
“બંધ કર આ નાટક. ગાડી છૂટવાની તૈયારી છે. છોકરાનો હવાલો સોંપી દે નહીં’તો તને હવાલાતમાં બંધ કરવી પડશે.” હવાલદારે દમ માર્યો.
રૂખી ગભરાઈ ગઈ. છોકરાને મણીના હાથમાં તો આપ્યો પણ વળ ન છૂટ્યો.
“બદમાશ, જાત પર ગઈ ને? લે આ સંભાળ આને અને દિસતી રે અહીંથી. હવે દૂધ પીવડાવવાનું કઈ’શને તો એને અને તને બેઉને ઝેર પીવડાવીશ. પેટે પાટા બાંધીને આને ઉછેર્યો છે.” રૂખીએ ઝાટકાભેર છોકરું મણીના હાથમાં થમાવી દીધું અને ઊંધી ફરીને ગાડીમાં ચઢવા માંડી.
“છોકરું મળી ગયું ને? પાડ માન મારો અને આનો અને ચાલ નિકળ હવે અહીંથી.” આટલા સમયથી કંટાળેલા હવાલદારે મણી સામે ચીઢ ઠાલવી.
મણીને ય જંગ જીત્યા જેવું લાગ્યું. રખેને રૂખીનો વિચાર બદલાય અને છોકરું પાછું માંગી લે એ ડરથી મણી હડબડાઈને ચાલવા માંડી પણ અત્યાર સુધી રૂખીના ખભે નિરાંતે ઊંઘતું છોકરું હાથ બદલો થતા ઊઠી ગયું. ઊઠતાની સાથે નજર સામેનો અજાણ્યો ચહેરો એ જોઈ રહ્યો ને પછી ભૂખનું દુઃખ સાલતા એણે ભેંકડો તાણ્યો.
ગાડીમાં ચઢતી છોકરાના રડવાનો અવાજ સાંભળીને રૂખી અટકી ગઈ.
“એ મારી નાખજે એને. આમને આમ ભૂખ્યો તરસ્યો મારી નાખીશ ને ત્યારે તારા જીવને શાંતિ થશે, સાચવવાની ત્રેવડ નહોતી તો જણ્યો’તો શું લેવા?”
રખેને રૂખી પાછી ધસી આવે એ પહેલા મણીએ જાણે દોટ મૂકી. છોકરું વધુ જોરથી રડ્યું, એને ચૂપ કરવા મણીએ કેડિયાના ખીસ્સામાંથી સીંગદાણા કાઢીને છોકરાના મ્હોંમાં ઓરવા માંડ્યા.
બારણે ઊભેલી રૂખી આ જોઈને બરાડી, “એ… આ હું માંડ્યું છે, છોરાના દાંતેય નથ ને આ હેના દાણા ઓરવા માંડ્યા?” રૂખી બરાબર વિફરી.
અને ગાડીના બારણાં પાસે મૂકેલી પોતાની પતરાંની પેટી અને પછી કપડાંની નાની અમસ્તી પોટલી હાથમાંથી છૂટ્ટી પ્લેટફોર્મ પર ફેંકી અને મણીની પાછળ એ દોડી.
એટલામાં ટ્રેન ઉપડી. એક પછી એક લોકો અને કુલીઓય સ્ટેશનની બહાર નીકળવા માંડ્યા. પહેરો દેવા આગળ નીકળી ગયેલા હવાલદારે પાછા ફરતા જોયું તો પ્લેટફોર્મની એક દીવાલને અઢેલીને રૂખી અને મણી બેઠાં હતાં. રૂખી પોતાના પાલવ નીચે છોકરાને ઢાંકીને દૂધ પીવડાવતી હતી અને મણી હળવા હાથે એના માથે હાથ ફેરવતી હતી.
અજબ તમાશો હતો.
ભિષ્મ સાહનીની વાર્તા-‘માતા-વિમાતા’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મલ્હાર (૧૯૫૧)
ટાઈટલ સોન્ગ
બીરેન કોઠારી
શેક્સપિયરના ‘એઝ યુ લાઈક ઈટ’ નાટકના એક સંવાદ મુજબ સમગ્ર વિશ્વ એક મંચ છે, અને આપણે સૌ તેનાં પાત્રો છીએ. કંઈક આવો જ સંવાદ ‘આનંદ’ ફિલ્મમાં કલાકાર જહોની વૉકર દ્વારા બોલાય છે. એ મુજબ ‘આપણે સૌ રંગમંચની કઠપૂતળીઓ છીએ અને આપણી દોરી ઉપરવાળાના હાથમાં છે.’ આ સંવાદોના સંદર્ભ ભલે જુદા હોય, પણ એક ફિલસૂફી તેમાં સામાન્ય જણાય છે કે સૌએ પોતપોતાના ભાગે આવેલી ભૂમિકાને ન્યાય આપવાનો છે. હવે સવાલ એ છે કે પોતાને ભાગે આવેલી ભૂમિકા કઈ? સામાન્ય રીતે જોઈએ તો દરેકને પોતે જે છે અથવા જે કરે છે એનાથી કંઈક જુદું કરવું હોય છે. કરવું જ જોઈએ. કેમ કે, એ જુદું કરવાની ધખના જ આપણને માણસ બનાવે છે. આની સામે એ પણ એટલું જ સાચું કે કઈ બાબત પોતાને ફાવતી નથી એ જાણી લેવું. અંગ્રેજીમાં જેને ‘માય કપ ઑફ ટી’ કહે છે એવું કંઈક.
ફિલ્મક્ષેત્રે આવાં અનેક ઉદાહરણ જોવા મળે કે જેમાં એક ક્ષેત્રની વ્યક્તિને અન્ય ક્ષેત્રમાં પગપેસારો કરવાનો સળવળાટ સતત થતો રહે. અન્ય ક્ષેત્રોમાં આવું બનતું હોય છે, પણ ફિલ્મ ક્ષેત્ર સતત પ્રચાર-પ્રસાર કેન્દ્રી હોવાથી તેમાં થતી આવી બાબત તરત ધ્યાને ચડે છે.
ગાયક મુકેશનો રાજ કપૂરે ‘આગ’નાં ગીતો ગાવા માટે સંપર્ક કર્યો ત્યારે મુકેશને નવાઈ લાગી હતી. અચ્છા અભિનેતા હોવાની સાથેસાથે સારા ગાયક એવા રાજ કપૂર પોતાના માટે સ્વર આપવાનું મુકેશને શા માટે કહે? પણ રાજ કપૂરે જણાવ્યું કે પોતે દિગ્દર્શન-નિર્માણ ક્ષેત્રે આગળ વધવા માગે છે. મુકેશ પાર્શ્વગાયક તરીકે પ્રવેશીને ઓળખ પામી ચૂક્યા હતા. ઠીકઠીક પ્રતિષ્ઠા મેળવી લીધી હતી. પણ તેમને અભિનય અને નિર્માણના ક્ષેત્રે પ્રવેશવાનો સળવળાટ હતો. ‘માશૂકા’ અને ‘અનુરાગ’ જેવી ફિલ્મો દ્વારા તેમણે અભિનયની પોતાની ઈચ્છા પૂરી કરી. એમ તો રાજ કપૂરની ‘આહ’માં તે ગાડીવાનની ભૂમિકામાં ‘છોટી સી યે જિંદગાની’ ગાતા પડદે દેખાયા હતા, પણ એ અતિથિ ભૂમિકા હતી, જ્યારે આ બન્ને ફિલ્મોમાં તે અનુક્રમે સુરૈયા અને ઉષા કિરણની સાથે નાયકની ભૂમિકામાં હતા.
નિર્માતા તરીકેના અભરખા પણ તેમણે ‘મલ્હાર’ ફિલ્મના નિર્માણ થકી પૂરા કર્યા. ‘અનુરાગ’નું સહનિર્માણ પણ કર્યું. આ બધામાં તે ખાસ સફળ ન થઈ શક્યા એ તેમના ચાહકો માટે સારું થયું. તેમને ગાયક તરીકે યાદ રાખવા વધુ ગમે.

મુકેશ દ્વારા નિર્મિત, હરીશ દ્વારા દિગ્દર્શીત, ડારલિંગ ફિલ્મ્સની ‘મલ્હાર’ની રજૂઆત ૧૯૫૧માં થઈ હતી. શમ્મી, અર્જુન, મોતી સાગર, કનૈયાલાલ જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનું સંગીત રોશનનું હતું, જ્યારે ગીતો ઈન્દીવર, કૈફ ઈરફાની અને શ્યામલાલ વચ્ચે વહેંચાયેલાં હતાં. ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, અને એકે એક ગીત અદ્ભુત- રોશનની અસલ ઓળખ જેવા. (આ લીન્કમાં ટાઈટલ સોન્ગ સિવાયનાં આઠ ગીતો છે.) અલબત્ત, આમાં સૌથી વધુ જાણીતું ગીત ‘બડે અરમાન સે રખા હૈ બલમ તેરી કસમ’ (મુકેશ, લતા/ઈન્દીવર) બન્યું. કહેવાય છે કે આ ગીતની ધૂનની પ્રેરણા રોશને ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ પરથી લીધી હતી. આ ફિલ્મનું મને સૌથી પ્રિય ગીત એટલે ‘કહાં હો તુમ જરા આવાજ દો’ (લતા, મુકેશ/કૈફ ઈરફાની). આ ઉપરાંત ઈન્દીવરનાં લખેલાં ત્રણ ગીતો હતાં ‘ઈક બાર અગર તૂ કહ દે’ (લતા, મુકેશ), ‘હોતા રહા યૂં હી અગર અંજામ વફા કા’ (મુકેશ) અને ‘તારા તૂટે દુનિયા દેખે’ (મુકેશ).
કૈફ ઈરફાનીનાં અન્ય બે ગીતોમાં ‘દિલ તુઝે દિયા થા રખને કો’ (મુકેશ) અને ‘મુહબ્બત કી કિસ્મત બનાને સે પહલે’ (લતા)નો સમાવેશ થાય છે. શ્યામલાલે લખેલું એક માત્ર ગીત હતું ‘કોઈ તો સુને મેરે ગમ કા ફસાના’.
આ આઠ ગીતો ઉપરાંત ફિલ્મનું ટાઈટલ સોન્ગ હતું લતા મંગેશકર દ્વારા ગવાયેલું ‘ગરજત બરસત ભીજત આઈ લો’. આ ગીતના શબ્દો પારંપરિક છે. ચોક્કસપણે તે કોણે લખ્યું એની જાણ નથી. પણ આગળ જતાં ૧૯૬૦માં રજૂઆત પામેલી ‘બરસાત કી રાત’ ફિલ્મના ટાઈટલ સોન્ગમાં રોશને આ જ ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ધૂન વધુ પૉલિશ્ડ બનાવી હતી, જેમાં અનેક વાદ્યોનું ઉમેરણ હતું. એ ગીત સાહિરે લખેલું, પણ તેના મુખડાના શબ્દો આ ગીતની જેમ જ ‘ગરજત બરસત’ રાખેલા. એ ગીત એટલે ‘ગરજત બરસત સાવન આયો રે’.
અહીં ‘મલ્હાર’નું ગીત ‘ગરજત બરસત ભીજત આઈ લો…’ પ્રસ્તુત છે, જેના શબ્દો આ મુજબ છે.
गरजत बरसत भीजत आई लो
गरजत बरसत भीजत आई लोतुमरे मिलन को अपने प्रेम पिहरवा
लो गरवा लगाय
गरजत बरसत भीजत आई लो
गरजत बरसत भीजत आई लोतुमरे मिलन को अपने प्रेम पिहरवा
लो गरवा लगाय
गरजत बरसत भीजत आई लो
गरजत….जो लो हम तुम इक ढिंग रहिलो
जो लो हम तुम इक ढिंग रहिलो
तो लो रहिलो हियरा समां
तो लो रहिलो हियरा समां
सावन आई लो लाल चुनरिया
दे हो रंगाए
गरजत बरसत भीजत आई लोगरजत बरसत भीजत आई लो
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મહેન્દ્ર શાહનાં ઓક્ટોબર ૨૦૨૨નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
