વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સ્ટેશન પર પંદર નંબરના પ્લેટફોર્મ પર સિગ્નલ ડાઉન થવાની, ગાર્ડને લીલી ઝંડી ફરકાવવાની, ફિરોજપુર જતી ટ્રેન ઉપડવાની થોડી વાર હતી. સૌ પ્રવાસીઓ પોતાના કંપાર્ટમેન્ટમાં ગોઠવાઈ ચૂક્યા હતાં અને અચાનક એક કંપાર્ટમેન્ટના બારણા પાસે કોલાહલ ઊઠ્યો. કંપાર્ટમેન્ટમાં ચડવા મથતી એક સ્ત્રીને બીજી સ્ત્રી રોકવા મરણીયો પ્રયાસ કરતી હતી. છાતી સરસા ચાંપેલા એ બાળકને છોડાવવા મથતી બીજી સ્ત્રી જીદે ચઢી હતી.
પહેલીનું નામ આપીશું- રૂખી અને બીજીનું નામ આપીશું મણી.
બાળકને છાતીએ લપેટીને ઊભેલી રૂખી એક હાથે બાળકને પકડી રાખીને બીજા હાથે મણીને દૂર હડસેલવા મથતી હતી. જેટલા જોરથી એ મણીને હડસેલતી એનાથી બમણાં જોરે મણી રૂખી પાસેથી બાળક છોડાવવા પ્રયાસ કરતી. સાત મહીનાના બાળકને આ કશાથી કોઈ ફરક ન પડતો હોય એમ નિરાંતે રૂખીના ખભા પર ઊંઘતું હતું.
“મોત આવે તને, છોડ, મારા છોકરાને છોડી દે.” રૂખીએ મણીને ધક્કો માર્યો.
“નહીં આપું, મરી જઈશ પણ મારા છોકરાને તો તને નહીં જ લઈ જવા દઉં.” મણીએ ફરી બાળકને ખેંચ્યું.
થોડી વાર સુધી આમ ઝપાઝપી ચાલી. બંનેમાંથી કોઈ ટસનું મસ થવા તૈયાર નહોતું. મુસાફરો માટે તો જોણું હતું. તમાશાને તેડું ન હોય એમ ધીમે ધીમે ભીડ એકઠી થવા માંડી. કોલાહલ સાંભંળીને વર્દી પરનો હવાલદાર ભીડ ચીરતો ત્યાં ધસી આવ્યો.
હાથનો ડંડો પ્લેટફોર્મ પર ઠોકતો બોલ્યો, “શું છે આ બધું, કઈ વાતનો આટલો હલ્લો મચ્યો છે?”
હવાલદારને જોઈને રૂખી અને મણીએ બાળકને ખેંચવાની મથામણ છોડી પણ દલીલો કરવાનું ન છોડ્યું. બંને જણ હાંફતા હતાં અને તેમ છતાંય એકધારું બોલ્યે જતાં હતાં.
જેવું મણીનું ધ્યાન હવાલદાર તરફ ગયું એવું રૂખી બાળકને લઈને ટ્રેનમાં ચઢવા ધસી પણ એનો અણસાર આવતા મણીએ ફરી બાળકનો પગ પકડીને ખેંચ્યું, સાવ માયકાંગલા જેવા એ બાળકનું માથું આમથી તેમ ઢળી પડતું હતું, એને સંભાળતી રૂખીએ હવે તો રીતસર મણીને ધક્કો જ માર્યો.
“છોડ, મારા છોરાને.”
“બંધ કરો આ તમાશો.” હવાલદાર બરાડ્યો.
“મારું છોકરું છે, મેં એને જનમ આપ્યો છે, એને કેમ લઈ જવા દઉં?” મણીએ હવાલદારને કહ્યું.
“તારું હતું તો જણીને ફેંકવા કેમ જતી’તી?” રૂખીએ મણીને જડબાતોડ સવાલ કર્યો.
વાત જાણે એમ હતી કે મણીએ આ બાળકને જન્મ આપ્યો પણ છેલ્લા સાત મહીનાથી રૂખીએ પોતાનું દૂધ પીવડાવીને એને ઉછેર્યો હતો. હવારદાર મૂંઝાણો. કોનું બચ્ચું, કોણ એની મા? એ ક્યાં કાજી હતો પણ આ ક્ષણે એણે કાજી થવા કોશિશ કરી. રૂખી તરફ કરડી નજરે જોતાં બોલ્યો,
“એનું છોકરું છે એના હવાલે કરી દે.”
“હું શું કામ આપું? આ મારું છોકરું છે.” રૂખી અકળાઈ.
“તારા પેટેથી પેદા થયો છે.” હવાલદાર વધુ કડક બન્યો.
“પેટેથી પેદા નથી કર્યો પણ સાત સાત મહીનાથી દૂધ કોને પાયું છે ત્યારે આ છોકરું બચ્યું છે.” રૂખીએ મણી તરફ ઘૂરકિયાં કર્યા.
“હા,તો દૂધ પીવડાવ્યું એટલે એ તારું થઈ ગયું?” હવાલદારનો ટેકો મળતાં મણી વિફરી.
“હવાલદારજી, આ તો એના જણ્યાંને ફેંકવા જતી’તી તે મેં એની પાહેંથી માંગી લીધું અને એની જાતે મારા ખોળામાં નાખ્યો છે, ત્યારથી મેં દૂધ આલ્યું છે. એણે જ તો મને સોંપ્યો છે અને હવે ફરી જાય છે” રૂખીને હવાલદારને પોતાની તરફ ખેંચવા હુકમનો એક્કો નાખ્યો.
“હા, તે આપ્યો પણ ત્યારે તો તું ન્યાં કણે જ રહેવાની હતી ને, હવે હાલતી પકડે તો રોકું નહીં? મણીએ જવાબ આપ્યો.
ઝગડો એની ઉચ્ચતમ કક્ષાએ પહોંચ્યો હતો.
મૂળ વાત એમ હતી કે મણી રહેતી હતી એ વસ્તીની નજીક થોડા સમય માટે વણઝારાની પોઠ રોકાઈ હતી. મણીની બાજુમાં રૂખીની ઝૂંપડી હતી. મજૂરી કરતી મણીએ આ છોકરાને જન્મ આપ્યો ત્યારે રૂખી ત્યાંજ હતી. એની નાળ પણ રૂખીએ જ કાપી હતી. બસ રૂખી અને મણી વચ્ચે જે ગણો એ આટલો સંબંધ.
મણીનો કોઈ ધણી નહોતો. જેનો કોઈ ધણી નહીં એના સો ધણી. આ છોકરું કોની દેન હતું એય મણીને ક્યાં ખબર હતી? એને મન તો આ વણજોઈતી ઉપાધી હતી. એને આ ઉપાધીથી છૂટકારો મેળવવો હતો. છોકરાનું નસીબ તે રૂખીએ એને પોતાના જણ્યાંની જેમ ઉછેર્યો. જ્યાં સુધી રૂખી અને છોકરું આંખ સામે હતાં ત્યાં સુધી મણીને એની ઝાઝી તમા નહોતી પણ હવે જ્યાં રૂખીને એની પોઠ સાથે નીકળવાનો દા’ડો આવ્યો ત્યાં આ કંકાસ ઊભો થયો. મણી રૂખીને રોકવા ઘણું કરગરી પણ જ્યાં પોતાની પોઠ જવાની હતી ત્યાં જવા રૂખીએ પોતાનો સર-સામાન બાંધ્યો અને ત્યાંથી જ આ ઝગડો શરૂ થયો.
“અમે વણઝારા છૈએ સાબ, આજે અહીં તો કાલે ત્યાં. અમે તો ફરતાં ભલા.” રૂખીએ હવાલદારને પોતાની મુશ્કેલી સમજાવતી હોય એમ કહ્યું.
એટલામાં ગાર્ડે સીટી મારી, લીલી ઝંડી ફરકાવી. ભીડ વિખેરાવા માંડી. સૌ પોતાના ડબ્બામાં ચઢવા લાગ્યાં. રૂખી પણ ડબ્બા તરફ સરકી. જે મણી અત્યાર સુધી છોકરાનો પગ ઝાલીને ખેંચતી હતી એણે આગળ વધીને રૂખીના પગ પકડી લીધા.
“ના, જા, મારા છોકરાને લઈને ના લઈ જા.” મણી રીતસર કરગરી પડી.
ત્યાં ઊભેલાં કેટલાક લોકોને દયા આવી. આ ડખાનો ઉકેલ આણ્યા વગર હવાલદારનો હવે છૂટકો નહોતો.
“છોકરું એને પાછું આપી દે. મા ના પાડતી હોય તો તું એને લઈ ના જઈ શકે, સમજે છે કે પછી..” વાક્ય અધૂરું મૂકીને એણે રૂખી સામે ડંડો ઉગામ્યો. રૂખી ડઘાઈ ગઈ. એને હવાલદાર પાસે આવી આશા નહોતી.
“જેનું કોઈ ઠેકાણું નથી, જેનો કોઈ ધણી નથી એને હું મરી જઈશ તોય મારું છોકરું નહીં આપું.” રૂખી જીદે ચઢી.
“બંધ કર આ નાટક. ગાડી છૂટવાની તૈયારી છે. છોકરાનો હવાલો સોંપી દે નહીં’તો તને હવાલાતમાં બંધ કરવી પડશે.” હવાલદારે દમ માર્યો.
રૂખી ગભરાઈ ગઈ. છોકરાને મણીના હાથમાં તો આપ્યો પણ વળ ન છૂટ્યો.
“બદમાશ, જાત પર ગઈ ને? લે આ સંભાળ આને અને દિસતી રે અહીંથી. હવે દૂધ પીવડાવવાનું કઈ’શને તો એને અને તને બેઉને ઝેર પીવડાવીશ. પેટે પાટા બાંધીને આને ઉછેર્યો છે.” રૂખીએ ઝાટકાભેર છોકરું મણીના હાથમાં થમાવી દીધું અને ઊંધી ફરીને ગાડીમાં ચઢવા માંડી.
“છોકરું મળી ગયું ને? પાડ માન મારો અને આનો અને ચાલ નિકળ હવે અહીંથી.” આટલા સમયથી કંટાળેલા હવાલદારે મણી સામે ચીઢ ઠાલવી.
મણીને ય જંગ જીત્યા જેવું લાગ્યું. રખેને રૂખીનો વિચાર બદલાય અને છોકરું પાછું માંગી લે એ ડરથી મણી હડબડાઈને ચાલવા માંડી પણ અત્યાર સુધી રૂખીના ખભે નિરાંતે ઊંઘતું છોકરું હાથ બદલો થતા ઊઠી ગયું. ઊઠતાની સાથે નજર સામેનો અજાણ્યો ચહેરો એ જોઈ રહ્યો ને પછી ભૂખનું દુઃખ સાલતા એણે ભેંકડો તાણ્યો.
ગાડીમાં ચઢતી છોકરાના રડવાનો અવાજ સાંભળીને રૂખી અટકી ગઈ.
“એ મારી નાખજે એને. આમને આમ ભૂખ્યો તરસ્યો મારી નાખીશ ને ત્યારે તારા જીવને શાંતિ થશે, સાચવવાની ત્રેવડ નહોતી તો જણ્યો’તો શું લેવા?”
રખેને રૂખી પાછી ધસી આવે એ પહેલા મણીએ જાણે દોટ મૂકી. છોકરું વધુ જોરથી રડ્યું, એને ચૂપ કરવા મણીએ કેડિયાના ખીસ્સામાંથી સીંગદાણા કાઢીને છોકરાના મ્હોંમાં ઓરવા માંડ્યા.
બારણે ઊભેલી રૂખી આ જોઈને બરાડી, “એ… આ હું માંડ્યું છે, છોરાના દાંતેય નથ ને આ હેના દાણા ઓરવા માંડ્યા?” રૂખી બરાબર વિફરી.
અને ગાડીના બારણાં પાસે મૂકેલી પોતાની પતરાંની પેટી અને પછી કપડાંની નાની અમસ્તી પોટલી હાથમાંથી છૂટ્ટી પ્લેટફોર્મ પર ફેંકી અને મણીની પાછળ એ દોડી.
એટલામાં ટ્રેન ઉપડી. એક પછી એક લોકો અને કુલીઓય સ્ટેશનની બહાર નીકળવા માંડ્યા. પહેરો દેવા આગળ નીકળી ગયેલા હવાલદારે પાછા ફરતા જોયું તો પ્લેટફોર્મની એક દીવાલને અઢેલીને રૂખી અને મણી બેઠાં હતાં. રૂખી પોતાના પાલવ નીચે છોકરાને ઢાંકીને દૂધ પીવડાવતી હતી અને મણી હળવા હાથે એના માથે હાથ ફેરવતી હતી.
અજબ તમાશો હતો.
ભિષ્મ સાહનીની વાર્તા-‘માતા-વિમાતા’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.