નયના પટેલ
દિવ્યાએ સ્કૂટીની ડિકિમાંથી ગાઉન કાઢી પહેર્યો અને સામે દેખાતી ચાલી જેવા મકાન તરફ આગળ વધી.
હા, પોલીસસ્ટેશનમાંથી મેળવેલા સરનામા પ્રમાણે તો અહીં જ એ રહેતા હોવા જોઈએ.
દૂરથી એણે જોયું કે ચાલીની વચ્ચે આવેલા એક ઘરના ઓટલે કોઈ વ્યક્તિ આરામખુરશીમાં બેસીને ન્યુઝપેપરને સાવ આંખ પાસે રાખીને, વાંચતા તકલિફ પડતી હોય તેમ વાંચતી હતી.
છ વર્ષ પહેલા જોયેલી એ વ્યક્તિ દિવ્યાની આંખ આગળ આવી ગઈ…..હા એણે તે દિવસે જાડા કાચના ચશ્મા પહેર્યા હતાં. આ જ…. આ જ એ મનસુખભાઈ હોવા જોઈએ.
આ વખતે દિવ્યા બે કાળમાં સાથે જીવતી હતી – વર્તમાન અને ભૂતકાળ.
ભૂતકાળને દિવ્યાએ સશક્ત વર્તમાનકાળમાં ફેરવી નાંખ્યો હતો અને છતાં ય…..એના ઓળા તો હજુ ય ક્યારેક એને અકળાવી જતા હતા.
તે દિવસે શરીર પર અસંખ્ય ચકામા, ફાટેલા હોઠ અને સૂજી ગયેલા મોં લઈને ડરતી ડરતી પોલીસચોકીમાં એ પ્રવેશી હતી. અને આજે એ જ દિવ્યા મક્કમ અને આત્મવિશ્વાસથી ભરપૂર ચાલ સાથે મનસુખભાઈ સામે જઈને ઊભી રહી. દિવ્યાને ખાત્રી હતી કે સામે બેઠેલી વ્યક્તિની યાદશક્તિને ઢંઢળોવી પડશે.
સામે કોઈ આવીને ઊભું છે એની અનુભૂતિ થતાં જ મનસુખ નામની એ વ્યક્તિએ નેજવું કરી જોયું. એક તો નબળી આંખ અને તેમાં સામેથી આવતો તડકો. કાંઈ ગમ પડે તે પહેલાં દિવ્યા નમ્ર સ્વરે બોલી, ‘કેમ છો મનસુખભાઈ?’
સાવ જ અજાણી વ્યક્તિને પોતાના નામ સાથે બોલાવતી સાંભળીને મનસુખ અચરજથી જોઈ રહ્યો, ‘તમે કોણ?’
‘જેશ્રી કૃષ્ણ’ કહી એ વધુ નજીક જઈને ઊભી રહી.
પેપરને બાજુ પર નાંખી એ હજુ પણ અવઢવભરી આંખે દિવ્યાને જોઈ રાહ્યો. યાદદાસ્તને ઢંઢોળવા લાગ્યો પણ કંઈજ એટલે કંઈજ યાદ આવતું નહોતું!
વળી સામે ઊભેલી વ્યક્તિને વકીલના ગાઉનમાં સજ્જ નજરે પડતાં તો મનસુખ એકદમ જ ગભરાઈ ગયો.
લુંગી સંભાળતો એ ઊભા થવાની ગડમથલ કરતો હતો ત્યાં તો ઘરની અંદરથી એક યુવાન છોકરી બહાર આવી. પગથિયા પાસે કોઈ વકીલને ઊભેલા જોઈ અને પિતાને બહાવરા બની ઉઠવાની જહેમત કરતાં જોઈ એ પણ મુંઝાઈ. હજુ તો ઘરમાં એને ડિવોર્સ લેવા છે એ વાતે રોજ વાદ વિવાદ ચાલે છે તેમાં કોઈ વકીલને અચાનક ઘર આંગણે જોઈને એનું અચરજ ક્ષણભરમાં શંકામાં ફેરવાય ગયું.
રડી રડીને સૂજી ગયેલી આંખોમાં ન સમજાય તેવા ભાવ સાથે આગંતૂક તરફ જોતાં જોતાં એ યુવતી મનસુખને ખભેથી પકડી ફરી ખખડધજ આરામખુરશીમાં બેસાડી, કંઈક નિશ્ચય સાથે ઊભી રહી.
મનસુખના ઘરની પરિસ્થિતિથી સાવ અજાણ દિવ્યાને પણ મનસુખનાં ઘરના વાતાવરણમાં ભાર વર્તાયો તો ખરો પણ હવે આવી જ છે એટલે બને એટલી સહાનુભૂતિથી બોલી, ‘તમે લોકો જરાય ગભારાઓ નહીં, મારું નામ દિવ્યા છે અને હું મનસુખભાઈને મળવા આવી છું. હું કોર્ટ તરફથી નથી આવી.’ કહી પગથિયા પર બેસવા ગઈ.
પેલી છોકરી હાંફળી ફાંફળી બોલી, ‘સોરી મેમ, ત્યાં નહી….ત્યાં નહી બેસો. હું ખુરશી લઈ આવું છું.’ એ બોલી રહે તે પહેલાં તો પગથીયું સાફ કરીને દિવ્યા બેસી પણ ગઈ હતી, ‘તું ચિંતા ન કર બેન. મારી પાસે પણ ઝાઝો સમય નથી.’ કહી ‘તને વાંધો ન હોય તો તું ય બેસ.’ કહી પગથિયાનો સામેનો ખૂણો બતાવ્યો.
આરામખુરશીમાં ઉભડક બેઠેલા મનસુખનું અચરજ અને ગભરાટ સેળભેળ થઈ ગયા હતાં.
દિવ્યાએ મનસુખને ભૂતકાળમાં ઘસડી લઈ જતાં પૂછ્યું, ‘મનસુખભાઈ, આજથી લગભગ છ વર્ષ પહેલાં તમને ચોકડીના પોલીસસ્ટેશને મળી હતી. તમને કદાચ યાદ એટલા માટે હશે કે આપણા આ તાલુકામાં હું પહેલી સ્ત્રી હતી કે જે સાસરિયા પર ફરિયાદ નોંધાવા આવી હતી. યાદ આવે છે?’
એ સાંભળી મનસુખને એની યદદાસ્ત પર વધારે જોર આપવું ન પડ્યું.
‘હા, હવે યાદ આવે છે…….(યાદદાસ્તને ભૂતકાળમાંથી બહાર ખેંચી લાવવાની મનસુખની ગડમથલ દિવ્યા જોઈ રહી).
આગંતુક એના સાસરાના વકીલ બની નથી આવી એ સાંભળી પેલી યુવતી રીલેક્ષ થઈ. હવે એને ખ્યાલ આવ્યો કે એણે એની ઓળખાણ હજુ આપી નથી.
વચ્ચે જ એ બોલી, ‘ મેમ, પાણી પીશો, મારું નામ હીના છે. આ મારા પપ્પા છે.’
દિવ્યાએ મમતાળુ સ્વરે કહ્યું, ‘ના, હં, મારે પાણી નથી જોઈતું. થેંકયુ.’
અચાનક મનસુખને એ ભર બપોરે માથું અને મોં ઢાંકીને પોલીસસ્ટેશનમાં પ્રવેશેલી પેલી કુમળી છોકરી યાદ આવી ગઈ, ‘ હા, યાદ આવ્યું…… તું…. તને…..તમને…
દિવ્યાથી મલકી જવાયું. તે દિવસનું મનસુખનું તુમાખીભર્યું વર્તન એને યાદ આવી ગયું!
‘ મને ‘તું’ કહેશો તો ચાલશે, મનસુખભાઈ. મને પણ કોર્ટમાં જવાનું મોડું થાય છે એટલે તમારા મગજને વધુ તસ્દી ન આપતાં તે દિવસ તમને યાદ કરાવી દઉં…….
કાળઝાળ ગરમીનો બપોરનો સમય હતો. ચા પીને એકાદ ઝોકું મારી લેવાની ઇચ્છાથી હજુ તો મનસુખ દરોગો ચાને રકાબીમાં કાઢવા જાય છે ત્યાં મોઢાંને બને એટલું ઢાંકવાનો પ્રયત્ન કરતી ગભરાતી ગભરાતી ચોકીમાં પ્રવેશતી એ છોકરીને મનસુખે અંગુઠાથી માથા સુધી જોઈ હતી અને સાથે ચાની ચુસ્કી લેતો લેતો વ્યંગમાં બોલ્યો હતો, ‘બોલ કોની સામે ફરિયાદ દાખલ કરવા આવી છે? સાસરિયા કે વર સામે?
માંડ માંડ રુદનને કાબુમાં રાખતા એ બોલી હતી, ‘બન્ને’
‘જા, જા, ઘરે જા અને સુલેહ કરી લે, બૈરાની જાતને તે વળી…..(ગાળ ગળી જઈ મનસુખે એને વણમાંગી સલાહ આપી હતી.)
મક્કમ થઈને દિવ્યા તે દિવસે જો બેસી ન રહી હોત તો તેનામાં બાળક જણવાની લાયકાતને સાબિત કરતાં રહેવું પડતે, આખ્ખીને આખ્ખી જીંદગી.
‘તમે મારી વાત પહેલા સાંભળશો કે નહીં?’ દિવ્યામાં હવે બોલવાની હિંમત ફૂટી નીકળી હતી.
હજુ ય મનસુખ તો સલાહ આપવાના મૂડમાં હતો, ‘તે સામે ન બોલવાનું અને કહે તેમ કરતી રહે તો આમ માર ન ખાવો પડે અને ફરિયાદ….’
એને અધવચ્ચે અટકાવીને એ બોલી હતી, ‘મને માર ખાવાનું મન નથી થતું, ભાઈ’ એનાથી સાવ અજાણતામાં થઈ ગયેલા ‘ભાઈ’નાં સંબોધને કદાચ મનસુખને પિગળાવ્યો હશે, ‘ચાલ, બોલ, પહેલા તો તારું નામ.’ કહી દિવ્યા સામે જોઈને પેન્સિલની અણી કાઢવા લાગ્યો હતો.
‘દિવ્યા.’
‘હં, આગળ બોલ, કેમ મારી?’
થોડીવાર ચૂપ રહી થોડા સંકોચ સાથે બોલી હતી, ‘બાળક નથી થતું એટલે મારી તપાસ કરાવવા કહે છે.’
‘હા, તેમાં ખોટું શું છે, છોકરી?’
પુરુષ સામે આવી વાત કહેતાં યુગોથી સ્ત્રીને સંકોચ – શરમ વારસામાં મળ્યા છે, ‘મેં મારી એકલીની નહી પણ અમારા બન્નેની તપાસ કરાવવાનું જ માત્ર કહ્યું હતું.’
પેન્સિલ છોલતો મનસુખ અટકી ગયો, ‘તારું આખું નામ નથી કહ્યું તેં. દિવ્યા કેવા?’
‘દિવ્યા સુથાર’
તું ગામના સરપંચની…’
‘હા, એમના દીકરા રાહુલની વહુ છું.’
હવે તો કોઈ પણ હિસાબે ફરિયાદ નોંધાય જ નહીં.
પેન્સિલ ટેબલ પર બેદરકારીથી ફેંકી માથા પાછળ બન્ને હાથ રાખી બેઠો અને કડકાઈથી બોલ્યો, ‘તું ઘરે જા અને શાંતીથી રહે અને બીજાને…’
‘તો તમે ફરિયાદ નહીં લખશોને?’ પછી થોડું વિચારીને બોલી હતી, ‘ધારો કે તમારી દીકરીને બાળક ન થતું હોય તો દીકરીની જ તપાસ થાય કે બન્ને પતિ – પત્નીની?’ એણે સીધો જ પ્રશ્નનો ઘા કર્યો હતો.
મનસુખ ક્ષણવાર માટે મુંઝાઈ ગયો હતો. છોકરીની વાત તો સાચી છે પણ સરપંચના ઘરને દુનિયાનાં છાપરે ન જ ચઢાવાય.
ચૂપચાપ એણે દિવ્યા સામે જોયા કર્યું હતું.
‘અને તમારી દીકરી જો વિવેકથી પણ મક્કમતાથી કહે કે અમે અમારા બન્નેની તપાસ કરાવીશું. ત્યારે તમારી દીકરીને જોરાવર સસરો, માથાભારે સાસુ અને માવડીયો વર માર મારે અને છતાં તમે તમારી દીકરીને ચૂપચાપ સુલેહ કરી લેવાની સલાહ આપશો?’
આવા બેધડક સવાલનો જવાબ આપવાની બુદ્ધિ કે હિંમત મનસુખમાં નહોતી જ, ‘છોકરી તારે તો વકીલ બનવા જેવું હતું. જા, બાઈ, ઘરે જા અને વડિલ જેમ કહે તેમ કર’ કહીને ફરિયાદ બુક બંધ કરી ઘરે જવાની તૈયારી કરતો હોય તેમ માથે પોલીસ હેટ મુકી અને દીવ્યાને રસ્તો બતાવી દીધો હતો.
બ…..સ આ વાક્યે દિવ્યાની કુંઠિત થઈ ગયેલી બુદ્ધિનાં દરવાજા પર દસ્તખત કર્યા.
આખે રસ્તે વિચારતી રહી…..બાર ધોરણ સુધી તો અવ્વલ નંબરે પાસ થતી આવી હતી. વચ્ચેનાં આ ચાર વર્ષને જીવનમાંથી બાદબાકી કરીને ફરી ભણવાનું શરુ કરું કે નહીં!
‘અરે, પહેલા રહેવાની સગવડ કર દીવ્યા,’ એના મને કહ્યું હતું.
એ ઘરે તો પાછા જવાનો પ્રશ્ન જ નહોતો. ક્યાં જાય? બધાને સરપંચની બીક લાગે જ, એની કોઈ બહેનપણી ઈચ્છે તો પણ એના ઘરવાળા દિવ્યાને એક રાતનો આશરો પણ ન જ આપે……શેરીને નાકે એ અટકી ગઈ હતી.
પૈસા વગર કઈ રીતે પપ્પાને ત્યાં ય જાય? જીવનને ત્રિભેટે ઊભી હતી દિવ્યા.
બપોરનો સોપો આખા ગામને ભરડામાં લઈને સુતેલા સાપ જેવો લાગતો હતો.
દિવ્યાને ઘડીક તો આપઘાત કરવાનો વિચાર આવી ગયો… પછી થયું, ના મારે હવે વકીલ બન્યે જ છૂટકો. મારા જેવી સ્ત્રીઓને મુક્તિ અપાવવામાં જ જીવન ખપાવી દેવાના નિર્ણયે એના પગ અને શરીરમાં જોર આંણ્યું.
વળી ચારેબાજુ ગીધ નજરોથી બચવા માટે ત્વરિત નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. મારમાંથી બચવા માટે ચંપલ પહેરીને ઘરમાંથી માંડ માડ ભાગી હતી. પૈસા તો ન જ હોય પણ લેવા પણ કોની પાસે?
ભર બપોરે એને ચારે તરફ ઘોર અંધારું લગ્યું હતું. બસ સ્ટોપ પાસે ધીરે ધીરે પહોંચી હતી. ‘બસની ટિકિટ કેમ કરીને લઉં’ની મુંઝવણથી એક સેકંડ માટે તો એને ચક્કર આવવા જેવું થયું. એના પપ્પાનું ઘર નજીકમાં આવેલા શહેરમાં જ હતું પણ ત્યાં જવું કઈ રીતેની દ્વિધા, તેમાં મૂઢ મારથી પીડાતું શરીર અને ફાટેલા હોઠમાં ઊઠતો ચચરાટ!
એની નજર રસુલચાચાની રીક્ષા પર પડી. બસ, રીક્ષા પપ્પાના ઘર સુધી લઈ જશે અને પપ્પા પૈસા આપી દેશેની રાહતનો શ્વાસ લઈ એણે રસુલચાચાને બાજુના શહેરમાં પોતાના પિયર લઈ જવા માટે વિનવ્યા હતાં….
પહેલા તો એ છોકરીના દીદાર જોઈને રસુલચાચા સહેમી ગયા હતાં. ઘડીક તો ના પાડવાનું મન પણ થઈ ગયું પણ બાળક વગરના રસુલચાચાને એની પર દયા આવી ગઈ. આજુબાજુ કોઈ જોતું તો નથીની ખાત્રી કરવા બન્ને જણની આંખો ચારેકોર ફરી વળી. દિવ્યા ઝડપથી રીક્ષામાં બેસી ગઈ હતી અને રસુલમિંયાએ રીક્ષા શહેર તરફ મારી મૂકી હતી.
મમ્મી અને પપ્પા તો એમની દીકરીની આવી દશા જોઈને પહેલાં તો હેબતાઈ જ ગયાં હતાં પછી કળ વળી ત્યારે પરિસ્થિતિમાંથી ઈશ્વરે એને બચાવી લેવા માટે રસુલચાચા નિમિત્ત બન્યા, એમનો આભાર માની પૈસા આપવા માંડ્યા હતાં અને રસુલચાચાએ પાક કામ કામનાં પૈસા નહોતાં લીધાં.
‘તો મનસુખભાઈ તે દિવસે ભલે મને ટોણો મારવા કહ્યું હતું કે વકીલ બન….અને એ તમારો ટોણો મારે માટે માર્ગદર્શક બની ગયો. આજે હું મારો પહેલો કેસ લડવા જતી હતી, ત્યાં મને થયું કે તમે તે દિવસે જો એ વાક્ય બોલ્યા ન હોત તો હજુ ય સ્ત્રીત્વની તપાસ કરાવવામાં અને ન કરાવું તો માર ખવામાં જીંદગી ગઈ હોત.’
કહી બેગમાંથી મિઠાઈનું બોક્ષ કાઢી મનસુખ સામે ધર્યું.
નીચું જોઈને બેઠેલા મનસુખની આંખમાંથી વહેતાં પ્રશ્ચતાપનાં આંસુ જોઈ દિવ્યાને એની દયા આવી ગઈ.
ત્યાં મનસુખની દીકરી હીના બોલી, ‘પપ્પા, તમે તમારી જોબ દરમ્યાન આવી કંઈ કેટલીય છોકરીઓના નિઃસાસા લીધા હશેને?’
માથું હલાવી ‘હા’ કહી મનસુખ બોલ્યો, ‘જો એનું ફળ હું તો ભોગવું છું અને આ મારી કુમળી છોકરી પણ બિચારી ભોગવે છે.’
હીના દિવ્યા તરફ ફરી બોલી, ‘બેન, તમે મારો કેસ લડશો?’
દિવ્યાએ આવી કોઈ પરિસ્થિતિની અપેક્ષા રાખી નહોતી એટલે આશ્ચર્ય અને આઘાતથી હીના સામે જોઈ રહી.
‘હા, દિવ્યાબેન, હું પણ સાસરેથી પાછી આવી છું.’ મનસુખ હજુ પણ નીચું જોઈને રડતો હતો.
‘મને પણ મારા પપ્પા-મમ્મી સુલેહ કરવાનું કહેતાં હતાં પણ……..’
વાત કરતાં સંકોચ પામતી હીનાને ખભે હાથ મુકી દિવ્યાએ એને મુંગો સથિયારો આપ્યો.
બેન, તમે જ કહો, એક હોમોસેક્સ્યુઅલ સાથે કઈ રીતે જિંદગી જીવું? એ બિચારાએ જ મને ડિવોર્સ લેવા પ્રોત્સાહન આપ્યું છે. એ પણ લાચાર હતો.’
‘તો શું તમારા લગ્ન તમારી ઈચ્છા વિરુધ્ધ કરાવ્યા હતા?’
‘ના, મારા પક્ષે મને એ દેખાવમાં ગમે એવો લાગ્યો, એટલે મેં સહમતિ દર્શાવી હતી.’
‘અને એણે?
‘એને ખૂબ જ ખરાબ રીતે ઈમોશનલ બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. એટલે બિચારાએ હા પાડવી પડી.’
પછી સાવ ભાંગેલે સ્વરે બોલી, ‘તમે માનશો બહેન એના અને મારા ઘરે સૌ કહે છે કે મારા હસબંડ – જીતને ખોટી કંપની મળી ગઈ છે એટલે આવી છકેલા જેવી વાત કરે છે. તમે જ કહો આ બધાને કઈ રીતે જીતની પરિસ્થિતિ સમજાવીયે?’
એક ફળફળતો નિસાસો મુકી દિવ્યાએ કહ્યું, ‘એમ હિંમત ન હરી જા, આપણે તો હજુ સામા વહેણે ખબર નહીં કાંઈ કેટલાય માઈલો તરવાનું છે. એમ થાકી ગયે કેમ ચાલશે? ચાલ, તું મને મારી ઓફિસે મળ અને વિગતે વાત કહેજે, ભૂલતી નહીં, જરૂર આવજે’
પર્સમાંથી કાર્ડ કાઢી હીનાને આપતાં આપતાં દિવ્યાની નજર હીનાના મંગળસૂત્ર પર પડી. કાંઈ બોલવા જાય તે પહેલાં જ હીનાએ કહ્યું, ‘સમાજના વરુઓ સામે રક્ષણ મેળવા માટે આ મારું કવચ છે, દીદી’
દિવ્યા હસીને હીનાનો હાથ પકડી બોલી, ‘મને દીદી કહી એટલે એક વણમાંગી સલાહ આપું?’
હીનાએ પણ મલકીને સંમતિસૂચક માથું હલાવ્યું.
‘આ તારે અને મારે માટે અ-મંગળસૂત્ર બન્યું ને, બેન? તને કે મને આ આભુષણે કયા મંગળ સાથે એક સૂત્રે બાંધી? તારે તારી આંખમાં ખુમારીનું આંજણ આંજી અને આત્મવિશ્વાસનું કવચ પહેરવાનું હોય. જો આભુષણ રક્ષણ કરતાં હોતે તો કાંઈ કેટલીય પરણિત યુવતીઓ પર બળાત્કારના કેસ જ બનતે નહીંને? ચાલ તારી ફુરસદે ઓફિસે આવજે.’ કહી હીનાનો ગાલ થપથપાવી મનસુખને નમસ્કાર કરી દિવ્યા આત્મવિશ્વાસનું કવચ ઓઢી જીંદગીનો પહેલો કેસ લડવા ચાલી નીકળી..
Nayna Patel
29, Lindisfarne Road,
Syston, Leicester
U.K
T.N: +44 7800548111
ઇ-મેલ: nayana.patel@gmail.com
નયનાબહેન!
બહુ જ સરસ દિલદ્રાવક કથા! ‘ શીર્ષક ઉચિત”.
LikeLike