ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

શેક્સપિયરના ‘એઝ યુ લાઈક ઈટ’ નાટકના એક સંવાદ મુજબ સમગ્ર વિશ્વ એક મંચ છે, અને આપણે સૌ તેનાં પાત્રો છીએ. કંઈક આવો જ સંવાદ ‘આનંદ’ ફિલ્મમાં કલાકાર જહોની વૉકર દ્વારા બોલાય છે. એ મુજબ ‘આપણે સૌ રંગમંચની કઠપૂતળીઓ છીએ અને આપણી દોરી ઉપરવાળાના હાથમાં છે.’  આ સંવાદોના સંદર્ભ ભલે જુદા હોય, પણ એક ફિલસૂફી તેમાં સામાન્ય જણાય છે કે સૌએ પોતપોતાના ભાગે આવેલી ભૂમિકાને ન્યાય આપવાનો છે. હવે સવાલ એ છે કે પોતાને ભાગે આવેલી ભૂમિકા કઈ? સામાન્ય રીતે જોઈએ તો દરેકને પોતે જે છે અથવા જે કરે છે એનાથી કંઈક જુદું કરવું હોય છે. કરવું જ જોઈએ. કેમ કે, એ જુદું કરવાની ધખના જ આપણને માણસ બનાવે છે. આની સામે એ પણ એટલું જ સાચું કે કઈ બાબત પોતાને ફાવતી નથી એ જાણી લેવું. અંગ્રેજીમાં જેને ‘માય કપ ઑફ ટી’ કહે છે એવું કંઈક.

ફિલ્મક્ષેત્રે આવાં અનેક ઉદાહરણ જોવા મળે કે જેમાં એક ક્ષેત્રની વ્યક્તિને અન્ય ક્ષેત્રમાં પગપેસારો કરવાનો સળવળાટ સતત થતો રહે. અન્ય ક્ષેત્રોમાં આવું બનતું હોય છે, પણ ફિલ્મ ક્ષેત્ર સતત પ્રચાર-પ્રસાર કેન્દ્રી હોવાથી તેમાં થતી આવી બાબત તરત ધ્યાને ચડે છે.

ગાયક મુકેશનો રાજ કપૂરે ‘આગ’નાં ગીતો ગાવા માટે સંપર્ક કર્યો ત્યારે મુકેશને નવાઈ લાગી હતી. અચ્છા અભિનેતા હોવાની સાથેસાથે સારા ગાયક એવા રાજ કપૂર પોતાના માટે સ્વર આપવાનું મુકેશને શા માટે કહે? પણ રાજ કપૂરે જણાવ્યું કે પોતે દિગ્દર્શન-નિર્માણ ક્ષેત્રે આગળ વધવા માગે છે. મુકેશ પાર્શ્વગાયક તરીકે પ્રવેશીને ઓળખ પામી ચૂક્યા હતા. ઠીકઠીક પ્રતિષ્ઠા મેળવી લીધી હતી. પણ તેમને અભિનય અને નિર્માણના ક્ષેત્રે પ્રવેશવાનો સળવળાટ હતો. ‘માશૂકા’ અને ‘અનુરાગ’ જેવી ફિલ્મો દ્વારા તેમણે અભિનયની પોતાની ઈચ્છા પૂરી કરી. એમ તો રાજ કપૂરની ‘આહ’માં તે ગાડીવાનની ભૂમિકામાં ‘છોટી સી યે જિંદગાની’ ગાતા પડદે દેખાયા હતા, પણ એ અતિથિ ભૂમિકા હતી, જ્યારે આ બન્ને ફિલ્મોમાં તે અનુક્રમે સુરૈયા અને ઉષા કિરણની સાથે નાયકની ભૂમિકામાં હતા.

નિર્માતા તરીકેના અભરખા પણ તેમણે ‘મલ્હાર’ ફિલ્મના નિર્માણ થકી પૂરા કર્યા. ‘અનુરાગ’નું સહનિર્માણ પણ કર્યું. આ બધામાં તે ખાસ સફળ ન થઈ શક્યા એ તેમના ચાહકો માટે સારું થયું. તેમને ગાયક તરીકે યાદ રાખવા વધુ ગમે.

મુકેશ દ્વારા નિર્મિત, હરીશ દ્વારા દિગ્દર્શીત, ડારલિંગ ફિલ્મ્સની ‘મલ્હાર’ની રજૂઆત ૧૯૫૧માં થઈ હતી. શમ્મી, અર્જુન, મોતી સાગર, કનૈયાલાલ જેવા કલાકારોની તેમાં મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનું સંગીત રોશનનું હતું, જ્યારે ગીતો ઈન્દીવર, કૈફ ઈરફાની અને શ્યામલાલ વચ્ચે વહેંચાયેલાં હતાં. ફિલ્મનાં કુલ નવ ગીતો હતાં, અને એકે એક ગીત અદ્‍ભુત- રોશનની અસલ ઓળખ જેવા. (આ લીન્‍કમાં ટાઈટલ સોન્ગ સિવાયનાં આઠ ગીતો છે.) અલબત્ત, આમાં સૌથી વધુ જાણીતું ગીત ‘બડે અરમાન સે રખા હૈ બલમ તેરી કસમ’ (મુકેશ, લતા/ઈન્દીવર) બન્યું. કહેવાય છે કે આ ગીતની ધૂનની પ્રેરણા રોશને ‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ પરથી લીધી હતી. આ ફિલ્મનું મને સૌથી પ્રિય ગીત એટલે ‘કહાં હો તુમ જરા આવાજ દો’ (લતા, મુકેશ/કૈફ ઈરફાની). આ ઉપરાંત ઈન્દીવરનાં લખેલાં ત્રણ ગીતો હતાં ‘ઈક બાર અગર તૂ કહ દે’ (લતા, મુકેશ), ‘હોતા રહા યૂં હી અગર અંજામ વફા કા’ (મુકેશ) અને ‘તારા તૂટે દુનિયા દેખે’ (મુકેશ).

કૈફ ઈરફાનીનાં અન્ય બે ગીતોમાં ‘દિલ તુઝે દિયા થા રખને કો’ (મુકેશ) અને ‘મુહબ્બત કી કિસ્મત બનાને સે પહલે’ (લતા)નો સમાવેશ થાય છે. શ્યામલાલે લખેલું એક માત્ર ગીત હતું ‘કોઈ તો સુને મેરે ગમ કા ફસાના’.

આ આઠ ગીતો ઉપરાંત ફિલ્મનું ટાઈટલ સોન્‍ગ હતું લતા મંગેશકર દ્વારા ગવાયેલું ‘ગરજત બરસત ભીજત આઈ લો’. આ ગીતના શબ્દો પારંપરિક છે. ચોક્કસપણે તે કોણે લખ્યું એની જાણ નથી. પણ આગળ જતાં ૧૯૬૦માં રજૂઆત પામેલી ‘બરસાત કી રાત’ ફિલ્મના ટાઈટલ સોન્ગમાં રોશને આ જ ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ધૂન વધુ પૉલિશ્ડ બનાવી હતી, જેમાં અનેક વાદ્યોનું ઉમેરણ હતું. એ ગીત સાહિરે લખેલું, પણ તેના મુખડાના શબ્દો આ ગીતની જેમ જ ‘ગરજત બરસત’ રાખેલા. એ ગીત એટલે ‘ગરજત બરસત સાવન આયો રે’.

અહીં ‘મલ્હાર’નું ગીત ‘ગરજત બરસત ભીજત આઈ લો…’ પ્રસ્તુત છે, જેના શબ્દો આ મુજબ છે.

गरजत बरसत भीजत आई लो
गरजत बरसत भीजत आई लो

तुमरे मिलन को अपने प्रेम पिहरवा
लो गरवा लगाय
गरजत बरसत भीजत आई लो
गरजत बरसत भीजत आई लो

तुमरे मिलन को अपने प्रेम पिहरवा
लो गरवा लगाय
गरजत बरसत भीजत आई लो
गरजत….

जो लो हम तुम इक ढिंग रहिलो
जो लो हम तुम इक ढिंग रहिलो
तो लो रहिलो हियरा समां
तो लो रहिलो हियरा समां
सावन आई लो लाल चुनरिया
दे हो रंगाए
गरजत बरसत भीजत आई लो

गरजत बरसत भीजत आई लो

 


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)