હકારાત્મક અભિગમ

રાજુલ કૌશિક

સંત તિરુવલ્લુવર વણકર હતા. આજીવિકા માટે અત્યંત ધીરજથી સૂતરના તાંતણા વણવાનું કામ કરતા હતા. ધીરજ ઉપરાંત આ કામ શ્રમ અને ખંત પણ માંગી લે એવું હતુ. એક સમયે પોતાની હાથવણાટની સાડી બજારમાં વેચવા નિકળ્યા.

એટલામાં એક યુવકે આવીને સાડીની કિંમત પૂછી. સંતે જવાબ આપ્યો….“ બે રૂપિયા.”

યુવકે એ સાડીના બે ટુકડા કરી નાખ્યા અને પૂછ્યું, “ હવે કેટલી કિંમત થઈ?” સંતે જવાબ આપ્યો…“એક રૂપિયો.” ફરી એ યુવકે સાડીના બે ટુકડાને ચાર ટુકડામાં વહેંચી નાખી અને પૂછ્યું, “ હવે ?” સંતે અપાર શાંતિથી જવાબ આપ્યો.“આઠ આના.” ફરી ચાર ટુકડામાંથી આઠ ટુકડા કર્યા અને પૂછ્યું,

“ ચાર આના.” સંતે જવાબ આપ્યો.

યુવક સંતને ઉશ્કેરવા સાડીના ટુકડાઓને પણ ટુકડાઓમાં વહેંચતો ગયો. અંતે સાડી લીરેલીરા થઈ ગઈ. યુવકે એ લીરાનો ગોળો વાળ્યો અને કહ્યું હવે આમાં બચ્યું છે શું કે આના પૈસા આપવાના હોય? તેમ છતાં સંત મૌન રહ્યા. થોડા અહંકાર અને વધારે તુચ્છકાર સાથે એ યુવકે બે રૂપિયા સંત તરફ ફેંક્યા અને કહ્યું, “ આ લો તમારી સાડીની કિંમત.”  યુવકની આટલી ઉધ્ધતાઈ જોઈને પણ જરાય અકળાયા વગર સંતે કહ્યું,“ બેટા, જ્યારે તેં સાડી ખરીદી જ નથી ત્યારે તારી પાસે પૈસા કેવી રીતે લેવાય?” હવે યુવાન શરમિંદગી અનુભવી રહ્યો. પોતાના અપકૃત્ય બદલ ખુબ દુઃખી થઈને રડી પડ્યો અને માફી માંગી.

જરા વ્યથિત થઈને ભીના અવાજે સંતે એ યુવકને કહ્યું, “ બેટા, હવે તારા આ બે રૂપિયાથી થયેલી ક્ષતિ તો ભરપાઈ થવાની નથી. જરા વિચારી જો આ કપાસ ઉગાડવામાં સૂતર કાંતવામાં અને સાડી વણવામાં કેટલા પરિવારોએ પરિશ્રમ વેઠ્યો હશે ?”

યુવકે અપાર વેદના સાથે કહ્યું,“ ત્યારે તમે મને રોક્યો કેમ નહીં?”

સંતે ખુબ સરસ જવાબ આપ્યો,“ રોકી શક્યો હોત તો પણ તું તે સમયે તો ના જ રોકાત. પરસ્પર જીવન પ્રત્યે સાધી શકાય એવી આસ્થાની એ પળ ચૂકી જવાત. અત્યારે જે સંવેદનશીલતા તું અનુભવી રહ્યો છું તે કેળવવાની તક પણ ચૂકી જવાત.”

સીધી વાત- જે સમયે લોઢું ગરમ હોય ત્યારે જ ઘણ મારવાનો અર્થ બાકી તો સઘળા ઘા વ્યર્થ. સમજને સ્વીકારવાની શાણપણભરી માનસિકતા પર પહોંચેલી વ્યક્તિ માટે તો ઈશારો પણ કાફી છે. સમજદાર માટે ઈશારો પણ કાફી છે. નાસમજ માટે તો આખી ગીતા વાંચવી પણ અર્થહીન છે. સમજની ભૂમિકાએ પહોંચ્યા પહેલા એને ભાષણ આપવું પત્થર પર પાણી.. અને દેશી તળપદી ભાષામાં કહીએ તો ભેંશ આગળ ભાગવત.


સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.