લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

કોઈ માણસ પોતાના રસ્તે ચાલ્યો જાય છે, એની પીઠ દેખાય છે ને કોઈ સામેથી સીધો ચાલ્યો આવે છે. આપણને એનો સીનો, એનો મોરો દેખાય છે. આપણી નજર સામે એ અલપઝલપ રહે છે ને પછી દૂર થઈ જાય છે, એમાં શી નવીનતા ? કયું વિસ્મય ? શેની જિજ્ઞાસા ?

સાચી વાત, આપણને એવું કાંઇ થતું નથી. આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે એ પસાર થતી ને અલોપ થઇ જતી વ્યક્તિ એ કોઈ એક દેહમાં પૂરાયેલી માત્ર વ્યક્તિ નહીં, પણ આખું મહાભારત હતી. સાવ બેફામ કલ્પના કરીએ, ફેન્ટેસી ગણીને  ચલાવી લેવા જેવી છે, પણ  કલ્પના એવી કરીએ કે એવી કોઈ નજર આપણને મળે કે પછી ચશ્મા મળે કે જેનાથી નજરે પડનાર માણસનો આખો ઈતિહાસ આપણે ક્ષણભરમાં તાગી લઇએ, તો ક્યારેક એમ તાગી લીધા પછી બીજી જ પળે હોઠમાંથી  શબ્દો સરે કે “ઓહોહો… આપ ! આપ અહીં ? આ રસ્તા પર પગપાળા ? ફૂટપાથ પર એકલાઅટૂલા ચાલતા ? આ રીતે ? અરે, તમારી રેડ કાર્પેટ ક્યાં ? એકવીસ તોપો ક્યાં ગઈ ? ખેર, એ તો બધો તમારો ભપકો થયો, નામદાર! પણ તમે ભાગલા વખતે ભારત સંઘને અર્પણ કરી દીધેલાં જમીન, જાગીર, રાજકાજ, માલ, મિલકત એ બધાની પહોંચ ક્યાં ?”

પણ આવું કંઈ બનતું નથી, નજર તો  અજાણ્યા હરેક માણસને અથડાઇને બીજા પર સરી જાય છે. એ નુગરીની નુગરી જ રહે છે. માણસના પહેરવેશ સુધી જાય, વય માપવા સુધી જાય, ને બહુ બહુ તો ચહેરો ઉપર ઉપરથી કેવો લાગે છે એ જોવા સુધી જાય. નકરી નજરમાં આથી વધુ હેસીયત નથી.

(મહેમૂદા બેગમ સાથે રુસ્વા)

એટલે જ શાયર રુસ્વા ‘મઝલૂમી’ જ્યારે જિંદગીમાં પહેલી વાર મળ્યા ત્યારે એમ જ નજર તળેથી પસાર થઈ ગયા હતા. કોઈએ એક વાર કહ્યું કે આ ‘શાયર’ છે, ત્યારે જવાબમાં અંદરથી એમ ઉગ્યું કે ‘હશે, ઘણાય હોય’. પછી એમ પણ કોઈએ કહ્યું કે એમ નથી મિત્ર, આ તો એક વખતના મોટા જાગીરદાર, નવાબ જ કહેવાય. માંગરોળ પાસે પાજોદ નહીં ? અરે, બાંટવા પાસે! આ ત્યાંના દરબાર. આ સાંભળીને  આપણે એમને દસ ટકા માર્ક વધારે આપ્યા. એકાદ સરસરી નજર વધુ એક વાર એમના વ્યક્તિત્વ પર નાખી – લાગે છે, દેખાય છે હજુ કંઈ રજવાડા જેવું એમની સુરત પર ? હા. જોવા જઈએ તો દેખાય ખરું કાંઇક સિકલ પર. બીજાઓ કરતાં કંઈક અનોખી, કંઈક વધારે રોલો પડે એવી. ત્વચામાં પણ એક જાતની સુંવાળપ દેખાય – નજરમાં ખાનદાની સાથે થોડી બેચેની પણ ઝલકે – પાતળી મોંફાડ, સાહિત્યપ્રીતિ બતાવે. જુવાનીમાં જરૂર ‘ખૂબસુરત નૌજવાં’ રહ્યા હશે. આ પછી ઓળખાણ આપનારે એવી પણ ઓળખાણ આપી કે આ તો મશહૂર શાયર અમૃત ‘ઘાયલ’ના ગુરૂ ! ત્યારે, એ દિવસોમાં પણ એ ક્ષણે અહોભાવનો ઉભરો આવી ગયો. ‘ઘાયલ’ માટે આખા ગુજરાતને ભારોભાર માન. અરે! જબરદસ્ત શાયર, જોટો ના મળે. ઓહો! ત્યારે આ એમના પણ ગુરૂ ? કેવી રીતે ?

સારો એવો સમય પસાર થઈ ગયો એમને ટગર ટગર જોયે રાખ્યે. છતાં વગર ઓળખાણ પાડ્યે, પણ આગળ ઉપર જ્યારે જૂનાગઢમાં કવિ પ્રફુલ્લ નાણાવટીએ ઓળખાણ પાડી ત્યારે મેં એમને પૂછ્યું : “આ જનાબ ઘાયલના ગુરૂ ? જરા સરખીયે વાત તો કરો ?”

“એમને જ પૂછો ને ?”

“પૂછાય ?”

“પૂછવું નહીં એ ગુનો છે.”

એ વખતે રુસ્વાસાહેબે પઠાણી પહેરવેશ પહેરેલો. ઉંચા, પડછંદ અને પહોળા ખભાવાળા વ્યક્તિત્વમાં આ પહેરવેશ જચે બહુ. લોખંડની સાવ સાદી ખુરશી પર બેસીને વિચારોમાં ગરકાવ હતા. વાળ ઉભા ઓળેલા. સફેદ થઈ ગયેલા, પણ એમાં મહેંદીથી લાલ ઝાંય પડી ગઈ હતી. એમણે એમના નોકર- (દરબારી ભાષામાં ‘માણસ’ કહેવાય)ને સિગારેટ લેવા મોકલેલા તે લઈ આવીને બે હથેળીમાં નાનકડા બાકસને ધરીને કમરેથી લળીને ઉભેલો. જાણે કે સોનાનું બિસ્કીટ ધરીને ઉભો હોય  -‘કહેવું પડે. આ દૃશ્યમાં પણ ખરૂં રજવાડું!’ એમ મનોમન હું બોલ્યો. તે પછી થોડી ઔપચારિક ઓળખાણ પાડીને હળવેકથી સવાલ સેરવી દીધો : “આપ ઘાયલના ગુરૂ થાઓ ?”

એ ચોંકી ગયા. ભાવના અનેક અલટા-પલટા શકલ પર આવીને લોપાઇ ગયા. પછી જરા ખિન્ન થઇને કહ્યું : “આવું ના પૂછો, જનાબ ! દિલમાં ઉંડો ઘા પડી જાય છે. ચીરાઇ જાય છે.”

“કેમ? કેમ ?”

એમણે કહ્યું : “ઘાયલનો હું ગુરૂ નથી. ગુરૂ બનવાને લાયક પણ નથી. હું નાનકડો રાજવી હતો, પણ ઘાયલ તો મોટા શાયર. રાજવી કરતાં કવિનો દરજ્જો, એ ગમે તેટલો ગરીબ હોય તો પણ હમેશા એક વેંત ઉંચો હોય છે. મેં એમને મૈત્રી આપી અને કવિઓમાં રાજવી બનવાની એમની લાયકાતને માંજી આપી – એમણે મારા જેવા રાજવીને કવિ બનાવવાનો પ્રયત્ન કર્યો. અર્ધી સદી જૂની અમારી દોસ્તી. અમારો સહવાસ તો મારા જીવનની અણમોલ પૂંજી છે. ઘાયલની હસ્તી ના બની હોત તો રુસ્વાને કોઈ ઓળખત નહીં. મને તો તેમની કિર્તીના પડછાયામાં રોશની મળી છે,  ભાઈ. ”

ધીરે ધીરે એ ખૂલતા ગયા અને એમની આખી દાસ્તાન કહી (જે મારા પુસ્તક ‘ઝબકાર’ કિરણ 3 માં એક બૃહદ લેખ રૂપે પણ છે. (ક્યારેક અહીં મૂકીશું.) અને મારા અને બીરેન કોઠારીના સંપાદનમાં બહાર પડેલા પુસ્તક ‘મારોય એક જમાનો હતો’માં પણ છે.)

**** **** ****

તા. 8 મી જૂન 1983નો શાયર અમૃત ‘ઘાયલ’નો પોતાના જીગરજાન મિત્ર પાજોદ દરબાર, શાયર રુસ્વા મઝલૂમી પરનો એક પોસ્ટકાર્ડ મારી પાસે છે. યૌવનકાળમાં થયેલો ભાઈબંધ બુઢાપામાં એ ભાઈબંધને કેવો પત્ર લખે છે ?

(ઘાયલસાહેબે રુસ્વાસાહેબને લખેલો  પત્ર)

“માય ડિયર બાપુ, હું ગઈ કાલે જ ચી. અયાઝને (રુસ્વાના પુત્રને) મળ્યો. આપનું ને મારી માનું સ્મરણ હતું ત્યાં જ હમણાં આપનો તા. 6-6-83 નો પત્ર મળ્યો. અને હું આ લખવા બેઠો, આભાર. આપણે ગમે ત્યાં ગમે ત્યારે વર્તમાન અથવા ભવિષ્યમાં મળીશું ત્યારે આપણે ભૂતકાળના સ્વપ્નમહેલમાં જ મળીશું, ઈન્શાલ્લાહ ! કદાચ જન્નતમાં જગ્યા નહીં હોય તો ખુદાએ અન્ય સ્થળે આપણી વ્યવસ્થા કરવાની રહેશે તેમ હું બંદાનવાઝને જણાવી ચૂક્યો છું. એ વ્યવસ્થા પણ નહીં થાય તો ‘ફિર પલટ આયેંગે હમ’. આપની નવલિકાનો બીજો સંગ્રહ પ્રગટ થઈ ચૂક્યો છે, જાણીને આનંદ થયો, મારી કોઈ પણ ગઝલ, પંક્તિ, કે હર્ફ પર રુસ્વાનો હક છે.”

(અમૃત ‘ઘાયલ’ અને રુસ્વાસાહેબ)

પછીના સમયગાળામાં તો ‘અઢળક ઢળીયો રે શામળીયો’ની માફક એ બન્ને મિત્રોને પરસ્પરને ગળે હાથ ભેરવીને રડતા પણ જોયા અને ખડખડાટ હસતાં પણ. વેરાવળમાં કવિ મહેન્દ્ર ‘સમીર’(હવે તો સ્વર્ગસ્થ)ની કૃપાથી આ મોકો મને સાંપડ્યો હતો. મારા પણ એ કંઈક સંઘર્ષમાંથી જરી બેઠા થવાના દિવસો હતા. બેંકની સાવ નીરસ, છતાં રોટલો આપનારી નોકરીના યંત્રવત દિવસોમાં દિવસ તો પારકાં ધન અને નકરા રૂપિયા જ ચિતરેલા કાગળિયાં વચ્ચે જતો, પણ સાંજ ભારે મધુર, સલુણી વીતતી, તે આ રુસ્વા સાહેબની અવારનવાર મળી જતી કંપનીને કારણે( એ વિષે પણ મેં ‘ઘાયલકી ગત’ નામના મારા ઘાયલ વિષેના લેખમાં લંબાણથી લખ્યું છે. ક્યારેક એ પણ અહીં મૂકવાનો ઇરાદો છે. એ લેખ પણ ‘મારોય એક જમાનો હતો’ પુસ્તકમાં છે).

(રુસ્વાસાહેબ સાથે રજનીકુમાર)

 

**** **** ****

એ પછી તો દિવસો વીત્યા અને મહિનાઓ. એ પછી વર્ષો અને પછી દસકાઓ – રુસ્વાસાહેબ વર્ષો લગી બાલાસિનોરના નવાબ સલાબતખાનજીના અંગત સગા અને મદદનીશની રૂએ ત્યાંના રાજમહેલમાં રહેતા હતા. એમના તાજબેગમ અને એ બન્ને એકલાં જ. પાજોદના રાજમહેલની જાહોજલાલી તો એમની પાસે એ વખતે નહોતી, પણ એમની પ્રભા, એમના ચહેરા, વાણી, વર્તણૂંક અને વ્યવહારમાં બરકરાર રહી હતી.

એ પછી પણ એમણે અનેક ગામો બદલ્યાં. સુરત પાસે ખોલવડ ગામે રહ્યા ત્યારે પણ મારી સાથે પત્રવ્યવહાર જારી રહ્યો, ને પછી સુરત પાસેનું કઠોર ગામ.

રુસ્વાસાહેબે રજનીકુમારને લખેલો એક પત્ર

 

રુસ્વાસાહેબ જ્યાં રહ્યા ત્યાં ‘અલ્લાહ રાખે તેમ’ રહ્યા. હાથ કદાચ તંગદસ્ત રહ્યો હશે, પણ કલમની ધાર બુઠ્ઠી થઈ નહોતી. એ વૃદ્ધાવસ્થા, રઝળપાટ, અને આવકની અસલામતીના ગાળામાં પણ એમની કલમમાંથી શ્રેષ્ઠ શેરો, સુંદર ગદ્યકૃતિઓ, સંસ્મરણકથાઓ ટપકતાં રહ્યાં. ‘તમારાં નામે બધા ઓળખે છે’ એ એમનું નાનકડું પણ અત્યંત રસપ્રદ આત્મકથનાત્મક પુસ્તક બન્યું. મિત્રોને એમણે એની છૂટા હાથે લહાણી કરી,  ન માની શકાય તેવા ચમત્કારોનું બયાન કરતું એમનું ‘કૌતુક’ પુસ્તક એમણે મને મોકલ્યું ત્યારે એના કથનો સાથે ભલે સાવ સંમત ના થવાય, પણ એંસીની ઉંમરે તેમણે એ પ્રકાશિત કરેલું.

(રુસ્વાસાહેબનાં કેટલાંક પુસ્તકો પૈકીનાં બે)

**** **** ****

૨૦૦૮ ની સાલમાં તેમના પરમ મિત્ર અને ચાહક એવા મુંબઇના સાહિત્યપ્રેમી ‘આશાપુરા ગૃપ’ના ઉદ્યોગપતિ નવનીતલાલ શાહે તેમના જીવનની દસ્તાવેજી વિગતોને સાચવી લેવાને વાસ્તે એક ચરિત્રાત્મક પુસ્તક ‘મારોય એક જમાનો હતો’ અને એક વિડીયો ડૉક્યુમેન્ટરીનું નિર્માણ કશા પણ વ્યાવસાયિક ઉદ્દેશ વગર મારી પાસે કરાવ્યું. મેં એમાં મારી સાથે બીરેન કોઠારીને પણ લીધા. આ એકાણું વર્ષની જૈફ વયે પણ તેમને બહુ સંભાળપૂર્વક તેમના જૂના રજવાડાના ગામ પાજોદ લઇ જવામાં આવ્યા ત્યારે એ નાનકડું ગામ આખું પોતાના આ ભૂતપૂર્વ નવાબના દર્શને ઉમટ્યું  અને ઢોલનગારાંથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ગામની વહુ-દીકરીઓએ તેમના હાથમાં પોતાના નવજાત શિશુઓને મૂકીને આશિર્વાદ મેળવવા પડાપડી કરી. ત્યારે રુસ્વાસાહેબના કરચલીયાળા પણ ગૌર ચહેરા પર સંતોષની સુરખી છવાઇ ગઇ.

અને એથીય વધુ સંતોષ અને આનંદની લહેરખી તેમના ચહેરા ઉપર ત્યારે છવાઇ ગઇ કે જ્યારે તેમને એ વિડીયો ડોક્યુમેન્ટરી મોટા પડદે બતાવવામાં આવી. એમની જીભેથી પોતાના મિત્ર નવનીતભાઇ માટે શબ્દો સરી પડ્યા, ‘ખુદા આપકો હમેશા કે લીયે આબાદ રખ્ખે,મેરે દોસ્ત.’

(રુસ્વાસાહેબ અને નવનીતલાલ શાહ)

એ જોયા પછી સંતોષના શ્વાસ સાથે 14 મી ફેબ્રુઆરી, 2008 ના દિવસે તેમણે દેહ છોડ્યો. રાજકોટના કબ્રસ્તાનમાં તેમની દફનવિધી કરવામાં આવી ત્યારે નવનીતભાઇ શાહે તેમના દેહ પર મૂકવા માટે ગુલાબના ફૂલોનો મોટો ગુલદસ્તો મોકલ્યો. એ પોતે તો આવી ના શક્યા, પણ મને એમણે પોતાની એ છેલ્લી ફરજ બજાવવાની વિનંતી કરી. અને રાજકોટના પોસ્ટઓફિસ સામેના એ કબ્રસ્તાનમાં મેં જરી નીચા નમીને રુસ્વા સાહેબના નિશ્ચેતન દેહના કાન પાસે મોં લાવીને કહ્યું; “તમારા એ દોસ્ત તરફથી આ છેલ્લો તોહફો !”

રુસ્વાસાહેબ વિશેનું દસ્તાવેજી ચિત્ર

એ જ ક્ષણે ઘડીભર હવાની ધીમી લહેરખી જેવો એક આભાસ થઇ આવ્યો. શબ્દ કાને પડ્યો “શુક્રીયા!”. જાણે કે રુસ્વા સાહેબનો જ શબ્દ !

પણ બીજી જ ક્ષણે અહેસાસ થયો. એ શબ્દ તેમના પુત્ર અયાઝખાનજી દ્વારા મારા ખભે હળવો હાથ મૂકીને ઉચ્ચારાયો હતો. પણ પિતા-પુત્ર બન્નેના અવાજો એટલી બધી હદે એક જેવા હતા કે…..

હા. આત્મા પણ પ્લેબેક લે છે !


નોંધ: રુસ્વાસાહેબના દિલદાર દોસ્ત શ્રી નવનીતભાઇ શાહ ૩૦ મી જુન, ૨૦૧૫ ના રોજ નેવું વર્ષની વયે મુંબઇ ખાતે અવસાન પામ્યા.


નોંધ: પુસ્તક ‘મારોય એક જમાનો હતો’ની હવે હાર્ડ કોપી ઉપલબ્ધ નથી. સ્કેન કરેલી સોફ્ટ કોપી મેળવવા માટે લેખકનો સંપર્ક નીચે આપેલા સરનામે વ્હૉટ્સએપ યા ઇ- મેલથી સંપર્ક કરી શકાય.


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com