-
સ્ત્રીઓના સ્કેચીઝ. ભાગ 4
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
મુસ્કાન [૧]
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
એ શુભ દિવસ નજીક આવી રહ્યો હતો, સુશીલા અને સત્યેન્દ્ર એમના પ્રસન્ન દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપ વારસના જન્મના એંધાણથી બંને અત્યંત ખુશ હતાં. ન સાસુ, ન સસરા કે નણંદ દિયર, સુશીલા આ પ્રસન્નતા કોની સાથે માણે? પણ સત્યેન્દ્રએ એની દરેક તમન્ના પૂરી કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી.
સત્યેન્દ્રએ સુશીલાની સંભાળ માટે બે પરિચારિકાની વ્યવસ્થા કરી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ પણ સુશીલાને પોતાનું, કોઈ આત્મિય સાથે હોય એવી લાગણી થતી. સત્યેન્દ્રના પરિવારમાંથી તો કોઈ એવું નહોતું કે જેને બોલાવી શકાય પણ સુશીલાની ઈચ્છાનુસાર એની નાની બહેન ગુણસુંદરીને બોલાવા સત્યેન્દ્રએ સંમતિ આપી. સુશીલા તરફના અત્યંત અનુરાગને લઈને સત્યેન્દ્ર એની કોઈ વાત ટાળી શકે એમ હતા જ નહીં,
અને સાવ અલ્પ સમયમાં સુશીલાએ કરેલા તારના જવાબમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને મૂકવા આવ્યો.
ગુણસુંદરી…
ગુણ અને સુંદરતાનો સરવાળો એટલે ગુણસુંદરી. સાદી ભાષામાં કહીએ કે રંગે રૂડી રૂપે પૂરી, સર્વ કળામાં માહિત એવી સુશીલાથી ત્રણ વર્ષ નાની ગુણસુંદરીએ આવતાની સાથે જ ઘરની વ્યવસ્થા ખૂબીપૂર્વક સંભાળી લીધી. વહેલી સવારે પૂજાપાઠથી શરૂ થતો એનો દિવસ ઘર આખાને મંગલમય બનાવી દેતો.
સુશીલાની સ્નેહપૂર્વક સંભાળની સાથે પરિચારિકાઓને સરસ રીતે સાચવી લેતી અને સત્યેન્દ્રની તો વાત જ અલગ હતી. એ તો એના જીજાજી હતા, અત્યંત સન્માનપૂર્વક એમની તમામ તક સાચવી લેતી. સત્યેન્દ્રના વાચનકક્ષને વ્યવસ્થિત રાખતી, રોજ તાજા ફૂલોથી સત્યેન્દ્રના ટેબલને સજાવતી.
ગુણસુંદરીએ એના સુચારુ વ્યક્તિત્વની મોહિનીથી સૌના દિલ જીતી લીધા.
આવી સર્વગુણસંપન્ન ગુણસુંદરીને માત્ર એક સુખથી વિધાતાએ વંચિત રાખી. એ બાળ-વિધવા હતી પણ એણે તો આ વૈધવ્યને સાદગી અને સન્માનપૂર્વક અને પૂરેપૂરી ગરિમાથી સ્વીકારી લીધું હતું. નિર્વિકાર તપોમય સાધાનાથી એનો ચહેરો કાંતિમય બન્યો હતો.
પ્રખર-પ્રકાંડ વિદ્વાન એવા એના પિતાએ એના તપોમય જીવન માટે સંસ્કૃતથી માંડીને અન્ય ભાષાઓના જ્ઞાનથી સુસંસ્કૃત કરી હતી. આમ ગુણસુંદરી અતુલનીય સુંદર જ નહીં અતુલનીય વિદુષી પણ હતી.
અને એ દિવસ આવી ગયો. સવારના બ્રાહ્મ મુરતમાં સુશીલાએ પુત્રને જન્મ આપ્યો. ઘર આખું પ્રસન્નતાથી છલકાઈ રહ્યું. ગુણસુંદરીએ માતાના ઘરેથી આણેલી સોને મઢેલા રુદ્રાક્ષ પોરવેલી સોનાની ચેઈન બાળકને પહેરાવી. ખુશીથી છલકતા ગુણસુંદરીના ચહેરા પર જે આભા પ્રસરી હતી એ જોઈને સુશીલા અને સત્યેન્દ્ર ચકિત બની ગયાં.
સ્વભાવગત શાંત ગુણસુંદરી સુશીલાની ખુશીથી પ્રફુલ્લ બની જતી. આજ સુધી એના ચહેરા પરની શાંત સૌમ્યતામાં ઉત્ફુલ્લિતા ઉમેરાઈ અને એના આજ સુધીના આ અજાણ્યા ભાવથી સત્યેન્દ્ર એના તરફ આકર્ષાતો ચાલ્યો. ગુણસુંદરી તરફનો સ્નેહ શ્રદ્ધાથી સિંચાયેલો હતો. એ વાત્સલ્ય શ્રુંગારમાં પરિવર્તન થવા માંડ્યું. સત્યેન્દ્રએ એના આ ભાવ પ્રગટ ન થાય એવી અનેક કોશિશ કરી પણ હવે એને જોઈને એ વ્યાકુળ થઈ જતો. ગુણસુંદરીને જોવાની તીવ્ર લાલસા થઈ જતી. બાળકના લાલનપાલનમાં વ્યસ્ત સુશીલાની અધિકાંશ જવાબદારીઓ ગુણસુંદરીના માથે આવી, અનેક કારણોસર સત્યેન્દ્ર અને એનો અરસપરસ સંપર્ક વધતો ચાલ્યો અને સત્યેન્દ્રનો એના તરફનો મોહ પણ…
આજે તો નવજાતના નામકરણ સંસ્કારનો દિવસ હતો. આખા દિવસના આ ઉત્સવમાં ગુણસુંદરી પોતાનું અસ્તિત્વ સુદ્ધા વિસરી ગઈ. સૌ વિખરાયા અને રાત્રે જીજાજીનું ભોજન લઈને એ એના રૂમમાં ગઈ. સાહિત્યનું કોઈ પુસ્તકમાં ઓતપ્રોત દેખાતો સત્યેન્દ્ર ખરેખર તો કથાની નાયિકાના સૌંદર્યમાં ગુણસુંદરીને નિરુપીને કલ્પિત જગતમાં રાચતો હતો અને મનોવ્યાપારમાં છવાયેલી એ જ રૂપસુંદરીને સમક્ષ જોઈને એની આંખો વિસ્ફારિત થઈ ઊઠી, જેની ભાવના કરતો હતો એને નજર સામે ઊભેલી જોઈને એ મ્હોં વકાસીને એને જોઈ રહ્યો. જીજાજીના આવા ભાવ જોઈને ગુણસુંદરીના ચહેરા પર વિસ્મય અંજાયું અને એના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત આવી ગયું અને વળતી પળે નીચી નજરે એ થાળી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગઈ.
ગુણસુંદરીના એ સ્મિતે એની વિવેક બુદ્ધિને હડસેલીને હ્રદયના તારને ઝંકૃત કરી દીધા. સૌંદર્યે તો ભલભલા મુનિને ચળાવી દીધા છે તો સત્યેન્દ્રની શી વિસાત! એ વધુને વધુ મોહાંધ બનતો ચાલ્યો. એનું મન મનગમતા વિચારોમાં અટવાતું ચાલ્યું. ગુણસુંદરીના સ્મિતનું એ મનભાવન અર્થઘટન કરતો ચાલ્યો. એણે માની લીધું કે ગુણસુંદરીની એ મુસકરાહટ એના પ્રેમનો જ પડઘો હતો.
સત્યેન્દ્રએ એ આખી રાત ખુલ્લી આંખે સપનામાં વિતાવી. રાતના અંધકારને ચીરતું સવારનું અજવાળું બારીમાંથી ધસી આવ્યું અને એની સાથે ગુણસુંદરીનો સૂરીલો અવાજ પણ..
“રે મન ભૂલ્યો ફરે જગ વચ્ચે…..” એના અવાજની આંગળીએ એ સત્યેન્દ્ર બહાર બગીચા સુધી દોરાઈ આવ્યો. એકટક એ એને જોઈ રહ્યો. ગુણસુંદરીની નજર પડતાં એનું ભાવ વિશ્વ વિખેરાયું.
કહેવું ના કહેવુંની અવઢવમાં એ ગુણસુંદરીને પૂછી બેઠો,.
“ગુણસુંદરી, કેટલાક વખતથી એક વાત કહેવી છે, કહેતા સંકોચ થાય છે, પણ કહેવી તો છે જ. હું પત્ર લખું તો તું એનો જવાબ તો આપીશ ને?”
“જીજાજી, મારી અલ્પ બુદ્ધિ એવું માને છે કે જે વાત કહેવામાં સંકોચ થાય એ વાત લખીને કહેવી પણ અનુચિત જ હશે અને જે વાત અનુચિત છે એને હ્રદયમાં જ ભંડારી દેવી વધુ યોગ્ય છે.” કહીને એ અંદર ચાલી ગઈ. સત્યેન્દ્ર સ્થિર બનીને ઊભો રહી ગયો.
પણ કહે છે ને કે લાગણીઓને જેટલી કાબૂમાં લેવા મથો એટલી એ વધુ છલકાય અને એક દિવસ સત્યેન્દ્રની લાગણીઓ પત્રમાં છલકાઈને ગુણસુંદરી સુધી પહોંચી.
આ ઘટનાના એક સપ્તાહમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને લેવા આવ્યો. ગુણસુંદરીની માતાની ઉંમરના લીધે ઘરની જવાબદારી એની પર હતી. ઘરના નાના-મોટા તમામ કાર્યોને એ સરળતાથી વહે જતી. સુશીલા અને સત્યેન્દ્ર બંને ગુણસુંદરીના જવા પર પોતપોતાના કારણોથી વ્યથિત હતાં. સત્યેન્દ્રના વિવશ હ્રદયમાં તુમુલ સંગ્રામ ચાલતો હતો. એની હ્રદય સમ્રાજ્ઞી દૂર થવાની હતી એ વિચારે એ વ્યાકુળ હતો. આ ચોવીસ કલાકમાં એણે ગુણસુંદરીને મળવાના અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. ગુણસુંદરી એને અવગણે છે એવું સમજવા છતાં એના સુધી પહોંચવા મથતો રહ્યો.
અંતે ગુણસુંદરીથી છૂટા પડવાની ક્ષણ આવીને ઊભી રહી. સ્ટેશન સુધી એની સામે પણ ન જોનાર ગુણસુંદરીએ અત્યંત કોમળતાથી એને બોલાવ્યો. ટ્રેનની બારી પાસે બેઠેલી ગુણસુંદરીએ સુશીલા અને નવજાત શિશુને લઈને આવવાનું આમંત્રણ આપ્યુ.
ટ્રેન ઉપડી, પ્લેટફોર્મ છોડીને જતી ટ્રેનની સાથે સત્યેન્દ્રને એનામાંથી પણ કશુંક છૂટી રહ્યું હોય એવું લાગ્યું . એ પ્રાણ-શૂન્ય બનીને ઘરે પાછો ફર્યો. ઘરમાંથી જાણે માધુર્ય ચાલ્યું ગયું. સુશીલા કે સંતાન બંનેમાંથી કોઈને મળવા-જોવા સુદ્ધા એને મન ન થયું. મોડી રાત્રે પરિચારિકા આવીને એને એક બંધ કવર આપી ગઈ. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.
ક્રમશઃ
જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં કેવી રીતે વ્યક્ત કરી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે એ વાંચીશું આવતા અંકે.
ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
જીરવાતી રહી!
શૈલા મુન્શા

શ્વાસોની આવન જાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની શું નાહક ખર્ચાતી રહી?કાલે હો ને આજે નહીં, પંજો ઘાતકનો;
અણધાર્યો ત્રાટકતો, યાદો જખમાતી રહી!દોરાં ધાગા મંત્રો, કોઈએ રોકે ના પળ;
બદલાશે રેખા આશા એ બંધાતી રહી!ઘા આપે જો ઈશ્વર તો કોને કહેવું દર્દ,
મન મક્કમ તો એ પીડા પણ સહેવાતી રહી!તણખો ઊડ્યો ને ઝાળ આકાશે ઊડી,
બળતી ચેહ ને, ઘટના જગમાં ચર્ચાતી રહી!ચાહી છે એકલતા પળભર જીવી લેવા,
ભીતર ભાવોની સરવાણી રેલાતી રહી!કોઈ રહે ના સંગ હરદમ જીવન આખુંયે,
ભીની આંખે ભવની ભાવટ જીરવાતી રહી!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
ફિલસુફીભર્યા ગીતો – ૪ – हर फ़िक्र को धुए में उडाता चला गया
નિરંજન મહેતા
૧૯૬૧ની ફિલ્મ ‘હમદોનો’નું આ ગીત બેફીકરાઈને શબ્દદેહ આપે છે. સૈન્યનાં અફસર તરીકે દેવઆનંદ પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનું. સ્વર છે રફીસાહેબનો.
मै जिन्दगी का साथ निभाता चला गया
हर फ़िक्र को धुए में उडाता चला गयाबरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का सोग मनाना फ़िज़ूल था
बरबादियो का जश्न मनाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयाजो मिल गया उसी को मुकद्दर समज लिया
जो मिल गया उसी को मुकद्दर समज लिया
जो खो गया मै उसको भूलाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयागम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
गम और ख़ुशी में फर्क ना महेसुस हो जहाँ
मै दिल को उस मुकाम पे लाता चला गया
मै जिन्दगी का साथ निभाता चला गयाગીત દ્વારા જીવનની ફિલસુફી દર્શાવાઈ છે. જિંદગી જેમ સામે આવે તેમ તેને વિતાવો અને દરેક ફિકરને ભૂલી જાઓ અને ફિકરને સિગારેટના ધુમાડા માફક ઉડાવતા જાઓ. આગળ ઉપર કહ્યું છે કે બરબાદીનો સમય આવે ત્યારે પણ તેનો શોક ન મનાવો બલકે તેનો ઉત્સવ મનાવો જેથી તે બરબાદી ભુલાઈ જશે.
જીવનમાં જે મળે છે તે તમારા નસીબમાં લખ્યું છે તે જ મળે છે તો તેને સ્વીકારી લો. જે ખોવાઈ ગયું છે તેને ભૂલી જાઓ.
દુઃખ અને સુખ વચ્ચે કોઈ ફરક ન જુઓ અને તેમ કરી શકો તેવા સ્થાન સુધી તમારી જાતને લઇ જવાનો પ્રયત્ન કરો જેથી તમે આ ફરક સમજી શકશો.
ફિલ્મનું આ ગીત આજે પણ આ ફિલસુફીને કારણે અત્યંત પ્રચલિત છે અને આજે પણ તેને સંગીતપ્રેમી મમળાવે છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ચાર દિવારી (૧૯૬૧)
વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) તેમનાં સંગીતની રચના કોઈ ગણતરીથી નહોતા કરતા, પણ પોતાના ભાવને, પોતા માટે, રજુ કરવા કરતા હતા. તો શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) નાં પણ ફિલ્મ ગીતોના બોલ એ ગીત માટેની સિચ્યુએશનના સંદર્ભની તેમની પોતાની સમજના ભાવોની પોતાની કવિ સહજ સ્વાભાવિક અનુભૂતિ વ્યક્ત કરતા.

શૈલેન્દ્રનાં શંકર જયકિશન સાથેનાં મિલનને કદાચ નિયતિ દ્વારા ગોઠવાયેલ આકસ્મિક સંજોગ ગણી શકાય, પણ સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં મિલનને તો સમાન વિચારાધારાઓ ધરાવતા બે કળાકારોને એકઠા કારવાની નિયતિની વ્યવસ્થિત ગણતરી જ કહી શકાય. બન્નેની પોતપોતાની સર્જનાત્મકતા,મૌલિકતા કે કલ્પનાશક્તિની સમાંતર અનુભૂતિઓને પરિણામે એ મિલનની રાસાયણિક પ્રક્રિયાની નીપજ આગવી બની રહી. તો, તૈયાર ધુન પર પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિમાં પોતાની સ્વાભાવિક અનુભૂતિને નીખારી શકવાની અને બંગાળી ભાષાના તેમના પરિચયે શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોના સંગાથને હિંદી ફિલ્મ સંગીત માટેની એક ખુબ ભાગ્યશાળી સફર બનાવી રાખી.
નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે
૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,
૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,
૨૦૨૦માં વર્ષ ૧૯૫૭, અને
૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦
નાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
સલીલ ચોધરીએ સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા સારુ આજના અંકમાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત વર્ષ ૧૯૬૧નાં ગીતો સંભળીશું. ૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર કે બન્નેની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળીશું.
ચાર દિવારી (૧૯૬૧)

‘ચાર દિવારી’નું કથાવસ્તુ તો ભારતીય નારીનું જીવન તો પોતાનાં પતિના સુખદુઃખનાં સહભાગી બનવામાં પોતાની ઓળખને ઓગાળી દેવા માટે જ સર્જાયું છે એવા સમાજના પારંપારિક પરિપ્રેક્ષ્યમાં ઘુંટાય છે. પરંતુ તે સિવાય હિંદી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે શશી કપૂરની પહેલવહેલી ફિલ્મ અને તેમની અને નંદાની જોડીની અનેક સફળ ફિલ્મોની સફરનાં પહેલાં સોપાન તરીકે હિંદી ફિલ્મોના ઇતિહાસમાં ફિલ્મની ઓળખ વધારે યાદ કરાય છે.
ગોરી બાબુલ કા ઘરવા અબ હૈ બિદેશવા, સાજનકે ચરણોંમે અબ હૈ ઘર તેરા – લતા મંગેશકર અને સાથીઓ
કન્યા વિદાયના પારંપારિક દૃશ્યોને ફિલ્મનાં પાત્રોમાંગોઠવી રજૂ કરવાં અને એક ગીત અચુક મુકવૂ એ સામાજિક પૃષ્ઠભૂ પર બનતી ફિલ્મોમાં બહુ અસરકારકપણે વપરાતો મસાલો હતો. પરંતુ શૈલેન્દ્ર આ ઘટનાની તક ઝડપી લઈને ફિલ્મનાં શીર્ષકની રજુઆત કરી લેવાની સાથે ફિલ્મની વાર્તાનાં હાર્દને મુખડાની પહેલી જ પંક્તિમાં જ વણી લે છે. તે પછી આગળ જતાં આ ભાવને પોતાની આગવી શૈલીમાં ઘુંટે છે –
હો ગોરી ચાર દિવારી અંગના અટારી
યેહી તેરી દુનિયા યે જગ હૈ તેરાકૈસે મનાઉં પિયવા ગુન એક હુ મેરે નાંહી, આઈ મિલનકી બેલા ઘબરાઉં મન માંહી – મુકેશ
પોતાના (પ્રિયતમ) પતિનાં ઘર / જીવનમાં પગ મુકવાની ક્ષણે પરંપરાગત, આદર્શ, ભારતીય નારીનાં મનના ભાવોને શૈલેન્દ્ર વાચા આપે છે.
જોકે શૈલેન્દ્રનો કવિ જીવ લગ્ન જીવનની આ ક્ષણે એક નારીના મનમાં ઉઠતા સહજ ભાવોને પણ ઝડપી લેવાની તક પણ ચુકતો નથી –
સાજન મેરે આયે
ધડકન બઢતી જાયે
નૈના ઝુકતે જાયેં
ઘુંઘટ ઢલતા જાયે
તુઝસે ક્યું શરમાયે
આજ તેરી પરછાઈંસલીલ ચૌધરીએ પણ મુકેશના સ્વરની કરૂણામય મુલાયમતાને આ અવઢવને વ્યક્ત કરવા એટલી અસરકારક સહજતાથી ગીતની બાંધણીમાં વણી લીધી છે કે આ ગીત મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં કોતરાઈ ગયું છે.
આડ વાત:
સલીલ ચૌધરી પોતાની ધુનોને અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાવોને રજુ કરવામાં માહીર હતા એ વાત તો હવે બહુ જાણીતી છે. અહીં પણ આ ધુનને તેમણે તેમના દુરદર્શન સાથેના સમયકાળમાં બીતે દીનોં કે સપને હમેં યાદ આને લગે હૈં (ગાયિકા અરૂંધતી હોમ-ચૌધરી, ગીતકાર યોગેશ) સ્વરૂપના ગૈરફિલ્મી ગીતમાં રજૂ કરી છે.
ઝુક ઝુક ઝુક ઝુમ ઘટા આયે એરે, મન મોરા લહારાયે – લતા મંગેશકર
શ્રાવણનાં ઘેરાતાં વાદળોથી ભારતીય નારીમાં રહેલી યુવાન સ્ત્રીના મનમાં પણ એ વર્ષાની છાંટની લહેરોમાં તેનાં મનની અંદર મઘમઘતી ખુશીઓની પુરેપુરી અસર સલીલ ચૌધરીનાં મનમાં રહેલ સંગીતને પણ ઝણઝણાવી રહે છે. તેમનાં પ્રિય વાદ્ય, વાંસળી,ની આસપાસ રચેલું તેમણે વાદ્ય સર્જન ખુશીની એ છાંટ અને ફોરમને અથતથ વ્યકત કરી રહે છે.
અકેલા તુઝે જાને ન દુંગી…. બાંકે છૈયા…..મૈં સંગ સંગ ચલુંગી – લતા મંગેશકર
લગ્ન જીવનમાં પ્રવેશોસ્તુક કન્યા – પછી ભલેને લગ્ન પછી તેને પતિવ્રતા સતી બની જવાનું હોય -પણ મનમાં કોડ તો તેના જીવનસાથીની સાથે હમકદમ થવાના જ સેવે! આ અનુભૂતિઓને જેટલી શુધ્ધતાથી શૈલેન્દ્રના બોલ ઝીલી લે છે એટલી જ શુદ્ધ સંવેદનશીલતા સલીલ ચૌધરીની સંગીત બાંધણીમાં જળવાઈ રહે છે.
નીંદ પરી લોરી ગાયે માં જ઼ુલાયે પાલના, સો જા મેરે લાલના …..મીઠે મીઠે સપનોં મેં ખો જા મેરે લાલના – લતા મંગેશકર
એ સમયની હિંદી ફિલ્મોમાં હાલરડાં પણ બહુ પ્રચલિત ગીત પ્રકાર રહ્યો હતો. દરેક સંગીતકાર પોતાની સર્જન સજ્જતાની પરખ કદાચ આ પ્રકારનાં હાલરડાંની ધુનમાં તેમની ઠલાવાયેલી સર્જન શક્તિની પરથી કાઢતા હશે એટલી હદે અમુક હાલરડાં તો ચિરસ્મરણીય બની ગયાં છે.
સલીલ ચૌધરી પોતાના પ્રયોગો મોટા ભાગે બંગાળી સંગીતમાં કરતા. ત્યાં એમણે પ્રયોજેલી અનેક ધુનોને તેઓએ અજબ કલ્પનાશક્તિથી તેમનાં હિંદી ગીતોની રચનાઓમાં પ્રયોજેલ છે.
અહીં તેમણે ૧૯૫૩માં રચેલ એક બંગાળી ગૈરફિલ્મી ગીત પ્રાણતરેર ગાન અમર[1] (વનવગડાનું ગીત મારૂં છે; ગાયિકા ઉત્પલા સેન)ની ધુન અહીં હાલરડાંની બાંધણી રૂપે સમગ્ર વાતાવરણ પર છવાઈ જાય છે.
હમકો સમજ બૈઠી હૈ યે દુનિયા દિવાના…. પર મૈં અગર પાગલ હું તો યે દુનિયા હૈ પાગલખાના – મુકેશ
દુનિયા જેને પાગલ સમજે છે તેની નીજી મસ્તી દુનિયાને જ પાગલખાનું સમજી બેસે એવી અદભૂત, મોજીલી કલ્પના તો શૈલેન્દ્રને જ આવે. તેમણે આ તક ઝડપી લઈને એ જ મસ્તીના ભાવમાં તેમનાં દિલમાંથી ઉઠતા સમતાવાદી સમાજના આદર્શને પણ રજુ કરી લીધેલ છે.
હવે પછીના મણકામાં આપણે સલીલ ચૌધરી-શૈલેન્દ્ર રચિત ‘મેમ દીદી’નાં ગીતો માણીશું.
[1] ઉત્પલા સેનના સ્વરમાં અમર થઈ ગયેલું ગીત ‘પ્રાણતરેર ગાન અમર’ ંઊળે તો જાણીતાં સવિન્દ્ર સંગીત ગાયિકા કણીકાના સ્વરમં રેકોર્ડ થયેલું. પરંતૂ સલીલ ચૌધરી તેમનાં પુસ્તક ‘જિબો ઉજિબોન’ માં લખે છે તેમ વિશ્વ ભારતીએ કણિકાને રવિન્દ્ર સંગીત સિવાયનાં ગીતો ગાવાની અનુમતિ ન આપી.પરિણામે રેકોર્ડ થયેલું એ ગીત ક્યારે પણ પ્રકાશિત ન થઈ શક્યુ. તે હવે ઉત્પલા સેનના સ્વરમાં સાકાર થયું.એક અફવા અનુસાર કણીકાની ક્યારે પણ પ્રકાશિત એ રેકોર્ડ ક્યાંક અસ્તિત્વમાં તો છે. કોઈ જબરા ચાહકને હાથ એ ચડી જાય અને આપણે તેને સાંભળી શકીએ એવી આશા તો સેવી જ શકાય !!- Other Singers @ World of Salil Chowdhury
-
વનવૃક્ષો : આંબલી

ભૂતનું ઠેકાણું આંબલી. મેં તો કોઈ દિવસ આંબલી નીચે ભૂત ભાળ્યું નહિ; કોઈ “મેં ભાળ્યું છે.” એમ પણ કહેતું નથી. લોકો ગપ્પાં મારે ત્યારે પાયા વિનાનાં ગપ્પાં મારે, એવું આ પણ એક ગપ્પું.
પણ ગપ્પું મારવાનું એક કારણ છે. કેમકે આંબલી એક મોટું ઘટાટોપ ઝાડ છે; જંગી ઝાડ છે. એવા મોટા ઝાડ ઉપર માણસ ચડીને બેસે તો દેખાય પણ નહિ; કેટલા યે વાંદરાઓ તેમાં ન દેખાય તેમ સમાઈ રહે; પાર વિનાનાં પક્ષીઓનો તે માળો થઈ શકે.
વળી આંબલી ઘણે ઠેકાણે ગામની બહાર, કોઈ કોઈ ઠેકાણે સ્મશાન પાસે, ને કોઈ કોઈ ઠેકાણે કોઈ ન જતું હોય એવા ખાડાટેકરાઓ ઉપર હોય છે. આંબલી બાગનું ઝાડ નથી, જંગલનું ઝાડ છે; છતાં લોકોએ આ ઝાડને પાળેલું છે. આંબલીનો વેપાર ચલાવવા ઝાડનું રક્ષણ કરવામાં આવે છે. તેનો છાંયો મજાનો છે, તેથી રસ્તાની બંને બાજુએ તેને રોપવામાં આવે છે.
આંબલીનું ઝાડ ઘણું ઊચું છે. ગુજરાત આંબલીનું પિયર કહેવાય. વરતમાં પણ ‘સો આંબા સો આંબલી’ છે, એટલે જેટલા આંબા એટલી આંબલી ગુજરાતમાં વખતે મળે. આંબલીનાં પાંદડાં તીરખીઓ ઉપર ઝીણાં ઝીણાં થાય છે. પવનથી કંપે છે ત્યારે તે જોવા જેવાં લાગે છે. આંબલીનાં ફૂલો રૂપાળાં અને ખાટી ગંધભર્યાં હોય છે. આંબલીનાં કાતરા વાંકા, ઘણી વાર દાતરડાના આકરના હોય છે. પાક્યા પહેલાં કાતરા લીલા હોય છે; પાક્યા પછી તપખીરી રંગના થાય છે.
આંબલીનાં પાંદડાં ખાટાં, આંબલીના કાતરા ખાટા, ને આંબલીની હવા ખાટી; પણ આંબલીમાંથી નીકળતા આંબલિયા તૂરા.
આંબલીનો મોટો વેપાર ચાલે છે. ગુજરાત આખામાં દાળમાં, શાકમાં આંબલી નખાય છે. આંબલીનું પાણી ગોળ મેળવી બનાવાય છે તેને આંબલવાણું કહે છે; રોટલી સાથે તે સારું લાગે છે. ઉનાળાનું તે એક ઠંડુ પીણું છે. આંબલીથી ઊટકેલાં વાસણો બહુ ઝગારા મારે છે. આંબલી બહુ ખાવાથી સાંધા રહી જાય અને માથું દુખે.
આંબલિયાથી છોકરાંઓ એકીબેકી રમત રમે છે. આંબલિયા ફોલીને મુખવાસ તરીકે લોકો ખાય છે. આંબલિયો ઘસીને નાની નાની ફોડકીઓ ઉપર ડોશીઓ ચોપડે છે. આંબલિયો પથરા ઉપર ઘસીને, તપાવીને નાનાં છોકરાંઓ એકબીજાની ચામડીને અડાડીને ગમ્મત કરે છે.
આંબલીનું ઝાડ ઉગાડવા જેવું છે. આંબલીના ઝાડ ઉપર ચડવા જેવું છે. આંબલીનાં ફૂલ હાથમાં રાખવા જેવાં છે. આંબલીના ફૂલનું પાણી પીધા જેવું છે. આંબલીના આંબલિયાથી રમ્યા જેવું છે.
આંબલી સારી છે; ભગવાને એને ઠીક બનાવી છે.
માહિતી સ્રોત : વિકિસ્રોત
-
નાનો પતરંગો : દેખાય બધે પણ તોય તમે ના ઓળખો
ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
ભારત, એશિયા, આફ્રિકા જેવા ઉષ્ણ પ્રદેશમાં નાનો પતરંગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે પણ બહુ ઓછા લોકો તેને નામથી ઓળખે. *પતરંગો* ઘણા પ્રકારના હોય છે. તેના રંગરૂપને કારણે ગુજરાતીમાં તે પતરંગો તરીકે ઓળખાય અને તેના રંગ અને ખોરાક ને કારણે અંગ્રેજીમાં તે *ગ્રીન બી ઈટર* તરીકે ઓળખાય. ખુબ સુંદર રંગવાળું આ પક્ષી ભારતના ૧૭ કોમન બર્ડ્સ માનું એક પક્ષી છે. સામાન્યતઃ બધે જોવા મળે પણ જોઈને બહુ ઓછા લોકો તેને નામથી ઓળખી શકે. આ નીલ ગગનના પક્ષીઓનું પક્ષી જગત એક પ્રકૃતિની અદભુત દેન છે. કેટલા બધા વિવિધ જાતના પક્ષીઓ છે! દુનિયામાં આશરે ૯૦૦૦ જેટલા વિવિધ પક્ષીઓ છે જેમાંથી ભારતવર્ષમાં આશરે ૩૬૦ જાતના પક્ષી જોવા મળે છે. પક્ષી એક જ એવો જીવ છે જે લાંબા સમય સુધી અને લાંબા અંતર સુધી ઉડી શકે છે.

*નાનો પતરંગો/ Small Green Bee Eater / Little Bee Eater / Merops orientalis : કદ: ૯ ઇંચ/ ૨૨ સેં.મી.* સપાટ અને સૂકો પ્રદેશ પતરંગાને વધારે માફક આવે છે અને તે કારણે શિયાળામાં અને વર્ષા ઋતુમાં નજીકના ઉષ્ણ પ્રદેશમાં જતા રહે છે. આ કારણે કેટલાક પ્રદેશમાં ફક્ત ઉનાળામાંજ જોવા મળે છે. આમ છતાં હિમાલયમાં ૫,૦૦૦ થી ૬,૦૦૦ ફૂટની ઊંચાઈ ઉપર પણ તેમની નોંધ લેવાઈ છે. શહેરી વિસ્તારમાં જોવા હોય તો વૃક્ષની ખુલ્લી ડાળ, ઇલેક્ટ્રિક કે ટીવીના કેબલ ઉપર વધારે જોવા મળે. જીવજંતુ તેમનો મુખ્ય ખોરાક છે અને નીચે જમીનથી એક મીટર ની ઊંચાઈ ઉપર થી પણ જીવડાં પકડી લેવાની કાબેલિયત ધરાવે છે. એમ પણ કહી શકાય કે જો હવામાં *ઉડતા ઉડતા જીવડાં પકડવાની કાબેલિયતની શરખામણી કરો તો નાના પક્ષીઓમાં પતરંગાનો અવ્વલ નંબર આવે.* આ જોવું તે એક નજારો હોય છે.
*કાબો અર્જુન*
*ચપળ બળબુદ્ધિ*
*રૂડું ને રૂપાળું*હાઈકુ:
જગત.કીનખાબવાલા
ભમરી, મધમાંખી, કીડાં, મકોડા, દ્રેગોન ફ્લાય ( લોકો તેને હેલિકોપ્ટર તરીકે પણ ઓળખે) જેવા નાના જીવ તેનો મુખ્ય ખોરાક છે. જે જીવ જંતુમાં ઝહેરી ડંખ હોય તો તેમને ચાંચમાં પકડી પછાડી પછાડી તેનો ડંખ કાઢી નાખે ને પછી આરોગી જાય છે. પોતાની બેઠક ઉપરથી જીવડાં ખાવા નાની નાની ઉંડાણ મારતાં હોય છે. ઊડતી વખતે અને જીવડાં મારતી વખતે તેમની પૂંછડીના એન્ટેનાની મદદથી તે પોતાની ઉંડાણ કાબુમાં રાખે છે. *શિકાર કરવાની તેની છટા મુગ્ધ કરી દે*. નાના શિકારને હવામાં ઉડતા ઉડતાજ ગળી જાય અને ફેલાયેલી પાંખો ઉપર હવામાં તરતાં તરતાં પોતાની જગ્યા ઉપર પાછું આવી જાય. પોતાની ખુશી પ્રગટ કરવા ટ્રી ટ્રી ટ્રી અવાજ કરે જે અવાજમાં ઉલ્લાસ દેખાય.
પોતાના ઝુંડમાં વધારે જોવા મળે. આરામ અને રાતવાસો અચૂક પોતાના ઝુંડમાં કરે. ખાસ કરીને સવારના સમયમાં એકબીજાની બાજુ બાજુમાં હૂંફ મળે તેમ બેઠા હોય અને બપોરે વધારે ગરમી લાગે તો પોતાની ડોક શરીર તરફ ખેંચી લઇ બેઠા કોકડાઈને બેસી જાય. ગરમીમાં શરીરને ઠંડુ રાખવા જો પાણી મળી જાય તો પાણીમાં ઉપર ઉપર ડૂબકી મારી શરીર ઠંડુ કરી લે અને શરીરની ઠંડક તેમજ પાંખોની સફાઈ માટે માટી અથવા રેતીમાં બેસી પાંખો પાથરી પાંખ ફફડાવી તેમાં રેતી/ માટી સ્નાન કરી લે. આ જોવું એક ખુબજ અજુક્તું લાગે. તેમના ઝુંડમાં ૫૦૦ થી ૬૦૦ જેટલા મોટી સંખ્યામાં પણ હોય. જોકે આટલા મોટા ઝુંડ શહેરી વિસ્તારમાં જવલ્લેજ જોવા મળે છે. સાંજ પડે જયારે રાતવાસો કરવા પાછા આવે ત્યારે ખુબ અવાજ કરે અને પોતાના જે સાથીદારો આંચળ છૂટી ગયા હોય તેમને દિશા સૂચન આપે. *તેઓ નદીના કોતર જેવી જગ્યાઓમાં માટીની અંદર ત્રણથી પાંચ ફૂટ ઊંડે સુધી માટી ખોતરી પાઇપ જેવું બોગદું બનાવી અંદર ઈંડા મૂકે છે.*
ગરમી શરુ થાય એટલેકે માર્ચ મહિનાથી શરુ કરી જૂને મધ્ય સુધી ઈંડા મૂકે છે. તેમની ક્ષમતા પાંચ સુધી ઈંડા મૂકી શકવાની હોય છે. ક્યાં માળો કરવો અને ક્યાં માણસ માળા સુધી પહોંચી શકે છે તે સમજી લેવાની કાબેલિયત તેનામાં વધારે હોય છે અને તે ધ્યાનમાં રાખીને માળાની જગ્યા શોધે છે. માણસની ફિતરત સમજી લેવામાં ઘણું કાબેલ હોય છે. ઈંડા સેવવાનું કામ નર અને માદા બંન્ને લગભગ ૧૪ દિવસ સુધી કરે છે અને ત્યારબાદ ૩ થી ૪ અઠવાડિયાના સમયમાં તેમના બચ્ચા ઉડવાને કાબિલ બની જાય છે. તેમના કમનસીબે ઉનાળામાં ઈંડા મુકવા માળા બનાવે. તે સમયે નદીના કોતરમાં માળા બનાવે. તે સમયે મોટા પાયે રેત ખોદાય અને ત્યારે તેમના માળાનો સર્વનાશ થઇ જાય છે. કાળા માથાનો માનવી ઘણો ક્રૂર બની જાય છે.
તેને તામ્રવરણું માથું હોય અને ગળે પાતળો કાળો કાંઠલો હોય છે, તેમજ તેમના ગળાનો ભાગ વાદળી ઝાય વાળો હોય છે. જયારે તે ઉડતા હોય ત્યારે નીચેથી પાંખમાં સુંદર લીલો રંગ દેખાય છે. દેહ પાતળો અને રીતભાત ખુબ ચપળ હોય છે. આંખની કિકી ઘેર લાલ રંગની અને આજુબાજુ થોડા આછા લાલા રંગની લાલાશ આંખને ખુબ સુંદર બનાવે છે.
*મુગ્ધ દેખાવ*
*અફલાતૂન વિંધે*
*ચપળ આંખ*હાઈકુ:
જગત.કીનખાબવાલા
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214 -
સદરહુ બાબત આપસાહેબના ધ્યાન પર લાવતાં જણાવવાનું કે…
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ભાષા એકત્વ સાધે કે ભેદ કરાવે? બાઈબલમાં આવતી ‘ટાવર ઑફ બાબેલ’ની જાણીતી કથા અનુસાર માનવો ઈશ્વર સુધી પહોંચી શકાય એવો ટાવર બનાવવાનું શરૂ કરે છે. એ સમયે સમગ્ર પૃથ્વી પર સૌ કોઈ એક જ ભાષા બોલતા હોય છે. આથી જોતજોતાંમાં તેઓ ટાવરનિર્માણને આગળ ધપાવે છે. ઈશ્વરને લાગે છે કે માનવો આ રીતે તેમના સુધી પહોંચી જશે. આથી તેઓ સૌ મનુષ્યોની ભાષા અલગ અલગ કરી દે છે. આ કથાનો એક સાર એ કાઢી શકાય કે ભાષા અલગ અલગ હોય તો પ્રત્યાયનમાં ઘણી મુશ્કેલી પડે છે, અને ભાગ્યે જ ઐક્ય સાધી શકાય છે. આ વાત થઈ સાવ ભિન્ન ભાષાઓની. પણ એક જ ભાષામાં આમ બનવાની શક્યતા કેટલી? ‘બાર ગાઉએ બોલી બદલાય’ ઉક્તિ અનુસાર આપણે ત્યાં એક જ ભાષામાં પણ અનેક બોલીઓનું વૈવિધ્ય જોવા મળે છે. બોલીઓ પ્રદેશ અને વ્યવસાય આધારિત હોવા ઉપરાંત ન્યાતજાત મુજબ પણ તે અલગ રહેતી. ગાંધીજી દ્વારા અમદાવાદમાં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં એક સમયે વિવિધ ક્ષેત્રના પારિભાષિક શબ્દોનો કોશ તૈયાર કરવાનું મહત્ત્વનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આમ છતાં, અસલ સરકારી વ્યવહાર, દસ્તાવેજો કે પરિપત્ર ગુજરાતી ભાષામાં હોય તો પણ તેનો સાદા ગુજરાતીમાં અનુવાદ કરાવવો પડે એવી સ્થિતિ મોટે ભાગે જોવા મળે છે. આ સ્થિતિને સહુએ સ્વિકારી લીધી હોવાથી તેમાં ખાસ કશો ફેરફાર થાય એવી શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી.
સરકારી ભાષા અંગેની સમસ્યા કેવળ આપણા રાજ્યની કે દેશની છે એમ માની લેવાની જરૂર નથી. ગત મહિને ન્યુઝીલેન્ડમાં આ અંગે ચર્ચા, બલ્કે વિવાદ ચાલી રહ્યો હતો એમ કહેવું વધુ ઉચિત ગણાશે. એ પછી 19 ઑક્ટોબરે આ ખરડો પસાર થઈને તેને કાનૂનનું સ્વરૂપ મળી ગયું છે. ‘પ્લેઈન લેન્ગ્વેજ બીલ’ અથવા ‘સરળ ભાષા ખરડા’ દ્વારા સરકારી વ્યવહારની ભાષાને ‘સ્પષ્ટ, સંક્ષિપ્ત, સુવ્યવસ્થિત અને સુયોગ્ય’ કરવાની તેમાં જોગવાઈ છે. ખરડો સૂચવતો હતો કે સરકારી ભાષા-પરિભાષાથી ન્યૂઝીલેન્ડના લોકો પણ ત્રસ્ત છે. આ ખરડામાં મુખ્ય ભાર અમલદારો દ્વારા સરળ ભાષા વાપરવા પર હતો. આ ખરડો રજૂ કરનાર સાંસદ રકેલ બોયકના જણાવ્યા અનુસાર, ‘ન્યૂઝીલેન્ડમાં વસતા લોકોને તેમની સરકાર શું કરવાનું કહી રહી છે, પોતાના અધિકારો કયા છે અને સરકાર તરફથી તેમને શા હક પ્રાપ્ત છે એ જાણવાનો અધિકાર છે.’ રકેલનું એમ પણ કહેવું છે કે લોકો સમજી ન શકે એ ભાષામાં વ્યવહાર કરવાથી પોતાને મળવાપ્રાપ્ત સેવાઓ સાથે લોકો પોતાને સાંકળી શકતા નથી. તેને કારણે તેઓ સરકારમાંથી વિશ્વાસ ગુમાવે છે અને સમાજમાં પૂરેપૂરી હિસ્સેદારી કરી શકતા નથી.
અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે બોલનારા, કૉલેજ શિક્ષણ ન લીધેલા, વિકલાંગ કે વયસ્ક લોકો આ બાબતે સૌથી અસરગ્રસ્ત લોકો હોય છે. સરળ ભાષાના તરફદારોનો એક મોટો વર્ગ આ બાબતને સામાજિક ન્યાય અને લોકશાહીના હક સાથે સાંકળે છે. તરફદારો માને છે કે આ દેશના સરકારી વ્યવહારની ભાષામાં સુધારણા માટે પૂરતો અવકાશ છે. આ બાબતને પ્રોત્સાહન મળે એટલા માટે ‘શ્રેષ્ઠ વાક્ય રૂપાંતર’ સહિત બીજાં પારિતોષિક ઘોષિત કરવામાં આવ્યાં છે. એટલે કે, કોઈ ચલણી, અટપટા સરકારી વાક્યનું રૂપાંતર સરળ ભાષામાં ઉત્તમ રીતે કરી શકે તેને પુરસ્કૃત કરવાનું. આ પુરસ્કાર શરૂ કરનારાં અને સાદી ભાષા અંગેની કન્સલ્ટન્સી ‘રાઈટ લિ.’નાં નિદેશક લીન્ડા હેરીસ માને છે કે ‘ખરાબ’ વાક્ય કેવળ કળાત્મકતાના અભાવ કરતાં ઘણી વધુ ગંભીર બાબત છે. લોકોના જીવનની સૌથી અંતરંગ અને અગત્યની બાબતો સરકારી વ્યવહાર દ્વારા નક્કી થાય છે, જેમ કે, ઈમિગ્રેશનની જાણકારી, છૂટાછેડાનાં કાગળિયાં, કલ્યાણકારી યોજનાઓ થકી મળતા લાભ, મકાન બાંધવા માટેની ક્ષમતા નક્કી કરવી વગેરે.
લોકશાહી હોવાથી આ ખરડાનો વિરોધ ન થાય તો જ નવાઈ. વિરોધ માટે પણ સૌનાં પોતપોતાનાં કારણો હતાં. કેટલાક માનતાં હતાં કે આ ખરડામાં અમુક બાબતોની સ્પષ્ટતા થઈ નથી. વિરોધ પક્ષની દલીલ એવી હતી કે એનાથી ‘સરળ ભાષા નિરીક્ષણ અધિકારી’ થકી અમલદારશાહીનું અને એની કિંમતને લગતું વધુ એક સ્તર ઉમેરાશે, અને ભાષાના સરળીકરણનું ખરેખરું કામ થશે નહીં. ન્યૂઝીલેન્ડની ‘નેશનલ પાર્ટી’ના સાંસદ ક્રિસ બીશપે કહ્યું હતું, ‘સાવ સરળ ભાષામાં મને કહેવા દો કે આ ખરડો આ સત્રમાં સરકાર સમક્ષ આવેલો સૌથી મૂર્ખામીયુક્ત ખરડો છે. અમારો પક્ષ એને પાછો લેવડાવશે.’ આ ખરડો લાવનાર સત્તાધારી ‘લેબર પાર્ટી’ના નેતાઓની દલીલ છે કે સરવાળે આનાથી ફાયદો થશે. લોકો સરળતાથી વેરો ભરી શકશે, જેનાથી વેરાની રકમમાં વધારો થશે, કૉલ સેન્ટર થકી ઓછો સમય વેડફાશે, ગૂંચવાયેલા લોકો સાથે કર્મચારીઓ સારી રીતે કામ પાર પાડી શકશે અને સરકારમાં લોકોનો વિશ્વાસ વધશે.
ભાષાવિદ્ ડૉ. એન્ડ્રીઆ કેલ્યુડ, જો કે, માને છે કે, ‘આપણે સૌ કોઈ ચોક્કસ દૃશ્યનું વર્ણન કરવા માટે આપણને ફાવે એ રીતે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. સાદી અને સરળ ભાષામાં આવા કોઈ વર્ણન માટે અવકાશ રહેતો નથી.’ તેમણે કહેલી સૌથી અગત્યની વાત એ છે કે સાદાં વાક્યો કંઈ આપમેળે પારદર્શિતા તરફ દોરી નહીં જાય.
આ ખરડાએ હવે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું છે, પણ આમાં બે બાબતો મહત્ત્વની જણાય છે. પહેલું તો ક્લિષ્ટ સરકારી ભાષાના વ્યવહારુપણાની આ નિમિત્તે ચર્ચા થઈ અને એ મુદ્દો ધ્યાનમાં આવ્યો. બીજું એ કે વ્યવહારમાં પારદર્શિતા સાવ અલગ બાબત છે. ભાષા કેવળ એક માધ્યમ છે. ‘લાંચ આપવા’ માટે ‘ચાપાણી’, ‘વહેવાર’, ‘સમજી લેવું’ જેવા મૌલિક શબ્દપ્રયોગો શોધી કાઢનારા આપણા રાજ્ય કે દેશના લોકોથી વિશેષ આ હકીકત કોણ જાણતું હોય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કોઈનો લાડકવાયો (૧૧) : કોળીઓનો વિદ્રોહ – ખેડાથી આરંભ
દીપક ધોળકિયા
અંગ્રેજોમાં જાણે અસંતોષ ફેલાવવાની શક્તિ હોય તેમ આખા દેશમાં ઠેકઠેકાણે એમની સામે બગાવતના બૂંગિયા ફુંકાયા કરતા હતા. એમની ખેતીના ભાવોની નવી નીતિ અને વહીવટી પદ્ધતિઓમાં ફેરફારની અસર સીધી તો ખેડાના કોળીઓ પર નહોતી થતી, કારણ કે એ ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકાર ક્ષેત્રની બહાર હતા પણ એમણે પાડોશીઓની સ્થિતિ જોઈને નક્કી કર્યું કે આ તો સૌની સદીઓ જૂની જીવનપદ્ધતિ પર હુમલો છે. આથી કોળીઓએ બીડું ઝડપી લીધું.
ખેડાના અમુક કોળી સરદારો અને એમના સાથી ખેડૂતોએ એકઠા થઈને નવા નિયમો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી પણ ઘણા સરદારોએ કંપનીના નવા નિયમોને સીધા જ ઠોકરે ચડાવ્યા. એમણે સાફ કહી દીધું કે અમને મહેસૂલ અને બીજા કરવેરા વસૂલ કરવાનો પરંપરાગત અધિકાર છે, તેના પ્રમાણે જ અમે ચાલશું; કંપની-બંપનીની વાત અમે માનશું નહીં. એમણે ૧૮૦૮થી કંપનીના તાબાનાં શહેરો પર છાપા મારવાનું શરૂ કરી દીધું. ધોળકા અને આસપાસનાં ગામો એમનું નિશાન બન્યાં. કોળીઓ સહેલાઈથી ગામમાં ઘૂસી જતા અને લૂંટફાટ કરીને પાછા આવી જતા. બે વરસ તો કંપની લાચાર બનીને જોતી રહી પણ ૧૮૧૦ પછી એનો વ્યૂહ સફળ થતો દેખાયો અને ઘણા કોળીઓ પકડાઈ ગયા. આમાં એમનો નેતા બેચર ખોકાણી પણ હતો. ૧૮૦૮ની ૨૦મી ફેબ્રુઆરીએ પચાસેક કોળીઓએ જેલ પર જ હુમલો કરીને ખોકાણીને બહાર કાઢી લીધો. એ જ રાતે ખોકાણી અને એના સાથીઓએ ફરી ધોળકા પર હુમલો કર્યો.
ખેડાના મૅજિસ્ટ્રેટ હૉલ્ફર્ડને સમજાયું કે કોળીઓ એમના તાબાનાં ગામોમાં નથી રહેતા એટલે એણે ગામના મોભી ગણાતા લોકો પર વિદ્રોહીઓને પકડવામાં મદદ કરવાનું દબાણ કર્યું. એમણે એવી પણ યોજના કરી કે જે પકડાય તેને સાત વર્ષ માટે કોઈ ટાપુ પર મોકલી દેવો. પણ એમને મોકલે તે પહેલાં જ બેચર ખોકાણીના દળના ચારસો કોળીઓએ જેલમાંથી બધાને છોડાવી લીધા અને એ સૌ કંપનીના પ્રદેશની બહાર ચાલ્યા ગયા.
૧૮૨૪માં અમદાવાદના કલેક્ટર ક્રોફર્ડે મિલિટરીની મદદ લઈને બળવાખોરોનાં ગામોને જ જમીનદોસ્ત કરી નાખવાનું સૂચન કર્યું. પરંતુ કોળીઓ ડગ્યા નહીં. ૧૮૩૦ સુધી હુમલા ચાલુ રહ્યા. છેક ૧૮૪૦માં કંપનીને સફળતા મળી અને કોળીઓનાં શસ્ત્રો લઈ લેવાયાં. એ તે પછી ખેતીમાં લાગ્યા.
આના પછી પણ કોળીઓ શાંત ન થયા. ૧૮૫૭ના જુલાઈમાં લુણાવાડા રાજ્યના માલીવાડના કોળીઓ સૂરજમલની નેતાગીરી હેઠળ એકઠા થયા. સૂરજમલના મૃત્યુ પછી ખાનપુરના જીવાભાઈ ઠાકોરે લડતની સરદારી સંભાળી. ડિસેમ્બરમાં કેટલાક કોળી પકડાયા. એમાંથી એમના સરદાર અને બીજા કેટલાકને ફાંસી આપી દેવાઈ.
સપ્ટેમ્બર ૧૮૫૭માં ચાંડોપના નાથાજી અને એમના ભાઈ યામાજીની આગેવાની હેઠળ મહીકાંઠાનાં કેટલાંક ગામોના બે હજાર કોળીઓએ બળવો કર્યો. મહીકાંઠા પર વડોદરાના ગાયકવાડની હકુમત હતી. મહારાજાએ કોળીઓને વિદ્રોહ ન કરવાની ચેતવણી આપી અને દસ ઘોડેસવાર મોકલ્યા પણ એક કોળીઓના હુમલામાં માર્યો ગયો અને બે જખમી થઈ ગયા. વડોદરા, ખેરાળુ, વીજાપુર વડનગરમાં અંધાધૂંધી જેવી હાલત હતી. કોળીઓન દબાવવામાં આખું વર્ષ નીકળી ગયું. નાથ્હાજી હાથ ન લાગ્યા. એ થોડા સાથીઓ સાથે મહીની કોતરોમાં ભરાઈ ગયા અને હુમલા કરતા રહ્યા.
એ જ અરસામાં મહારાષ્ટ્રના પેઠમાં પણ કોળીઓએ અંગ્રેજો સામે માથું ઊંચક્યું. આ બળવામાં કોળી રાજા ભગવંત રાવ અને એમના બીજા ૧૫ અધિકારીઓનો હાથ હોવાનું માનીને અંગ્રેજોએ એમને ફાંસી આપી દીધી.
૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ સુરતના ત્રણ હજાર કોળીઓએ ભાગ લીધો. ૨૧મી ઑગસ્ટે એમણે બ્રિટિશ સૈનિકોની ટુકડી પર લાઠીઓ અને ધારિયાંથી હુમલા કર્યા. જલાલપુરના રેલવે સ્ટેશને એમણે પાટા ખોરવી નાખ્યા. બોરસદ, આણંદ અને ઠસરામાં હાલત એવી હતી કે બીજા જ દિવસથી લશ્કર બોલાવવાની જરૂર પડી.
આજે કોળીઓ ગરીબીમાં જીવે છે. એમના ત્યાગ અને બલિદાનની કદર કરવામાં આપણે ઊણા ન ઊતરીએ એ આપણી ફરજ છે.
૦૦૦
દીપક ધોળકિયા:
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી -
સામ્યવાદ સામે સમયવાદનો વિજય
રક્ષા શુક્લ
૨૦૧૫ના સાહિત્યના નોબલ પ્રાઈઝ વિનર સ્વેતલાના એલેક્ઝીવિચ ઘણા અંગ્રેજી બોલનારા વાચકો માટે ભલે અજાણ્યું નામ હોય પરંતુ તેના પુસ્તકોએ સંઘર્ષ અને ભયાનક હોનારતમાંથી જીવિત રહેલાઓની પીડાને અદભૂત વાચા આપી છે. ચર્નોબીલથી કાબુલ સુધીના લોકોના ઊર્મિસભર જીવનપર તે પ્રકાશ પાડે છે. સ્વેતલાનાને જ્યારે નોબલપ્રાઈઝ જીત્યા હોવાના અભિનંદનનો કોલ મળ્યો ત્યારે તેઓ કપડાને ઈસ્ત્રી કરી રહ્યા હતા અને તેનો પ્રતિસાદ હતો ‘ફેન્ટાસ્ટીક !’ ન કોઈ બુમાબુમ, ન ખુશીથી ઊછળી પડવું. એક ગરિમાપૂર્ણ ઉદ્દગાર માત્ર. કેવું સમતોલ વ્યક્તિત્વ !સ્વીડીશ અકાદમીના સેક્રેટરી સારા ડેનિયસનાં કહેવા પ્રમાણે એલેક્ઝીવિચ અત્યંત માનવતાવાદી બેલારશિયન લેખિકા છે. તેઓ જે લખે છે તે માત્ર ઘટનાઓનો ઈતિહાસ નથી પરંતુ માનવીય સંવેદનાઓનો ઈતિહાસ છે. સ્વેતલાનાને જે નોબલપ્રાઈઝ મળ્યું છે તે તેમના સમયની વેદના અને હિંમતના સ્મારકરૂપ વૈવિધ્યપૂર્ણ લખાણો માટે મળ્યું છે. તેઓ કહે છે કે ‘મારા પુસ્તકોમાં સાચુકલાં માણસો બોલે છે. રાષ્ટ્રના સર્વસામાન્ય ઇતિહાસની સાથોસાથ દરેક વ્યક્તિ પોતાના જીવનની વાતને પોતાના શબ્દોમાં ઢાળી રેકોર્ડ કરાવે છે. તેમની વાતોની પ્રમાણિક કથાઓ, તેમણે સંઘરેલા અભિનેતાઓના કે બીજા ફોટાઓ તેમના વિષયવસ્તુના પાત્રો સાથે સમીપતાનો ભાવ સર્જે છે. તેના મુલાકાતીઓના આત્મસંભાષણમાંથી તેણી એક ઈતિહાસ રચે છે. જેનાથી વાચક ભલે ગમે તેટલા અંતરે દુર હોય પણ તેમને એ સ્પર્શે છે. કારણ કે એ સંવેદનાસભર ઇતિહાસની તવારિખરૂપેવર્ણવાયા છે.
માણસની સંવેદનાઓને વાચા આપતો આ સાહિત્યપ્રકાર અચાનક જ તેમને ખુબ ગમી ગયો જે સાક્ષીઓની બાંહેધરી અને દસ્તાવેજ સમો હતો. તેઓ કહે છે કે ‘મેં આ જ રીતે દુનિયાને જોઈ છે અને સાંભળી છે. એટલે જ આ લખાણો વ્યક્તિગત અવાજોના સમૂહગાન રૂપે, રોજ જીવાતા જીવનની વિગતોથી બનતું એક કોલાજ છે. મેં આ રીતે જ તેમના માનસિક અને સંવેદનાત્મક સત્વને સમગ્રતાથી ઓળખ્યું. આ જ રીતે હું એકીસાથે લેખક, સંવાદદાતા, સમાજશાસ્ત્રી, માનસશાસ્ત્રી, અને ઉપદેશક બની શકી. વાસ્તવિકતાએ તેમને હંમેશા ચુંબકની જેમ આકર્ષ્યા છે. પીડા પણ આપી છે અને સંમોહિત પણ કર્યા છે. લોકોના આવા વાસ્તવને તેઓ કાગળ પર ઉતારવા માગતા.
તેમણે કહેલા અનેક વાક્યો સુંદર ક્વોટ રૂપે લોકોને પ્રેરણા આપે છે. મૃત્યુ વિશેના તેમના પુસ્તક ‘વોઈસીઝ ફ્રોમ ચર્નોબિલ’ (૨૦૦૫)માં તેમણે કહ્યું છે કે ‘મૃત્યુ એ દુનિયાની સૌથી સુંદરતમ ચીજ છે. કોઈ એનાથી બચી શક્યું નથી. મૃત્યુ સૌને તાણી જાય છે – દયાવાનને, ક્રૂર માણસોને, પાપીને સૌને. એનાથી સુંદર કોઈ વસ્તુ પૃથ્વીપર છે જ નહીં.’ ચર્નોબીલની ઘટના એ વીસમી સદીની સૌથી ભયાનક ટેકનિકલ દુર્ઘટના હતી. જેમાંલગભગ ૨.૧ મિલિયન લોકો તેના રેડીએશનથી અસર પામ્યા હતા. અને લગભગ ૯૯,૦૦૦ કેન્સરથી મ્રત્યુ પામ્યા હતા. આ કહાણી ખુબ લાંબી છે.
સ્વેતલાના કહે છે કે ‘હું હંમેશા મારા અંદરના માંહ્યલાને-સહજ સ્ફુરણાને અને અંદરના અવાજને વળગી રહું છું. જો તમને ખબર હોય કે કઈ તરફ જવું, કઈ દિશા સાચી તો પ્રેરણા ગમે ત્યાંથી મળી શકે છે. જો જાગૃતિ હોય કે તમે સજાગ હો તો તમારી સર્જનાત્મકતામાં-સર્જનની જ્યોત કે જુસ્સામાં એ તણખાંનુ કામ કરે છે. એલેક્ઝીવિચને તેની વાર્તાઓ શેરીમાંથી સંભળાતા અવાજોમાંથી સાંપડી જે તેની આજુબાજુ જ સંભળાતા હતા. આ રીતે જ તેની શ્રેષ્ઠ વાર્તાઓ આપણને સાંપડી. તેના પુસ્તકો દ્વારા વાચકો તેના પ્રશ્નો પોતે જાતે વિચારવા તરફ વળે તેવું તેઓ ઈચ્છતા હતા. સર્જનનો વિષય શ્રોતાને શું વિચારવું એ કહેતો નથી પરંતુ જે તે બાબત માટે તેને વિચારતા કરે છે. તે બોધ કે સંદેશા તરફ વિવેચનાત્મક રીતે વિચારવાની તક આપે છે.
સ્વેતલાનાએ કહ્યું ‘પૈસાના બદલામાં હું એક જ ચીજ ખરીદી શકું-હું સ્વતંત્રતા ખરીદું.’ નોબલ પુરસ્કારે સ્વેતલાનાને સ્વાતંત્ર્ય આપ્યું છે. હવે તેઓ બે પુસ્તક લખી રહ્યા છે. ૧૯૮૩માં તેમણે ‘વોર્સ અનવુમનલી ફેસ’ પૂર્ણ કરી. જેમાં બસો(૨૦૦) સોવિયેત સ્ત્રીઓના અવાજોનો સંગ્રહ છે. સામ્યવાદી પાર્ટી દ્વારા આનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ પછી ગોર્બોચેવ ફરજમાં આવ્યા અને રાજકીય વાતાવરણ બદલાયું. અંતે આ પુસ્તક પ્રકાશિત થયું અને તેની લગભગ બે મિલિયન કોપીઓ વેચાઈ. સામ્યવાદ સામે સમયવાદનો વિજય થયો. આ નવલકથા પણ બીજા વિશ્વયુદ્ધના જુદા જુદા પાસાઓ પર બોલાતી સ્ત્રીઓના આત્મસંભાષણની જ બનેલી છે.
સ્વેતલાનાનું દરેક પુસ્તક ૫૦૦ થી ૭૦૦ ઈન્ટરવ્યુંનો અર્ક છે. તેઓ લખે છે કે ‘હું લોકોને સમાજવાદ વિશે પૂછતી નથી. હું તેઓને પ્રેમ, ઈર્ષા, બાળપણ કે વૃદ્ધાવસ્થા, સંગીત, નૃત્ય કે હેરસ્ટાઈલ જેવી અસંખ્ય ભિન્ન વિગતો વિશે પૂછું છું જે જીવનના આઘાતોમાં સાવ ભૂંસાઈ ગયેલું હોય છે. આ જ માત્ર આપત્તિઓની પાછળની ઘટનાઓ વિષે જાણવાનું એક માત્ર માળખું છે અને એકમાત્ર પ્રયત્ન છે.’ તેઓ કહેતા કે ‘કોઈ આધુનિક ટેકનોલોજી આપણને પ્રેમ, પીડા અને સંવેદનાની જરૂરિયાતથી મુક્ત કરી શકતી નથી. આપણે એ વાતથી પણ ટેવાતા નથી કે આપણા સમયગાળા દરમ્યાન આપણા માટે જે કંઈ નિર્માણ થયેલું છે તે સઘળું મર્યાદિત છે. તે બધાની એક અવધિ છે.’ તેથી જ ‘ધ વુન્ડેડ ડીયર ઓફ ઈટર્નલ હન્ટ’માં પણ તે કહે છે કે ‘પીડા એ એક કલા છે. જીવનમાં અંતે બધું જ સ્મરણોમાં ફેરવાઈ જાય છે. મૃત્યુ વિના આ જીવનને સમજી શકાતું નથી. પ્રેમ જ આપણને આપણી જાતમાં ડુબાડે છે.’
વિવેચકોના માટે સ્વેતલાનાના પુસ્તકો બેલારશિયન લેખિકા એલીસ એડમોવિચનાં વિચારોને મળતા આવે છે. જો કે સ્વેતલાના પોતે પણ આ વાતને પોતાના પરની પ્રાથમિક અસર રૂપે ટાંકે છે. તે કહે છે કે ‘આગળ ઉપર તેણે હજુ ઘણું કામ કરવાનું છે. હજુ ઘણા વળાંકો આવશે.’ તેણીના ક્ષેત્રમાં સૌથી ઉચ્ચ સન્માન મેળવ્યા પછી એલેક્ઝીવિચ આ ખેલમાંથી ખસી જતા નથી. એના બદલે નવું લખવાનું ચાલુ જ રાખે છે અને વળી સતત નાવીન્યપૂર્ણ લખવા કરે છે. નોબલપ્રાઈઝ મળ્યાથી વધુ આનંદ તેમને એ વાતનો છે કે તેમના લખાણની કદર થઇ છે. જુનવાણી અને કચડાયેલા સામાન્ય વર્ગની સંવેદનાની અભિવ્યક્તિને વાચા આપનાર આ લેખિકાને સો સો સલામ.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
તસવીર નેટ પરથી લીધેલ છે.
