રક્ષા શુક્લ
૨૦૧૫ના સાહિત્યના નોબલ પ્રાઈઝ વિનર સ્વેતલાના એલેક્ઝીવિચ ઘણા અંગ્રેજી બોલનારા વાચકો માટે ભલે અજાણ્યું નામ હોય પરંતુ તેના પુસ્તકોએ સંઘર્ષ અને ભયાનક હોનારતમાંથી જીવિત રહેલાઓની પીડાને અદભૂત વાચા આપી છે. ચર્નોબીલથી કાબુલ સુધીના લોકોના ઊર્મિસભર જીવનપર તે પ્રકાશ પાડે છે. સ્વેતલાનાને જ્યારે નોબલપ્રાઈઝ જીત્યા હોવાના અભિનંદનનો કોલ મળ્યો ત્યારે તેઓ કપડાને ઈસ્ત્રી કરી રહ્યા હતા અને તેનો પ્રતિસાદ હતો ‘ફેન્ટાસ્ટીક !’ ન કોઈ બુમાબુમ, ન ખુશીથી ઊછળી પડવું. એક ગરિમાપૂર્ણ ઉદ્દગાર માત્ર. કેવું સમતોલ વ્યક્તિત્વ !
સ્વીડીશ અકાદમીના સેક્રેટરી સારા ડેનિયસનાં કહેવા પ્રમાણે એલેક્ઝીવિચ અત્યંત માનવતાવાદી બેલારશિયન લેખિકા છે. તેઓ જે લખે છે તે માત્ર ઘટનાઓનો ઈતિહાસ નથી પરંતુ માનવીય સંવેદનાઓનો ઈતિહાસ છે. સ્વેતલાનાને જે નોબલપ્રાઈઝ મળ્યું છે તે તેમના સમયની વેદના અને હિંમતના સ્મારકરૂપ વૈવિધ્યપૂર્ણ લખાણો માટે મળ્યું છે. તેઓ કહે છે કે ‘મારા પુસ્તકોમાં સાચુકલાં માણસો બોલે છે. રાષ્ટ્રના સર્વસામાન્ય ઇતિહાસની સાથોસાથ દરેક વ્યક્તિ પોતાના જીવનની વાતને પોતાના શબ્દોમાં ઢાળી રેકોર્ડ કરાવે છે. તેમની વાતોની પ્રમાણિક કથાઓ, તેમણે સંઘરેલા અભિનેતાઓના કે બીજા ફોટાઓ તેમના વિષયવસ્તુના પાત્રો સાથે સમીપતાનો ભાવ સર્જે છે. તેના મુલાકાતીઓના આત્મસંભાષણમાંથી તેણી એક ઈતિહાસ રચે છે. જેનાથી વાચક ભલે ગમે તેટલા અંતરે દુર હોય પણ તેમને એ સ્પર્શે છે. કારણ કે એ સંવેદનાસભર ઇતિહાસની તવારિખરૂપેવર્ણવાયા છે.
માણસની સંવેદનાઓને વાચા આપતો આ સાહિત્યપ્રકાર અચાનક જ તેમને ખુબ ગમી ગયો જે સાક્ષીઓની બાંહેધરી અને દસ્તાવેજ સમો હતો. તેઓ કહે છે કે ‘મેં આ જ રીતે દુનિયાને જોઈ છે અને સાંભળી છે. એટલે જ આ લખાણો વ્યક્તિગત અવાજોના સમૂહગાન રૂપે, રોજ જીવાતા જીવનની વિગતોથી બનતું એક કોલાજ છે. મેં આ રીતે જ તેમના માનસિક અને સંવેદનાત્મક સત્વને સમગ્રતાથી ઓળખ્યું. આ જ રીતે હું એકીસાથે લેખક, સંવાદદાતા, સમાજશાસ્ત્રી, માનસશાસ્ત્રી, અને ઉપદેશક બની શકી. વાસ્તવિકતાએ તેમને હંમેશા ચુંબકની જેમ આકર્ષ્યા છે. પીડા પણ આપી છે અને સંમોહિત પણ કર્યા છે. લોકોના આવા વાસ્તવને તેઓ કાગળ પર ઉતારવા માગતા.
તેમણે કહેલા અનેક વાક્યો સુંદર ક્વોટ રૂપે લોકોને પ્રેરણા આપે છે. મૃત્યુ વિશેના તેમના પુસ્તક ‘વોઈસીઝ ફ્રોમ ચર્નોબિલ’ (૨૦૦૫)માં તેમણે કહ્યું છે કે ‘મૃત્યુ એ દુનિયાની સૌથી સુંદરતમ ચીજ છે. કોઈ એનાથી બચી શક્યું નથી. મૃત્યુ સૌને તાણી જાય છે – દયાવાનને, ક્રૂર માણસોને, પાપીને સૌને. એનાથી સુંદર કોઈ વસ્તુ પૃથ્વીપર છે જ નહીં.’ ચર્નોબીલની ઘટના એ વીસમી સદીની સૌથી ભયાનક ટેકનિકલ દુર્ઘટના હતી. જેમાંલગભગ ૨.૧ મિલિયન લોકો તેના રેડીએશનથી અસર પામ્યા હતા. અને લગભગ ૯૯,૦૦૦ કેન્સરથી મ્રત્યુ પામ્યા હતા. આ કહાણી ખુબ લાંબી છે.
સ્વેતલાના કહે છે કે ‘હું હંમેશા મારા અંદરના માંહ્યલાને-સહજ સ્ફુરણાને અને અંદરના અવાજને વળગી રહું છું. જો તમને ખબર હોય કે કઈ તરફ જવું, કઈ દિશા સાચી તો પ્રેરણા ગમે ત્યાંથી મળી શકે છે. જો જાગૃતિ હોય કે તમે સજાગ હો તો તમારી સર્જનાત્મકતામાં-સર્જનની જ્યોત કે જુસ્સામાં એ તણખાંનુ કામ કરે છે. એલેક્ઝીવિચને તેની વાર્તાઓ શેરીમાંથી સંભળાતા અવાજોમાંથી સાંપડી જે તેની આજુબાજુ જ સંભળાતા હતા. આ રીતે જ તેની શ્રેષ્ઠ વાર્તાઓ આપણને સાંપડી. તેના પુસ્તકો દ્વારા વાચકો તેના પ્રશ્નો પોતે જાતે વિચારવા તરફ વળે તેવું તેઓ ઈચ્છતા હતા. સર્જનનો વિષય શ્રોતાને શું વિચારવું એ કહેતો નથી પરંતુ જે તે બાબત માટે તેને વિચારતા કરે છે. તે બોધ કે સંદેશા તરફ વિવેચનાત્મક રીતે વિચારવાની તક આપે છે.
સ્વેતલાનાએ કહ્યું ‘પૈસાના બદલામાં હું એક જ ચીજ ખરીદી શકું-હું સ્વતંત્રતા ખરીદું.’ નોબલ પુરસ્કારે સ્વેતલાનાને સ્વાતંત્ર્ય આપ્યું છે. હવે તેઓ બે પુસ્તક લખી રહ્યા છે. ૧૯૮૩માં તેમણે ‘વોર્સ અનવુમનલી ફેસ’ પૂર્ણ કરી. જેમાં બસો(૨૦૦) સોવિયેત સ્ત્રીઓના અવાજોનો સંગ્રહ છે. સામ્યવાદી પાર્ટી દ્વારા આનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ બે વર્ષ પછી ગોર્બોચેવ ફરજમાં આવ્યા અને રાજકીય વાતાવરણ બદલાયું. અંતે આ પુસ્તક પ્રકાશિત થયું અને તેની લગભગ બે મિલિયન કોપીઓ વેચાઈ. સામ્યવાદ સામે સમયવાદનો વિજય થયો. આ નવલકથા પણ બીજા વિશ્વયુદ્ધના જુદા જુદા પાસાઓ પર બોલાતી સ્ત્રીઓના આત્મસંભાષણની જ બનેલી છે.
સ્વેતલાનાનું દરેક પુસ્તક ૫૦૦ થી ૭૦૦ ઈન્ટરવ્યુંનો અર્ક છે. તેઓ લખે છે કે ‘હું લોકોને સમાજવાદ વિશે પૂછતી નથી. હું તેઓને પ્રેમ, ઈર્ષા, બાળપણ કે વૃદ્ધાવસ્થા, સંગીત, નૃત્ય કે હેરસ્ટાઈલ જેવી અસંખ્ય ભિન્ન વિગતો વિશે પૂછું છું જે જીવનના આઘાતોમાં સાવ ભૂંસાઈ ગયેલું હોય છે. આ જ માત્ર આપત્તિઓની પાછળની ઘટનાઓ વિષે જાણવાનું એક માત્ર માળખું છે અને એકમાત્ર પ્રયત્ન છે.’ તેઓ કહેતા કે ‘કોઈ આધુનિક ટેકનોલોજી આપણને પ્રેમ, પીડા અને સંવેદનાની જરૂરિયાતથી મુક્ત કરી શકતી નથી. આપણે એ વાતથી પણ ટેવાતા નથી કે આપણા સમયગાળા દરમ્યાન આપણા માટે જે કંઈ નિર્માણ થયેલું છે તે સઘળું મર્યાદિત છે. તે બધાની એક અવધિ છે.’ તેથી જ ‘ધ વુન્ડેડ ડીયર ઓફ ઈટર્નલ હન્ટ’માં પણ તે કહે છે કે ‘પીડા એ એક કલા છે. જીવનમાં અંતે બધું જ સ્મરણોમાં ફેરવાઈ જાય છે. મૃત્યુ વિના આ જીવનને સમજી શકાતું નથી. પ્રેમ જ આપણને આપણી જાતમાં ડુબાડે છે.’
વિવેચકોના માટે સ્વેતલાનાના પુસ્તકો બેલારશિયન લેખિકા એલીસ એડમોવિચનાં વિચારોને મળતા આવે છે. જો કે સ્વેતલાના પોતે પણ આ વાતને પોતાના પરની પ્રાથમિક અસર રૂપે ટાંકે છે. તે કહે છે કે ‘આગળ ઉપર તેણે હજુ ઘણું કામ કરવાનું છે. હજુ ઘણા વળાંકો આવશે.’ તેણીના ક્ષેત્રમાં સૌથી ઉચ્ચ સન્માન મેળવ્યા પછી એલેક્ઝીવિચ આ ખેલમાંથી ખસી જતા નથી. એના બદલે નવું લખવાનું ચાલુ જ રાખે છે અને વળી સતત નાવીન્યપૂર્ણ લખવા કરે છે. નોબલપ્રાઈઝ મળ્યાથી વધુ આનંદ તેમને એ વાતનો છે કે તેમના લખાણની કદર થઇ છે. જુનવાણી અને કચડાયેલા સામાન્ય વર્ગની સંવેદનાની અભિવ્યક્તિને વાચા આપનાર આ લેખિકાને સો સો સલામ.
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
તસવીર નેટ પરથી લીધેલ છે.