દીપક ધોળકિયા
અંગ્રેજોમાં જાણે અસંતોષ ફેલાવવાની શક્તિ હોય તેમ આખા દેશમાં ઠેકઠેકાણે એમની સામે બગાવતના બૂંગિયા ફુંકાયા કરતા હતા. એમની ખેતીના ભાવોની નવી નીતિ અને વહીવટી પદ્ધતિઓમાં ફેરફારની અસર સીધી તો ખેડાના કોળીઓ પર નહોતી થતી, કારણ કે એ ઈસ્ટ ઇંડિયા કંપનીના અધિકાર ક્ષેત્રની બહાર હતા પણ એમણે પાડોશીઓની સ્થિતિ જોઈને નક્કી કર્યું કે આ તો સૌની સદીઓ જૂની જીવનપદ્ધતિ પર હુમલો છે. આથી કોળીઓએ બીડું ઝડપી લીધું.
ખેડાના અમુક કોળી સરદારો અને એમના સાથી ખેડૂતોએ એકઠા થઈને નવા નિયમો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી પણ ઘણા સરદારોએ કંપનીના નવા નિયમોને સીધા જ ઠોકરે ચડાવ્યા. એમણે સાફ કહી દીધું કે અમને મહેસૂલ અને બીજા કરવેરા વસૂલ કરવાનો પરંપરાગત અધિકાર છે, તેના પ્રમાણે જ અમે ચાલશું; કંપની-બંપનીની વાત અમે માનશું નહીં. એમણે ૧૮૦૮થી કંપનીના તાબાનાં શહેરો પર છાપા મારવાનું શરૂ કરી દીધું. ધોળકા અને આસપાસનાં ગામો એમનું નિશાન બન્યાં. કોળીઓ સહેલાઈથી ગામમાં ઘૂસી જતા અને લૂંટફાટ કરીને પાછા આવી જતા. બે વરસ તો કંપની લાચાર બનીને જોતી રહી પણ ૧૮૧૦ પછી એનો વ્યૂહ સફળ થતો દેખાયો અને ઘણા કોળીઓ પકડાઈ ગયા. આમાં એમનો નેતા બેચર ખોકાણી પણ હતો. ૧૮૦૮ની ૨૦મી ફેબ્રુઆરીએ પચાસેક કોળીઓએ જેલ પર જ હુમલો કરીને ખોકાણીને બહાર કાઢી લીધો. એ જ રાતે ખોકાણી અને એના સાથીઓએ ફરી ધોળકા પર હુમલો કર્યો.
ખેડાના મૅજિસ્ટ્રેટ હૉલ્ફર્ડને સમજાયું કે કોળીઓ એમના તાબાનાં ગામોમાં નથી રહેતા એટલે એણે ગામના મોભી ગણાતા લોકો પર વિદ્રોહીઓને પકડવામાં મદદ કરવાનું દબાણ કર્યું. એમણે એવી પણ યોજના કરી કે જે પકડાય તેને સાત વર્ષ માટે કોઈ ટાપુ પર મોકલી દેવો. પણ એમને મોકલે તે પહેલાં જ બેચર ખોકાણીના દળના ચારસો કોળીઓએ જેલમાંથી બધાને છોડાવી લીધા અને એ સૌ કંપનીના પ્રદેશની બહાર ચાલ્યા ગયા.
૧૮૨૪માં અમદાવાદના કલેક્ટર ક્રોફર્ડે મિલિટરીની મદદ લઈને બળવાખોરોનાં ગામોને જ જમીનદોસ્ત કરી નાખવાનું સૂચન કર્યું. પરંતુ કોળીઓ ડગ્યા નહીં. ૧૮૩૦ સુધી હુમલા ચાલુ રહ્યા. છેક ૧૮૪૦માં કંપનીને સફળતા મળી અને કોળીઓનાં શસ્ત્રો લઈ લેવાયાં. એ તે પછી ખેતીમાં લાગ્યા.
આના પછી પણ કોળીઓ શાંત ન થયા. ૧૮૫૭ના જુલાઈમાં લુણાવાડા રાજ્યના માલીવાડના કોળીઓ સૂરજમલની નેતાગીરી હેઠળ એકઠા થયા. સૂરજમલના મૃત્યુ પછી ખાનપુરના જીવાભાઈ ઠાકોરે લડતની સરદારી સંભાળી. ડિસેમ્બરમાં કેટલાક કોળી પકડાયા. એમાંથી એમના સરદાર અને બીજા કેટલાકને ફાંસી આપી દેવાઈ.
સપ્ટેમ્બર ૧૮૫૭માં ચાંડોપના નાથાજી અને એમના ભાઈ યામાજીની આગેવાની હેઠળ મહીકાંઠાનાં કેટલાંક ગામોના બે હજાર કોળીઓએ બળવો કર્યો. મહીકાંઠા પર વડોદરાના ગાયકવાડની હકુમત હતી. મહારાજાએ કોળીઓને વિદ્રોહ ન કરવાની ચેતવણી આપી અને દસ ઘોડેસવાર મોકલ્યા પણ એક કોળીઓના હુમલામાં માર્યો ગયો અને બે જખમી થઈ ગયા. વડોદરા, ખેરાળુ, વીજાપુર વડનગરમાં અંધાધૂંધી જેવી હાલત હતી. કોળીઓન દબાવવામાં આખું વર્ષ નીકળી ગયું. નાથ્હાજી હાથ ન લાગ્યા. એ થોડા સાથીઓ સાથે મહીની કોતરોમાં ભરાઈ ગયા અને હુમલા કરતા રહ્યા.
એ જ અરસામાં મહારાષ્ટ્રના પેઠમાં પણ કોળીઓએ અંગ્રેજો સામે માથું ઊંચક્યું. આ બળવામાં કોળી રાજા ભગવંત રાવ અને એમના બીજા ૧૫ અધિકારીઓનો હાથ હોવાનું માનીને અંગ્રેજોએ એમને ફાંસી આપી દીધી.
૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં પણ સુરતના ત્રણ હજાર કોળીઓએ ભાગ લીધો. ૨૧મી ઑગસ્ટે એમણે બ્રિટિશ સૈનિકોની ટુકડી પર લાઠીઓ અને ધારિયાંથી હુમલા કર્યા. જલાલપુરના રેલવે સ્ટેશને એમણે પાટા ખોરવી નાખ્યા. બોરસદ, આણંદ અને ઠસરામાં હાલત એવી હતી કે બીજા જ દિવસથી લશ્કર બોલાવવાની જરૂર પડી.
આજે કોળીઓ ગરીબીમાં જીવે છે. એમના ત્યાગ અને બલિદાનની કદર કરવામાં આપણે ઊણા ન ઊતરીએ એ આપણી ફરજ છે.
૦૦૦
દીપક ધોળકિયા:
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી