સોરઠની સોડમ

ડૉ. દિનેશ વૈશ્નવ

જીંદગીના ત્રણથી વધુ દાયકા ગમેઅણગમે ઢસયડો કરીને માણસ નિવૃત્તિ પૈસાની જેમ જ કમાય છ ને છતાં ઘણા નિવૃત લોકોને “હું નિવૃત છું” ઈ કે’વામાં નાનપ લાગે છ. આવા લોકોને મારે થોડાક અમારા જેવા સામાન્ય માણસોના દાખલા દઇને એટલું જ કે’વું છ કે નિવૃત્તિ માણવા માણસે અદાણી, અંબાણી, ટાટા કે બિરલા સમી સંપત્તિ સંપાદિત કરવાની જરૂર નથી પણ પેલાં નિવૃત્તિ માણવાની વૃત્તિ અને પછી તંદુરસ્ત, મન અને માયલાને ટાઢક દે અને પૈસે પરવડે એવી પ્રવૃત્તિઓ ઉભી કરવાની કે એમાં જોડાવાની જરૂર છે.

સૌ જાણે છ કે માણસની જીંદગીના એની ઉંમર હારે જોડાયેલ ચાર પડાવ કે આશ્રમ છે કે જે ઓછાવધતા અંશે દરેક દેશમાં છે. મારી એકવીસમી સદીની દ્રષ્ટિએ પે’લાં ત્રીસેક વરસ બ્રહ્મચર્યાશ્રમ કે જેમાં નિર્ધારિત વ્યવસાય માટે સારું ભણતર અને તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થાવું. બીજું, પોતાની વડના સાચા મિત્રો અને એક જીવનસાથી ગોતવાં અને ઈ બેયની જરૂરે સલાહ લેવી અને વિચારીને એનો અમલ કરવો. ઉપરાંત થોડા નાનામોટા શોખો પણ પુરા પાડવા. પછી પાંસઠેક વરસ લગી ગૃહસ્થાશ્રમ કે જેમાં શક્ય એટલી કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓ પુરી કરવી અને આગામી નિવૃત્તિમાં આર્થિક અને પ્રવૃત જીવનની વ્યવસ્થા કરવી. પાંસઠ પછીનાં શરીર સાથ દે ઈ વરસો વાનપ્રસ્થાશ્રમ કે જેમાં નિવૃત્તિ છલોછલ માણવી અને અંતે જાતે ઉભા થઈને પાણીનો પ્યાલો ન લઈ સકીયેં કે ઘર ને સમાજમાં નડવા મંડીયે ત્યારે સન્યાસાશ્રમ.

માણસનું આવરદા વધતાં આશ્રમોના આ નવા ગાળા મેં વધાર્યા છ બાકી વરસો પે’લાં ભારતમાં ને અન્ય દેશોમાં ઈ ટૂંકા જ હતા જેમ કે ભારતમાં વાનપ્રસ્થાશ્રમ ૫૧થી ૫૮ વરસ લગીનો ગણાતો ને ઘણાખરા વનમાં જ ભુલા પડતા, અર્થાત ઈ ટાઢે શરીરે થાતા. પરિણામે નોકરીની ઘાણીએ જોડાયેલ માણસ મારા દાદાની જેમ એના વાનપ્રસ્થાશ્રમમાં જ બાવન વરસે નિવૃત થાતો. પછી ઈ ઉંમર વધીને પંચાવન થઇ કે જયારે મારા નાના નિવૃત થ્યા ને જો ઐછીકતાથી બીજાં ત્રણ વરસ વધુ નોકરી કરવી હોય તો અઠાવન વરસે તો મારા પપપ્પાની જેમ નિવૃત્તિ લેવી જ પડતી. યુ.એસ.માં પણ હજી હમણાં લગી બાંસઠ વરસની જ નિવૃત્તિની ઉંમર હતી ને અન્ય પશ્ચિમી દેશોમાં પણ આવી જ ક્યાંક ઉંમર હતી.

હાલમાં ભારતમાં સરકારી કે ખાનગી નોકરીમાં ફરજીયાત નિવૃત્તિની ઉંમર સું છે ઈ મને ખબર નથી પણ દરેક વ્યક્તિએ યથાયોગ્ય ઉંમરે નિવૃત્તિ સ્વીકારી નવા લોહી અને વિચારોને જગ્યા આપાવી ઈ અનિવાર્ય અને હિતાવહ છે. યુ.એસ.માં અત્યારે નિવૃત્તિની વયમર્યાદા નક્કી નથી પણ કેટલાક લોકો ૬૨માં વરસે નિવૃત થાય છ. આ લોકોને થોડા ઘટાડા હારે “સોસીયલ સિક્યોરીટી”ની આવક (સરકારી પેન્શન) મળે જો એને ઓછામાંઓછાં ૧૦ વરસ સોસીયલ સિક્યોરીટી ભરેલ નોકરી કરી હોય તો. આ આવકમાં લગભગ દર સાલ મોંઘવારી અનુસાર નાનોમોટો વધારો થાય અને જો માણસને કાયમી ખોડખાપણ હોય તો એને ડિસેબિલિટીની વધારાની આવક પણ મળે. યુ.એસ.ના હાલના નિયમો અનુસાર સરકાર તરફથી ૬૫માં વરસે સંપૂર્ણ મેડિકલ ઇન્સ્યોરન્સ કે “મેડીકેર” સાધારણ પ્રીમયમ હારે મળે છ એટલે મોટા ભાગે લોકો ત્યારે નિવૃત થાય છ. આ લોકોને સરકારી પેન્શન પણ ત્યારે વધુ મળે ને એટલે હું પોતે ૬૫માં વરસે નિવૃત થ્યોતો. વધુમાં,અમારા જેવા કે જેને એમ્પ્લોયર પેન્શન વાળી નોકરી કરી હોય એને ઈ પેન્શન પણ સરકારી પેન્શન ઉપરાંત મળે.

અમારું ૬૨થી ૬૫ વરસે નિવૃત થયેલ સાતઆઠ યુ.એસ. મિત્રોનું “યંગ એટ હાર્ટ” ટોળું અઠવાડીયે ત્રણચાર કલાક મળે છ અને અંબાઈના ઓટે બેઠા હોય એમ બેસીને ગપ્પા મારીયેં, બધાનું મન હોય તો ચારેક કી.મી. હાલીયેં ને પછી કોક સારી રેસ્ટોરાંમાં ભરપેટ લન્ચ ખાયેં. દર મહીને ફરતેફરતે ઘેર સહકુટુંબ ડિનર માટે પણ મળીયેં ને હાનીહીણ પંચાત કરીયેં કારણ કે તંદુરસ્ત પંચાત આપણી તંદુરસ્તી માટે આવશ્યક છે એમ અમે માનીયેં છ. બાકી રોજબરોજ હું પોતે સવારથી બપોર વાંચું, લખું, સ્ટોકમાર્કેટ જોવું, ગણિત ગણું, રેડીઓ સાંભળું, યુટ્યુબની મજા માણું અને વચમાં દસેક વાગે હળવો લન્ચ ખાઉં. બપોરના અઢીએક વાગે અમે બેય માણસ કોફી પીયેં, ત્રણેક વાગે હું મારાં પત્નીને રસોડામાં ચૂલેચોખે મદદ કરું ને પછી અમે બેય ચારથી સાડાપાંચ જીમમાં જીયેં. જીમમાંથી આવીને છ વાગે ડીનર ખાયેં ને નાનુંમોટું કામ પડ્યું હોય ઈ આટોપીયેં. સૂતા પે’લાં બેએક કલાક ટી.વી. જોયેં ને વિતેલા દિવસને “જનગણ…” કીયેં. વધુમાં દર બે અઠવાડિયે અમે બેય મળીને ઘર સાફસૂફ કરીયેં ને બાકી વરસ દરમ્યાન અમારાં છોકરાંઓ ઘેર આવે, અમે એને ઘેર જીયેં, બેચાર પાંચસાત હજાર કી.મી.ની રોડ ટ્રીપ લીયેં, મિત્રો હારે એકબે નવા દેશોમાં ફરવા જીયેં, વ. ઈ અમારી હાલમાં નિવૃત્તિમાં પ્રવૃત્તિ.

મારી જેમ જ વયમર્યાદાએ નિવૃત થયેલ મારા જૂનાગઢના મિત્રો પણ વલખાં માર્યા વિના મારી જેમ કે મારાથી જાજી મોજની જિંદગી જીવે છ. મારો એક મિત્ર નિવૃત શિક્ષક છે એટલે ઈ ને અન્ય મિત્રો રોજ “નિતવારીયે” શુદ્ધ ગપ્પા મારવા મળે, એકેક જણો સવાસો ગાંઠિયા ને સવાસો જલેબી ઉડાડી જાય, બબ્બે પ્યાલા પીવે ને હોઠે “પુનાપત્તી” તમાકૂનો તેજ “માવો” દબાવે. પછી બપોરે સાડાબારેક વાગે સૌ પોતપોતાને ઘેર જઈ હોજરીથી ગળા લગી ભરપેટ ખાઈ ને ફરફરાટ પંખા નીચે સુઈ જાય. ઊઠી, ચાપાણી કરી, ઘરમાં કે પાડોસમાં ગપ્પા મારે, જો દિકરા ભેગા હોય તો પૌત્રો-પૌત્રીઓ હારે પ્રવૃત્તિ કરે ને પછી બકાલે જાય કે બગીચે ફરવા જાય. વરસમાં બેત્રણ વાર આમાના ઘણા મિત્રો ભારતમાં કે દેશની બાર ફરવા પણ જાય. બાકી બધા ચોમાસે ગિરનારની ગીચ જાડીમાં રખડે, વરસાદમાં નાઈ, શિયાળે કોક જાણીતાની વાડીએ રોટલા ને રીંગણાંનો ઓળો ને ઉનાળે શાખની કેસર કેરી ખાવા જાય. આ બધા મિત્રો “બુધવારીયે” પાછા રાતના મળી હારે સમૂહ ભોજન કરે ને સુગલો કરે.

આવું જ ક્યાંક મારા જૂનાગઢના મિત્રો વડોદરે નિવૃત્તિ ભોગવે છ એનું છ. એનું ટોળું દર રવિવારે બેત્રણ કલાક એક બંધ દુકાનનાં ઓટે મળે, ગપ્પા મારે, નાસ્તાપાણી કરે ને નિર્ધારિત સમયે અને સ્થળે વરસમાં બેચાર પ્રવાસો કરે. તો મારા સનખડા, દેલવાડા, મેંદરડા, ચોરવાડ કે વિસાવદરના બાળપણના વાડીવજીફા વાળા મિત્રો એની વાડીઓમાં વધારો કરીને આરામની જિંદગી એનાં વાડીના જ ઘરોમાં અર્થાત ફાર્મહાઉસીસમાં જીવે છ ને વાડીની વિવિધ ઊપજો વેં’ચી એમાંથી સારી રીતે ગુજરાન હલાવે છ. જેને એના બાપદાદાના ધંધા સંભાળ્યા એને હવે ઈ ધંધે એના દીકરાઓને બેસાડી દીધા છ ને ઈ મિત્રો પણ નિવૃત્તિ માણે છ. જે મિત્રોએ સરકારી નોકરીઓ કરી ઈ પણ નિવૃત્તિ છાકમછોળ માણે છ. મારા આ બધા દોસ્તારું નિસ્વાર્થભાવે એકાબીજાને, કુટુંબને, નાતીને અને સમાજને ઉપીયોગી પણ બને છ.

મારો એક પરગજ્જુ ને હાંસ્યનો હરતોફરતો હિંડોળો એવો ભેરુ ભરત વૈષ્ણવ ઉર્ફે બકુ છે. એના આનંદી મિજાજને મઘ્યેનજર રાખી જો હું હળવા હૈયે કઉં તો – સૌને ઈ કે’છ કે ભાવનગર ભણીને ઈ એન્જીનીયર થ્યો છ પણ હકીકતમાં શું ભણ્યો છ ઈ તો હવે ઈ પણ ભૂલી ગ્યો છ. જો કે હું છેલ્લા બાવન વરસથી દેશ બા’ર છું એટલે સાચુંખોટું ભગવાન જાણે પણ એને મેઇનસ્વીચ બંધ કરતાં નથી આવડતી ને છતાં ઈવડો ઈ કે’છ, હું ઊંચા ગજાનો કન્સલ્ટન્ટ ઇલેક્ટ્રીકેલ એન્જીનીયર હતો.” એકવાર હું એને જૂનાગઢમાં મળ્યો તો મને કે’, હું હવે દેશવિદેશના ખૂણેખૂણે એન્જીનીયર તરીકે નથી પોંચી સકતો એટલે ઈ દોડાદોડી બંધ કરીને ઘરમાં જ લેડીઝ હોઝિયરીની દુકાન મેં ખોલી છ. દિનેશ, પણ ઘરના ઓટે વણનોતરે બેઠેલ કૂતરાં ને આંગણામાં ઘુસેલ ગધેડાં કોઈ લેડીઝને મારી દુકાનમાં ઘુસવા નથી દેતાં એટલે હું હવે “સ્વાન કન્સલ્ટન્ટ” થઇ ગ્યો છ.” ટુંકમાં, હું તો એમ માનું છ કે મારો આ ભેરુ જન્મ્યો ઈ દી’નો વેતની ઢસયડેથી નિવૃત જ છે.

હવે હકીહતે વળું તો બકુ સંપૂર્ણ બિનવેતની સમાજસેવામાં એટલો વ્યસ્ત રે’છ કે એને દી’ના ચોવીસ કલાક ઓછા પડે છ. એની સેવાનું ફલક જાજું ફેલાયેલ છે, દા.ત. નાતમાં, નાત બા’ર ને ગામમાં કે ગામ બા’ર કોઈ માંદું દવાખાને હોય તો ડોક્ટર પે’લાં ઈ પોંચી જાય ને દર્દી આગળ રાતોનીરાત રોકાય એટલું નહીં પણ ગાંઠના પૈસે ઈ માંદાની જરૂરિયાતો પણ પુરી પાડે. બીજું, કોઈ પણ માંદા માણસને દવા લાગુ ન પડતી હોય કે ઈ જણ નિરાશ થઇને બેઠો હોય તો બકુનું હાંસ્ય ઈ એની દવા છે ને ઘણા મરવાના માંદાને એને બેઠા પણ કરી દીધા છ. ત્રીજું, ગુજરાત કે ગુજરાત બા’ર જરૂરે કોઈ પણ મૃતદેહને નનામીમાં બાંધવાથી લઈને એની અંતિમક્રિયા લગી એની હાજરી હોય એટલું નહીં પણ ઘણીવાર એના અનુભવને લીધે અનિવાર્ય પણ હોય છ. મારી ગણત્રીએ એને ૧૫૦૦૦થી વધુ દિવગંતોને આ સેવા આપી હશે ને હજી પણ આપે છે ને એટલે ઈ હસતાંહસતાં કે’છ પણ ખરો, “જો સરકાર કાંધીયા પેન્શન આપેતો હું અદાણીને આખેઆખો ખરીદી લઉં.” ટૂંકમાં, સેવાના વિવિધ ક્ષેત્રે બકુનો અનુભવ બહોળો છે ને ઈ આધારે એના હળવા હાંસ્યથી ખદબદતાં પુસ્તકો જેવાં કે “સુહાના સફર” અને “આધ્યાત્મિક આસ્વાદ” એને લખ્યાં છ. એનાં બે મંત્રો અને એનું એના જીવનમાં શબ્દસહઃ આચરણ મને વિશેષ સ્પર્શે છે – “પોતા ઉપર હસવું, બીજા હારે હસવું, બીજાને હસાવાં ને હસી કાઢવું ઈ મારી ફિતરત છે,” ને It’s nice to be important, but more important is to be nice.”

મારા યુ.એસ.ના બે દાક્તર મિત્રો પાંચેક વરસ પે’લાં આંઈ સામાન્યતઃ ગણાતી ૬૫ વરસની નિવૃત્તિની વય વટાવી ગ્યા છ. આ બેય પૈસેટકે સુખી છે ને એની પાસે બે આંગળીના વેઢે પણ ન ગણી સકાય એટલી સ્થાવર-જંગમ મિલકત છે એટલું જ નહીં પણ બેયનાં સંતાનો પણ એટલાં જ ગોઠવાયેલ ને સુખી છે. અમે જયારે ઈ બેયને પુછીયેં, “હવે ક્યારે નિવૃત થઈને અમારા “યંગ એટ હાર્ટ” ટોળે ભળવું છ?” તો એનો એક જ જવાબ, અમારામાં દાક્તરી સિવાય કોઈ પણ બીજી ટેલન્ટ નથી. અમને વાંચવાલખવાનો, ગાનાબજાનાનો, વાતચીતનો કે એવો બીજો કોઈ જાજો શોખ નથી એટલે અમારાથી થાય યાં લગી કામ કર્યા કરસું.” આજ નિવૃત્તિનો સવાલ મારા જૂનાગઢના પણ અમદાવાદસ્થિત મિત્રોને પૂછ્યો તો એના જવાબો ભાતીગળ હતા, દા.ત. યુ.એસ.ના બે દાકતર મિત્રોથી પણ વધુ સ્થિતિપાત્ર અને એની ઉંમરના સાતદાયકા વીંધી ગે’લ બે મિત્રોના જવાબની સામન્યતા ઈ હતી કે ઈ બેય નિવૃત થઈને અપ્રવ્રુત થાય ને માખીમચ્છર પણ ન મારી સકે કારણ કે એનાં ભવ્ય ઘરો જીણી જાળીથી પેટીપેક બંધ છે. તો વળી ત્રીજો કે જે મારી જ ઉંમરનો ને પૈસેટકે સુખીછે એનો જવાબ, મારે તો પેન્શન પણ પગારથી બમણું આવે છ, મારે રીટાયર પણ ઘણું થાવું છ પણ કમ્પની ક્યાં મને છોડવા દે છ ને હવે તો વળી કમ્પનીની કાર પણ તેડવામૂકવા આવે છ.”

બીજા થોડાક મારી ઉંમરની આસપાસના અને ખાધેપીધે સુખી મિત્રો કે જે નિવૃત જ છે છતાં પ્રવૃત છે ઈ દેખાડો કરવાના જવાબો, દા.ત. એક જણને મેં સવારના અગીયારેક વાગે ફોન કર્યો તો એક વાર, હું મીટીંગમાં છું. પછી ફોન કરું.” હકીકતે આ જવાબ એને દીધો ત્યારે એને રસોડે કૂકરની ત્રીજી સીટી પાછળ વાગી ઈ મેં ફોનમાં સાંભળી. બીજી વાર એનો જવાબ, હું દિલ્હી પ્રોજેક્ટના કામે આવ્યો છ. કાલે રાતની ફલાઇટમાં પાછો આવી ને નિરાંતે ફોન કરું.” પછી ઈ મારા ફોનની જ સાંજે ઈ ભાઈ “લો ગાર્ડન” આગળ ઉભાઉભા ચણીયાબોર ખાતાતા ઈ મેં રીક્ષામાંથી જોયું. બીજા એક ભાઈને મારી ભારતની રોકત દરમ્યાન બે વાર રૂબરૂ ને એક વાર ફોનમાં પૂછ્યું, જલસો છે ને?” તો એનો એક જ જવાબ, ઓહ યસ. હમણાં તો સેન્સેક્સ ઉપડ્યો છ તે જલસોએ છે ને રાત ક્યારે પડે છ ઈ ખબરે નથી રેતી.” હકીકતે ઈ ભાઈ એના બાપે પોસ્ટઑફિસમાં વિધવાવ્યાજે મુકેલ પૈસે જીવે છ ને ઈ ખૂટે પછી મહિનાની આખરમાં શાકને બદલે સંભારે દીવસું કાઢે છ. ત્રીજો એક મિત્ર મળ્યો ને મેં પૂછ્યું કે “યાર, તું કેમ દેખાતો નથી?” તો એનો જવાબ, બસ, દસમના ટ્યુશનો સવારસાંજ જોરદાર ચાલે છ.” હકીકતમાં ઈવડો ઈ મેટ્રિકમાં મારી હારે ને પછી ચાર વરસે મેં કોલેજ પુરી કરી ત્યારે પણ ઈ મેટ્રિકમાં જ હતો. એક મિત્રને આખી સરગમ પણ ન આવડી પણ એનો નિવૃત્તિના સવાલનો જવાબ, દિનેશ, અમદાવાદમાં કાંકરીયાથી કાળુપુર લગી સઁગીતના જલસા હોય છ ને મારે એમાં નિર્ણાયક તરીકે સેવા આપવી પડે છ. તું નહીં માન કે મારી ફી જલસા દીઠ રૂ.૩૦૦૦ છે ને મને અઠવાડિયાના સાતેય દીઓછા પડે છ. હવે વિચારું છ કે ફી બીજા બેએક હજાર વધારું તો જ રિટાયરમેન્ટ હું ભોગવી શકીશ.”

મારા યુ.એસ. ને અમદાવાદ વસેલ મિત્રો “પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ” એવા નથી પણ ઈ ને એવા બધાને આજના “પૈસાની પેદાશ નહીં ને ઘડીની નવરાસ નહીં” ને માથા વિનાના મરઘાંની જેમ ભાગદોડ કરતા સમાજમાં “હું નિવૃત છું” ઈ કે’વામાં એક લાંછન અને નાનપ લાગે છ એમ મને લાગે છ. હા, આર્થિક જરૂર હોય તો ગમે ઈ ઉંમરે માણસે નોકરી કરવી પડે બાકી યોગ્ય ઉંમરે ને જાત હાલતી હોય ત્યારે માણસે રાજીખુશીથી નિવૃત્તિના હોડકે હલેસાં મારીને જીંદગીના પુરા ન કરેલ, ન કરી સકેલ ને નવનીત શોખનો એક નવો દરિયો ખેડવો જોયેં. હું પોતે “રિટાયરમેન્ટ કન્સલટન્ટ” નથી પણ આ બાબતે મારી વણમાગી સલાહ ટૂંકે આપું તો:

બ્ર્હ્મચર્યાશ્રમમાં તમે કોણ છો, શું છો, તમારું જીવનલક્ષ્ય શું છે ઈ વિચારો, સમજો અને ઈ મુજબ શક્ય એટલું સારું અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભણો. ત્યાર પછી સારી અને શક્ય હોય તો પેન્શન મળે એવી નોકરીએ ચડો અને નાનામોટા મોજશોખ પુરા કરો. સાચા અને તમારી વડના આજીવન મિત્રો અને એક જીવનસાથી ગોતો અને જરૂરે ઈ સૌની સલાહ લ્યો અને વિચારીને એનો અમલ કરો. ગૃહસ્થાશ્રમમાં “પછેડી પ્રમાણે સોડ તાણી” જવાબદારીઓ અને મોજશોખ પુરાં કરતાં નિવૃત્તિમાં બીજા અઢીત્રણ દાયકા કાઢવાની આર્થિક – વાર્ષિક ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને – અને માનસિક તૈયારી કરો. જો બેચાર નોકરીઓ વધુ આવક માટે બદલવી પડે તો ઈ પણ કરો. બીજું, છોકરાંઓને સંસ્કાર અને અવલ ભણતરનો વારસો દયો જેથી ઈ સ્વતંત્ર અને એના પગભેર બને. વાનપ્રસ્થાશ્રમમાં નિવૃત્તિમાં છોકરાંઓ હારે કાયમી રે’વાની, એના ઉપર બોજ બનવાની કે એને ધનનો વારસો દેવાની ઈચ્છા ન રાખતાં જીવનસાથી અને મિત્રો હારે મનગમતી પ્રવૃતિઓ કરો ને ઘરમાં કે સમાજમાં ન નડવાની બાધા લ્યો. ઈશ્વર જે આપે, જેની હારે છો અને જેવા છો એનો સ્વિકાર કરો, એનું ગૌરવ લ્યો. ત્રીજું, જીવનનું ઈ પણ કડવું સત્ય છે કે ઉંમરે આપણે જીવનસાથી પણ કદાચ ગુમાવીયેં ને બે માંથી એક થીયેં તો એકલા પણ મેળાનો ઉજમ મનાવા પ્રયત્ન કરવો કારણ એકલા (લોનલી) હોવું ને એકલતા (લોનલીનેસ) અનુભવી ઈ બેયમાં હાથીઘોડાનો ફેર છે.

ટુંકમાં, સાચી વયે નિવૃત થાવ, મોજના બંધાણી બનો ને પૂછે તો સૌને છપ્પનની છાતીએ કયો, હું નિવૃત છું, કાંઈ કરતો નથી, કરવાની ઈચ્છા પણ નથી, જરુર પણ નથી ને જલસે જીવું છ.” એમાં કોઈ નાનપ નથી કારણ આખી જીંદગી કામ કરવું એવું કોઈ લખાવીને આવ્યું નથી જો પછેડી પ્રમાણે સોડ તણો તો. છેલ્લે, અમારા જેવાં ખરતાં પાનને બંધ બેસતી ને મને ગમતી સૈફ “શૂન્ય” પાલનપુરીની એક ગઝલે આજ પૂરતી હું પણ નિવૃત્તિ લઉં છ:

“બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા
સબંધો બધા તમે માનો છ એટલા હુંફાળા નથી હોતા

ભૂલી જાઓ કે તમારો સૂર્ય મઘ્યાન્હે હતો એક દિવસ
આથમતા સુરજનાં બહુ જાજાં અજવાળાં નથી હોતાં

અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી
એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા

ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો
જંપો હવે પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા

અહમ ઘવાશે ક્યારેક ને ઈગો પણ ટકરાશે આવેશમાં
સ્વમાન સાચવજો સહુ કોઈ સંયમવાળા નથી હોતા

અફસોસમાં નીકળી જશે આયખું આખું એમ ને એમ
માણો મન ભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા

મિત્રો જીંદગી અને ગણિતને જોડાશો તો ખાશો તમે ખતા
લેણદેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા.”


ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.