વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મોસમ પરિવર્તન અને ખેતીમાં કામ કરતા બાળમજૂરોના આરોગ્ય પર થતી અસર

    વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

    જગદીશ પટેલ

    બાળમજૂરી નાબૂદી પર પાંચમી વૈશ્વિક પરિષદ ૧૫-૨૦ મે, ૨૦૨૨ ના રોજ દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં યોજાઇ ગઇ, જેમાં યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) લક્ષ્યાંક ૮.૭ હાંસલ કરવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ૨૦૨૫ સુધીમાં તમામ પ્રકારની બાળમજૂરી નાબૂદીનો લક્ષ્યાંક આંબવાની મથામણ કરી તેની વ્યુહરચના ઘડી એક્શન પ્લાન બનાવવામાં આવ્યો. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇ.એલ.ઓ.) અને યુનિસેફે અવલોકન કર્યું છે તેમ, સામાજિક સુરક્ષા અને સ્થિતિસ્થાપક રોજગાર નીતિઓની ગેરહાજરીમાં, કોવિડ-19 રોગચાળાને કારણે બાળમજૂરીમાં નોંધપાત્ર વધારો થયો છે, જેણે ૨૦૧૦ના દાયકાથી થયેલી પ્રગતિને પાછી ધકેલી દીધી.

    વિશ્વમાં બાળમજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો અંગેના આઇ.એલ.ઓના 1999ના ઠરાવ નંબર 182ને સાર્વત્રિક આવકાર મળ્યો અને આઇ.એલ.ઓ.ના તમામ સભ્ય દેશોએ ઝડપથી તેને સ્વીકાર્યો તેની ડરબન પરિષદમાં નોંધ લેવાઇ. તે કારણે ૨૦૦૦ના વર્ષ પછી ૮.૬ કરોડ બાળમજૂર ઓછા થયા. બાળમજૂરો અંગેના ૨૦૨૦ના અંદાજ મુજબ વિશ્વમાં ૧૬ કરોડ બાળમજૂર છે તે પૈકી અડધા જેટલા જોખમી કામમાં રોકાયેલા છે. ૧૧.૨ કરોડ તો ખેતમજૂરી કરે છે. સૈન્યમાં કામ કરવા બાળમજૂરોની ભરતી કરવાનું ચાલુ રહ્યું છે. ૮.૯ કરોડ બાળમજૂર તો ૫ – ૧૧ વર્ષની વયના બાળકોમાં વધ્યા હોવાનું આ પરિષદના અહેવાલમાં નોંધાયું.

    બાળમજૂરીને નાબૂદ કરવાનો પડકાર કૃષિમાં સૌથી મોટો છે, જે વૈશ્વિક સ્તરે તમામ બાળમજૂરોમાં 70% હિસ્સો ધરાવે છે; આશરે ૧૧.૨ કરોડ બાળકો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)ના “ગ્લોબલ સોલ્યુશન્સ ફોરમ-એક્ટિંગ ટુગેધર ટુ એન્ડ ચાઈલ્ડ લેબર ઇન એગ્રીકલ્ચર” નામે નવેમ્બર ૨૦૨૧માં યોજાયેલ બેઠકમાં પરિણામો હાંસલ કરવા માટે બહુપરિમાણીય અને બહુક્ષેત્રિય અભિગમોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો, અને SDG 8.7 ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે આહવાન કર્યું..

    આબોહવા પરિવર્તન અને બાળકોના સ્વાસ્થ્ય પરના અભ્યાસોની 2021ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે આબોહવા પરિવર્તન અંગેના સાહિત્યમાં આબોહવા પરિવર્તનની બાળ આરોગ્ય પર પડનારી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી અને ઘણા અભ્યાસોમાં માત્ર પેટા-વસતિ તરીકે બાળકોનો સમાવેશ થાય છે. પરિણામે, આપણને આ અંગે પ્રાપ્ત થતા જ્ઞાનમાં નોંધપાત્ર ખામી રહી જવા પામે છે. સમીક્ષા તારણ આપે છે કે “આ ખામી પૂરી કરવા માટે જુદી જુદી તમામ શાખાઓમાં સંશોધનના નવેસરથી પ્રયાસોને કરવા જરૂરી છે, જેમાં યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સંદર્ભે આબોહવા પરિવર્તન અને બાળ આરોગ્ય કેંદ્રમાં હોય.”

    કૃષિમાં આબોહવા પરિવર્તન અને બાળમજૂરી વચ્ચેના જોડાણના ઘણા પાસાઓ છે જેના પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આમાંનો એક મુદ્દો છે, જમીનની સપાટીના તાપમાનમાં થતો વધારો, ગરમીને કારણે થતો તણાવ અને જોખમી કામ વચ્ચેનો સંબંધ. નીચા અને મધ્યમ માનવ વિકાસ સૂચકાંક (HDI) દેશોમાં ખેતરો અને વાવેતર પર કામ કરતા પુખ્ત વયના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે લાંબા ગાળે બીમાર પડે છે અને ગરમીને કારણે થતી બીમારી જેમ કે લુ લાગવી કે થાક લાગવો જેવી ઘટનાઓનું પ્રમાણ વધી જાય છે. ૨૦૧૪માં પાણી અને ખાદ્ય સુરક્ષાના વિષયે ખાદ્ય આપૂર્તિ અને પોષણ અંગે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિ (HLPE; હાઇ લેવલ પેનલ ઓફ એક્સપર્ટસ) સમક્ષ IUF નામના આંતર્રાષ્ટ્રીય મજૂર સંગઠને રજુઆત કરતાં જણાવ્યું કે મધ્ય અમેરિકામાં શેરડી કામદારોને મોટા પાયે લાંબા ગાળે થતી કીડનીની બીમારીએ મહામારીનું રૂપ ધારણ કર્યું છે અને તેના મૂળમાં ગરમીને કારણે થતી તાણ અને નિર્જલીકરણ (શરીરમાંથી પાણી ઓછું થવું) છે.

    આ સંદર્ભમાં, આ જ કામ કરતા બાળકોના સ્વાસ્થ્ય પર ગરમીને કારણે થતી તાણ અને નિર્જલીકરણની અસરને વધુ સારી રીતે સમજવાની જરૂર છે. પુખ્ત વયના લોકો કરતાં બાળકો ગરમીના થાક અને ડિહાઇડ્રેશન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે એટલે કે એમને જલદી અસર થઇ જાય. FAO દ્વારા ૨૦૧૮માં પ્રકાશિત થયેલ કૃષિ કાર્યમાં ગરમી સાથે કામ પાર પાડવા (મેનેજમેંટ) અંગેનું સંશોધન એવા તારણ પર પહોંચે છે કે ૩૬°C.થી વધુ તાપમાને બાળકોને ગરમી સંબંધિત બીમારીઓનું વધુ જોખમ હોઈ શકે છે. તાજેતરમાં કૃષિમાં કામ કરતા બાળકોમાં ગરમીના તાણ અને નિર્જલીકરણના અભ્યાસો થયા છે. આનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ ૨૦૨૦માં અમેરિકાના નોર્થ કેરોલિના રાજ્યમાં દક્ષિણ અમેરિકન મૂળના ખેતમજૂર બાળકોમાં ગરમી સંબંધિત બીમારીનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

    કૃષિ કામદારો માટે તેમની રહેવાની સ્થિતિને કારણે કામ પર પહોંચે ત્યારે જ શરીરમાં પાણી ઓછું હોય તે બાબત સામાન્ય છે. બાળકો જે ઘરમાં રહે છે તે વધતા તાપમાનને કારણે ગરમ હોય છે તેથી તેઓ ખેતરોમાં કામ કરવાનું શરૂ કરે તે પહેલાં જ  તેમના શરીરમાંથી પાણી ઘટી ગયું હોય. આ બાળકો પર થતી ગરમીની આવી સંચિત અસરનો પણ વધુ અભ્યાસ કરવાની જરૂર છે.

    અતિશય ગરમી અને સૂર્યના સીધા સંપર્કને કારણે તેમજ અન્ય આત્યંતિક હવામાનની ઘટનાઓને (વરસાદ, વાવાઝોડૂં વગેરે) લીધે, કૃષિ કામદારો અને સીમાંત ખેડૂતોનો ખેતરોમાં કામ કરી શકે તે માટેનો  સમય ઉત્તરોત્તર ઓછો થઈ રહ્યો છે. ૨૦૨૧ના લેન્સેટ કાઉન્ટડાઉન રિપોર્ટે ચેતવણી આપી હતી કે ૨૦૨૦માં માનવ વિકાસ આંક ઓછો હોય તેવા દેશોમાં ભારે ગરમીને કારણે કૃષિ ક્ષેત્રમાં કામકાજના સંભવિત કલાકોમાં ૭૯%નો ઘટાડો થયો હતો. આ શોધ એ ચિંતા ઊભી કરે છે કે કામના કલાકો પર ગરમીના સંપર્કની અસર ખાદ્ય ઉત્પાદનને પણ અસર કરી શકે છે. પરિણામે પહેલાથી જ નબળા કામદારો માટે આ વિનાશક આર્થિક પરિણામો લાવી શકે છે.

    ૨૦૧૨માં કામના કલાકોની તુલનામાં, કૃષિ કામદારો અને સીમાંત ખેડૂતો હવે દિવસના સૌથી ગરમ ભાગને ટાળવા માટે સવારે વહેલા કામ શરૂ કરે છે અને સાંજે કામ પૂરૂં કરે છે. ગરમીના થાક અને ગરમીના તાણના જોખમને ઘટાડવા માટે કામના સમયમાં આવા ફેરફારોને ઘણીવાર આબોહવા અનુકૂલન વ્યૂહરચના તરીકે વર્ણવવામાં આવે છે. જો કે ઘણા નીચા અને મધ્યમ માનવ વિકાસ આંક (HDI) ધરાવતા દેશોમાં કામદારો તેમની અનુકૂલનશીલ ક્ષમતાની મર્યાદા સુધી પહોંચી ગયા હશે. એટલે કે ગરીબ અને આર્થિક-સામાજીક રીતે પછાત દેશોમાં આ કામદારોના શરીરની સહનશીલતાની હદ આવી ગઇ હશે.

    ઠંડા તાપમાનમાં મોડી સાંજે કામ કરવું એ ગરમીના તણાવના ઘટાડાના જોખમની દ્રષ્ટિએ સલામત છે, પરંતુ અન્ય જોખમો વધે છે. દિવસ કરતાં સાંજના સમયે મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા અને ડેન્ગ્યુનું વધુ પ્રમાણ જોવા મળે છે. જો બાળકો ગરમીની તાણથી બચવા માટે પરોઢિયે અને સાંજના સમયે કામ કરતા હોય, તો તેઓને માથે આ વેક્ટર-જન્ય રોગોનું જોખમ વધી જાય છે. બાળપણનો મેલેરિયા લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર જોખમો ધરાવે છે તે જોતાં, આબોહવા પરિવર્તનની આ આરોગ્ય પર અસર વધુ ધ્યાન આપવાને પાત્ર છે.

    કૃષિ કામદારોની અનુકૂલન ક્ષમતા પરના અવરોધો માત્ર ભૌતિક જ નથી. સામાજિક સુરક્ષા અને સારા વેતન મળવાની ખાતરી ન હોય ત્યારે, દહાડિયા કે દાડિયા કામદારો માટે ઉપલબ્ધ સલામત કામકાજના કલાકો દરમિયાન સુરક્ષિત રીતે કામ કરી શકે તેટલા સમયમાં પ્રતિ કલાક વધુ મહેનત કરવી પડે છે. જે કામદારો ગરમીનો થાક અથવા ગરમીનો તાણ અનુભવતા હોય તેઓને તેમના કામની ગતિ ધીમી કરવાની તબીબી સલાહની વિરુદ્ધ તેમણે તેમને અપાયેલ લક્ષ્યાંક અથવા ક્વોટા પૂરા કરવા માટે પોતાના કામની ગતિ વધારવી પડે છે, કારણ કે તેમ ન કરે તો ઉત્પાદકતામાં ઘટાડો થાય છે. કામની ગતિમાં ઘટાડો કરે અથવા વચ્ચે વચ્ચે આરામ લે તો આપેલા લક્ષ્યાંક ચૂકી જવાય અને આવકમાં ઘટાડો થાય. અમે અન્યત્ર દલીલ કરી છે તેમ,  દહાડિયા વેતન પ્રણાલી એ કૃષિમાં બાળમજૂરીના મુખ્ય પ્રેરક બળ પૈકી એક છે.

    મોસમ પરિવર્તનને કારણે જો ગરમીના તણાવ અને નિર્જલીકરણનું જોખમ વધે, તો 12-14 વર્ષની વયના બાળકો શાળાના સમય સિવાયના સમયમાં ટૂંકા ગાળા માટે કરી શકે તેવા સલામત  કૃષિ કાર્યો પણ ILOની 1999ની જોખમી કામની વ્યાખ્યામાં આવી શકે છે.

    જોખમી કાર્યને નિયંત્રિત કરવા માટેની નીતિઓ અને કાયદાકીય માળખામાં વધતા તાપમાન અને ભારે ગરમીની ઘટનાઓને સામેલ કરવા માટે તાત્કાલિક પગલાંની જરૂર છે. ILO ભલામણ ક્રમાંક 190 હેઠળ વિકસાવવામાં આવેલી કેટલીક વર્તમાન જોખમી કાર્યયાદીઓ કામની પ્રક્રિયા અને તે પ્રક્રિયાના આંતરિક જોખમો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે બાળમજૂરીના સૌથી ખરાબ સ્વરૂપો અંગેના આઇ.એલ.ઓના 1999ના ઠરાવ નંબર 182 ની કલમ 2, જણાવે છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોને જોખમી હોય તેવા કામ કરવા પર પ્રતિબંધ છે. આ કામ પોતે જ જોખમી હોય અથવા તે જે સંજોગોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતું હોય તે જોખમી હોઇ શકે. આબોહવા પરિવર્તનના સંદર્ભમાં જે સંજોગોમાં કામ કરવામાં આવતું હોય તે બાબત ફરીથી તપાસવી જરૂરી છે.

    એવી દલીલ કરી શકાય છે કે વધતું તાપમાન અને અતિશય ગરમીના સંપર્કમાં આવવાનું જોખમ હાલમાં સલામત ગણાતા કામ બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે જોખમી ગણાતા ઘણા કાર્યોને ફરીથી જોખમી કામની શ્રેણીમાં મુકી શકે છે. વધતા તાપમાન અને અતિશય ગરમીની ઘટનાઓએ બાળકોના સ્વાસ્થ્ય માટે કઈ રીતે નવા જોખમો સર્જ્યા છે તે વધુ સારી રીતે સમજવાનું, ખેતમજૂરી કરતા બાળકોમાં ગરમીના તાણના જોખમને ઘટાડવા માટે વધુ અસરકારક રસ્તા વિકસાવવા અને આ નવા સંજોગોમાં બાળકો માટે હલકું, સલામત અને બીનજોખમી કામો ક્યા છે તે નક્કી કરવાનું આપણા માટે હવે અનિવાર્ય બની ગયું છે.

    બાળમજૂરી અને આબોહવા પરિવર્તન બંને જટિલ, સંકુલ અને બહુસ્તરિય મુદ્દાઓ છે. પણ તેનો અર્થ એમ નહી કે આપણે હાથ જોડીને ચુપચાપ બેસી રહીએ.

    ડરબન પરિષદમાં ખેતીમાંથી બાળમજૂરી સદંતર નાબુદ કરવાનો મુદ્દો એક્શન પ્લાનમાં સમાવાયો છે.

    https://www.sciencedirect.com/science/article/pii/S2542519622001188


    શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

  • યોગ્ય પાત્ર, મહાપાત્ર

    નિત નવા વંટોળ

    પ્રીતિ સેનગુપ્તા

    વિખ્યાત ઉડિયા કવિ જયંત મહાપાત્રે (૧૯૨૮) પોતાને માટે કહ્યું છે, કે “હું અંગ્રેજીમાં લખતો એક ઉડિયા કવિ છું.” સ્વાભાવિક રીતે જ આપણને યાદ આવી જાય કવિ ઉમાશંકર જોશીની ઉક્તિ, કે “હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું.” સૌથી પહેલાં તો આ બંને કથનોની સરખામણી કરવા જ બેસી જવાય. પણ વાત એમ છે કે જોશીએ આવી ઓળખાણ પરદેશમાં આપી હતી જ્યારે પોતાની નાગરિકતા દર્શાવવી જરૂરી હતી.

    જયંત મહાપાત્ર પ્રાંતીયતાને રાષ્ટ્રીયતાથી આગળ કરે છે, એમ નથી, બલ્કે અંગ્રેજીમાં લેખન  કરવા છતાં પોતાની ભારતીયતા પર ભાર મૂકે છે. કવિતા-લેખન એમણે ઘણું મોડું શરૂ‌ કર્યું – લગભગ ચાલીસ વર્ષની વયે. એમનો સંપૂર્ણ અભ્યાસ અંગ્રેજીમાં થયો હતો, એ દરમ્યાન બધું જ વાંચન પણ અગ્રેજી ભાષામાં જ થતું રહેલું. સ્નાતક તો એ ફિંઝિફ્સના હતા, પણ નાનપણથી જ અંગ્રેજી સાહિત્ય એ વાંચતા રહેલા. એક તો, એમના વર્ગ-શિક્ષક અંગ્રેજ હતા,

    જેમણે અંગ્રેજી ભાષાનો પ્રેમ મહાપાત્રમાં સીંચ્યો, અને બીજું, એમના પિતા પ્રાથમિક શાળાઓના સબ-ઇન્સ્પેફ્ટર હતા, જે મહાપાત્ર માટે જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી અનેકવિધ પુસ્તકો લાવ્યા કરતા. પરિણામ એ આવ્યું કે – મહાપાત્રના જ શબ્દોમાં – “હું અંગ્રેજી શબ્દો, એમના ધ્વનિ અને એમના અર્થો સાથે ઊંડા પ્રેમમાં પડી ગયો.”

    એ અંગ્રેજીમાં લખતા થયા એનું કારણ આ અભ્યાસ, વાંચન, વાતાવરણ. આ જ ભાષામાં એ જાણીતા થયા, મોટાં ઈનામો મેળવ્યાં, એમનાં કાવ્યો દેશ તેમજ પરદેશોનાં સામયિકોમાં છપાતાં ગયાં. એમના સર્જનનું વાહન અંગ્રેજી ભાષા રહી છે, પણ એમની વિભાવના હંમેશાં ઉડિયા રહી છે. એ પોતાને પરદેશી ભાષાના ગુલામ નથી સમજતા, કારણકે એ દ્વારા એમણેસર્જ્યા છે તો સ્થાનિક ચિત્રો જ. અંગ્રેજી ભાષા વાપરવા માટે થઈને એ દોષ-ભાવ નથી અનુભવતા, કારણકે એમના અસ્તિત્વનું ખેંચાણ હંમેશાં ઓરિસ્સા પ્રતિ જ રહ્યું છે. એ જ્યાં જન્મ્યા, ઉછેર પામ્યા તે સ્થાને જ એમને પોષ્યા પણ છે; એમનાં બધાં સર્જનાત્મક સંવેદનોનો ઉદ્દભવ ઓરિસ્સામાંથી જ છે.

    મહાપાત્ર પોતે જ કહે છે, કે “ઉડિયા ભાષામાં લખવું મારે માટે બહુ સહેલું નથી. એમાં મને જાણે પૂરતા શબ્દો નથી મળતા. સર્જક તરીકે એમણે, લખવાનું શરૂ‌ કર્યું ત્યારથી જ, અંગ્રેજી ભાષામાં જ મુફતતા અનુભવી છે. માતૃભાષામાં એ નહોતા લખતા, કે નહોતા લખી શકતા, એ બાબત ગૂઢ રીતે, પ્રચ્છન્ન રીતે, ઊંડે ઊંડે એમને કોતરતી-કનડતી રહી જ હશે, નહીં તો ઘણી મોટી ઉમરે અચાનક એ ઉડિયામાં શા માટે લખવા માંડે? પોતાની સર્જક-ચેતના માતૃભાષાનું સેવન કેટલું ઝંખતી હતી એ ભાન જ્યારે એમને થયું ત્યારે એમની લેખિની પણ રોકાઈ નહીં

    : “મારું જીવન અને મારો પ્રાણ જ ઉડિયા છે.” ભલે ઉડેયામાં એમનો શબ્દ-ભંડોળ સીમિત છે, અને કલ્પનોની રજુઆત શ્રમસિદ્ધ છે, પણ એ ભાષા તેમજ એ ભૂમિ માટે એમને ઉત્કટ સ્નેહ છે. “અમારી આ ભૂમિમાં કશુંક સંપૂર્ણ આરામદાયી છે”, મહાપાત્ર જણાવે છે, “કશુંક એ કે જે મંજરીની સુગંઘમાં છે, ઉનાળાની ઊડતી ધુળમાં છે, અને ધરતીને હંફાવવા માગતાપવનમાં ને સાગરમાં છે.”

    મહાપાત્ર માને છે, કે એમનાં અંગ્રેજી તથા ઉડિયા કાવ્યો એકમેકનાં પૂરક છે. સ્વાભાવિક રીતે જ, દરેક ભાષા જુદાં જુદાં કલ્પનને સાર્થ આધાર આપી શકે છે, તેમજ સમાન જેવાં કલ્પનોને જુદી જુદી રીતે ધારણ કરે છે. મહાપાત્રનું માનવું છે, કે જે અનુભવો એ એમના અંગ્રેજી  વાચકો પાસે પહોંચાડે છે તેનાથી જુદા જ અનુભવો સાથે એમના ઉંડિયા વાચકોને એ હિસ્સેદાર બનાવે છે.

    ઓરિસ્સાની લોકકથાના અને પૌરાણિક-એતિહાસિક સંદર્ભો મહાપાત્રના ચિત્તમાં સદાયે હાજર રહે છે, અને વારંવાર એમનાં કાવ્યોમાં સ્થાન પામતા રહે છે. કોઈ પણ સ્થાનનો, મોટા ગજાનો કોઈ પણ કવિ આવાં પરિબળોથી પર નથી હોતો. ભૂતકાળના ઈતિહાસની અને સાંપ્રત લોજીવનની નાની-મોટી વિગતો પર વિશિષ્ટ રીતે પ્રકાશ ફેંકતો કવિ એ બધું ફરી વાચકગણની સામે ધરી દે છે, ને આ રીતે કવિ પોતાના લોકો સાથે એકસૂત્રતા બાંધે છે. મહાપાત્ર પોતે કર્મકાંડ કે બાહ્યાડંબરમાં માનતા નથી, પરંતુ પુરાણ-કલ્પનો અને કથાનકોમાં માનવાથીસર્જક્તાને નવા પથ મળતા રહે છે, એમ એમનું મંતવ્ય છે.

    “સંબંધ” નામની એમની એક લાંબી અંગ્રેજી કવિતા પુસ્તકર્‌પે ન્યુયોર્કમાંથી છપાયેલી. ઓરિસ્સાના કોઈ જર્જીરેત મંદિરને સ્પર્શતી વાતોને પ્રતિકાત્મક અર્થમાં એમણે રજૂ કરી હતી. માનવ-જીવનમાંનાં કણ અને પીડાનું એમાં નિરૂપણ હતું. ઓરિસ્સાના વિજય અને સંહારથી ભરેલા ઈતિહાસનો ટેકો લઈને એમણે એ દીર્ઘ-કાવ્ય સર્જ્યું હતું. એમણે પોતે કહ્યું છે તેમ, “એ કાવ્ય એકથી વધારે રીતે, મારી પોતાની ભૂમિ સાથેના તથા મારી જાતના ઊંડામાં ઊંડા અંશ સાથેના મારા પ્રેમાલાપ જેવું હતું.” અન્યત્ર એમણે કહ્યું છે, કે અત્યંત સંવેદના અને આવેશ સાથે જે અન્યોની પીડા અને યાતનાની વાતો કરી શકે છે તેવા મહાન કવિઓને માટે એમને ઘણું માન છે. યુરોપી કવિઓ – શેંલી, કીટ્સ, શેફ્સપિયર – તથા લેટિન અમેરિકનકવિઓ – નેરુદા, માર્કેઝ, બોર્હેસ- વગેરેનો ઉલ્લેખ કરીને મહાપાત્ર કેફિયત આપે છે, કે “એમના શબ્દો મારા માનસ પર ઊંડી અસર કરતા રહે છે.”

    મહાપાત્રનું હુદય ઋજુ સંવેદનોથી સભર છે, તો વિજ્ઞાનના અભ્યાસે એમનામાં શિસ્ત અને વહેવારૂતા પણ કેળવ્યાં છે. આથી કરીને, એ લોકમાન્યતાઓ વિષે લખે છે ખરા, પણ એના લાગણીવેડાથી દૂર રહી શકે છે. ફિઝિક્સમાં અણુ-પરમાણ વિષે ભણવાને કારણે, લાકડા કે લોખંડ જેવી નિર્જીવ વસ્તુમાં ઘુમરાતા અણુ-અંશોનો એમને ખ્યાલ છે, તથા સ્થાયી અને સ્થિર દેખાતા જગતમાં ચાલતા રહેત હલનચલનની કલ્પના પણ એ કરી શકે છે. કળા અને વિગ્નાનનો આ સમન્વય મહાપાત્રની સર્જકતાને વ્યાપકતા અને ઊંડાણ બંને અર્પે છે. કાવ્યનું સર્જન એમને માટે સ્વયં-શોધની પ્રક્રિયા છે, તેમજ એ રીતે અન્ય જન સાથે સંધાન કરવા એ પ્રયત્ન પણ કરતા રહે છે.

    ઓરિસ્સાના લોક-જીવનમાં મંદિર અગ્રસ્થાને છે. એનેકાનેક દેવાલયોથી ખચિત એ ભૂમિ પર વસતા દરેક જણના જીવનના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળ અતૂટ રીતે એ મંદિરોનાં સ્થાપત્ય, ઈતિહાસ, નૃત્ય, શિલ્પ, સંગીત, ભત વગેરે સંદર્ભો સાથે સંકળાયેલા છે. આ કારણે અનિવાર્યપણે સર્વ સર્જકો એ સંદર્ભોને શબ્દોમાં વણ્યા વગર રહી નથી શકતા. જયંત મહાપાત્રનાં કાવ્યોમાં મંદિર વારંવાર આવતું કલ્પન છે, અને જુદી જુદી રીતે નિરૂપણ પામે છે : ક્યારેક પ્રતીકાત્મક રીતે, ક્યારેક સમકાલીન સામાજિક પ્રશ્રોની પશ્ચાદ્ભૂની રીતે, તો ક્યારેક કાવ્યમય વર્ણનમાં. દા.ત. “શિશિરનો મધ્યાહ્ન, કોણાર્કની અંતિમ પંક્તિઓ છે –

    અહીં ઉષ્માભરી શિયાળુ બપોરનો મૂદુ પ્રકાશ એક જ છે
    જે નગ્ન, ભગ્ન પાષાણ દેહો પર
    ફરી વળે છે
    નિ:શબ્દ પગલે
    જાણે ભવ્ય પથ્થરોની વચ્ચે
    કોઈ અણજાણ આકૃતિ
    જાગી ઊઠી છે એના પ્રાચીન મૃત્યુમાંથી.

    વરસાદનો ઉલ્લેખ પણ મહાપાત્રનાં ઘણાં કાવ્યોમાં આવતો રહે છે. ઓરિસ્સાની ઋતુઓ, એની હવા તથા ભૂમિ સાથે એમનું મન એવી રીતે જડાયેલું છે કે એ જ વિષયોમાં એ રમમાણ રહે છે. “બીજા કશાની હું શું વાત કરું?”, એ પ્રશ્ન કરે છે. આગળ વળી કહે છે, કે “ઓરિસ્સા સિવાય બીજા કશાને માટે હું કશું લખી પણ ના શકું.” જન્મની ભૂમિ સાથેની આવી અવિભાજ્ય ચેતનાની વાત બીજા કોઈ કવિએ ભાગ્યે જ પ્રદર્શિત કરી હશે. ઓરિસ્સા માટેનો પ્રેમ તેમજ ઝુરાપો એમના હુદયમાં સાથોસાથ રહે છે. એ ભૂમિ તથા વાતાવરણનાં બધાં તત્ત્વોને હૃદયસરસાં, કાવ્યસરસાં કરીને એ નવાજતા રહ્યા છે. સ્થાન અને સર્જકનું આદાનપ્રદાન ચાલતું રહે છે – પરસ્પર માટે, પરસ્પર સાથે, અને એ રીતે કવિ શોધતા રહે છે,

    “મારી અંદરના પેલા બીજા જણને, કે જે હજી મને મળ્યો નથી.”


    સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે

  • ટોળું, ટોળાશાહી, અને ટોળાની માનસિકતા સત્તાધીશોને લાભદાયી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અત્યંત સાંકડું સ્થળ. ક્ષમતા કરતાં અનેકગણા વધુ લોકોનો ધસારો. પરિણામે ધક્કામુક્કી અને ગૂંગળામણથી દોઢસો કરતાં વધુ લોકો મરણને શરણ. તાજેતરમાં મોરબીનો ઝૂલતો પુલ લોકોના અતિશય ધસારાને કારણે તૂટી પડ્યો એ દુર્ઘટનાની આ વાત નથી. ગુજરાત રાજ્યની કે આપણા દેશની સુદ્ધાં નહીં. દક્ષિણ કોરીઆના સીઓલના ઈટેવાન વિસ્તારમાં ૨૯ ઑક્ટોબરની રાતે બનેલી દુર્ઘટનાની વાત છે.

    દક્ષિણ કોરીઆના સીઓલના ઈટેવાન વિસ્તારમાં ૨૯ ઑક્ટોબરની રાતે બનેલી દુર્ઘટના
    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    મૃતકો પૈકીના મોટા ભાગના તેમની ઉંમરની વીસીમાં હતા. થયું હતું શું? હેલોવીનની ઉજવણી નિમિત્તે આ સાંકડા સ્થળે એકાદ લાખ લોકો લગભગ એક જ સમયે એકઠા થયા. કોવિડનાં આકરાં નિયંત્રણો પછીની આ ઉજવણીમાં લોકો જાણે કે કોઈ પણ ભોગે ઘરની બહાર નીકળવા માંગતા હતા. આ વિસ્તાર તેના રાત્રિજીવન માટે જાણીતો છે. અહીં બીઅર પીરસતાં હારબંધ પીઠાં અને સંખ્યાબંધ ક્લબો છે. શનિવારની રાતના દસ પછી ઈટેવાન સ્ટેશન પાસેના ઢોળાવવાળા રસ્તે વિવિધ દિશાઓમાંથી ટોળેટોળાં ઉમટવા લાગ્યાં. ઢોળાવ પર કેટલાક લોકોના પગ લપસ્યા, અને એ પછી જે કંઈ બનવા લાગ્યું એનો ઘટનાક્રમ જાણવો મુશ્કેલ છે. લોકો પડવા લાગ્યા, એકબીજા સાથે અથડાયા, એકની ઉપર બીજા અનેક પડ્યા, ભાગદોડ મચી. જે મર્યા એ બધા કંઈ કચડાઈ મરવાને કારણે નહીં, પણ અમુક ગૂંગળામણથી કે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા.

    આ દુર્ઘટના ખરેખર તો માનવસર્જિત કહી શકાય, પણ દુર્ઘટના ચાહે માનવસર્જિત હોય કે અન્ય કોઈ કારણને લઈને હોય, જેમણે જાન ગુમાવ્યા એ કદી પાછા આવી શકવાના નથી. આ સંજોગોમાં થઈ શકે તો કેવળ એટલું જ થઈ શકે કે સત્તાતંત્ર એ શી રીતે થઈ એનાં કારણોની તપાસ કરે, અને ભવિષ્યમાં એના નિવારણ માટે જે કંઈ પગલાં લેવાનાં હોય એ લે. અલબત્ત, આ આદર્શ વાત છે. વાસ્તવમાં આવું બને છે ખરું?

    ધક્કામુક્કી અને કચડાઈને મૃત્યુ પામવાની દુર્ઘટનાઓ થકી થતાં મૃત્યુની આપણે ત્યાં કશી નવાઈ નથી. કેમ કે, આપણાં મોટા ભાગના પર્વોની ઉજવણી સમૂહમાં જ થતી જોવા મળે છે. ચાહે એ કોઈ પણ ધર્મની ઉજવણી કેમ ન હોય! કુંભમેળામાં નાસભાગ થઈને કચડાઈ મરવાની કે કેટલાંક મંદિરોમાં કોઈ ચોક્કસ દિવસે ધસારો કાબૂબહાર જવાને કારણે અનેક લોકો મરણને શરણ થતા આવ્યા છે. અનેક સરકારોના શાસનમાં આ બનતું આવ્યું છે. પણ એ પછી?

    તત્કાળ તો સરકાર દ્વારા મૃતકોના પરિવારને અમુકતમુક રકમ આપવાની ઘોષણા કરી દેવામાં આવે છે, એ પછી મોટે ભાગે ઉચ્ચ કક્ષાની સમિતિ નીમવામાં આવે છે, અને પ્રસારમાધ્યમોમાં બે-ત્રણ દિવસ સુધી તેના વિગતવાર અહેવાલ પ્રકાશિત થતા રહે છે. એ પછી નીમાયેલી સમિતિ ક્યારે અહેવાલ આપે છે, શો અહેવાલ આપે છે, અને એ અહેવાલનું શું કરવામાં આવે છે એ સંશોધનનો વિષય બની શકે એમ છે. આપણી કમનસીબી એ છે કે આ મામલે એક પણ સરકારનું વલણ જુદું નથી.

    ઈન્ગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ ગ્રીનવીચના પ્રો. એડવીન ગેલી ‘ટોળાની વર્તણૂક’ના નિષ્ણાત છે. તેમના જણાવ્યા મુજબ, વધુ પડતી ભીડ, નિરંકુશ ટોળું અને મોટા રસ્તાઓ નાના માર્ગ તરફ દોરી જતા હોય ત્યારે દુર્ઘટના ન બને તો જ નવાઈ! ઈટેવાનમાં આમ જ બનેલું. પ્રતિ ચોરસ મીટરે ચાર કરતાં વધુ લોકો હોય, અને એમાંય એ વધીને છ થાય તો અકસ્માત નિશ્ચિત માનવો એમ તેમનું કહેવું છે. અનેક લોકો સાંકડા વિસ્તારની અંદર કે તેમાંથી અંદર કે બહાર આવવાનો પ્રયાસ કરતી વેળા ધક્કે ચડે ત્યારે આવી દુર્ઘટના બનવાની સંભાવના રહે છે. લોકોએ હદે એકમેક સાથે ચેપાઈ જાય છે કે તેઓ પોતાનાં ફેફસાં થકી શ્વાસ લઈ શકતા નથી, અને રુંધામણ અનુભવે છે. ટોળામાં સામાન્ય રીતે એવા લોકોનું મૃત્યુ થાય છે જેઓ દિવાલ સાથે ભીંસાય છે. ટોળું ગમે એટલી શાંતિથી વર્તે, એ હકીકત છે કે સાંકડા માર્ગે તે એક હદ કરતાં વધુ દરે નીકળી શકતું નથી.

    સામાન્ય સંજોગોમાં એક નાગરિક તરીકે વર્તતી વ્યક્તિ ટોળામાં હોય ત્યારે એનો જ એક હિસ્સો બની રહે છે. ઈન્ગ્લેન્ડની યુનિવર્સિટી ઑફ સસેક્સના ક્રાઉડ મેનેજમેન્‍ટની સામાનિક માનસિકતાના તજજ્ઞ જહોન ડ્રુરીના જણાવ્યા અનુસાર લોકો જ્યારે ટોળામાં પ્રવેશે ત્યારે તેની જોખમકારક ગીચતાને જોઈ શકતા નથી. તેઓ ફાંફા મારે છે, ધક્કામુકી વેઠી લે છે, અને આખી વાતનો આનંદ માણે છે.

    મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં આ બાબત લાગુ પાડી શકાય એમ છે, સાથોસાથ આ ટોળું એક ઝૂલતા પુલ પર હતું એ હકીકત અત્યંત મહત્ત્વની બની રહે છે. એટલે કે પુલની વહનશક્તિ કરતાં અનેકગણા લોકોને તેની પર જવા દેવામાં આવે ત્યારે આવી દુર્ઘટનાને આમંત્રણ આપવા બરાબર છે.

    વર્તમાન સમયની તાસીર અનુસાર સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર લોકોએ પુલની દુર્ઘટના બાબતે વિવિધ પરિબળો પર પોતાનો રોષ ઠાલવ્યો છે. બદલાયેલા સમયનું એક નવું પાસું છેલ્લા ઘણા સમયથી એ જોવા મળી રહ્યું છે કે હવે ઘણા નાગરિકો જાણે કે સરકારના અનધિકૃત પ્રવકતાઓ બનીને મેદાનમાં આવી જાય છે. આ ‘પ્રવક્તાઓ’માં સામાન્ય માણસોથી લઈને લેખકો તેમજ અન્ય ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. દુર્ઘટના બદલ લોકોને દોષી ઠેરવવાની રમત પણ બેશરમીપૂર્વક ચાલી રહી છે. આવા સમયમાં નાગરિકધર્મ યાદ ક્યાંથી આવે?

    દુર્ઘટનાઓમાંથી કશો ધડો ન લેવાનું સરકારોનું વલણ વરસો વીતવા છતાં ભલે એમનું એમ રહ્યું હોય, નાગરિક તરીકે આપણે ટોળાશાહી માનસિકતાનો ભોગ બનવામાંથી બચવાનું શીખવા જેવું છે. કેમ કે, એનાથી આપણને નુકસાન છે એથી વધુ લાભ સરકારને થાય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૧૧ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • (૧૧૩) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૫૯ (આંશિક ભાગ –૩)

    હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ

    (શેર ૬ થી ૮)

    મિર્ઝા ગ઼ાલિબ
    વલીભાઈ મુસા
    (સંકલનકાર અને રસદર્શનકાર)

    હૈ જુનૂઁ અહલ-એ-જુનૂઁ કે લિએ આગ઼ોશ-એ-વિદા
    ચાક હોતા હૈ ગરેબાઁ સે જુદા મેરે બાદ (૬)

    [જુનૂઁ= ઉન્માદ, ગાંડપણ, ઘેલછા; અહલ-એ-જુનૂઁ= ઉન્માદી લોકોનો સમૂહ; આગ઼ોશ-એ-વિદા’અ= વિદાય વખતે ભેટવું, આલિંગન આપવું; ચાક હોના= ફાડવું, ચીરવું; ગરેબાઁ= (પહેરણનું) કોલર]

    આ શેરનો પહેલો મિસરો તેના અર્થઘટન માટે થોડોક સંકુલ હોવા છતાં પુખ્ત વિચારણાના અંતે તે સ્પષ્ટ થઈ શકે તેમ છે. અહીં ‘જુનૂઁ’નો અર્થ ‘ઘેલછા’ લેવો પડશે કે જે ઉન્માદ કે ગાંડપણની સરખામણીએ હળવો છે. ઉન્માદ કે ગાંડપણમાં માનસિક હાલત બેકાબૂ હોય છે, જ્યારે ઘેલછામાં અતિ ઉત્સાહ કે અતિ નિરાશા હોવા છતાં માણસ થોડોક સભાન હોય છે. આમ આ ઉલા મિસરાનો સરળ અર્થ તો આમ થાય છે કે  ઘેલછાયુક્ત સમૂહના લોકો માટે ઘેલછા એવી હોય છે, જેવી કે કોઈ વ્યક્તિઓ એકબીજીથી છૂટી પડતી વખતે જે રીતે એકબીજીને આલિંગન આપે. વળી આ આલિંગન પછી તરત જ જાણે કે છેડો જ ફાડી નાખવામાં આવતો હોય તે રીતે એકબીજીથી એકદમ અળગી થઈ જાય.

    હવે આપણે બીજા મિસરા સાથે પ્રથમ મિસરાને સાંકળીએ તો માશૂકનું કથન આમ બનશે કે જે ઝનૂન કે જુસ્સા સાથે વ્યક્તિઓ આલિંગન આપીને જે રીતે છૂટી પડી જાય, બસ તે જ રીતે મારા મૃત્યુપછી મારા પહેરણના કોલરને પણ ચીરી નાખવામાં આવશે. અહીં ફલિત થતા બહુ જ સૂક્ષ્મ અર્થને આપણે તારવવો પડશે એવી મૈયતની કફન તૈયાર કરવાની રીત સાથે કે જ્યાં બેવડ વાળેલા સળંગ કપડામાં ચીરો મૂકીને મૈયતનું માથું દાખલ કરવામાં આવતું હોય છે. એક મુહાવરામાં જેમ કહેવાય છે કે કફનમાં ખિસ્સું નથી હોતું, તેમ અહીં કહેવાયું છે કે મૈયતના કફનમાં પહેરણને કોલર નથી હોતું. જીવંત વ્યક્તિના પહેરણનો કોલર શોભા માટે હોય છે, જ્યારે મૃત વ્યક્તિ માટે એ અર્થહીન હોઈ કફનમાં માત્ર ચીરો મૂકવામાં આવતો હોય છે. આમ પ્રથમ મિસરામાંની ઉદાહરણ રૂપ મુકાયેલી વાતને બીજા મિસરામાં એ રીતે લાગુ પાડી શકાય કે માશૂકના અવસાન પછી તેનાં આપ્તજનો સભાન ઘેલછામાં કફનમાં ચીરો મૂકી દે છે.

    વિશેષ જાણકારી કે પહેરણના કોલર સાથે બે સંવેગોમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ થતી હોય છે. એક એ કે જ્યારે માણસ મગરૂરી પ્રદર્શિત કરવા માગે, ત્યારે તે કોલરને ખેંચીને ઠીક કરતો હોય છે; અને બીજું કે જ્યારે તે હતાશા કે માનસિક તનાવ અનુભવે અથવા તો ક્રોધાવેશમાં આવી જાય ત્યારે તે કોલરને ફાડી નાખતો હોય છે.

    * * *

    કૌન હોતા હૈ હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼
    હૈ મુકર્રર લબ-એ-સાક઼ી પે સલા મેરે બા
    દ (૭)

    [મય= શરાબ; અફ઼ગન= ફેંકનાર, પછાડનાર;  હરીફ઼-એ-મય-એ-મર્દ-અફ઼ગન-એ-ઇશ્ક઼= ઇશ્કના શરાબમાં  મસ્ત થઈ ગયેલા માશૂકનો એવો બહાદુર પ્રતિસ્પર્ધી કે જે તેને મહાત કરી શકે – પછાડી શકે; મુકર્રર= નિશ્ચિત; લબ-એ-સાક઼ી= સાકી (કલાલ)ના ઓષ્ટ;  સલા= આમંત્રણ]

    આ શેરમાંની ગ઼ાલિબની અજીબોગરીબ કલ્પના આપણને આફરીન-આફરીન પોકારવાની ફરજ પાડી શકે તેમ છે. પ્રથમ મિસરામાં ઉદારણ તરીકે તો એવા શરાબીઓની વાત કહેવામાં આવે છે કે જેઓ એકબીજાના સ્પર્ધક બનીને વધુ અને વધુ શરાબના પેગ ગટગટાવી શકે. પરંતુ અહીં માશૂકના ઇશ્કના શરાબને સમજવાનો છે કે જે પેલા ખરેખરા શરાબની જેમ ભાન ભૂલાવી દેતો હોય છે. હવે માશૂક જાણે કે પડકાર ફેંકતો હોય તેમ અન્યોને કહે છે કે તેના જેવો ઇશ્કના નશામાં ચકચૂર થઈ શકે તેવો કોઈ બહાદુર છે ખરો! આમ અહીં આ મિસરામાંથી એ અર્થ ફલિત થાય છે કે માશૂકના માશૂકા પરત્વેના ઇશ્કના નશાનો  મુકાબલો કરી શકે એવો કોઈ હરીફ હોઈ શકે જ નહિ.

    હવે બીજા મિસરામાંની શાયરની ભવ્ય કલ્પના સમજવા જેવી છે. માશૂક અહીં કહે છે કે મારા મૃત્યુ પછી  શરાબપાન કરાવનારના ઓષ્ટ ઉપર હજુ પણ વધારે શરાબપાન કરવા માટેનો આગ્રહ કે આમંત્રણ નિશ્ચિત રહે તેમ મારા ઇશ્કના નશાની માત્રા પણ એટલી હદ સુધીની રહેશે કે જે તેમના અવસાન પછી પણ અતૃપ્ત જ રહેશે. આમ ફરી પાછા પ્રથમ ઉલા મિસરાને અહીં સાંકળીએ તો માશૂકના ઇશ્કને હંફાવી શકે તેવો કોઈ હરીફ પાક્યો નથી અને પાકશે પણ નહિ.

    * * *

    ગ઼મ સે મરતા હૂઁ કિ ઇતના નહીં દુનિયા મેં કોઈ
    કિ કરે તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા મેરે બા
    દ (૮)

    [તાજ઼િયત= મરણ પ્રસંગે આપવામા આવતો દિલાસો; મેહર= કૃપા, મહેરબાની;  તાજ઼િયત-એ-મેહર-ઓ-વફ઼ા= વફાદારી અને મહેરબાની સૂચક મૃત્યુ પછી અપાતો દિલાસો]

    આ શેરનો પ્રથમ મિસરો સમજવામાં સરળ છે, પણ તેમાં માશૂકનો ભારોભાર આક્રોશ છે. માશૂક પોતાના ગમની દયનીય સ્થિતિ વર્ણવતાં કહે છે તેમના જેવો પ્રાણઘાતક ગમ દુનિયાના કોઈ ઈસમને નહિ હોય. અહીં માશૂકનો ગમ બીજો તો કયો હોઈ શકે સિવાય કે માશૂકાના ઇશ્કને પ્રાપ્ત કરવાની તેમની નિષ્ફળતા. ‘ઇતના’ શબ્દ માશૂકના ગમની માત્રા દર્શાવે છે કે જે અસહ્ય છે અને તેથી જ તો તે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છે. આ મિસરામાં ઇંગિત ભાવ એ સમાયેલો છે કે લોકોએ માશૂકની હયાતી દરમિયાન તો તેમના ગમની અવગણના કરી છે, પણ તેમના મૃત્યુ પછી તેઓ કેવો કૃત્રિમ શિષ્ટાચાર નિભાવી રહ્યા છે; જેનો ઉલ્લેખ આપણને બીજા મિસરામાં મળે છે.

    બીજા મિસરામાં માશૂકની ફરિયાદનો એવો સૂર નીકળે છે કે તેમના મૃત્યુ પછી ઝિયારત કે બેસણામાં દિલાસો આપવા માટે લોકો  તેમના પરત્વેની વફાદારી દર્શાવવાની જાણે કે મહેરબાની કરતા હોય તેમ ઊમટી પડશે. હવે આ તાજિયત કે સહાનુભૂતિ મરનાર માટે તો અર્થહીન છે કેમ કે તે તો માશૂકનાં આપ્તજનોને અપાય છે. માશૂકની હયાતી દરમિયાનની ગમગીન હાલતને તો એ તાજિયત આપનારાઓએ નજર અંદાઝ કરી દીધી હતી અને હવે તો તેઓ માત્ર લોકાચાર નિભાવી રહ્યા છે. આમ આ શેરના ‘મેરે બા’દ’ રદીફને આ શેરમાં સુપેરે નિભાવવામાં આવ્યો છે.

    (ક્રમશ: ભાગ-૪)

    * * *

    ઋણસ્વીકાર:

    (૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…

    (૨) http://www.youtube.com વેબસાઇટનો…

    (૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter

    (૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા

    (૫) Courtesy : https://rekhta.org

    (૬) Courtesy –  urduwallahs.wordpress.com

    (૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in

    (૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ

    * * *

    શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

    ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577

    નેટજગતનું સરનામુઃ

    William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) ||  વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે    

     

  • ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : શિયાળુ અજવાસ | Winter Light – 1963

    ભગવાન થાવરાણી

    લેખમાળાના આ છઠ્ઠા હપ્તામાં ઈંગમાર બર્ગમેનની જે ફિલ્મ WINTER LIGHT વિષે ચર્ચા કરવાના છીએ એ એક ફિલ્મ – ત્રયી (અર્થાત એક જ વિષય પર બનેલી એક જ સર્જકની ત્રણ ફિલ્મો) ની બીજા નંબરની ફિલ્મ છે. આ ત્રણ ફિલ્મો એટલે ૧. THROUGH A GLASS DARKLY (1961); . WINTER LIGHT (1963) અને SILENCE ( 1963 ). આ ત્રણેય ફિલ્મોનો કેંદ્રિય વિષય ઈશ્વરનું અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એનું મૌન હતું.

    ફિલ્મ વિષે વાત કરીએ એ પહેલાં આવી કેટલીક ફિલ્મ – ત્રયીઓ વિષે માહિતી. આવી ફિલ્મોનો એક પ્રકાર એટલે આયોજનપૂર્વક બનાવવામાં આવતી Sequels. ભારતમાં આવી ફિલ્મોનો તોટો નથી. ધૂમ – ૧- ૨- ૩, ક્રિશ – ૧-૨-૩, રેસ – ૧-૨-૩, બાગી ૧-૨-૩, ગોલમાલ ૧-૨-૩ વગેરે આવી ફિલ્મોના લોકપ્રિય પ્રકાર. ઉત્કૃષ્ટ ફિલ્મોના ઉદાહરણોમાં સત્યજીત રાયની પથેર પાંચાલી – અપરાજિતો – અપૂર સંસાર સર્વવિદિત છે જ, એમની કલકત્તા – ત્રયી પ્રતિદ્વંદી – સીમાબદ્ધ – જન અરણ્ય પણ જગવિખ્યાત છે જે ‘૭૦ ના દશકની કલકત્તા – બંગાળની અરાજકતા, નક્સલવાદ અને બેકારીની વાત કરે છે. આ જ વિષય પરની મૃણાલ સેનની ફિલ્મ ત્રિપુટી ઈંટરવ્યુ (૧૯૭૧), કલકત્તા ૭૧ (૧૯૭૨) અને પદાતિક (૧૯૭૩) પણ ઉત્તમ ફિલ્મોની કક્ષામાં આવે. આવા જ ગજાના અન્ય બંગાળી ફિલ્મ સર્જક ઋત્વિક ઘટકની દેશ – વિભાજનની સામાજિક અસરો પર આધારિત ફિલ્મ – ત્રયી મેઘે ઢાકા તારા (૧૯૬૦), કોમલ ગાંધાર (૧૯૬૧) અને સુબર્નરેખા (૧૯૬૨) પણ શ્રેષ્ઠ કક્ષાની.

    આંતરરાષ્ટ્રીય ફલકની વાત કરીએ તો સર્જક ફ્રાંસીસ ફોર્ડ કોપોલાની GODFATHER  ૧ – ૨ -૩ પહેલી યાદ આવે. જ્યોર્જ લુકાસની STAR WARS, ક્રિસ્ટોફર નોલાનની DARK KNIGHT, પીટર જેક્સનની LORD OF THE RINGS પણ જગપ્રસિદ્ધ છે. મારી અંગત પસંદગી પર આવું તો મહાન ગ્રીક ફિલ્મ સર્જક થિયો એંજેલોપૌલોસની સરહદો વિષયક ફિલ્મ – ત્રિપુટી ETERNITY AND A DAY, SUSPENDED STEP OF THE STORK અને ULYSIS GAZE , મહાન જાપાનીઝ સર્જક યાસુજીરો ઓઝુની નોરીકો નામના સ્ત્રી પાત્રની કથા કહેતી LATE SPRING (૧૯૪૯) , EARLY SUMMER (૧૯૫૧) અને TOKYO STORY (૧૯૫૩)વિદ્રોહી ફ્રેંચ સર્જક લુઈ બ્યુન્યુએલની ધર્મ – વર્ગભેદ – નૈતિકતાનો ઉપહાસ કરતી  THE DISCREET CHARM OF BOURGEOISIE (1972), THE PHANTOM OF LIBERTY (૧૯૭૪) અને THAT OBSCURE OBJECT OF DESIRE (1977) અને ઈટાલિયન સર્જક માઈકલેંજેલો એંતોનિયોનીની નૈતિક ક્ષય વિષયક ફિલ્મ ત્રિપુટી THE ADVENTURE (1960), THE NIGHT (1961) અને THE ECLIPSE (1962) , જર્મન સર્જક વર્નર રેઈનર ફેસબીંડરની દ્વિતીય વિશ્વ યુદ્ધેતર જર્મન સ્ત્રીઓની કથા કહેતી ફિલ્મ-ત્રયી THE MARRIAGE OF MARIA BRAUN (1979), LOLA (1981 ) અને  VERONICA VOSS ( 1982 ) અને છેલ્લે, ભારત જેવા જ પરિવેશમાં કડક સેંસર નિયંત્રણો છતાં અદ્ભુત ફિલ્મો બનાવનારા મહાન સર્જક અબ્બાસ કિયારોસ્તામીની જીવનના સરળ રહસ્યો નિરુપતી ફિલ્મો AND LIFE GOES ON (1982), THROUGH THE OLIVE TREES (1994) અને TASTE OF CHERRY (1997) નો સમાવેશ કરી શકાય .

    આજની ફિલ્મની વાત. WINTER LIGHT (1963)[1] ઈંગમાર બર્ગમેનની ૪૬ ફિલ્મોમાંની ૨૪ મી અર્થાત ફિલ્મ સર્જનના મધ્યાહ્નકાળની ફિલ્મ. એના બરાબર પહેલાંની THROUGH A GLASS DARKLY અને એ પછીની THE SILENCE સહિત આ ત્રણે ફિલ્મો ઈશ્વરના અસ્તિત્વ અને કટોકટીની ક્ષણોમાં એના મૌન પર કેંદ્રિત છે. ફિલ્મ માત્ર ૮૧ મિનિટની છે. (આ ફિલ્મની સમાંતરે બર્ગમેનના મિત્ર VILGOT SJOMAN દ્વારા આ ફિલ્મના સર્જનની કથા કહેતી ફિલ્મ  ‘ INGMAR BERGMAN MAKES A MOVIE – MAKING OF WINTER LIGHT ૧૫૦ મિનિટ લાંબી છે !)

    ફિલ્મ વાત કરે છે સ્વીડનના એક પાંખી વસતી ધરાવતા અને શીત – વિકટ વાતાવરણ ધરાવતા નાનકડા ગામના વિધુર પાદરી ટોમાસ એરિકસન (અભિનેતા GUNNAR BJORNSTRAND) અને એના ધર્મ અને ઈશ્વરમાં ડગી ગયેલા વિશ્વાસની. ઉપર ઉલ્લેખેલી ત્રણમાંની પહેલી ફિલ્મ THROUGH A GLASS DARKLY નો અંત, ઈશ્વરના અસ્તિત્વના સવાલોની વાત કરતાં એક અલ્પવિરામે અટકે છે કે પ્રેમ એ જ ઈશ્વર છે. એ કશ્મકશને બર્ગમેન અહીં આગળ લઈ જાય છે. કરુણતા એ કે પોતાના ઈશ્વરના અસ્તિત્વમાં ડગી ગયેલા વિશ્વાસની અકળામણમાં આજની ફિલ્મનો કથાનાયક, ‘ પ્રેમ એ જ ઈશ્વર છે ‘ વાળા તારણનો ધરમૂળથી ઉચ્છેદ કરી દે છે ! ફિલ્મના અંત લગી પહોંચતાં એવું લાગે કે નાયક ટોમાસની ભીરુ અને કંઈક અંશે સ્વાર્થી મથામણ કરતાં તો એને એકપક્ષીય રીતે અને દિલોજાનથી ચાહતી અને બે વર્ષ લગી એની ઉપપત્ની તરીકે રહી ચૂકેલી શિક્ષિકા માર્ટા લુંડબર્ગ (INGRID THULIN) અને એના જ ચર્ચનો અદનો કર્મચારી અલ્ગોટ (ALAN ENDWELL) ક્યાંય વધુ સ્પષ્ટ અને ઈમાનદાર છે. સર્જક બર્ગમેન પણ ફિલ્મના વિષયને પોતાના આગવા સંસ્પર્શથી ઈશ્વરના મૌન કરતાં નાયકના ભાગેડુ મૌન સાથે સાંકળે છે.

    ફિલ્મનું શીર્ષક પ્રતીકાત્મક છે. ભૌતિક અર્થમાં WINTER LIGHT એટલે એવો શિયાળુ ઝાંખો પ્રકાશ (વિશેષ કરીને સ્વીડન જેવા સ્કેંડીનેવિયન દેશો જે ધ્રુવ પ્રદેશની નિકટ છે) જે દિવસને ઝાંખો – પાંખો અજવાળી રાખે . એ રીતે એ માનવીય જીવનથી દૂર થઈ ગયેલા લોકો પર પડતા પ્રેમરૂપી આછા અજવાસનું પ્રતીક છે. સ્વીડીશ ભાષાના ફિલ્મના શીર્ષકનો અર્થ COMMUNICANTS અર્થાત સંપ્રેષકો થાય. ફિલ્મના અનેક દ્રષ્યોમાં પાત્રોની કરુણતા એ છે કે તેઓ એકબીજા લગી પહોંચવામાં – communicate કરવામાં નિષ્ફળ જાય છે. (આપણા સૌના જીવનની મુખ્ય સમસ્યા પણ એ જ છે !)

    બર્ગમેન અને એમના કુશળ કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ફિલ્મનું ધુંધળું, ગંભીર અને ઉદાસ વાતાવરણ રચાવાની શરુઆત ફિલ્મના પ્રારંભિક દ્રષ્યથી જ થાય છે જ્યારે કેમેરા ચર્ચમાં સવારની સર્વિસ માટે એકઠા થયેલા ગણ્યા-ગાંઠ્યા ભક્તોના તનાવગ્રસ્ત અને કશુંક ઝંખતા શૂન્યમનસ્ક ચહેરાઓ પર મંડાય છે. અહીં પાદરી ટોમાસ ઉપરાંત ઉપસ્થિત છે માછીમાર દંપતિ યોનાસ અને એની સગર્ભા પત્ની કારીન પર્સન ( MAX VON SYDOW, GUNNEL LINDBLOM ), માર્ટા , એક વિધવા સ્ત્રી, અન્ય બે’ક જણ અને ચર્ચના જ કર્મચારીઓ ઓર્ગન-વાદક ફ્રેડરીક અને અલ્ગોટ ફ્રોવીક.

    સર્વિસ પૂરી થયા બાદ એ બધા પાદરી ટોમાસ આગળ પ્રસાદ લેવા એ રીતે ઝૂકે છે જાણે ખરા અર્થમાં યાચકો હોય ! અને છે પણ ખરા કારણકે દરેકની કંઈકને કંઈક સમસ્યા છે જેનો ઉકેલ એ બધા ટોમાસ પાસે ઝંખે છે. કોઈક આશ્વાસન ઝંખે છે, કોઈક પ્રોત્સાહન તો કોઈક પ્રેમ ! એ ખુદ પોતાની શારીરિક (ફ્લૂ) અને માનસિક (ઈશ્વરનું અસ્તિત્વ અને મૌન) સમસ્યાઓથી પરેશાન છે.

    એક માર્ટા જ એવી છે જે આ બધી વિધિઓમાં પૂર્ણત: નાસ્તિક હોવા છતાં ઉપસ્થિત છે, ટોમાસ તરફના અસીમ પ્રેમના કારણે . ચર્ચનો અપંગ સહાયક અલ્ગોટ પણ ઈચ્છે છે કે ટોમાસ પોતાના સંસારનું બધું વૈતરું પોતે કરવા કરતાં માર્ટાનો સહારો લે અને ઘર માંડે. માર્ટા થોડાક સમય પહેલાં લગી ટોમાસ સાથે એની ઉપપત્ની તરીકે બે’ક વર્ષ રહી પણ ચૂકી છે.

    પર્સન દંપતિમાં પણ પતિ યોનાસ વ્યગ્ર અને વિક્ષિપ્ત છે. એને એ ચિંતા કોરી ખાય છે કે ચીન અણુબોંબ વિકસાવી રહ્યું છે. આવા બિનભરોસાપાત્ર લોકોના હાથે આવા વિનાશક શસ્ત્રો ચડે તો જગતની સલામતીનું શું ? એ ટોમાસ સાથે એ બાબતે ચર્ચા કરી પોતાના મનનું સમાધાન ઈચ્છે છે. ટોમાસ એની ચિંતાના જવાબમાં કેવળ એટલું કહે છે કે એ ચિંતા તો આખા જગતને છે અને આપણે પ્રભુ પર ભરોસો રાખીએ. આવું કહેતી વખતે કેમેરા ટોમાસના ધ્રૂજતા હાથ પર કેંદ્રિત થાય છે, જાણે એ દર્શાવવા કે એને પોતાની જ વાતમાં ભરોસો નથી ! એ વાતચીત દરમિયાન પાછો એ ઉમેરે છે કે એને પોતાને પણ પ્રભુમાં કોઈ શ્રદ્ધા રહી નથી ! ટોમાસના ‘ જીવન ચાલતું રહેવું જોઈએ ‘ જેવા સૂફિયાણા નિવેદનના જવાબમાં યોનાસ લાગલો જવાબ વાળે છે કે ‘એવું જીવવાનો શો અર્થ ?’ એનો ઈરાદો સ્પષ્ટ છે.

    આ સમગ્ર સંવાદ ( એને સંવાદનો અભાવ કહેવો વધુ યોગ્ય રહે ! ) દરમિયાન સર્જક બર્ગમેનની પેલી માન્યતા વારંવાર પુન:પ્રતિપાદિત થતી રહે છે કે ચહેરો જ આત્માનું પ્રવેશદ્વાર છે. એમના મતે ચહેરાના કોઈ પણ ક્લોઝ-અપ એ સિનેમાના વ્યાકરણનો હિસ્સો છે જેનો ઉપયોગ કોઈ મુદ્દો સ્પષ્ટ કરવા, કોઈ પ્રતિક્રિયા દર્શાવવા અથવા કોઈ ભાવ પર ભાર મૂકવા થવો ઘટે. બર્ગમેનની દરેક ફિલ્મમાં – વિશેષ કરીને આ ‘ ઈશ્વરના મૌન ‘ વાળી ત્રયીમાં અને એમાંય આ ફિલ્મમાં – આ હકીકત ડગલે ને પગલે ઉજાગર થાય છે.

    ફિલ્મના એક યાદગાર દ્રષ્યમાં માર્ટાએ ટોમાસને લખેલા પત્રનું વાંચન સ્વયં માર્ટા દ્વારા થાય છે. એ કહે છે ” જાણું છું, તું મને પ્રેમ કરતો નથી. તારી તેં  માની લીધેલી સમસ્યાઓનો ઉકેલ સરળ છે. ઈશ્વરની નિષ્ક્રિયતા એ કોઈ ચિંતાનો વિષય નથી. એનું અસ્તિત્વ જ ક્યાં છે ? જીવન વિષે તારે હજી ઘણું શીખવાનું બાકી છે. તને પ્રેમનો અર્થ જ ખબર નથી. એક વાત યાદ દેવડાવું. ગયા ઉનાળે મારી હથેળીઓમાં ભયંકર ફોલ્લા નીકળેલા. મારી હાલત ખરાબ હતી. ત્યારે આપણે સાથે રહેતા. હાથે પાટા બાંધેલા . સુઈ પણ નહોતી શકતી. મેં તને પૂછેલું કે પ્રાર્થનાની શક્તિમાં એટલો ભરોસો હોય તો મારા આ દર્દમાંથી સાજા થવાની પ્રાર્થના કરી તેં ? તને એ કેમ સૂઝ્યું નહીં ? હું ત્યારે જ તને સમજી ગયેલી પણ તું મને ક્યારેય સમજ્યો નહીં. 

    આપણે બે વર્ષ સાથે રહ્યા. મારા હાથનો ચેપ બીજા અંગોમાં ફેલાતો ગયો. તું મને સતત ઉવેખતો હતો. મારાથી ત્રાસીને તેં આપણા સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો. તારા ધર્મમાં મને ક્યારેય વિશ્વાસ નહોતો. મારું કુટુંબ પૂર્ણ નાસ્તિક હતું છતાં અમારી વચ્ચે કાયમ ઉષ્મા, સુમેળ અને પ્રેમનું વાતાવરણ રહેતું. ઈશ્વર કેવળ એક ધુંધળી માન્યતા તરીકે અમારી વચ્ચે ઉપસ્થિત હતો. તને પણ એનામાં ક્યાં વિશ્વાસ છે ? ધર્મ – અધ્યાત્મને લક્ષમાં ન લઈએ તો પણ જીવન પૂરતું ગૂંચવાડાભર્યું છે. એને વધારે ગૂંચવવાની શી જરૂર

    જો ઈશ્વર હોય તો મારી એટલી જ પ્રાર્થના છે કે હે પ્રભુ ! તેં મને શારીરિક અને માનસિક રીતે આટલી મજબૂત બનાવી તો પછી મારી ક્ષમતાનુસાર કામગીરી કેમ ન આપી ? મને જીવનનો અર્થ આપ. હું આજીવન તારી ગુલામ રહીશ. કદાચ તારા પ્રત્યેનો પ્રેમ એ મને અપાયેલો પડકાર છે. અધૂરપ હોય તો એટલી કે હું એ પૂરેપૂરો વ્યક્ત કરી શકતી નથી. કદાચ સ્વમાનના કારણે ! 

    હું તને ચાહું છું. તારા માટે જીવું છું. કોઈક અન્ય માટે જીવન ખરચી નાખવું એ બહુ અઘરું છે એ જાણું છું. મારે એ કરવું છે. “

    આ સમગ્ર દ્રષ્ય અસાધારણ છે. અભિનેત્રી ઈંગ્રીડ થુલીનનો ચહેરો દરેક શબ્દ એના ભાવાનુસાર ઉચ્ચારે છે. એના શબ્દોની નિખાલસતા સંવેદનશૂન્ય અને પલાયનવાદી ટોમાસ જીરવી શકતો નથી.

    યોનાસ ફરી સલાહ લેવા આવે છે. ટોમાસના તકલાદી અને ઉડાઉ પ્રશ્નો અને અને સૂચનો એને કોઈ સધિયારો આપતા નથી. ટોમાસ ફરી પોતોના ઈશ્વરમાં ઊઠી ગયેલા વિશ્વાસની વાત કરે છે જેના જવાબમાં યોનાસ ” જો એનું અસ્તિત્વ જ ન હોય તો બીજી પીંજણનો શો અર્થ ? પછી તો બધું સરળ અને પારદર્શક બની જાય છે. મૃત્યુ પણ. સૃષ્ટા કે વાહક જ નથી તો બધું આપણા પર જ છે. ‘ કહી જાય છે. એના જતાવેંત ટોમાસ ‘ હવે હું મુક્ત થયો ‘ એવું ઉચ્ચારે છે . થોડીક વાર પછી યોનાસે આત્મહત્યા કરી લીધાના સમાચાર આવે છે.

    ફરી એક યાદગાર દ્રષ્ય. વહેતી નદીના કાંઠે યોનાસની લાશ પડી છે. એને અવલ મંઝિલે પહોંચાડવા પોલિસ અને ટોમાસ ઘટતી કાર્યવાહી કરી રહ્યા છે. નદીના ધસમસતા પ્રવાહના અવાજમાં એમની વાતચીત દબાઈ જાય છે. સર્જક બર્ગમેન જાણે પૂરવાર કરવા માંગે છે કે જીવનની નદી સદાનીરા છે. એ વહેતી રહે છે અને વહેતી જ રહેવી જોઈએ. એની આગળ કોઈ જ મૃત્યુ વિસાતમાં નથી !

    માર્ટાનું ઘર. માર્ટા ટોમાસને રાહત થાય માટે એને એસ્પીરીન અને કફ સીરપ આપે છે. ટોમાસનો પ્રતિભાવ જુઓ ! ” મારે એકલતા જોઈએ છે. આપણા બે વિષેની અફવાઓથી ત્રસ્ત છું હું. મને તારી જરુર નથી. હું તારી કાળજીથી કંટાળ્યો છું. તારા પ્રેમના નાટકથી પણ. તારી શારીરિક તકલીફોમાં મને કોઈ રસ નથી. “ બેહદ આહત માર્ટા પૂછે છે ‘ આ બધું તેં મને પહેલાં કેમ કહ્યું નહીં ? ‘ ટોમાસનો ઠાવકાઈપૂર્વકનો જવાબ “મારા ઉછેરના કારણે. મને શીખવવામાં આવેલું કે સ્ત્રીઓનો આદર કરવો ”  તારી પત્ની ?’  “મારી પત્ની એ બધું હતી જે તું ક્યારેય નહીં બની શકે. તારા એ માટેના પ્રયત્નો વ્યર્થ છે.” માર્ટા ક્ષત-વિક્ષત, નખશીખ ઘવાયેલી, પ્રભુના અસ્તિત્વ વિષે મથામણ અનુભવતા એક ધર્મ-પુરુષ દ્વારા જીવતા-જાગતા માણસની થતી વલે જોઈ રહે છે !  એનો જવાબ  ‘ હકીકત એ છે કે તું તારાથી જ નારાજ છો. મેં જ્યારે તારી વાતો સાંભળી છે ત્યારે તારા પ્રત્યેના ધિક્કારને સહાનુભૂતિમાં પળોટવાનો પ્રયાસ કર્યો છે. તું બચી નહીં શકે. ખતમ થઈ જઈશ . તારા જ ધિક્કારની આગમાં ભસ્મીભૂત થઈ જઈશ. ‘ 

    યોનાસનું ઘર. કારીનને એના પતિના આપઘાતના સમાચાર આપવા આવેલ પાદરી ટોમાસ. એ પોતાનો બચાવ કરતાં કહે છે કે મેં તો યોનાસને ઘણો સમજાવ્યો. પ્રારંભિક આઘાત પચાવી લીધા પછી કારીન સ્વયંને સાચવી લે છે. એ પણ ટોમાસની સૂફિયાણી વાતો પ્રત્યે ઉદાસીન છે.

    અંતિમ પ્રસંગ ફરી ચર્ચમાં. આ ચર્ચ બાજુના ગામનું છે. બપોરની સર્વિસ . અહીં પ્રેક્ષકોમાં માર્ટા અને ચર્ચના બે કર્મચારીઓ અલ્ગોટ અને ફ્રેડરીક સિવાય કોઈ નથી. આ અંત યાદગાર છે અલ્ગોટના આત્મકથનના કારણે. એ શરીરે જ અપંગ છે, વિચારે નહીં ! એ બહુ સ્વાભાવિક રીતે ટોમાસને કહે છે  ” એક વિચાર ઘણા સમયથી તમને કહેવા ઈચ્છતો હતો. તમારી સલાહથી મેં બાઈબલ વાંચવાની શરુઆત કરેલી. એ મારી અનિદ્રાના ઉપચાર માટે ઉપકારક પણ નીવડ્યું. હું તમને એ કહું જે મને સૂઝ્યું છે. પ્રભુ ઈસુએ ક્રોસ પર જે પીડા ભોગવી એને આપણે સૌ આટલું બધું મહત્વ આપીએ છીએ એમાં કશુંક ખોટું થાય છે. મારા મતે એ શારીરિક પીડા કોઈ વિસાતમાં નથી. એવી પીડા તો મેં પણ સહન કરી છે. પ્રભુની એ પીડા તો માત્ર ચારેક કલાકની હતી. એમની ખરેખરી પીડા બીજી હતી. જ્યારે સૈનિકો એમને ક્રોસ પર લટકાવવા લઈ જવા આવ્યા ત્યારે એમના બધા શિષ્યો એમને છોડીને નાસી ગયા. જે લોકો ત્રણ-ત્રણ વર્ષથી એમની સાથે હતા પણ એમાંનું કોઈ એમને ઓળખી શક્યું નહીં ! પોતાનું કોઈ સમજતું નથી એ પીડા સૌથી ખતરનાક નથી ? હજી એથીય વધુ દારુણ પીડાની વાત કરું. એમને ખીલા જડી દેવામાં આવ્યા ત્યારે એમણે ચીસ પાડેલી મારા પ્રભુ ! તે મને તરછોડી દીધો ?’  કોઈ જવાબ નહીં. ત્યારે એમને કેવું લાગ્યું હશે ? મૃત્યુ પહેલાંની એ ક્ષણોમાં એ શંકાથી ઘેરાઈ ગયા હશે કે એમણે જે કંઈ અત્યાર સુધી ઉપદેશ્યું એ ગલત હતું ? એ જ એમની સૌથી મોટી પીડા હતી. (એક ભાવક તરીકે પ્રશ્ન ઊભરે કે શું પાદરી ટોમાસ પણ ઈસુને કટોકટીમાં છેહ દેનારા એમના શિષ્યો જેવા નથી ?) ”

    માર્ટા સિવાય (એ પણ નાસ્તિક !) કોઈ પ્રેક્ષક હાજર ન હોવા છતાં સર્વિસ શરુ કરાય છે. માર્ટા સ્વગત કહે છે ‘ કાશ આપણે સૌ સલામતીનો અનુભવ કરી એકમેક પ્રત્યે ઋજુતા દાખવતા હોત ! કાશ આપણા માટે આલંબન લઈ શકાય એવું એકાદ સત્ય હાથવગું હોત ! કાશ આપણામાં શ્રદ્ધા જેવું કશુંક હોત ! ‘ 

    હાજર ચાર લોકો પ્રાર્થનામાં જોડાય છે. એ ચારેય જાણે છે કે આ બધું એક નિરર્થક નાટક છે !

    દરેક કૃતિ કોઈને કોઈ રીતે એના સર્જકના જીવનનો અંશ હોય છે. બર્ગમેનની અનેક ફિલ્મોમાં એમના બચપણ, યુવાની, લગ્નજીવન અને એ સાથે સંકળાયેલા સ્મરણો ડોકિયું કરે છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર – પાદરીનું નામ ટોમાસ એરિકસન છે. બર્ગમેનના પિતાનું નામ એરિક હતું. એ પોતે પાદરી હતા. એમના સન એટલે દીકરા એટલે આ એરિકસન એટલે બર્ગમેન પોતે !

    સમગ્ર ફિલ્મમાં ત્રણ આત્મકથનો ચાવીરૂપ છે. માર્ટા દ્વારા વંચાતો એણે ટોમાસને લખેલો પત્ર, ટોમાસ દ્વારા માર્ટાના ઘરે એની માર્ટા તરફના અણગમાની કબૂલાત અને ચર્ચના કર્મચારી અલ્ગોટ દ્વારા કરાયેલું ઈસુની પીડાનું વિશ્લેષણ !

    એક દ્રષ્ટિએ જોઈએ તો આ ફિલ્મ સાથે ઈશ્વરના અસ્તિત્વ અંગેની સર્જક બર્ગમેનની શોધખોળ સમાપ્ત થાય છે. એ પછીની એમની મોટા ભાગની ફિલ્મોમાં માનવીય પ્રેમ જ મુખ્ય વિષય રહ્યો છે.

    ફિલ્મમાં સર્વિસ વખતે વાગતા ઓર્ગન મ્યુઝિક સિવાય કોઈ સંગીત નથી.

    એ ઉમેરવું રહ્યું કે આ ફિલ્મ ઈશ્વરના મૌન વિષેની વાત કરતાં વિશેષ છે. પાદરી ટોમાસ ફિલ્મમાં ઘણું બધું બોલે છે પણ એને પોતાને જ લાગે છે કે એના શબ્દો એના પોતાના માટે કોઈ જ ઉપયોગના નથી. ફિલ્મનો અન્ય પુરુષ માછીમાર યોનાસ જગતના દુષ્ટ તત્ત્વોથી ત્રસ્ત છે અને શ્વર નામના ઠગથી નિરાશ !

    ફિલ્મનો દ્રષ્ય-વિન્યાસ સરળતાપૂર્ણ છે. બર્ગમેનના કાયમી અને મહાન કેમેરામેન સ્વેન નિકવીસ્ટ દ્વારા ઝડપાયેલું એક પણ દ્રષ્ય અસર લાવવા માટે કેમેરા મુવમેંટનો ઉપયોગ કરતું નથી. કેમેરા મહદંશે સ્થિર રહે છે. એમના કેમેરાની નજર એવી અવિચળ છે કે કેટલાક કંટાળાજનક દ્રષ્યો (જેમ કે ફિલ્મની શરુઆત) પણ દર્શકને બાંધી રાખે છે. આપણને લાગે કે કોઈ ગતિવિધિ ન હોવા છતાં દ્રષ્યની ભીતરે સામાન્ય કરતાં કશુંક વિશેષ ઘટિત થઈ રહ્યું છે. બર્ગમેન અસર ઊભી કરવા નહીં, દ્રશ્યોને યથાતથ દેખાડવા ઈચ્છે છે. એમની ખાસિયત અનુસાર લાંબા શોટમાં પણ ચહેરાઓ જ કેંદ્રમાં છે. કહેવાય છે કે બર્ગમેન અને નિકવીસ્ટ એક આખો શિયાળુ દિવસ ગામડાના ચર્ચમાં એ જોવા બેસી રહ્યા કે સૂર્યપ્રકાશ કંઈ રીતે ગતિ કરે છે !

    ટોમાસ આખી ફિલ્મમાં ક્યાંય સ્મિત કરતા નથી. એ રુગ્ણ, ટાઢાગાર, અલિપ્ત અને બધા પ્રત્યે બેદરકાર ભાસે છે. ફિલ્મમાં માત્ર અલ્ગોટનો ચહેરો એવો છે જે જીવંત દેખાય છે અને શ્રદ્ધાના રહસ્ય પ્રત્યે વિસ્મયથી ભરપૂર ! એણે ઈસુને ખરા અર્થમાં આત્મસાત કર્યો છે. ટોમાસ એને સાંભળવાનો ડોળ કરે છે પણ સાંભળતો નથી.

    ઝીણવટથી જોઈએ તો ફિલ્મમાં ઈશ્વરના મૌન કરતાં હાડ-ચામના મનુષ્યોનું મૌન વધુ અકળાવનારું છે. ટોમાસના માર્ટાના ઘરની મુલાકાત પછી એ બન્ને મૃત યોનાસના ઘરે જાય છે એ દરમિયાન પ્રવર્તતું મૌન વધુ બિહામણું છે. ટોમાસ પોતે યોનાસની વ્યથા પરત્વે મૌન છે. એ માર્ટાની લાગણીઓ પ્રત્યે મૌન છે. ચર્ચના ઓરગનીસ્ટ ફ્રેડરીક ચર્ચમાં ચાલતી સર્વિસ પ્રત્યે અલિપ્ત છે. જે લોકો મૌન નથી એ બધા મદદ વાંછે છે પણ એમને મળે છે મૌન !

    ટેકનીકની દ્રષ્ટિએ ફિલ્મ સંપૂર્ણત: ક્ષતિરહિત છે. એ હદે કે ફિલ્મનો એક પણ શોટ બાકાત કરીએ તો ફિલ્મની વ્યાપક અસરને હાનિ પહોંચે. જે શબ્દો આપણા સત્યજીત રાયે પોતાની ફિલ્મ ‘ ચારૂલતા ‘ માટે ઉચ્ચારેલા, લગભગ એ જ શબ્દો બર્ગમેન પોતાની આ ફિલ્મ માટે કહે છે. ‘ મારી આ એક જ ફિલ્મ છે જેના વિષે હું કહી શકું કે મેં અહીંથી શરુ કર્યું અને અહીં પૂરું કર્યું અને રસ્તામાં આવતી દરેક વસ્તુ મારા અંકુશ હેઠળ હતી. ફિલ્મની પ્રત્યેક ક્ષણમાં દરેક વસ્તુ બરાબર એમ જ બની જે રીતે હું ઈચ્છતો હતો.

    આ ફિલ્મ ભાગેડુ મનોરંજન માટે હરગીઝ નથી. એ મનનો ખોરાક છે. એ એક અઘરી ફિલ્મ છે. એના સર્જકની માનીતી.

    એ માનવીય પરિસ્થિતિઓ પર એક થીજાવી દેતી ઉદાસ નજર નાંખી બાકીનું કામ આપણા પર છોડી દે છે.

    [1]

    https://youtu.be/qpIVMx0q_IA


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાચબો ચાલે છે

    કાવ્ય આસ્વાદ

    સુકાયેલા સમુદ્રને 
    ઊંચકીને 
    કાચબો 
    ચાલે 
    છે 
    જળાશયની શોધમાં.

                 લાભશંકર ઠાકર

    ‘ચાલવું’ એ જ નિયતી

    – આસ્વાદ : દક્ષા વ્યાસ

     લાભશંકર ઠાકર આધુનિક ગુજરાતી કવિતાના સીમાસ્તંભરૂપ, સર્જકતાથી છલકાતા કવિ. એની સમગ્ર કવિતા પર નજર કરીએ એટલે ત્રણ સ્થિત્યંતરો સ્પષ્ટ દેખાય. પરંપરાગત અભિવ્યક્તિઆધુનિક પ્રયોગપરાયણ અભિગમ અને લાઘવયુક્ત પોતીકો લાક્ષણિક આવિષ્કાર. ત્રણેમાં એમનું ભરપૂર સર્જનતેજ માણવા મળે. જીવનની તમામ ગતિવિધિઓમાં વ્યાપ્ત અસંગતિથી પ્રવૃત્તિ માત્રની વ્યર્થતાની લાગણીથી એમની કવિતાનું અંતરંગ રંગાયેલું છે. અછાંદસમાં બહુવિધ લયોને રમાડનાર ; ‘માણસની વાત‘ ‘પ્રવાહણ‘ જેવા સુદીર્ઘ કાવ્યો રચનાર કવિ ઉત્તરોતર સર્જનમાં લાગણીઓની ઉપાસના કરતા દેખાય છે. કવિ લયપ્રદેશ છોડીને ગદ્યલયમાં વિચરવા લાગે છે. કવિતા લઘિમા – અણીમા (અષ્ટ સિદ્ધિમાંની બે સિદ્ધિ. અણીમા એટલે બારીકમાં બારીક અણુરૂપ થવાની શક્તિ અને લઘિમા એટલે શરીરને સાવ હલકું બનાવાની શક્તિ) રૂપે ગદ્યમાં ઉતરતી રહે છે. ‘કાચબો ચાલે છે‘ એમની આવી રચના છે. સરળ-વિશદ અને સપાટ અભિવ્યક્તિ અહીં ભાવકને મૂંઝવી મારે છે. એક કલાકૃતિ રૂપે અવગત કરવા એણે એને વારંવાર ઘૂંટવી પડે છે.

    અહીં કાચબો આપણને છેક પુરાણકાળમાં લઈ જઈ દશાવતાર સાથે જોડી આપે છે તો સમુદ્ર  વ્યાપક સંસારભવસાગર સાથે. આમ સ્થળ અને કાળના વિશાળ પરિમાણ વચ્ચે આપણે મૂકાઈએ છીએ. ચાલવું‘ આ સ્થળ કાળને ચાલના-ગતિ આપે છે.

    કૂર્માવતાર  એટલે વિષ્ણુનો કાચબા રૂપે થયેલો અવતાર. દિતિના બળવાન દાનવ પુત્રો અને અદિતીના ધર્મપ્રેમી દેવપુત્રોએ અમૃતપ્રાપ્તિ માટે ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. મંદાર પર્વતનો રવૈયો બનાવ્યો પરંતુ તે પાતાળમાં સલવાઈ જતાં વિષ્ણુએ કૂર્મના આકારમાં પોતાની જાતને સમુદ્રના તળિયે મૂકી મંદાર પર્વતને આધાર આપ્યો. દેવ દાનવોએ તેને વાસુકિ નાગનું દોરડું વીટી – એ રવૈયાથી સમુદ્રમંથન કર્યું. એમાંથી નીકળેલો અમૃતકુંભ દાનવોના હાથમાં આવી જતા વિષ્ણુએ મોહિનીરૂપ લીધું…ની કથા પ્રચલિત છે. પુરાકથાનો કાચબો વિષ્ણુનો અવતાર છે.

    આ કવિતાનો કાચબો અવતાર છે મનુષ્ય છે કવિ છે ?  અવતારની નિયતિ છેપુનઃ પુનઃ પ્રગટ થતા રહેવાની – ચાલતા રહેવાની. એનું અવતરણ થાય છેઉદ્ધાર માટે. પરંતુ એ ખરેખર ઉદ્ધાર કરી શકે છે માનવનિયતી પણ એવી જ છે. સંસાર-સાગરના જળ ખારાં છે. જળ એ જીવન છે પરંતુ જળ સૂકાયું છે. ખારાશ રહી છે. મનુષ્યે આ ખારાશભર્યા સંસારસમુદ્રને પીઠ પર લઈ લઈને ચાલતા રહેવાનું છે નિરંતર – મીઠા જળના જળાશયની – સુખ નામના પ્રદેશ ની ખોજમાં.

     કહે છે કે તમામ સીમારેખાઓ વટાવીને એક બિંદુએ કવિતા અને તત્વજ્ઞાન-ચિંતન એક થઇ જાય છે. આ અણઘડ સપાટ લાગતી પદાવલી પ્રથમ વાચને કદાચ માત્ર શબ્દો જ આપે છેજે ક્યાંય લઈ જતા નથી. પરંતુ એમાં ઊંડા ઊતરતાં એ ત્રિપાર્શ્વ કાચની પેઠે અર્થછાયાના અનેક કિરણો વચ્ચે ભાવકને મૂકીને શબ્દની શક્તિનો સાચો પરિચય આપે છે. વિષ્ણુના મોહિનીરૂપના  અવતારકૃત્યની કથાના અધ્યાસો પછી ચિત્તમાં નિયતિ અને કવિ નિયતિના અધ્યાસો પણ જાગ્યા વિના રહેતા નથી. અતૂટ આશાતંતુ માનવકાચબાને ચાલતો રાખે છે. જળાશય  મીઠું જળ તો મળેય ખરુંનયે મળે પણ ક્ષીણ ગતિએ સંસારનો ભાર વેંઢારીને નિરંતર ચાલતા રહેવાનીકર્મ કરતા રહેવાની જીવમાત્રની નિયતિ છે. એ કવિનીય નિયતિ જ. જીવનરસ સુકાયો હોયખારાશ જોડાયેલી અને જડાયેલી હોય તોય કાવ્યસંસારનો ભાર ઊંચકીને કવિ ચાલતો રહે છેસર્જન કરતો રહે છે. એક અનુપમ જળાશયની – કશાક ઉત્તમની ખોજ કરતો રહે છે. એમ કરતાં કદાચ કશુંક નીવડી આવે ! અમૃત અંજલીમાં ઝિલાઈ જાય ! અહીં કાચબોસૂકાયેલો સમુદ્રજળાશય ત્રણે શબ્દો પ્રતીકાત્મક ઊંચાઈ પર પહોંચ્યા છે અને અનુપમ કાવ્ય રસનો આસ્વાદ કરાવે છે.

     

    (સૌજન્ય : ટહુકો.કૉમ)

  • કાયદાનું નિયંત્રણ અને જનજાગ્રુતિથી અંધશ્રધ્ધા ડામી શકાય

    નિસબત

    ચંદુ મહેરિયા

    ગુજરાત અને કેરળમાં અંધશ્રધ્ધાને કારણે મહિલાઓના માનવબલિની દુ:ખદ અને શરમજનક ઘટનાઓ ઘટી છે. ગુજરાતના એક ગામમાં ઘનની લાલચમાં પિતાએ ચૌદ વરસની દીકરીની અત્યંત ક્રુર અને ઘાતકી રીતે માનવ બલિ આપી છે. દેશના સૌથી શિક્ષિત રાજ્ય કેરળમાં ડોકટર દંપતીએ પણ ધનવાન બનવા બે મહિલાઓના માનવ બલિ ચડાવ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આટઆટલા વિકાસ પછી  તથા દેશની આઝાદીના પંચોતેર વરસો બાદ આ પ્રકારની ઘટનાઓ  આપણે હજુય વહેમ અને અંધશ્રધ્ધાના અંધકાર યુગમાં તો નથી જીવતાને ? એવો સવાલ સર્જે છે..

    ભારતના બંધારણના અનુચ્છેદ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબધ્ધતાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ છતાં દેશમાં અંધશ્રધ્ધા નાબૂદીની દિશામાં અને વૈજ્ઞાનિક વિચારસરણીના પ્રસાર માટે કાનૂની તથા જનજાગ્રતિ માટેના કોઈ ખાસ પ્રયત્નો થયા નથી. આજે ધર્મના નામે રાજનીતિની બોલબાલા છે ત્યારે તો તે વધુ મુશ્કેલ લાગે છે.

    મહારાષ્ટ્રના પ્રગતિશીલ અને રેશનલ સંગઠનોની અંધશ્રધ્ધાનાબૂદીના કાયદા માટેની લાંબા સમયની માંગણી અને ચળવળોના કારણે રાજ્યની સુશીલકુમાર શિંદેના નેતૃત્વ હેઠળની કોંગ્રેસી સરકાર ૨૦૦૪માં અંધશ્રધ્ધા નાબૂદી વટહુકમ લાવી લાવી હતી. રાજ્યના તત્કાલીન રાજ્યપાલ ડો.મોહમ્મદ ફઝલે ‘વધુ જનમત ઉભો કરવા’ની દલીલ સાથે તેને ટાળ્યો હતો.૨૦ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ જાણીતા રેશનાલિસ્ટ અગ્રણી ડો.નરેન્દ્ર દાભોલકરની હત્યાના બીજા દિવસે મહારાષ્ટ્ર સરકારે અંધશ્રધ્ધાનાબૂદી વટહુકમ જારી કર્યો હતો. ૨૦૧૪નો મહારાષ્ટ્રનો ‘મહારાષ્ટ્ર યૌન શોષણ અને અમાનવીય અઘોરી પ્રતિબંધક કાયદો’ બહુ મર્યાદિત અંધશ્રધ્ધાને જ આવરી લે છે.તેમ છતાં દેશનો તે પહેલો કાયદો છે. આ કાયદાએ તેની મર્યાદાઓ છતાં ઘણી મોટી અસર ઉભી કરી છે. તેને કારણે અનેક પાખંડીઓને જેલમાં ધકેલી શકાયા છે.

    રાજસ્થાનમાં સંખ્યાબંધ સ્ત્રીઓને ડાકણ ગણી મારી નાંખવામાં આવી હતી. તેથી સરકારે ‘રાજસ્થાન મહિલા અત્યાચાર અટકાવ અને સુરક્ષા વિધેયક-૨૦૧૧’ની કલમ-૩ની પેટાકલમ-૬માં ડાકણપ્રથા પર પ્રતિબંધ તેમજ સજાની જોગવાઈ ઉમેરી હતી. ૨૦૧૭માં અંધશ્રધ્ધા નાબૂદી કાયદો ઘડનાર કર્ણાટક બીજું રાજ્ય બન્યું હતું. રાજ્યો ઈન્ડિયન પિનલ કોડમાં સુધારો કરીને કે નવો સ્વતંત્ર કાયદો ઘડીને અંધશ્રધ્ધા નાબૂદી માટે કાયદાકીય નિયંત્રણ મૂકી શકે છે. પરંતુ અંધશ્રધ્ધાનું ધર્મ સાથેનું સંધાન અને રાજકીય પક્ષોનું ધર્મના નામે મતબેન્ક પોલિટિક્સ તેમ થવા દેતું નથી.શાયદ એટલે જ ગુજરાતની ભાજપ સરકારે છેક ૨૦૧૬માં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પત્ર લખી કાલા જાદુ, મેલી વિધ્યા અને માનવબલિની નાબૂદી માટેના કાયદાની આવશ્યકતા અંગે પૃચ્છા કરી હોવા છતાં આ બાબતમાં પ્રગતિ થઈ નથી. કેરળની સામ્યવાદી સરકારે ૨૦૧૯માં અંધશ્રધ્ધા નાબૂદી ખરડો તો તૈયાર કર્યો હતો પણ હજુ તેને વિધાનસભામાં રજૂ કર્યો નથી.!

    હિંદુ બહુમતી ધરાવતા ભારતમાં હિંદુ ધર્મમાં વ્યાપ્ત અંધશ્રધ્ધા સૌથી વધુ ચર્ચાસ્પદ અને ટીકાસ્પદ હોય તે સ્વાભાવિક છે.પરંતુ અન્ય ધર્મી ભારતીયો પણ અંધશ્રધામાં એટલા જ ગળાડૂબ હોય છે, તે ભૂલવું ન જોઈએ.પ્યૂ રિસર્ચ  સેન્ટરના સર્વેક્ષણનું તારણ હતું કે તમામ ધર્મના  ૭૬ ટકા ભારતીયો કર્મમાં, ૭૧ ટકા ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જવામાં, ૭૦ ટકા નસીબમાં, ૫૦ ટકા ભૂતપ્રેતમાં અને ૩૮ ટકા પુનર્જન્મમાં માને છે. એટલે અંધશ્રધ્ધા પર કોઈ એક જ ધર્મનો ઈજારો નથી.

    ધર્મોના મૂળરૂપમાં કદાચ અંધશ્રધ્ધા નહીં પણ હોય.કાળક્રમે ધાર્મિક ક્રિયાકાંડો અને વિધિવિધાનોને લીધે આમ બનવા પામ્યું હશે. હિંદુ જ નહીં સઘળા ધર્મ આચરનારા અંધશ્રધ્ધામાં ડૂબેલા હોય ત્યારે, અંધશ્રધ્ધાનાબૂદી કાયદો માત્ર હિંદુ ધર્મની જ નહીં તમામ ધર્મોની અંધશ્રધ્ધા આવરી લેનારો હોવો જોઈએ.જનજાગ્રુતિમાં પણ તમામ ધર્મોને સામેલ કરવા જોઈએ.

    ધાર્મિક અંધશ્રધ્ધાનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. માત્ર અભણ નહીં, ભણેલા અને સારુ કમાતા લોકો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. આ હકીકત લક્ષમાં રાખીને અંધશ્રધ્ધાનાબૂદીના કાર્યક્રમો અને કાયદાના નિયંત્રણની દિશામાં વિચારવાનું છે. ગુજરાત રાજ્યમાં ધાર્મિક ઉન્માદ અને અંધશ્રધ્ધાનો માહોલ અવારનવાર જુદા જુદા ધર્મસ્થળોએ જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને તેનું અંધશ્રધ્ધા સાથે જોડાણ અલગ કરવાની જરૂર છે.પરંતુ મતભૂખ્યા રાજકારણીઓ તેમ થવા દેશે નહીં. એટલે લોકોની સમજાવટ, જનજાગ્રુતિ અને કાયદાના નિયંત્રણથી અંધશ્રધ્ધાના વિવિધ સ્વરૂપો પર લગામ કસવી પડશે.

    ‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુધ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત  ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે.પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ પણ અંધશ્રધ્ધાવિરોધી હોય જ છે. ધાર્મિક હોવાનો અર્થ અંધશ્રધ્ધાના સમર્થક હોવું નથી.ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક જ નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે તો અધાર્મિક અને ભગવાનમાં નહીં માનનારા લોકોની સંખ્યામાં રસપ્રદ વધઘટ થયા કરે છે. આ તમામ બાબતોને પણ અંધશ્રધ્ધાનાબૂદીના જનજાગરણ કાર્યક્રમોમાં આવરી લેવી પડશે.

    થોડા વરસો પૂર્વે ઉત્તરપ્રદેશનું એક ગામ, નામે મોહમ્મદપુર, સમાચારોમાં ચમક્યું હતું. પછાત અને સામંતી સમાજની છાપ ધરાવતા ઉત્તરપ્રદેશના કાનપુર નજીકના આ ગામના તમામ લોકોએ ન માત્ર અંધશ્રધ્ધા, ધર્મનો પણ ત્યાગ કર્યો હતો..મોહમ્મદપુરવાસીઓએ ધર્મ, દેવી-દેવતા, વ્રત-ઉપવાસ અને ધાર્મિક કિયાકાંડો તો છોડ્યા જ છોડ્યા, ધાર્મિક તહેવારો ઉજવવાના પણ છોડી દીધા હતા.  આ ગામ માત્ર રાષ્ટ્રીય તહેવારો જ  ઉજવતું હતું. આવા ગામ જેટલા જલદી વધે એટલી અંધશ્રધ્ધા વહેલી ભાગે.

    અંધશ્રધ્ધાનાબૂદીના તમામ પાસાં વિચારતાં ભારતના રેશનાલિસ્ટ આંદોલનોએ પણ નવી દ્રષ્ટિથી વિચારવાની આવશ્યકતા છે. રામભક્ત ગાંધીજી સાથે પણ નાસ્તિક ગોરા(ગોપીરાજુ રામચન્દ્ર રાવ) સંવાદ કરી શકતા હતા.તે હકીકત કેમ ભૂલાય? ચમત્કારોની ચકાસણી, પાખંડી અને ધૂતારાઓનો પર્દાફાશ, ધાર્મિક ક્રિયાકાંડોનો વિરોધ, જ્યોતિષ અને એવી છેતરામણી બાબતો અંગે જનજાગૃતિ જેવા કાર્યક્રમોથી આગળ વધવું પડશે. વૈજ્ઞાનિક વિચારસરણી એટલે શું તે બાબતમાં સ્પષ્ટ થવું પડશે. ગાંધીજી અને ગોરા વચ્ચેના સંવાદ જેવું ખુલ્લાપણું સરકાર અને સમાજમાં પ્રવર્તશે તો સંવિધાન નિર્માતાઓની અપેક્ષાની વૈજ્ઞાનિક વિચારધારા પણ વાસ્તવિકતા બની શકશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કામની વ્યસ્તતા અને જીવનનો આનંદ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે
    અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ.

    અમેરિકાનો બહુ મોટો બિઝનેસમેન કામની ભારે વ્યસ્તતા વચ્ચે માંડમાંડ થોડો સમય કાઢી આરામ કરવા મેક્સિકો ગયો હતો. એ દરિયાકિનારે બેઠો હતો. એણે એક માછીમારને દરિયામાંથી માછલીઓ પકડી કાંઠે હોડી લાંગરતો જોયો. હજી તો સવારના માંડ અગિયાર વાગ્યા હતા. બિઝનેસમેનને નવાઈ લાગી કે એ આટલો વહેલો એનું કામ આટોપે છે? એણે એને પૂછ્યું: ‘હજી બપોર પણ નથી થયો અને તું પાછો આવી ગયો?’ માછીમારે કહ્યું: ‘મને જોઈતી હતી એટલી માછલી પકડી લીધી. અમારા કુટુંબના ભરણપોષણ માટે અને આજની રોજીરોટી રળવા માટે આટલી માછલી પૂરતી છે.’ બિઝનેસમેને પૂછ્યું કે એ હવે આખો દિવસ નવરો બેસીને શું કરશે. માછીમારે કહ્યું: ‘ઘેર જઈશ, મારાં સંતાનો સાથે રમીશ, પત્ની સાથે સમય ગાળીશ, સાંજે મિત્રો સાથે ગપ્પાં મારીશ.’

    બિઝનેમેન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનું ભણ્યો હતો. એ માછીમારને ‘બિઝનેસ’ના પાઠ ભણાવવા લાગ્યો: ‘તારે આખો દિવસ કામ કરવું જોઈએ. વધારે માછલી પકડાય તો વધારે આવક થાય.’ માછીમારે પૂછ્યું: ‘પછી?’ બિઝનેસમેને જવાબ આપ્યો: ‘તું સાદી વાત પણ સમજતો નથી? વધારે કમાણી થાય તો પૈસા બચાવી તું મોટી બોટ ખરીદી શકે, ધંધો વધે પછી શહેરમાં રહેવા જા, તારી ફિશિન્ગ કંપની શરૂ કર. કેટલા બધા પૈસા મળે તને.’ માછીમારના કપાળે સળ પડ્યા. એણે પૂછ્યું: ‘પછી?’ બિઝમેસમેન: ‘બસ, પછી તો પૈસા જ પૈસા છે. આરામથી તારી પત્ની-સંતાનો સાથે જીવી શકશે.’ માછીમાર વિચારમાં પડ્યો. પૂછ્યું: ‘એવું કરતાં કેટલાં વર્ષ લાગે?’ બિઝનેસમેન: ‘પચીસેક વર્ષ તો સહેજે થાય.’ માછીમાર ખડખડાટ હસ્યો. ‘હું અત્યારે પણ કરી શકું છું તે કરવા માટે મારે પચીસ વર્ષ રાહ જોવાની શી જરૂર છે? ત્યાં સુધી મારાં સંતાનો મોટાં થઈ જાય, હું અને મારી પત્ની વૃદ્ધ થઈ જઈએ. અત્યારે જ સમય છે કે હું મારા પરિવાર અને મિત્રો સાથે મજા કરું. બુઢ્ઢો થાઉં પછી હું શું મજા કરવાનો હતો!’

    અભણ માછીમાર સમજી શક્યો હતો તે સત્ય અમેરિકાનો ભણેલોગણેલો બિઝનેસમેન સમજી શક્યો નહોતો. માછીમાર પૈસા રળવા માટે કામના સમય અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવી શક્યો હતો. એ એનાં સંતાનો, પત્ની અને મિત્રો સાથે પણ સમય ગાળવા ઇચ્છતો હતો. આર્થિક પ્રવૃત્તિની આંધળી દોડધામમાં ઉંમર વીતી જાય અને સંતાનો મોટાં થઈ જાય કે પત્ની ઘરમાં બેસીને રાહ જોયા કરે એવી જિંદગી એને જોઈતી નહોતી.

    બધા લોકો એવું કરી શકતા નથી. કામ અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી આજના સમયમાં ખૂબ મહત્ત્વની બની ગઈ છે. એમાં પણ પતિ અને પત્ની બંને આર્થિક ઉપાર્જનમાં વ્યસ્ત રહેતાં હોય ત્યારે તો આ વાત અલગ પ્રકારે મહત્ત્વ ધારણ કરે છે. વધારે પૈસા કમાવા માગતા લોકો સાચા સુખની વ્યાખ્યા ભૂલી ગયા છે. ગરીબ લોકો બે છેડા ભેગા કરવા માટે વધારે કામ કરે તે વાત જુદી છે, પરંતુ પ્રમાણમાં પૈસેટકે સુખી થયેલા અને ધનાઢ્ય લોકો પણ આ પ્રકારની દોટમાંથી બહાર નીકળી શકતા નથી. એ લોકો ભૂલી જાય છે કે પ્રસન્ન અને હળવાશભરી જિંદગી પણ જીવનનો મુખ્ય હેતુ છે. એ વિશે સભાનતા જાગે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

    અલબત્ત, કેટલાક લોકો સમયસર ચેતી જઈને કામ અને અંગત જિંદગી વચ્ચે સુમેળ સાધવા પોતપોતાની રીતે માર્ગ શોધવાના પ્રયત્ન કરે છે. એક બહુ મોટી કંપનીના સ્થાપક ઇથેન ઇમ્બોડેન કહે છે: ‘મેં એક સત્ય સાથે સમાધાન કરી લીધું છે કે કામનો કોઈ અંત નથી. મેં મારી કંપની શરૂ કરી ત્યારે મારે પુષ્કળ કામ કરવું પડે તેમ હતું જ, પરંતુ સફળતા મળ્યા પછી વધારે સફળ થવાના પ્રયત્નોમાં હું કામના બોજમાંથી બહાર નીકળવાનું ભૂલી ગયો. આપણે સફળતાની એક ટોચ સર કરીએ ત્યાં જ બીજું શિખર દેખાય છે અને આપણે અંગત જિંદગીને હોલ્ડ પર મૂકી દઈએ છીએ. હું હવે મોડોમોડો પણ મારા અંગત જીવનમાં પાછો ફર્યો છું અને જે કંઈ બચ્યું છે તેનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું.’

    એક બહુ મોટી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સાંજ પડે ત્યારે સમયસર ઘેર જવા નીકળવા માટે એક નુસખો શોધી કાઢ્યો હતો. એ એનો પાલતુ કૂતરો ઑફિસ લઈ જતો. સાંજ પડે ત્યારે કૂતરો ચોક્કસ સમયે એને ઘેર જવાની ફરજ પાડતો. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની એક બહુ મોટી કંપનીના વડાને બીજું સંતાન જન્મ્યું ત્યારે એણે વીક એન્ડમાં કે રજાના દિવસે ઘેરથી કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. કમ્પ્યૂટર ખોલવાનું જ નહીં. કોઈનો ફોન લેવાનો નહીં. ધીરેધીરે એના સહકાર્યકર્તાઓ અને ક્લાયન્ટ્સને પણ એના શિડ્યુઅલની ખબર પડતી ગઈ. એમણે ચોવીસ કલાક ઇ-મેઇલ મોકલવાનું કે ફોન કરવાનું બંધ કર્યું. એથી એ રજાના દિવસે પરિવાર સાથે નિરાંતે રહી શકે છે અને કામ પર જાય ત્યારે વધારે પ્રોડક્ટિવ રહે છે.

    સાદી વાત છે: જે લોકો અંગત જીવનથી સંતુષ્ટ નથી તેઓને એમના કામમાં પણ જરૂરી સંતોષ મળતો નથી. આપણે કામમાં એટલા વ્યસ્ત ન થઈ જઈએ કે જીવવાનું જ ભૂલી જઈએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સ્ત્રીઓના સ્કેચીઝ. ભાગ 4

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • મુસ્કાન [૧]

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    એ શુભ દિવસ નજીક આવી રહ્યો હતો, સુશીલા અને સત્યેન્દ્ર એમના પ્રસન્ન દાંપત્ય જીવનની ફલશ્રુતિરૂપ વારસના જન્મના એંધાણથી બંને અત્યંત ખુશ હતાં. ન સાસુ, ન સસરા કે નણંદ દિયર, સુશીલા આ પ્રસન્નતા કોની સાથે માણે? પણ સત્યેન્દ્રએ એની દરેક તમન્ના પૂરી કરવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી.

    સત્યેન્દ્રએ સુશીલાની સંભાળ માટે બે પરિચારિકાની વ્યવસ્થા કરી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થઈ જતુ પણ સુશીલાને પોતાનું, કોઈ આત્મિય સાથે હોય એવી લાગણી થતી. સત્યેન્દ્રના પરિવારમાંથી તો કોઈ એવું નહોતું કે જેને બોલાવી શકાય પણ સુશીલાની ઈચ્છાનુસાર એની નાની બહેન ગુણસુંદરીને બોલાવા સત્યેન્દ્રએ સંમતિ આપી. સુશીલા તરફના અત્યંત અનુરાગને લઈને સત્યેન્દ્ર એની કોઈ વાત ટાળી શકે એમ હતા જ નહીં,

    અને સાવ અલ્પ સમયમાં સુશીલાએ કરેલા તારના જવાબમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને મૂકવા આવ્યો.

    ગુણસુંદરી…

    ગુણ અને સુંદરતાનો સરવાળો એટલે ગુણસુંદરી. સાદી ભાષામાં કહીએ કે રંગે રૂડી રૂપે પૂરી, સર્વ કળામાં માહિત એવી સુશીલાથી ત્રણ વર્ષ નાની ગુણસુંદરીએ આવતાની સાથે જ ઘરની વ્યવસ્થા ખૂબીપૂર્વક સંભાળી લીધી. વહેલી સવારે પૂજાપાઠથી શરૂ થતો એનો દિવસ ઘર આખાને મંગલમય બનાવી દેતો.

    સુશીલાની સ્નેહપૂર્વક સંભાળની સાથે પરિચારિકાઓને સરસ રીતે સાચવી લેતી અને સત્યેન્દ્રની તો વાત જ અલગ હતી. એ તો એના જીજાજી હતા, અત્યંત સન્માનપૂર્વક એમની તમામ તક સાચવી લેતી. સત્યેન્દ્રના વાચનકક્ષને વ્યવસ્થિત રાખતી, રોજ તાજા ફૂલોથી સત્યેન્દ્રના ટેબલને સજાવતી.

    ગુણસુંદરીએ એના સુચારુ વ્યક્તિત્વની મોહિનીથી સૌના દિલ જીતી લીધા.

    આવી સર્વગુણસંપન્ન ગુણસુંદરીને માત્ર એક સુખથી વિધાતાએ વંચિત રાખી. એ બાળ-વિધવા હતી પણ એણે તો આ વૈધવ્યને સાદગી અને સન્માનપૂર્વક અને પૂરેપૂરી ગરિમાથી સ્વીકારી લીધું હતું. નિર્વિકાર તપોમય સાધાનાથી એનો ચહેરો કાંતિમય બન્યો હતો.

    પ્રખર-પ્રકાંડ વિદ્વાન એવા એના પિતાએ એના તપોમય જીવન માટે સંસ્કૃતથી માંડીને અન્ય ભાષાઓના જ્ઞાનથી સુસંસ્કૃત કરી હતી. આમ ગુણસુંદરી અતુલનીય સુંદર જ નહીં અતુલનીય વિદુષી પણ હતી.

    અને એ દિવસ આવી ગયો. સવારના બ્રાહ્મ મુરતમાં સુશીલાએ પુત્રને જન્મ આપ્યો. ઘર આખું પ્રસન્નતાથી છલકાઈ રહ્યું. ગુણસુંદરીએ માતાના ઘરેથી આણેલી સોને મઢેલા રુદ્રાક્ષ પોરવેલી સોનાની ચેઈન બાળકને પહેરાવી. ખુશીથી છલકતા ગુણસુંદરીના ચહેરા પર જે આભા પ્રસરી હતી એ જોઈને સુશીલા અને સત્યેન્દ્ર ચકિત બની ગયાં.

    સ્વભાવગત શાંત ગુણસુંદરી સુશીલાની ખુશીથી પ્રફુલ્લ બની જતી. આજ સુધી એના ચહેરા પરની શાંત સૌમ્યતામાં ઉત્ફુલ્લિતા ઉમેરાઈ અને એના આજ સુધીના આ અજાણ્યા ભાવથી સત્યેન્દ્ર એના તરફ આકર્ષાતો ચાલ્યો. ગુણસુંદરી તરફનો સ્નેહ શ્રદ્ધાથી સિંચાયેલો હતો. એ વાત્સલ્ય શ્રુંગારમાં પરિવર્તન થવા માંડ્યું.  સત્યેન્દ્રએ એના આ ભાવ પ્રગટ ન થાય એવી અનેક કોશિશ કરી પણ હવે એને જોઈને એ વ્યાકુળ થઈ જતો. ગુણસુંદરીને જોવાની તીવ્ર લાલસા થઈ જતી. બાળકના લાલનપાલનમાં વ્યસ્ત સુશીલાની અધિકાંશ જવાબદારીઓ ગુણસુંદરીના માથે આવી, અનેક કારણોસર સત્યેન્દ્ર અને એનો અરસપરસ સંપર્ક વધતો ચાલ્યો અને સત્યેન્દ્રનો એના તરફનો મોહ પણ…

    આજે તો નવજાતના નામકરણ સંસ્કારનો દિવસ હતો. આખા દિવસના આ ઉત્સવમાં ગુણસુંદરી પોતાનું અસ્તિત્વ સુદ્ધા વિસરી ગઈ. સૌ વિખરાયા અને રાત્રે જીજાજીનું ભોજન લઈને એ એના રૂમમાં ગઈ. સાહિત્યનું કોઈ પુસ્તકમાં ઓતપ્રોત દેખાતો સત્યેન્દ્ર ખરેખર તો કથાની નાયિકાના સૌંદર્યમાં ગુણસુંદરીને નિરુપીને કલ્પિત જગતમાં રાચતો હતો અને મનોવ્યાપારમાં છવાયેલી એ જ રૂપસુંદરીને સમક્ષ જોઈને એની આંખો વિસ્ફારિત થઈ ઊઠી, જેની ભાવના કરતો હતો એને નજર સામે ઊભેલી જોઈને એ મ્હોં વકાસીને એને જોઈ રહ્યો. જીજાજીના આવા ભાવ જોઈને ગુણસુંદરીના ચહેરા પર વિસ્મય અંજાયું અને એના ચહેરા પર સ્નિગ્ધ સ્મિત આવી ગયું અને વળતી પળે નીચી નજરે એ થાળી ટેબલ પર મૂકીને બહાર નીકળી ગઈ.

    ગુણસુંદરીના એ સ્મિતે એની વિવેક બુદ્ધિને હડસેલીને હ્રદયના તારને ઝંકૃત કરી દીધા. સૌંદર્યે તો ભલભલા મુનિને ચળાવી દીધા છે તો સત્યેન્દ્રની શી વિસાત! એ વધુને વધુ મોહાંધ બનતો ચાલ્યો. એનું મન મનગમતા વિચારોમાં અટવાતું ચાલ્યું. ગુણસુંદરીના સ્મિતનું એ મનભાવન અર્થઘટન કરતો ચાલ્યો. એણે માની લીધું કે ગુણસુંદરીની એ મુસકરાહટ એના પ્રેમનો જ પડઘો હતો.

    સત્યેન્દ્રએ એ આખી રાત ખુલ્લી આંખે સપનામાં વિતાવી. રાતના અંધકારને ચીરતું સવારનું અજવાળું બારીમાંથી ધસી આવ્યું અને એની સાથે ગુણસુંદરીનો સૂરીલો અવાજ પણ..

    “રે મન ભૂલ્યો ફરે જગ વચ્ચે…..” એના અવાજની આંગળીએ એ સત્યેન્દ્ર બહાર બગીચા સુધી દોરાઈ આવ્યો. એકટક એ એને જોઈ રહ્યો. ગુણસુંદરીની નજર પડતાં એનું ભાવ વિશ્વ વિખેરાયું.

    કહેવું ના કહેવુંની અવઢવમાં એ ગુણસુંદરીને પૂછી બેઠો,.

    “ગુણસુંદરી, કેટલાક વખતથી એક વાત કહેવી છે, કહેતા સંકોચ થાય છે, પણ કહેવી તો છે જ. હું પત્ર લખું તો તું એનો જવાબ તો આપીશ ને?”

    “જીજાજી, મારી અલ્પ બુદ્ધિ એવું માને છે કે જે વાત કહેવામાં સંકોચ થાય એ વાત લખીને કહેવી પણ અનુચિત જ હશે અને જે વાત અનુચિત છે એને હ્રદયમાં જ ભંડારી દેવી વધુ યોગ્ય છે.” કહીને એ અંદર ચાલી ગઈ.  સત્યેન્દ્ર સ્થિર બનીને ઊભો રહી ગયો.

    પણ કહે છે ને કે લાગણીઓને જેટલી કાબૂમાં લેવા મથો એટલી એ વધુ છલકાય અને એક દિવસ સત્યેન્દ્રની લાગણીઓ પત્રમાં છલકાઈને ગુણસુંદરી સુધી પહોંચી.

    આ ઘટનાના એક સપ્તાહમાં સુશીલાનો ભાઈ ગુણસુંદરીને લેવા આવ્યો. ગુણસુંદરીની માતાની ઉંમરના લીધે ઘરની જવાબદારી એની પર હતી. ઘરના નાના-મોટા તમામ કાર્યોને એ સરળતાથી  વહે જતી. સુશીલા અને સત્યેન્દ્ર બંને ગુણસુંદરીના જવા પર પોતપોતાના કારણોથી વ્યથિત હતાં. સત્યેન્દ્રના વિવશ હ્રદયમાં તુમુલ સંગ્રામ ચાલતો હતો. એની હ્રદય સમ્રાજ્ઞી દૂર થવાની હતી એ વિચારે એ વ્યાકુળ હતો.  આ ચોવીસ કલાકમાં એણે ગુણસુંદરીને મળવાના અનેક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા. ગુણસુંદરી એને અવગણે છે એવું સમજવા છતાં એના સુધી પહોંચવા મથતો રહ્યો.

    અંતે ગુણસુંદરીથી છૂટા પડવાની ક્ષણ આવીને ઊભી રહી. સ્ટેશન સુધી એની સામે પણ ન જોનાર ગુણસુંદરીએ અત્યંત કોમળતાથી એને બોલાવ્યો. ટ્રેનની બારી પાસે બેઠેલી ગુણસુંદરીએ સુશીલા અને નવજાત શિશુને લઈને આવવાનું આમંત્રણ આપ્યુ.

    ટ્રેન ઉપડી, પ્લેટફોર્મ છોડીને જતી ટ્રેનની સાથે સત્યેન્દ્રને એનામાંથી પણ કશુંક છૂટી રહ્યું હોય એવું લાગ્યું . એ પ્રાણ-શૂન્ય બનીને ઘરે પાછો ફર્યો. ઘરમાંથી જાણે માધુર્ય ચાલ્યું ગયું. સુશીલા કે સંતાન બંનેમાંથી કોઈને મળવા-જોવા સુદ્ધા એને મન ન થયું. મોડી રાત્રે પરિચારિકા આવીને એને એક બંધ કવર આપી ગઈ. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.


    ક્રમશઃ


    જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં કેવી રીતે વ્યક્ત કરી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે એ વાંચીશું આવતા અંકે.


    ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.