-
છબીઓની જાતકકથા: ઉત્તમ છબીઓ અને આસ્વાદ્ય ગદ્યનો સંગમ
પુસ્તક પરિચય
બીરેન કોઠારી

અમદાવાદસ્થિત પ્રકાશક ‘આર્ચર’ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘ક્યાં?ક્યારે? કેમ?’ વડોદરાસ્થિત ચિત્રકાર-પ્રિન્ટ મેકર-તસવીરકાર જ્યોતિ ભટ્ટની પચીસ છબીઓ અને તેને આનુષંગિક લખાણોને સમાવે છે. તેના વર્ણનમાં લખાયું છે એમ આ પુસ્તક ‘જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા- ફોટોલૉગ’ છે.
ગુજરાતી અખબારોમાં છબી-પત્રકારત્વનો યુગ હતો ત્યારે છબીની લંબાઈ જેટલું જ યા તેથી વધુ લંબાઈનું લખાણ લખવાની શૈલી પ્રચલિત હતી. આ લખાણ તસવીરને ઓછી, અને તસવીરકારના ‘લેખનકૌશલ્ય’ને વધુ પ્રગટ કરતી. ‘એક છબી હજાર શબ્દોની ગરજ સારે’ એ ઉક્તિ અહીં અપ્રસ્તુત જણાતી. અલબત્ત, ખ્યાતનામ તસવીરકાર જ્યોતિ ભટ્ટ જહોન શારકોસ્કીને ટાંકતાં લખે છે: ‘ફોટોગ્રાફ ક્યારેય કોઈ હકીકત કે ઘટનાને પૂરેપૂરી રીતે જણાવવા સક્ષમ નથી. જો આપણે એ બાબત ખ્યાલમાં રાખીએ કે વહેતા સમયમાંથી માત્ર એક ક્ષણના પણ નાનકડા ભાગમાં બનતી બાબત છબીમાં રજૂ થાય છે, તો એમાં કોઈ નવાઈ નહીં લાગે- ફોટોગ્રાફ જે કહે છે તે- વાર્તાકથનથી લગભગ અવળું કહી શકાય.’ ખુદ જ્યોતિભાઈ પણ માને છે કે બધી જ છબીઓ કંઈ ને કંઈ વ્યક્ત કરતી હોય છે. મોટા ભાગે છબી દ્વારા મળતી દૃશ્યમાહિતીની તુલનામાં શબ્દો વધુ સબળ પુરવાર થતા જોવા મળે છે.
આ પુસ્તક જે ચાર વ્યક્તિઓને અર્પણ કરાયું છે એ સહુ જ્યોતિભાઈની કલાયાત્રાના સાથીદાર બની રહ્યા હતાં. એ પૈકી તેમનાં પત્ની અને ખ્યાતનામ કલાકાર જ્યોત્સ્ના ભટ્ટ, વિશ્વવિખ્યાત છબીકારો કિશોર પારેખ અને ભૂપેન્દ્ર કારીયા દિવંગત છે, જ્યારે પ્રા. રાઘવ કનેરિયા અમેરિકાસ્થિત છે.
૨૦૧૮માં ચિકનગુનિયાગ્રસ્ત અવસ્થામાં યાદ આવેલા અનેક પ્રસંગો જ્યોતિભાઈએ લખાવી રાખેલા, જે ૨૦૨૦ના લૉકડાઉન દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ઈ-પખવાડિક ‘નોળવેલની મહેક’માં નિયમિતપણે પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકમાં એ લખાણોને સમાવાયાં છે.
ભારતીય લોકકળાનું દસ્તાવેજીકરણ કરતા રહેલા જ્યોતિભાઈએ દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કરેલું છે, અને અનેક તસવીરો લીધેલી છે. આ પુસ્તકમાં દેશના વિવિધ વિસ્તારોની તસવીરો જોવા મળે છે. તસવીરોની સાથેનું લખાણ તસવીરના વિષયને સમજવા, જાણવા અને માણવા અંગે જરૂરી પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે. અસલ ભારતનાં એમાં દર્શન થાય છે. આ લખાણોમાં બે-ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે એવી છે. પોતે કળાપ્રાધ્યાપક રહી ચૂક્યા હોવાની જરાય સભાનતા વિના વિવિધ વિગતો તેમણે પ્રામાણિકતાપૂર્વક જણાવી છે. કેટલીક છબીઓ ખેંચતી વખતે પોતાના મનમાં કંઈક અલગ વિભાવના હતી, અને અમુક પ્રકારનો દૃષ્ટિકોણ પોતાને પછી સૂઝ્યો એવું તેમણે સાવ સહજપણે લખ્યું છે. એવી જ સહજતાથી લખાયેલું ગુજરાતી ગદ્ય પણ ધ્યાન ખેંચે છે. કોઈ પણ ભોગે ગુજરાતીનો જ ઉપયોગ કરવાનું ઝનૂન તેમની પર સવાર નથી, અને જરૂર જણાય ત્યાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ તેમણે કરેલો છે, છતાં તેમનું ગુજરાતી વાંચવાની મજા આવે છે. પોતાની છબીઓને સમજાવવાનો પ્રયત્ન કરવાને બદલે તેમણે એને કયા સંજોગોમાં લીધી, શી રીતે તેની પર ડાર્કરૂમમાં કામ કર્યું વગેરે બાબતો જણાવી છે. નજર સામે દેખાતી એક અદ્ભુત કૃતિની આ સર્જનપ્રક્રિયા જાણવી બહુ રસપ્રદ બની રહે છે. પોતાની અમુક છબીને પુરસ્કાર પ્રાપ્ત થયો હોય એ તેમણે જણાવ્યું છે, તો પોતાની કોઈ છબીની નોંધ સુદ્ધાં ન લેવાઈ હોવાનું તેમણે લખ્યું છે. આ તમામ લખાણોમાં સંવેદનાનો આંતરપ્રવાહ સતત અનુભવાતો રહે છે.
આથી આ પ્રકારનું પુસ્તક કેવળ કળાના વિદ્યાર્થીઓ કે ચાહકો પૂરતું નહીં, પણ વાંચનના રસિયા હોય એવા સૌ કોઈ માટેનું બની રહે એવી ક્ષમતા ધરાવે છે. આથી જ, ક્યાંક રહી ગયેલી જોડણીશુદ્ધિ અથવા છૂટી ગયેલું પરામર્શન રસક્ષતિ કરતાં નથી.
છબીઓ સાથેનું મૂળ લખાણ જ્યોતિભાઈએ ગુજરાતીમાં લખ્યું છે, જે તેની સાથે જ અંગ્રેજીમાં પણ મૂકાયું છે. અંગ્રેજી અનુવાદ જાઈદા જેકબ અને પ્રેરણા શાહે કરેલો છે. ગુજરાતી લખાણોને મઠારવાનું કામ કલાકાર પીયૂષ ઠક્કરે કર્યું છે. કૉફી ટેબલ પુસ્તકના કદનું આ પુસ્તક મુદ્રણ સુઘડ અને નિર્માણ કળાત્મક છે. આ પુસ્તકનાં ૭૫ પૃષ્ઠોમાં ૨૫ છબીઓ અને તેને સંબંધિત લખાણ છે. કળાકારની સર્જનપ્રક્રિયામાં કેવી કેવી બાબતો સામેલ હોય છે તેનો ખ્યાલ આ પુસ્તક થકી સુપેરે મળી રહે છે અને આ પ્રકારનાં વધુ પુસ્તકો તૈયાર થતાં રહે એવી અપેક્ષા રહે છે.
ક્યાં? ક્યારે? કેમ?/ જ્યોતિ ભટ્ટની કેટલીક છબીઓની જાતકકથા– ફોટોલૉગની અન્ય વિગતોઃ,
પ્રકાશક: આર્ચર, અમદાવાદ,
પૃષ્ઠસંખ્યા: 75, કિંમત: 1500/,
(પુસ્તક એમેઝોન પર પણ ઉપલબ્ધ)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
”આ ઘર મિત – વલ્લરીનું છે !?”
વાત મારી, તમારી અને આપણી
ડૉ. મૃગેશ વૈષ્ણવ
એમ.ડી.(મનોચિકિત્સક)
– સરનામા વિનાના ઘરોમાં રહેતા નામ વિનાના સંબંધો ધરાવતા પ્રેમી યુગલો એકબીજા વગર રહી શકતા નથી… અને સાથે રહેવાય તેમ પણ નથી… કારણ મોટે ભાગે આવા યુગલો ઘર-ગૃહસ્થી વાળા હોય છે. તેમની છાની છપની મુલાકાતોનો તનાવ ઝઘડામાં પરિણામે છે. આ સંબંધોનું મનોવૈજ્ઞાાનિક શાસ્ત્ર સમજવા જેવું છે.
વલ્લરી સવારથી જ ઘુંઘવાયેલી છે…. મિત મારી સાથે આવી રીતે બિહેવ કરી જ કેવી રીતે શકે ? આમ ને આમ ક્યાં સુધી ચલાવી લેવું ? દસ વર્ષના કહેવાતા પ્રેમ સંબંધમાં તો એણે મારી પાંખ કાપી નાંખી, મારો આત્મવિશ્વાસ તોડી નાંખ્યો, મારા વ્યક્તિત્વને ઓશિયાળું બનાવી દીધું. સ્ત્રી સન્માન અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મીઠી મીઠી વાતો કરી મને દસ વર્ષ પહેલાં ઘેલી બનાવનાર આ શું એ જ માણસ છે જે જાનવરથી પણ બદતર વર્તન કરી જંગલીયતનું પ્રદર્શન કરે છે ?… આજે મારે આખરી ફેંસલો કરી લેવો છે… !
એવામાં મોબાઈલ પર એસ.એમ.એસ. આવે છે… ”ક્લોઝનેસ રીસાઈડસ ઈન હાર્ટ… નો મેટર હાઉ બીઝી વી.આર… હાઉ ફાર વી… આર… યુ… આર. ઓલવેઝ રીમેમ્બર્ડ… તારો મનમિત્ર… ”
એસ.એમ.એસ. વાંચી વલ્લરીનો પિત્તો સાતમા આસમાને ચડે છે તે સીધો જ મિત્રનો મોબાઈલ લગાવી તેનો ઉધડો લેવાનું શરૃ કરે છે…
”રાયદાથી માંડી શેક્સપિયર સુધીના કવિઓ અને શાયરોની ભાષાના લોભામણા શબ્દો બોલનારો તું હવે ઉછાના એસ.એમ.એસ.ને રવાડે ચડયો છે ? શું હું સાવ મુર્ખ છું કે તારા એસ.એમ.એસ.માં છતી થતી તારી લવિંગ, કેરીંગ ફિલીંગ્સ અને કેર ફ્રી એટીટયુડને સાચા માની લઉં ? હકીકતમાં તો આટલું ભણ્યો ગણ્યો હોવા છતાં તું અનસીવીલાઈઝ પીગ છે. એટલે તારું ધાર્યું ન થાય તો છંછેડાઈ જવું ગમે તેવા અપશબ્દો બોલવા, સામેના માણસમાં જાણે આવડત જ નથી એમ પુરવાર કરી તોડી પાડવું… આઈ હેઈટ યુ મિત આઈ હેઈટ યુ…”
”આઈ હેઈટ યુ… ટુ… બટ આઈ ઓલસો પીટી માયુ વિલુ… હા તારા પર તિરસ્કાર જેટલી જ દયા આવે છે. હું ગમે તેવો છું, ગમે તેવી હેવાનિયત કરું છું. અશ્લિલ શબ્દો બોલું છું. છતાં પણ તું મને એક જળોની જેમ ચોંટી છે. રોજના વીસથી પચ્ચીસ ફોન, પચાસ-સાઠ એસ.એમ.એસ… અરે તારા સંબંધોની જાળમાં ફસાયેલો ન હોત તો મારી આવડત અને ક્રિએટીવીટીને વધારે સમય આપી હું ક્યાંય આગળ વધ્યો હોત પણ તું સાવ નવરી… મારી પાછળ એવી પડી છે કે હું તું ત્રાસી ગયો તારાથી…”
”તો કોણ તને પકડી રાખે છે ? તારે સંબંધોમાંથી છુંટવું હોય તો સીધી રીતે કહે છે… ખોટો દોષનો ટોપલો મારા માથે ન ઢોળ. હું કંઈ તને સામે ચાલીને બોલાવવા ન હતી આવી. તું જ મારી પાછળ પડયો હતો. મેં તો ક્યાંય સુધી તને કોઈ જ ભાવ ન હતો આપ્યો !”
એ તો તારા પર દયા આવતી હતી, ઓફીસમાં તું સાવ એકલી પડતી હતી અને મને તારી સાથે વાત કરવી ગમતી હતી…
”કેવી સુફીયાણી વાતો કરતો હતો… જાણે કૃષ્ણમૂર્તિ અને રજનીશનો સમન્વય તારામાં થયો હોય. મારે મારી અંગત સમસ્યાઓ હતી. તારા શબ્દોમાં મનેમારી સમસ્યાના હલ જણાયા. હું તારા પ્રત્યે આકર્ષાઈ અને તારો પ્રતિભાવ પણ સામે એટલો જ હતો.””તને તારી સમસ્યાનો હલ મારામાં ક્યાંથી જણાયો ? તું અભિમાની, ઘમંડી, વાત વાતમાં છણકતી સ્ત્રી સ્વાતંત્ર્યની મશાલચી છે. એક વાત બરાબર સમજી લે તારે કોઈની પણ પત્ની કે પ્રિયતમાં થઈને રહેવું હશે તો પુરુષને ઝૂકતાં શીખવું પડશે.”
”યુ શટ અપ… ખોટી દાદાગીરી બંધ કર. મારી ખોડખાંપણો શોધી પ્રેમ કરવાના નામે તું મને સુધારવાના કોચીંગ કલાસ નહિ ચલાવી શકે.”વલ્લરી જય રેશમવાલા તથા મિત રાજેશ શાહ બંને સારા વિજાતીય મિત્રો છે. તેમની વચ્ચે માનસિક પ્રગાઢ સંબંધ છે, પ્રેમ છે, આત્મીયતા છે. ઝઘડો છે, તિરસ્કાર છે. લડતાં-ઝઘડતાં પ્રેમ કરતાં સંબંધોનો એક દસકો પૂરો થાય છે. હા… તેમણે એક ઘર બનાવ્યું છે… અલબત્ત સપનામાં… જેના પર લખ્યું છે… ”આ ઘર ‘મિત-વલ્લરી’નું છે !?”
વલ્લરી વગર મિત મૂડલેસ, ખોવાયેલો અને બુદ્ધિ બહેર મારી ગઈ હોય તેવો બની જાય છે. અને મિત વગર વલ્લરીની દશા ”જલ બિન મછલી” જેવી થઈ જાય છે. અર્થાત્ તેનો પ્રાણવાયુ ખતમ થઈ જાય છે. એટલે જ તે મિતનો અવાજ સાંભળવા ફોન કરે છે. વ્યસ્ત મિત તેને ગંદી રીતે જવાબ આપે તો તે એસ.એમ.એસ. કર્યા જ કરે છે.
બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એકબીજા વગર રહી શકતા નથી. અને સાથે રહેવાય તેમ પણ નથી કારણ બંને ઘર ગૃહસ્થીવાળા છે. છાના-છપના મળવાનો સ્ટ્રેસ એટલો વધી જાય છે કે જ્યારે મળે ત્યારે ઝઘડે છે.
વલ્લરીની પુત્રી હવે દસમાં ધોરણમાં છે અને મિતનો પુત્ર બારમાં ધોરણમાં છે. મિત કહે છે કે, ”વલ્લુ… આપણે હવે મોટા થયાં તારે તારું કુટુંબ છે અને મારે મારું. હવે આવા બધા છાનાં-છપનાં સંબંધો પૂરા કરીએ અને સમાજમાં સ્વીકાર્ય હોય એ રીતે મળીએ… એવા નવા સંબંધો બાંધીએ…”
”તો પછી અત્યાર સુધી સમાજને સ્વીકાર્ય નહોતા એવા સંબંધો શા માટે રાખ્યા હતા ? હવે તો આપણાં છોકરાં પણ મોટાં થઈ ગયા છે… તેમના ઉછેરની જવાબદારી પણ પૂરી થવા આવી છે. હવે આપણું શું ? હવે આપણે સાથે કેમ ન રહી શકીએ ? હવે તારે માત્ર મારો જ ખ્યાલ કરવાનો…” વલ્લરીએ પોતાનો દ્રષ્ટિકોણ સમજાવ્યો.
જય શાંત અને સ્વસ્થ વ્યક્તિ છે. પત્ની વલ્લરીની છોકરમત વિશે ઘણું બધું જાણે છે. બે સંતાનોને માતાના પ્રેમની ખબર ન પડે તેની કાળજી રાખે છે.
વલ્લરીનો પ્રેમ તો સાતેય સમંદરના ઘૂઘવતા મોજાંઓની જેમ ઘૂઘવ્યા કરે છે. આધેડ વય વટાવ્યા પછી હવે તેને સમાજના નીતિ-નિયમોનાં, બંધનો અને બદનામીનો ડર નથી. તેને તો મિતની સાથે જ રહેવું છે પણ મિત માટે આ શક્ય નથી. પોતાના બાળકો, પત્ની, માતા-પિતા પ્રત્યેની જવાબદારી તે સમજે છે. એટલે જ વલ્લરીને તેના ઘર તરફ પાછી ફરવા તે સમજાવે છે. પરંતુ વલ્લરી તો હવે મિતને જ વીંટળાઈને રહેવા કૃતનિશ્ચયી છે.
મિતની પત્નીને પતિના એક દાયકા જૂના પ્રેમ સંબંધોની ગંધ આવે છે. મિત સમજાવે છે. ”બિચ્ચારી ઓફીસમાં એકલી સ્ત્રી હતી, નાની હતી, ભોળી હતી, મેં એને મદદ કરી. અમારા વચ્ચે આત્મીયતા સ્થપાઈ. બસ વિશેષ કશું જ નહિ પણ આનો અર્થ એવો ન હોય કે હું મારી આબરૃંનું નિલામ કરી એને મારી સાથે રાખું કે મારું ઘર ભાંગુ.”
રીયાલિસ્ટીક મિત અને પ્રેમઘેલી, નાદાન, વલ્લરી ઓફીસમાં, સમાજમાં ચર્ચાનો વિષય બને છે. વલ્લરીને આની પરવાહ નથી. મિતને હવે વલ્લરી સાથેના સંબંધો ભારરૃપ લાગે છે. પરંતુ વલ્લરી વગર મિતની દશા પણ અસ્વસ્થ થઈ જાય છે.
સંબંધોને નવી દિશા આપવાની મિતની દરખાસ્ત પર વલ્લરી આત્મહત્યાની ધમકી આપે છે. મિત ડરી જાય છે. રીસામણા-મનામણા ચાલે છે. દર બે દિવસે તેમની વચ્ચે અંતિમકક્ષાનો ઝઘડો થાય છે. ઝઘડા પછી પાછું સમાધાન અને પ્રત્યેક ઝઘડા પછી વલ્લરીનો પ્રેમ વધતો જાય છે. પ્રત્યેક ઝઘડા પછી મિતને સંબંધો વધારે ભારરૃપ લાગે છે.મિતને એવું લાગે છે કે વલ્લરી માનસિક રીતે સમતોલ નથી એટલે વાસ્તવિકતા સમજી શકતી નથી. ઉંમર વધવા છતાં તે મુગ્ધા જેવી જ હરકતો કરે છે. બે તરુણ સંતાનોની માતા હોવા છતાં પોતાનાં સંતાનો પ્રત્યે માતા તરીકેની તેની ફરજ શું છે તેનું તેને ભાન નથી. મિત વલ્લરીને બહુ સમજાવે છે પણ તે તેના નિર્ણયમાં અફર રહે છે. સરનામા વિનાનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને તે હવે બેનામ રહેવા દેવા માંગતી નથી.
વારંવાર ગુસ્સે થઈ જતો, ઘાંટા પાડતો, અપમાન કરતો અને ગાળો બોલતો મિત ‘સાયકો’ થઈ ગયો હોય તેવું વલ્લરી માને છે. ક્યારેક તેને એવું લાગે છે કે મિત સ્વાર્થી છે. તેનાથી ધરાઈ ગયો છે. પ્રેમમાં નાદાન બનવું. સમાજની પરવાહ ન કરવી એ પહેલાં તેનો સ્વભાવ હતો પરંતુ હવે તે બદલાઈ ચૂક્યો છે. બંને એકબીજાને મનોચિકિત્સા કરાવવાનું સૂચવે છે.
વલ્લરી અને મિત જેવા સંબંધો ધરાવનારા ઘણાં બધા યુગલો છે. આવા સંબંધોની શરૃઆત અને વિકાસ પાછળ ઘણાં મનોવૈજ્ઞાાનિક પરિબળો હોય છે જે દરેક કિસ્સામાં જુદાજુદા હોય છે.
આવા સરનામા વગરનાં ઘરમાં રહેતા નામ વગરના સંબંધોને વિવિધ દ્રષ્ટિકોણથી મુલવવામાં કંઈ જ ખોટું નથી. માત્ર બૌદ્ધિક સ્તરે જ નહિ પણ હૃદયના સંબંધોને સાંકળી આમાં વિચાર કરવો જોઈએ. આવા સંબંધો લાગણીના તાણા-વાણાથી બંધાયેલા હોય છે. આ લાગણી તૂટે છે. અપેક્ષાઓ ભાંગીને ભૂક્કો થાય ત્યારે વ્યક્તિ હચમચી ઊઠે છે. હતાશ બને છે, માણસ પશુ નથી કે તેને આ સંબંધ સાથે કોઈ નિસ્બત ન હોય. એકબીજાના સાથ સહકાર વગર આવા સંબંધોને એક નવો વળાંક આપવો પણ મુશ્કેલ બને છે.
આવા સંબંધોમાં મોટે ભાગે સ્ત્રીને પ્રેમ, હુંફ, ભીનાશ અને લાગણીની જરૃરિયાત હોય છે. આ માટે તે ગમે તે ભોગે સંબંધો જાળવવા માંગે છે. પુરૃષને માટે આ પરસ્પર પ્રેમ ઉપરાંત વાસનાનો સંબંધ હોય છે. શારીરિક સૌંદર્ય માણી લીધા બાદ સતત એકધારા પણાને કારણે પુરુષ નવીનતા ઝંખે છે. આવા સંબંધો પછી તેનામાં ‘અપરાધભાવ’ અને ‘ક્ષોભ’ ઉત્પન્ન થાય છે. લાંબા સમયે આવા સંબંધો તેને ‘લાયાબિલીટી’ ભારરૃપ લાગે છે.
સંતાનો માતા-પિતાના આવા સંબંધોને સ્વીકારી શકતા નથી. ડરને કારણે તેઓ ક્યારેક પિતાને કંઈ કહી શકતા નથી. સંતાનોને માતા અણીશુદ્ધ માત્ર પોતાની જ જોઈએ છે.
સરનામા વગરના ઘરમાં રહેતા નામ વગરના સંબંધોનું શાસ્ત્ર ઘણું વિશાળ છે.
જો સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પણ એક તબક્કે તંદુરસ્ત વિજાતીય મૈત્રી સંબંધ ન સ્થાપી શકાય તો ખડકો પર માથાં પછાડી પછાડીને છિન્નભિન્ન થતાં દરિયાના મોજાંની માફક જ સમાજમાન્ય સગપણ વગરના આવા સંબંધો ખતમ થઈ જાય છે.
ન્યુરોગ્રાફઃ
પ્યાર કરના જુલ્મ હૈ તો જુલ્મ હમસે હો ગયા !
કાબિલે માફી હુઆ કરતે નહીં ઐસે ગુનાહ ??
ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.,નાં વિજાણુ સંપર્ક સૂત્રો:
E_Mail: mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com -
કાચા કામના કેદી : વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિક
નિસબત
ચંદુ મહેરિયા
કાચા કામના કેદીઓની વૈશ્વિક સરેરાશ ૩૪ ટકા છે. રાષ્ટ્રકુળના ૫૪ દેશોમાં સરેરાશ ૩૫ ટકા કાચા કામના કેદી છે. પરંતુ ભારતમાં તેમની ટકાવારી ૭૬ થી ૮૦ ટકા જેટલી ઉંચી છે.! ભારતમાં દર ચારમાંથી ત્રણ કેદી પ્રિ.ટ્રાયલ, અંડર ટ્રાયલ, વિચારાધીન કે કાચા કામના છે. જેલોમાં સબડતા આ કેદીઓના કેસો હજુ અદાલતની વિચારણામાં આવ્યા નથી, અદાલતમાં પડતર છે, જામીન મળવાપાત્ર હોવા છતાં ગરીબીને કારણે કેદી જામીનની રકમ કે વકીલનો જોગ કરી શકતાં નથી એટલે દિવસો કે મહિનાઓથી જ નહીં વરસોથી બંદીઘરમાં બંધ છે. નિવૃત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સી.જે.રમન્ના બહુ યથાર્થ રીતે જ કાચા કામના કેદીઓને વણદેખ્યા, વણસુણ્યા ભારતીય નાગરિકો તરીકે ઓળખાવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન અને વ્યવસાયની સુગમતા જેટલી જ ન્યાયની સુગમતા હોવી જોઈએ તેમ જણાવી કાચા કામના કેદીઓની મુક્તિનો પ્રશ્ન હલ કરવા અનુરોધ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે તેના જુલાઈ-૨૦૨૨ના ચુકાદામાં સરકારને કાચા કામના કેદીઓના કેસોના ભરાવા માટે બ્રિટનની જેમ ભારતમાં પણ જામીન અંગેના અલગ કાયદાની વિચારણા કરવા સૂચન કર્યું છે. જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. તેવા ૧૯૭૭ના સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છતાં વરસોથી જામીનની રાહ જોતાં કેદીઓથી ભારતની જેલો ભરચક છે. તેથી પણ જામીન માટેના અલાયદા કાયદાની આવશ્યકતા જણાય છે.
નિવૃત સીજેઆઈ રમન્નાએ એક જાહેર વ્યાખ્યાનમાં દેશની ૧૩૭૮ જેલોમાં ૬.૧૦ લાખ કેદીઓમાંથી ૮૦ ટકા કાચા કામના કેદીઓ હોવાનું જણાવ્યું હતું. ગૃહ મંત્રાલય હસ્તકના રાષ્ટ્રીય અપરાધ નોંધણી એકમના પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા ૨૦૨૦ મુજબ કુલ ૪.૮૮ લાખ કેદીઓમાંથી ૩.૭૧ લાખ (૭૬ ટકા) કાચા કામના કે ગુનો સાબિત થયા વિના જ જેલની સજા ભોગવતા કેદીઓ છે. ફેબ્રુઆરી ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે ત્રણ મહિના સુધીના કાચા કામના કેદીઓ ૧.૩૦ લાખ, એક થી બે વરસના ૫૪,૨૮૭, બે થી ત્રણ વરસના ૨૯,૧૯૪ અને ત્રણથી પાંચ વરસના ૧૬,૬૦૩ છે. રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું કે ઉત્તરપ્રદેશમાં ૨૦૨૦ અંતિત ૧.૦૭ લાખ કેદીઓમાંથી ૮૦,૫૫૭ વિચારાધીન કેદીઓ હતા, જે દેશભરમાં સૌથી વધુ છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ અને મુસ્લિમોની વસ્તી ૩૯ ટકા છે. પરંતુ આ ત્રણેય વર્ગના કુલ કેદીઓ ૫૫ ટકા છે. ક્રિમિનલ જસ્ટિસ ઈન ધ શેડો ઓફ કાસ્ટ અને અન્ય અભ્યાસોના સંશોધન દર્શાવે છે કે અંડર ટ્રાયલ કેદીઓમાં ૭૩ ટકા દલિત,આદિવાસી અને પછાત વર્ગના છે. વિચારાધીન કેદીઓમાં ૬૮ ટકા ગરીબ, અભણ અને સ્કૂલ ડ્રોપ આઉટ છે. ૪૮.૮ ટકા કાચા કામના કેદીઓની ઉંમર ૧૮ થી ૩૦ વરસની છે. આ સઘળા તારણો જણાવે છે કે સમાનતાના અધિકાર છતાં પોલીસ અને અદાલતની કાર્યવાહીમાં ભારોભાર અસમાનતા પ્રવર્તે છે. તેને કારણે જ કાચા કામના કેદીઓમાં મોટી સંખ્યામાં ગરીબ ,અશિક્ષિત,મહિલા અને પછાત સમુદાયના લોકો છે.
વિશાળ પ્રમાણમાં કાચા કામના કેદીઓ હોવાનું કારણ પોલીસ તંત્ર, ન્યાય તંત્રની કામગીરી અને ભારતમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતા છે. આડેધડ થતી ધરપકડોના પરિણામે જ કુલ કેદીઓમાં પોણાભાગના વિચારાધીન છે ધરપકડ એક કઠોર પગલું છે.તેથી પોલીસે તેનો નિયત પ્રક્રિયા અનુસરીને સંયમ કે સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે કાચા કામના કેદીઓથી જેલો ઉભરાય છે.ખોટી અને ભેદભાવયુક્ત ધરપકડોથી ઘણા નિર્દોષ લોકો વગર ગુને કે ગુનો સિધ્ધ થયા વિના જેલની સજા વેઠે છે. ધ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર ૧૯૭૩ની કલમ ૪૧ અને ૪૧-એમાં ધરપકડની પ્રક્રિયા દર્શાવી છે. તેનો અમલ કર્યા વિના પોલીસ ધરપકડો કરે છે. તેથી પણ અધિકાંશ અંડરટ્રાયલ માટે તો જેલ એ જ સજા બની રહે છે. કેટલાક ગુનાઓમાં પોલીસ જ આરોપીને જામીન પર મુક્ત કરી શકે તેમ હોય છે. તેનું પણ પાલન થતું નથી. તેથી અદાલતોનું કામ વધે છે.
બેફામ ધરપકડો માનવ અધિકારનું તો ઉલ્લંઘન છે જ. તેને લીધે અદાલતોનું ભારણ અને ખર્ચ વધે છે. રાષ્ટ્રીય પોલીસ આયોગના ત્રીજા રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પોલીસ ૬૦ ટકા ધરપકડો તો સામાન્ય ગુનાઓ સબબ કરે છે. મધ્યપ્રદેશના આબકારી અધિનિયમ હેઠળ ૪૭ ટકા ધરપકડો જામીનપાત્ર ગુનાઓમાં થઈ હતી. વકીલની ફી, જામીનની રકમ અને મફત કાનૂની સહાયના બંધારણીય અધિકારની જાણકારીના અભાવે ઘણાં કાચા કામના નિર્ધન કેદીઓ જેલોમાં સબડે છે.
એક વાર ધરપકડ થયા પછી જેલમાં ગયેલા કેદી માટે તો ન્યાયિક પ્રક્રિયા જ સજા સમાન છે.અદાલતોની વિલંબિત અને તારીખ પે તારીખની કાર્યવાહી અંડરટ્રાયલને લાંબો સમય જેલમાં રહેવા મજબૂર કરે છે. ૨૦૧૦ થી ૨૦૨૦માં એક વરસના અંડર ટ્રાયલ ૭ ટકાથી વધીને ૨૯ ટકા થયા હતા. તેથી પણ ખોટી ધરપકડો કરી આરોપીને જેલ હવાલે કરનાર પોલીસ અધિકારીઓ સામે અદાલતે આકરા પગલાં લેવાની જરૂર છે.
પોલીસ તપાસ જૂની-પુરાણી ઢબે થાય છે. આધુનિક તકનિકનો ઉપયોગ ખાસ થતો નથી. ગુનાઓ અંગેની પોલીસ તપાસ પૂર્ણ થઈને નિયત મુદતમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતી નથી.અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા તેની ગતિમાં જ ચાલે છે અને સજાનો દર ઘણો નીચો હોય છે. નીચલી અદાલતો આરંભે પોલીસ પર વિશ્વાસ રાખીને આરોપીઓને જેલમાં ધકેલે છે. આ કારણોથી પણ કાચા કામના કેદીઓને લાંબો સમય જેલમાં રહેવા વારો આવે છે.
વિચારાધીન કેદીઓનો સવાલ ઉકેલવા માટે જામીન માટેના અલાયદા કાયદાની તાતી આવશ્યકતા છે. પોલીસ જેટલી જ દેશની ન્યાય વ્યવસ્થા પણ કાચા કામના કેદીઓ માટે જવાબદાર છે. નિયમિત અને આગોતરા જામીન માટેની નિયત મુદતનું અદાલતોએ પાલન કરવું જોઈએ. પોલીસે વધુ સંવેદનશીલ બની આડેધડ ધરપકડો કરવાનું વલણ ટાળવું જોઈએ.અદાલતોએ ધરપકડની પ્રક્રિયાનો અમલ ન થયો હોય તેવા કિસ્સાઓમાં પોલીસનો કાન આમળવો જોઈએ. કાનૂની સહાય અંગે જાગૃતિ અને જામીનની રકમ ભરવા અસમર્થ કેદીઓની તપાસ થવી જોઈએ. અદાલતોના હુકમો જેલ સત્તાવાળાઓને સમયમર્યાદામાં મળે અને જામીન મંજૂર થયા હોય કે સજા પૂરી થઈ હોય તેવા કેદી જેલમાં ન હોય તે જોવામાં આવે તો અંડરટ્રાયલની સમસ્યા ઘણેઅંશે ઉકેલી શકાય.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખાનગી
મોજ કર મનવા
કિશોરચંદ્ર ઠાકર
“ભોંયમાં પેસી ભોંયરે, કરીએ છાની વાત
ઘડીએ મનમાં ઘાટ તે, જાણે જગનો તાત.”કવિ દલપતરામ
વિશ્વના કોઈપણ ખૂણે બનતા બનાવની જાણ કરવા માટે દુનિયા આખીમાં છાપાંઓ, રેડિયો અને ટેલિવિઝનો સતત કાર્યરત રહેતાં હોય છે. તેમના ખબરપત્રીઓ આ માટે ઠેર ઠેર ઘૂમતા હોય છે. જે સરકાર કે સંસ્થાના વહીવટમાં પારદર્શિતા હોય- એટલે કે ત્યાં શું ચાલી રહ્યું છે તે આમજનતા જાણી શકે- તે સંસ્થાની પ્રશંસા થાય છે. પોતે શું કરી રહી છે તે લોકોને જણાવવા માટે સરકારો જાહેરાતો પણ કરે છે અને જાહેરાતો માટે અલગ બજેટ પણ ફાળવવામાં આવે છે. આથી આપણે એમ માનવા પ્રેરાઇએ છીએ કે સરકારને પોતાની કામગીરીની જાહેરાતનું મહત્વ ખૂબ જ છે. પરંતુ નવા નિમાતા પ્રધાનો અને બીજા એવા મહત્વના હોદેદારોને ગુપ્તતાના એટલે કે કેટલીક બાબતો ખાનગી રાખવા માટે સોગંદ લેવા પડે છે. આ રીતે દરેક સરકારનો આરંભ તો ‘ખાનગી’થી જ થાય છે. આપણો અનુભવ એવો છે કે સોગંદ કે પ્રતિજ્ઞા એવા કાર્યો માટે જ લેવા પડે કે જે કરવા કે ન કરવા ખૂબ મુશ્કેલ હોય. આથી એમ માની શકાય છે કે સરકાર માટે કેટલીક માહિતીઓ ખાનગી રાખવી એ ઘણું મુશ્કેલ કામ છે. આ મુશ્કેલ કાર્ય માટે સરકારના કેટલાક વિભાગોમાં ‘ખાનગી’ નામની એક શાખા રાખવામાં આવતી હોય છે જેમાં ચુનંદા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે.
જેવું સરકારનું એવું જ જનસાધારણનું. કોઇપણ વાત ખાનગી રાખવી એ આપણામાંનાં મોટાભાગના લોકો માટે ખૂબ કઠણ કામ છે. કેટલાકને તો એ પડકારરૂપ બની જાય છે. એમ કહેવાય છે કે ગણેશજીને મોટા કાન એટલા માટે આપવમાં આવ્યા છે કે તે ઘણુંબધું સાંભળી શકે, પરંતુ આ સાંભળેલી વાતો ખાનગી રાખવી એ ગણેશજી માટે પણ મુશ્કેલ હોઈ તેમને મોટાં પેટની સુવિધા આપવી પડી છે. વ્યવહારમાં આપણે કોઈને કશીક માહિતી ખાનગી રાખવા “પેટમાં રાખજો” એમ ભાર દઈને કહીએ છીએ. જે માણસ વાત ખાનગી રાખવા માટે અસમર્થ હોય તેને માટે કહેતા હોઈએ છીએ “બિલાડીના પેટમાં ખીર ટકે તો ફલાણાનાં પેટમાં (ખાનગી)વાત ટકે”.
ખાનગીનું આકર્ષણ સૌ કોઇને હોય છે. કોઈ વાતને ખાનગીનું લેબલ લગાડવાથી તેનું મહત્વ તો વધી જ જાય છે ઉપરાંત તે માટેની જિજ્ઞસા પણ વધી જાય છે. કશુંક ખાનગી છે એવો ખ્યાલ આવતાની સાથે જ નિર્જીવ લાગતી દિવાલ પણ કાન ધારણ કરી લે છે. કોઇપણ સમાચાર આપણે ફેલાવવા હોય તો નિ:શુલ્ક સેવા આપવા કેટલાક મનુષ્યો હાજર જ હોય છે, શરત માત્ર એટલી કે તેમને ‘આ વાત ખાનગી રાખજો’. એમ કહેવું પડે.
“વાત બહાર જાય નહિ, કોઈને કહેવાય નહિ, આ તો તમે ઘરના બાકી કોઇને કહેવાય નહિ” ગુજરાતી ગીતના આ શબ્દો સૂચવે છે કે ખાનગીનું લેબલ લગાડીને કહેવાથી સામેની વ્યક્તિને આત્મીયતાનો અનુભવ કરાવાય છે. તેથી મોટી સંખ્યામાં આત્મીયો બનાવવા માટે વધુ ને વધુ લોકોને વાત ખાનગીનું લેબલ લગાડીને કહેનારા લોકો હોય જ છે.
જુદી જુદી વાતોને ખાનગી રાખવા માટે જુદા જુદા કારણો હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકો કોઇપણ કારણ વિના ‘કલા ખાતર કલાની જેમ’ “આ તો તમને જ કહું છું બીજાને કહેવાય નહિ” એમ દરેકને કહેતાં ફરતાં હોય છે. રાજા ભરથરીએ પોતે આપેલું અમરફળ ફરતું ફરતું તેની પોતાની પાસે જ આવી ગયેલું એમ કેટલીક ખાનગી વાતો જુદા જુદા કાનોના પ્રવાસ કરીને મૂળ વ્યક્તિ પાસે પાછી આવી જતી હોય છે.
આપણો ખ્યાલ એવો હોય છે કે ખાનગી એટલે કોઇ વાત કે સમાચારની સામગ્રીને(Content) ખાનગી રાખવી. પરંતુ કેટલીક વખત સમાચાર તો જાહેર કરવાના જ હોય છે પણ તે ક્યાંથી આવ્યા એટલે કે તેનું ઉદભવ સ્થાન ખાનગી રાખવું જરૂરી હોય છે. છાપામાં આપણે ઘણીવાર વાંચતા હોઈએ છીએ કે પોતાનું નામ ન જણાવવાની શરતે કોઈ વ્યક્તિએ જે તે વાત જણાવી. એ જ રીતે સમાચારપત્રોમાં કે ટિવી પર કોઇ ખબર સુત્રોના હવાલાથી કહેવાય છે. આ ‘સુત્રો’ કેવા હશે અને ક્યાં રહેતા હશે એ આજસુધી સમજાયું ન હોવા છતાં સુત્રો એટલે ખાનગી એવો ખ્યાલ તો આવે જ છે.
આજે ખૂબ આગળ વધેલી ટેક્નોલોજીને કારણે માહિતી ઝડપથી ફેલાવી શકાય છે. તેથી આપણે એમ માનીએ છીએ કે ખાનગીનું મહત્વ ઓછું થઈ ગયું છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ ટેક્નોલોજીએ પાસવર્ડની વ્યવસ્થા કરવી પડી છે. આ પાસવર્ડનું મહત્વ તેના ખાનગી હોવામાં જ છે.
ખાનગી વાત જેમ બને તેમ ઝડપથી જાણી લઈએ તેવી આપણી ઇચ્છા સસ્પેન્સ ફિલ્મો જોતી વખતે કે જાસુસી નવલકથા વાંચતી વખતે બિલકુલ ઉલ્ટી રીતે વર્તે છે. ફિલ્મ કે જાસુસી નવલકથાનું રહસ્ય જાણવમાં જેટલો વિલંબ થાય તેટલું મનોરંજન વધારે મળે છે!
એમ કહેવાય છે કે સમાજમાં પરસ્પરના સબંધો ટકી રહે તે માટે કુદરતે મનુષ્યના વિચારો ખાનગી રાખવાની વ્યવસ્થા કરી છે. જો આ વ્યવસ્થા ન કરવામાં આવી હોત તો શું થાય તેની કલ્પના પણ ભયંકર છે. મિત્ર-મિત્રના, પતિ-પત્નીના, ગ્રાહક-વેપારીના કર્મચારી-બોસના એમ પરસ્પરના સબંધો ધરાવતા કે સંપર્કમાં આવતા લોકોને એકબીજાના મનમાં ચાલતા ખાનગી વિચારોની જાણ થઈ જાય તો શી પરિસ્થિતિ થાય તેની સમજી શકાય તેમ છે. મને લાગે છે કે અણુબોંબની સહાય વિના જ માનવ જાતનો અંત આવી જાત!
આ રીતે પારદર્શિતાને ગમે તેટલી નવાજવામાં આવે પણ વધારે ઉપયોગિતા તો ખાનગીની જ છે. પરસ્પર વાતચીત કરવાનો ઉત્સાહ આપણને ગમે તેટલો હોય પરંતુ આપણી આપણી મથામણ તો કેટલીક પસંદગીની માહિતીઓને ખાનગી રાખવાની જ હોય છે. આ લેખની શીર્ષક પંક્તિઓ બાળપણમાં જાણી ત્યારે એવું સમજતા કે કોઇ વાત કે કાર્ય ગમે તેટલું ખાનગી રાખીએ તો પણ તેની જાણ વિશ્વપતિ એટલે કે ભગવાનને થઈ જાય છે. આ ભગવાન બાબતે આપણી સમજ એવી હતી કે કોઈ દિવ્ય પુરુષ અદૃશ્ય જાસુસ બનીને આપણે જ્યાં પણ જઈએ ત્યાં આપણો પીછો કરતો હશે અને આપણા ખાનગી વિચારો કે કરતુતો જાણી લેતો હશે. પરંતુ આજે એમ લાગે છે કે એ ઇશ્વર બીજું કોઇ નહિ પરંતુ આપણો અંતરાત્મા છે, જે હંમેશ આપણી સાથે જ રહેયો હોય છે. સૌથી વધારે પ્રયત્નો આપણા ખોટા વિચારો કે કરતુતોને પોતાના અંતરાત્માથી ખાનગી રાખવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ જેમ અન્યનાં પગરખા પહેરતી વખતે આપણા પોતાના પગ જ કહી દે છે કે કશુંક ખોટું થઈ રહ્યું છે તેમ પેલો માંયલો બધું જ જાણી જાય છે અને આપણને ‘રુક જા, રુક જા ‘એમ કહેતો પણ હોય છે. પરંતુ આપણે આ અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કરીએ છીએ અને આપણાં અંતરાત્માને છેતરવાના પ્રયાસો કરતાં હોઈએ છીએ. પરંતુ જેમને આપણે મહાપુરુષો કહીએ છીએ તેમને કશું પણ ખાનગી રાખવાનું હોતું નથી, ખાસ કરીને પોતાના અંતરાત્માથી તો નહિ જ. આથી જ પોતાના વિચારો જેનાથી કદી ખાનગી રાખવાનો પ્રયાસ કરતા નથી તેવા પોતાના અંતરાત્માના આદેશ મુજબ વર્તન કરનારને જ આપણે ગાંધીજી કે સોક્રેટિસ કહીએ છીએ ને?
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પાકિસ્તાનથી આવ્યો ફૂલનો દડો!
લ્યો, આ ચીંધી આંગળી
રજનીકુમાર પંડ્યા
જીવનના પ્રભાતકાળના સોનેરી હુંફાળા તડકા જેવા બચપણના દિવસો કોઇ ભૂલતું નથી. હું પણ ભૂલ્યો નથી. કરાચીના જનાબ યાહ્યા હાશીમ બાવાણી, આઝાદી પહેલાંના કાળે અમારી નવ-દસની ઉંમરે, મારા શેરીગોઠીયા હતા. પછી તો ૧૯૪૭માં હિજરત કરીને પાકિસ્તાન ચાલ્યા ગયેલા. અને કાળક્રમે મારા ચિત્તમાં એ ઝાંખી છબી બનીને રહી ગયા.

જનાબ યાહ્યા હાશિમ બાવાણી પણ ત્રીસેક વર્ષ પહેલાં એ અમારા વતન જેતપુરમાં આવ્યા ત્યારે અહીંથી હિજરત કરી ગયેલા પહેલાંના પોતાના ઘરની દીવાલો જોઈને રડી પડ્યા હતા. હા, અહીં હતી ઓસરીની ખાંડણી, અહીં હતું અમારૂં રસોડું, અહીં ભીંતે અમે આડાઅવળા ચિતરામણ કર્યા કરતા. અહીં અમારી બકરી બંધાતી ને આ ગલીમાંથી પસાર થતા અમારા મોહર્રમના તાજીયા. વતનની ધૂળને એમણે માથે ચડાવી હતી ને પાછી જેતપુરની શોભારૂપ એવી કેટલીક હસ્તીઓ હવે ભલે વૃદ્ધ થઈ ગઈ હતી પણ એમનેય મળ્યા હતા ને પોશ પોશ આંસુએ રડ્યા હતા. એમાંના એક હતા એક વારની અંજુમને ઈસ્લામ સ્કૂલના પ્રિન્સિપાલ અને પાછળથી જેતપુર સુધરાઈના ચીફ ઓફિસર થયા તે ચત્રભુજભાઈ દવે ને બીજા હતા ડોક્ટર રાજેન્દ્ર બિહારીલાલ વચ્છરાજાની, જે આખા જેતપુરમાં સૌથી સોહામણા પુરૂષ હતા અને વહાલથી જેમને સૌ ડોક્ટર જાનીના ટૂંકા નામે સંબોધતા. એમની વાણી જ અર્ધી દવાનું કામ કરતી. યાહ્યા હાશિમ બાવાણી પછી એમના બચપણના મિત્રોને શોધી રહ્યા. કેટલાક કાળની ગર્તામાં વિલીન થઈ ગયા હતા. કેટલાક મળ્યા હતા અને પચાસ-પંચાવનની ઉંમરે ખખડી ગયા હતા, મોતિયા ઉતરાવીને બેઠા હતા.
યાહ્યાભાઈએ મારી પણ પૃચ્છા કરી હતી. એમનો હું પાક્કો શેરીભેરૂ હતો, પણ હું તો હવે અમદાવાદ રહેતો હતો. એ મને મળવા તો ન આવી શક્યા અને ના તો ફોન કરી શક્યા, કારણ કે એ આવ્યા ત્યારે મોબાઇલ તો નહોતા જ, પણ સાદા ફોનેય આટલા હાથવગા નહોતા. પણ કરાચી જઈને મને એમણે લાંબો લાગણીભીનો, નાનપણનાં સંભારણા તાજાં કરતો પત્ર લખ્યો હતો. એમણે એક વાક્ય એવું લખ્યું હતું જે વાંચીને મારા દેહમાંથી, ચિત્તમાંથી પણ લાગણીનો ઉકરાટો પસાર થઈ ગયો હતો. એમણે લખ્યું હતું : ”ભાઈબંધ, તમને મળી તો ન શક્યો પણ તમારૂં સરનામું મેળવીને પણ હું રોમાંચિત થઈ ગયો. જાણે કે આપણી ડાયમંડ ટોકિઝના પરદે તમને જૂના વારંવાર પટ્ટી કપાઇ જતાં પિક્ચરરૂપે જોયા. એ વખતે તો સાવ ખખ્ખુડી-મખુડી હતા મુઠી હાડકાંના ! અત્યારે તો એ પરદે કેવા લાગતા હશો. ફોટું મોકલજો.” એ પછી પણ આ પુસ્તકની તૈયારી મિષે અમારી વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો હતો. પણ પચાસ વરસોના વીતવા સાથે અમારી વચ્ચેથી તુંકારાનો લોપ થઈ ગયો હતો. છતાં પત્રનો અક્ષરે અક્ષર ધબકતો હતો. મારાથી પણ પત્રમાં એમને તુંકારો ન લખી શકાયો લખ્યું, “તમારી મેમણ કોમ સાથેનો મારો અનુબંધ જૂનો છે. મને કદી કોમવાદનો હલકો વિચાર સુદ્ધાં નથી આવ્યો. એના મૂળમાં મારા બચપણના મેમણ શેરીમિત્રો હારૂન, અબ્દુલાહ, ગફાર, ગની અને બીજાઓ છે. આઇસા(આયેશા) નામની લીલી આંખોવાળી છોકરી પણ ઇજાર-આબો પહેરીને અમારી સાથે ત્રણ ખજુરીએ ખલેલાં પાડવા આવતી. ખજૂરી પર ઉંચે સુધી પથરા ફેંકવાથી નિશાન લાગે તો ચણીબોર જેવડાં લીલાં ખલેલાં નીચે પડતાં, જે છોકરીઓ ખોળો પહોળો કરીને ઝીલી લેતી. આઇસા મારી ખાસ ભેરુ હતી, કારણ કે એને મારા કોડીઓના જંગી કલેક્શનમાં રસ હતો અને મને રસ એના ખોળાનાં લીલાં ખલેલાંમાં. એ મને ખોળો ભરીને ખલેલાં આપતી અને હું એને ગણી ગણીને કોડીઓ આપતો. જો કે, એ તો નવ-દસની ઉંમરે જ પાકિસ્તાન ચાલી ગઇ. પાછળથી પાકિસ્તાનમાં આવી યુવાન થઈ ત્યારે સી ગ્રેડની ફિલ્મોમાં એકટ્રેસ બની. ઘણા વરસે એક દોસ્ત જુસબ આમદ જેતપુર આવ્યો ત્યારે મને એ કહેતો હતો કે આઇસા પાકિસ્તાની ફિલ્મોમાં એની એ લીલી આંખોને કારણે ‘સી’ ગ્રેડની ફિલ્મોમાં રોલ કરે છે. અને એણે બલુચીસ્તાનના એક ખાણ માલિકને ફાંસ્યો છે. સાંભળીને મારા મનમાં એની ચંચળ લીલી આંખો ઉપસી આવી હતી. મેં કહ્યું, ‘હવે જો એનું સરનામું મળે મને જરૂર લખી મોક્લજો. હું જરા પ્રયત્ન તો કરી જોઉં કે હવે સ્ટાર બની ગયા પછી મને ઓળખે છે કે ઓળખવાનો ઇન્કાર કરી દે છે !’
હવે તો જન્નતનશીન એવા જનાબ યાહ્યા હાશિમ બાવાણી મારી જ ઉંમરના હતા.(આ લેખ લખ્યો તે સમયે) સાંઠની આસપાસ. જે પાકિસ્તાનમાં પત્રકાર હતા અને સર્જક જીવ પણ હતા. ત્યાં નામાંકિત વર્તમાનપત્રોના તંત્રીપદે હતા. હજુ પણ ત્યાંના પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા. 180-ઈ, આદમજીનગર, એ બ્લોક, કાઠિયાવાડ સોસાયટી,મક્કા મસ્જિદ પાસે, કરાચી(પાકિસ્તાન)માં રહેતા હતા . એમની જન્મભૂમિ અને વતન જેતપુર હતું, પણ બીજા હજારો જેતપુરવાસીઓની જેમ એમના દિલમાં જેતપુર પ્રાણસ્થાને હતું. પણ બીજાઓ પાસે કલમ નથી જ્યારે આમની પાસે એક સર્જક-પત્રકારની કલમ હતી એટલે એમણે પુસ્તકો પણ અનેક લખ્યાં હતાં– એમાંનું છેલ્લું તે દળદાર, કાળા પૂંઠાનું, સોનેરી અક્ષરના એમ્બોસવાળું પુસ્તક ‘મારા જેતપુરના મેમણો” છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલે છે એ દિવસોમાં યારદિલીથી એમણે મને એ છેક કરાચીથી મોકલ્યું હતું. (એ પુસ્તક માટે યથાશક્તિ સામગ્રી મેં એમને મોકલી હતી, જેનો એમણે પ્રસ્તાવનામાં સાભાર ઉલ્લેખ પણ કર્યો છે. અઢીસો જેટલા પાનામાંથી માત્ર શરૂનાં પંચાવનેક પાનાં જ અંગ્રેજીમાં છે. બાકીનાં તમામે તમામ આપણી અને આપણી ગુજરાતી ભાષામાં છે. એની ઈન્ડેક્સ અને થોડાં પાનાં આ લેખ સાથે મૂક્યાં છે.

પુસ્તકનું નામ ભલે ‘મારા જેતપુરના મેમણો”’ એવું હોય, પણ એમાં ‘મારા’ શબ્દ ઉપર આત્મીયતાની છૂપી અન્ડરલાઈન છે ને મેમણો શબ્દની નીચે કોઈ દેખીતી કે છૂપી અંડરલાઈન નથી. મેમણો કેન્દ્રમાં નથી. હિંદુઓની પણ અનેક વાતો એમાં છે. મહાદેવનાં મંદિરોની, જેતપુરના હિન્દુ મહાનુભાવોની, હિન્દુ તહેવારોની, જેતપુરમાં થતી ઉજવણી, જેતપુરમાંના સાહિત્યકારોની, રાજકર્તાઓની એમાં ઝીણી ઝીણી વિગતો છે. યાહ્યા હાશિમ બાવાણીએ,આપણને એમ જ લાગે કે આજથી પચાસ વર્ષ પહેલાંના સુંદર રૂપકડા જેતપુર શહેરની જ આ પુસ્તક લખીને પુર્નરચના કરી છે. જૂના જેતપુર શહેરની કાળના ચક્રમાં ચૂરા થઈ ગયેલી એક-એક ઈંટોને એમણે પોતાની સ્મૃતિના નિભાડામાં ફરી પકાવી છે ને ફરી નવેસરથી એ જૂના શહેરને નવું તોરણ બાંધ્યું છે.
કેટલી મઝાની વાત છે કે એમાં આવડા મોટા પાકા પૂંઠાના પાકિસ્તાની બસો રૂપિયાના(અમેરિકન ડોલર દસ)ના પુસ્તકમાં પોતાની અંગત સ્મૃતિઓને ક્યાંય તરતી મૂકી નથી. જેને પ્રત્યક્ષ જોઈને જેતપુરમાં પોતે રડી પડ્યા હતા એ ઘર કે એ શેરીનો ફોટોગ્રાફ સુદ્ધાં એમાં નથી. એમનો રસ યાહ્યા હાશિમ બાવાણીની અંગત જેતપુર સૃષ્ટિમાં નહોતો જ. એમનો રસ પચાસ વરસ પહેલાંના સો-દોઢસો વરસના ગાળાના જેતપુર, એના મેમણો, એમના હિન્દુ બિરાદરો, એમની સંસ્કૃતિ, એમનો ઈતિહાસ, એમની રહનસહન, એમની સમાજ અને ગૃહવ્યવસ્થા આલેખવા સાથે અત્યારે પાકિસ્તાનમાં પણ જેતપુરની યાદને એમણે કેવી કેવી રીતે પ્રજ્વલિત રાખી છે એમાં હતો. એ રીતે તો આ પુસ્તક એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાષ્ટ્રના ભાગલા પડી શકે, પણ પ્રજાના નહી.
પ્રજાની ચેતનાને ડાંગ મારીને પૃથક કરી શકાતી નથી. એવું હોત તો પાકિસ્તાનની ધરતી ઉપર નસીરાબાદમાં એકસો છવ્વીસ ફ્લેટનો જેતપુર સ્કેવર ન હોત – અને વસાહત ઊભી કરનાર જેતપુર મેમણ એસોસિએશનનું અસ્તિત્વ ન હોત. અરે ગુલશને જેતપુરનામની એંસી ફ્લેટની સુંદર વસાહત ન હોત. પાકિસ્તાનની ધરતી પર અત્યારે એક જેતપુર પ્લાઝા છે. કરાચીના આદમજી નગરમાં પાંસઠ ફ્લેટનો જેતપુર ટેરેસ છે. સુડતાળીસ ફ્લેટનો બાગે જેતપુર છે. ચુમ્માળીસ ફ્લેટની જેતપુર હાઉસ નામની સુંદર ઈમારત ન હોત અને આ બધું કોઈ વ્યાપારી ધોરણે નથી થયું.

પાકિસ્તાન જઈ વસેલા જેતપુરના મેમણોએ પોતાના હાજતમંદ ગરીબ મેમણો માટે આવી વસાહતો બાંધીને એમને તદ્દન મફત અથવા મામૂલી ખર્ચે ત્યાં વસાવ્યા છે. આ અમૂલ્ય પુસ્તકના પૃષ્ઠ ૧૧૪ ઉપર મૂળ જેતપુરના(હવે પાકિસ્તાન જઇને) વસેલા સામાજીક કાર્યકર જનાબ અ. મજીદ અ. શકુર આરબી માહિતી આપે છે કે, “કાઠિયાવાડથી આવેલા જેતપુરવાસી મુહાજીરોનો સૌથી કઠિન પ્રશ્ન વસાહતોનો હતો. શરૂઆતમાં બર્ન્સ રોડ, રણછોડ લાઈન, કાગઝી બજાર, ખારાધર જેવા વિસ્તારોમાં અમુકસો રૂપિયામાં ભાડાનાં સારા ફ્લેટો મળી રહેતા હતા, એટલે ઘણાં જેતપુરવાસીઓ ત્યાં મકાન મેળવી રહેણાંક કરવા લાગ્યા પણ તેઓમાં બહુમતી એવા ભાઈઓની હતી જેઓની પાસે જે કાંઈ હતું તે હિજરતમાં ખર્ચ કરી નવરા થઈગયા હતા…. ઘણા કુટુંબો એવા હતાં કે જેઓ માસિક ભાડું ભરવાની સ્થિતિમાંય નહોતાં.
આવા લોકોને વસાવવા માટે જ જેતપુરની ત્યાં જઈ વસેલી મેમણ કોમના જનાબ આહમદ રંગુનવાલા, જનાબ હાજી અ.લતીફ સાઉ બાવાણી, જ.અબ્દુલ્લાહ અ. અઝીઝ કામદાર, જનાબ યાહ્યા આહમદ બાવાણી, અલ્હાજ ઝકરિયા, હાજી અલીમુહમ્મદ ટબા, અબુબકર ઢેઢી, આહમદ મુનશી, મો. હનીફ મિયાંનુર જેવા દાનવીરો અને કાર્યકરો આગળ આવ્યા. તેમણે જ ઉપરની બધી વસાહતો સ્થાપી એ સૌને મકાનો આપ્યાં. એટલું જ નહીં, પણ જેતપુરના નામને એ ધરતી પર જીવતુંજાગતું રાખ્યું. એ મકાનમાં હવે તો એમાં રહેનારાઓની પેઢી પછીની પેઢીઓ વસશે. પણ એક વાત નિઃશંક છે એમાં રહેનારાઓના હૃદયમાં જેતપુરનું નામ કાયમ માટે કોતરાયેલું રહેશે. એ જોઈને એમ જ લાગે કે શહેરનો પાયો ભૂગોળમાં નહીં, ઈતિહાસમાં હોય છે. ધરતી પર નહીં, હૃદયમાં હોય છે.

પુસ્તકમાં જેતપુરીઓને જેની યાદ સતાવે છે એવા અંજુમને ઇસ્લામ સ્કૂલ કે ધોરાજી દરવાજા જેવા કેટલાક સ્થળોના કેટલાક ફોટા છે. જેતપુરની સ્થાપનાની વાતો છે. લેખક લખે છે, “જેતપુર મારી જન્મભૂમિ, મારે મન એના કણકણ કંચનના, એની રજરજ રૂપાની, એની ભાદર સૌરાષ્ટ્રની પટરાણી, એના લોક સજ્જન સાથીની જેતપુરની કુખે જન્મેલા સપૂતોએ અલ્લાહની અસીમ કૃપાથી માનવતાની મહેક પ્રસારતાં ઘણાં કામોને અંજામ આપ્યાં છે.” આ રીતે લાગણીથી લથબથ શબ્દોએ શરૂઆત કરીને એમણે પછી કેટલાક અધિકૃત ગ્રંથોને આધારે જેતપુરની સ્થાપનાની કથા આલેખી છે. અમરાવાળા અંગે લખાયેલા પુસ્તક ‘અમર યશ અરણ્વ’ અનુસાર નાથવાળાના પુત્ર જેતાવાળાએ બલોચોના કબ્જા હેઠળના નેસડા ઉપર કબ્જો કરીને ગામને પોતાના નામ પરથી ‘જેતાણા’ નામ આપ્યું, જે કાળક્રમે ‘જેતપુર’ તરીકે ખ્યાતિ પામ્યું. એ પછી દાયકાઓ પછી એની વસતિ ૧૩,૦૮૫ (તેર હજાર પંચાસી) માણસોની થઈ એમ જેમ્સ કેમ્પબેલનું ગેઝેટિયર નોંધે છે. પ્રો.ડૉ. જશવંત જીવરાજાની (હાલ જેતપુરમાં પ્રોફેસર)ના કહેવા મુજબ ઈ.સ. ૧૭૦૦ માં વાળા કાઠીઓએ જેતપુર કબ્જે કરીને એને કિલ્લેબંધ બનાવ્યું હતું. એ વખતે જેતપુરને પાંચ દરવાજા હતાં. આજે બે-એક દરવાજા રહ્યા છે, જ્યારે બીજાનાં માત્ર નામ રહી ગયાં છે. આ પછી એ દરેક દરવાજાની ભૌગોલિક સ્થિતિ અને જેતપુરના બાર જેટલા પરાંની વિગતો છે. આ બધાંના સમર્થનમાં રંગીન ફોટોગ્રાફ્સ તો આ પુસ્તકમાં ઠેરઠેર છે.
ત્રીજા પ્રકરણમાં મેમણોના કૌટુંબિક, વ્યક્તિગત અને સામાજીક સંસ્કારોનું ઝીણું ઝીણું રસપ્રદ વર્ણન-એ વાંચતા જ જાણે કે અર્ધી સદી પહેલાંના જેતપુરના કોઈ મેમણના ઘરના વાતાવરણમાં પહોંચી જવાય છે. મોટા ભાગના શ્રીમંત મેમણો દેશાવર, ખાસ તો રંગૂન કમાવા જતા અને પાછળથી તેમની બાનુઓ અને બચ્ચાં કેવી રીતે જીવનચર્યા રાખતાં તેનાં આબેહૂબ વર્ણનો છે. શબ્દેશબ્દ ઉતારવાની લાલચને રોકી દઉં. જેતપુર મેમણ જમાતની સ્થાપના, જીમખાના, વાતો ઈતિહાસના માતબર પ્રકરણો જેટલી સુંદર છે. આઝાદી પહેલાંના જેતપુરનું વર્ણન ભારે રોચક છે, એ પછી આદમજી સહિતના જેતપુરના નામાંકિત મેમણો કે જેમણે પાકિસ્તાન જઈ ભારે નામના મેળવી તેમની વિગતો છે. એમાં 1918માં મહાત્મા ગાંધીજીના આગમનનું વર્ણન છે તો કાઈદેઆઝમ ઝીણાના જેતપુરમાં આગમનની તવારીખની હકીકતો છે. એ સાલ ૧૯૪૦ની હતી. જેતપુરની ખિલાફત ચળવળની કથા છે, તો જેતપુરમાં ખાદી ચળવળનો આલેખ પણ એમાં છે. મેમણોની શાદીમાં વરરાજા પણ ખાદીનાં કપડાં પહેરે એવો શિરસ્તો અપનાવવામાં આવ્યો હતો. કેળવણી પિતા, અબજોપતિ સર આદમજીએ પોતાના પુત્ર જ. ઝકરિયાની શાદીમાં દુલ્હાને શાદીનો સંપૂર્ણ લીબાસ પહેરાવ્યો હતો.

ગાંધીજી અને કસ્તૂરબાનું જેતપુરમાં આગમન જેતપુરમાં મેમણોનું આગમન કઈ રીતે ? રસપ્રદ ઈતિહાસ છે. બે લીટીમાં આ લેખમાં લખી શકાય તેમ નથી, પણ ઈતિહાસકાર જેમ્સ કેમ્પબેલના ગેઝેટિયરમાં નોંધાયા મુજબ ઈસવી સન ૧૪૨૨માં હઝરત પીર યુસુફુદ્દીન (રહ.)ના હાથે સિંધમાં લોહાણા જ્ઞાતિમાંથી મુસલમાન તરીકે કન્વર્ટ થયા હતા. સિંધથી સવાસો વર્ષ પછી તેઓ કચ્છમાં આવ્યા અને ત્યાંથી બાદમાં ગુજરાત ભણી ગયા. ગુજરાતના બાદશાહ મહેમૂદ બેગડાએ જૂનાગઢમાં સૈયદો, કાઝીઓ, મેમણો અને વહોરાઓને વસાવ્યા હતા. જેતપુરમાં સૌ પ્રથમ બાવાણીઓના વડવા બાવાભાઈ 18 મી સદીમાં આવ્યા અને એમના પગલે પછી અનેક મેમણ કુટુંબો આવ્યાં
જેતપુરના મેમણ ઉમર સોબાની અને મિયાં મોહંમદ છોટાણીએ તો ગાંધીજીની સાથીદારી પણ કરી હતી. ગાંધી સાહિત્યમાં પણ એનો માનભર્યો ઉલ્લેખ છે. આ પુસ્તક વાંચીને એવું લાગ્યું કે જાણે પાકિસ્તાન તરફથી બંદૂકની ગોળી નહીં, પણ ફૂલનો દડો આવ્યો.
**** **** ****
એક-બે આડવાત પણ કહેવી જરૂરી છે.
આ પુસ્તકની મિષે જ્યારે જેતપુરના મેમણોની વાત નીકળી જ છે ત્યારે મારા એક પુસ્તક ‘ઝબકાર’ કિરણ 6 ( પ્રકાશક :આર આર શેઠની કંપની, દ્વારકેશ, રોયલ એપાર્ટમેન્ટની બાજુમાં ,ખાનપુર. અમદાવાદ -380 001 ફોન +79 2550 6575 અને +91 99099 41801)માંથી એક લેખ ‘જેતપુર, મારી દુનિયા’ નો જરૂરી અંશ અહીં ઉતાર્યો છે:
હિંદુ-મુસ્લીમ હુલ્લડ અમારા જેતપુરમાં થયાનું પહેલીવાર ૧૯૪૭ માં જ સાંભળ્યું. બાકી તો હિંદુ-મુસ્લીમ સંસ્કૃતિઓ પણ એક જ ડાળ પર ફૂટેલાં અલગ અલગ ઝાંયના બે પર્ણોની જેમ એક જ જળના સ્રોતથી સિંચાતી હતી. મોટા ભાગના પુખ્ત મેમણ પુરુષો કાં તો બર્મા અને કાં તો અન્ય દેશાવરોમાં કમાવા ચાલ્યા જતા. બે-ત્રણ વર્ષે વતનમાં એક આંટો મારવા આવી જતા એ સિવાય એમનાં આલિશાન, ભવ્યતા શબ્દને ચરિતાર્થ કરે તેવા મોટાં મોટાં બિલ્ડીંગોમાં એમનો કુટુંબ-કબિલો રહેતો. આવાં જબરદસ્ત મોટાં બિલ્ડીંગોમાં અય્યુબ મહાલ, બાવાણી મેન્શન, મોતીવાલા બિલ્ડીંગ, મોહમ્મદી મંઝીલ, આદમ મેન્શન જેવાં મુખ્ય હતાં. એ ભવ્ય મહેલાતોના દરવાજે એમની સ્ત્રીઓના કડક મલાજા માટે ચોવીસેય કલાક કોઇ વૃધ્ધ સફેદ ફરફરતી દાઢીવાળો દરવાન બેઠો રહેતો. રાત્રે એ પ્રવેશદ્વારના બેઉ સ્તંભની ટોચે દુધિયા કાચની હાંડીમાં પ્રગટાવેલાં ફાનસો યા ઇલેક્ટ્રિક લેમ્પ જલ્યા કરતા. આ પ્રવેશદ્વારોનાં બારણાં સતત બંધ રહેતા, જે એમના પરિવારને જવા આવવા માટે જરૂર હોય એટલા ઇંચ જ ખૂલતાં. એ વખતે અમારાં જેવાં બહાર કુતૂહલથી ઉભેલાં બાળકોને અંદરનાં એમનાં લાલપીળાં ફૂલોના છોડવાવાળું આંગણું ક્ષણાર્ધ માટે પણ નજરે પડી જતું, અથવા ફૂલવાળા કોઇ ઓઢણાંનો છેડો નજર સામે ફરકી જતો તો અમે રોમાંચિત થઇ જતાં.
પણ પ્રજાની ખરી કઠણાઇ તો મેમણ પુરુષો બે-ત્રણ વર્ષે પાછા દેશમાં આવે ત્યારે શરુ થતી. મોટે ભાગે રમઝાન કે એવા કોઇ અવસરે અલગ અલગ દેશાવરોમાં વસતા મેમણો વતન જેતપુરમાં ઉતરી પડતા. એટલે પાંખી વસ્તીવાળા શહેરમાં એ વખતે સુરમો ભરેલી આંખો, લાલ માંકડ કલપ કરેલી મૂછો, ઉંચી દિવાલની રુંવાદાર ટોપી કે લાલ રંગની રેશમી છોગાવાળી તૂર્કી ટોપી અને તીવ્ર રીતે મઘમઘતા અત્તરથી વાતાવરણ છવાઇ જતું. કમાઇને ધરાયેલા મેમણો શહેરમાં છૂટે હાથે રૂપિયા વાપરતા અને પરિણામે શહેરમાં દરેક ચીજ વસ્તુઓના અને સેવાઓના ભાવ ચડીને આસમાનને આંબતા. ધોબી, હજામત, કટલેરી, હોઝીયરી, તેલ, અત્તર અને ફૂલ જેવાં ફૂલ સુધ્ધાં મોંઘાં થઇ જતાં. કડિયા, લૂહાર, દરજીના મગજના પારા અમારા જેવા સામાન્ય નગરજનો માટે બહુ ઉંચા ચડી જતાં. આવું બે-ત્રણ માસ ચાલતું જ. એ વખતે બપોરના ચાર પછી શહેરમાં ટાવર પાસે અને અંજુમને ઇસ્લામ સ્કૂલ પાસે મેમણોનાં ટોળાં એક સાથે ટહેલવા નીકળતા. મોટે ભાગે પાછળ હાથ ભીડેલા રાખીને, પાયજામા ઉપર કાળો લાંબો કોટ ચડાવીને, સુઇ બાલની ટોપીમાં ખાનદાની રઇસી (શ્રીમંતાઇ)ની આભા ચહેરા ઉપર વરતાતી હોય, એમ જરા પણ શોર વગર ધીમા અવાજે, એમની કચ્છી મેમણી બોલીમાં વાતો કરતા કરતા નીકળવાની એમની રીત હતી. આવા રઇસોની સેવા-ખિદમત કરનારો જે બીજો એક મુસ્લીમોનો વર્ગ પણ હતો, તેમાંના પુરુષો પણ ઘણે ભાગે લાલ ચટક તૂર્કી ટોપી પહેરતા. એમનાં નામ કાસમ, ગફાર, મામદ, જિકર, અને અલી હજુ પણ મને યાદ છે. પણ આમ છતાં પણ ક્યાંઉ કશું વાતાવરણ તંગ થયું હોય એવું યાદ નથી આવતું. મારા ચિત્તમાં ત્યારથી હંમેશ માટે એમની છાપ ઇમાનદાર, શાંતિપ્રિય અને ધાર્મિક (પણ ધર્મઝનૂની નહિં) એવી પ્રજા તરીકેની પડી.
અમે રહેતા તે ખોડપરાનો જીનના કુવાનો વિસ્તાર કહેવાતો. એને બીજે છેડે જમાઇવાડો હતો. આવું વિચિત્ર નામ કેમ પડ્યું ? કારણ હતું. એક શ્રીમંત મેમણને સાત દીકરીઓ હતી. એ અત્યંત લાડકી દીકરીઓને પરણાવ્યા પછી પણ નજરથી અળગી ન થવા દેવા માટે એણે એવા જ કોઇ સાત ભાઇઓને પરણાવી અને પછી એ દરેકને એકસરખા બેઠાં ઘાટનાં મકાનો પોતાના આવાસની નજીક જ બંધાવી આપ્યાં. આમ તો એક નાનકડા મેદાનમાં એક સરખાં સાત મકાનોનો સમૂહ ઉભો થઇ ગયો. કદાચ સમગ્ર દેશમાં ઊભી થયેલી આ પ્રથમ સોસાયટી હશે, જેમાં ભાઇચારો નહિં, પણ સાઢુભાઇચારો પ્રવર્તતો હતો !
આમ જેતપુર અને પાકિસ્તાનનો આવો ભાવાત્મક અનુબંધ મારા ખુદના જીવનનો પણ એક હિસ્સો છે.
નોંધ: આ લેખ સાલ ૨૦૦૦ ની આસપાસ લખાયો છે ,અફસોસ કે મિત્ર યાહ્યા હાશિમ બાવાણી પણ જન્નતનશીન થઇ ગયા છે.
બીજી એક નોંધ: આ લેખ પાછળથી મુંબઇ રહેતા જનાબ ઇકબાલ મિયાનુરે મારો નંબર શોધીને આ મે, ૨૦૨૨ માં મારો સંપર્ક કર્યો અને મારી પાસે બહુ ભારે ખર્ચ કરીને‘મારા જેતપુરના મેમણો’આખા પુસ્તકની પાંચ ઝેરોક્સ મંગાવી અને પોતાના પરિચિત એવા જુના જેતપુરવાસીઓને મફત વહેંચી. બે મહિના પહેલાં તેઓ અમદાવાદ આવ્યા ત્યારે મને ખાસ મળવા પણ આવ્યા અને અમે સાથે ભોજન પણ લીધું. એ વખતે મારા લેખક મિત્ર અને ‘વિભાજનના મૂળ’પુસ્તકના લેખક મોહનલાલ મંદાણીને પણ મેં બોલાવી લીધા. તેઓ સિંધી છે અને વિભાજનની વ્યથાનો તેમને બહુ સારો કૌંટુંબિક અનુભવ છે.
લેખક સંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com -
મુસ્કાન [૨]
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ગતાંક થી આગળ
આપણે ગયા અંકમાં જોયું કે જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં વ્યક્ત કરી હતી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે? એ રહસ્ય આજે જાણીએ.
ગુણસુંદરીએ પત્ર લખ્યો છે એ સાનંદાશ્ચર્યમાં સત્યેન્દ્ર સ્તબ્ધ બની ગયો. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.
પૂજ્ય જીજાજી,
ન માન્યું તમે મારું કહ્યું અને છેવટે પત્ર લખ્યો જ. ક્રોધ, ક્ષોભ અને ગ્લાનિથી મારું મન વ્યથિત થઈ ગયું હતું, તમારો પત્ર મળે એ એ પહેલાં જે મને પાછી બોલાવવા હેમચંદ્રને પત્ર લખી દીધો હતો.
એક વાર તો વિચાર આવ્યો કે આપનો પત્ર ખોલ્યા વગર જ સુશીલાબેનને આપુ પરંતુ એમ કરીને દામ્પત્ય જીવનમાં તમે જે વિશ્વાસઘાતી પગલું લેવા જઈ રહ્યા હતા એની જાણ કરીને હું દીદીને દુઃખી જ કરત. કદાચ તમારા માટે દીદીના મનમાં ખોટ ઊભી થાત અને અંતે તો એનું પરિણામ મારી નિષ્પાપ બેનને જ ભોગવવાનું આવત. દુઃખ તો મને એ વાતનું છે કે આપ જેવા વિદ્વાન આચાર્યે આવું ધૃણિત કૃત્ય કરતાં સહેજ પણ લજ્જા ન અનુભવી. છિ..
કદાચ તમે એવું વિચારી લીધું કે એક તો સાળી અને તે પણ બાળ વિધવા, એને ભ્રષ્ટ કરવાનો મને અધિકાર છે. એક ક્ષણ પર એવો વિચાર ના કર્યો કે સંસાર-ભરની સાળીઓ અને બાળ વિધવાઓ કામદેવની ઉપાસિકા નથી હોતી. ધર્મ, વિવેક કે સતીત્વને તુચ્છ ગણીને મદન-દેવની ઉપાસનમાં વહી જાય એવું બધે નથી બનતું. વૈધવ્યના અંધકારમય જીવનને પણ ભક્તિ-સાધનાથી ઉજ્જ્વળ બનાવી શકીએ છીએ.
ભલેને તમે બૃહસ્પતિના સાક્ષાત અવતાર જેવા હો પણ મારું હ્રદય તમે પારખવામાં ઓછા ઉતર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં તમારી સમક્ષ એવું કોઈ આચરણ નહોતું કર્યું કે જેનાથી તમે આવો પત્ર લખવા પ્રેરાવ. હા, એક વાર તમને જોઈને મારા મ્હોં પર સ્મિત જરૂર આવી ગયું હતું, એમાં તમને મારામાં મુગ્ધભાવ અનુભવાયો હશે પરંતુ ખરેખર તો તે દિવસે તમારા ચહેરા પર આછા છલકતા મૂર્ખતાભર્યા ભાવથી મારા ચહેરા પર મુસકરાહટ આવી હતી અને પ્રખર પંડિત સાહિત્યાચાર્ય -શ્રીમાન સત્યેન્દ્ર એમ.એ.પી.એચ.ડી મહાશયે જે અર્થ શોધ્યો એમાં તો મેં અત્યંત આત્મ-ગ્લાનિ અનુભવી હતી એ આજે કહું છું.
જીજાજી, તમે સાવ સરળ એવી સુશીલા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એના માટે તમે એની માફી માંગો એમાં જ તમારું શ્રેય છે. એનામાં ઝાકળબિંદુ જેવી સુકોમળતા છે તો દુર્ગા જેવી શક્તિ પણ છે. એનામાં સમુદ્ર જેવું ઊંડાણ છે તો એમાંથી ઊઠતા વડવાનળનો અગ્નિ પણ છે જે જાગૃત થશે તો તમારું વિશ્વ ભસ્મ થઈ જશે.
જીજાજી, ઉંમરમાં હું તમારાથી નાની છું એટલે ક્ષમાને પાત્ર છું. અજાણતાંય મારાથી એવી કોઈ ચેષ્ટા થઈ હોય જેનાથી તમારું મન ભ્રમિત થયું હોય તો ઉદાર હ્રદયે મને ક્ષમા આપશો સાથે પ્રાર્થું છું કે ક્ષણિક આવેશમાં આવીને તમે જે પત્ર લખવાની ચેષ્ટા કરી એને એક સરિતાના વહેતા પાણીની જેમ મનમાંથી વહી જવા દેજો પણ હા, દુર્ગા-પૂજાના અવસર પર દીદીને લઈને આવવાનું ન ભૂલતા. આ સાથે તમારો પત્ર પરત કરું છું જે મેં પૂરો વાંચ્યો પણ નથી. શરૂઆતની બે-ચાર લાઈનો વાંચીને તમારા ભ્રષ્ટ વિચારોનો અંદેશો તો આવી જ ગયો હતો. આશા છે મારી વાત સમજી શકશો.
તમારા વાત્સલ્યને પાત્ર -ગુણસુંદરી.
પત્ર પૂરો થતાની સાથે સત્યેન્દ્રનું મોહાવરણ તૂટ્યું અને સમજાયું કે એ શું કરવા જઈ રહ્યો હતો. એ પત્ર પકડીને જાણે મૂર્છિત જેવી અવસ્થામાં એવો સરી ગયો કે સુશીલાના આગમનની એને જાણ સુદ્ધા ન થઈ.
સત્યેન્દ્રનો વ્યથિત, ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને સુશીલાએ પાસે આવી. હળવેથી એણે સત્યેન્દ્રનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રશ્નાર્થસૂચક નજરે એને જોઈ રહી.
અને સત્યેન્દ્રની આંખો વરસી પડી. આ જ ક્ષણ હતી એના અપરાધની ક્ષમા માંગવાની. સતત એ બોલતો રહ્યો, સુશીલા સાંભળતી રહી. એણે બંને પત્રો સુશીલાના હાથમાં મૂકી દીધા. સુશીલાએ એ પત્રો ખોલ્યા વગર જ બાજુમાં મૂકી દીધા. નિરભ્ર આકાશની જેમ એનો ચહેરો ચમકી ઊઠ્યો.
“બસ આટલી જ વાત! આટલી વાત માટે તમે આકાશ-પાતાળ એક કરી દીધા?”
સુશીલાની વાતે સત્યેન્દ્રને હળવો ફૂલ કરી દીધો. હ્રદય પરથી જાણે કેટલોય બોજો ઉતરી ગયો.
*****
ગુણસુંદરીના આગ્રહને માન આપીને આજે સત્યેન્દ્ર, સુશીલા એમના પુત્રને લઈને દુર્ગા-પૂજામાં સામેલ થવા આવ્યા અને પછી જે ઘટના બની એ તો ગુણસુંદરીએ પણ કલ્પી નહોતી.
ગુણસુંદરીની સમક્ષ આવીને ઊભો, એની આંખમાં સીધી નજર માંડીને એ બોલતો રહ્યો,
“ ગુણસુંદરી, કોઈ એક રમણીના ચહેરા પરના ભાવ જોઈને હું ભૂલાવામાં પડ્યો. તારા ચહેરા પરનું સ્મિત જોઈને મેં એમાં ભાવો ધારી લીધા, મનગમતા અર્થ કરી લીધા .વાસ્તવમાં અમે પુરુષ લોકો સાચે જ મૂર્ખ હોઈએ છીએ પણ હું મનથી પ્રાયશ્ચિત કરીને આવ્યો છું. હું ક્ષમાને પાત્ર તો નથી પણ આજે હે જગજ્જનની, હું ખરા મનથી, સાચા હ્રદયથી તારી ક્ષમા પ્રાર્થુ છું. મને માફ કરીશ ને?”
અને સત્યેન્દ્ર ઘૂંટણિયે બેસી પડ્યો.
ગુણસુંદરીના ચહેરા પર પ્રભાત જેવી ઉજ્જ્વળતા ફેલાઈ રહી. બંનેને જોઈને દૂર ઊભેલી સુશીલાનો ચહેરો અત્યંત પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.
ચંડીપ્રસાદ-હ્રદયેશ લિખિત વાર્તા, મુસ્કાન,ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કુંતી કોણ થશે?
જયશ્રી વિનુ મરચંટ
સૂર્ય તેને નાનપણથી ખૂબ ગમતો હતો. દિવસના કોઈ પણ સમયે એને કશું જ કરવાનું ન હોય ત્યારે, રસ્તાની ફૂટપાથ પર, એકલા ઊભા રહીને સૂર્યને તાક્યા કરવું એને ખૂબ પસંદ હતું. એ નાનો હતો ત્યારથી એને વાંચવાનું ખૂબ જ ગમતું. હિંદીના ક્લાસમાં જ્યારે એ રામધારી સીંગ “દિનકર” નું દીર્ઘ કાવ્ય, “રશ્મિરથી” ભણતો હતો ત્યારે એ મંત્રમુગ્ધ થઈ જતો. એક ક્ષણ તો એને થતું કે આ યુગનો મહાદાનવીર સૂર્યપુત્ર કર્ણ એનામાં જ ક્યાં છુપાઈને બેઠો છે! એ વિચારોમાં ખોવાઈ જતો કે અચાનક એક દિવસ સદ્યજાત શિશુ બનીને, એનામાં જ એ, કર્ણ બનીને જન્મે છે. સૂર્યના કિરણોના ઝૂલામાં વર્ષોના વર્ષો ઝૂલીને પછી, એની અંદર રહેલો ગોપનીય કર્ણ એની જ હસ્તી સાથે એકરૂપ બની જાય છે, અને, એ બની જાય છે, કવચકુંડળધારી મહાદાનેશ્વરી કર્ણ! એ કર્ણ કે જેણે મૃત્યુને પણ અમર બનાવી દીધું, જેને મહાભારતના યુદ્ધમાં મ્હાત કરવા કૃષ્ણ જેવા કૃષ્ણને છળનો આશરો લેવો પડે છે! આવા વિચારો અને કલ્પના માત્રથી એના રોમરોમે આહલાદનો અવનવો અનુભવ થતો. આ કલ્પનો જ એની એકલવાયી જિંદગીના સાથી-સંગી હતા. એકલવાયી જિંદગી, જેમાં કોઈ અવાજ પણ નહોતો, સદંતર પદરવહીન…! વર્ષો વિતતાં ગયા અને સમજણનો પારો પણ ચઢતો ગયો. એ મોટો થઈ ગયો હતો અને આટલું તો સમજી ગયો હતો કે આમ જ આખી જિંદગી રસ્તા પર એક બાજુ ઊભા રહીને એ જો સૂર્યને તાક્યા કરશે તો પણ એનામાં કર્ણનું રૂપ આવિર્ભૂત થવાનું નહોતું!
********
રસ્તો..!, રસ્તો એક જ તેનો વફાદાર હમસફર હતો. ન્યાતની અને સરકારી સ્કોલરશીપો, દાન વગેરે મેળવીને અને કોઈ વરસ કશું જ ન મળ્યું હોય ત્યારે મજૂરી કરીને, એણે જેમતેમ બી.એસ.સી. ની ડિગ્રી તો લઈ લીધી પણ આજે એ જ ડિગ્રીનું એ ફરફરિયું તેની સતત વરવી મજાક ઊડાડતું હતું. એના માટે આનાથી વધુ ભણતર મેળવવું શક્ય જ નહોતું. એની સાથે ભણનારા બીજા બધાં કોઈ ને કોઈ કામ ધંધામાં લાગી ગયા હતા અથવા આગળના ભણતરમાં લાગી ગયા હતા પણ એક એ જ આ ડિગ્રીના અર્થહીન કાગળનો કોઈ ઉપયોગ હજુ સુધી કરી શક્યો નહોતો. એનો મિલમજૂર બાપ, મજૂરી કરીને રોજ સાંજના ઘરમાં આવતાં જ શરૂ થઈ જતો, દમમાં સતત ખાંસતી રહેતી, એની મા સામું જોઈને હાથ લાંબા કરીને, ખાંસ્યા કરતો ને બડબડ કરતો રહેતો. “તારા લાટસાહેબને આજે પણ કામ મળ્યું હોય એવું નથી લાગતું! સરકાર પછાત જાતિના બાળકોને આગળ લાવવા આરક્ષણ આપે છે. મારી હારે કામ કરતા પછાત જાતિના એક દોસ્તારે કહ્યું છે કે તારો દિકરો જો મારી દિકરી વેરે પૈ’ણે તો હું એને મારી જ્ઞાતિમાં કોઈક પાસે દત્તક લેવડાવીને એનું આગળ ભણવાનું મફતમાં ગોઠવી આપું પણ ના! આપણા ભાઈથી આવા કામ થાય નહીં ને! એને તો સાચા રસ્તે જ ચાલીને કામ મેળવવું છે! તો પછી બેસો આમ જ…! આ ૧૯૮૫ની સાલ છે, ને, દુનિયા ક્યાં ની ક્યાં નીકળી ગઈ છે પણ, આપણો રતન તો એની પોતાની જ ખયાલી આદર્શોની દુનિયામાં જ જીવે છે. પેલા આપણી ન્યાતના ઉજમશીભાઈએ સામેથી મને કીધું કે તારા દિકરાને મિલમાં નોકરી કરવી હોય તો આપણી ઘણી ઓળખાણ છે. એ ભલામણ પત્ર પણ લખવા તૈયાર છે પણ નહીં,., આપણા ભાઈને તો કોઈ પણ સિફારિશ વિના પોતાના બળે જ કામ મેળવવું છે…! અને પાછું મિલમજૂર તો નથી જ થવું! અરે, હું બુઢો થઈ ગયો છું ને મને સમજણ પડે છે કે આજના સમયમાં ભલામણ વિના કામ મળવું ખૂબ કપરૂં છે પણ આપણા ભાઈને ક્યાં કઈં કરવું જ છે…!” અને બડબડ કરતાં જ જમવા બેસતો અને ખાંસી ખાતા ખાતા જમતો જતો ને બોલ્યા કરતો, “આ બેવકૂફને ક્યાં કશી સમજણ પણ પડે છે! પેટે પાટા બાંધીને આપણે ભણાવ્યો પણ શું ફાયદો થયો! જાત કમાઈના બે રૂપિયાના ચણાસીંગ ખાવાનાયે ફાંફા છે..!” એનો મજૂર બાપ, ઘર નામના ભરમને હકીકત બનાવતી એક ૧૦ x ૧૫ ની ઓરડીમાં જેવો દાખલ થતો કે રોજ આ દ્રશ્ય ભજાવાતું! એનું ઘર એટલે, મુંબઈની એક ગંધાતી ગંદકીથી ખદબદતી ચાલમાં ભોંયતળિયે આવેલી એ ૧૦ x ૧૫ ની એક ઓરડી. આ ચાલની બહાર, મ્યુનિસિપાલટીના રીપેરર્બોર્ડનું મોટું પાટિયું લાગી ગયું હતું, “Under Repair, DANGER TO LIVE HERE”. છતાંયે એના પરિવાર જેવા બસો કુટુંબો આ મોટી ચાલમાં રહેતા અને આમ જ એમની જિંદગી ચાલતી. કોઈ પણ ત્યાંથી ખસ્યું નહોતું. યથાવત સૌની જિંદગી ચાલ્યા કરતી. ચૂલાના ધુમાડાથી કાળી પડી ગયેલી, એની ઘર નામના ભરમની ભીંતો પણ આ ઓરડીમાં વસતા લોકોની તકદીર જેવી ભાસતી હતી.
હાડપિંજરને પણ શરમાવે એવી એની મા પણ એના બાપુ સાથે ક્યારેક થઈ જતી અને કહેતી, “આપણે ગામથી આંઈ આઈવા તંયેં જ નકી કરી લીધું’તું કે ભલે ને સરકાર કે’તી કે બેથી વધુ છોકરાં ન જોઈએ, પણ આપણે અભણ, તોયે આ એક જ બચ્ચુ રાખીશું અને એને જ મોટો સા’બ થાય એવું ભણાઈવીશું. તંયેં ક્યાં ખબર હતી કે મૂઓ હાવ નપાણીયો પાઈકશે અને ક્યાંય કામ કરવા નઈ જાય…!” તો ક્યારેક વળી કહેતી કે, “પેલો ટીનીયો!, કાલ લગણ અડધી ચડ્ડીમાં, શેડાડીયો આખી ચાલમાં ફરતો’તો. આજે તો મોટરુંમાં ફરતો થઈ ગયો! ને પેલી રૂખડી, આજે તો રૂપા મેમસા’બ બનીને ટાપટીપ ફરતી થઈ ગઈ! ઈ બેઉ ક્યાં ઓટલું ભઈણા છે? આપણા જ કરમ ફૂટેલા કે આપણો સિક્કો ખોટો નીકળઈયો!” અને મા, પોતાનું માથું પણ ક્યારેક કૂટી લેતી. એની મા અને બાપાએ એક એવી અશ્ક્યતાને એના જન્મથી જ એની હયાતી સાથે જોડી હતી જે કદી પૂરી થઈ શકે એમ નહોતી. એ બેઉએ એમ જ માન્યું હતું કે એમનો દિકરો જેવો ભણીને બહાર નીકળશે કે તરત મોટો સા’બ બની જશે! એને તો ખબર હતી કે ટીનીયો ડ્રગ્સ વેચે છે અને રૂપા શરીર, પણ, એના નમાલા મનમાં ન તો ડ્રગ્સ કે શરીર વેચવાની હિંમત હતી કે ન તો વાપરવાની! મા-બાપે પાળી પોષીને અશક્યતાને પાંગરવા દીધી હતી તો એણે પોતે પણ પોતાના આ નમાલા, સ્વપ્નીલ સ્વભાવને પાળ્યો હતો, પોષ્યો હતો, જેનો હવે કોઈ જ ઈલાજ ન હતો. એને જિંદગીમાં કઈંક બનવું હતું. પોતાના હ્રદય, આત્મા, મન અને શરીર થકી જે પામી શકે અને માણી શકે એટલું જ જોઈતું હતું, એટલું જ પામવુ હતુ. બસ, પછી જે થાય તે…! એના માતા-પિતાની એષણા અને એના સપના, આ બેઉ અશક્યતાના ફોલાદી કવચ એકમેક સાથે સતત અથડાતા હતા અને આ અથડામણની વચ્ચે હતો એ, જે આમથી આમ ફંગોળાતો હતો અને લોહીલુહાણ થતો રહેતો. આ લોહીલુહાણ ચહેરો લઈ એ હવે ક્યાં જાય, ક્યા દરવાજે નોકરીની ભીખ માગે કે કોની પાસે માગે થોડીક માયા, મમતા અને જરાક જેટલો પ્રેમ માગે? શું એ માણસ જ નથી રહ્યો? ક્યારેક તો એને થતું કે એ માત્ર ચાલતો ફરતો રોબોટ છે. માબાપને મન એ એક હારી ચૂકેલા જુગારની રમત બની ગયો હતો. આ ચાલીમાં રહેનારાઓ સાથે એ ઘરોબો નહોતો કેળવી શકતો અને બહરની સોસાયટીમાં ઊઠવા બેસવાની એની હેસિયત નહોતી. તેને ક્યારેક પોતાના પર નફરત ઊપજતી. એક આ ડિગ્રી નામના કાગળના બદલામાં એણે પોતાનું સત્વ, હીર વેચી નાખ્યું હતું! એ સૂર્યપુત્ર કર્ણ ક્યાંથી થવાનો? એ જો ભણ્યો ન હોત તો કોઈ મજૂર બનત, ફેરિયો બનત, બૂટ પોલિશ કરત, પ્યુન બનત અને કઈં ન થાત તો ખુલ્લા મનથી દાણચોરી કરત…બસ, એ જો ભણ્યો ન હોત તો! આ ભણતર જ બધા દુઃખોનું કારણ છે. મા-બાપે સેવેલી આશાઓનો તંતુ ભણતરના ભમરડે લટકી પડ્યો છે. તો, ક્યારેક એને થતું કે એ માંદલો સૂરજમુખી છે, જેને સૂરજ સામે ગરદન ઊંચી કરીને જોવું તો છે, ખીલવું પણ છે, પણ એનામાં માથું ઊંચું કરવાની તાકાત જ નથી! આમેય તડકો વેચીને ક્યાં સુધી એ શમણાંના સૂરજ માટે મેઘ ખરીદી શકત? એણે અંતે, ખૂબ જ હામ ભીડીને, અરમાનોના સો સો સૂરજોની હત્યા કરી જ નાખી…! અંતે, એ મિલમજૂર બની જ ગયો.
********
મહિનાના અંતમાં એના હાથમાં સો રૂપિયાની કડકડતી નોટો હાથમાં આવી. એની સૂનકાર સભર આંખોમાં પળવાર માટે આશાની ચિનગારી ચમકી પણ પાછી તરત જ શમણાંના ઢગલાની રાખમાં ઓલવાઈ ગઈ. ઘરે જઈને માના હાથમાં એણે ચૂપચાપ પગાર માના હાથમાં આપી દીધો. બસ, ત્રણ સોની નોટ પોતા પાસે રાખી અને રસ્તા પર, એની ફેવરીટ જગા પર આવ્યો. એને સમજાતું નહોતું કે એ આ રૂપિયાનું શું કરે? એની કોલેજમાં બધા પહેરતા હતા એવા સરસ કપડાં લે ને પછી, અમુક અમીર સહપાઠીઓ. જેઓ એની બુદ્ધિમતાને પારખતા હતા એમની પાસે કોઈ સારી નોકરી માગવા જાય? ના, એ તો હવે સામાન્ય મિલમજૂર હતો. એનું ડિગ્રીનું ફરફરિયું મિલના સાંચામાં હોમાઈને ધુમાડો બની ગયું હતું. દર મહિને મિલના આ ધુમાડામાં થોડોક અંશ એની ડિગ્રીનો પણ રહેશે અને એના બદલામાં એને આમ જ કોમ્પેનશેશન દર મહિને ચૂકવવામાં આવશે, પગારના નામ તળે! કારખાનાનો કારમો રાક્ષસ, દર મહિને એને ઝેર પાયેલી સોય ભોંકીને, એના રોમરોમને ખોટું પાડતો જશે અને એક દિવસ આખું શરીર આ ઝેરી સોયના ભોંકણાથી વિંધાઈને ખોટું પડી જશે. ને, પછી, એક દિવસ એના ખાંસતા રહેતા બાપની જેમ એ પણ ખાંસતો રહેશે ને એક દિવસ કાયમ માટે શ્વાસ બંધ! A Very Well Thought Process of Preplanned Slow Murder! હા, એ એક નમાલો મજૂર હતો. પગાર મળે ત્યારે જેમ એનો બાપ સસ્તી તાડી-માડીની દુકાને જઈને બેસતો હતો તેમ, એ પણ સસ્તી તાડી-માડીની દુકાને બેઠો.
********
એકલો એક ખૂણામાં, શુષ્ક આંખોમાં ટળવળતો દરિયો લઈ જામ પર જામ પીતો એ બેઠો હતો. હેમિંગ્વે, શેક્સપીયર, શેલી, કીટ્સ, વિક્ટર હ્યુગો, આ બધાએ એને શબ્દોની માયાજાળમાં જ રમતા શીખવ્યું હતું. આ શબ્દોની ઈન્દ્રજાળને જીવનસંગ્રામ કેમ લડવો એના પ્રશિક્ષણમાં એ કદી પરિવર્તિત ન કરી શક્યો, એ એની મર્યાદા હતી. He was a total failure at every aspect of life. એણે જિંદગી પાસેથી માગ્યું પણ શું હતું? એને તો બસ, પ્રેમ કરવો હતો, પ્રેમ પામવો હતો, એક સામાન્ય બુદ્ધિજીવીની જેમ, એને પ્રામાણિકતાથી કમાણી કરવી હતી, બસ, પોતાના કુટુંબનો જીવનનિર્વાહ ચલાવી શકે એટલી જ કમાણી! એણે એનાથી વિશેષ બીજું કઈં માગ્યું નહોતું. શું એનામાં જ સ્વયંભૂ પ્રગટી શકે કશું એવું કઈં જ નહોતું? કદાચ એ નપુંસક હતો. એણે છેલ્લો ગ્લાસ પૂરો કર્યો, પૈસા ટેબલ પર મૂક્યા અને લથડતા પગે એ બહાર આવ્યો. હવે એ ક્યાં જાય? મજૂર દારૂ પીને ક્યાં જાય? કદાચ ઓરત પાસે જાય કારણ ઓરતને નોટમાં વાળી શકાય, જામમાં ઘોળી પી શકાય, ભરસભામાં વસ્ત્રાહરણ કરી શકાય, એના પર હસી શકાય અને જતા જતા એના પર થૂંકી પણ શકાય! પણ એને થયું, એ તો નપુંસક હતો, એ ક્યાં જાય? ને, રસ્તા પર આવતાં જ એ લથડી પડ્યો…..!
********
હેન્ગઓવરમાં એણે આંખો ખોલી. અડધા નશાની હાલતમાં પણ એની નજર સૂરજ સામે જોવા આકાશ તરફ ગઈ. સમયને જાણવા અને સૂરજના પ્રકાશને શોધવા ફરી આકાશમાં દ્રષ્ટિ કરી પણ એને હજુ કશું પણ કળાતું નહોતું. જો સૂરજ હજુ ઊગ્યો નહોતો તો બળબળતા તાપણે શેકાઈ રહ્યાની તીવ્ર અનુભૂતિ છતાં કેમ થઈ રહી હતી? એ કેમ આ અંધકારને ચીરી શકતો નથી? શું સૂરજ હજુ ઊગ્યો જ નથી? એ ક્યાં હતો? શું એ કુંતીના ગર્ભમાં, અંધકારમાં સબડતો સૂર્યનો અંશ હતો કે જે કર્ણરૂપે જગત પર અવતરવા તરફડી રહ્યો હતો? એ સૂર્યપુત્ર કર્ણ બનીને અવતરિત થશે અને પછી કોઈ દુર્યોધન એને અંગદેશનો રાજા બનાવશે..! એ મરશે ત્યારે આખાયે મહાભારતના યુદ્ધને નિર્લેપભાવે નિહાળતા કોઈ કૃષ્ણની આંખોમાંથી આંસુની ગંગા વહેશે! બસ, એ ક્ષણે એનું મૃત્યુ પણ ધન્ય બની જશે..! હેન્ગઓવરમાં પણ એના મુખ પર સંતોષ પ્રગટી આવ્યો…! પણ, એ જ ઘડીએ એને વિચાર આવ્યો કે એના જેવા અભાગિયાને જન્મ આપે એવી કુંતી કોણ થશે? એણે અર્ધખોલેલાં પોપચાં બીડી દીધા.
અસ્તુ!
સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૨૧) તેજનો તાપ (૧)

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
કલાકાર માટે પોતાની સફળતાનું ગૌરવ હોવું કુદરતી બાબત છે. પણ, અમુક વખતે તેને લગતા ઘમંડને સર્જકતાના ઉચ્ચ શિખર તરીકે જોવાની ભૂલ કરવામાં આવે છે. સંગીતની દુનિયાના કેટલાક અતિશય ક્ષમતાવાન લોકોની પડતીનું કારણ આ ઘમંડ બની રહ્યો છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો સંગીતનિર્દેશક સજ્જાદ હુસૈન પોતાની મહત્તાને વિશે વધારે પડતો ઊંચો ખ્યાલ ધરાવતા હતા. તેઓ કહેતા કે બાકીના સંગીતકારો શ્રોતાઓના અજ્ઞાનને લઈને માત્ર સંજોગોવશાત સફળ થતા હતા. ફિલ્મ ‘હલચલ’ (૧૯૫૧) બની રહી હતી ત્યારે નિર્માતા કે. આસિફને અને દિલીપકુમારને પોતે કેવી રીતે અપમાનિત કર્યા હતા તે વાત જે કોઈ સાંભળવા માટે તૈયારી બતાડે તેને વારંવાર કર્યા કરતા. એ સમયે અલબત્ત, તેઓ એ વાતનો ઉલ્લેખ ન કરતા કે તેને પરિણામે તેમને અધવચ્ચે હટાવીને એ ફિલ્મનું સંગીત મહંમદ શફીને સોંપી દેવાયું હતું અને શફીએ તેમના કરતાં પણ બહેતર ગીતો બનાવ્યાં હતાં.
તલત મહમૂદે ગાયેલાં ૧૯૫૨ની ફિલ્મ ‘સંગદિલ’નાં ગીતો યે હવા યે રાતેં યે ચાંદની અને કહાં હો કહાં મેરે જીવન સહારે સજ્જાદનાં બનાવેલાં સૌથી લોકપ્રિય ગીતો હતાં. આમ છતાં સજ્જાદ તલતને ઉતારી પાડવા માટે તેમનો ઉલ્લેખ ‘ગલત’ મહમૂદ તરીકે કરતા. તે જ રીતે તેઓ કિશોર કુમારને ‘શોર’ કુમાર કહેતા. નિર્માતા હોય, કલાકાર હોય કે પછી પ્રશંસક હોય, સજ્જાદ કોઈને પણ ઉતારી પાડવાની એક પણ તક ન ચૂકતા.
સજ્જાદના કહેવા પ્રમાણે શંકર-જયકિશન કે મદનમોહન સંગીતકારો હતા જ નહીં અને નૌશાદને તો સંગીતનો કક્કો સુધ્ધાં આવડતો નહોતો. સાહિર(લુધીયાનવી)ને એક શાયર અને એક વ્યક્તિ તરીકે વખોડી કાઢવામાં સજ્જાદ કોઈ કસર ન છોડતા. સાહિરના સૌજન્ય વગર એમને પોતાની કારકીર્દિની ખુબ જ પ્રતિષ્ઠાદાયી એવી ‘સંગદિલ’ જેવી ફિલ્મ ન મળી હોત તે બાબતનું કોઈ જ વજૂદ ન રહેતું.
ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા કોઈને પણ ( જૂજ અપવાદો બાદ કરતાં) ઉતારી પાડવા માટેની માટેની મનઘડંત વાતો કરતા સજ્જાદ સાથે ગાળેલા કલાકો મને કાયમ યાદ રહેશે. આમ કરવામાં તેમને વિકૃત આનંદ મળતો હતો. આમ તો સજ્જાદની તોછડાઈના ડરથી કોઈ સામું પડતું નહીં. પણ, એક વાર જાહેરમાં ઉસ્તાદ અલ્લા રખાને ઉતારી પાડવાની ચેષ્ટા કરવા જતાં સજ્જાદને સમોવડીયાનો પરચો મળી ગયો. એક સમારંભના સ્થળની બહાર તબલાનવાઝ પોતાનાં પગરખાં શોધી રહ્યા હતા.
કટાક્ષભરી મુદ્રામાં સજ્જાદે મોટેથી પૂછ્યું, “તમે આવ્યા ત્યારે પહેરેલાં હતાં?”
એની આંખોમાં આંખ પરોવીને અલ્લા રખાએ શાંતિથી પરખાવ્યું, “એક વાર એનો સ્વાદ ચાખવા મળે એટલે તને ખ્યાલ આવી જશે. પહેલાં હું શોધી લઉં.”
સજ્જાદની પડતી માટે વિતતા જતા સમય કરતાં વધુ એની તોછડાઈ જવાબદાર બની. છેલ્લાં ત્રીશ વર્ષ સુધી સજ્જાદ એકાકી અવસ્થામાં પોતાના ઘવાયેલા દર્પને પંપાળતા રહ્યા. આખરે ૧૯૯૫માં તે ૭૮ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીમાં લગભગ વિસરાઈ ચૂક્યા હતા.
મનોરંજનની દુનિયા કલાકારોને ઘમંડી અને નખરાંબાજ બનવા માટે મોકળું મેદાન પૂરું પાડે છે. એનું મુખ્ય કારણ પ્રશંસકોએ ઉભી કરેલી તેમની અતિશયોક્તિભરી છાપ હોય છે. આવું જ એક ઉદાહરણ ખુરશીદનું છે. ૧૯૪૧ની ફિલ્મ ‘પરદેસી’ (પહેલે જો મહોબત સે ઈનકાર કિયા હોતા), ૧૯૪૨ની ‘ભક્ત સૂરદાસ’ (પંછી બાવરા ચાંદ સે પ્રીત લગાયે) અને ૧૯૪૩ની ‘તાનસેન’ (ઘટા ઘનઘોર છાયી) જેવી ફિલ્મો અને તેનાં ગીતો દ્વારા તેણે એક અભિનેત્રી તરીકે અને ગાયિકા તરીકે ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી.

ખુરશીદ ૧૯૪૦ના દાયકાના શરૂઆતના તબક્કામાં HMV કંપનીના અધિકારી જી એન જોશીએ એક ગીતના ધ્વનિમુદ્રણ વખતે ખુરશીદની બદમિજાજીનો અનુભવ કર્યો હતો. રેકોર્ડીંગ ચાલુ હતું તેવામાં કાન્તિલાલ નામના તેને માટે અજાણ્યા એવા એક ગાયક ઉપર નજર પડતાં ખુરશીદે એકદમ મિજાજ ગુમાવ્યો. “તું કોણ છો? મારા રેકોર્ડીંગમાં કેવી રીતે આવી ગયો?” એમ અત્યંત ખરાબ શબ્દોમાં પૂછ્યું. એને ખ્યાલ નહોતો કે પોતે જેનું સ્વરબદ્ધ કરેલું ગીત ગાઈ રહી હતી તે ખેમચંદ પ્રકાશના કહેવાથી એ નવોદિત ગાયક ત્યાં હાજર રહ્યો હતો.
આ રીતે તેના અચાનક ગુસ્સે થઈ જવાથી ત્યાં ઉપસ્થિત સૌ ડઘાઈ ગયા. ખુરશીદનો એક સાવ નવાસવા શરમાળ ગાયક સાથેનો અભદ્ર ગેરવર્તાવ હદ વટાવવા લાગ્યો ત્યારે અચાનક જ જી એન જોશીએ રેકોર્ડીંગ ચાલુ કરાવી દીધું. આખરે તે લોકપ્રિય તારિકાનો તાપ ઓછો થયો ત્યારે જોશીએ ખુરશીદને ખબર ન પડે તેમ કરાવી લીધેલું અપશબ્દોથી ભરપૂર રેકોર્ડીંગ બધા કર્મચારીઓની હાજરીમાં વગાડવાની સૂચના આપી. ખુરશીદે અત્યંત ઝંખવાઈ જઈને ડઘાયેલી હાલતમાં પૂછ્યું, “હું આવું બધું બોલેલી?”
નખરાંબાજી કાંઈ આજકાલના કલાકારોનો જ ઈજારો નથી. ૧૯૪૦ના શરૂઆતના તબક્કામાં ચલણમાં આવેલી કલાકારો માટેની છૂટક કરારપધ્ધતિ પછી તેમ થવું સ્વાભાવિક હતું. વિશ્વયુદ્ધની અસર હેઠળ ખરડાયેલા ધનના ધોધ થકી માત્ર ફિલ્મની ગુણવત્તા અને સંગીતની શૈલીમાં જ નહીં , કલાકારોની જીવનશૈલી તેમ જ વર્તણૂકમાં પણ ફેરફાર થયા હતા. ફિલ્મ નિર્માણ માટે વપરાવા લાગેલાં કાળાં નાણાંએ સ્ટાર પ્રણાલીને વેગ આપ્યો.
૧૯૩૬ની ફિલ્મ ‘અમર જ્યોતિ’ નું સુનો સુનો બન કે પ્રાની, ૧૯૩૭ની ‘દુનિયા ના માને’નું સમજા ક્યા હૈ દુનિયાદાના અને ૧૯૪૨ની ‘ઝમીનદાર’નું અરમાન તડપતે હૈ જેવાં ગીતોની ગાયિકા અને અભિનેત્રી શાંતા આપ્ટે પોતાની જાતને અનિવાર્ય માની બેઠેલાં. પોતાનું ધાર્યું કરવા માટે તેમને છૂટક કરારથી જોડાવાની જરૂર નહોતી. તે પ્રભાત સ્ટુડીઓ સાથે એક કર્મચારી તરીકે જોડાયેલાં હતાં ત્યારે ૧૯૩૯ની ફિલ્મ ‘આદમી’માં એક ભૂમિકા માટે તેની પસંદગી ન થઈ તો તે સ્ટુડીઓના પરિસરમાં ભૂખ હડતાલ ઉપર બેસી ગયાં હતાં. આ ઘટનાના ખબર સમાચારપત્રો અને આગેવાન નાગરીકો સુધી પહોંચી જતાં સ્ટુડીઓના એક ભાગીદાર એવા વી. શાંતારામે આ ત્રાગા સામે ઝૂકી જવું પડ્યું અને શાંતા આપ્ટેને (તેમની ઈચ્છા પ્રમાણે) કરારના બંધનમાંથી મુક્તિ આપવી પડી હતી.

શાંતા આપ્ટે એક રેકોર્ડીંગ દરમિયાન કોઈ પણના પ્રભાવમાં ન આવનાર શાંતા આપ્ટેએ એક લોકપ્રિય ફિલ્મ સામયિક ‘ફિલ્મ ઇન્ડિયા’ની કચેરીમાં ધસી જઈને તેના તંત્રી બાબુરાવ પાટીલને પોતાની વિશે અણછાજતું લખવા બદલ લાકડીએ ને લાકડીએ ફટકાર્યા હતા અન્ય એક કિસ્સામાં આપ્ટેએ મોંઘાં પગરખાં પહેરીને રેકોર્ડીંગ રૂમમાં પ્રવેશ કર્યો હતો. કડક શિસ્તના આગ્રહી એવા સંગીતનિર્દેશક માસ્ટર કૃષ્ણ રાવે પગરખાં બહાર કાઢી આવવા કહ્યું. એ જૂતાં આયાતી અને અત્યંત મોંઘાં હતાં એમ કહીને શાંતા આપ્ટેએ એવું કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગ્રહ રાખતાં સંગીતકારે કહ્યું, “આ તો મંદીર છે. અહીં આવતાં પહેલાં મનની અને શરીરની અશુધ્ધિઓ બહાર મૂકી, ખુબ જ શાલિનતાથી અંદર પ્રવેશ કરવો જોઈએ.” આપ્ટેએ પોતાની જીદ પકડી રાખી, ત્યારે એટલી જ જીદ ઉપર ઉતરી આવેલા સંગીતકારે રેકોર્ડીંગ કરવાની ના પાડી દીધી. આ બાબતની જાણ થતાં વી. શાંતારામ ત્યાં દોડી આવ્યા. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતે ભલે સ્ટુડીઓના ભાગીદાર રહ્યા, પણ રેકોર્ડીંગ રૂમમાં તો સંગીતકારની જ હકૂમત ચાલશે.
લાહોર ખાતે નિર્માતા દલસુખ પંચોલી સાથે ફિલ્મ ‘ઝમીનદાર’ (૧૯૪૨) ના શૂટીંગ સમયે કોઈ બાબતે મતભેદ થયો એ વખતે નખરાં કરતાં શાંતા આપ્ટેને કડવો ઘૂંટડો ગળવો પડેલો. તેમણે મુંબઈ પાછા જતા રહેવાની ધમકી આપી. પંચોલી ઝૂકી જાય એવા નહોતા. લાહોરમાં તેમનું ખુબ જ ઉપજતું હતું. પંચોલીને ઉણા પારખવામાં આપ્ટેએ થાપ ખાધી હતી. તેમનો સિક્કો બધે જ ચાલતો હતો. માનવામાં ન આવે એવી હકીકત એ છે કે પંચોલી લાહોરમાં કોઈની પણ આવન-જાવન રોકી શકવા સમર્થ હતા. તેઓ ઈચ્છે તો લાહોરની એક પણ હોટેલ કોઈ ગ્રાહકને સેવા પૂરી ન પાડી શકતી. આખરે શાંતા આપ્ટેએ ઢીલું મૂકી ને નમતું જોખવું પડ્યું.
ઊંચી લોકપ્રિયતાએ આપ્ટેના મગજમાં ઘમંડ ભરી દીધો હતો. જો કે એટલું કહેવું પડે કે તે એમ જ બની બેઠેલાં ગાયિકા ન હતાં. સંગીત પ્રત્યેનું તેમનું સમર્પણ ઉદાહરણીય હતું. કરુણાજનક હકિકત તો એ છે કે આપ્ટેની તેજસ્વી કારકીર્દિનો અંત ૧૯૬૪માં માત્ર ૪૬ વર્ષની વયે સાવ લાચારાવસ્થામાં મૃત્યુ સાથે આવ્યો.
(ક્રમશ)
નોંધ :
– તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક
ઉપયોગ નહીં કરવામાં આવે.
– મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
-
બંદિશ એક, રૂપ અનેક (૯૩) :”ज़िंदगी से बड़ी सज़ा ही नहीं “
નીતિન વ્યાસ

ભારતના ચોટીનાં ઉર્દુ શાયરોમાં લખનઉના શ્રી કૃષ્ણ બિહારી નૂર અવલ્લ નંબર પર આવે.
એક તરફ તેમની સુફિયાના અંદાજમાં રચેલી શાયરીઓ તો બીજી બાજુ હિન્દુ દર્શન અને અધ્યાત્મ ની વાત કરતી કવિતાઓ છે. એમની કાવ્ય રચનાઓ ખ્યાતનામ કલાકારો એ કંઠ આપ્યો છે અને સંગીતકારો એ સ્વરબધ્ધ કરેલી છે.
એક સમય એવો હતો જ્યારે ગઝલ રચના ના આધાર સ્તંભ ગણાતા શ્રી નૂર સાહેબ ની હાજરી વિના કોઈ પણ મુશાયરો અધૂરો લાગતો. તેઓ મહેફિલ માં ખીલતા અને બહુ આનંદ અને પ્રેમ પૂર્વક પોતાની રચનાઓ રજુ કરતા.
લખનઉ વિશ્વવિદ્યાલય માંથી બી. એ. ની ડિગ્રી મળ્યા પછી સરકારની નોકરી માં જોડાયા. પણ તેમનો ભાષાઓ હિન્દી અને ઉર્દુ પ્રત્યે નો શોખ બરકરાર રહ્યો
૧૯૪૭ની સાલ માં તેમના લગ્ન શકુંતલા દેવી સાથે થયાં. અને ત્યાર પછી નું જીવન હર્ષોઉલ્લાસ થી ભરપૂર રહ્યું. શકુંતલાજી કૃષ્ણ બિહારી નાં સહધર્મચારિણી સાથે એક નજીકની દોસ્તી છે તેમ તેઓ કહેતા.
૧૯૮૨માં શાકુંતલાજીનો સ્વર્ગવાસ અને તે પછીના વર્ષમાં નોકરી માંથી નિવૃત્તિ. અહીં સંતાનો નો સહવાસ અને સહકાર ને લીધે તેમની લખવાની પ્રવૃત્તિ સવેગ ચાલુ રહી. ૩૦ મે, ૨૦૦૩. ગાઝીયાબાદમાં એક મુશાયરામાં પોતે ગઝલ પેશ કરી, પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા, તેમણે એક બે મુક્તકો રજુ કર્યાં. અને ફરમાઈશ ઉપર ફરમાઈશ આવતી ગયી. તેઓ એકદમ ચૂપ થઇ ગયા. પ્રેક્ષકો ની માફી માગી. પોતાની ખુરશી પર બેસી ગયા. વહેલી સવારે ગાઝીયાબાદ સરકારી હોસ્પિટલમાં હૃદયરોગ ના હુમલાથી તેમનું અવસાન થયું.
તેમના પ્રકાશિત થયેલ સંગ્રહ મુખ્ય છે :
दु:ख-सुख (उर्दू),तपस्या (उर्दू), समंदर मेरी तलाश में है (हिंदी),हुसैनियत की छाँव में, तजल्ली-ए-नूर, आज के प्रसिद्ध शायर कृष्ण बिहारी ‘नूर’ (संपादन-कन्हैयालाल नंदन)
– માહિતી શ્રી કનૈયાલાલ નંદન નાં પુસ્તકમાંથી
કવિ શ્રી ક્ર્ષ્ણ બિહારી નૂર ની લોકપ્રિય નઝ્મ પૈકીની એક છે: “ज़िंदगी से बड़ी सज़ा ही नहीं” જે નામી સંગીતકારો એ સ્વરબદ્ધ કરી છે અને ગાયકોએ સ્વર આપ્યો છે. આજની પ્રસ્તુતિ માં આ રચનાઓ સાથે આસ્વાદ પણ માણીએ.
આ રચના નું શબ્દાંકન:
ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
और क्या जुर्म है पता ही नहीं II
इतने हिस्सों में बट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहीं II
ज़िंदगी मौत तेरी मंज़िल है
दूसरा कोई रस्ता ही नहीं II
सच घटे या बढ़े तो सच न रहे
झूट की कोई इंतिहा ही नहीं II
ज़िंदगी अब बता कहाँ जाएँ
ज़हर बाज़ार में मिला ही नहीं II
जिस के कारन फ़साद होते हैं
उस का कोई अता-पता ही नहीं II
कैसे अवतार कैसे पैग़मबर
ऐसा लगता है अब ख़ुदा ही नहीं II
चाहे सोने के फ़्रेम में जड़ दो
आईना झूट बोलता ही नहीं II
अपनी रचनाओं में वो जिंदा है
‘नूर’ संसार से गया ही नहीं II
-ક્ર્ષ્ણ બિહારી “નૂર”
આ નવ પંક્તિ મુશાયરામાં કવિશ્રી રજુ કરતા. ગાયકો ચાર કે પાંચ પોતાના કાર્યક્રમમાં ગાતા જોવા મળે છે.
અહીં પ્રસ્તુત છે થોડી ચુનંદા શેર નો આસ્વાદ:
‘નૂર’ તખલ્લુસથી ગઝલો લખતા લખનૌના જાણીતા શાયર કૃષ્ણબિહારીની ઉપરોક્ત ગઝલ આફ્રીન પોકારી ઊઠીએ તેવી છે.
૧૯૨૫માં જન્મેલ આ શાયરની ગઝલોએ, કાશ્મીરથી કન્યાકુમારી અને પંજાબથી બંગાલ સુધીના તમામ મુશાયરાઓ ગાજતા અને ગૂંજતા રાખ્યા છે.. કહેવાય છે કે, ઊર્દૂ ગઝલોની એ રોશની હતા તો હિંદી ગઝલોના આધારસ્તંભ હતા.
પહેલી વાર જ્યારે ‘યુટ્યુબ’ પર તેમના ખાસ અંદાઝમાં ઉપરોક્ત ગઝલ સાંભળી અને ફરીથી ખૂબસૂરત સંગીતકાર શ્રી સુજાત હુસેનખાંના અવાજમાં સાંભળવા મળી ત્યારે દિલથી સલામ થઈ જ ગઈ. તે પછી તો અનુપ જલોટા અને જગજીત સિંઘ વગેરે ગાયકોએ પણ આ ગઝલ ગાઈ છે.
ટૂંકી બહેરના મત્લાથી થયેલી ચોટદાર શરૂઆત જ ભાવકના દિલમાંથી ‘આહ’ સર્જાવે છે. એ કહે છે કે,
ज़िंदगी से बड़ी सज़ा ही नहीं
और क्या जुर्म है पता ही नहींવાહ..જિંદગીની તાસીરનું શું રેખાચિત્ર ઉપસાવ્યું છે!!!
રહસ્યો અને વિસ્મયોથી ભરેલી આલમના વિવિધ રંગોમાં આ શાયરે જિંદગીને સજા ગણાવી! ને પછી તરત જ કહી દીધું કે સજા તો છે પણ કયા ગુનાની એ ખબર જ નથી! અહીં એક વ્યથિત માનવીને ચિત્રિત કર્યો છે. પણ બીજી જ ક્ષણે જાણે એની વ્યથાને પડદા પાછળ છુપાવીને, બહાર તો એક બેફિકરાઈભરી મસ્તી બતાવી છે. સાથે સાથે એક વ્યંગાત્મક ઈશારો પણ કરી દીધો છે. ગુના વગરની સજાભરી સ્થિતિ છે આ તો કેવો ન્યાય છે?!
જિંદગી જ્યારે સજા જેવી આકરી લાગે ત્યારે કવિનું હૃદય વિદારીને કવિતા ફૂટી નીકળે છે, ચિત્રકાર પોતાના રક્તથી એ દર્દની કલ્પનાને ચિત્રીત કરે છે, ગાયક પોતાના સૂરમાં એ વ્યથા આરોપણ કરે છે..કવિ શ્રી અનિલ ચાવડાનો શેર અનાયાસે જ યાદ આવી જાય છે.
“જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે.
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.”બીજા શેરમાં ‘નૂર’ એ ભાવને વધુ ઘેરો કરતા કેવા ધારદાર શબ્દો પ્રયોજે છે કે,
इतने हिस्सों में बंट गया हूँ मैं
मेरे हिस्से में कुछ बचा ही नहींઆમ જોઈએ તો સંસારના આ ચક્રમાં માનવી અનેક જાતના રોલ ભજવે છે. સ્ત્રી હોય કે પુરુષ, વ્યક્તિ માત્રનું જુદા જુદા રૂપે, સ્વરૂપે વિભાજન થતું જ રહેતું હોય છે. એ રીતે જ જિંદગી આખીયે જીવાઈ જાય છે. ને પછી સંધ્યા સમયે એક તાત્વિક વિચાર જાગી જાય છે કે, ખરેખર હું કોણ, મેં શું કર્યું? મારા ભાગે શું રહ્યું? આ પ્રકારનો ભાવ મોટેભાગે અસહ્ય બનતાં જીવન ખુદ સજા જેવું લાગે જ લાગે.
ત્રીજો શેર વળી એક નવો વિચાર લઈને આવે છે. શાયર કહે છે કે, માણસમાત્રનો એક સ્વભાવ છે કે, સાચાંખોટાંની પરખમાં મહદ અંશે એ થાપ ખાઈ જાય છે. પણ સત્ય તો સત્ય જ રહે છે ને? એમાં વધઘટ ન ચાલે. વધઘટ થાય તેને સત્ય ન કહેવાય. એ તો અવિચલ છે, સર્વકાળમાં સ્થિર છે. દુઃખની વાત તો એ છે કે, કસોટી સચ્ચાઈની જ થયા કરે છે, વારંવાર થયાં કરે છે. ઈતિહાસ કહે છે કે, જૂઠની કોઈ પરીક્ષા થતી નથી. સમાજ પરનો વ્યંગ છે આ. ‘બેફામ’ પણ કેવું સાચું જ કહી ગયા છેઃ “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.” આ શાયરને પણ આ જ પ્રશ્ન એટલો બધો મૂંઝવે છે કે ચોથો શેર હૈયાંના ઊંડાણમાંથી સરી પડે છેઃ
चाहे सोने के फ्रेम में जड़ दो
आईना झूठ बोलता ही नहीं.કોઈ ગમે તેટલા સોના,ચાંદી કે હીરાની ફ્રેઈમમાં જડાવીને રાજી થાય, કશું છુપાવી શક્યાની ઘડીભર મોજ માણી પણ લે. પરંતુ સાચી વાત તો એ છે કે, तोरा मन दर्पन कहलाये. ભીતરના ભાવો ચહેરા પર પથરાયા વગર રહેતા જ નથી. મનનું દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી. ખૂબ થોડા પણ ધારદાર શબ્દોમાં અહીં કેટલું બધું ઠલવાયું છે? લાઘવ એ સિદ્ધહસ્ત કવિઓની કલા છે, જે અહીં સુપેરે અનુભવાય છે. એટલે જ નૂર સાહેબના એક મિત્ર, નામે મુનવ્વર રાણા; ગૌરવભેર અભિવ્યક્તિ કરતાઃ “આ શાયર લખનૌનું હરતું ફરતું નૂર હતા! એ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લખનૌની સભ્યતા, સંસ્કૃતિ, નઝાકત અને સ્નેહ છવાતો.”
આમ તો આ ગઝલ ૯ થી ૧૦ શેરોની છે પણ અત્રે ચુનંદા શેરો પ્રસ્તૂત છે. અહીં યાદ આવે છે કે કલાકાર અમિતાભ બચ્ચનના અવાજમાં બોલાયેલ નૂર સાહેબની બીજી એક ગઝલનો શેર કે જે ગલીએ ગલીએ ગવાતો, લોકોની જીભે ચડી ગયો હતો. એનો ઉલ્લેખ કર્યા વગર કેમ ચાલે?
‘लफ़्ज़ों के ये नगीने तो निकले कमाल के ग़ज़लों ने ख़ुद पहन लिए ज़ेवर ख़याल के!
ઑર મઝાની વાત તો છેલ્લે આ ગઝલના મક્તામાં આવે છે. તેમાં કવિ ખુદ કહે છે કે,
अपनी रचनाओं में वो ज़िन्दा है
‘नूर’ संसार से गया ही नहीं .કેટલી સાચી વાત છે? જાણે ભાવકના મુખે નીકળતા ઉદગાર ન હોય! આવા ઉચ્ચકક્ષાના શાયર તેમની રચનાઓ દ્વારા સદા અમર જ રહેશે. શાયરને અને તેમની કલામને સો સો સલામ અને નમસ્કાર.
દેવિકા ધ્રુવ (હ્યુસ્ટન)
શરૂઆતમાં શ્રી કૃષ્ણ બિહારીજીને એક મુશાયરામાં સાંભળીયે:
સિતાર નવાઝ સ્વ. શ્રી વિલાયત ખાં ના સુપુત્ર ઉસ્તાદ સુજાત હુસેનખાં, ગઝલ ગાયકી અને સિતાર વાદન માં પારંગત, દેશ – પરદેશ માં સંખ્યાબંધ સંગીત ને લગતા પ્રોજેક્ટ માં જોડાયેલા
સૂર, તાલ ના બાદશાહ ની એક યાદગાર પ્રસ્તુતિ:
રાજસ્થાન માં વસેલા શ્રી ગંગાનગર માં જન્મેલા, મલ્હાર ઘરાના – ખયાલ, ધ્રુપદ અને ઠુમરી માં માહિર શ્રી જગજીત સિંહ ધીમન :
આ થોડી નાટકીય પ્રસ્તુતિ છે, પાશ્વમાં રીયાઝ કવ્વાલી નું ગાન સંભળાય છે. આ યુવા ગાયકો ની ટીમ “રીયાઝ કવ્વાલ” હ્યુસ્ટન વિશ્વવિદ્યાલય ભણતા વિદ્યાર્થીઓ એ શરૂ કર્યું. થોડા વર્ષો પહેલા એક કાર્યક્રમમાં નરસિંહ મહેતા રચિત, ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવજન” કવ્વાલી રૂપે પેશ કરી પ્રેક્ષકો ની જોરદાર દાદ મેળવેલી. YouTube ઉપર એની મજા આપ પણ માણી શકશો. અહીં સાંભળીયે તેમનાં અવાજમાં આજની બંદિશ:
પાશ્વ ગાયક શ્રી આશિષ શ્રીવાત્સવ
નૈનિતાલ માં જન્મ, લખનઉ ના ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય માં શિક્ષણ, પંજાબ નું શામ ચોરાસી ઘરાના, હવે આપણી આ મહેફિલ માં આવે છે શ્રી અનુપ જલોટા. અનુપજી એ થોડાં વર્ષ અમરેલી જિલ્લામાં આવેલા સવાર કુંડલા માં વિતાવેલા.
ગાયક શ્રી શેખાવત ખાં, સંગતમાં બાંસુરી પર શ્રી રાજેશ પ્રસન્ના અને તબલા પર શ્રી અર્શદ ખાં:
મથુરા, વૃંદાવન ના એક સમયના નિવાસી કૃષ્ણ પ્રેમી ભજનિક સ્વ. શ્રી વિનોદ અગરવાલ
ગાયક અને સંગીતકાર શ્રી રાજેશ પનવાર
સાલ ૨૦૦૫ ની એક પ્રતિષ્ઠિત સંગીત સ્પર્ધા ના વિજેતા, મુંબઈ નિવાસી શ્રી નાનું ગુર્જર
શ્રી દેબત્રિતા મુખરજી
મુંબઈ સ્થિત શ્રી યુસુફ આઝાદ કવ્વાલ ને સાથીદારો
કર્ણપ્રિય અવાજના માલિક ડૉ. અનામિકા સિંઘ
સરસ્વતી સંગીત કેન્દ્ર, રુરકી, ઉત્તરાખંડ , નાં ગાયક અને સંગીતકાર શ્રી ધર્મદત્ત સહગલ,
ડો. રાજ પ્રભા પાણીગ્રહી
તેમના સમકાલીન કવિ શ્રી મેરાજ ફૈઝાબાદી કૃષ્ણ બિહારી “નૂર”ને અંજલિ આપતા કહે છે કે:
“होंठों पर मुस्तक़िल खेलती हुई हँसी, चेहरे पर ऋषियों जैसा सुकून और पवित्रता, आँखों में लम्हा भर चमक कर बुझ जाने वाले साये-तारीकियों के इस युग में बीती हुई पुरनूर सदियों का सफ़ीर (રાજદૂત), एक फ़नकार, एक इन्सान, एक फ़कीर…’
एसा था ‘नूर’ लखनवी का व्यक्तित्व ।
શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
“ઉતાવળ” : ક્યાં કરાય , ક્યાં ન કરાય ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
આજે વિકસતા વિજ્ઞાનની સાથોસાથ માનવ જિંદગીમાં ઉદ્વિગ્નતા અને “ઉતાવળે” એવો પગ પેસારો કર્યો છે કે કોઇનામાં એકબીજા કોઇની પૂરી વાત સાંભળવાની ધીરજ નથી રહી. કાર્ય ગમે તે હોય-કોઇ વ્યવસાયને લગતું હોય, કૌટુંબિક જીવનને લગતું હોય કે સામાજિક સંબંધોને લગતું હોય ! દરેકને બસ ઉતાવળે લીધું કામ તરત પૂરું કરવું છે. બસ, આવી જ માનસિકતા વંટોળિયાની માફક આપણામાં ચક્રાવો લઈ રહી છે, તેવી અવિચારી દોડ ક્યારેક ઊંડી ખાઇમાં નાખી દે છે. એટલે આપણે એ જાણવું જરૂરી થઈ પડે છે કે “ઉતાવળ” કેવા કાર્યોમાં કરાય અને કેવા કાર્યોમાં ન કરાય. કહ્યું છે ને “ઉતાવળા સો બહાવરા, ધીરા છો ગંભીર !
પહેલાં……….. આપણે કેટલીક વાત તેની વિગત સમજ્યા વિના થઈ ગયેલી ઉતાવળ ના પરિણામ વિશે વિચારીએ.
[1] ……..જૂના જમાનાની વાત છે. એક નગરમાં કોઇ શ્રીમંત શેઠને નજીકના ગામે રહેતા એમના વેવાઈને કોઇ ખાસ સંદેશો મોકલવાનું થયું. પોતાના સેવકને બોલાવીને કહ્યું, “જો સવા ! મારા વેવાઇના ગામની તો તને જાણ છે જ, ખરું ને ? તું હમણાં ને હમણાં જ નીકળ અને તેમને મારો અગત્યનો સંદેશો આપી આવ. સંદેશો બહુ અગત્યનો છે એટલે જલ્દી કરજે.”. “ભલે,” કહી સેવક સવો તો ઝટ ઝટ પોતાને ઘેર પહોંચ્યો. પતિને હાંફળા ફાંફળા જોઇ પત્ની પૂછે, “કેમ આટલી બધી ઉતાવળમાં છો ?” તો કહે “ તું અત્યારે સવાલો પૂછવાનું બંધ રાખ. શેઠનો ખાસ સંદેશો એમના વેવાઈને મારે બહુ ઝડપથી પહોંચાડવાનો છે.” પત્નીએ તેને થોડુંક જમતા જવાનું કહ્યું. તો કહે, “ટાઇમ જ નથી. તું એક કામ કર-રોટલા સાથે બંધાવી દે, હું રસ્તામાં ખાઈ લઈશ.” આમ કહી સેવક તો ઝડપભેર ભાતુ લઈ નીકળી ગયો. એક બાજુ માલિકનો હુકમ છે અને પોતે આજ્ઞાંકિત સેવક ! પછી પૂછવું જ શું ?
વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું ?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો આપને પહોંચાડવાની તાકીદ કરી છે, એટલે ક્યાંય ખોટી થયા વિના ઝડપથી આવી ગયો છું.” વેવાઈ કહે, ‘બહુ સારું, બોલ, શો સંદેશો મોકલ્યો છે ?” ત્યારે સેવકને ભાન થયું- અરે..રે ! અહીં પહોંચવાની ઉતાવળમાં સંદેશો શો છે એ તો પૂછવાનું જ ભૂલી ગયો ! લો કહો, થયું ને “હિરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો” એવું જ ને ? સેવકે કરેલી આવી ઉતાવળથી આપણે બચવું રહ્યું.
[2]………અમારા વિસ્તારમાં જ બનેલા એક પ્રસંગની વાત કરું. આજના જેટલાં પશુ દવાખાના પહેલાં નહોતાં. એ વખતે રામપરામાં અમારા એક સંબંધી દાદા કોઇનો બળદિયો માંદો-અણોહરો થયો હોય તો બળદને પેટ ઉપર, પાંહળાં ઉપર કે પગના થાપા ઉપર “ડામ” દઈ સાજો કરવાનું વૈદું જાણતા, અને પોતાની ડેલી બહાર બજારે બળદને ડામ દેતી વખતે બાંધવા માટેના એક-બે ખીલા પણ ખોડેલા રાખતા.
બન્યું એવું આથમણી દશ્યના એક ખેડૂતનો બળદિયો બરાબર વાવણી ટાણે જ ડૂકી ગયો. એટલે એ ખેડૂતે ઉગમણી દશ્યેથી એક રુષ્ટપુષ્ટ લોહીએ લથબથ એવો બળદ ખરીદ્યો અને તેને દોરી તે પોતાને ગામ જવા નીકળ્યો એમાં રસ્તામાં આવ્યું ગામ રામપરા. આ ગામમાં એના સગા રહે. એને થયું કે નીકળ્યો જ છું અને વળી ગામ રસ્તામાં આવ્યું છે તો લે ને હાઉકલું કરતો જાઉં ! નજર કરતાં બજારમાં જ એક ડેલી આગળ ખોડેલ ખીલો ભાળી બળદને ત્યાં ટેકવીને પોતે સગાને ત્યાં જવા નીકળી ગયો.
આ બાજુ એ જ ડેલામાં રહેતા પેલા “ડામ” ના જાણકાર દાદાને બહારગામ જવાનું હોવાથી ડેલી બહાર નીકળ્યા ભેળો ખીલે બાંધેલ બળદિયો ભાળ્યો ! મનમાં થયું “અહીં તો બળદિયો માંદો હોય તો જ બાંધ્યો હોય ને ? પણ આ બળદિયો છે કોનો ? માળો બળદવાળો જણ કેમ દેખાતો નથી ? ભારે કરી ! મારે જવું છે બહારગામ અને વચ્ચે આ કામ આવી પડ્યું ! ખરું કહું તો ડાંભવાનું કામ તો મારે જ કરવાનું છે ? તો પછી ધરમના કામમાં ઢીલ શી ? જણ ભલે ગામમાં ગયો હોય, બળદિયો તો અહીં જ છે ને ? ડાંભ્યા પછી ક્યાં ડાંભવાનો છે ?” એણે તો ઝટ ઝટ ભાઠો કરી, ડાઢો ધગાવી, બળદના પાંહળામાં સપ..સપ..બે ડામ ચોડી દીધા ! “હવે ગામતરે નીકળી જાઉં” વિચારી જ્યાં પગ ઉપાડ્યા ત્યાં ગામમાં ગયેલો બળદનો માલિક આવી ગયો અને બળદને દીધેલા ડામ જોઇ એતો દાદા સાથે ફાળ્યે થયો. “અરે, તમે કેવા માણહ છો ? મારા સાજા-નરવ્યા બળદિયાને ડામ દઈ દીધા?” એ તો નો કહેવાના વેણ બોલ્યો પણ હવે શું થાય ? દાદાએ બળદિયો સાજો છે કે માંદો છે એ જાણ્યા કારવ્યા વગર ડામ દેવાની ઉતાવળ કરી એનો રોષભર્યો ઠપકો દાદાને સાંભળવો પડ્યો અને એનો ભોગ તો બિચારો બળદિયો બની ગયો એ વધારામાં.
[3]……આજની ૨૧મી સદીમાં પણ મારી જાણમાં એવા આધેડ ખેડૂતો છે કે જેઓ બસ, એવું જ માનનારા છે કે બીજા બધા ખેડૂતોની મોર્ય અમારો ઘઉંનો ઘેરો લીલકાવો જોઇએ. તલીવાયુ તો સપ્ટેમ્બર મહિનામાં જ નવરું થઈ ગયું હોય, પછી રાહ શેની જોવી ? ચાહણા-નિહણા કરી ઓક્ટોબર પૂરો ન થાય થાય ત્યાં ઘઉં વાવી દીધે પાર કરે. અને આ મહિનામાં હજુ ઠંડીનો ચમકારોય ન શરૂ થયો હોય એટલે આટલા વહેલા વવાયેલા ઘઉં ફૂટ ઓછી લે અને ઉતારોયે ઓછો જ લે. મારા આ ઉતાવળિયા ખેડૂત મિત્રોની ઘઊં વાવણી એના યોગ્ય સમયથી વહેલા કરી દેવાની ઉતાવળને કેવી ગણશું કહો !
[4]…….અરે, શું વાત કરું તમને ! અમારા શેઢા પાડોશી બાઘાભાઇને તો “ઉતાવળ” એના લોહીની હારોહાર ફરતી હોય ! આજથી ત્રીજા જ વરહની વાત છે. પહેલવાડનો વરસાદ વરસ્યા ભેળા ખંભે કોદાળી મારતાકને પહોંચી ગયા ખેતરે.! ખાડો કરી તપાસ્યો તરેહ [ભીનાશ] તો 3-4 આંગળ જણાયો. “વાહ ભૈ વાહ ! આટલા તરેહે શીંગ [મગફળી] તો ઊગી જ જાય !” ઘેર આવી બળદિયાને નાખ્યા ધરમાં, ને જોડ્યા વાવણિયે ! કુણા બપોરે કટકું વાવી દીધે પાર કર્યું.
રોંઢો કરી, વાવણી કેવીક થઈ છે તે જોવા પડામાં માર્યો આંટો, ત્યાં પાંહ બધી સાવ ભરભર ભૂકો-બાકસિયા-કોરાભીના જેવી થઈ ગયેલી ભાળી. હવે ? હવે શું ? તમે જ વિચારો ! ધરતી ઉપરથી આખો ઉનાળો પસાર થયો હોય એટલે જમીનમાં તો દાંત સુધી તિરાડિયા પડી હયા હોય, એમાં મામૂલી વરસાદે 3-4 આંગળ જમીનની ભીની થયેલ પાંહને ઉપરથી પડતો સૂર્યતાપ અને નીચેથી કોરો ધગધગતો ગરમ જમીનનો “ધડો” ! બન્ને વચ્ચે ભીંહાતો ભેજ ટકે કેટલોક ? બિયારણ અરધુંયે ન ઊગ્યું. બાઘાભાઇને પસ્તાવાનો પાર ન રહ્યો, પણ “હવેથી કોઇ કામમાં વગર જોઇતી ઉતાવળ નહીં” કરું એટલો બોધ લીધો તોયે ગનીમત ગણાય.
[5]………આવી ઉતાવળ તો કૌટુંબિક વ્યવહારોમાં પણ કોઇ કોઇ વાર થઈ જતી હોય છે. બીજાની નહીં, અમારા જ કુટુંબની વાત કરું તો મારા કાકા ભવાનભાઇનું સાસરું ગામ ભટવદરમાં. મારા બાપાને ત્યાં અવારનવાર જવાનું થાય. ભગવાનપટેલ કરીને ત્યાના એક પટેલ આગેવાન. મારા બાપા એના પરિચયમાં આવ્યા. અને વાતવાતમાં એકબીજાની લાગણીમાં ખેંચાઇ જઈ, બન્ને એ નક્કી કર્યું કે હાલોને આપણે સગા થઈએ ! મારા બાપાએ ભગવાન પટેલની એક દીકરી નજરમાં આવતાં તેની માથે હાથ મૂકી કહ્યું કે “હવેથી આ દીકરી અમારી.”
ભટવદરથી બન્ને આવ્યા અમારે ગામ. મારાથી નાના ભાઇ નરશીને દેખાડ્યો. ભગવાન પટેલે નરશી ઉપર નજર કરીને બોલ્યા કે “આ દીકરો મને અમારી દીકરી કરતા બેક વધુ મોટો લાગે છે.” તો મારા બાપાએ નરશીને એક બાજુ કરી એનાથી નાના રામજીને દેખાડ્યો. ભગવાન પટેલને આ દીકરો ઉંમરમાં દીકરીની વડ્યનો લાગતાં, સંબંધ નક્કી કરી બન્ને બન્યાં વેવાઈ !
પણ ચારેક વરસ પછી ભગવાન પટેલ કહે, “ વેવાઈ ! અમારી મોટી બે દીકરીયુના લગ્ન નક્કી કર્યા છે તો હારોહાર આ તમને આપેલી દીકરીના પણ લગન કરી વાળીએ.” લો કરો વાત ! અમારે તો ભાઇ રામજીને હજુ આગળ ભણ્નવાનું ઘણું બાકી હતું. એટલે અમોને ભગવાન પટેલનું વેણ મંજુર ન રહ્યું, અને અમારે સંબંધ છૂટો કરવો પડ્યો. વેવિશાળ બાબતે થઈ ગયેલ ઉતાવળે સગા સગામાં મન ઉંચા થઈ, મનદુ:ખ વહોરાયું. લાગણીમાં આવી કરાઈ ગયેલી ઉતાવળથી પસ્તાવાનો પાર ન રહ્યો.
[6]………૨૦૧૫માં અમે પતિ-પત્ની ઇઝરાયેલ પ્રવાસે ગયેલા ત્યારે ત્યાં જોયું હતું કે રોડ ઉપર દરેક વાહન ચાલક પોતાની ગતિ પ્રમાણે એને ચાલવા મુકરર કરેલ પટ્ટામાં જ નિયત ગતિથી એકધારાં પોતાના વાહન ચલાવ્યે જતા હોય., ન હોય જાતભાતના હોર્નનો દેકારો કે ન હોય આમથી તેમ દોડાદોડીની હડિયાપાટી ! જ્યારે આપણે ત્યાં? ટ્રાફિકના નિયમો તો અહિંયા પણ છે જ. પણ તેનું પાલન કેટલા વાહનચાલકો કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. ઘડીક આ બાજુ તો ઘડીક પાછું પેલી બાજુ, રોંગ સાઈડે વાહન દોડાવીને પણ મોર્ય કર્યે પાર ! અકસ્માત ક્યારે બની જશે એનું થોડું નક્કી હોય? જ્યારે બની જાય છે ત્યારે વાહનના તો ભુક્કા બોલી જાય એ તો સમજ્યા, પણ સામાવાળા કે અંદર બેઠેલા, સૌની જિંદગી એટલી જ કીમતી છે. વાહનચાલકની થોડીશી ઉતાવળ કેવું ભયંકર પરિણામ લાવતી હોય છે એની યાદી અખબારોમાં વાંચતા જ હોઇએ છીએ ને? વાહન ચલાવવામાં થોડીક ધીરજ રખાતી હોય તો આ ખુવારીમાંથી જરૂર બચી શકાય છે મિત્રો !
હા, કેટલાંક કાર્યો બને એટલી “ઉતાવળે” સમેટવા જરૂરી ગણાય: જેનો ખ્યાલ આવ્યા ભેળું જ એના ઉકેલના પગલાં ભરવામાં ઢીલ રખાઇ ગઈ હોય તો ખુબ માઠાં પરિણામો ભોગવવાનો વારો આવી જતો હોય છે. દા.ત., લાણીની મોસમ ચાલતી હોય, બાજરો લણાઇને તેનાં ડુંડાં ખળામાં પથરાઇને સૂર્યતાપમાં સૂકાઇ રહ્યા હોય અને ઓચિંતાનું આકાશમાં વાદળ ચડી આવે, વીજળી લબકારા કરવા માંડે અને મે [વરસાદ] હરુડવા માંડે, જો આ ઘડિયે તૂટી પડશે એવું વાતાવરણ થઈ જાય એવે ટાણે ઝટ ઝટ ડુંડાનો ઢગલો કરી ઉપર તાડપત્રીનું ઢાંકણ કરી વાળવું એ જ વ્યાજબી ગણાય. બપોર વળોટી ગયા હોય તો ખાવા ન બેસી જવાય !
અરે, કોઇ કારણસર શેઢાની વાડ્યમાં આગ લાગેલી ભાળી જવાય એટલે ઘડીનોયે વિચાર કે વિલંબ કર્યા વિના ઉતાવળા ઉતાવળા શેઢાસફાઇના સાધનો લેતાકને ત્યાં પહોંચી આગને આગળ વધતી અટકાવવા થોડે આગળથી ઘાસ-પૂસ-કાંટા-ઠરડાં દૂર હટાવી થોડું ખાલું પાડી દેવું એ જ બડકમદારીનું કામ ગણાય.
માનો કે ખીલેથી છૂટી કરી, ભેંશને હવાડે પાણી પીવા લઈ જતા હોઇએ અને સામેથી બીજા કોઇની ભેંશ આવી ચડતાં બન્ને સામસામી કતરાઈને ધીક લઈ બાધવા માડે તો ? તો શું કોની ભેંશનો પગ ભાંગે છે કે કોની ભેંશનું શીંગડું મરડાઇ જાય છે, કે કોની ભેંશ પોગી જાય છે એવું પરિણામ જોવા ઊભું રહેવું વ્યાજબી લેખાશે કે બન્નેને બડાવાળી કરી ફટાફટ નોખી પાડી દેવી એ જ ઉત્તમ ગણાશે ?
અરે ! ખેતરેથી ઘેર આવીએ અને “ઘરમાં સાપ ઘૂસી ગયો છે” એવી જાણ થયા ભેળું જ તે ઘંટી ઓથાણે, ડામચિયા નીચે કે પાણીયારા પાછળ-ક્યાં સંતાયો છે તે તપાસ કરી, તેને પીવીસી પાઈપ કે પતરાની પેટડી –ઝટ ઝટ જે હાથમાં આવ્યું તે લઈ, તેને કેમ પકડી લેવો તેની જ વેતરણમાં ન લાગી જઈએ તો તો જીવ જ ખોવાનો વારો આવે ને ?
પણ આવી ખોટી ઉતાવળ કરવાનો અર્થ શો ? આપણે સૌ દેખીએ જ છીએ કે બસસ્ટેશનમાં બસ આવીને ઊભી રહે અને અંદરથી ઉતારુઓ પૂરા ઉતરી ન રહ્યા હોય ત્યાં બસમાં ચડનારા એકબીજાથી આગળ ચડી જવા ધક્કામુક્કી કરે તો શું થાય? દરવાજો એક જ હોય અને એકીસાથે ચડનારા ઝાઝા ભીંહ કરવા માંડે તો શું થાય ? એકેય ચડી ન શકે અને બાધંબાધી થઈ એકબીજાની કોણીઓ ખાવાનું ભાગ્ય આવે તે વધારામાં ! થોડીક ધીરજ રખાતી હોય તો ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું જ હોય !
આવી જ ઉતાવળ સમૂહલગ્ન કે સંસ્કાર સેમિનારના રસોડે ગોઠવાયેલ ભોજનસમારંભોમાં પણ ક્યારેક ક્યારેક તો પંગતે વહેલા પહોંચવા એવી થતી હોય છે કે વ્યવસ્થાપકો મુંઝારામાં મૂકાઇ જાય અને જમણવારનું વાતાવરણ આખું પ્રસન્નતા ખોઇ બેસે. બે પાંચ મિનિટ વહેલું કે મોડું-બધાને જમવાનું મળવાનું જ હોય, પણ એટલી ધીરજ પણ રહેતી નથી તે વાત એટલી જ સાચી છે.
ઉતાવળ હોય છતાં શિસ્ત –વિવેક થોડો ચૂકાય ? ફૂલછાબની પૂર્તિમાં વાંચ્યા મુજબ-જાપાનમાં સુનામી આવ્યું એ વખતે હજારો લોકો બેઘર થયા. કેટલાય લોકોના પરિવાર તૂટ્યા.તો કેટલાય અનાથ થયા. સરકારે રાહતછાવણીઓ સ્થાપી. ભોજનની વ્યવસ્થા કરેલી ત્યાં લાઇનમાં ઊભા રહી લોકો ખાવાનું લઈ રહ્યા હતા. રડી રડીને સુઝવાડી દીધેલી આંખો અને થાક-ભૂખથી લોથ થઈ ગયેલા એક ૭-૮ વરસના છોકરાને લાઇનમાં ઊભેલો જોઇ વ્યવસ્થાપક સૈનિકને કરુણાં ઉપજી અને એક થાળીમાં ખાવાનું લઈ એ છોકરાને આપ્યું. છોકરાએ હાસ્ય સાથે આભાર માની થાળી લઈ તો લીધી પણ પછી તે જમણ ભરેલી થાળી કાઉંટર પર મૂકી આવ્યો અને પાછો લાઇનમાં આવીને ઊભો રહી ગયો.
પેલા સૈનિકે આ જોયું. તેણે પૂછ્યું કે “આમ કેમ કર્યું ?” તો કહે, “અહિયાં ઊભા છે એ બધા જ આફતના માર્યા-એટલી જ ઉતાવળવાળા છે. મારું બધું ભલે જતું રહ્યું, પણ હું એક જાપાનીજ છું મારા સંસ્કાર મને આમ કતાર તોડીને જમવાની ના કહે છે. આને જ કહેવાયને દેશપ્રેમનું ગૌરવ અને શિસ્ત ! સુનામીના કારમા આઘાતમાંથી જાપાન ઝડપભે બેઠું થઈ ગયું. આવી ખુમારી વાળી જિંદાદીલી જે દેશમાં હોય ત્યાં ફરી બધું વ્યવસ્થિત થતાં વાર ન લાગે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
