કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
આજે વિકસતા વિજ્ઞાનની સાથોસાથ માનવ જિંદગીમાં ઉદ્વિગ્નતા અને “ઉતાવળે” એવો પગ પેસારો કર્યો છે કે કોઇનામાં એકબીજા કોઇની પૂરી વાત સાંભળવાની ધીરજ નથી રહી. કાર્ય ગમે તે હોય-કોઇ વ્યવસાયને લગતું હોય, કૌટુંબિક જીવનને લગતું હોય કે સામાજિક સંબંધોને લગતું હોય ! દરેકને બસ ઉતાવળે લીધું કામ તરત પૂરું કરવું છે. બસ, આવી જ માનસિકતા વંટોળિયાની માફક આપણામાં ચક્રાવો લઈ રહી છે, તેવી અવિચારી દોડ ક્યારેક ઊંડી ખાઇમાં નાખી દે છે. એટલે આપણે એ જાણવું જરૂરી થઈ પડે છે કે “ઉતાવળ” કેવા કાર્યોમાં કરાય અને કેવા કાર્યોમાં ન કરાય. કહ્યું છે ને “ઉતાવળા સો બહાવરા, ધીરા છો ગંભીર !
પહેલાં……….. આપણે કેટલીક વાત તેની વિગત સમજ્યા વિના થઈ ગયેલી ઉતાવળ ના પરિણામ વિશે વિચારીએ.
[1] ……..જૂના જમાનાની વાત છે. એક નગરમાં કોઇ શ્રીમંત શેઠને નજીકના ગામે રહેતા એમના વેવાઈને કોઇ ખાસ સંદેશો મોકલવાનું થયું. પોતાના સેવકને બોલાવીને કહ્યું, “જો સવા ! મારા વેવાઇના ગામની તો તને જાણ છે જ, ખરું ને ? તું હમણાં ને હમણાં જ નીકળ અને તેમને મારો અગત્યનો સંદેશો આપી આવ. સંદેશો બહુ અગત્યનો છે એટલે જલ્દી કરજે.”. “ભલે,” કહી સેવક સવો તો ઝટ ઝટ પોતાને ઘેર પહોંચ્યો. પતિને હાંફળા ફાંફળા જોઇ પત્ની પૂછે, “કેમ આટલી બધી ઉતાવળમાં છો ?” તો કહે “ તું અત્યારે સવાલો પૂછવાનું બંધ રાખ. શેઠનો ખાસ સંદેશો એમના વેવાઈને મારે બહુ ઝડપથી પહોંચાડવાનો છે.” પત્નીએ તેને થોડુંક જમતા જવાનું કહ્યું. તો કહે, “ટાઇમ જ નથી. તું એક કામ કર-રોટલા સાથે બંધાવી દે, હું રસ્તામાં ખાઈ લઈશ.” આમ કહી સેવક તો ઝડપભેર ભાતુ લઈ નીકળી ગયો. એક બાજુ માલિકનો હુકમ છે અને પોતે આજ્ઞાંકિત સેવક ! પછી પૂછવું જ શું ?
વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું ?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો આપને પહોંચાડવાની તાકીદ કરી છે, એટલે ક્યાંય ખોટી થયા વિના ઝડપથી આવી ગયો છું.” વેવાઈ કહે, ‘બહુ સારું, બોલ, શો સંદેશો મોકલ્યો છે ?” ત્યારે સેવકને ભાન થયું- અરે..રે ! અહીં પહોંચવાની ઉતાવળમાં સંદેશો શો છે એ તો પૂછવાનું જ ભૂલી ગયો ! લો કહો, થયું ને “હિરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો” એવું જ ને ? સેવકે કરેલી આવી ઉતાવળથી આપણે બચવું રહ્યું.
[2]………અમારા વિસ્તારમાં જ બનેલા એક પ્રસંગની વાત કરું. આજના જેટલાં પશુ દવાખાના પહેલાં નહોતાં. એ વખતે રામપરામાં અમારા એક સંબંધી દાદા કોઇનો બળદિયો માંદો-અણોહરો થયો હોય તો બળદને પેટ ઉપર, પાંહળાં ઉપર કે પગના થાપા ઉપર “ડામ” દઈ સાજો કરવાનું વૈદું જાણતા, અને પોતાની ડેલી બહાર બજારે બળદને ડામ દેતી વખતે બાંધવા માટેના એક-બે ખીલા પણ ખોડેલા રાખતા.
બન્યું એવું આથમણી દશ્યના એક ખેડૂતનો બળદિયો બરાબર વાવણી ટાણે જ ડૂકી ગયો. એટલે એ ખેડૂતે ઉગમણી દશ્યેથી એક રુષ્ટપુષ્ટ લોહીએ લથબથ એવો બળદ ખરીદ્યો અને તેને દોરી તે પોતાને ગામ જવા નીકળ્યો એમાં રસ્તામાં આવ્યું ગામ રામપરા. આ ગામમાં એના સગા રહે. એને થયું કે નીકળ્યો જ છું અને વળી ગામ રસ્તામાં આવ્યું છે તો લે ને હાઉકલું કરતો જાઉં ! નજર કરતાં બજારમાં જ એક ડેલી આગળ ખોડેલ ખીલો ભાળી બળદને ત્યાં ટેકવીને પોતે સગાને ત્યાં જવા નીકળી ગયો.
આ બાજુ એ જ ડેલામાં રહેતા પેલા “ડામ” ના જાણકાર દાદાને બહારગામ જવાનું હોવાથી ડેલી બહાર નીકળ્યા ભેળો ખીલે બાંધેલ બળદિયો ભાળ્યો ! મનમાં થયું “અહીં તો બળદિયો માંદો હોય તો જ બાંધ્યો હોય ને ? પણ આ બળદિયો છે કોનો ? માળો બળદવાળો જણ કેમ દેખાતો નથી ? ભારે કરી ! મારે જવું છે બહારગામ અને વચ્ચે આ કામ આવી પડ્યું ! ખરું કહું તો ડાંભવાનું કામ તો મારે જ કરવાનું છે ? તો પછી ધરમના કામમાં ઢીલ શી ? જણ ભલે ગામમાં ગયો હોય, બળદિયો તો અહીં જ છે ને ? ડાંભ્યા પછી ક્યાં ડાંભવાનો છે ?” એણે તો ઝટ ઝટ ભાઠો કરી, ડાઢો ધગાવી, બળદના પાંહળામાં સપ..સપ..બે ડામ ચોડી દીધા ! “હવે ગામતરે નીકળી જાઉં” વિચારી જ્યાં પગ ઉપાડ્યા ત્યાં ગામમાં ગયેલો બળદનો માલિક આવી ગયો અને બળદને દીધેલા ડામ જોઇ એતો દાદા સાથે ફાળ્યે થયો. “અરે, તમે કેવા માણહ છો ? મારા સાજા-નરવ્યા બળદિયાને ડામ દઈ દીધા?” એ તો નો કહેવાના વેણ બોલ્યો પણ હવે શું થાય ? દાદાએ બળદિયો સાજો છે કે માંદો છે એ જાણ્યા કારવ્યા વગર ડામ દેવાની ઉતાવળ કરી એનો રોષભર્યો ઠપકો દાદાને સાંભળવો પડ્યો અને એનો ભોગ તો બિચારો બળદિયો બની ગયો એ વધારામાં.
[3]……આજની ૨૧મી સદીમાં પણ મારી જાણમાં એવા આધેડ ખેડૂતો છે કે જેઓ બસ, એવું જ માનનારા છે કે બીજા બધા ખેડૂતોની મોર્ય અમારો ઘઉંનો ઘેરો લીલકાવો જોઇએ. તલીવાયુ તો સપ્ટેમ્બર મહિનામાં જ નવરું થઈ ગયું હોય, પછી રાહ શેની જોવી ? ચાહણા-નિહણા કરી ઓક્ટોબર પૂરો ન થાય થાય ત્યાં ઘઉં વાવી દીધે પાર કરે. અને આ મહિનામાં હજુ ઠંડીનો ચમકારોય ન શરૂ થયો હોય એટલે આટલા વહેલા વવાયેલા ઘઉં ફૂટ ઓછી લે અને ઉતારોયે ઓછો જ લે. મારા આ ઉતાવળિયા ખેડૂત મિત્રોની ઘઊં વાવણી એના યોગ્ય સમયથી વહેલા કરી દેવાની ઉતાવળને કેવી ગણશું કહો !
[4]…….અરે, શું વાત કરું તમને ! અમારા શેઢા પાડોશી બાઘાભાઇને તો “ઉતાવળ” એના લોહીની હારોહાર ફરતી હોય ! આજથી ત્રીજા જ વરહની વાત છે. પહેલવાડનો વરસાદ વરસ્યા ભેળા ખંભે કોદાળી મારતાકને પહોંચી ગયા ખેતરે.! ખાડો કરી તપાસ્યો તરેહ [ભીનાશ] તો 3-4 આંગળ જણાયો. “વાહ ભૈ વાહ ! આટલા તરેહે શીંગ [મગફળી] તો ઊગી જ જાય !” ઘેર આવી બળદિયાને નાખ્યા ધરમાં, ને જોડ્યા વાવણિયે ! કુણા બપોરે કટકું વાવી દીધે પાર કર્યું.
રોંઢો કરી, વાવણી કેવીક થઈ છે તે જોવા પડામાં માર્યો આંટો, ત્યાં પાંહ બધી સાવ ભરભર ભૂકો-બાકસિયા-કોરાભીના જેવી થઈ ગયેલી ભાળી. હવે ? હવે શું ? તમે જ વિચારો ! ધરતી ઉપરથી આખો ઉનાળો પસાર થયો હોય એટલે જમીનમાં તો દાંત સુધી તિરાડિયા પડી હયા હોય, એમાં મામૂલી વરસાદે 3-4 આંગળ જમીનની ભીની થયેલ પાંહને ઉપરથી પડતો સૂર્યતાપ અને નીચેથી કોરો ધગધગતો ગરમ જમીનનો “ધડો” ! બન્ને વચ્ચે ભીંહાતો ભેજ ટકે કેટલોક ? બિયારણ અરધુંયે ન ઊગ્યું. બાઘાભાઇને પસ્તાવાનો પાર ન રહ્યો, પણ “હવેથી કોઇ કામમાં વગર જોઇતી ઉતાવળ નહીં” કરું એટલો બોધ લીધો તોયે ગનીમત ગણાય.
[5]………આવી ઉતાવળ તો કૌટુંબિક વ્યવહારોમાં પણ કોઇ કોઇ વાર થઈ જતી હોય છે. બીજાની નહીં, અમારા જ કુટુંબની વાત કરું તો મારા કાકા ભવાનભાઇનું સાસરું ગામ ભટવદરમાં. મારા બાપાને ત્યાં અવારનવાર જવાનું થાય. ભગવાનપટેલ કરીને ત્યાના એક પટેલ આગેવાન. મારા બાપા એના પરિચયમાં આવ્યા. અને વાતવાતમાં એકબીજાની લાગણીમાં ખેંચાઇ જઈ, બન્ને એ નક્કી કર્યું કે હાલોને આપણે સગા થઈએ ! મારા બાપાએ ભગવાન પટેલની એક દીકરી નજરમાં આવતાં તેની માથે હાથ મૂકી કહ્યું કે “હવેથી આ દીકરી અમારી.”
ભટવદરથી બન્ને આવ્યા અમારે ગામ. મારાથી નાના ભાઇ નરશીને દેખાડ્યો. ભગવાન પટેલે નરશી ઉપર નજર કરીને બોલ્યા કે “આ દીકરો મને અમારી દીકરી કરતા બેક વધુ મોટો લાગે છે.” તો મારા બાપાએ નરશીને એક બાજુ કરી એનાથી નાના રામજીને દેખાડ્યો. ભગવાન પટેલને આ દીકરો ઉંમરમાં દીકરીની વડ્યનો લાગતાં, સંબંધ નક્કી કરી બન્ને બન્યાં વેવાઈ !
પણ ચારેક વરસ પછી ભગવાન પટેલ કહે, “ વેવાઈ ! અમારી મોટી બે દીકરીયુના લગ્ન નક્કી કર્યા છે તો હારોહાર આ તમને આપેલી દીકરીના પણ લગન કરી વાળીએ.” લો કરો વાત ! અમારે તો ભાઇ રામજીને હજુ આગળ ભણ્નવાનું ઘણું બાકી હતું. એટલે અમોને ભગવાન પટેલનું વેણ મંજુર ન રહ્યું, અને અમારે સંબંધ છૂટો કરવો પડ્યો. વેવિશાળ બાબતે થઈ ગયેલ ઉતાવળે સગા સગામાં મન ઉંચા થઈ, મનદુ:ખ વહોરાયું. લાગણીમાં આવી કરાઈ ગયેલી ઉતાવળથી પસ્તાવાનો પાર ન રહ્યો.
[6]………૨૦૧૫માં અમે પતિ-પત્ની ઇઝરાયેલ પ્રવાસે ગયેલા ત્યારે ત્યાં જોયું હતું કે રોડ ઉપર દરેક વાહન ચાલક પોતાની ગતિ પ્રમાણે એને ચાલવા મુકરર કરેલ પટ્ટામાં જ નિયત ગતિથી એકધારાં પોતાના વાહન ચલાવ્યે જતા હોય., ન હોય જાતભાતના હોર્નનો દેકારો કે ન હોય આમથી તેમ દોડાદોડીની હડિયાપાટી ! જ્યારે આપણે ત્યાં? ટ્રાફિકના નિયમો તો અહિંયા પણ છે જ. પણ તેનું પાલન કેટલા વાહનચાલકો કરે છે એ આપણે સૌ જાણીએ છીએ. ઘડીક આ બાજુ તો ઘડીક પાછું પેલી બાજુ, રોંગ સાઈડે વાહન દોડાવીને પણ મોર્ય કર્યે પાર ! અકસ્માત ક્યારે બની જશે એનું થોડું નક્કી હોય? જ્યારે બની જાય છે ત્યારે વાહનના તો ભુક્કા બોલી જાય એ તો સમજ્યા, પણ સામાવાળા કે અંદર બેઠેલા, સૌની જિંદગી એટલી જ કીમતી છે. વાહનચાલકની થોડીશી ઉતાવળ કેવું ભયંકર પરિણામ લાવતી હોય છે એની યાદી અખબારોમાં વાંચતા જ હોઇએ છીએ ને? વાહન ચલાવવામાં થોડીક ધીરજ રખાતી હોય તો આ ખુવારીમાંથી જરૂર બચી શકાય છે મિત્રો !
હા, કેટલાંક કાર્યો બને એટલી “ઉતાવળે” સમેટવા જરૂરી ગણાય: જેનો ખ્યાલ આવ્યા ભેળું જ એના ઉકેલના પગલાં ભરવામાં ઢીલ રખાઇ ગઈ હોય તો ખુબ માઠાં પરિણામો ભોગવવાનો વારો આવી જતો હોય છે. દા.ત., લાણીની મોસમ ચાલતી હોય, બાજરો લણાઇને તેનાં ડુંડાં ખળામાં પથરાઇને સૂર્યતાપમાં સૂકાઇ રહ્યા હોય અને ઓચિંતાનું આકાશમાં વાદળ ચડી આવે, વીજળી લબકારા કરવા માંડે અને મે [વરસાદ] હરુડવા માંડે, જો આ ઘડિયે તૂટી પડશે એવું વાતાવરણ થઈ જાય એવે ટાણે ઝટ ઝટ ડુંડાનો ઢગલો કરી ઉપર તાડપત્રીનું ઢાંકણ કરી વાળવું એ જ વ્યાજબી ગણાય. બપોર વળોટી ગયા હોય તો ખાવા ન બેસી જવાય !
અરે, કોઇ કારણસર શેઢાની વાડ્યમાં આગ લાગેલી ભાળી જવાય એટલે ઘડીનોયે વિચાર કે વિલંબ કર્યા વિના ઉતાવળા ઉતાવળા શેઢાસફાઇના સાધનો લેતાકને ત્યાં પહોંચી આગને આગળ વધતી અટકાવવા થોડે આગળથી ઘાસ-પૂસ-કાંટા-ઠરડાં દૂર હટાવી થોડું ખાલું પાડી દેવું એ જ બડકમદારીનું કામ ગણાય.
માનો કે ખીલેથી છૂટી કરી, ભેંશને હવાડે પાણી પીવા લઈ જતા હોઇએ અને સામેથી બીજા કોઇની ભેંશ આવી ચડતાં બન્ને સામસામી કતરાઈને ધીક લઈ બાધવા માડે તો ? તો શું કોની ભેંશનો પગ ભાંગે છે કે કોની ભેંશનું શીંગડું મરડાઇ જાય છે, કે કોની ભેંશ પોગી જાય છે એવું પરિણામ જોવા ઊભું રહેવું વ્યાજબી લેખાશે કે બન્નેને બડાવાળી કરી ફટાફટ નોખી પાડી દેવી એ જ ઉત્તમ ગણાશે ?
અરે ! ખેતરેથી ઘેર આવીએ અને “ઘરમાં સાપ ઘૂસી ગયો છે” એવી જાણ થયા ભેળું જ તે ઘંટી ઓથાણે, ડામચિયા નીચે કે પાણીયારા પાછળ-ક્યાં સંતાયો છે તે તપાસ કરી, તેને પીવીસી પાઈપ કે પતરાની પેટડી –ઝટ ઝટ જે હાથમાં આવ્યું તે લઈ, તેને કેમ પકડી લેવો તેની જ વેતરણમાં ન લાગી જઈએ તો તો જીવ જ ખોવાનો વારો આવે ને ?
પણ આવી ખોટી ઉતાવળ કરવાનો અર્થ શો ? આપણે સૌ દેખીએ જ છીએ કે બસસ્ટેશનમાં બસ આવીને ઊભી રહે અને અંદરથી ઉતારુઓ પૂરા ઉતરી ન રહ્યા હોય ત્યાં બસમાં ચડનારા એકબીજાથી આગળ ચડી જવા ધક્કામુક્કી કરે તો શું થાય? દરવાજો એક જ હોય અને એકીસાથે ચડનારા ઝાઝા ભીંહ કરવા માંડે તો શું થાય ? એકેય ચડી ન શકે અને બાધંબાધી થઈ એકબીજાની કોણીઓ ખાવાનું ભાગ્ય આવે તે વધારામાં ! થોડીક ધીરજ રખાતી હોય તો ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું જ હોય !
આવી જ ઉતાવળ સમૂહલગ્ન કે સંસ્કાર સેમિનારના રસોડે ગોઠવાયેલ ભોજનસમારંભોમાં પણ ક્યારેક ક્યારેક તો પંગતે વહેલા પહોંચવા એવી થતી હોય છે કે વ્યવસ્થાપકો મુંઝારામાં મૂકાઇ જાય અને જમણવારનું વાતાવરણ આખું પ્રસન્નતા ખોઇ બેસે. બે પાંચ મિનિટ વહેલું કે મોડું-બધાને જમવાનું મળવાનું જ હોય, પણ એટલી ધીરજ પણ રહેતી નથી તે વાત એટલી જ સાચી છે.
ઉતાવળ હોય છતાં શિસ્ત –વિવેક થોડો ચૂકાય ? ફૂલછાબની પૂર્તિમાં વાંચ્યા મુજબ-જાપાનમાં સુનામી આવ્યું એ વખતે હજારો લોકો બેઘર થયા. કેટલાય લોકોના પરિવાર તૂટ્યા.તો કેટલાય અનાથ થયા. સરકારે રાહતછાવણીઓ સ્થાપી. ભોજનની વ્યવસ્થા કરેલી ત્યાં લાઇનમાં ઊભા રહી લોકો ખાવાનું લઈ રહ્યા હતા. રડી રડીને સુઝવાડી દીધેલી આંખો અને થાક-ભૂખથી લોથ થઈ ગયેલા એક ૭-૮ વરસના છોકરાને લાઇનમાં ઊભેલો જોઇ વ્યવસ્થાપક સૈનિકને કરુણાં ઉપજી અને એક થાળીમાં ખાવાનું લઈ એ છોકરાને આપ્યું. છોકરાએ હાસ્ય સાથે આભાર માની થાળી લઈ તો લીધી પણ પછી તે જમણ ભરેલી થાળી કાઉંટર પર મૂકી આવ્યો અને પાછો લાઇનમાં આવીને ઊભો રહી ગયો.
પેલા સૈનિકે આ જોયું. તેણે પૂછ્યું કે “આમ કેમ કર્યું ?” તો કહે, “અહિયાં ઊભા છે એ બધા જ આફતના માર્યા-એટલી જ ઉતાવળવાળા છે. મારું બધું ભલે જતું રહ્યું, પણ હું એક જાપાનીજ છું મારા સંસ્કાર મને આમ કતાર તોડીને જમવાની ના કહે છે. આને જ કહેવાયને દેશપ્રેમનું ગૌરવ અને શિસ્ત ! સુનામીના કારમા આઘાતમાંથી જાપાન ઝડપભે બેઠું થઈ ગયું. આવી ખુમારી વાળી જિંદાદીલી જે દેશમાં હોય ત્યાં ફરી બધું વ્યવસ્થિત થતાં વાર ન લાગે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com