{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

પિયૂષ એમ પંડ્યા

કલાકાર માટે પોતાની સફળતાનું ગૌરવ હોવું કુદરતી બાબત છે. પણ, અમુક વખતે તેને લગતા ઘમંડને સર્જકતાના ઉચ્ચ શિખર તરીકે જોવાની ભૂલ કરવામાં આવે છે. સંગીતની દુનિયાના  કેટલાક અતિશય ક્ષમતાવાન લોકોની પડતીનું કારણ આ ઘમંડ બની રહ્યો છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો સંગીતનિર્દેશક સજ્જાદ હુસૈન પોતાની મહત્તાને વિશે વધારે પડતો ઊંચો ખ્યાલ ધરાવતા હતા. તેઓ કહેતા કે બાકીના સંગીતકારો શ્રોતાઓના અજ્ઞાનને લઈને માત્ર સંજોગોવશાત સફળ થતા હતા. ફિલ્મહલચલ(૧૯૫૧) બની રહી હતી ત્યારે નિર્માતા કે. આસિફને અને દિલીપકુમારને પોતે કેવી રીતે અપમાનિત કર્યા હતા તે વાત જે કોઈ સાંભળવા માટે તૈયારી બતાડે તેને વારંવાર કર્યા કરતા. એ સમયે અલબત્ત, તેઓ એ વાતનો ઉલ્લેખ ન કરતા કે તેને પરિણામે તેમને અધવચ્ચે હટાવીને એ ફિલ્મનું સંગીત મહંમદ શફીને સોંપી દેવાયું હતું અને શફીએ તેમના કરતાં પણ બહેતર ગીતો બનાવ્યાં હતાં.

તલત મહમૂદે ગાયેલાં ૧૯૫૨ની ફિલ્મ ‘સંગદિલ’નાં ગીતો યે હવા યે રાતેં  યે ચાંદની અને કહાં હો કહાં મેરે જીવન સહારે સજ્જાદનાં બનાવેલાં સૌથી લોકપ્રિય ગીતો હતાં. આમ છતાં સજ્જાદ તલતને ઉતારી પાડવા માટે તેમનો ઉલ્લેખ ‘ગલત’ મહમૂદ તરીકે કરતા. તે જ રીતે તેઓ કિશોર કુમારને ‘શોર’ કુમાર કહેતા. નિર્માતા હોય, કલાકાર હોય કે પછી પ્રશંસક હોય, સજ્જાદ કોઈને પણ ઉતારી પાડવાની એક પણ તક ન ચૂકતા.

સજ્જાદના કહેવા પ્રમાણે શંકર-જયકિશન કે મદનમોહન સંગીતકારો હતા જ નહીં અને નૌશાદને તો સંગીતનો કક્કો સુધ્ધાં આવડતો નહોતો. સાહિર(લુધીયાનવી)ને એક શાયર અને એક વ્યક્તિ તરીકે વખોડી કાઢવામાં સજ્જાદ કોઈ કસર ન છોડતા. સાહિરના સૌજન્ય વગર એમને પોતાની કારકીર્દિની ખુબ જ પ્રતિષ્ઠાદાયી એવી ‘સંગદિલ’ જેવી ફિલ્મ ન મળી હોત તે બાબતનું કોઈ જ વજૂદ ન રહેતું.

ફિલ્મી સંગીતના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા કોઈને પણ ( જૂજ અપવાદો બાદ કરતાં) ઉતારી પાડવા માટેની માટેની મનઘડંત વાતો કરતા સજ્જાદ સાથે ગાળેલા કલાકો મને કાયમ યાદ રહેશે. આમ કરવામાં તેમને વિકૃત આનંદ મળતો હતો. આમ તો સજ્જાદની તોછડાઈના ડરથી કોઈ સામું પડતું નહીં. પણ, એક વાર જાહેરમાં ઉસ્તાદ અલ્લા રખાને ઉતારી પાડવાની ચેષ્ટા કરવા જતાં સજ્જાદને સમોવડીયાનો પરચો મળી ગયો. એક સમારંભના સ્થળની બહાર તબલાનવાઝ પોતાનાં પગરખાં શોધી રહ્યા હતા.

કટાક્ષભરી મુદ્રામાં સજ્જાદે મોટેથી પૂછ્યું, “તમે આવ્યા ત્યારે પહેરેલાં હતાં?”

એની આંખોમાં આંખ પરોવીને અલ્લા રખાએ શાંતિથી પરખાવ્યું, “એક વાર એનો સ્વાદ ચાખવા મળે એટલે તને ખ્યાલ આવી જશે. પહેલાં હું શોધી લઉં.”

સજ્જાદની પડતી માટે વિતતા જતા સમય કરતાં વધુ એની તોછડાઈ જવાબદાર બની. છેલ્લાં ત્રીશ વર્ષ સુધી સજ્જાદ એકાકી અવસ્થામાં પોતાના ઘવાયેલા દર્પને પંપાળતા રહ્યા. આખરે ૧૯૯૫માં તે ૭૮ વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીમાં લગભગ વિસરાઈ ચૂક્યા હતા.

મનોરંજનની દુનિયા કલાકારોને ઘમંડી અને નખરાંબાજ બનવા માટે મોકળું મેદાન પૂરું પાડે છે. એનું મુખ્ય કારણ પ્રશંસકોએ ઉભી કરેલી તેમની અતિશયોક્તિભરી છાપ હોય છે. આવું જ એક ઉદાહરણ ખુરશીદનું  છે. ૧૯૪૧ની ફિલ્મ ‘પરદેસી’ (પહેલે જો મહોબત સે ઈનકાર કિયા હોતા), ૧૯૪૨ની ‘ભક્ત સૂરદાસ’ (પંછી બાવરા ચાંદ સે પ્રીત લગાયે) અને ૧૯૪૩ની ‘તાનસેન’ (ઘટા ઘનઘોર છાયી) જેવી ફિલ્મો અને તેનાં ગીતો દ્વારા તેણે એક અભિનેત્રી તરીકે અને ગાયિકા તરીકે ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી.

ખુરશીદ

૧૯૪૦ના દાયકાના શરૂઆતના તબક્કામાં HMV કંપનીના અધિકારી જી એન જોશીએ એક ગીતના ધ્વનિમુદ્રણ વખતે ખુરશીદની બદમિજાજીનો અનુભવ કર્યો હતો. રેકોર્ડીંગ ચાલુ હતું તેવામાં કાન્તિલાલ નામના તેને માટે અજાણ્યા એવા એક ગાયક ઉપર નજર પડતાં ખુરશીદે એકદમ મિજાજ ગુમાવ્યો. “તું કોણ છો? મારા રેકોર્ડીંગમાં કેવી રીતે આવી ગયો?” એમ અત્યંત ખરાબ શબ્દોમાં પૂછ્યું. એને ખ્યાલ નહોતો કે પોતે જેનું સ્વરબદ્ધ કરેલું ગીત ગાઈ રહી હતી તે ખેમચંદ પ્રકાશના કહેવાથી એ નવોદિત ગાયક ત્યાં હાજર રહ્યો હતો.

આ રીતે તેના અચાનક ગુસ્સે થઈ જવાથી ત્યાં ઉપસ્થિત સૌ ડઘાઈ ગયા. ખુરશીદનો એક સાવ નવાસવા શરમાળ ગાયક સાથેનો અભદ્ર ગેરવર્તાવ હદ વટાવવા લાગ્યો ત્યારે અચાનક જ જી એન જોશીએ રેકોર્ડીંગ ચાલુ કરાવી દીધું. આખરે તે લોકપ્રિય તારિકાનો તાપ ઓછો થયો ત્યારે જોશીએ ખુરશીદને ખબર ન પડે તેમ કરાવી લીધેલું અપશબ્દોથી ભરપૂર રેકોર્ડીંગ બધા કર્મચારીઓની હાજરીમાં વગાડવાની સૂચના આપી. ખુરશીદે અત્યંત ઝંખવાઈ જઈને ડઘાયેલી હાલતમાં પૂછ્યું, “હું આવું બધું બોલેલી?”

નખરાંબાજી કાંઈ આજકાલના કલાકારોનો જ ઈજારો નથી. ૧૯૪૦ના શરૂઆતના તબક્કામાં ચલણમાં આવેલી કલાકારો માટેની છૂટક કરારપધ્ધતિ પછી તેમ થવું સ્વાભાવિક હતું. વિશ્વયુદ્ધની અસર હેઠળ ખરડાયેલા ધનના ધોધ થકી માત્ર ફિલ્મની ગુણવત્તા અને સંગીતની શૈલીમાં જ નહીં , કલાકારોની જીવનશૈલી તેમ જ વર્તણૂકમાં પણ ફેરફાર થયા હતા. ફિલ્મ નિર્માણ માટે વપરાવા લાગેલાં કાળાં નાણાંએ સ્ટાર પ્રણાલીને વેગ આપ્યો.

૧૯૩૬ની ફિલ્મ ‘અમર જ્યોતિ’ નું સુનો સુનો બન કે પ્રાની, ૧૯૩૭ની ‘દુનિયા ના માને’નું સમજા ક્યા હૈ દુનિયાદાના અને ૧૯૪૨ની ‘ઝમીનદાર’નું અરમાન તડપતે હૈ જેવાં ગીતોની ગાયિકા અને અભિનેત્રી શાંતા આપ્ટે પોતાની જાતને અનિવાર્ય માની બેઠેલાં. પોતાનું ધાર્યું કરવા માટે તેમને છૂટક કરારથી જોડાવાની જરૂર નહોતી. તે પ્રભાત સ્ટુડીઓ સાથે એક કર્મચારી તરીકે જોડાયેલાં હતાં ત્યારે ૧૯૩૯ની ફિલ્મ ‘આદમી’માં એક ભૂમિકા માટે તેની પસંદગી ન થઈ તો તે સ્ટુડીઓના પરિસરમાં ભૂખ હડતાલ ઉપર બેસી ગયાં હતાં. આ ઘટનાના ખબર સમાચારપત્રો અને આગેવાન નાગરીકો સુધી પહોંચી જતાં સ્ટુડીઓના એક ભાગીદાર એવા વી. શાંતારામે આ ત્રાગા સામે ઝૂકી જવું પડ્યું અને શાંતા આપ્ટેને (તેમની ઈચ્છા પ્રમાણે) કરારના બંધનમાંથી મુક્તિ આપવી પડી હતી.

શાંતા આપ્ટે એક રેકોર્ડીંગ દરમિયાન

 

કોઈ પણના પ્રભાવમાં ન આવનાર શાંતા આપ્ટેએ એક લોકપ્રિય ફિલ્મ સામયિક ‘ફિલ્મ ઇન્ડિયા’ની કચેરીમાં ધસી જઈને તેના તંત્રી બાબુરાવ પાટીલને પોતાની વિશે અણછાજતું લખવા બદલ લાકડીએ ને લાકડીએ ફટકાર્યા હતા અન્ય એક કિસ્સામાં આપ્ટેએ મોંઘાં પગરખાં પહેરીને રેકોર્ડીંગ રૂમમાં પ્રવેશ કર્યો હતો. કડક શિસ્તના આગ્રહી એવા સંગીતનિર્દેશક માસ્ટર કૃષ્ણ રાવે પગરખાં બહાર કાઢી આવવા કહ્યું. એ જૂતાં આયાતી અને અત્યંત મોંઘાં હતાં એમ કહીને શાંતા આપ્ટેએ એવું કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આગ્રહ રાખતાં સંગીતકારે કહ્યું, “આ તો મંદીર છે. અહીં આવતાં પહેલાં મનની અને શરીરની અશુધ્ધિઓ બહાર મૂકી, ખુબ જ શાલિનતાથી અંદર પ્રવેશ કરવો જોઈએ.” આપ્ટેએ પોતાની જીદ પકડી રાખી, ત્યારે એટલી જ જીદ ઉપર ઉતરી આવેલા સંગીતકારે રેકોર્ડીંગ કરવાની ના પાડી દીધી. આ બાબતની જાણ થતાં વી. શાંતારામ ત્યાં દોડી આવ્યા. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પોતે ભલે સ્ટુડીઓના ભાગીદાર રહ્યા, પણ રેકોર્ડીંગ રૂમમાં તો સંગીતકારની જ હકૂમત ચાલશે.

લાહોર ખાતે નિર્માતા દલસુખ પંચોલી સાથે ફિલ્મ ‘ઝમીનદાર’ (૧૯૪૨) ના શૂટીંગ સમયે કોઈ બાબતે મતભેદ થયો એ વખતે નખરાં કરતાં શાંતા આપ્ટેને કડવો ઘૂંટડો ગળવો પડેલો. તેમણે મુંબઈ પાછા જતા રહેવાની ધમકી આપી. પંચોલી ઝૂકી જાય એવા નહોતા. લાહોરમાં તેમનું ખુબ જ ઉપજતું હતું. પંચોલીને ઉણા પારખવામાં આપ્ટેએ થાપ ખાધી હતી. તેમનો સિક્કો બધે જ ચાલતો હતો. માનવામાં ન આવે એવી હકીકત એ છે કે પંચોલી લાહોરમાં કોઈની પણ આવન-જાવન રોકી શકવા સમર્થ હતા. તેઓ ઈચ્છે તો લાહોરની એક પણ હોટેલ કોઈ ગ્રાહકને સેવા પૂરી ન પાડી શકતી. આખરે શાંતા આપ્ટેએ ઢીલું મૂકી ને નમતું જોખવું પડ્યું.

ઊંચી લોકપ્રિયતાએ આપ્ટેના મગજમાં ઘમંડ ભરી દીધો હતો. જો કે એટલું કહેવું પડે કે તે એમ જ બની બેઠેલાં ગાયિકા ન હતાં. સંગીત પ્રત્યેનું તેમનું સમર્પણ ઉદાહરણીય હતું. કરુણાજનક હકિકત તો એ છે કે આપ્ટેની તેજસ્વી કારકીર્દિનો અંત ૧૯૬૪માં માત્ર ૪૬ વર્ષની વયે સાવ લાચારાવસ્થામાં મૃત્યુ સાથે આવ્યો.


(ક્રમશ)


નોંધ :

–   તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક

ઉપયોગ નહીં કરવામાં આવે.

–  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી


શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com