નિત નવા વંટોળ
પ્રીતિ સેનગુપ્તા
વિખ્યાત ઉડિયા કવિ જયંત મહાપાત્રે (૧૯૨૮) પોતાને માટે કહ્યું છે, કે “હું અંગ્રેજીમાં લખતો એક ઉડિયા કવિ છું.” સ્વાભાવિક રીતે જ આપણને યાદ આવી જાય કવિ ઉમાશંકર જોશીની ઉક્તિ, કે “હું ગુજરાતીમાં લખતો ભારતીય કવિ છું.” સૌથી પહેલાં તો આ બંને કથનોની સરખામણી કરવા જ બેસી જવાય. પણ વાત એમ છે કે જોશીએ આવી ઓળખાણ પરદેશમાં આપી હતી જ્યારે પોતાની નાગરિકતા દર્શાવવી જરૂરી હતી.
જયંત મહાપાત્ર પ્રાંતીયતાને રાષ્ટ્રીયતાથી આગળ કરે છે, એમ નથી, બલ્કે અંગ્રેજીમાં લેખન કરવા છતાં પોતાની ભારતીયતા પર ભાર મૂકે છે. કવિતા-લેખન એમણે ઘણું મોડું શરૂ કર્યું – લગભગ ચાલીસ વર્ષની વયે. એમનો સંપૂર્ણ અભ્યાસ અંગ્રેજીમાં થયો હતો, એ દરમ્યાન બધું જ વાંચન પણ અગ્રેજી ભાષામાં જ થતું રહેલું. સ્નાતક તો એ ફિંઝિફ્સના હતા, પણ નાનપણથી જ અંગ્રેજી સાહિત્ય એ વાંચતા રહેલા. એક તો, એમના વર્ગ-શિક્ષક અંગ્રેજ હતા,
જેમણે અંગ્રેજી ભાષાનો પ્રેમ મહાપાત્રમાં સીંચ્યો, અને બીજું, એમના પિતા પ્રાથમિક શાળાઓના સબ-ઇન્સ્પેફ્ટર હતા, જે મહાપાત્ર માટે જુદાં જુદાં પુસ્તકાલયોમાંથી અનેકવિધ પુસ્તકો લાવ્યા કરતા. પરિણામ એ આવ્યું કે – મહાપાત્રના જ શબ્દોમાં – “હું અંગ્રેજી શબ્દો, એમના ધ્વનિ અને એમના અર્થો સાથે ઊંડા પ્રેમમાં પડી ગયો.”
એ અંગ્રેજીમાં લખતા થયા એનું કારણ આ અભ્યાસ, વાંચન, વાતાવરણ. આ જ ભાષામાં એ જાણીતા થયા, મોટાં ઈનામો મેળવ્યાં, એમનાં કાવ્યો દેશ તેમજ પરદેશોનાં સામયિકોમાં છપાતાં ગયાં. એમના સર્જનનું વાહન અંગ્રેજી ભાષા રહી છે, પણ એમની વિભાવના હંમેશાં ઉડિયા રહી છે. એ પોતાને પરદેશી ભાષાના ગુલામ નથી સમજતા, કારણકે એ દ્વારા એમણેસર્જ્યા છે તો સ્થાનિક ચિત્રો જ. અંગ્રેજી ભાષા વાપરવા માટે થઈને એ દોષ-ભાવ નથી અનુભવતા, કારણકે એમના અસ્તિત્વનું ખેંચાણ હંમેશાં ઓરિસ્સા પ્રતિ જ રહ્યું છે. એ જ્યાં જન્મ્યા, ઉછેર પામ્યા તે સ્થાને જ એમને પોષ્યા પણ છે; એમનાં બધાં સર્જનાત્મક સંવેદનોનો ઉદ્દભવ ઓરિસ્સામાંથી જ છે.
મહાપાત્ર પોતે જ કહે છે, કે “ઉડિયા ભાષામાં લખવું મારે માટે બહુ સહેલું નથી. એમાં મને જાણે પૂરતા શબ્દો નથી મળતા. સર્જક તરીકે એમણે, લખવાનું શરૂ કર્યું ત્યારથી જ, અંગ્રેજી ભાષામાં જ મુફતતા અનુભવી છે. માતૃભાષામાં એ નહોતા લખતા, કે નહોતા લખી શકતા, એ બાબત ગૂઢ રીતે, પ્રચ્છન્ન રીતે, ઊંડે ઊંડે એમને કોતરતી-કનડતી રહી જ હશે, નહીં તો ઘણી મોટી ઉમરે અચાનક એ ઉડિયામાં શા માટે લખવા માંડે? પોતાની સર્જક-ચેતના માતૃભાષાનું સેવન કેટલું ઝંખતી હતી એ ભાન જ્યારે એમને થયું ત્યારે એમની લેખિની પણ રોકાઈ નહીં
: “મારું જીવન અને મારો પ્રાણ જ ઉડિયા છે.” ભલે ઉડેયામાં એમનો શબ્દ-ભંડોળ સીમિત છે, અને કલ્પનોની રજુઆત શ્રમસિદ્ધ છે, પણ એ ભાષા તેમજ એ ભૂમિ માટે એમને ઉત્કટ સ્નેહ છે. “અમારી આ ભૂમિમાં કશુંક સંપૂર્ણ આરામદાયી છે”, મહાપાત્ર જણાવે છે, “કશુંક એ કે જે મંજરીની સુગંઘમાં છે, ઉનાળાની ઊડતી ધુળમાં છે, અને ધરતીને હંફાવવા માગતાપવનમાં ને સાગરમાં છે.”
મહાપાત્ર માને છે, કે એમનાં અંગ્રેજી તથા ઉડિયા કાવ્યો એકમેકનાં પૂરક છે. સ્વાભાવિક રીતે જ, દરેક ભાષા જુદાં જુદાં કલ્પનને સાર્થ આધાર આપી શકે છે, તેમજ સમાન જેવાં કલ્પનોને જુદી જુદી રીતે ધારણ કરે છે. મહાપાત્રનું માનવું છે, કે જે અનુભવો એ એમના અંગ્રેજી વાચકો પાસે પહોંચાડે છે તેનાથી જુદા જ અનુભવો સાથે એમના ઉંડિયા વાચકોને એ હિસ્સેદાર બનાવે છે.
ઓરિસ્સાની લોકકથાના અને પૌરાણિક-એતિહાસિક સંદર્ભો મહાપાત્રના ચિત્તમાં સદાયે હાજર રહે છે, અને વારંવાર એમનાં કાવ્યોમાં સ્થાન પામતા રહે છે. કોઈ પણ સ્થાનનો, મોટા ગજાનો કોઈ પણ કવિ આવાં પરિબળોથી પર નથી હોતો. ભૂતકાળના ઈતિહાસની અને સાંપ્રત લોજીવનની નાની-મોટી વિગતો પર વિશિષ્ટ રીતે પ્રકાશ ફેંકતો કવિ એ બધું ફરી વાચકગણની સામે ધરી દે છે, ને આ રીતે કવિ પોતાના લોકો સાથે એકસૂત્રતા બાંધે છે. મહાપાત્ર પોતે કર્મકાંડ કે બાહ્યાડંબરમાં માનતા નથી, પરંતુ પુરાણ-કલ્પનો અને કથાનકોમાં માનવાથીસર્જક્તાને નવા પથ મળતા રહે છે, એમ એમનું મંતવ્ય છે.
“સંબંધ” નામની એમની એક લાંબી અંગ્રેજી કવિતા પુસ્તકર્પે ન્યુયોર્કમાંથી છપાયેલી. ઓરિસ્સાના કોઈ જર્જીરેત મંદિરને સ્પર્શતી વાતોને પ્રતિકાત્મક અર્થમાં એમણે રજૂ કરી હતી. માનવ-જીવનમાંનાં કણ અને પીડાનું એમાં નિરૂપણ હતું. ઓરિસ્સાના વિજય અને સંહારથી ભરેલા ઈતિહાસનો ટેકો લઈને એમણે એ દીર્ઘ-કાવ્ય સર્જ્યું હતું. એમણે પોતે કહ્યું છે તેમ, “એ કાવ્ય એકથી વધારે રીતે, મારી પોતાની ભૂમિ સાથેના તથા મારી જાતના ઊંડામાં ઊંડા અંશ સાથેના મારા પ્રેમાલાપ જેવું હતું.” અન્યત્ર એમણે કહ્યું છે, કે અત્યંત સંવેદના અને આવેશ સાથે જે અન્યોની પીડા અને યાતનાની વાતો કરી શકે છે તેવા મહાન કવિઓને માટે એમને ઘણું માન છે. યુરોપી કવિઓ – શેંલી, કીટ્સ, શેફ્સપિયર – તથા લેટિન અમેરિકનકવિઓ – નેરુદા, માર્કેઝ, બોર્હેસ- વગેરેનો ઉલ્લેખ કરીને મહાપાત્ર કેફિયત આપે છે, કે “એમના શબ્દો મારા માનસ પર ઊંડી અસર કરતા રહે છે.”
મહાપાત્રનું હુદય ઋજુ સંવેદનોથી સભર છે, તો વિજ્ઞાનના અભ્યાસે એમનામાં શિસ્ત અને વહેવારૂતા પણ કેળવ્યાં છે. આથી કરીને, એ લોકમાન્યતાઓ વિષે લખે છે ખરા, પણ એના લાગણીવેડાથી દૂર રહી શકે છે. ફિઝિક્સમાં અણુ-પરમાણ વિષે ભણવાને કારણે, લાકડા કે લોખંડ જેવી નિર્જીવ વસ્તુમાં ઘુમરાતા અણુ-અંશોનો એમને ખ્યાલ છે, તથા સ્થાયી અને સ્થિર દેખાતા જગતમાં ચાલતા રહેત હલનચલનની કલ્પના પણ એ કરી શકે છે. કળા અને વિગ્નાનનો આ સમન્વય મહાપાત્રની સર્જકતાને વ્યાપકતા અને ઊંડાણ બંને અર્પે છે. કાવ્યનું સર્જન એમને માટે સ્વયં-શોધની પ્રક્રિયા છે, તેમજ એ રીતે અન્ય જન સાથે સંધાન કરવા એ પ્રયત્ન પણ કરતા રહે છે.
ઓરિસ્સાના લોક-જીવનમાં મંદિર અગ્રસ્થાને છે. એનેકાનેક દેવાલયોથી ખચિત એ ભૂમિ પર વસતા દરેક જણના જીવનના ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળ અતૂટ રીતે એ મંદિરોનાં સ્થાપત્ય, ઈતિહાસ, નૃત્ય, શિલ્પ, સંગીત, ભત વગેરે સંદર્ભો સાથે સંકળાયેલા છે. આ કારણે અનિવાર્યપણે સર્વ સર્જકો એ સંદર્ભોને શબ્દોમાં વણ્યા વગર રહી નથી શકતા. જયંત મહાપાત્રનાં કાવ્યોમાં મંદિર વારંવાર આવતું કલ્પન છે, અને જુદી જુદી રીતે નિરૂપણ પામે છે : ક્યારેક પ્રતીકાત્મક રીતે, ક્યારેક સમકાલીન સામાજિક પ્રશ્રોની પશ્ચાદ્ભૂની રીતે, તો ક્યારેક કાવ્યમય વર્ણનમાં. દા.ત. “શિશિરનો મધ્યાહ્ન, કોણાર્કની અંતિમ પંક્તિઓ છે –
અહીં ઉષ્માભરી શિયાળુ બપોરનો મૂદુ પ્રકાશ એક જ છે
જે નગ્ન, ભગ્ન પાષાણ દેહો પર
ફરી વળે છે
નિ:શબ્દ પગલે
જાણે ભવ્ય પથ્થરોની વચ્ચે
કોઈ અણજાણ આકૃતિ
જાગી ઊઠી છે એના પ્રાચીન મૃત્યુમાંથી.
વરસાદનો ઉલ્લેખ પણ મહાપાત્રનાં ઘણાં કાવ્યોમાં આવતો રહે છે. ઓરિસ્સાની ઋતુઓ, એની હવા તથા ભૂમિ સાથે એમનું મન એવી રીતે જડાયેલું છે કે એ જ વિષયોમાં એ રમમાણ રહે છે. “બીજા કશાની હું શું વાત કરું?”, એ પ્રશ્ન કરે છે. આગળ વળી કહે છે, કે “ઓરિસ્સા સિવાય બીજા કશાને માટે હું કશું લખી પણ ના શકું.” જન્મની ભૂમિ સાથેની આવી અવિભાજ્ય ચેતનાની વાત બીજા કોઈ કવિએ ભાગ્યે જ પ્રદર્શિત કરી હશે. ઓરિસ્સા માટેનો પ્રેમ તેમજ ઝુરાપો એમના હુદયમાં સાથોસાથ રહે છે. એ ભૂમિ તથા વાતાવરણનાં બધાં તત્ત્વોને હૃદયસરસાં, કાવ્યસરસાં કરીને એ નવાજતા રહ્યા છે. સ્થાન અને સર્જકનું આદાનપ્રદાન ચાલતું રહે છે – પરસ્પર માટે, પરસ્પર સાથે, અને એ રીતે કવિ શોધતા રહે છે,
“મારી અંદરના પેલા બીજા જણને, કે જે હજી મને મળ્યો નથી.”
સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે