વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • લગ્નનું પાનેતર

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સહદરીના ચોકમાં નળિયાના છાપરામાંથી તડકો બાકીની ઓસરીમાં રેલાઈ રહ્યો હતો.

    આછા રેલાતા તડકામાં બેઠી કુબરા અને હમીદાની અમ્મી હાથ સિલાઈકામ કરી રહી હતી. અમ્મીના હાથમાં હુન્નર હતો. નાનાં મોટાં કે સાવ સાદા કપડાંને પણ એ એવી રીતે સીવી આપતી કે કપડાંની સિકલ બદલાઈ જાય, પહેરનાર રાજી થઈ જાય. કેટલાય બચ્ચાંની છઠ્ઠીથી માંડીને શાદી-બ્યાહ સુધીના કપડાં એણે સીવી આપ્યા હતા. આ સિલાઈકામથી જ એનાં ઘરની રોજી રોટી પૂરી થતી. કુબરા અને હમીદાના બાપના મોત પછી અમ્મી માટે ઘર ચલાવવા માટે આ એક જ રસ્તો હતો. નાની હમીદાના કહેવાથી અમ્મીએ એક વાર ભાઈ પાસે વારસાગત મિલકતમાંથી ભાગ માંગવા ઈશારો કરી જોયો હતો અને ત્યારથી ભાઈએ પત્ર લખવાનો એક માત્ર વ્યહવાર હતો એ પણ બંધ કરી દીધો હતો.  ઘર તો જેમ તેમ કરીને ચાલતું હતું પણ કુબરાની શાદી માટેની વાત ક્યાંય ચાલતી નહીં.

    મોટી દીકરી કુબરા, સુકલકડી કાયા અને સાવ સાધારણ દેખાવના લીધે ઉંમર વળોટી ગઈ હોવા છતાં આજ સુધી કુંવારી બેઠી હતી. નાની હમીદા દેખાવે અને સ્વભાવે પણ ફટાકડો હતી. એના માટે તો કદાચ એક કરતાં એકવીસ મૂરતિયા મળી જાય પણ જ્યાં સુધી મોટી કુબરાની શાદી ન થાય ત્યાં સુધી હમીદા માટે વિચારવાનું અમ્મીને મુનાસીબ નહોતું લાગતું.

    પણ હા, અમ્મી કુબરાની શાદી માટે હંમેશા એક લાલ જોડી તૈયાર રાખતી. સમય જતાં એનોય રંગ ફિક્કો પડતો અને કુબરાની શાદી માટેની આશા પણ.

    હવે તો આ ઘરમાં આસપાસના મહોલ્લામાંથી આવતી પડોશણો પણ જાણે કપડાં સીવડાવવાની સાથે એકના એક સવાલ લઈને આવતી.

    “કુબરા માટે કોઈ માંગુ આવ્યું? ક્યાંય આગળ વાત ચાલી?” અને આવા તીરની જેમ ચૂભતાં સવાલોથી ત્રાસીને કુબરાને ભાગ્યેજ બહાર આવીને કોઈને મળવાની ઈચ્છા થતી. એણે પોતાની જાતને એક કો્ચલામાં પૂરી દીધી હતી. આમ ને આમ દિવસો પસાર થતાં હતાં.

    આજે જરા જુદી ઘટના બની. ઘરની છત પર બેઠેલો કાગડો કોઈ મહેમાન આવવાની એંધાણી આપે એ પહેલાં ટપાલી એક પોસ્ટકાર્ડ નાખી ગયો. વારસાગત મિલકતમાંથી ભાગ આપવાના બદલે સંબંધો જ ભૂલીને બેસી ગયેલા ભાઈનો દીકરો રાહત અલી એક આખા મહિના માટે કોઈ ટ્રેઇનિંગ માટે અહીં પધારી રહ્યો હતો. પોસ્ટકાર્ડ વાંચતી હમીદાનો ગુસ્સો લાવાની જેમ ઉકળી રહ્યો હતો. વાત એની વ્યાજબી હતી. અહીં બે ટાઈમ માંડ રોટી-સબ્જીથી પેટ ભરતાં મા-દિકરીઓએ રાહતનો બરાબર અતિથિસત્કાર કરવાનો હતો, હથેળીના છાંયે રાખવાનો હતો એવો મામુજાનનો આગ્રહ હતો.

    મામાના ઘેર તો છપ્પનભોગ બનતાં હશે પણ અહીં હાંડલા કુસ્તી કરતાં હોય ત્યાં આવી તક સાચવવાની અપેક્ષા રાખે એ તીખા મરચાં જેવી હમીદાથી સહન થાય એમ નહોતું તો હમીદાની વાત ગમે એટલી વ્યાજબી હોય પણ અમ્મીએ તો સંબંધ સાચવે છૂટકો હતો.

    “શા માટે? શા માટે, રાહતની તકેદારી સાચવવાની આટલી બધી ખેવના હોવી જોઈએ?” હરીફરીને હમીદાને આ સવાલ અકળાવતો અને દરેક વખતે અમ્મી એને સમજાવતી, ઠંડી પાડતી. અમ્મીને ઊંડે ઊંડે આશા હતી કે રાહતના નજરમાં કુબરા વસી જાય તો એનું ભાવિ સલામત બની જાય અને અંતે હમીદા કુબરા માટે થઈને અમ્મીની વાત પર નમતું જોખી દેતી.

    સંબંધ સાચવવા કે બંધાવાની આશાએ ઘરમાં જરા જેટલું સોનું હતું એય વેચીને પરોણાગત કરવાની અમ્મીની તૈયારી હતી. હમીદાનો આ સામે પણ સખત વિરોધ હતો. એને મન કુબરાની શાદી માટે સાચવેલી જણસને આમ આવા સંબંધો સાચવવા વેડફી નાખવી એ નરી મૂર્ખતા હતી પણ તેમ છતાં એના આકરા વિરોધને અવગણીને અમ્મીએ રાહતને આવકારવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી.

    અને એક નિર્ધારીત દિવસે રાહતની પધરામણી થઈ.

    મામુજાનની ઈચ્છા મુજબ રાહતને શક્ય હોય એવા શાહી ઠાઠથી રાખવાની અમ્મીની દરેક વાત પર હમીદા અકળાતી.

    અમ્મી ઈચ્છતી કે કેમ કરીને રાહતની નજર કુબરા પર ઠરે પણ સાવ હાલીમવાલી જેવા દેખાતા રાહતની લોલુપ નજર કોના પર હતી એ હમીદા પારખી ગઈ હતી. માત્ર કુબરાના ભાવિની ચિંતા આડે અમ્મી રાહતની ફિતરત પારખી શકતી નહોતી અને કુબરા તો જાણે ભીની માટીનો પિંડ હતી. એને જેમ ઘાટ આપો એમ એ આકાર ધરી લે એવી હતી. ભગવાને કોઈની નજરમાં વસી જાય એવી ખૂબસૂરતીથી એને વંચિત રાખી હતી પણ એના હાથમાં હુન્નર હતો. અમ્મી ઈચ્છતી કે કુબરાનો આ હુન્નર રાહત પારખે. કુબરા પણ હવે અમ્મીની ઈચ્છા પારખી ગઈ હતી. રાહત રાજી રહે એના માટે એ બધું જ કરવા તૈયાર હતી. રાહતને ભાવતાં ભોજન બનાવવાનું હવે એને ગમવા માંડ્યુ હતું. રાહતની હર એક ખ્વાહિશ પૂરી કરવામાં કુબરા ધન્યતા અનુભવતી પણ હા, રાહતને રૂબરૂમાં મળવાની હિંમત આજ સુધી એની શર્મિલી પ્રકૃતિના લીધે એ કરી શકી નહોતી. એ અણગમતું કામ હમીદના માથે આવતું. રાહત સામે સખત ચીઢના લીધે હમીદા એની સાથે બોલવાનું ટાળતી પણ અમ્મીની વિનંતી અને કુબરાના ભાવિ માટે થઈને હમીદાએ કમને પણ એ જવાબદારી સ્વીકારી.

    જે કામ હમીદા કુબરા માટે એક રસ્તો કંડારવાની જવાબદારી સમજીને કરતી એને રાહત હમીદા સુધી પહોંચવાનો માર્ગ સમજીને આગળ વધતો રહ્યો.

    કુબરા માટે રાહત એક મનગમતું સપનું હતો જે એને ખુલ્લી આંખે જોવું હતું, રાહત સાથે એને જીવી લેવું હતું. રાહત એના માટે શું વિચારે છે, શું કહે છે એ જાણવાની સતત આતુરતા રહેતી.

    હમીદા એને કે અમ્મીને કેમેય કરીને સમજાવી શકે એમ નહોતી કે કુબરા જેની સાથે જીવન જોડવાનું મખમલી સપનું જોઈ રહી છે એ રાહત ખરેખર તો બદમાશ,સ્વાર્થી પ્રકૃતિનો માણસ છે. રાહત કુબરા માટે થઈને હમીદા સાથે વાત કરતો નથી પણ હમીદાને પામવા કુબરા સાથે સંબંધ રાખવાનો ચાળો કરે છે. એ કેવી રીતે અમ્મી કે કુબરાને સમજાવે કે રાહતને કુબરામાં નહીં હમીદામાં રસ છે.

    જો કે આ વાત જમાનાની અનુભવી અમ્મીના ધ્યાન બહાર નહોતી પણ ડૂબતો તરણું પકડે એમ કોઈ પણ રીતે રાહતની નજર કુબરા પર ઠરે એની મથામણમાં એ સતત પ્રયત્નશીલ રહેતી અને અવનવા નુસખા અજમાવતી.

    જે સતત ચિંતામાં હોય એના શુભચિંતકોય અનેક હોય. અમ્મીની ચિંતા પારખી ગયેલી એની સખી વળી એક સાવ અનોખો નુસખો શોધી લાવી.

    ‘मरता क्या न करता’

    અમ્મીએ આ નુસખો અજમાવાનો નિર્ણય લઈ લીધો અને એમાં સાથ આપવા કુબરા અને હમીદાને સમજાવી લીધા. કુબરાએ રાજી થઈને અને હમીદાએ નારાજગીથી એમાં સંમતિ આપી.

    અને વાત ખાસ કોઈ એવી મોટીય નહોતી. કુબરાએ બનાવેલી અને મૌલવીના આશિષ વચનોથી પવિત્ર બનેલી રોટી હમીદાએ રાહતને પીરસવાની હતી. જેનાથી રાહતનું ધ્યાન પીરસનાર પરથી ખસીને બનાવનાર તરફ કેન્દ્રિત થાય. હમીદાને આ વાત તદ્દન વાહિયાત લાગતી હતી પણ કુબરાના માયૂસ ચહેરા પાછળ ઝળકી ઊઠેલી આશાની લકીરે એ થોડી કૂંણી પડી.

    હમીદા સમજતી હતી કે કુબરા માટે શાદી એક એવી જરૂરિયાત હતી જેનાથી એની વિધવા અમ્મીની જવાબદારીઓ પૂરી થવાની હતી. માથેથી દીકરીની શાદીનો બોજ હળવો થવાનો હતો. હમીદા અમ્મીની લાચારી સમજી શકતી હતી.

    અમ્મી કહેતી, “ જે દિવસે હું નહીં રહું ત્યારે તું તો જીવી લઈશ પણ કુબરા, એનું શું થશે?”

    અમ્મીની વાત સાચી હતી. શીળા સ્વભાવની મોટી બહેન માટે નાની આટલું તો કરી શકેને? હમીદાએ પોતાની જાતને માંડ માંડ તૈયાર કરી. એ બલિએ ચઢતા પશુ જેવી લાચારી પોતાની જાત માટે અનુભવી રહી. એ રાત્રે કુબરાએ બનાવેલી અને મૌલવીના આશિષ વચનોથી પવિત્ર બનેલી રોટી લઈને હમીદા રાહતને પીરસવા આવી.

    અને…..

    બહાર મહોલ્લામાં ભીડભંજન હજરત અલીની દુઆઓ માંગતી સ્ત્રીઓના અવાજમાં હમીદાની ચીસો દબાઈ ગઈ.

    બીજા દિવસે અમ્મીના ખોળામાં બેશુદ્ધ જેવી પડેલી કુબરા, થોડા દિવસ પહેલાં જ રાહત અને કુબરાની શાદીમાં કુબરાને પહેરવા માટે સીવીને તૈયાર કરેલી લાલ કપડાંની જોડી પડેલી હતી અને એક ખૂણામાં કૌમાર્યનું બલિ ચઢાવીને, વેર-વિખેર થયેલી હમીદા બેઠી હતી.

    અમ્મીની મહેમાનનવાજી માણીને સંતોષના ઓડકાર ખાતો રાહત સવારની ગાડીમાં પોતાના ગામ જવા નીકળી ગયો. એની શાદીની તારીખ નિશ્ચિત થઈ ચૂકી હતી.


    ઉર્દૂ સાહિત્યના વિવાદાસ્પદ લેખિકા ઈસ્મત ચુગતાઈ લિખિત વાર્તા “ચૌથી કા જોડા” પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અધુરી કોફી

    ગોપાલી બુચ

    મનસ્વીએ અરિસામાં ધ્યાનથી જાતને જોઈ.થોડી સફેદી વય સાથે ચેડા કરી હતી ચહેરા પર સમયના ડાઘ પણ ડોકાતા હતા.

    મનસ્વી નજીકના પાર્લરમાં પહોચી,અને ત્રણ કલાક બાદ પાર્લર માંથી મેકઓવેર સાથે મનસ્વી બહાર આવી.

    કલર કરેલાં વાળ,આછો મેકઅપ, ગોગલ્સ અને ફ્લોર લેન્થના વનપીસમાં મનસ્વી દસ વર્ષ નાની દેખાતી હતી.મનસ્વી અરિસામાં મલકી ઉઠી.

    “પરફેક્ટ !,વિશ્વેશ ફલેટ થઇ જવાનો. કેવો લાગતો હશે?પાક્કા ત્રીસ વર્ષ પછી મળીશ એને”. મનસ્વી વિચારવા લાગી.વિશ્વેશ મનસ્વીનો કોલેજ સમયનો બોયફ્રેન્ડ.બન્ને લગ્ન કરવાનાં હતાં. પણ સંજોગવસાત બન્ને છુટા પડ્યા.મનસ્વી અનિકેતને પરણીને બરોડા આવી અને વિશ્વેશ વિશે બિલકુલ અજાણ થઇ ગઈ.

    અનિકેત સમજુ, હતો પણ સ્વભાવે ગંભીર.મનસ્વીને હંમેશા અનિકેત “ઈરરોમેન્ટિક’ હોવાનો વસવસો રહેતો.સહેલીઓની રોમેન્ટિક વાતો સાંભળી મનસ્વી નિસાસો નાખતી.અનિકેતે ક્યારેય મનસ્વીની પ્રશંષા કરી નહોતી..વખાણ કરવા એની પ્રકૃતિમાં જ નહતું.મનસ્વી અનિકેત સાથે જીવન જોડવા બદલ પોતાની જાતને કોસતી રહેતી..હા,અનિકેતે મનસ્વીના દરેક નિર્ણયને માન આપ્યું હતું.પણ મનસ્વીનો ખાલીપો ભરી શક્યો નહોતો..

    મનસ્વીને યાદ આવ્યો એ દિવસ જ્યારે મસ્તીમાં દિકરી પુર્વીએ અનિકેતને પુછેલું,“પપ્પા,મમ્મીની આંખો કેવા રંગની છે’? અનિકેત જવાબ નહતો આપી શકયો.મનસ્વીને આઘાત લાગી ગયો હતો.ત્યારે એણે કોલેજમાં પોતાની કથ્થઈ આંખો વિશે ગીત લલકારતો વિશ્વેશ યાદ આવી ગયેલો.

    આજે વર્ષો પછી એ વિશ્વેશ સાથે કોફી પીવા જવાની છે એ વિચારથી મનસ્વી ખુશ હતી.મનોમન ફેસબુકને થેંકસ કહેતી મનસ્વી બરાબર ચારના ટકોરે અલકાપુરીના સીસીડીમાં પહોંચી ગઈ.વિશ્વેશ ખાસ મુંબઈથી એને મળવા આવ્યો હતો મનસ્વીનો આનંદ અવર્ણનિય હતો.

    “હું કોઈકના જીવનમાં સ્પેશયલ પ્રાયોરિટી છું.” એ અહેસાસ સ્ત્રીને જીવંત બનાવે છે.

    વિશ્વેશ સીસીડી પહોંચી ગયો હતો.એણે મનસ્વીને આવકારી. માથાથી પગ સુધી નજર ફેરવી
    “લુકીંગ ગોર્જય્સ’. “હેવ એ સીટ સ્વીટહાર્ટ’ કહેતા ખુરશી ખેચી આપી.

    “હાય,કેમ છે ?’મનસ્વીએ બેસતાં બેસતાં પોતાનું પર્સ ટેબલ પર મુક્યું.

    “એમ ફાઈન .બટ ધીસ ઇસ ટોટલી આઉટ ફોર એટીકેટ.આઈ ડોન્ટ લાઈક’ કહીને વિશ્વેશે મનસ્વીનું પર્સ નીચે મુકી દીધું.

    “ઓહ, સોરી’ મનસ્વી ક્ષોભ પામી.

    “નેક્સ્ટ ટાઈમ ટેક કેર’ કહેતા વિશ્વેશે બાજુના ટેબલ પર સર્વ કરી રહેલા વેઈટરને રોફથી પૂછ્યું,
    “તારે ,ઓર્ડર લેવા આવવાનો રીવાજ ખરો ? આઈ એમ હિયર સિન્સ લાસ્ટ ૩૦ મિનિટસ.”
    વેઈટર બોલે એ પહેલાં જ મનસ્વી હસી “સીસીડીમાં પહેલાં કાઉન્ટર પર ઓર્ડર લખાવવો પડે છે.”

    “ઓહ ! આઈ સી,મારી કોલ્ડ કોફી વીથ આઇસક્રીમ” વિશ્વેશે મનસ્વી પર ઓર્ડર આપવાનું થોપી દીધું. મનસ્વીએ સ્વખર્ચે કોલ્ડકોફી વીથ આઇસક્રીમનો ઓર્ડર કર્યો.

    અનિકેત :“સો… હાઉ’સ લાઈફ? રસોઈ,બસોઈમાંથી ટાઈમ કાઢી મને યાદ કરે છે? કે ઓલ ટાઈમ કુકિંગ એન્ડ કિચન ?”

    “હું જોબ કરું છું.રેડિયો આર્ટીસ્ટ છું. નો કુકીંગ, બાબા. મારે ઘેર મહારાજ આવે છે.” મનસ્વી સ્ટાઇલથી બોલી.

    અનિકેતઃ“ઓહ! મહારાજ? વાઉ, મહારાજ ? કોઈ બાઈ નથી મળતી?”

    “અહીં કામવાળા આવે” મનસ્વીએ જવાબ ટુકાવ્યો..

    “ક્રામવાળા? કામવાળી ના મળે? કામવાળા રાતે પણ વાસણ ઘસવા આવે?” વિશ્વેશે પ્રશ્ન વરસાવ્યા.

    “ના” મનસ્વીના જવાબ સાથે ટેબલ પર કોફી આવી.

    “ઇડીયટ, યુ ડોન્ટનો હાઉ ટુ સર્વ ?” કોફી મુકતા સહેજ ધ્રુજેલા વેઈટરના હાથને કારણે વિશ્વેશનું મગજ છટક્યું.

    “ઇટ્સ ઓકે વિશ્વેશ,કોફી ક્યાં ઢોળાઈ છે?” મનસ્વીએ વાત વાળી.

    “બટ,ધીસ સ્ટુપીડ પિપલ… એની વે,તું રેડિયો આર્ટીસ્ટ છે નહી ? ત્યાં પણ પુરૂષો જ વધારે હશે ને ? અનિકેતે પ્રશ્નનો દોર સાધ્યો.

    મનસ્વી જવાબ આપે એ પહેલાં જ એનો જૂનો કલિગ “હાય મનસ્વી” કરતો આવી પહોચ્યો.

    “ઓહ,હાય!”કહેતા મનસ્વીએ હાથ મિલાવ્યો બે મિનિટ મળીને મનસ્વીનો કલિગ ચાલતો થયો.પણ વિશ્વેશથી નાં રહેવાયું.

    “કોણ હતો એ ? હાથ મિલાવવો જરૂરી હતો ? નોનસેન્સ, બૈરા જોયા નથી કે હાથ મિલાવવા પહોંચી ગયો”

    “અરે ! હી વોઝ માય કલિગ યાર,બધા પુરૂષ એવા નાં હોય” મનસ્વીએ અણગમાથી કહ્યું.

    “હા,તારે પુરુષો સાથે વધું કામ રહે એટલે તને પુરૂષો સારા લાગે કેમ? બાય ધ વે ,ફરી મળીએ ત્યાં સુધીમાં કામવાળી અને રસોઇવાળી શોધી નાંખજે, આમ તો તારે શું જરૂર છે જોબ કરવાની ? અનિકેત સારું કમાય છે,આપણે જલસા કરીશું.”આંખ મિચકારતા વિશ્વેશ બોલ્યો .

    મનસ્વીને ગમ્યું નહિ.આ વિશ્વેશ ? એનો ભ્રમ ભાંગવા લાગ્યો. એણે ઘડિયાળ જોઈ,”ઓહ ! ૫:૩૦ ?” એને અનિકેત યાદ આવ્યો.બસ,બિચારાને રોમેન્ટિક થતાં નથી આવડતું એટલું જ..!

    “ચાલ વિશ્વેશ,હવે બહુ મોડું થઈ જાય એ પહેલાં હું જાઉં.’

    અને મનસ્વી અધુરી કોફી મુકીને સડસડાટ સીસીડીની બહાર નીકળી ગઈ.


    ગોપાલી બુચ: Cell:  8141561165 । E-mail: gopalibuch@gmail.com

  • બંદિશ એક, રૂપ અનેક (૯૨): “अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा”

    નીતિન વ્યાસ

    “कभी-कभी इंसान की मौत इतनी जिंदा हो जाती है कि
    उसकी जिंदगी को भी अपनी रोशनी से पुनरुज्जीवित कर देती है।

    ફારસી સૂફી ઔલિયા અલ- હલ્લાજ મન્સૂરનું નામ માનવતાના ઇતિહાસ માં બે બાબતો માટે પ્રવેશ્યું છે. એક તેની રુબાયત (ચોપાઈ) અને બીજી તેનું મૃત્યુ.

    એવા ઘણા ઔલિયાઓ હશે જેમણે નિર્ભયતાથી “અનલહક” ની ઘોષણા કરી હતી, પરંતુ આ નક્કર સત્ય  માટે તેના શરીરને કાપી નાખનાર એક જ હતો: “મન્સૂર” આ ભયાનક, અમાનવીય મૃત્યુને કારણે, તેનું સૌથી અગત્યનું બયાન “અનલહક” આજે પણ  દશે દિશાઓમાં ગુંજન કરે છે

    આદિ શંકરાચાર્યએ પણ “અહમ બ્રહ્માસ્મિ” ના મહાવાક્યની ઘોષણા કરી  ત્યારે સહિષ્ણુ, ઉદાર વિચારધારાવાળા હિંદુ ધર્મે તેમની સરાહના કરી હતી.

    મન્સૂર અલ-હલ્લાજનો જન્મ સન ૮૫૭ પર્શિયામાં મુસ્લિમ માતાપિતાને ત્યાં થયો હતો.  તેનો ઉલ્લેખ ફારસી અને તુર્કીના પુસ્તકોમાં જોવા મળે છે. તે અરબી ભાષામાં લખતો હતો.”હલ્લાજ” એટલે ઘેટાનાં શરીર પરથી ઉન ઉતારવાનો ધંધો કરનારા. મન્સૂરના પિતાનો આ વ્યવસાય હતો અને મન્સૂરે પણ આ જ વ્યવસાય અપનાવ્યો હતો. જન્મથી સુન્ની હોવાના કારણે મન્સૂરનું હૃદય ખૂબ જ શુદ્ધ હતું. તે રમઝાનમાં ઉપવાસ રાખતો હતો અને હજ દરમિયાન સંપૂર્ણ મૌન પાળતો હતો જેથી તે પોતાના દિલની અંદરથી અલ્લાહનો અવાજ સાંભળી શકે,

    અને તે હતો તેના દિલમાં બેઠેલા અલ્લાહ નો અવાજ “અનલહક”.

    જાહેરમાં ધાર્મિક વાર્તાલાપ કરતા કોઈક વિચારથી બોલતા બંધ થઈ અનલહકનું  રટણ શરુ કરી દે. પોતાના મનની વાત જાહેરમાં કહેવાથી પોતે અલ્લાહે આપેલી ફર્જ અદા કરી રહ્યો છે એવું તે દ્રઢપણે માને. “તારા કાબા અને મક્કાને ખત્મ કરી અલ્લાહ ને  પામવા  તારી ભીતરમાં રહેલા અહમ અને નફરતના કચરાને સાફ કરી તે જગાને અઢળક અવિરત પ્રેમ થી ભરી દે. ત્યાં તને તારો ખુદા મળશે;”

    મન્સુરે પોતાના ગુરુ જુનૈદ પાસે મન નું સમાધાન કરવા વાત કરી કે “અનલહક” કહેતાં તે પોતાની જાતને રોકી નથી શકતો. જુનૈદે સલાહ આપતાં કહ્યું કે તારી વાત કદાચ સાચી હશે પણ તું  જાહેરમાં ન કહેતો. આ લોકો તને જીવવા નહિ દે.

    પણ મંસૂર પોતાની જાતને “અનલહક” ના નારા લગાવતા રોકી શક્યો નહીં. બગદાદ ના ખલીફાએ મંસૂર સામે ફતવો જાહેર કર્યો અને તેને જાહેરમાં મોતને ઘાટ ઉતારવાની સજા  કરી.

    મંસૂર નો બેરહમીથી જાહેરમાં ખુલ્લેઆમ  વધ કરવામાં આવ્યો  સુન્ની સંપ્રદાય આ ઘટનાને મન્સૂરની આધ્યાત્મિકતાના અંતિમ શિખર તરીકે જુએ છે. વધસ્તંભે ચડેલા મન્સૂરના મુખમાંથી ગગનભેદી અવાજ નીકળ્યો “અનલહક”. તારીખ હતી ૨૬ માર્ચ ૯૨૨.; પ્રથમ તો મંસૂરને  ગામના ચોરા વચ્ચે બાંધ્યો. ભેગી  થયેલી મેદનીમાં દરેક ને મંસૂર પથ્થર મારવાનો હુકમ થયો.. મંસૂરનું શરીર લોહીલુહાણ થતું ગયું, પણ દરેક પથ્થર વાગતાં તે હસતો અને અનલહક બૂમો પાડતો રહ્યો. તેને જોયું કે પથ્થર મારવાની હરોળમાં જુનૈદ પણ હતો. જુનૈદે પથ્થર ની બદલે મંસૂર પર એક ફૂલ ફેંક્યું. અને એ દરેક પથ્થર વાગતા હસતા મંસૂર ની આંખ ભરાઈ આવી, “અરે આ લોકો તો અજ્ઞાની છે  અને તું તો મને જાણે છે, તું પણ….” વધસ્તંભ પર જડાયેલો મંસૂર અહીં એક વખત રડ્યો.

    મંસૂરની હત્યા તેના  શરીરની  બોટી બોટી કાપી ને કરવાં આવી હતી. આ બધા સમય તે હસતો રહ્યો, ” તમે મને નહીં પણ પરમેશ્વરને મારી રહ્યા છો જે મારી અંદર બેઠો છે”. તે બૂમો પાડી કહેતો રહ્યો,  જ્યાં સુધી તેની જીભ નહોતી કપાઈ ત્યાં સુધી અનલહક નું રટણ તેનું ચાલુ હતું.

    “અગર હૈ શૌક મિલનાકા તો હરદમ લૌ લગતા જા”. મંસૂર લખેલી રુબાયાં એકઠી  કરી બનેલી અન્ય રચનાઓ પૈકીની એક રચના છે.  જોકે મન્સુરને અરબી/ફારસી સિવાય બીજી ભાષાઓ જાણતો હોય તેવી નોંધ મળતી નથી. તેણે ભારતની યાત્રા કરેલી અને  મનના સમાધાન માટે હિન્દુ ધર્મગુરુઓને મળેલો. કદાચ તે સમયે તેની મૂળ ફારસી રચનાનો હિન્દી મિશ્રિત ઉર્દુ તરજુમો થયો હોય. મન્સુરે સ્વહસ્તે કોઈ પુસ્તક કે કવિતા લખી નથી. તેની રુબાઈના સંગ્રહો બહાર પડ્યા છે. “અગર હૈ શૌક મિલનાકા” એવાં જ એક “તવાસીન” પુસ્તકમાંથી  મળી આવે છે.

    શબ્દાંકન અહીં પ્રસ્તુત છે:

    अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,
    जला कर खुद्नुमाई को, भसम तन पर लगता जा,

    पकड़कर इश्क की झाड़ू, सफा कर हिज्र-ए-दिल को,
    दुई की धूल को लेकर, मुसल्ले पर उड़ाता जा।

    मुसल्ला छोड़, तस्बी तोड़, किताबें डाल पानी मे,
    पकड़ दस्त तू फिरस्तों का, गुलाम उनका कहाता जा,

    न भूखा मर, न रख रोज़ा, न जा मस्जिद, न कर सजदा,
    वजू का तोड़ दे कुजा, शराब-ए-शौक पीता जा,

    हमेशा खा, हमेशा पी, न गफलत से रहो एकदम.
    नशे में सैर कर अपनी, ख़ुदी को तू जलाता जा।

    न हो मुल्ला, न हो बह्मन, दुई की छोड़कर पूजा,
    हुकम है शाह कलंदर का, ‘अनलहक़’ तू कहाता जा,

    कहे मंसूर मस्ताना, हक मैंने दिल मे पहचाना,
    वही मस्तों का मयखाना, उसी के बीच आता जा…

    – मंसूर

    लौ : प्यार की ज्योत  ;            खुदनुमाई : अहंकार:          मुसल्लेह : नमाज़ पढ़ने की चटाई.

     तस्बीह : माला ;                 अनलहक़: अहम् ब्रह्मास्मि;               हक : प्रभु प्रेम.

    शराबशौक : इश्वर्य प्रेम का नशा (चाह);              दुई : द्वैत, दो, भिन्नता.

    મન્સૂરની શહાદત પછી તેમની કીર્તિની સુવાસ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૂફીઓએ તેમના પુસ્તકોમાં મન્સૂરના બલિદાનને સૂફીવાદની સર્વોચ્ચ સિમા- શીર્ષબિંદુ. તરીકે નોંધ્યું છે.

    શ્રી ચંદ્ર મોહન જૈન – “રજનીશ” અથવા “ઓશો” નાં  વાર્તાલાપ માં મંસૂર હલ્લાજ ઉલ્લેખ વખતોવખત સાંભળવા મળે છે. રજનીશજી સાથે અન્ય વિદ્વાનો પણ કહેછે કે જો ઈસ્લામ પંથી અને તેના રખેવાળો એ મંસૂર ની વાત અનુસરી હોત તો ધાર્મિક યુદ્ધો ન થાય હોતે અને તેનાં અનુયાયીઓ આટલા ઝનૂની ન હોત.

    મંસૂર હલ્લાજ નાં જીવન અને  મરણ વિશે ઓશો નો વાર્તાલાપ સાંભળવા જેવો છે:

    સાંભળીયે આ સૂફી સંગીત ની અણમોલ પ્રસ્તુતિ જુદા જુદા કલાકારો ના અંદાજ માં:

    સાલ ૨૦૧૨માં “ઉપનિષદ ગંગા”  ચિન્મય મિશન અને ક્રિએશન ના ઉપક્રમે ટીવી સિરીઝ પ્રસ્તુત થયેલી. તેના દિર્ગદર્શક અને લેખક હતા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી.  ચંદ્રપ્રકાશજીએ આ પહેલાં “ચાણક્ય” બનાવી હતી. આ બંને માં સંગીત શ્રી આશિત અને આલાપ દેસાઈ નું હતું.

    પ્રસ્તુત છે. શ્રી આશિત દેસાઈ નાં કંઠે ગવાયેલ, શ્રી આલાપ દેસાઈ ની સંગીત રચના રાગ મિશ્ર ભૈરવી:

    “अगर है शौक मिलने का, तो हरदम लौ लगता जा,”

    વૃંદાવનના રસિક સંત અને વિખ્યાત ભજનિક  પૂ. નારાયણ સ્વામી

    નેધરલેન્ડ – ડચ બેન્ડ   “Agaraga”  ની પ્રસ્તુતિ

    અમેરીકન આધ્યાત્મિક વિષય પર ની લેખિકા શ્રીમતી શેરોન જેનિસ “જાનકી”

    એક  જુદા અંદાજ કલકતાની પંડિત અજય ચક્રવર્તી સ્કૂલ નાં શ્રી દેવલીના ચક્રવર્તી ની પ્રસ્તુતિ

    કબીર રચિત નિર્ગુણ ભજન ના ગાયક  ગાયક પદ્મશ્રી પ્રહલાદસિંહ ટિપણીયા

    વનસ્થલી, રાજસ્થાનના પ્રસિદ્ધ ગાયક પંડિત હનુમાન સહાય

    ભજનિક શ્રી મૌકત સિંહ યાદવ

    જાલંધર શીખ સમુદાયના ગુરુ કીર્તનકાર ભાઈ શ્રી ગુરુમિતસિંહજી

    આધ્યાત્મિક ગુરુ ડૉ. રાજેન્દ્રજી મહારાજ નુ પ્રવર્ચન

    મુંબઈ સ્થિત પ્રસિદ્ધ ગાયક શ્રી જગદીશ સ્વાદિયા

    શ્રી સુરેશસ્વરાનંદજી ના  હરદ્વાર સત્સંગ ની પ્રસ્તુતિ

    ઋષિ ચૈતન્ય આશ્રમ, ગન્નુર, સોનીપત, હરિયાણા સ્થિત શ્રી આનંદમૂર્તિ ગુરુમા (મૂળ નામ શ્રી ગુરુપ્રીત કૌર ગોહર) નો વાર્તાલાપ:

    પ્રસારણ મુસ્તફા ટીવી, ઢાકા

    સૂફી અને સૂફીવાદ: ચડ્યું પૂર મધરાતનું ગાજે ભર સૂનકાર. – નાનાલાલ

    સૂફીવાદ : ઈસ્લામ ધર્મનો રહસ્યવાદી પંથ. ‘સૂફી’ શબ્દને વિદ્વાનોએ જુદી જુદી રીતે સમજાવ્યો છે; પરંતુ તેની મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સૂફ’ એટલે ‘ઊન’ પરથી ઊનનાં કપડાં પહેરનારા સાધકો. બીજી મહત્ત્વની વ્યુત્પત્તિ છે – ‘સફા’ એટલે ‘પવિત્રતા’ પરથી ખુદાનો પ્રેમ મેળવવા આવશ્યક એવી પવિત્રતાવાળા સાધકો. સૂફીસાધકો ખુદાના ઇશ્ક(પ્રેમ)માં મગ્ન રહેનારા, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેનારા, જન્નત(સ્વર્ગ)માં નહીં માનનારા, ખુદાની સાથે એક બની જવા તમામ સાધનાઓ કરવા તૈયાર, ઇશ્કને ખુદાને હાંસલ કરવાનું સર્વોચ્ચ સાધન માનનારા અને વૈરાગ્યભાવનાથી સંસારનો ત્યાગ કરનારા છે.

    સૂફીવાદના પ્રથમ પ્રવર્તક પ્રથમ મતે આદમ, બીજા મતે મહંમદ પયગંબર અને ત્રીજા મતે ચોથા ખલીફા અલી હતા. કટ્ટર ઇસ્લામ-ધર્મીઓ સૂફીવાદને ઇસ્લામથી વિરુદ્ધ માની તેની નિંદા કરે છે, કારણ કે સૂફીવાદની કેટલીક માન્યતાઓ અલગ છે. નમાજ, રોજા, હજ વગેરે ધાર્મિક આચારોને કટ્ટર ઈસ્લામ આવશ્યક માને છે, જ્યારે સૂફીવાદ આવા આચારોને બદલે સફા (પવિત્રતા) અને આંતરિક યાત્રા (સફર) પર વધુ ભાર મૂકે છે. ‘કુરાન’નો અલ્લાહ બધી વસ્તુઓથી ચઢિયાતો, ઇન્સાનથી અલગ અને સર્વસત્તાધીશ છે. સૂફીવાદનો અલ્લાહ બધી વસ્તુઓ અને ઇન્સાનમાં રહેલો એટલે સર્વવ્યાપી છે. વળી ‘કુરાન’નો અલ્લાહ ખુદા અને રૂહ(આત્મા)ને એક જ માનતો નથી; સૂફીવાદ ખુદા અને રૂહને એક જ માને છે. તેથી તેમનો સિદ્ધાન્ત ‘અનલહક’ (હું ખુદા છું) એવો છે. સૂફીવાદ ખુદાને ઇશ્કથી હાંસલ કરી શકાય એમ માને છે.

    આઠમી સદીમાં થયેલા અબુદર્દા, ઉસમાન બિન માજુન, ઇબ્રાહીમ, બિન આદમ તથા રાબિયા જેવા પ્રાચીન સૂફીવાદીઓ ઇશ્ક, દેહદમન, સંસાર તરફ વિરક્તિ તથા નિવૃત્તિ પર ખૂબ ભાર મૂકતા હતા. એ પછી માસફુલ, અબુ સુલેમાન, જુન્નુન, યજિદુલ્લ બિસ્તાની વગેરે નવમી સદીના સૂફીઓએ ‘અનલહક’ના સિદ્ધાન્તની ઉચ્ચ ભૂમિકા સૂફીવાદને આપી. ઈ. સ. ૯૨૨ માં મનસૂર નામના સૂફીએ ‘અનલહક’નો જોરદાર પ્રચાર કર્યો તેથી કટ્ટર ઇસ્લામીઓએ તેમને કાફિર ઠરાવી બગદાદના ખલીફા પાસે મોતની સજા અપાવી. 11મી સદીમાં બગદાદના નિઝામિયા મદરેસાના શિક્ષક અને અનેક ગ્રંથોના લેખક સૂફી અબુ હામીદ ગજાલીએ તૌહિદ(એકેશ્વરવાદ)ની સાથે તવક્કુલ (અનન્યશરણતા) અને કલ્બ(હૃદય)માંથી નીકળતી ખરી બંદગી (પ્રાર્થના) પર ખૂબ ભાર મૂક્યો. ત્યારબાદ સૂફીવાદ અન્ય સૂફીઓને હાથે જુદા જુદા સમયે ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં થઈ છેક ભારત સુધી વિકસ્યો. નવો સિદ્ધાન્ત કે સાધનામાર્ગ રજૂ કરનાર સૂફી-સંતના નામે તેના અલગ સંપ્રદાય અને તે જ સંપ્રદાયના ઘણા ઉપસંપ્રદાયો ખડા થતા ગયા. સર્વપ્રથમ સઘળા સૂફીઓ સિદ્ધાન્તના આધારે બુજૂદિયા અને શુહૂદિયા નામના બે પ્રમુખ સંપ્રદાયોમાં વહેંચાયા. મુહિઉદ્દીન ઇબ્નુલ અરબીએ બહદતુશ્શુબુજૂદનો સિદ્ધાન્ત રજૂ કર્યો. તેમાં હમાવુસ્ત એટલે તમામ ચીજો એકમાત્ર ખુદા છે, આખું જગત ખુદાની જ અભિવ્યક્તિ છે, ઇન્સાન ખુદાનો સિર્ર (ચેતન અંશ) છે, ઇન્સાન પોતાના મર્યાદિત જ્ઞાનથી સિર્રને પ્રગટ કરી શકે છે તેથી રૂહ (આત્મા) સત્ય છે, છતાં તે એકમાત્ર સત્ય નથી, ખુદા જ એકમાત્ર સત્ય છે એવી પાયાની વાતો રજૂ થઈ છે. બીજો સિદ્ધાન્ત બહદતુશ્શુહૂદ શેખ કરીમે જીલીએ રજૂ કર્યો. તે મુજબ સિર્રની સત્તા શૂન્ય જેવી છે, કારણ કે સિર્રને પોતાની સત્તા માટે ખુદાની સત્તાની અપેક્ષા રાખવી પડે છે. જગત ખુદાની ગુણાવલીનો સમૂહ છે. સિફ્ત (ખુદાના જુદા જુદા ગુણો) જાહેર (જાહિર = અભિવ્યક્ત) થાય એટલે તેમનાં નામો અપાય છે. એ બધાં નામો અરીસાની જેમ ખુદાનાં બધાં રહસ્યોને જાહેર કરે છે. જગતના પ્રત્યેક અણુમાં પોતાની પૂર્ણતા જાહેર કરે છે. જગતના સઘળા પદાર્થો બરફ જેવા છે અને ખુદા પાણીની જેમ મૂળ કારણ છે. અનહદ સુંદરતા અને વિભૂતિ ધરાવતો ખુદા જ્યારે પોતાની સુંદરતાનો અંશ જાહેર કરવા ઇચ્છે ત્યારે જગતની રચના થાય છે. તે જગતની રચના ખુદાની સુંદરતાને સમજવામાં મદદ કરે છે. આ બે સિદ્ધાન્તોને વિચારતાં તેના પર પ્રાચીન ભારતીય ઉપનિષદોની અસર પડી હોય તેમ જણાય છે. ભારતીય અસર સૂફીવાદ પર હોય કે ન હોય; પરંતુ અરબી સૂફીવાદની અસર ભારતમાં ઠેર ઠેર જણાય છે.

    હાલ ભારતમાં સૂફીના ચાર મુખ્ય સંપ્રદાયો પ્રચલિત છે : ચિશ્તી, કાદિરી, સુહરાવર્દી અને નક્શબંદી. જ્યારે ઉપસંપ્રદાયોમાં નિઝામી, સાબિરી, બહતુલશાહી, નવશાહી, મુકીમશાહી, કૈસરશાહી, જલાલી, મખદૂમી, મીરનશાહી, દૌલાશાહી વગેરેનો સમાવેશ થાય છે. અરબસ્તાન વગેરે દેશોમાં તો આથી વધુ સંપ્રદાયો પ્રચલિત છે. અનેક સૂફીસંતો કે પીરોએ સૂફીવાદના સિદ્ધાન્તોમાં ફાળો આપ્યો છે.

    શ્રી ધર્મિષ્ઠા ગોહિલ અને શ્રી  પ્ર. ઉ. શાસ્ત્રી (ગુજરાતી વિશ્વકોષ માંથી સાદર)

    અંતમાં જોઈએ “મેરા મુર્શીદ ખેલે હોરી” – સૂફી કથ્થક

    સંગીત રચના શંકર અહેસાન રોય, ગાયકો મુનવર માસુમ. જાવેદ અલી અને શંકર મહાદેવન

    ડો. શશી શૃંખલા અને તેની નૃત્ય શાળા ની પ્રસ્તુતિ


    શ્રી નીતિન વ્યાસ નો સંપર્ક ndvyas2@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ (૨૦) : સમયનું વ્હેણ

    {નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}

    પિયૂષ એમ પંડ્યા

    એવું કહેવાય છે કે જેનો સમય ચાલી રહ્યો હોય એવી વિચારધારાથી તાકાતવર દુનિયામાં અન્ય કશુંયે નથી. મતલબ કે કોઈ વિચારધારા કે કલાના પ્રકાર કરતાં કાળ વધુ મહત્વનો છે.

    એંશીના દાયકાની શરૂઆતમાં આયોજિત એક કાર્યક્રમમાં જ્યારે મેં એક વિધાન કરેલું કે નૌશાદના ‘બૈજુ બાવરા’ના સંગીત જેવું સર્જન બપ્પી લાહીડી તેની સર્જકતાની ચરમસીમાએ હોવા છતાં ન કરી શકે. આ સાંભળીને અજાણતાંમાં જ મારા દ્વારા એક યુવાન પત્રકારની લાગણી દુભાઈ ગઈ હતી. તેણે એક લેખ લખી, મારા પર વળતો હુમલો કર્યો. એ બપ્પીના આકંઠ ચાહક હતા અને પ્રામાણિકતાથી માનતા હતા કે બપ્પીની શૈલીનું સંગીતસર્જન નૌશાદ કદીયે કરી ન શકે અને તેની  તોલે ક્યારેય ન આવી શકે.

    એ પત્રકારનું કહેવું હતું કે બપ્પીએ પણ શાસ્ત્રીય રાગો પર આધારિત ગીતો બનાવ્યાં હતાં ઉદાહરણ તરીકે તેણે ૧૯૮૨ની ફિલ્મ ‘નમક હલાલ’નું ગીત પગ ઘૂંઘરુ બાંધ મીરાં નાચી ટાંક્યું હતું. એ વાત અલગ છે કે આ ગીત શાસ્ત્રીય સંગીત આધારિત એક પ્રતિગીત(પેરડી) માત્ર છે. આ પ્રકારનાં પ્રતિગીતો અગાઉ પણ આવી ગયાં છે. જેમ કે ફિલ્મ ‘બૂટ પૉલીશ’(૧૯૫૪)નું લપક ઝપક તુ આ રે બદરવા કે પછી ‘પડોસન’(૧૯૬૮)નું એક ચતુર નાર બડી હોશીયાર.

    આ પ્રકારનાં શાસ્ત્રીય રાગ પર આધારિત ગીતો બનાવી કાઢવાથી કોઈ સંગીતકાર ‘બૈજુ બાવારા’નું સંગીત તૈયાર કરનારની હરોળમાં બેસી ન જ શકે. પણ આવું માની લેવામાં એ સમીક્ષકનો વાંક નથી. તેનો ઉછેર જ ૧૯૭૦ના ઉત્તરાર્ધ અને તે પછીના સમયગાળા દરમિયાન થયો હતો, જ્યારે બપ્પીનો જમાનો હતો. જો કે તેની સાથે એક બાબતે મારે સંમત થવું રહ્યું. નૌશાદે ક્યારેક ક્યારેક પાશ્ચાત્ય સંગીતની અસર હેઠળનાં હુપ્પી દિલ ધડક ધડક દિલ ધડકે (દાસ્તાન, ૧૯૫૦) અને લારા લૂ લારા લૂ (જાદૂ, ૧૯૫૪) જેવાં ગીતો આપ્યાં હતાં. પણ તોયે તેઓ બપ્પીની કક્ષાનું સંગીતસર્જન કરવા માટે સક્ષમ હતા તેવું ન કહી શકાય. તે બન્ને સંગીતકારો ફિલ્મ સંગીતના અલગ અલગ યુગના પ્રતિનિધિ હતા અને પોતપોતાના યુગમાં ટોચના સ્થાને બિરાજ્યા હતા.

    એક સમય એવો આવ્યો કે જ્યારે નસીબના આ બળીયા બંગાળી બાબુએ જાહેરમાં કહેલું, “નૌશાદ એટલા જ લોકપ્રિય છે તો નિર્માતાઓ મારી પાસે કેમ આવે છે? એક વાર નૌશાદ મારી જેમ ‘સુપર ડાન્સર’ માત્ર ત્રણ કલાકમાં બનાવી આપે તો હું કાયમ માટે કલકત્તા ભેગો થઈ જઈશ.” નૌશાદ તો નૌશાદ હતા. તેમણે એ પડકાર ઝીલ્યો નહીં કે એ બાબતે કોઈ ટીપ્પણી પણ ન કરી. પણ બપ્પીની આ ફાંકા ફોજદારી થકી મને આશ્ચર્ય એ થયું કે ‘સુપર ડાન્સર’ જેવો સાંગીતિક કચરો બનાવવામાં એમને ત્રણ કલાક જેટલો લાંબો સમય કેમ લાગ્યો હશે!

    બપ્પીએ માત્ર બાર વર્ષના સમયગાળામાં લગભગ બસો જેટલી ફિલ્મો માટે સંગીત આપીને સર્જેલા વિક્રમનાં બણગાં પણ ફૂંક્યાં હતાં. તે રીતે મૂલવતાં તો ૫૭ વર્ષમાં માત્ર ૭૯ ફિલ્મો કરનારા નૌશાદ બપ્પીથી જ નહીં, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાહુલ દેવ બર્મનથી પણ પાછળ રહી જાય! તેમની કારકીર્દિ ટોચ ઉપર હતી ત્યારે પણ નૌશાદે વર્ષની સરેરાશ દોઢ કરતાં વધુ ફિલ્મો હાથ પર નહોતી લીધી. આખરે તો નૌશાદ માટે સંગીત એક મનગમતી પ્રવૃત્તિ હતી, નહીં કે વ્યવસાય. તેમણે ઈચ્છયું હોત તો દસ ગણી વધારે ફિલ્મો માટે સંગીત આપી શક્યા હોત. નૌશાદે એમ કર્યું હોત તો પણ બપ્પીની સરખામણીએ તેમનું સંગીત સ્મરણીય જ બન્યું હોત.

    બપ્પીનાં બણગાં સાંભળીને એવું તારણ કાઢી શકાય કે બહુ બોલબોલ કરનારા મોટા ભાગના લોકો પાસે ઝાઝું કહેવાનું નથી હોતું. એવું લાગે છે કે બપ્પીએ લટકણીયાં જેવા દાગીનાને પોતાની સિદ્ધી માટે એનાયત થયેલા ચન્દ્રકો માની લેવાની ભૂલ કરી હશે અને એવી જ ભાવનામાં તરબોળ રહ્યા હશે.

    વધુવિચારતાં એમ લાગે છે કે સંગીત નિર્દેશકો પોતાની આવડત કરતાં મોટા દાવાઓ કરી રહ્યા હતા અને કાર્યની ગુણવત્તા કરતાં તેના જથ્થાની મહત્તા વધારે ગણાતી હતી, એવા સમયમાં બપ્પીનો દોષ કાઢી શકાય ખરો? વ્યક્તિ કયા અરસામાં જન્મે છે અને તેની યુવાવસ્થામાં કેવા પ્રકારનું સંગીત સાંભળે છે તે બાબત તેની ગીતોની પસંદગીમાં મોટો ભાગ ભજવે છે. બહુ ઓછા લોકો એક સંગીત નિર્દેશકની યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂલવણી કરવા માટે ફિલ્મી સંગીતના ઈતિહાસમાં ઊંડા ઉતરતા હોય છે.

    મારે પણ મારી પોતાની પસંદગી છે, પણ તે મારા જન્મના સમયગાળા પર આધારિત નથી. મારું સ્પષ્ટ  માનવું છે કે અત્યાર સુધીના સંગીત નિર્દેશકોમાં આર.સી. બોરાલ સર્વોપરી સ્થાને બીરાજે છે. કોઈ મારી સાથે સંમત થાય એવી મને જરાયે અપેક્ષા નથી. અનિલ બિશ્વાસે અને નૌશાદે એક કરતાં વધારે વાર મારી આ માન્યતાને અનુમોદન આપ્યું છે તે મારા માટે પૂરતું છે. તાજેતરમાં એક જાણીતા સંગીતકારે કહ્યું હતું કે તેણે આર.સી. બોરાલનું નામ પણ નથી સાંભળ્યું એમ અન્ય કોઈ પણ કહે તો હવે મને સહેજેય આઘાત નથી લાગતો.

    સમયના વહેણે અમીરબાઈ કર્ણાટકી અને કાનનદેવી જેવી ગાયિકાઓની અને ગુલામ મહંમદ કે ખેમચંદ પ્રકાશ જેવા સંગીતકારોની યાદો ધૂંધળી કરી દીધી છે. હવે તો સાંગીતિક ક્ષીતિજ ઉપર દેખાઈ રહેલા વામણાઓ તેમના કદ કરતાં મોટા દેખાઈ રહ્યા છે!


    નોંધ :

    –   તસવીરો નેટ પરથી અને ગીતો યુ ટ્યુબ પરથી લીધેલાં છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.

    –  મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.


    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com

  • બાળ ગગન વિહાર – મણકો – ૧૭ : વાત અમારા દિમીતારની

    શૈલા મુન્શા

    જૂન મહિનો અમારા સ્પેસીઅલ નીડ બાળકો માટે ESY (Extended school year) તરીકે ઓળખાય. અવનવા અનોખા આ બાળકોની પ્રગતિ ધીમી ન પડી જાય એટલે ઘણા બાળકોને એક મહિનો વધુ સ્કૂલમાં આવવાનો લાભ મળે.

    આ મહિનામાં અમને શિક્ષકોને પણ નવા બાળકો સાથે સમય વિતાવવાનો લાભ મળે, કારણ બે થી ત્રણ સ્કૂલના બાળકો એક સ્કૂલમાં ભેગા થાય.

    ખરી મજા ત્યારે આવે કારણ બાળકો માટે અમે નવા, અને અમારા માટે બાળકો નવા. ત્રણથી છ વર્ષના ભાતીગળ બાળકો. દરેકના લેબલ જુદા અને વર્તન પણ સાવ જુદું જ! સ્કૂલ શરૂ થવાના આગલા દિવસે જ ફાઈલ અમારા હાથમાં આવી હોય, એનો અભ્યાસ કરીએ પણ પેપર અને હકીકતમાં તો હમેશા તફાવત હોય જ ને!!

    દિમીતાર પણ એવી જ રીતે બીજી સ્કૂલમા થી આવ્યો હતો. લગભગ છ વર્ષનો બાળક એટલે બીજા ત્રણ થી ચાર વર્ષના બાળકો પાસે મોટો લાગે. લાંબો  પાતળો, અને ચશ્મા પહેરે. પહેલે દિવસે મમ્મી મુકવા આવી, પણ બપોરથી સ્કૂલ બસમાં જવા માંડ્યો.

    પહેલે દિવસે રઘવાયાની જેમ ક્લાસમાં આંટા માર્યા કરે, એક જગ્યાએ સ્થિર બેસે નહી, કાંઈક બોલે પણ બરાબર સમજાય નહિ, પાણી અતિશય પીવા જોઈએ, અને વળી મમ્મીએ મોટી પાણીની બોટલ આપી હતી, એટલે “Drink water, Drink water” કહેતા કહેતા જ પોતાની પાણીની બોટલ લઈ આવ્યો.

    બે એક દિવસમાં ધીરે ધીરે ભાઈનુ રૂટિન ગોઠવાવા માંડ્યુ અને દિમીતાર થોડો શાંત થયો. સવારની બાળ પ્રવૃતિમાં ભાગ લેવા માંડ્યો. સવારના અમે બાળકોને એ, બી, સી, ડી ની ડીવીડી બતાવીએ અને એ પણ આલ્ફાબેટ સર્કસ ડીવીડી. બાળકોને એ ખૂબ ગમે. બધા સર્કસના પ્રાણીઓ નાચતા, ગાતાં અને સર્કસના ખેલ કરતાં હોય, જોકરની દોડાદોડીને ,હીંચકા પર ઝુલતા માણસો, અને તોપના નાળચામાં થી બુલેટની જેમ છૂટતો માણસ નેટ પર જઈ પડે, એવું બધુ આ બાળકોને ખુબ ગમે.

    હજી તો પહેલીવાર જ એ ડીવીડી ચલાવી અને અમે બન્ને સામન્થા અને હું, બાળકોને બીજી કઈ પ્રવૃતિ કરાવવી એ વિશે વાત કરતા હતાં, ત્યાં અમારી નજર સ્માર્ટ બોર્ડ પર ગઈ. સમન્થા મને કહે મીસ મુન્શા, હમણા તો letter “S” હતો અને letter”N” ક્યાંથી આવી ગયો?

    letter”N” એટલે નેટ પર હીંચકા પરથી જાણિ જોઈને પડી જતો જોકર.

    દિમીતારભાઈને નેટ પર ઝંપલાવતા જોકરને જોવાની એટલી મજા આવી કે એ જઈને ક્યારે ડીવીડીનુ રિવાઈન્ડ બટન દબાવી આવ્યો એનો અમને ખ્યાલ પણ ન રહ્યો!!
    કેવી એની ચપળતા અને સમજ!!

    દિમીતાર એક Autistic child, પણ બધા  Autistic childની ખાસિયત જુદી જુદી. દિમીતારની હોશિયારીનો પરચો અમને ધીરે ધીરે મળવા માંડ્યો.

    જૂન મહિનો એટલે હ્યુસ્ટનમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચઢવા માંડે. ગરમી સાથે હવામાં ભેજ પણ ખરો, એટલે જ ત્રણ ચાર દિવસે વરસાદ પણ આવી જાય. તાપ આકરો ન લાગે એટલે અમે બાળકોને સવારે દસ વાગ્યે સ્કૂલના પાર્કમાં લઈ જઈએ. દસ વાગ્યા હોય તો પણ ગરમી અને બફારો તો થતાં જ હોય. બાળકો બધાં રમતા હતાં, લસરપટ્ટી પર લસરતા હતા અને દિમીતાર મારો હાથ પકડી  કહે, “go pipi, go pipi” એટલે કે એને બાથરૂમ જવું હતું. હું એને ક્લાસમાં લઈ આવી. અમારા બાળકો માટે બધી સગવડ ક્લાસમાં જ હોય.

    દિમીતાર ભાઈ તો ક્લાસમાં આવી આરામથી ખુરશી પર બેસી ગયા, બે ત્રણ મિનિટ થઈ, પણ દિમીતારભાઈ ઊભા થવાનુ નામ જ ના લે. મેં બાથરૂમનો દરવાજો ખોલી આપ્યો, પણ ભાઈ તો ઐર કન્ડીશનની ઠંડી હવા ખાતા બોલ્યા “hot hot” મતલબ બહાર બહુ ગરમી છે. ગરમીથી બચવાનો કેવો ઉપાય એને શોધી કાઢ્યો!! દિમીતાર ને ગરમી અને સૂરજના તાપ સામે સખત ચીઢ પણ અમારે બાળકોને ખુલ્લી હવામાં રમવા તો લઈ જવા પડે.

    દિમીતારે જોયું કે બહાર જવામાંથી તો મુક્તિ નહિ મળે એટલે જેવા અમે બાળકોને રમવા પાર્કમાં લઈ જઈએ, ને થોડીવારમાં જ અંદર જવા માટે દિમીતારની રેકર્ડ ચાલુ થઈ જાય, અમારા બન્ને શિક્ષકોમાં થી કોઈનો પણ હાથ પકડી “let’s go let’s go” એકધારૂં બોલ્યા કરે, ત્યાં જો વાત મંજુર ન થાય, એટલે બીજી રેકર્ડ ચાલુ થાય, “eat yam yam” કારણ પાર્કમાંથી આવી બાળકોને સ્વચ્છ કરી કાફેટેરિઆમાં જમવા લઈ જવાનો નિત્ય ક્રમ એને બરાબર યાદ હોય.

    કેવી અજાયબ જેવી વાત છે કે આ બાળકોના મગજમાં પણ એક ઘડિયાળ જાણે ફીટ થઈ ગઈ હોય એમ સમય અનુસાર જ બધું થવું જોઈએ.  અને એ સમય ભીંત પરની ઘડિયાળ જોઈને નહિ, પણ મગજની ઘડિયાળનો સંકેત જાણે એમને મળતો હોય એવું લાગે.

    આ અનુભવ અમને ઘણીવાર થયો છે કે અમે ગમે તે પ્રવૃતિ બાળકોને કરાવતાં હોઈએ, પણ બપોરના અઢીવાગે અને ઘરે જવાનો સમય થાય તો કોઈ બાળક જઈને પોતાનુ દફતર લઈ તૈયાર થઈ જાય, કોઈ મમ્મીનુ રટણ ચાલુ કરી દે અને દિમીતાર જેવા બાળકો જે સ્કૂલ બસમાં જતાં હોય, એમનુ સ્કૂલબસ, સ્કૂલબસ રટણ ચાલુ થઈ જાય. લગભગ ત્રણ વાગ્યે સ્કૂલ બસ આ બાળકોને લેવા આવતી હોય એની પહેલા જાણે  એલાર્મની ઘંટડી આ બાળકોના મગજમાં વાગતી ન હોય!!!!
    દિમીતાર જેવા કેટલાય બાળકોને જ્યારે યોગ્ય શિક્ષણ, રસ્તો મળે છે ત્યારે આગળ જતાં પ્રગતિનુ સોપાન સર કરે છે.
    ઈશ્વરે મને આ બાળકો સાથે કામ કરવાની, એમના દ્વારા નવું શિખવાની જે તક આપી છે એનો મને વિશેષ આનંદ અને ગૌરવ છે!!
    નભોમંડળના આ ચમકતા તારલાં ચંદ્રની ચાંદની કે અમાસની રાત, સદા ટમટમતા રહે છે! એ જ તો એમના અસ્તિત્વનો ઉજાશ છે!!!

    કેવા અનોખા બાળકોને કેવી એમની અનોખી વાતો!!
    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • નિરાળું નેતૃત્વ

    ચેલેન્‍જ.edu

    રણછોડ શાહ

    એક ગુરુ એવો હોય છે જે દરેક માણસને
    તેની લઘુતાનું ભાન કરાવે છે.
    પરંતુ
    સાચો ગુરુ એવો હોય છે જે દરેક માણસને
    એની મહત્તાનું ભાન કરાવે છે.

     

    સમાજમાં વિવિધ વ્યવસાયોને સન્માનવા માટે તે અંગેના દિવસો ઊજવવાનો રિવાજ છેલ્લા થોડાક દાયકાઓથી શરૂ થયો છે. સી.એ. ડે, એન્જિનિયર્સ ડે, ડૉકટર્સ ડે, શિક્ષક દિન, સૈનિક દિવસ વગેરે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તો શારીરિક સ્વાસ્થ્યની સાચવણી અંગે જે તે રોગની વ્યવસ્થિત કાળજી લેવા માટે પણ દિવસોની ઉજવણી કરી રોગના કારણો અને ઉપચાર અંગે સમજ આપવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ઉજવણીના દિવસે પોતાના વિચારો રજૂ કરે છે. સંશોધન અને જે તે વિષય અન્વયે થયેલ સર્વેની માહિતી સમાચારપત્રો દ્વારા જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ થાય છે. આ નિષ્ણાતો ગરુપદ શોભાવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણીનો વિચાર કરીએ તો વર્ષમાં ૩૬૫ દિવસ પણ ઓછા પડે તેવી સ્થિતિમાં આપણે પહોંચી ગયા હોય તેવું નથી લાગતું ?

    જન્મથી મમ્મી-પપ્પા દરેક બાળકના પ્રથમ ગરુ બને છે. પછી અભ્યાસ માટે શાળા-કોલેજોમાં જોડાતાં ગુરુ-શિષ્યનો નાતો વિધિવત શરુ થાય છે. વ્યવસાયમાં આવેલ નવીન આગંતુકને તેના પૂર્વસૂરીઓ માર્ગદર્શન આપે ત્યારે તે ગુરુની જ ભૂમિકા ભજવે છે. ધાર્મિક સંપ્રદાયના વડાઓ આઘ્યાત્મિક માર્ગદર્શન આપી ગુરુપદનું સ્થાન શોભાવે છે. પરંતુ આ તમામ કરતાં વિશિષ્ટ જવાબદારી શાળામાં શિક્ષકો અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અધ્યાપકોની છે તેવી સામાજિક સમજણ છે. અહીંયાં ગુરુ-શિષ્યનો નાતો, જવાબદારી, નિસ્બત અને સંબંધ ખૂબ જ અલગ પ્રકારના હોય છે તેવું સમજવાની અને સમજાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

    માત્ર ડિગ્રી મેળવવાથી શિક્ષકના વ્યવસાયમાં પ્રવેશ જરૂર મળે, પરંતુ તેનાથી શિક્ષકત્વ પ્રાપ્ત થતું નથી. શિક્ષકની કામગીરી માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન આપીને પૂર્ણ થતી નથી. કદાચ તેની શરૂઆત હોઈ શકે પરંતુ તેનું વિસ્તરણ તો અફાટ છે.

    બાળક ઘરનું આંગણું છોડી શાળામાં પ્રવેશ લે છે ત્યારે તે લગભગ કોરી સ્લેટ જેવું હોય છે. અનેક આશાઓ અને ઉમંગો લઈને શાળાના પ્રાંગણમાં પગ મૂકે છે. કુટુંબની મર્યાદિત ઘટનાઓમાંથી શૈક્ષણિક સંસ્થાના વિવિધ અને વિશિષ્ટ અનુભવોમાંથી પસાર થવાનું હોય છે. શાળાજીવનનાં વર્ષો જિંદગીના ‘જીવન ઘડતરનાં વર્ષો’  છે. આ સમયગાળાનું જીવનમાં અત્યંત આગવું મહત્ત્વ છે. જીવનનાં વિવિધ પાસાઓનું વૈધિક તથા અવૈધિક શિક્ષણ આ વર્ષો દરમિયાન જ પ્રાપ્ત થાય છે. મહાશાળાઓમાં પણ લગભગ આ જ પરિસ્થિતિ છે, તફાવત માત્ર ઉંમરનો છે.

    વિદ્યાર્થી અને સમાજ શિક્ષકને એક આગવી નજરે જુએ છે. અન્ય વ્યવસાયો કે કામગીરીમાં અને શૈક્ષણિક કાર્યની જવાબદારીમાં આસમાન જમીન જેટલું અંતર છે. અહીંયા કામ કરનારના વ્યકિતત્વને તેની કામગીરી સાથે સીધી રીતે સાંકળવામાં આવે છે. વર્ગખંડમાં કરેલ શ્યામફલક ઉપરની કામગીરીને સ્વચ્છ કરવાની જવાબદારી શિક્ષકની છે. તે લખાણને ભૂંસવા માટે વિદ્યાર્થીના હાથમાં ડસ્ટર પકડાવી દેતા શિક્ષક તરફ વિદ્યાર્થીઓ કઈ નજરે જોતા હશે? વિદ્યાર્થી વર્ગમાં એકચિત્તે જ્ઞાન પ્રાપ્ત કરે તેવી અપેક્ષા હોય તો વર્ગમાં શિક્ષક મોબાઈલ ઉપર વાતચીત કરી શકે ખરા ? શૈક્ષણિક કાર્ય દરમિયાન બાજુના વર્ગના શિક્ષક સાથે લાંબા સમય સુધી ગપ્પાં મારતા શિક્ષકને સમાજ સન્માનની નજરે જોશે ? પરવાનગી વિના વર્ગખંડ છોડી જતા વિદ્યાર્થીની વર્તણૂંક અયોગ્ય ગણાય તો તાસની અધવચ્ચેથી વર્ગ છોડી જતા શિક્ષક તરફ કેવી લાગણી પેદા થાય ? વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત ડિઝાઈન, શોભે તેવા રંગના અને સ્વચ્છ કપડાં પરિધાન કરવા ફરજિયાત હોય તો આ વિનય અને વિવેકનો મુદ્દો સારસ્વતશ્રીને લાગુ પડે કે નહીં? શાળાના વર્ગખંડમાં અયોગ્ય અને તોછડી ભાષાનો ઉપયોગ કરતા શિક્ષક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય ભાષાની અપેક્ષા રાખી શકે?

    શિક્ષણની કામગીરી કરતા શિક્ષક, આઘ્યાત્મિક જ્ઞાન આપતા ગુરૂ કે સદવર્તનની સમજ આપતા કોટુંબિક વડાઓની કહેણી અને કરણીમાં ફરક હોય તો તેમની વાતો વિદ્યાર્થીઓ, ભકતો કે સંતાનો સ્વીકારતા નથી. તેઓની વર્તણૂક અયોગ્ય બને ત્યારે આ વડીલો તરફ માનની નજરે જોવાતું નથી. તેઓ સન્માન પામતા નથી અને પામી શકે પણ નહીં. આ કામગીરીની જવાબદારી નિભાવતા વડીલોએ વાણીનો નહીં,  વર્તનનો ઉપયોગ કરવાનો હોય છે. આ બાબતે નિષ્ઠા, નિસ્બત, પ્રામાણિકતા અને વફાદારી હોય તે આવશ્યકતા ભૂતકાળમાં પણ હતી અને આજે પણ છે. તમામ મહાપરૃષો વર્ષોથી સમાજને શિક્ષણ આપે છે,  તેમ છતાં સમાજમાં હિંસા, દુરાચાર, અજ્ઞાનતા, અસહિષ્ણુતા જેવાં દૂષણો દૂર કેમ થતા નથી ? આ બાબતે સ્વમૂલ્યાંકન કરવાનું છે. ગાંધીજી સોને સ્વીકાર્ય હતા કારણ કે તે કહેતા તે જ કરતા અને જે કરતા તેનો જ પ્રચાર કરતા. તેમનંનું જીવન જ તેમનો સંદેશો હતો. પરંતુ આજના ગુરુઓ બાબતે આ વિધાન કરવું કઠિન છે.

    ગુરૂએ સ્વયંશિસ્ત પાળવી પડે. જાતે જ નિયમિત, સ્વચ્છ, વિનયી, વિવેકી, પ્રામાણિક બનવું પડે. પ્રામાણિકતા, વફાદારી, અહિંસા, સત્ય જેવાં મૂલ્યોનું આચરણ કરવું પડે. આ બાબત પ્રત્યેક વ્યવહારમાં દૃષ્ટિગોચર થવી જોઈએ. એક પણ વાર જો તેમાં ચૂક થાય તો વિદ્યાર્થી, અનુયાયીઓ કે સંતાનોને તેમના ગુરુમાંથી વિશ્વાસ ઊઠી જશે. વ્યસનમુક્તિની વાત કરવી હોય તો શરૂઆત ‘સ્વ’થી કરવી પડે.

    જેને ગાવું છે
    તેને ગીત હંમેશાં જડી રહે છે.

    શિક્ષકત્વ, ગુરુપદ અને ઉત્તમ મમ્મી-પપ્પા બનવાનું સોભાગ્ય સૌના નસીબમાં એટલા માટે નથી હોતું કે આ પદ પ્રાપ્ત કરવા માટે ભોગનું પ્રમાણ નહીંવત્‌ અને ત્યાગનું પ્રમાણ સર્વોચ્ચ સ્થાને હોવું જોઈએ. મેળવવા કરતાં આપવાનું વધારે હોવાથી તે સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. બહુ જ થોડાક લોકો આ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે તેમાં સ્વને ઓગાળવો પડે છે. પ્રત્યેક ક્ષણે ‘હું શું આપી શકું?’ તેનું મનન, ચિંતન અને અઘ્યયન કરવું પડે. ‘સ્વ’ છોડી ‘સર્વ’નો વિચાર કરવાનું કાર્ય કઠિન જરૂર છે, પરંતુ અશકય નથી. ઈતિહાસનાં અનેક અમર પાત્રો આપની સમક્ષ છે, તો વર્તમાનમાં પણ આપણે ઘ્યાનથી જોઈએ તો તેવા સજ્જનો અચૂક મળે તેમ છે. પરંતુ તેમાંના એક થવા માટે તો જાતે જ નિર્ણય કરવો પડે, તાવણીમાં તપવું પડે અને સ્વેચ્છાએ ઘણું બધું ત્યાગવું પડે. આ તો નિરાળું નેતૃત્વ છે.

    આચમન:

    લોકો વિકલ્પ સૂચવો ત્યારે બદલાતા નથી,
    વિકલ્પ ન હોય ત્યારે બદલાય છે.


    શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com


    (તસવીર નેટ પરથી)

  • કોઈનો લાડકવાયો (૧૦) : કેરળમાં કુરિચિયા અને કુરુમા આદિવાસીઓનો વિદ્રોહ

    કોઈનો લાડકવાયો

    દીપક ધોળકિયા

    આ શ્રેણીના પ્રકરણ૫માં આપણે કેરલા વર્મા વિશે જાણ્યું. એના પર ફરી નજર કરી લઈએ તો  વાયનાડના કુરિચિયા (અથવા કુરિચિયાર) અને કુરુમા (અથવા કુરુંબરા) આદિવાસીઓના વિદ્રોહ વિશે સમજવાનું સહેલું પડશે.

    મલબારમાં નાનામોટા ઘણા રાજાઓ (જાગીરદારો) હતા. ૧૭૮૭માં મલબારના રાજાઓનો વિરોધ ટીપુ સામે હતો. એટલે એમણે ત્રાવણકોરના રાજાનું શરણું લીધું. આમાં કોટ્ટયટ્ટૂના રાજાએ જતાં પહેલાં પોતાના નાના ભાઈ કેરલા વર્માને ગાદી સોંપી દીધી. એ નીડર હતો અને ટીપુની બીક રાખ્યા વિના એની વિરુદ્ધ લોકોને તૈયાર કરતો અને લડાઈ માટે ધન એકઠું કરતો હતો. પણ ૧૭૯૨માં ટીપુ સામે લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું. કંપનીએ બધા રાજાઓને પાછા બોલાવીને સમજૂતી કરી કે એ બધા એમની આવકનો પાંચમો ભાગ કંપનીને આપે. કેરલા વર્માને લાગ્યું કે એ તો ટીપુ સામે લડતો જ હતો, ભાગી નહોતો ગયો  એટલે એ શાનો ભાગ આપે? અંગ્રેજોએ એને પણ બીજા જેવો જ ગણ્યો. આથી એનો રોષ હવે કંપની તરફ વળ્યો. એણે લોકોની મદદથી કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી.

    કેરલા વર્માનું પાટનગર પળાશી હતું ત્યાં વિદ્રોહનો અવાજ ઊઠ્યો કે તરત  કુરિચિયા આદિવાસીઓને  એમના નેતા તળક્કળ ચંદુએ એકઠા કર્યા અને કેરલા વર્મા પળાશી છોડીને વનમાં રહેવા આવ્યો ત્યારે બધી મદદ કરી.

    પળાશીના વિદ્રોહને તો અંગ્રેજોએ દબાવી દીધો અને કુરિચિયાઓને પકડી લીધા અને વેઠ બેગારમાં લગાડી દીધા.  ચંદુને ફાંસીએ લટકાવી દીધો.

                                          કુરિચિયા આદિવાસી

    કુરિચિયા આદિવાસીઓ મલ્લૈ બ્રાહ્મણ (પર્વતના બ્રાહ્મણ) તરીકે પણ ઓળખાય છે અને આદિવાસી સમાજમાં એમનું બહુ માન છે.  ૧૮૧૨માં કંપનીએ પોતાનું પોત પ્રકાશ્યું અને હવે અહીં પણ રોકડેથી મહેસૂલ લેવાનું શરૂ કર્યું. કુરુમા આદિવાસીઓ મોટા ભાગે ડાંગરની ખેતી કરતા.  રોકડા પૈસા તો એમની પાસે હતા નહીં એટલે કંપનીએ કુરુમાઓની જમીનો આંચકી લેવાનું શરૂ કર્યું.  આથી, કુરિચિયાની સાથે કુરુમા પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા. આ વખતે રામા નામ્બીએ કુરિચિયાઓની સરદારી લીધી.

    વિદ્રોહ આખા વાયનાડમાં ફેલાઈ ગયો. કુરિચિયાઓના ધર્મગુરુઓએ પણ લોકોને કંપની સરકાર વિરુદ્ધ જંગ છેડવા એલાન કર્યું અને તે સાથે કુરિચિયા કોળકાર (કુરિચિયા પોલીસ) દળના સિપાઈઓ પણ કૂદી પડ્યા. બધા મુખ્ય માર્ગો પર કુરિચિયા-કુરુમા આદિવાસીઓનો કબજો થઈ ગયો. ત્યાંથી કોઈ પણ યુરોપિયન પસાર થાય તે જીવતો જઈ ન શકતો. એમણે કેટલાંય પોલીસ સ્ટેશનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સેનાને મળતી કુમકના બધા રસ્તા બંધ કરી દીધા. વાયનાડના મુખ્ય તાલુકાઓ સુલતાન બતેરી અને માનંતવાડીમાં એમણે યુનિયન જૅકની જગ્યાએ પોતાનો વાવટો ફરકાવી દીધો. પરંતુ અંગ્રેજોની જબ્બરદસ્ત તાકાત સામે એ કેટલું ટકી શકે? અંતે વિદ્રોહીઓનો પરાજય થયો.

    એના પહેલાં ૧૮૦૨ અને ૧૮૦૯ વચ્ચે ત્રાવણકોર સાથે પણ કંપનીએ  દગો કર્યો. ત્રાવણકોરના રાજાએ કંપની સાથે મિત્રતાના કરાર કર્યા. એમાં કંપની એક પોલિટિકલ એજન્ટ નીમી શકે એવી વ્યવસ્થા હતી. એણે રાજ્યની આંતરિક બાબતોમાં માથું મારવાનું નહોતું પણ એ માથું મારવા લાગ્યો અને ત્રાવણકોરને બધું  ચડત દેવું ચૂકવી દેવા તાકીદ કરી. રાજાનો દીવાન વેલુ તંબી આ સહન ન કરી શક્યો અને એણે અંગ્રેજોની દાદાગીરીનો જવાબ આપવાનું નક્કી કર્યું. અંગ્રેજોને ભગાડવા માટે એણે ફ્રાંસની કંપનીની મદદ માગી પણ એમણે કંઈ મદદ ન કરી.

    અંતે ૧૮૦૮ના ડિસેમ્બરમાં ત્રાવણકોર અને કોચીનની ફોજોએ સાથે મળીને રેસીડેન્ટ એજન્ટના નિવાસસ્થાન પર હુમલો કર્યો. જો કે એને ખબર પડી ગઈ હતી એટલે ભાગી છૂટ્યો હતો, વિદ્રોહીઓએ હવે જેલો પર હુમલા કરીને બધા રાજકીય કેદીઓને મુક્ત કર્યા. પરંતુ કોચી પરના હુમલામાં અંગ્રેજો એમના કરતાં વધારે સ્બળ પુરવાર થયા અને વિદ્રોહીઓ હાર્યા. વેલુ તંબી નાસી છૂટ્યો. ૧૮૦૯ની ૧૧મી જાન્યુઆરીએ એને વિદેશી સત્તા સામે બળવો પોકારવા જનતાને ખુલ્લી અપીલ કરી. તે પછી એ ત્રિવેંદ્રમ (હવે તિરુઅનંતપુરમ)થી ભાગી છૂટ્યો અને  મન્નાડીના મંદિરમાં આપઘાત કરી લીધો. કંપનીના સૈનિકો એને શોધતા હતા પણ એનું શબ હાથ લાગ્યું. હવે કંપનીએ પોતાની જંગલી વૃત્તિ પ્રગટ કરી મૃત તંબીનું માથું કાપીને અલગ અને ધડ અલગ, એમ લઈ ગયા અને ઠેકઠેકાણે લોકોમાં ધાક બેસાડવા એનું પ્રદર્શન કરતા રહ્યા.

    વેલુ તંબી, કુરિચિયાઓના નેતા તળક્કળ ચંદુ અને આ વિદ્રોહમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા બધા જ, આપણી આઝાદીના પાયામાં છે. એમને વિસાર પાડી ન શકાય. એ  સૌને વંદીએ.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
    બ્લૉગ સરનામું: મારી બારી

  • ચાહક બનવું સહેલું છે, નાગરિક બનવું અઘરું

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘ખેલદિલી’ શબ્દ ‘ખેલ’ એટલે કે રમત સાથે સંકળાયેલો છે, રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત એવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. રમતમાં સ્પર્ધાનું તત્ત્વ સીધેસીધું સંકળાયેલું હોવાથી તેમાં ભાગ લેનારાઓ પાસે પોતાના હરીફને હરાવવાનો જુસ્સો હોય એ સ્વાભાવિક છે, પણ જીતવા માટે કોઈ ગેરવાજબી તરીકો અપનાવવાને બદલે માત્ર ને માત્ર રમતના નિયમોને આધીન થઈને તેઓ રમે એ આદર્શ છે. સાથોસાથ પોતે હાર સ્વિકારવાનો ગુણ પણ વિકસાવે એ જરૂરી છે. આથી જ ‘ખેલદિલી’ શબ્દનો ઉપયોગ રમત ઉપરાંતનાં અન્ય ક્ષેત્રોમાં પણ છૂટથી કરવામાં આવે છે. અલબત્ત, રમતોનું જે રીતનું વ્યાપારીકરણ થયું છે એ જોતાં આયોજકો વિવિધ સ્પર્ધાઓનો એ રીતે પ્રચાર કરે છે કે જાણે એ કોઈ સ્પર્ધા નહીં, પણ યુદ્ધનો તમાશો હોય! આ રીતે વધુ ને વધુ ચાહકો ખેંચાઈ આવે છે, જેની સીધી અસર આવક પર થાય છે. ‘ખેલદિલી’નો ગુણ ખેલાડીઓ પાસે અપેક્ષિત હોય, પણ ચાહકો એમાંથી બાકાત હોય છે. ચાહકો ચોક્કસ ખેલાડીઓ, ચોક્કસ ટીમ બાબતે એકદમ ઝનૂની વલણ અપનાવતા જોવા મળે છે. તેમનું આવું વલણ કેવાં દુષ્પરિણામ લાવી શકે એ દર્શાવતી એક દુર્ઘટના હમણાં ઈન્‍ડોનેશિયામાં એક ફૂટબૉલની મેચ દરમિયાન બની ગઈ.

    ઈન્‍ડોનેશિયાના પૂર્વ જાવામાં આવેલા માલાન્‍ગના કાન્‍જુરુહાન સ્ટેડિયમમાં 1 ઑક્ટોબરને શનિવારની સાંજે અરેમા એફ.સી. અને પર્સેબાયા સુરાબાયાની ટીમ વચ્ચે ફૂટબૉલની મેચ યોજાઈ હતી. આ બન્ને ટીમના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળવાની નવાઈ નથી. આ બાબતને ધ્યાનમાં લઈને વિશેષ સાવચેતી લેવામાં આવી હતી. પર્સેબાયાની ટીમના ચાહકોને મેચમાં પ્રતિબંધિત કરાયા હતા. એટલે કે ઘરઆંગણાની અરેમા એફ.સી.ટીમના સમર્થકો જ ઉપસ્થિત હતા. વધારાના પોલિસ બંદોબસ્તની જોગવાઈ કરવામાં આવી હતી. સ્ટેડિયમની 38,000 ની ક્ષમતાની સામે 42,000 ટિકીટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. વિરામના સમય સુધી પરિસ્થિતિ બરાબર હતી. પર્સેબાયાની ટીમ 3-2થી વિજેતા બની એથી ક્રોધે ભરાયેલા અરેમાની ટીમના સમર્થકોએ મેદાન પરના ખેલાડીઓ પર ચીજવસ્તુઓ ફેંકવા માંડી. આખેઆખો ઘટનાક્રમ કડીબદ્ધ રીતે જાણવો મુશ્કેલ છે. ટીમના ખેલાડીઓ મેદાન વચ્ચે ઊભેલા હતા, અને વિજેતા ટીમના ખેલાડીઓને સુરક્ષિત રીતે પોલિસે ચેન્‍જિંગ રૂમ સુધી પહોંચાડ્યા હતા. એવામાં અરેમાની ટીમના ત્રણેક હજાર સમર્થકો મેદાન પર ધસી આવ્યા. મેદાન પર અરાજકતા વ્યાપી ગઈ, અને પોલિસે બળપ્રયોગ આરંભ્યો. ટોળાને વિખેરી નાંખવા માટે અશ્રુવાયુ છોડવામાં આવ્યો. તેને લઈને પરિસ્થિતિ ઓર વણસી અને રીતસરની નાસભાગ મચી. લોકો આડેધડ દોડવા લાગ્યા, મેદાનની બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ બધી ધમાલમાં અંતે આશરે સવાસો લોકો મરણને શરણ થયા, જેમાં સત્તર બાળકોનો પણ સમાવેશ થાય છે.

    આખી ઘટનાની વિગતવાર તપાસ થઈ રહી છે, અને એના માટે જેને કસૂરવાર ઠરાવવામાં આવે એ ખરું, પણ જેમણે પોતાના જીવ ગુમાવ્યા એમનું શું? પોલિસ વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યાં છે, અને અશ્રુવાયુ છોડવાની પહેલ કરવા બદલ તેમની ટીકા થઈ રહી છે. પોલિસે કેવળ અશ્રુવાયુનો જ પ્રયોગ નહોતો કર્યો. લોકોને લાકડીઓ વડે ઠમઠોર્યા પણ હતા. નાસભાગ મચે એમાં આ બધી બાબતોનો ગુણાકાર થતો હોય છે.

    આ પ્રકારની દુર્ઘટના કંઈ પહેલવહેલી નથી, એમ ઈન્‍ડોનેશિયામાં જ બને છે એવું નથી. આપણે ત્યાં કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન ખાતે 1980માં યોજાયેલી ફૂટબૉલની મેચ દરમિયાન મચેલી દોડધામને પગલે સોળ લોકો કચડાઈ મર્યા હતા. 1989માં ઈન્‍ગ્લેન્‍ડના હીલ્સબરો ખાતે રમાયેલી ફૂટબૉલની મેચમાં અંધાધૂંધી સર્જાઈ અને 97 લોકો મૃત્યુ પામ્યા. અલબત્ત, સૌથી અરેરાટીપૂર્ણ કરુણાંતિકા 1964માં પેરુના લીમા ખાતે પેરુ અને આર્જેન્ટિના વચ્ચે ઑલિમ્પીકની પાત્રતા માટે રમાયેલી મેચમાં સર્જાયેલી, જેમાં 320 લોકો માર્યા ગયા હતા.

    રમત દરમિયાન બનતી રહેતી આવી દુર્ઘટનાઓને રમતના મૂળ હાર્દ ગણાવી શકાય એવી ખેલદિલી સાથે કશી લેવાદેવા હોતી નથી. પોતાના પ્રિય ખેલાડી કે ગમતી ટીમ બાબતે તેના ચાહકો એટલો પ્રબળ માલિકીભાવ ધરાવે છે કે એની હાર તેઓ સ્વિકારી શકતા નથી. ચાહકોના આ વલણનો કસ કાઢવાનો મોકો આયોજકો છોડે! તેઓ પણ રમતના આ મુકાબલાને જાણે કે બે દેશ વચ્ચેનો શેરીઝઘડો હોય એવો પ્રચાર કરીને વધુ ને વધુ લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જાણે કે બે દેશ વચ્ચેનું યુદ્ધ હોય અને એક દેશ બીજાને હરાવે તો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોય એવો માહોલ સર્વત્ર વ્યાપી જાય છે.

    ચાહકો એ સ્વિકારી શકતા નથી કે રમતમાં હંમેશાં કોઈ એક પક્ષનો વિજય નિશ્ચિત હોય છે, તેની સાથે બીજા પક્ષની હાર પણ નક્કી હોય છે. વધુ ને વધુ નાણાં ઉસેટી લેવાની લ્હાયમાં તેમને કેળવવાને બદલે તેમની લાગણીઓને ભડકાવવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેની પર આંસુ સારવામાં આવે, તપાસના આદેશ થાય, શોકસંદેશા પાઠવવામાં આવે, મૃતકોને વળતર અપાય કે કોઈકને સજા પણ થતી હશે, છતાં રમત પ્રત્યેનું આયોજકોનું વલણ ભાગ્યે જ બદલાય છે અને ચાહકોની લાગણીઓનું નાણાંમાં રૂપાંતર કરવાનો ઉદ્યોગ સતત ચાલતો રહે છે. પરિણામે તેમાંથી કશો બોધપાઠ ભાગ્યે જ અંકે કરવામાં આવે છે. ચાહકોને કોઈ પણ રીતે એ સંદેશો પાઠવવો જરૂરી બની રહે છે કે તમારી ટીમ જીતે યા હારે, તમને ઉત્તમ રમત જોવા મળશે એ નક્કી છે. છે તો આ સાવ સરળ બાબત, પણ તેનો અમલ કરવા માટે નાગરિકની દૃષ્ટિએ વિચારવું પડે. અને એ બહુ કઠિન હોય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • વિરાટનો સ્પર્શ

    પુસ્તક પરિચય

    વિરાટનો સ્પર્શહરેશ ધોળકિયા

    ૨૧મી સદીની Out of Box કથા

    પરિચયકર્તા : અશોક વૈષ્ણવ

    હરેશ ધોળકિયા ‘વિરાટનો સ્પર્શા’ પુસ્તકની પ્રસ્તાવનામાં જ ખેલદિલીથી સ્વીકારે છે કે તેઓ મૂળત: : વિચારપ્રેરક નિબંધો લખનાર વ્યક્તિત્વ છે, નવલકથા જેવા સાહિત્ય પ્રકાર માટે તેઓ એટલા સજ્જ નથી. તેમ છતાં અમુક અમુક સમયે તેમના મનનો કબજો  જ્યારે એવો કોઈ વિચાર લઈ લે છે જે નિબંધ સ્વરૂપે મૂર્ત ન જ થઈ શકે ત્યારે તેમની લેખની કોઈક અવશ પ્રેરણાથી પ્રેરાઈને જ કંઈ લખવા લાગે છે તેનું સ્વરૂપ નવલકથાનું હોય છે, આ રીતે  તેમના મૂળ વિચાર કાલ્પનિક પાત્રો અને પરિવેશના માધ્યમથી તેઓ રજૂ કરે છે.

    ‘વિરાટનો સ્પર્શ’ તેમના આવા જ મનોવ્યાપારની નીપજ છે. આ નવલકથાનો કેન્દ્રીય  વિચાર  એકવીસમી સદીમાં પ્રવર્તી રહેલ ખૂબ ઝડપી પરિવર્તનો માટે જે મુક્ત માનસ હોવું જોઈએ તે ‘‘મુક્ત માનસ’ એટલે ખરા અર્થમાં કેવાં બંધારણના પાયા પર ચણાયેલું વ્યક્તિત્વ હોવું જોઈએ?’ તે વિશે છે. આજની પરિસ્થિતિ સાથે અનુકૂલન કરી શકે તેવું કે આવતી કાલના પડકારો ઝીલી શકે તેવું એ માનસ હોવું જોઈએ? અતિ ઝડપી ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટફોન વડે, દુનિયા આખીના ખબરોને  હથેળીમાં સમાવી લેવાની ભૌતિક ક્ષમતા ધરાવતી  ભારતીય યુવાન પેઢી તેનાં કુટુબના સંસ્કારો અને સામાજિક, કે ધાર્મિક કે રાજકીય માન્યતાઓની કે આર્થિક મર્યાદાઓની અડચણોને અતિક્રમવા જેટલો માનસિક રીતે આધુનિક બની શકેલ છે? આજનાં ભણતર દ્વારા  તેને જે તાલીમ મળે છે તેનાથી તે પોતાનાં પારંપારિક મૂલ્યોને વૈશ્વિક વિચાર પ્રક્રિયાનાં ધોરણોને સમજવા અને પોતાની જીવન પદ્ધતિને તે માપદંડોને પાર કરી શકવાને સક્ષમ બની રહ્યો છે ખરો?

    રૂઢિચુસ્તતાની સામેની લડત સમાજના અમુક તમુક વર્ગથી થોડાં વર્ષો સુધી ચાલતી ઝુંબેશોમાં સમેટાઈ જતી ઈતિહાસે જોઈ છે. આવતી કાલની સાથે કદમ તાલ મિલાવી શકવાની કુશળતા સમાજમાં રહેલ વ્યક્તિઓનાં  વર્તન માત્રમાં થતાં ફેરફારોથી નહીં, પણ સમગ્ર સમાજની સામૂહિક વિચારસરણીમાં થતાં, લાંબા ગાળે પણ ટકી રહી શકનારાં, દરેક ક્ષેત્રોમાં થતાં, પરિવર્તનોમાંથી આવી શકશે.

    આ દિશામાં, સામાજિક રીતે વિકટ પરિસ્થિતિમાંથી, માર્ગ કાઢી રહેલ એક સિંગલ પેરંટ માનો પ્રયાસ એ આ  નવલકથા ‘વિરાટનો સ્પર્શ’નું કથાવસ્તુ છે. પરંપરાગત રિવાજોના સામાજિક દૌરમાંથી પોતાની જીવન નૌકાને ખેડતી એક મા અનાથાશ્રમમાંથી દત્તક તરીકે સ્વીકારેલ પોતાનાં દીકરી અને દીકરાને કેવું વાતાવરણ પૂરું પાડે છે, જેની નીપજથી દીકરી એક અવકાશયાત્રી બને અને દીકરો સંયુક્ત રાષ્ટ્રસંઘનો સેક્રેટરી જનરલ બને  એવું એનું એ સ્વપ્ન તે સિદ્ધ કરી શકે છે તેનો ઘટનાક્રમ એ ત્રણેય પાત્રો દ્વારા જ કરાયેલ વર્ણનોમાં વણી લેવાયો છે.

    દીકરી અવકાશયાત્રી થઈને જ નથી અટકી ગઈ પણ અવકાશ યાત્રા દ્વારા અથાગ વિશ્વને સમજતાં રહેવા માટે નિરંતર વિદ્યાર્થિની બની રહેવા માગે છે. દીકરો માત્ર સેક્રેટરી જનરલની કક્ષાએ પહોચીને સંતોષ માની લેવાને બદલે સમગ્ર વિશ્વ હમેશાં માનવીય મૂલ્યોની સમજને ભૂલી ન જાય તેવી સમયોચિત વ્યવસ્થા બની શકે તે માટે પ્રયાસ કરતો રહેવા માગે છે. તેમના વિચારોને આમ વર્તમાનનાં ભૌતિક સાધ્યોની સિદ્ધિઓને  અતિક્રમીને ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણલક્ષી બનાવવામાં મા દ્વારા રચવામાં આવેલાં  વાતવારણમાંથી મળેલા સંસ્કારોનું ઘડતર તેમનાં પોતપોતાનાં જીવનના સારા અને નરસા કેવા કેવા વળાંકોમાંથી પસાર  થતાં થતાં આકાર લે છે તે વિષે નવલકથાનું પોત થોડું પાતળું પડતું  જણાય છે. સામાજિક, આર્થિક, રાજકીય કે પ્રાદેશિક વાડાબંધીની ભુલભુલામણીમાં નાની નાની, પ્રમાણમાં છીછરી કહી શકાય તેવી સફળતા મેળવવાની દોડમાં વ્યસ્ત બનેલ આજની પેઢી આવા વિશાળ, આદર્શ, દૃષ્ટિકોણને પામવા માટેના માર્ગ આટલી સંક્ષિપ્તમાં કહેવાયેલી વાર્તાનાં માધ્યમથી સમજી જઈ શકશે કે કેમ તે સવાલ મનના કોઈ ખૂણામાં રહી જતો  જણાય છે.

    નવલકથાના અંતમાં કથાનાં મુખ્ય પાત્રોના સત્કાર સમારંભમાં હાજર શ્રોતાગણ દ્વારા કરાયેલા રૂઢિગત સવાલોનાં એ પાત્રો દ્વારા અપાયેલા જવાબોને બદલે આપણે, દરેક વાચક, એ સવાલોના જવાબો પોતાનાં જીવનના સંદર્ભમાં ખોળતાં થઈએ  તો ગઈકાલની, આજની અને નવી પેઢીને પોતાનાં વિચારોને નવાં પરિપેક્ષ્યમાં વિચારતાં કરવાનો  નવલકથાનો મૂળ હેતુ ખરેખર બર આવશે. જોકે એક જ બેઠકે વાંચી  જવાય એવી ચુસ્ત શૈલીમાં લખાયેલ આ (લઘુ) નવલકથા જો વ્યાપક વાચક વર્ગની પસંદ બની રહેશે તો અનેક વ્યક્તિઓની થોડી થોડી સમજનાં  ઝરણાઓમાંથી પણ જે એક શક્તિશાળી પરિવર્તક વિચારસરણી  બની શકે, એવી આશા સેવવી આ નવલકથા વાંચ્યાં પછી સાવ અસ્થાને નથી લાગતી

    0        –         0        –         0        –

    ‘વિરાટનો સ્પર્શ’ ની અન્ય વિગતોઃ

    લેખક – હરેશ ધોળકિયા

    પ્રથમ આવ્રુતિ : જુલાઈ ૨૦૨૨

    પૃષ્ઠસંખ્યા – ૧૫૧। કિંમત:  રૂ. . ૧૭૫   /-

    પ્રાપ્તિસ્થાન: આર આર શેઠ એન્ડ કંપની, અમદાવાદ ૩૮૦૦૧ । ઈ-મેઈલ – sales@rrsheth.com


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • કલમના કસબી:કનૈયાલાલ મુનશી : અડધે રસ્તે – ૨

    પુસ્તક પરિચય

    રીટા જાની

    આપણે બધાએ એ કહેવત સાંભળી છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ ..ઇમારતની જેમ માણસની બ્લ્યુ પ્રિન્ટ તો નથી હોતી પણ મનુષ્યના વૃક્ષને જે ફળ લાગે છે, તેનું બીજ ચોક્કસપણે બાળપણમાં છે. બાળપણમાં  પ્રતિભાબીજ રોપાય, કેળવણી દ્વારા તેની માવજત થાય, તેની કલ્પનાશક્તિ ખીલે, બાળકનું ચારિત્ર્ય ઘડતર થાય અને વ્યક્તિવનો પાયો નખાય. નેથેનિયલ નામના એક નવલકથાકાર લખે છે કે જિંદગી તો કાદવ અને આરસ બંનેની બનેલી છે. જન્મ્યા પછી આપણે કેટલો કાદવ દૂર કરીએ અને આરસને ઉજળો બનાવીને જિંદગી સાર્થક બનાવીએ તેના એંધાણ બાળપણમાં મળી જાય છે. ગત અંકમાં આપણે મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની વાત શરૂ કરી હતી  અને આજે આપણે પણ મુનશીના બાલ્યકાળની વાતો  કરીશું.

    ખૂબ નાટકીય ઢબે શરૂઆત કરે છે મુનશી પોતાના બાલ્યકાળની. “કોદાળી ને પાવડો લઈને હું ઊભો છું. જે શોધું છું, તેના પર પિસ્તાળીસ વર્ષના અનુભવનો ઢગ ખડકાયો છે. સૌથી ઉપર પડ્યો છે યરવડા સેન્ટ્રલ જેલમાં ફરતો કે.એમ.મુનશી નામથી ઓળખાતો માણસ. તેની નીચે જડે છે: લાલ વાઘામાં સજ્જ પટાવાળાથી સંવૃત્ત, પોલીસ ગાર્ડઝની સલામી લેતો મુંબઈ સરકારનો ગૃહમંત્રી. તેની નીચે નજરે પડે છે બિજાપુર જેલના કેદી નંબર ૬૦૮૬નો ચોખંડી ભૂરી લીટીવાળા કેદીના કપડામાં વીંટાયેલો દેહ: પ્રિઝનર મુનશી. એ પછી નજરે પડે છે – જયજયકારથી મહેકતો દેશભક્ત શ્રીયુત મુનશી. એનાથી આગળ ચાલતા દેખાય છે સાક્ષર શ્રી.મુનશી, ચારે તરફ પુસ્તકો વિખેરાતા. ત્યારબાદ દેખાય છે બ્રીફોનો ઢગ હાથમાં રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા મિસ્ટર મુનશી. કોદાળી ને પાવડાથી ખોદતા ને ફેંકતા ચારે તરફ ધૂળ ઉડે છે ને ઢગના તળિયે સાત વર્ષનો છોકરો દેખાય છે: કેડે સાંકળી, હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી:  સુકો, ગંભીર ને લાડકો: સુરતમાં, મોટા મંદિરના ચોકમાં ધનુષ્ય બાણથી રમતો…હા, શોધ્યો જડ્યો એ કનુભાઈ, આખરે પકડાયો.”

    ૧૯૧૩ સુધી તેઓ કનુભાઈ તરીકે જ ઓળખાતા. તેમના પિતા સૌથી મોટા અને પ્રતાપી માણસ હતા એમ તેઓ માનતા  અને તેનો ગર્વ અનુભવતા. સાંજે બાપાજી તેમને અંગ્રેજી શીખવતા. દીકરાને સિવિલિયન કરવાની ઈચ્છાથી બાલ્યવયથી તૈયાર કરતાં. કનુભાઈ પલાખા તબલા સાથે ગોખતાં. “રાવસાહેબ” ના દીકરા કનુભાઈને ઘણી વિશિષ્ટ સુખ સગવડ ને સ્થાન મળતા. પછી એ કોઈ દુકાનદાર હોય, શાળા હોય કે પછી નાટકમંડળી. બાલ્યકાળમાં જોયેલા નાટકોનો તેમના મન પર ઘણો પ્રભાવ રહ્યો. સૌથી પહેલો ખેલ તેમણે જોયો રા’ખેંગાર અને રાણકદેવીનો. જ્યારે સિદ્ધરાજ રાણકદેવીના બે પુત્રોને મારી નાખે છે ત્યારે તેઓ ખૂબ રડ્યા હતા. મુનશી નોંધે છે કે રંગભૂમિ કે ચલચિત્રમાં ભાવમય દૃશ્ય જુએ કે કોઈ હૃદયવેધક પ્રસંગ જો સાહિત્યમાં આલેખે તો તેમની આંખોમાંથી આંસુ સરી જતાં. એમના હૃદયની આ ઋજુતા તેમના સાહિત્યમાં ભારોભાર જોવા મળે છે. તેમણે ઘણા નાટકો જોયા ને ત્યારથી નાટક કરવાનો શોખ લાગ્યો. તેના પાત્રો સાથે એટલા ઓતપ્રોત થઈ જતાં કે ક્યારેક પોતે પરશુરામ બની જતા તો ક્યારેક કાલ્પનિક સહચરી સાથે મહાલતા. ત્યારબાદ ગાગરિયા ભટની કથાઓમાં ચકચૂર થઈ ગયા .

    આજની પેઢી માટે તો આશ્ચર્યની અવધિ ના રહે કે ત્યારે પાંચમી ગુજરાતીના મહેતાજી છોકરાઓના નંબર પૂરવા પૂછે કે તમારામાંથી જે પરણેલા હોય તે ઊભા થાય ને તેને પહેલા બેસાડ્યા. પછી જેના વિવાહ થયા હોય તેનો નંબર અને બાકીનાને કહ્યું, “દુષ્ટો, તમે છેલ્લા જાઓ. આટલા મોટા ઉલ્લુઓ જેવા થયા તોય કોઈ દીકરી ધીરનાર ન મળ્યું. છેલ્લા જાઓ.” બાળ લગ્ન અને બાળવૈધવ્યના એ યુગમાં મુનશી જ્યારે વડોદરા કોલેજમાં હતા ત્યારે વાદવિવાદમાં પુનર્લગ્ન, સ્ત્રી કેળવણી જેવા  વિષયો રહેતા, જેમાં મુનશી હંમેશા તેની હિમાયતના પક્ષમાં રહેતા.

    બાળકનો પહેલો શિક્ષક છે તેની માતા. મુનશીના માતા તાપીબા મુનશી-બા-જીજીમાનું વ્યક્તિત્વ, તેના હૃદયના રહસ્યો ને અંતરના મંથનો તેમના જીવનના સીમાચિહ્નો “છેલ્લા દફતર” માં સંગ્રહાયેલા હતા. એ કાગળોમાં છે: એના દુઃખો, સુખો, એનાં આત્મમંથનો અને લેખિની વડે આત્મા પર મેળવેલા વિજયો; વિશુદ્ધ બુદ્ધિ ને કર્તવ્યપરાયણતાથી પ્રેરાયેલા એંશી વર્ષોના સહિષ્ણુતા, ક્ષમા, ઔદાર્ય અને સંસ્કાર! તેમાં દાંપત્યજીવનના મોહક રંગો હતા તો હૃદયમાંથી શોધી કાઢેલા વાણીનું તપ તપાવવાના સૂત્રો પણ હતાં. તેમણે હૃદયના માધુર્યને સર્વગ્રાહી બનાવેલું તો તેમનામાં સામાની શક્તિઓ અને મુશ્કેલીઓ સમજવાની અદભૂત શક્તિ હતી. તેમણે મુનશીઓની ઉગ્રતા ઝીલી ચંદ્રના અમીવર્ષણ કરેલાં. તેઓ હંમેશા કંઈને કંઈ લખ્યા કરતાં. ઊર્મિ થાય ત્યારે કવિતા પણ લખે. પ્રેમાનંદના કાવ્યો પોતાને હાથે ઉતરેલા. બાએ પુરાણકથાઓથી કનુભાઈનું મગજ ભરી દીધું હતું એટલે ભૃગુ પૂર્વજોની કારકિર્દી  તો મન આગળ રમતી જ  હતી.

    ૧૯૦૩ માં કનુભાઈએ વાક્ પાટવ ખીલવવાના  પ્રયત્નો કરવા માંડેલા સાથે અંગ્રેજી નિબંધો લખવાનું પણ શરૂ કર્યું. ૧૯૦૪માં કોલેજના અર્ધવાર્ષિકમાં લેખો લખવા માંડ્યા. પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત વિશે મુનશી નોંધે છે – “આમ મુનશીઓનાં રંગસમૃદ્ધ રંગચિત્રોમાં પ્રબળ ઊર્મિઓને વ્યક્ત કરવાની વૃત્તિ અને બાની લખી લખીને હૃદય ઠારવાની વૃત્તિ બંને પ્રવાહોને વશ કરીને સરસ અને સચોટ કથન સર્જવાના મારા પ્રયત્નો શરૂ થયા. આ ઉપાસના કરવામાં મને જે અક્ષય આનંદ મળ્યો તે જ એ પ્રયત્નોનું સાફલ્ય છે.”

    એક મહાન કલમની આવી હતી શરૂઆત…


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com