-
લક્ષ્મીલાલ કે લક્ષ્મીદાસ ?
દિનેશ લ. માંકડ
દિવાળીના તહેવારો આવે એટલે સહુના મનમાં ઉલ્લાસ હોય.બાળકોનું મન ફટાકડા ફોડવામાં અને મીઠાઈ ખાવામાં હોય,બહેનોનું મન પહેરવામાં-ઓઢ્વામ હોય પણ વ્યવસાયી -વેપારીનું મન તો લક્ષ્મીપૂજનમાં જ હોય. મા લક્ષ્મીનું પૂજન થવું જ જોઈએ.અને કરવું જ જોઈએ.ખુબ ખુબ સારી વાત છે. જેના પૂજન કરીએ ,જેમાં શ્રદ્ધા- આસ્થા હોય તેના સ્વરૂપ વિષે વિશેષ જાણીએ -સમજીએ ત્યારે તો શ્રદ્ધા -આસ્થા બેવડાઈ જાય.
મા લક્ષ્મી એટલે શ્રી વિષ્ણુના સહધર્મચારિણી. ભગવાન વિષ્ણુ તો વિશ્વંભર, જગતના પાલન પોષક અને તેના પત્નીની સમૃદ્ધિ, આપણા ઘર; વ્યવસાયમાં વધે એથી રૂડું શું હોઈ શકે? અને એને માટે એને રીઝવવાં એ તો ખુબ સારી વાત છે. શું ફોટામાં કે મૂર્તિમાં જેના દર્શન કરીએ છીએ તે જ માત્ર લક્ષ્મી છે ? કે તેનાં વિશેષ સ્વરૂપ છે ખરાં ?
પૌરાણિક રીતે વિદ્વાનોએ શ્રી લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપોના વર્ણન કર્યાં છે લક્ષ્મીજીના ભિન્ન સ્વરૂપો એટલે છે કે તેને સમજીને ,સ્વીકારીને આપણે જીવન વિકાસ કરીએ,. માત્રને માત્ર ભૌતિક દૃષ્ટિકોણથી જ લક્ષ્મીને જોવાથી મનોવૃત્તિ અને જીવન શૈલીમાં ઘણા અનિષ્ટો પેદા થાય છે જે આપણા બાહ્ય અને આંતરિક વિકાસને રોકે છે..લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપો જાણીએ. જેને આપણે ભૌતિક સ્વરૂપે સ્વીકારીએ છીએ તે ધન લક્ષ્મી. જીવનમાં માણસમાત્ર પોતાના વ્યવસાયોક કે સમાજક્ષેત્રમાં પ્રવૃત્તિ કે સાહસ કરતો હોય છે.પરંતુ દરેક વખતે તેમાં સફળતા જ મળે તેવું બનતું નથી તેથી નિરાશા કે હતાશા જન્મે. ‘ યશ લક્ષ્મી’ ની પ્રાર્થનાથી આત્મબળ પ્રગટે અને સિદ્ધિ પ્રાપ્ત થાય.કોઈપણ વ્યક્તિને પોતે તંદુરસ્ત રહે ,સ્વસ્થ જીવન જીવે અને લાબું જીવે તેવી પ્રબળ અપેક્ષા રાખે છે.અને તેથી ‘ આયુ લક્ષ્મી ‘ નું પૂજન અર્ચન, શ્રદ્ધા જન્માવે છે અન્ન એ જ જીવન એટલે ધાન્યલક્ષ્મી તો રોજ આપણા પ્રત્યક્ષ દેવી છે.વિચારલક્ષ્મી અને વાણીલક્ષ્મી તો માનવની મૂલ્યવાન લક્ષ્મી છે.કોઈપણ લક્ષ્મી સ્વરૂપ નો કેમ ઉપયોગ કરવો તે બુદ્ધિ લક્ષ્મી નક્કી કરી આપે .
. અને અદભુત અને ભવ્ય વારસો ધરાવતા ભારત દેશ પાસે મા લક્ષ્મીને રીઝવવાના ઉકેલ તો હોય જ.આપણા અનેક શાસ્ત્રોક્ત સ્તોત્રમાં ‘શ્રી સૂક્ત ‘ એક અનેરું સ્તોત્ર છે. અગ્નિ એ પ્રત્યક્ષ દેવ છે જેને જોઈ શકાય છે. અહીં અગ્નિદેવને વિનંતી છે हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् । चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥ ‘ હે અગ્નિ દેવ, સુવર્ણ જેવા વર્ણવાળી, હરણ જેવી ચપળ લક્ષ્મીને મારે ઘેર લઈને આવો.’ આગળ ઉપર પ્રાર્થે છે કે ‘ સસ્મિત ખીલેલી અને જેના આગમનની હાથી ચિત્કારથી ખબર પડે એવી લક્ષ્મીને કે જે અવિનાશી હોય
तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् જેના દ્વારા હું સુવર્ણ,ગાય ,ઘોડા ( સંપત્તિ ) પ્રાપ્ત કરી શકું.
જેની કીર્તિ ત્રિભુવનમાં છે તે હે માં લક્ષ્મી મારુ દરિદ્ર દૂર કરી (સમૃદ્ધ બનાવે )चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् । तां पद्मिनीमीं शरणमहं प्रपद्येऽलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे ॥ તો આ મંત્રમાં પોતાની શ્રેષ્ઠ મહત્તા આ રીતે મૂકે છે. प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे ॥ હું આ રાષ્ટ્રમાં જન્મ્યો છું તેથી જ મને જગતમાં પ્રસાર પામેલી કીર્તિ અને ઐશ્વર્ય આપો.
ઉત્તમ લક્ષ્મીની માંગણી પછી પોતાની ત્રુટીઓ અને મર્યાદાની ખબર છે એટલે હવે ના મંત્રમાં સીધો માતા લક્ષ્મીથી જ સંવાદ છે.’ સૂર્ય જેવાં તેજસ્વી હે જગન્માતા, મારી અંદર રહેલાં અવિદ્યાજન્ય અજ્ઞાન અને દૈન્યનો નાશ કરો. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः । तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः સ્તોત્રની ભવ્યતા તો જુઓ .મારા ઘરમાં ( ભૂલથી પણ ) આવેલી અલક્ષ્મી ,અભૂતિ કે અસમૃદ્ધિ ઘરમાંથી બહાર નીકળી જાય. क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् । अभूतिमसमृद्धिं च सर्वां निर्णुद मे गृहात् ॥ સ્તોત્રના રચનાકારે આ સ્તોત્રનું મૂલ્ય સમજાવતાં કહ્યું છે કે न क्रोधो न च मात्सर्य न लोभो नाशुभा मतिः । भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत्सदा ॥ જેમણે પુણ્ય કર્યાં છે એવા ભક્તો ક્રોધ,મત્સર્યં ,લોભ કે અશુભ બુદ્ધિ ન થાય તે માટે શ્રી સૂક્ત જપ કરે.
સંપત્તિ હોવી શ્રેષ્ઠ છે.પણ સાથે સાથે સંપત્તિ જ કેટલીયે સમસ્યાનું મૂળ પણ છે.પરસેવાથી અને હક્ક અનુસાર પ્રાપ્ત થયેલા નાણાનો તો સદુપયોગ જ થાય.એનો પ્રભાવ પણ ઉચ્ચ જ હોય. અયોગ્ય રીતે પ્રાપ્ત સંપત્તિ એક કે બીજી રીતે કશુંક તો પ્રત્યક્ષ કે પરોક્ષ અયોગ્ય તો કરે જ. એક વખત નાના મોઢે મોટી વાત સાંભળેલી -‘ પૈસો પોતે મારગ કર.! ‘
સમાજનું સંપત્તિ સંતુલન પણ અયોગ્ય હોય તે નુકસાનકારક જ છે.સમાજમાં અતિ અલ્પ પ્રાપ્તિવાળા અને અતિ પ્રાપ્તિવાળાની ઊંડી ખાઈ પણ સમાજ માટે અનિષ્ટ અને હાનિકારક જ છે. ભારતીય સંસ્કૃતિની વિશેષ મહત્તા એટલા માટે છે કે જ લક્ષ્મી પ્રાપ્ત કરીએ તેમાંથી પ્રત્યેક ધર્મ,સંપ્રદાય એક કે બીજી રીતે ભગવાનનો ભાગ કાઢવા સૂચવે છે પ્રખર ચિંતક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી સરસ સમજાવે છે.- ‘ ઋષિઓએ મંદિર એટલે જ આપ્યાં છે. આપણે પ્રાપ્ત લક્ષ્મીમાંથી ભગવાનનો ભાગ કાઢીને મંદિરમાં મૂકીએ. અને ભગવાનની પ્રસાદીરૂપ જરૂરિયાત વાળાને પહોંચે..સમાજની આર્થિક અસમતુલા ઘટે અને સાથે સાથે લેવા-આપવાથી આવનારી લઘુતા-ગુરુતા પણ ઉભી ન થાય, એવી સંકલ્પના છે.’ એથી વિશેષ પૂજ્ય શાસ્ત્રીજી સમજાવે છે કે ‘ ભગવાનને ભાગ આપવો સારી વાત છે. પણ ભગવાને જ આપેલું ભગવાનને અર્પણ કરીએ એમાં મારુ પોતાનું કર્તુત્વ શું ? તો પછી એનો ઉપાય શો ? ઉપાય એ કે હું એવું કૈક વિશેષ કરું જેમાં મારો બિલકુલ સ્વાર્થ ન હોય.કેવળ ને કેવળ નિસ્વાર્થ કશુંક કરું ને તે ભગવાનને અર્પણ કરું..’ પૂજ્ય પાંડુરંગ દાદા તો એને લક્ષ્મી પણ મહાલક્ષ્મી તરીકે ઓળખાવે છે.,તેમના દ્વારા પ્રેરિત સ્વાધ્યાય પરિવારને તેમણે આપેલા અનેક પ્રયોગો યોગેશ્વર કૃષિ,વૃક્ષ મંદિર ,મત્સ્ય ગંધા ,અમૃતાલયમ દ્વારા મહાલક્ષ્મી સર્જન કરે છે ,જે પ્રભુના પ્રસાદ તરીકે જરૂરિયાત સુધી પહોંચે .
ભગવદગીતામાં અઢારમા અધ્યાયના છેતાલીશમાં શ્લોકમાં પણ માણસના કર્તુત્વને કેટલું બધું ઊંચું સ્થાન આપ્યું છે.! શ્રી કૃષ્ણ કહે અર્જુનને માધ્યમ બનાવી આપણને સંદેશ આપે છે.- स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: || ‘ પોતાનું તમામ શ્રષ્ઠ કર્તુત્વ મને અર્પણ કરી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.’ ઈશાવાસ્ય ઉપનિષદ પણ કેટલો ઉચ્ચ આદર્શ આપે છે ! तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥ તેને ત્યાગીને તું ભોગવ.,અને બીજાના ધન પર લાલચદૃષ્ટિ ન કર’
કોઈપણ માતાને કેવો પુત્ર વહાલો હોય ? આપણે પણ માતા લક્ષ્મીના એવા સુપુત્ર થવું છે કે માતા આપણે ઘેર બધા સ્વરૂપની સમૃદ્ધિ ના ભંડાર ભરી દે..લક્ષ્મીલાલ ( પુત્ર ) બનીને પૂજન કરીએ. ,લક્ષ્મીદાસ નહિ.અસ્તુ.
શ્રી દિનેશ માંકડનું સંપર્ક ઈ-મેલ સરનામું :- mankaddinesh1952@gmail.com
-
રમતના ક્ષેત્રે દેશના ઉજળા ભાવિનાં એંધાણ
નિસબત
ચંદુ મહેરિયા
ભણી-ગણીને ‘સાહેબ’ બનાય અને રમવા-કૂદવાથી ‘ખરાબ’થવાય આ મૂલ્ય સ્થાપિત કરવા વડીલો આપણા બાળકો, કિશોરો અને યુવાનોને અવારનવાર કહ્યા કરે છે કે, “ પઢોગે-લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે-કૂદોગે તો હોગેં ખરાબ.” એટલે ભારતમાં ભણતરને ચઢિયાતી અને રમત-ગમતને ઉતરતી બાબત માનવામાં આવે છે. દેશની કુલ વસ્તીના માત્ર પંદર ટકા લોકોને જ રમતમાં રસ-રુચિ છે કે એટલા જ લોકો માટે રમતની સગવડો છે તે પણ હકીકત છે. રમતને આપણે ત્યાં શોખ ગણવામાં આવે છે, વ્યવસાય નહીં. તેથી સરકાર અને સમાજ બેઉ તેના વિકાસ માટે ઉદાસીન છે.
આઝાદીના અમૃત વરસે પંચોતેર વરસનું આપણું રમત ક્ષેત્રનું સરવૈયું માંડીએ તો નિરાશા સાંપડે છે. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં નિ:શંક ભારતીય રમતવીરોનું પ્રદર્શન ઘણું સારું હોય છે. પણ રમત વિશ્વના મહાકુંભ ગણાતા ઓલમ્પિકમાં સવાસો કરોડની વસ્તીના દેશને એટલી સફળતા મળી નથી. ભારતના ખેલાડીઓ ઓલમ્પિકમાં અત્યાર સુધી ૭ સુવર્ણ, ૭ રજત અને ૧૬ કાંસ્ય પદકો જ જીત્યા છે. વળી સાતમાંથી પાંચ ગોલ્ડ તો આપણે હોકીમાં મેળવ્યા હતા.
જોકે છેલ્લા એક-બે દાયકાથી સ્થિતિ સુધરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં દેશનું પ્રદર્શન અગાઉની તુલનાએ બહેતર થયું છે. એ ખરું કે વધારે પદકોની પ્રાપ્તિ એ જ કંઈ માપદંડ ન હોઈ શકે પરંતુ દેશનું આરોગ્ય, લક્ષ્ય પ્રાપ્તિની સજગતા અને માનસિક અવસ્થા પણ તેનાથી પરખાય છે. કોઈ દેશની પ્રતિષ્ઠા રમતક્ષેત્રે તેની ઉત્કૃષ્ટતા સાથે જોડાયેલી છે.
દેશમાં મોટા પ્રમાણમાં યુવા વસ્તી છે. નિર્ધનતા અને અભાવો છતાં પ્રતિભાઓની કમી નથી. તેમને શોધવાની અને તક આપવાની. જરૂર છે.સાવ નાના ગામમાં પણ ક્રિકેટ રમતા ટાબરિયા જોવા મળે છે. પરંતુ અન્ય ઘણી રમતો ઉપેક્ષિત છે. નીતિનિર્ધારકોને મન પણ રમત એટલે ક્રિકેટ છે. તેને કારણે દેશમાં સૌથી વધુ મેદાનો ક્રિકેટના છે અને ઓલમ્પિકમાં પાંચ ગોલ્ડમેડલ મેળવનાર હોકીના મેદાનો આખા દેશમાં પચીસેક જ છે. આ સ્થિતિ બદલવી પડશે. યુવાનો કેમ રમતને શોખ પૂરતી મર્યાદિત રાખે છે અને તેને કેરિયર નથી બનાવતા તે પણ સમજવા જેવું છે. સારું શિક્ષણ મેળવવાનું દબાણ, સલામત નોકરી માટેની માનસિકતા અને રમતમાં સફળતાનો નીચો તથા ધીમો દર તેમને રોકે છે.
ચીનને ૧૯૫૨ના ઓલમ્પિકમાં એક પણ પદક મળ્યો નહોતો. ૨૦૧૬ના રિયો ઓલમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ૧૧૫ રમતવીરોએ ભાગ લીધો હતો. પરંતુ રિયોમાં ભારતે જેટલા પદકો મેળવ્યા હતા એટલા તો એક જ અમેરિકી રમતવીરે મેળવ્યા હતા. બ્રિટને ૧૯૯૬માં એક જ ગોલ્ડ મેળવ્યો હતો. તેમ છતાં આ બધા દેશોનું રમતમાં ઉત્તરોઉત્તર પ્રદર્શન સુધરતું રહ્યું છે. તેનું મુખ્ય કારણ તેમણે રમતને પ્રાથમિકતા આપીને. દેશમાં રમત સંસ્કૃતિને વિકસાવી છે.
ભારતમાં રમત પ્રત્યેનો સરકારનો આરંભિક દ્રષ્ટિકોણ પણ સમાજના જેવો જ હતો.રમતગમત રાજ્ય યાદીનો વિષય છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ બાબતે સંતુલન નથી. છેક ૧૯૮૨ સુધી તો ભારત સરકારમાં રમત મંત્રાલય જ નહોતું. ૧૯૮૨માં મંત્રાલય તો મળ્યું પણ ૧૯૮૫ના યુવા વરસે તેને રમતગમત અને યુવા મંત્રાલય બનાવવામાં આવ્યું સ્વતંત્રતાના ત્રેપન વરસે, ૨૦૦૦માં, રમતગમતનું સ્વતંત્ર મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૨માં દિલ્હીમાં એશિયન ગેમ્સની યજમાની કરનાર ભારતે પહેલી નેશનલ સ્પોર્ટસ પોલિસી ૧૯૮૪માં બહાર પાડી હતી. કેન્દ્ર અને રાજ્યોના રમતગમત વિભાગો અને સ્પોર્ટસ માટેના સ્વતંત્ર ફેડરેશનો વચ્ચે સત્તા અને જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણીના અભાવે પણ દેશમાં રમતોના વિકાસ અને રમતવીરોને સહન કરવું પડે છે.
રમતોને સરકારની સહાય અને પ્રોત્સાહન આવશ્યક છે પણ તેને રાજનીતિથી દૂર રાખવાની પણ એટલી જ જરૂર છે. ક્રિકેટ બોર્ડ સહિતની ઘણી સ્પોર્ટસની સંસ્થાઓ પર રાજકારણીઓનો કબજો છે. બીસીસીઆઈ(ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ) અને એઆઈએફએફ(ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન)ની કામગીરી તથા વહીવટ અંગે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અને કમિટી બનાવવાની ફરજ પડી હતી.એ હદે રમતની સંસ્થાઓમાં રાજનીતિ તથા અનિયમિતતાઓ જોવા મળે છે.
જેમ ક્રિકેટમાં તેમ અન્ય રમતોમાં હવે નાના શહેરોના અને આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા વર્ગના પણ અત્યંત પ્રતિભાશાળી યુવાનો, ખાસ કરીને યુવતીઓ, આવી રહી છે. તેમણે કઠોર પરિશ્રમ કરીને રાજ્યથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કર્યું છે. તેનાથી રમત ક્ષેત્રે દેશની ઉજળી આશાના એંધાણ વર્તાવા માંડ્યા છે. મોટા રાજ્યો અને મહાનગરોમાંથી જેમ દેશને ઉત્તમ ક્રિકેટરો મળ્યા છે તેમ નાના રાજ્યો અને નગરો કે ગામડાઓમાંથી બીજી અનેક રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ ઉભરી આવ્યા છે. દેશની કુલ વસ્તીમાં માત્ર બે ટકાની વસ્તી ધરાવતા હરિયાણાનો વ્યક્તિગત ઓલમ્પિક એવોર્ડમાં ત્રીસ ટકા હિસ્સો છે. દેશના સૌથી ઓછી વસ્તીના રાજ્યો પૈકીના એક મણિપુરમાંથી દેશને મેરીકોમ અને મીરાબાઈ ચાનુ જેવા ઉત્તમ પ્લેયર મળ્યાં છે.ઓલમ્પિકમાં બે વ્યક્તિગત સુવર્ણ પદકો સાથેના વીસ પદકો વર્તમાન સદીમાં મળ્યા છે. સરકારના પ્રયાસો અને સમાજના બદલાયેલા દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ આ તમામ હકીકતોમાં જણાઈ આવે છે.
હાલ રમતે ક્ષેત્રે જેમ પરિવર્તન તેમ સકારાત્મક વિકાસના તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. દેશના જુદા જુદા રાજ્યોના ખેલાડીઓ પોતપોતાના રાજ્યોની રમતોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી રહ્યા છે. પંજાબ હોકીમાં, કેરળ, ગોવા, પશ્ચિમ બંગાળ ફુટબોલમાં, હરિયાણા કુશ્તીમાં, આંધ્ર, તમિલનાડુ એથલેટિક્સમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક વગેરે ક્રિકેટમાં આગળ વધી રહ્યા છે.
ઉજળી આશાના આ એંધાણના ઓવારણાં લેવા સાથે એ હકીકત પ્રત્યે પણ આપણે સજાગ રહેવાનું છે કે રમતોમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને તેમની પ્રતિભા મુજબ સમાન તક અને સમાન પારિશ્રમિક મળી રહે. દેશના વિકસિત દેશોમાં પણ આ બાબતે અસમાનતા પ્રવર્તે છે ત્યારે ભારત તો મહિલા સમાનતાની બાબતમાં ઘણું પાછળ છે. અમેરિકાના મહિલા ફુટબોલ ખેલાડીઓએ સરકાર અને ફેડરેશન સાથે લાંબો સંઘર્ષ કરીને સમાન પારિશ્રમિકનો અધિકાર મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આંતરરાષ્ટ્રીય જ નહીં ઘરેલુ ક્રિકેટમાં પણ પુરુષ અને મહિલા ક્રિકેટરોને એક સમાન નાણાં આપવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. એટલે ભારત પણ જો આ દિશામાં સજાગ રહેશે તો જે અનેક પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ છે તે દેશને રમત ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉત્કંઠાનો ઓડકાર– શ્વેતકેતુ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
પ્રત્યેક જીવંત પ્રાણીમાત્ર માટે ક્ષુધા અને તૃષા એવી સ્થિતિ છે કે જેમાં તે આકુળવ્યાકુળ થઇ જાય.પણ વિદ્યાપ્રાપ્તિ માટે પણ આવી વ્યાકુળતા વિચારી શકાય ખરી? જી હા ,વેદ, ઉપનિષદ કાળમાં વિદ્યા માટે આવી જ વ્યાકુળતા જોવા મળે છે. આવા અનેક ઉત્કટ શિષ્યોના ઉદાહરણ બધાં જ ઉપનિષદોમાં મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુ એક અનેરા શિષ્ય તરીકે ઉપસી આવે છે.
ઋષિ આરુણિ પુત્ર શેતકેતુ પણ આવા જ ઉત્કંઠિત હતા. જો કે પ્રારંભમાં અલ્પ રુચી કે અન્ય સંજોગોનુસાર છેક 12 માં વર્ષે ગુરુકુળમાં ગયા. ગુરુકુળના.12 વર્ષ નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ચોવીસમાં વર્ષે પરત આવ્યા.આશાવાદી પિતાએ તેમને પ્રશ્ન કર્યો કે ,’શું તેં આચાર્ય પાસે પરબ્રહ્મનો ઉપદેશ મેળવી લીધો છે ? ‘ स ह द्वादशवर्ष उपेत्य चतुर्विꣳशतिवर्षः सर्वान्वेदानधीत्य महामना अनूचानमानी स्तब्ध | બાર વર્ષનો જ્ઞાનબોજ લઇ આવેલા શ્વેતકેતુએ ક્ષણિક ઘમંડનું આવરણ લઇ બેઠા અને નિરુત્તર રહ્યા.પિતા આરુણિ સમજી ગયા.તેમણે ધ્યાન દોર્યું . येनाश्रुतꣳ श्रुतं भवत्यमतं मतमविज्ञातं विज्ञातमिति ‘જેના દ્વારા અશ્રુત,શ્રુત બની જાય છે.તર્કવિદ્યામાં પારંગત થઇ જાય અને અવિજ્ઞાતરૂપ એ જ્ઞાત બની જાય – એ બધું પ્રાપ્ત કરીને તો આવ્યો છો ને ?’- પિતાના વેધક સવાલથી તેમની આંખો ખુલી.તરત નમ્રતાથી ઉત્તર વાળ્યો ,’ હે પિતાજી ,આપ જ મને સમજાવો.’कथं नु भगवः
તેમણે પુત્રને સવાલ કર્યો,’ વત્સ ,તું ‘એક’ વિષે કઈ જાણે છે ?’ શ્વેતકેતુ ઉત્તર આપતાં અટવાયા.તેમણે શીખેલાં તમામ શાસ્ત્રો માનસપટલ પર લાવીને ‘એક’ વિષે મનોમંથન કર્યું .પણ પરિણામ શૂન્ય .’ પિતાશ્રી,એવી કોઈ વાત છે જ નહિ.’ ઉત્તર આપ્યો.પણ આ તો જ્ઞાની પિતા હતા.એમણે ફરી સંવાદ આગળ ચાવ્યો,’ એમ કેમ બની શકે? તું આટલાં બધાં વર્ષ અનેક શાસ્ત્રો અને વિદ્યાનો અભ્યાસ કરી આવ્યો છે.અને સહુ તારી વિદ્યાના વખાણ પણ કરે છે તો પછી તને ‘એક ‘ વિષે ખબર ન હોય એ બની જ ન શકે.’ થોભીલા પડેલા શ્વેતકેતુએ ફરી ખુબ ખુબ મંથન કર્યું પણ ક્યાંયથી ઉત્તર ન મળ્યો.આખરે હારીને પિતાશ્રીના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું ,’ પિતાશ્રી ,મને ખબર પડી કે વિદ્યાભ્યાસમાં અપૂર્ણ છું. આપ જ મને સમજાવો કે ‘એક ‘ શું છે .છાતીસરસો ચાંપી મહર્ષિ આરુણિએ પુત્ર શ્વેતકેતુને ‘એક’ તે પરબ્રહ્મની ઉદાહરણ સહ વિસ્તૃત સમજ આપી. यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातꣳ स्याद्वाचारम्भणं विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम्. માટી,સોનુ કે લોખંડના અનેક અલંકાર કે ઉપકરણ હોય પણ આખરે તો તે પોતે જ તેનું સ્વરૂપ જ હોય.તેમ જગતની સૃષ્ટિના પ્રત્યેક કણમાં ‘ એક ‘ ઈશ્વર સમાયેલો છ.’
શ્વેતકેતુની પોતાની અપૂર્ણતા દૂર કરવાની અને વધુ જાણવાની ઉત્કંઠા હવે વધારે તીવ્ર બની ગઈ હતી.ગુરુ પિતા પાસે જાણવાની તે વધુને વધુ આકાંક્ષા કરતા ગયા.અને સંનિષ્ઠ ગુરુ પિતા, તેમને તૃપ્ત કરતા ગયા. आसीदेकमेवाद्वितीयम् ।तद्धैक आहुरसदेवेदमग्र आसीदेकमेवाद्वितीयं तस्मादसतः सज्जायत ॥ “ પ્રારંભમાં એક માત્ર અદ્વિતીય સત જ હતું.અને પછી એણે ( સત્ય એ ) સંકલ્પ કર્યો કે હું વિવિધ રૂપમાં ઉત્પન્ન થઇ જાઉં ‘-.એનાથી તેજ ,તેજથી જળ ,પછી અન્ન વગેરેની ઉત્પત્તિ થઇ. एव तदध्यन्नाद्यं जायते ।
સૃષ્ટિક્રમને સમજાવતાં પિતા આરુણિએ પુત્ર શ્વેતકેતુને આગળ કહ્યું કે, तेषां खल्वेषां भूतानां त्रीण्येव बीजानि
भवन्त्याण्डजं जीवजमुद्भिज्जमिति ॥ ‘ પ્રાણીમાત્રના ત્રણ જ બીજ હોય અંડજ ,જરાયુજ અને ઉદભીજ .ત્યારબાદ દેવતાઓ પોતાની પ્રચંડ શક્તિના માધ્યમથી ત્રણેય રૂપમાં તેજ,આપ ( પ્રાણી ) અને પૃથ્વી રૂપ થયા.દરેકમાં દેવતાઓ ત્રિવૃત થયા’ .तासां त्रिवृतं त्रिवृतमेकैकामकरोद्यथा तु खलु।
શ્વેતકેતુની જ્ઞાનપિપાષાની તીવ્રતા જોઈ મહર્ષિ આરુણિ પણ વિશેષ ગહન ઊંડાણમાં જઈ સમજાવવા લાગ્યા. ‘ (ત્રિવૃત ) દરેક સ્થળે થતા ત્રણભાગમાં વિભક્તને વિસ્તરતા ગયા.અગ્નિ, સૂર્ય ,ચંદ્ર,વિદ્યુત જેવા અનેકનું તેજ,પૃથ્વી તેજમાં થતું ત્રણ રંગનું વિભાજન સમજાવતા રહ્યા.
અન્ન, .જળ અને તેજનું વિભાજન વિશેષ રીતે બતાવતાં આરુણિ કહે છે ,’ ભોજનરૂપમાં લેવાતું અન્ન સ્થૂળ રૂપ મળ રૂપે,મધ્યમ રસ આદિ બની માંસ રૂપે ને અતિ સૂક્ષ્મ મન રૂપમાં પરિભૂત થાય છે. ,अन्नमशितं त्रेधा विधीयते तस्य यः स्थविष्ठो धातुस्तत्पुरीषं भवति यो मध्यमस्तन्माꣳसं योऽणिष्ठस्तन्मनः ॥ એ જ રીતે જળ ગ્રહણના ત્રણ ભાગ મૂત્ર,રક્ત અને છવટે અતિસૂક્ષ્મ ભાગ પ્રાણ બની જાય. योऽणिष्ठः स प्राणः ॥ જે તેજ ગ્રહણ કરવામાં આવે છે એ પણ ત્રણ ભાગમાં વિભાજીત થઇ હાડકાં રૂપમાં મજ્જા રૂપમાં અને અત્યંત સૂક્ષ્મ ભાગ વાણીના સ્વરૂપમાં પરિભૂત થાય છે.योऽणिष्ठः सा वाक् ॥ પુત્ર શ્વેતકેતુ વધારે સ્પષ્ટ થવા ઉદાહરણથી સમજાવવા વિનંતી કરે છે ઉત્તરમાં મહર્ષિ આરુણી એ આપેલું દૃષ્ટાંત સહુને શીરાની જેમ ગળે ઉતારે તેવું છે .’ દહીંને વલોવ્યા પછી એનો જે સૂક્ષ્મ ભાગ એકત્રિત થઇ ઉર્ધ્વ બની આવે તે ઘી ( શ્રેષ્ઠત્તમ ) રૂપમાં પરિભૂત થાય છે. दध्नः सोम्य मथ्यमानस्य योऽणिमा स उर्ध्वः समुदीषति तत्सर्पिर्भवति ॥
આટલી પરિતૃપ્તિ પછી પણ શ્વેતકેતુ ,પિતાશ્રીને ફરી ફરી સમજાવવાનું કહે છે કારણકે ‘પાકો પાઠ ‘ હોય તો જ સાચી સંકલ્પના સમજાય.આજના ગોખણીયા પદ્ધતિ તો કામચલાઉ સ્મૃતિ ટકાવે પણ આ રીતે પુનરાવર્તન જ ( જ્યાં સુધી મન ન સ્વીકારે ત્યાં સુધી ) શિક્ષણની અગત્યની વિભાવના છે.
શ્વેતકેતુની અતૃપ્તિની ગુરુને ખબર છે એટલે તેને માત્ર વ્યાખ્યાનથી જ પુરી તૃપ્તિ નહિ થાય. પુત્ર શિષ્ય તેના પોતાના પર જ પ્રયોગ કરીને-અનુભવ કરીને જ સંતોષ પામશે. તેમણે શ્વેતકેતુને આદેશ કર્યો,’षोडशकलः सोम्य पुरुषः पञ्चदशाहानि माशीः काममपः पिबापोमयः प्राणो नपिबतो विच्छेत्स्यत इति ॥ ‘ આ માણસ સોળ કળાથી યુક્ત છે. એટલા માટે તું પંદર દિવસ સુધી ભોજન ન લેતાં જળનું જ સેવન કર ,કારણકે પ્રાણ જળ સ્વરૂપ છે.તેથી માત્ર જળ સેવનથી એનો નાશ નહિ થાય.’ .પુરા પંદર દિવસના અન્ન ત્યાગ પછી ગુરુદેવ પાસે આવીને પૂછ્યું,’ હવે શું કરું ?’ इत्यृचः सोम्य यजूꣳषि सामानीति स होवाच न वै मा प्रतिभान्ति भो इति ॥ ‘હવે ઋક ,યજું અને સામ ના મંત્રોનું ઉચ્ચારણ કર ‘- પ્રયત્ન પછી નિરાશ શ્વેતકેતુ બોલ્યા ,’ પણ મારાં મનમાં તેની પ્રતીતિ થતી નથી.’
ગુરુદેવેએ અગ્નિનું ઉદાહરણ આપી સમજાવ્યું ,’ જ્ઞાનની નાનકડી અધુરાશ પણ પૂર્ણતાને અવરોધે છે. સોળ કળા માં તારી એક કળા બાકી રહી છે એટલે જ તું વેદ અધ્યયન ન કરી શક્યો.. હવે ભોજન ગ્રહણ કર ત્યારે જ સમજણ આવશે.’ वेदाननुभवस्यन्नमयꣳहि सोम्य मन आपोमयः प्राणस्तेजोमयी वागिति तद्धास्य विजज्ञाविति विजज्ञाविति ॥ ભોજન ગ્રહણ કર્યા ભેગું ,શ્વેતકેતુને ગુરુજીએ પૂછેલું તમામ સ્મરણ થઇ ગયું. यत्किंच पप्रच्छ
सर्वꣳह प्रतिपेदे ॥ અને આ રીતે પ્રતિપાદિત થતાં શ્વેતકેતુનો ચહેરો પ્રફ્ફુલિત થઇ ગયો. મહર્ષિ આરુણિએ પણ જ્ઞાનની પૂર્ણતાની દિશામાં ઉપસંહાર કરતાં કહ્યું કે ‘ આ રીતે થાય છે કે મન અન્નરૂપ છે,પ્રાણ જળ રૂપ છે અને વાણી તેજરૂપ છે.मन आपोमयः प्राणस्तेजोमयी वागिति तद्धास्य विजज्ञाविति विजज्ञाविति ॥
શિક્ષણના આદાનપ્રદાનથી પરસ્પર વિદ્યા અને જ્ઞાનનું વિસ્તરણ થાય અને સમાજને તેનો સીધો જ લાભ થાય.આ વાત તે સમયના રાજાઓ પણ સમજતા અને એટલે તેઓ વખતો વખત વિદ્વાનોને બોલાવી મુક્ત ચર્ચાઓ ગોઠવતા. પંચાલ દેશના રાજા પ્રવાહણ પોતે પણ ખુબ જ્ઞાની હતા.અને તેઓ પણ વારંવાર આવી ધર્મસભાઓ ગોઠવતા..એવી જ એક સભામાં આરુણિ પુત્ર શ્વેતકેતુ પહોંચી ગયા.તેમની જ્ઞાન પિપાસા હજી અધૂરી જ હતી. .વિદ્વાનોની પરસ્પર ચર્ચાઓ ચાલી. રાજા પ્રવાહણએ પ્રથમ જ વખત આવેલા શ્વેતકેતુનું આદરથી સ્વાગત કરીને એમની સામે જ મનુષ્યની પૃથ્વીલોક પછીની ગતિ વિષે પાંચ અલગ અલગ પ્રશ્નો મુક્યા वेत्थ यदितोऽधि प्रजाः प्रयन्तीति न भगव इति वेत्थ यथा पुनरावर्तन्त३ इति न भगव इति वेत्थ पथोर्देवयानस्य पितृयाणस्य च व्यावर्तना३ इति न भगव इति ॥ .શ્વેતકેતુ અવાક બની ગયા. માથું ખંજવાળ્યું.ગુરુકુળ અને પિતાશ્રી પાસે લીધેલાં જ્ઞાનમાં આ વિષે ક્યાંય ચર્ચા આવી નથી કે પછી પોતાનો સ્મૃતિદોષ છે ?
તેઓ અનુત્તર, પાછા વળ્યા. ઘેર આવી એ જ પાંચ પ્રશ્નો પિતાશ્રીને પૂછ્યા.પોતાની જ્ઞાનની મર્યાદાઓ અને સહજ સ્વીકાર એ શિક્ષણની મહત્ત્વની વિભાવના છે.ગંભીર છતાં સ્વસ્થ ચહેરે મહર્ષિ આરુણિએ ઉત્તર આપ્યો, ‘ બેટા ,રાજા પ્રવાહણ સાચા અર્થમાં જ્ઞાની છે पञ्च मा राजन्यबन्धुः प्रश्नानप्राक्षीत्तेषां नैकंचनाशकं विवक्तुमिति स होवाच यथा मा त्वं तदैतानवदो यथाहमेषां नैकंचन वेद यद्यहमिमानवेदिष्यं कथं ते नावक्ष्यमिति ॥ .ચાલ આપણે બે ય તેની પાસે જઈએ અને આપણી આધુરાશ પૂર્ણ કરીએ.’ યોગ્ય સત્કાર કરી ને રાજા પ્રવાહણએ બંનેને વિસ્તૃત જ્ઞાન આપીને સંતુષ્ટ કર્યા.
એક તરફ વિદ્યા ઉત્કંઠાની ટોચ વાળા શિષ્ય શ્વેતકેતુ અને બીજી તરફ તેની શક્ય તેટલી જ્ઞાનપિપાસાને પૂર્ણ કરવાની સંનિષ્ઠતા વાળા મહર્ષિ આરુણિ એક તરફ ઉત્ક્ટતાંની બેઠકે બેસી શકનારો ઉત્તમ પુત્ર અને બીજી તરફ ધીરજના આસને બેસીને જ્ઞાન પીરસનારા ઉત્તમ પિતા .બંનેનો આવો સુભગ સમન્વય તો ભાગ્યેજ મળે.વેદકાલીન ભારતમાં જ એ શક્ય બને.
શ્રી દિનેશ માંકડનું સંપર્ક ઈ-મેલ સરનામું :- mankaddinesh1952@gmail.com
-
દિવાળીની બોણી…
વજુ કોટક
આ વખતે તો આપણે નક્કી જ કરેલું કે બેસતું વર્ષ કોઈ પણ જાતના ભપકા વિના ઊજવવું છે. કારણ કે દેશની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, સારયે દેશમાં દિવાળીને બદલે હોળી સળગી રહી છે અને ચારેબાજુથી રોજ ખરાબ સમાચારો આવતા રહે છે. મારા મિત્રોને પણ આ વાત પસંદ પડી અને અમે લોકોએ જાહેર કરી દીધું કે કોઈ પણ જાતનો વધારે પડતા આનંદ આ વખતે પ્રગટ કરવામાં નહીં આવે. મેં તો મનમાંથી નવા વર્ષની વાત જ કાઢી નાખી. દર વર્ષે આઠ દિવસ પહેલાં હું ધોબીને કપડાં આપી દેતો કે જેથી બેસતા વર્ષને દિવસે કામ લાગે.
પણ આ વખતે તો મને યાદ જ ન આવ્યું. આમ નવા વર્ષના આગમનની વાત મારા મનમાંથી ભૂંસાઈ ગઈ.
એક દિવસ રોજના નિયમ પ્રમાણે ઑફિસમાં પગ મૂક્યો કે તરત જ બહાર ઊભેલા દરવાને ખૂબ જ ઠસ્સાથી મને સલામી કરી, હું રોજ આવું છું ત્યારે એ મને સલામ નથી ભરતો પણ આજે જાણે કોઈ મોટા લશ્કરી અમલદારને સલામ કરતો હોય એવી રીતે તેણે મને સલામ કરી અને મને ખૂબ નવાઈ લાગી. પહેલાં તો મને એમ જ લાગ્યું કે મારી આસપાસ કોઈ માણસને સલામ કરતો હશે. પણ એમ ન હતું. એની લશ્કરી સલામ ઝીલવા માટે હું એકલો જ હતો. કોઈ આપણને સલામ કરે, નમસ્તે કરે, ત્યારે આપણું મહત્ત્વ બે પળ માટે વધી જાય છે એમ આ અનુભવ ઉપરથી મને લાગ્યું. મેં પણ એને સલામ કરી.
ઑફિસમાં દાખલ થયો કે મારો આળસુમાં આળસુ પટાવાળો ટટ્ટાર ઊભો થઈ ગયો અને મને સલામ કરી. મને થયું કે આ માણસે કંઈ ટોનિક લીધું હશે કારણ કે આજકાલ તો રસ્તે ચાલતા ભિક્ષુકો પણ તાકાતની જાતજાતની દવાઓનાં નામ જાણતા હોય છે. ટેબલ ઉપર બેઠો કે બીજો નોકર વગર માગ્યે પાણીનો ગ્લાસ મૂકી ગયો અને સલામ કરીને ચાલતો થયો. મારા જેવા મામૂલી માણસને આ દુનિયામાં કોઈ સલામ ન કરે અને આજે એક પછી એક સલામ મળે એ જાણીને મારું મન મૂંઝવા લાગ્યું. મને થયું કે કાં તો મારા ચહેરા ઉપર એક જાતનું અદ્ભુત તેજ ખીલી ઊઠ્યું હોવું જોઈએ કે જેથી આ લોકો મને જોઈને અંજાઈ જાય છે અને તરત જ સલામ કરી બેસે છે. બાજુના ટેબલ પર કામ કરતા કૃપાશંકરને મેં પૂછ્યું, ‘મારો કંઈ પગાર તો નથી વધી ગયો ને?’
‘ના, તું પગાર વધવાની વાત કરે છે? શરમ નથી આવતી? આ વર્ષે તો શેઠ કોઈ પણ જાતનું બોનસ પણ નથી આપવાના.’
‘કેમ?’
‘યાર, ગઈ પૂના સિઝનમાં શેઠસાહેબે એના ઘોડા ઉપર બે કે ત્રણ લાખ રૂપિયા ગુમાવી દીધા.’
મેં કહ્યું, ‘ત્યારે શું આપણે ગધેડા છીએ? આપણી પાછળ થોડા પૈસા ખરચતાં એમને તાવ આવે છે?’
‘જો ભાઈ, શેઠિયાની જાત જ એવી છે.
આડેઅવળે માર્ગે નુકસાન કરી આવે અને કામ પડે આપણા ખિસ્સા ઉપર. બોનસ માગવું પણ કેવી રીતે?’
મને થયું કે રેસની સિઝન ખરી રીતે દિવાળી પછી જ રાખવી જોઈએ. બન્ને પક્ષને ફાયદો: નોકર પણ રમી શકે અને શેઠ પણ ખેલી શકે. મેં કહ્યું: ‘તો પછી દોસ્ત, આજે બધા મને બહુ જ માનપૂર્વક સલામ ભરે છે એનું શું કારણ? તને મારા ચહેરા ઉપર કોઈ જાતનું દિવ્ય તેજ દેખાય છે? હમણાં હમણાં ગાયત્રીનો જાપ કરું છું અને તેથી કદાચ ફૂટી નીકળ્યું હોય!’
કૃપાશંકર મારા ચહેરા ઉપર તેજ શોધવા લાગ્યો અને પછી કહ્યું: ‘તારો ચહેરો હતો એના કરતાં પણ આજકાલ વધુ કાળો લાગે છે.’
‘કપાળ તારું, તને જીવનમાં ઊજળી વાત દેખાતી જ નથી. મને લાગે છે કે તારા ચશ્માંનો નંબર જરા વધી ગયો હોવો જોઈએ.’
કૃપાશંકરને પડતો મૂકીને મેં મારું કામ શરૂ કર્યું પણ જેવું થોડું લખું છું કે તરત જ ત્રીજો પટાવાળો ટેબલ ઉપર પાન મૂકી ગયો અને સલામ કરતોક ચાલ્યો ગયો. આમ તો ત્રણ વખત બૂમ પાડું ત્યારે એક વાર પટાવાળો હાજર થાય અને આજે વગર હુકમે પાન આવ્યું. હવે મને લાગવા માંડ્યું કે મારા ચહેરા ઉપર પ્રકાશ પથરાયો લાગે છે. ચિત્રમાં જેમ સંત પુરુષોની આસપાસ આવું વર્તુળ હોવું જોઈએ એમ લાગ્યું.
અરીસામાં ચહેરો જોવાનો નિશ્ર્ચય કર્યો, પણ ઑફિસમાં ક્યાંય અરીસો ન હતો.
ઑફિસની બાજુમાં એક રેસ્ટોરાં છે ત્યાં હું અરીસામાં મારું મુખ જોવા માટે ગયો. દાખલ થયો કે હોટેલના છોકરાએ મને સલામ ભરી. હવે તો મને ખાત્રી થઈ ગઈ કે કંઈ ક્રાંતિ થઈ છે. અરીસા સામે હું રૂઆબથી ઊભો રહ્યો, ઝીણવટથી મારા મુખને તપાસતો હતો ત્યાં મેં અરીસામાં બીજાનું મુખ નિહાળ્યું, ભારે રૂપાળું! સામેના મકાનમાં વરંડામાં એક છોકરી ઊભી હતી અને મને તે અરીસામાં નિહાળી રહી હતી. એ જોઈને મને ખાત્રી થઈ કે ચહેરા ઉપર તેજ આવી ગયું છે. પછી ભલે તે મને ન દેખાય.
પછી તો ચા પીતી વખતે વારંવાર મારું ધ્યાન પેલા મકાન તરફ ખેંચાઈ જતું હતું. છોકરી ત્યાં જ ઊભી હતી. હોટેલમાં મળતી પાવડરની ચા મને ભાવતી ન હતી. તે આજે મને વધુ સારી લાગી. હવે તો હું એકીટશે છોકરીના મુખના સૌંદર્યનું પાન કરવા લાગ્યો. ચા ક્યારે ખલાસ થઈ ગઈ એનો ખ્યાલ પણ ન રહ્યો. મારું મન કલ્પનાના રેશમી દોર સાથે પતંગ બનીને ડોલવા લાગ્યું.
આમ થોડો વખત ચાલ્યું. અને છોકરી અંદર ચાલી ગઈ. મને આ ન ગમ્યું. છોકરીની જગ્યાએ કોઈ છોકરો આવ્યો અને તે મને જોવા લાગ્યા. આમાં કઈ આપણને રસ ન પડ્યો, એટલે હું તો ઊઠીને ચાલતો થયો.
જેવો હું ઑફિસ પાસે આવું છું ત્યાં પેલો જુવાન મારી પાસે આવ્યો. એની આંખમાં આગ સળગતી હતી, તેણે ખાદીનાં કપડાં પહેર્યો હતાં અને હાથમાં એક સ્લૅટ હતી, તેણે મને તે સ્લૅટ ગુસ્સામાં આપી અને બીજી બાજુ ઈશારાથી વાંચવાનું કહ્યું: એમાં લખ્યું હતું કે: ‘હરામખોર નંબર વન! તું રોજ હોટેલમાં આ વખતે આવે છે અને મારી બહેન સામે હસ્યા કરે છે. તને શરમ નથી આવતી?’
આ વાંચીને હું તો ગભરાયો અને કલ્પી લીધેલું મારા મુખની આસપાસનું પેલા તેજનું કુંડાળું અદ્રશ્ય થઈ ગયું હોય એમ મને લાગ્યું. મેં માની લીધું આ માણસ જરૂર બહેરો હોવો જોઈએ. જોઈ રહ્યો પણ ત્યાં તો તેણે મારા હાથમાંથી સ્લૅટ ખૂંચવી લીધી અને એમાં લખ્યું કે: ‘હું બહેરો નથી, આજે સોમવાર હોવાથી મેં મૌન પાળ્યું છે.’
‘વાહ, આ મહાત્માજીનો અજબ ભક્ત નીકળી પડ્યો!’ મેં કહ્યું: ‘જનાબ, તમારી બહેન મારી સામે જોતી હતી એટલે હું પણ એની સામે જોતો હતો. કોઈનો સામે જોવામાં શું નુકસાન છે? આંખો હોય તો જોઈએ પણ ખરા. તમારી બહેન રૂપાળી હોય તેથી શું અમારે આંખે પાટા બાંધીને ફરવું?’
પણ મારું વાક્ય પૂરું થયું કે આ મુનિ મહારાજે કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના મને એક તમાચો ચોડી દીધો અને પાટીમાં લખ્યું: ‘ચૂપ! વધુ બોલ્યો તો મુઓ સમજજે.’
મેં જોઈ લીધું કે આ મુનિ મહારાજની કાયા વર્ધાના આખલા જેવી છે એટલે આ બાબતમાં મૌન રાખવું વધારે સારું છે. વધુ બોલીશ તો દીપડાની જેમ આ ચોંટી પડશે અને દવા ખાઈને ટકાવી રાખેલા મારા શરીરની હવા કાઢી નાખશે. મેં એના હાથમાંથી પાટી ખૂંચવી લીધી અને એમાં લખ્યું કે: ‘નામદાર, હું અહિંસામાં માનું છું. એટલે તમારા ઉપર હાથ ઉગામી શકતો નથી. જેમ તેમ મૌનવ્રત પાળો છો તેમ હું અહિંસાનું વ્રત પાળું છું. જો આમ ન હોત તો આજે તમારું ખૂન કરી નાખત. તમારી બહેન એ મારી બહેન છે. પ્રભુ આપણી બહેનને સદ્દબુદ્ધિ આપે.’
મુનિ મહારાજ આ વાંચવામાં રોકાયા અને હું એકદમ ઑફિસ તરફ ચાલ્યો ગયો. કબૂલ કરવું જોઈએ કે મારો ગાલ બહુ બળતો હતો. ઑફિસમાં આવ્યો કે બહાર બેઠેલો પટાવાળો ઊભો થયો અને સલામ ભરી. વાહ તમાચો ખાધા પછી પણ આપણું વ્યક્તિત્વ જરા પણ ઘટ્યું નથી એ જાણી મને આનંદ થયો.
મને જોઈને કૃપાશંકર બોલી ઊઠ્યો, ‘તારું મોઢું લાલ કેમ લાગે છે?’
‘હું તો તને પહેલેથી જ કહું છું કે મારા ચહેરા ઉપર તેજ આવ્યું છે પણ તને દેખાતું નથી. આ તેજને લીધે બધા સલામો કરે છે.’
‘હવે રાખ, વેવલો થા મા. મને હમણાં જ ખબર પડી ગઈ કે શા માટે બધા સલામો કરે છે.’
‘શા માટે?’
‘આ દિવાળી પાસે આવે છે એટલે આ લોકો પંદર દિવસ અગાઉથી જ સલામો ભરવી શરૂ કરે છે, કારણ કે બેસતા વર્ષને દિવસે એમને બોણી મળે.’
આ વાત મને ગળી ઊતરી ગઈ અને મારા મગજમાંથી તેજનું ભૂત નીકળી ગયું: કૃપાશંકરે ફરી કહ્યું: ‘તું અહીં બેસજે, હું જરા બહાર હોટેલમાં ચા પી આવું.’ છેલ્લા પંદર દિવસથી કૃપાશંકર રોજ ચા ટાઈમે પીવા નીકળી જતો. મેં પૂછ્યું:
‘તું પણ વિચિત્ર છે. પહેલાં ત્રણ વાગે ચા પીવા જતો અને હવે એક વાગે જાય છે. આ તે કંઈ ચાનો વખત છે?’
કૃપાશંકર આ પ્રશ્ર્ન સાંભળીને જરા રંગમાં આવી ગયો અને મને ધીમેથી કહ્યું: ‘કોઈને ન કહેતો એક વાત કહું.’
‘તારા સમ કોઈને નહીં કહું.’
‘તો પછી સાંભળ, ચા પીવાનું તો બહાનું છે. હું તો એક નયનનું અમૃત પીઉં છું.’
વાતમાં રસ પડ્યો એટલે મને જરા વિગત જાણવાનું મન થયું. મેં પૂછ્યું: ‘મને કંઈ સમજાતું નથી. તું શું કહેવા માગે છે?’
‘વાત એમ છે કે રોજ આ વખતે હું હોટેલમાં બેસું છું કે સામેના મકાનના વરંડામાં એક છોકરી આવીને ઊભી રહે છે અને અમારીં તારામૈત્રક રચાય છે. ઈશારાથી અમે ઘણી વાતો કરીએ છીએ.’
કૃપાશંકર તાનમાં આવી ગયો હતો પણ મને તરત જ પડેલા તમાચાનું ભાન થયું. પેલા મુનિ મહારાજે મને ભૂલથી માર્યો એમ મને લાગ્યું. વાતનો તાળો મળી ગયો. કૃપાશંકરને બનાવતા કહ્યું: ‘હું આ વાત જાણું છું. મને હમણાં જ ખબર પડી ગઈ છે.’
‘તને કોણે કહ્યું?’
મેં જવાબ આપ્યો, ‘સાંભળ, હું તને ખુશખબર આપું. હું ઑફિસમાં આવતો હતો ત્યાં જ દરવાજામાં એ છોકરી મને મળી અને તેણે કહ્યું કે તમારી ઑફિસમાંથી પેલા કૃપાશંકરભાઈને મારે ઘેર મોકલજો. હું બારીમાં રાહ નહીં જોઉં. બોલ દોસ્ત તું પણ નસીબદાર છો.’
આ સાંભળીને કૃપાશંકરને બહુ નવાઈ લાગી. તેણે મને પૂછ્યું: ‘સાચું કહે છે? એને મારા નામની ક્યાંથી ખબર પડી?’
‘આંખો વાત કરતાં શીખી જાય પછી નામ શોધતાં કેટલી વાર? આપણા કોઈ પટાવાળાને ખાનગીમાં પૂછી લીધું હશે.’
‘પણ એને ઘેર કેમ જવાય?’
મેં કહ્યું: ‘છોકરી જ્યારે ઘેર બોલાવે ત્યારે છોકરાએ સમજી લેવું જોઈએ કે તેણે બોલાવવા જેવું હશે ત્યારે જ બોલાવ્યો હશે. વરંડામાં ઊભા રહીને તને બોલાવે તો કોઈ જોઈ જાય એટલે તો તેણે મારી સાથે કહેવરાવ્યું.’
કૃપાશંકર ગેલમાં આવી ગયો. તેણે મને કહ્યું: ‘ભારે હિંમતબાજ છોકરી લાગે છે.’
‘મારી તો એ સલાહ છે કે આવી તક જવા દેતો નહીં.’
મારા શબ્દો પૂરા ન થાય ત્યાં તો કૃપાશંકર પાટલૂનના ખિસ્મામાં હાથ નાખીને, મોઢેથી સીટી બજાવતો ચાલ્યો ગયો.
બીજે દિવસે પણ સલામોની પરંપરા ચાલુ રહી અને મારા મનમાં ફાળ પડી કે શેઠ બોનસ આપવાના નથી અને આ બોણી આ વખતે વધુ પ્રમાણમાં દેવી પડશે. એકાદ મહિનાનો પગાર બોણીમાં જ સાફ થઈ જશે એવું લાગવા માંડ્યું. બીજું તો કંઈ નહીં પણ આજે કૃપાશંકર ઑફિસમાં આવ્યો ન હતો. મને થયું કે જરૂર પેલી છોકરી સાથે નાસી ગયો હોવો જોઈએ, પણ હું કોઈના અંગત જીવનની બહુ પરવા કરતો નથી એટલે મેં કૃપાશંકર વિશે કોઈને કંઈ પૂછ્યું નહીં.
થોડા દિવસ પછી બેસતું વર્ષ આવી પહોંચ્યું અને જે લોકો મને સલામ ભરતા હતા તે એક પછી એક આવવા લાગ્યા. પોસ્ટમૅને આવ્યો, મેં એને એક રૂપિયો આપ્યો. અર્ધા કલાક પછી બીજા પોસ્ટમૅન આવ્યો. મેં કહ્યું:
‘હમણાં જ એક જણ લઈ ગયો છે!’
તેણે કહ્યું: ‘સાહેબ, એ સવારની ટપાલ આપે છે: હું બપોરની આપું છું.’
આમ તે પણ એક રૂપિયો લઈ ગયો. ફરી ત્રીજો પોસ્ટમૅન આવ્યો અને સાંજની ટપાલ મને આપે છે એમ કહીને એક રૂપિયો લઈ ગયો. ઑફિસના પટાવાળા આવી ગયા, દરવાનો આવી ગયા. હોટેલના છોકરા આવી ગયા, મારા એક મિત્રનો રસોયો આવી ગયો અને આપણા ખિસ્સાનો ભાર હલકો થવા લાગ્યો. રહી રહીને એક માણસ આવ્યો અને તેણે જણાવ્યું કે પોતે તારવાળો છે. મેં કહ્યું: ‘મારા ઉપર કોઈના તાર આવતા નથી.’
તે બોલ્યો, ‘કેમ સાહેબ, આઠ મહિના પહેલાં તમને એક તાર આપી ગયો હતો. જેવો ઑફિસમાં આવ્યો કે મેં તમને તરત જ પહોંચાડ્યો, બીજા હોય તો ત્રણ કલાક મોડું કરે?’
મને યાદ આવ્યું કે મારા દૂરના એક કાકા ચણા-મમરા ખાતાં ખાતાં હૃદય બંધ પડવાથી મરી ગયેલા એનો એ તાર હતો! તારવાળાને પણ રૂપિયો આપવો પડ્યો, ખરેખર હું કંટાળી ગયો, બપોરના ત્રણેક વાગે સારાં કપડાંમાં એક બાઈ આવી ઊભી રહી, રૂપરૂપના અંબાર જેવી અને જોતાં એમ જ લાગે કે ચારેબાજુ રોશની પથરાઈ રહી છે.
હું રહ્યો એકલો માણસ, કોઈ સ્ત્રી આપણને મળવા આવે નહીં અને આજે આ સ્ત્રીને જોઈને મને ખૂબ નવાઈ લાગી. તે બોલી: ‘ભાઈ, સાલ મુબારક.’
કેવા મીઠા શબ્દો! મેં કહ્યું: ‘આવો બહેન અંદર આવો.’
અને વગર સંકોચે તે અંદર આવી. મેં તો દિવાળી ઊજવી ન હતી એટલે ઘરમાં કંઈ મીઠાઈ તો હતી નહીં પણ આવી વ્યક્તિ ઘર આંગણે આવે અને મીઠાઈ ન હોય તે સારું નહીં, એ વિચારે હું મૂંઝાયો. બાજુમાં રતનબહેન રહેતાં હતાં એને ત્યાંથી મીઠાઈ લઈ આવ્યો અને બહેનને આપી. મીઠાઈ લેતાં જ કહ્યું:
‘ભાઈ, તમે બહુ સારા માણસ લાગો છો. ગાંધીના માણસ છો નહીં?’
મેં કહ્યું ‘હા, વખત પડે અહિંસામાં માનું છું.’
આવી રૂપાળી સ્ત્રી મારાં વખાણ કરે છે એ જાણીને મને આનંદ થયો. મીઠાઈ પૂરી કર્યા પછી તે બોલી: ‘ઠીક ત્યારે, હવે અમને કંઈ બોણી આપો.’
બોણી! આવું રૂપ અને બોણી! હું ચમક્યો. મને થયું કે કંઈ બોલવામાં એની ભૂલ થઈ હશે. મેં પૂછ્યું: ‘તમે શું કહ્યું?’
‘મેં દિવાળીની બોણી માગી.’
હું એના સામે જોઈ જ રહ્યો. તે બોલી: ‘તમે મને ઓળખી નથી લાગતી, હું તમારા માળાની રોજ ગટર સાફ કરું છું. આખો માળો મને રંભલી રંભલી કહે છે. માળાના બધા પુરુષો મને સારી રીતે ઓળખે છે. આજે તો બધાએ બોણી આપી છે.’
આ સાંભળીને મારા તો મોતિયા મરી ગયા! કોઈ જોશે તો શું માનશે, એ વિચારે મને કપાળે પરસેવો આવી ગયો અને તરત જ ખિસ્સામાંથી છેલ્લા પાંચ રૂપિયા કાઢ્યા અને રંભલીના હાથમાં મૂકતાં કહ્યું: ‘લે બાઈ લે તું જલદી જા. મારે ઘણું કામ છે.’
રંભલી રાજી રાજી થઈ ગઈ અને આખા માળામાં કહેતી ગઈ કે મેં તેને ઘરમાં બોલાવીને બોણી આપી અને હું બહુ જ સારો માણસ છું. બાજુમાં રહેતાં રતનબહેન આવ્યાં અને મને ઉધડો લેતા કહ્યું: ‘ભલા માણસ હવે લગન કરી લો તો સારું, ઝાડુવાળીને ઘરમાં બોલાવીને બોણી આપી અને મારે ત્યાંથી એને માટે ખાસ મીઠાઈ લઈ ગયા. તમે પુરુષો તો બસ રૂપ જોયું કે લપસ્યા! નથી કોઈની નાતજાત પૂછતો કે નથી તમારી ખાનદાની તરફ જોતા.’
મેં કહ્યું, પણ રતનબહેન, મને ખબર જ નહીં કે આ બાઈ આપણી ગટર સાફ કરતી હશે.’
રતનબહેન બોલ્યાં, ‘લો હવે રાખો, એ આવે છે ત્યારે તો માળાના પુરુષો વરંડામાં ખાસ દાતણ કરવા ઊભા રહે છે. હલકી જાત અને પાછું રૂપ!’
હલકા વર્ણમાં રૂપ હોવું એ કેમ જાણે પાપ હોય એવી રીતે રતનબહેન બોલ્યાં. મને કંઈ અચાનક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠ્યો: ‘અરે હા, હવે મને યાદ આવ્યું કે મેં રંભલીને ક્યાં જોઈ હતી! રંભલી સાથે જ મારા ભાઈને એક દિવસ સિનેમામાં રાત્રે છેલ્લા ખેલમાં જોયા હતા.’
શું કહો છો! રતનબહેન તાડૂકી ઊઠ્યાં અને પછી મને ભાન થયું કે આવું બોલીને મેં ભાંગરો વાટી નાખ્યો છે. રતનબહેન ધુંવાંફુંવાં થતાં ચાલ્યાં ગયાં, પાંચ મિનિટ પછી મેં એમના ઘરમાં ઠામવાસણ પડવાના કર્કશ અવાજો સાંભળ્યા. રતનબહેનના પતિના શબ્દો સંભળાતા હતા કે: ‘હવે તો તું મૂગી મર, આવું તારા મગજમાં કોણે ભૂત ભરાવ્યું?’‘આટલા દિવસ હું મૂગી મરી જ રહી છું. હવે મને ખબર પડી કે દાતણ કરતાં તમને કેમ વાર લાગે છે, હવે મને ખબર પડી કે શા માટે તમે મને સાથે સિનેમામાં નથી લઈ જતા. તમને લોકોને પારકાં બૈરાં જ ગમે.’
આમ પતિ-પત્ની વચ્ચે મહાભારત જામી પડેલું અને આવું સત્ય ઉચ્ચારી નાખવા માટે મને પશ્ર્ચાતાપ થવા લાગ્યો. કોઈના સંસારમાં મેં ભૂલથી આગ લગાડી દીધી અને હવે મારું હૃદય દાઝવા લાગ્યું, હું ઘરની બહાર નીકળી ગયો. નીચે જ અમારા માળાના હરિરામ ભટ્ટ મને મળ્યા. સનાતન ધર્મ એમને લીધે જ ટકી રહ્યો છે એવો ફાંકો રાખનારા હરિરામભાઈ મને જોઈને બોલ્યા: ‘વાહ, તમે તો હરિરજનોનો ઉદ્ધાર કરી નાખ્યો!’
હું પામી ગયો. કે સનાતન ધર્મ મને શું કહેવા માગતો હતો. મેં કંઈ જવાબ ન આપ્યો. પાછળથી મારે કાને એમના શબ્દો પડ્યા કે: ‘આવા ને આવા પાપી પુરુષોના ભારથી પૃથ્વી રસાતાળ જવાની છે.’
રસ્તા ઉપર હું ચાલ્યો જતો હતો ત્યાં પાછળથી અવાજ સાંભળ્યો: ‘ભાઈ સાલ મુબારક!’
મને થયું કે જો પાછું વાળીને જોઈશ તો વળી કોઈને બોણી દેવી પડશે એટલે મેં તો ઉતાવળે પગે ચાલવા માંડ્યું. ફરી એ જ શબ્દો મારે કાને અથડાયા, અવાજ પરિચિત લાગ્યો એટલે મેં પાછળ જોયું. એ હતો કૃપાશંકર! હાથે પાટા બાંધ્યા હતા. એની પાસે જઈને મેં પૂછ્યું: ‘એલા આટલા દિવસ સુધી ક્યાં મર્યો હતો?’
દયામણું મોઢું કરીને તે બોલ્યો, ‘યાર, તેં પણ મારો ઘડોલાડવો કરી નાખ્યો. તને બીજું કોઈ હાથમાં ન આવ્યું? એવો માર પડ્યો, કે આજ દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું.’
હું હકીકત સમજી ગયો. મેં કહ્યું: ‘કેમ તું તો રોજ નયનામૃતનું પાન કરતો હતો ને?’
‘હા, દૂરથી એ અમૃત જેવું લાગતું પણ પાસે ગયો એટલી લાઠી-અમૃત મળ્યું, આ બધો તારો પ્રતાપ છે.’
મે ફિલસૂફ બનીને કહ્યું, ‘જો દોસ્ત, જ્યાં સુધી જીવનમાં નયનોની રમત ચાલે છે ત્યાં સુધી જ ખરી મજા છે. પાસે જતાં બધું લાકડા જેવું જ છે.’
(સૌજન્ય : ચિત્રલેખા)
-
એક ટાલિયાની ટાલકથા
વ્યંગ્ય કવન
ડો.શ્યામલ મુનશી
ટાલિયાની વાત કરું તમને હું સાંભળજો કાન ખોલી વાળવાળા લોકો,
ટાલ એ તો પડવાની ઘટના છે, ભાઈ એને કેમ કરી કઈ રીતે રોકો?એક વખત એવો ઉગ્યો’તો કે માથા પર જંગલ પથરાયુ’તુ વાળનું
ઝુલ્ફાની ઝાડીમાં ક્યાંયે નિશાન ન્હોતુ એના બે કાન કે કપાળનુંટાલિયાને વાળ સાથે જબ્બરની પ્રિત હતી- કાંસકાને ખિસ્સામાં રાખતો
શેમ્પુ ને ડ્રાયર ને કાતરની સાથ આખો દિવસ અરીસામાં ગાળતોચોળતો એ વાળને કંઈ કેટલીયે વાર અને હળવેથી ગૂંચને નિકાળતો
ઓળતો એ વાળ કંઈ કેટલીયે વાર જુદી જુદી રીતે વાળને એ વાળતોટાલિયાને વાળ વિના ચાલે નહી, અરે, એક એક વાળને એ સાચવે
રોજ રોજ વાળ સાથે ઊગતા ને પાંગરતા જુવાનીકાળને એ સાચવેટાલિયાના વાળ ઉપર મોહી પડેલો હાથ નમણો, રૂપાળો, મુલાયમ
ટાલિયાને એમ થતું વાળ માટે હાથ અને હાથ માટે વાળ રહે કાયમપણ એક દિવસ એવીયે ઘટના બની કે એક નાની તિરાડ પડી વાળમાં
ટાલિયાને સહેજ એમ લાગ્યું ફસાયો હું આખરે આ કાળ કેરી જાળમાંગમે તે કારણથી ટાલ થતી રોકવાને ટાલિયાને અજમાવ્યા તુક્કા
એક પછી એક વાળ ખરવા લાગ્યા ને બધી આશાના થૈ ગયા ભુક્કાટાલિયો વિચારે કે વિગ જો હું પહેરું તો માથા પર વાળ જેવું લાગે
પણ શેમ્પુ ને ડ્રાયર ને કાતર ને હાથ પેલો અસલનાં વાળ પેલા માંગેરોજ રોજ ટાલ પછી વધતી ચાલી ને એવી ફેલાઈ ચાર તરફ વાળમાં
કાળુ ભરાવદાર વાળકેરુ જંગલ ને ફરી ગયું લિસ્સા એક ઢાળમાંએક દિવસ વાળકેરી માયામાં મોહેલો ફૂટડો જવાન એક બાંકો
કાળકેરો હાથ એમ ફર્યો જોતજોતામાં બની ગયો ટાલવાળો કાકો!કોઈ કહે દરિયામાં ટાપુ દેખાયો ને કોઈ કહે ચાંદ ઊગ્યો આભમાં
ટાલિયો વિચારે કે ટાલ સાથે વર્ષોની કીધી પડોજણ શું લાભમાં?ટાલિયો વિચારે કે શું છે આ વાળ? અને શું છે થવું વાળ ઉપર વ્હાલ?
શું છે એક હાથનું આ વાળમાં ગુંથાવુ? ને શું છે આ ચકમકતી ટાલ?ટાલિયાને સમજાયું, વાળ છે ભૂતકાળ ને ટાલ એ હકીકતમાં કાલ છે.
વાળ સાથે રાખી’તી જબ્બરની પ્રિત, હવે એની આ આજે બબાલ છે.ટાલિયાની વાત કરી તમને મેં એટલે એક નક્કર હકીકતને જાણવા,
પડવાની ટાલ એવું ભૂલી જઈને પછી વાળ ઉગ્યા એને બસ માણવા.સૂરજની સાથે છે જીવવાનું ભાઈ, આજ જાવાની આવવાની કાલ,
દિવસની સાથ સાથ ઉગવાનાં વાળ અને સાંજ પડે પડવાની ટાલ,સાંજ પડે બાંકડા પર બેસીને જોવાની વાળ સાથે ફરતી સૌ આજને.
ટાલ ઉપર યાદોની ટોપીઓ પહેરીને કરવી પસાર પછી સાંજને.વ્યંગકાવ્ય – સૌજન્ય : લયસ્તરો
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com -
મનનો માણીગર
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સુધા,
એક સાધારણ, સાંવલી સૂરત ધરાવતી, બેહદ શાંત અને શર્મિલી ઘરેલુ યુવતિ હતી. એની આંખોમાં સતત ઉદાસીની છાયા ડોકાતી. હા, ભણવામાં હોશિયાર, રસોઈ, સીવણકલાબધી જ આવડત પણ દેખાવમાં સાવ મામૂલી છોકરી. એનામાં એવી કોઈ ખૂબી નહોતી જેનાથી કોઈ સાધારણ યુવકને પણ એના માટે આકર્ષણ થાય.
એ નાનપણથી જ એવી હતી. એ એકલી એકલી એની ઢીંગલીઓ જોડે વાતો કર્યા કરતી કે ઘર ઘરની રમત રમ્યા કરતી. એ ઢીંગલીઓ જ તો એની સખીઓ હતી. કોઈ આવીને એનું માટીનું ઘર બગાડે તો શાંતિથી ફરી એક નવું ઘર બનાવીને એ રમવા માંડતી.
કૉલેજમાં પણ એવી જ હતી. બસ પોતાની જાતમાં જ ખોવાયેલી શાંત, સાધારણ, ખામોશ અને નીચી નજર, પોતાનામાં મસ્ત અને વ્યસ્ત. એને જોઈને કોઈ યુવક એની તરફ આકર્ષાય એવી કોઈ શક્યતા નહોતી કે નહોતી એના પિતાની હેસિયત જે જોઈને કોઈ મા-બાપ સુધાને ધ્યાનમાં લે.
બાપને જેટલી એની ચિંતા હતી એના કરતાં અનેકગણી ચિંતા મા ને હતી પણ કરે શું? સુધાનો દેખાવ કે પોતાની આર્થિક સ્થિતિ બંને સાવ સાધારણ એટલે એનો ઉકેલ પણ જલદી આવે એવી કોઈ શક્યતા નહોતી. સુધાની ઉંમરની છોકરીઓ, કોઈ પોતાના પિતાની હેસિયતથી તો કોઈ પોતાની ખાસિયતથી એક પછી એક ઠેકાણે પડતી ગઈ. હવે તો સુધાના માતા-પિતા પણ ઈચ્છતા કે સુધા પોતાની પસંદગીનો યુવક શોધી લે પણ એવુંય કશું ન બન્યું. મા એ બે ત્રણ જગ્યાએ વાત ચલાવી, સાઈકલ ખરીદવાની હેસિયત નહોતી એ પિતાએ સ્કૂટર આપવાની કે થોડું વધારે દહેજ આપવાની પિતાએ પણ તૈયારી કરવા માંડી અને તો પણ પરિણામ શૂન્ય… અરે, જરા સારા દેખાવડા છોકરાઓ સુધાને ના પડે એ તો સમજ્યા પણ જે પોતે પણ આંખને જચે એવા ન હોય એ છોકરાઓ પણ સુધાને નાપસંદ કરે ત્યારે બંનેને ખૂબ આઘાત લાગતો.
પણ સુધા જેનું નામ, એનો તો કોઈ ફરક નહોતો પડતો. સુધાનું આંતરિક જગત સાવ જુદુ હતું. બહારથી શાંત સુધા અંદરથી લાવા હતી. સાવ ચૂપ રહેતી સુધાના વિચારોની દુનિયા વિશાળ હતી. સમાજે દોરેલા સાંકડા, અંધારા વિશ્વની બહારના એના કલ્પનાના મનોજગતમાં એ કેવીય ઊંચી ઊડાન ભરતી, એ ક્યાં કોઈને ખબર હતી? બહારથી સાવ મામૂલી લાગતી સુધાની અંદર એક અલગ ચમકતી જીંદગી હતી જેમાં એ રાચતી હતી. કોઈ સાધારણ દેખાતી વ્યક્તિ કે એની સાદગી જોઈને એની સમૃદ્ધિનો અણસાર ન આવે એમ સુધાને જોઈને કોઈ એની અંદરની દુનિયાનો વ્યાપ માપી શકતું નહીં. જેને બાહ્ય સૌંદર્યનો મોહ છે એને પોતાના આંતરિક સૌંદર્યનો પરિચય આપવાની જરૂર સુદ્ધા એને લાગતી નહીં.
“આ કેવી છોકરી તેં જણી છે, જ્યારે જુવો ત્યારે નીચી નજર. મોઢા પર ક્યારેય હાસ્યની એક રેખા નહીં, આખો દિવસ કામ કામ ને કામ.. એની ઉંમરની છોકરીઓને જો, ફૂલોની જેમ મહેંકતી અને પંખીની જેમ ચહેકતી, ઘરને ગુલઝાર બનાવે છે અને આ એક સુધા…” મા પર અકળાયેલો બાપ વાક્ય અધૂરું છોડી દેતો..
“જે છોકરીઓની વાત કરો છો એમના બાપની હેસિયત તમે જોઈ છે? એકનો બાપ સુપરિટેંડન છે, બીજીનો ઓફિસર, ગણીને ચારસો રૂપિયા લઈને આવો છો. સુધા પાસે બે જોડી કપડાં છે અને તમે જેની વાત કરો છો એ દિવસમાં બે જોડ કપડાં બદલે છે એ તમે નથી જાણતાં?” મા પણ બાપનું સાંભળી સાંભળીને સહનશક્તિની હદ વળોટી ગઈ હતી.
બાપની પરિસ્થિતિ મા એ બનાવેલી પાણી જેવી પાતળી દાળ કરતાંય પાતળી હતી. મૌન રહેવા સિવાય બીજું એ શું કરે? દાંત ભીંસીને એ ચૂપ થઈ જતો. પછી તો સુધાને પિતાએ પોતાની હેસિયત હતી ત્યાં સુધી જ ભણાવી. જો કે સુધાને એનાથી પણ કોઈ ફરક ન પડ્યો.
બીજા બે વર્ષ પસાર થઈ ગયા. સુધાની બીજી સહેલીઓના પણ લગ્ન થતાં ગયાં. સુધાને એક ફર્મમાં ટાઈપિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ. એ પહેલાં કરતાંય વધુ શાંત, વધુ મહેનતુ બનતી ગઈ. સુધાની કમાણી ઉમેરાતાં ઘરની હાલત સુધરતી ગઈ. ઓફિસના કામ પછી એણે સ્ટેનોનું કામ શીખવા માંડ્યું. એને બી.એ કરવાની પણ ઈચ્છા હતી.
હવે તો એના પિતા જીવન રામ અને મા મગહીના સુધા માટે વર શોધવાના પ્રયાસો વધુ જોશીલા બનતા ગયા. ઘર ખર્ચમાં કાપ મૂકીને, પૈસા બચાવીને સ્કૂટર લેવા જેટલી મૂડી એકઠી કરવા માંડી. વળી એક મુરતિયો સુધાને જોવા આવશે એવી આશા બંધાઈ. વિવાહની રકમ, દહેજમાં આપવાની રકમ, સોનું વગેરે નક્કી કરીને એ સુધાને જોવા આવ્યો.
યુવાન ગોરો અને સાચે જ દેખાવડો હતો. નામ એનું મોતી. ઘેરા બ્રાઉન રંગનો સુટ પહેરીને એ આવ્યો હતો. સુધાને પહેલી વાર કોઈ યુવકમાં રસ પડ્યો. સાજ સજીને ચા લઈને આવેલી સુધા સામે એણે સ્મિત ફરકાવ્યું અને સુધાનું દિલ મીણની જેમ પીગળવા માંડ્યું. ચાનો કપ આપતા મોતીની આંગળીઓના સ્પર્શથી એના રોમેરોમમાં દીવા પ્રગટ્યાં. સુધાને પહેલી વાર કોઈ યુવક ગમી ગયો. મોતીની એ પહેલી અલપઝલપ મુલાકાત પછીની એ રાતે સુધા ઊંઘી ન શકી. જાગતી આંખે એ મોતીના સપના જોતી રહી. આખી રાત મોતીનો સોહામણો ચહેરો એની નજર સામે તરવરતો રહ્યો. એની આંગળીઓનો સ્પર્શ એ અનુભવતી રહી. મોતી સાથે મનોમન સંસાર રચતી રહી પણ બીજા દિવસે એનું એ સોહામણું સપનું ચૂરચૂર થઈ ગયું. મોતીને સુધા પસંદ નથી એવા સમાચાર આવી ગયાં.
મા મગહીનો ગુસ્સો અને જીવન રામની હતાશાથી અનેકગણી વધારે હતાશાથી એ ઘેરાઈ ગઈ. સુધા પહેલી વાર કોઈને દિલ આપી બેઠી હતી. એ જાત સાથે વધુ ઊંડી ઉતરતી ગઈ. વધુ શાંત બનતી ગઈ. એના ચહેરાની નર્મી ધીમે ધીમે સખતાઈ ધારણ કરતી ગઈ. જાણે એક જીવતી લાશ બની ગઈ. ઓફિસના કામમાં વધારે ખૂંપતી ગઈ.
એ દિવસે તો એણે સાંજના બદલે રાત ઢળવા આવી ત્યાં સુધી ઓફિસમાં કામ કરે રાખ્યું અને થાકીને સીધી બહારના આસિફ અલી પાર્કમાં જઈને બેઠી. સાવ એકલી, ચૂપચાપ. ઘણીવાર સુધી એ બેસી રહી. પાર્ક પણ ખાલી થવા માંડ્યો હતો, તેમ છતાં એને ઊભા થવાની કોઈ ઈચ્છા ન થઈ કે ન એણે એવી કોઈ ચેષ્ટા કરી. એ એકાંત ઈચ્છતી હતી કે એકલતા અનુભવતી હતી એ તો એનેય ન સમજાયું પણ એ પછી તો દિવસો સુધી આમ જ આવીને આ બેંચ પર બેસવાનો એનો નિત્ય ક્રમ બની ગયો. એકલતા કે અંધકાર, એ કશાથી વિચલિત થયા વગર બેસી રહેતી.
આજે પણ એ આમ જ બંધ આંખે બેઠી હતી અને એક અવાજ એના કાને પડ્યો.
“અરે આમ કેમ એકલી બેઠી છું?”
આંખ ખોલીને જોયું તો મોતી. એ જ બ્રાઉન સુટ, એ જ સોહામણો ચહેરો, સફેદ દાંતોથી ઝગમગતી મુસ્કાન. સુધા કઈક બોલવા ગઈ પણ એ બોલી ન શકી.
“તને મારી પર ગુસ્સો આવે છે ને, બહુ ખરાબ લાગે છે ને?”
સુધા ચૂપ..
મોતી એની પાસે આવીને બેસી ગયો. એટલો પાસે કે એના શરીરનો સ્પર્શ અને સુગંધ એ અનુભવી રહી. સુધાની આંખોમાં આંસુ આવી ગયા.
“અરે, એમાં રોવાની ક્યાં જરૂર છે? કોઈ વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદ હોય કે નહીં?”
હવે સુધાની આંખોના આંસુ એના ગાલ પર રેલાવા માંડ્યા. મોતીએ પોતાનો રૂમાલ કાઢીને એના આંસુ ઝીલી લીધાં.
“પણ તું આમ અહીં એકલી કેમ બેઠી છું?”
સુધા હજુ ચૂપ હતી.
“સારું,ચલ હવે મને એ તો કહે કે તેં મારામાં શું જોયું હતું?”
હવે સુધાથી ચૂપ ન રહેવાયું, “ મેં તારામાં શું જોયું એની વાત જવા દે, તેં મારામાં શું જોયું કે મને નાપસંદ કરી ? તેં મારા હાથની રસોઈ ચાખી હતી, તેં મારા દિલની લાગણી અનુભવી હતી, તું મારા શરીરના રંગથી ડરી ગયો? મારા ચહેરાની સખતાઈ જોઈ પણ તેં મારું હાસ્ય કે કે મારા આંસુંય ક્યાં જોયા છે, તારા આ ઘુંઘરિયાળા વાળમાં ફરતી મારી આંગળીઓનો સ્પર્શ ક્યાં અનુભવ્યો છે, તારા શર્ટનું બટન ટાંકતી મારી આંગળીઓની નજાકત ક્યા જોઈ છે, મારું આ કુંવારું શરીર તારામાં ઓગળતું ક્યાં અનુભવ્યું છે, તારું એ બાળક જે મારી કોખમાં ઉછરી રહ્યું હતું એનો ફરકાટ તેં ક્યાં અનુભવ્યો હતો કે મને ના પાડીને ભૂલી ગયો?”
સુધાને સમજણ ના પડી કે એ આટલું બધું કેવી રીતે બોલી ગઈ. મોતીના ખભા પર માથું ઢાળીને બસ એ બોલતી ગઈ અને મોતી એને સાંભળતો રહ્યો, એની પીઠને પોતાના પૌરુષીય હાથોથી પંપાળતો રહ્યો. સમય પસાર થતો રહ્યો અને પછી ધીરેથી એ બંને છૂટા પડીને પોતાના રસ્તે ચાલ્યા ગયાં.
એ દિવસથી સુધાના તેવર બદલાઈ ગયા.
********
હવે સુધાના ચહેરા પર ઉદાસીના વાદળના બદલે ખુશીની વીજળી ચમકવા માંડી. એની આંખો અને ભાવમાં છલોછલ આત્મવિશ્વાસ વર્તાવા માંડ્યો. સાવ ચૂપચાપ રહેતી સુધાનું મૌન પણ જાણે બોલકું બન્યું.
મા-બાપે પરાણે શોધેલા યુવકોને હવે એક પણ કારણ આપ્યા વગર સુધા નાપસંદ કરવા માંડી. પચ્ચીસ વર્ષની સુધાના બદલાયેલા વર્તનથી મા-બાપ વધુ ચિંતામાં અટવવા માંડ્યા. સુધાના આવા વર્તન પાછળ કોઈક પુરુષ તો છે, પણ કોણ છે એની બંનેમાંથી કોઈને ખબર નહોતી પડતી.
સમય પસાર થતો ગયો, દિવસો, મહિનાઓ, આખું વર્ષ પસાર થઈ ગયું. મોતીનું પણ લગ્ન થઈ ગયું અને પછી તો વર્ષો પસાર થતાં ગયાં તેમ છતાં મોતીને સુધા રોજેરોજ મળતાં રહ્યાં. મોતીને મળીને સુધા વધુને વધુ નિખરતી ગઈ. પચ્ચીસની સુધા પાંત્રીસની થઈ. મોતી એને લગ્ન કરી લેવા કહેતો.
“કેમ, પછી મારે તને છોડી દેવાનો?”
“પણ મેં તારી સાથે લગ્ન નથી કર્યા તો તને પૂરો હક છે અન્ય સાથે લગ્ન કરવાનો.” મોતી એને સમજાવતો.
“તો શું થયું, લગ્ન વગર પણ હર ક્ષણ તું મારો છું, તારો સમય મારો છે. મારે બીજું શું જોઈએ?” મોતી હસી પડતો.
“હા, એ વાત સાચી, તું જ્યારે જ્યાં મન થાય ત્યાં બોલાવી લે છે અને હું આવી જઉં છું. લવર્સ લેન, ફિલ્મ, રેસ્ટોરાં.”
“પહેલાં તો તું આવો નહોતો.” સુધા એની વાત વચ્ચેથી કાપીને બોલતી.
“શરૂમાં મને ક્યાં પ્રેમ હતો અને તારો પ્રેમ સમજવામાં મને સમય લાગ્યો એ વાત સાચી. મોતી એને હળવો સ્પર્શ આપતા બોલ્યો અને સુધાના રોમેરોમમાં કંપન ઉઠ્યું.
રોજના આ મિલનથી સુધા ખીલતી ગઈ. ઉંમર વધવાની સાથે એની યુવાની વધુ ખીલતી ગઈ. એના હોઠ પર સતત સ્મિત અને આંખોમાં સુખ છલકાતું. એને સ્ટેનોની નોકરી મળી, પગાર વધ્યો, સરસ ઘર લીધું, ખુશહાલ અને આરામદાયી જીવન બની રહ્યું.
મા-પિતાનું અવસાન થતાં સુધા એકલી પડી ગઈ પણ હવે એ એકલી ક્યાં હતી? એ વધુ સ્વતંત્ર બનતી ગઈ. ભાલ પર બિંદી, સેંથીમાં સિંદૂર, સુહાગની હર નિશાની એના પર ઉમેરાતી ગઈ.
સૌને ખબર હતી કે કોઈક તો છે, કોઈ એને મળવા આવે છે પણ કોણ એની કોઈને ખબર ન પડી. હવે સુધા અને મોતીને બહાર મળવાની જરૂર નહોતી. જગત આખું નિંદ્રામાં સરે એ પછી મોતી એને મળવા આવતો. એ દિવસે સુધાનો ચાલીસમો જન્મદિન હતો. ગજબની મદહોશીમાં રાત પસાર થઈ. મોતી હંમેશા એ બ્રાઉન સુટમાં જ આવતો. એ પહેલાં પણ સોહામણો હતો અને આજે પણ એટલો જ સોહામણો લાગતો હતો, ફક્ત એના કાન પાસેના વાળમાં જરા સફેદી ધાર પકડાઈ હતી પણ એનાથી તો એ વધુ ધ્યાનાકર્ષક લાગતો. સુધા એની પર વારી જતી.
સુધાના પચાસમા જન્મદિને પણ એ જ બ્રાઉન સુટ પહેરીને આવ્યો હતો. હવે એના હાથમાં સુધાને ભેટ આપેલી વૉકિંગ સ્ટિક રહેતી. એનાથી મોતી વધુ દિલકશ લાગતો અને સુધા અતિ સુંદર.. મોતીને જોઈને સુધાના દિલના તાર રણઝણી ઉઠતાં. લગ્ન વગર એ એની વધુ નજીક થતી ગઈ. એમનો સંસાર હંમેશા મહેકતો, ચહેકતો રહ્યો.
હવે સુધા હેડ સ્ટેનો બની ગઈ પણ એની ઓફિસમાં એક ઘટના બની. એનો મેનેજર બદલાયો.
તપેલા તાંબા જેવો વાન, બદસૂરત ચહેરો, હંમેશા જાણે નશામાં હોય એવી આંખો, મોટું નાક, લટકી ગયેલા ગાલ, આંખો, બોલે તો તળાવના દેડકા જેવો સૂર. હેડ સ્ટેનો હોવાના લીધે સુધાને આખો દિવસ નવા મેનેજરની કેબિનમાં બેસીને કામ કરવું પડતું જે એને ક્યારે નહોતું ગમતું. એને જોઈને સુધાને સતત એવું લાગતું કે એને ક્યાંક જોયેલો છે. ક્યાંક એ મળી છે. ક્યાં એ યાદ નહોતું આવતું. એની કોઈ એક હિલચાલ એવી હતી જે પિતાના કોઈ મિત્રના પરિવારમાં, ભાઈના ભાઈબંધોમાંથી કે કોઈકને મળતી આવતી જે સુધાને બેચેન બનાવી દેતી.
એ દિવસે પહેલી તારીખ હતી. મેનેજર પગારપત્રક લઈને બેઠો હતો. આજે એણે સુધાને રોકી હતી. કેબિનના કબાટમાંથી એણે વ્હિસ્કીની બોટલ કાઢી. એક ગ્લાસમાં પેગ ભર્યો અને નિરાંતે પોતાની ખુરશીમાં ગોઠવાયો. સુધા અકળાઈ. મેનેજરે હળવેથી એના હાથને સ્પર્શ કર્યો. સુધા છળી ગઈ. એની ચિંતા કર્યા વગર મેનેજર બોલ્યો,
“આજે તારી ફાઈલ મારા હાથમાં આવી તો ખબર પડી કે તું આ ઓફિસની સૌથી જૂની અને ઉચ્ચ પગારદાર વ્યક્તિ છો. તારું નામ સુધા છે ને?”
સુધાને નવાઈ લાગી, આટલા સમયથી કામ કરે છે અને આજે નામ પૂછે છે?
“તારા પિતાનું નામ જીવન રામ છે?”
હવે સુધાને ચીઢ ચઢી. ફાઈલમાં બધો ઉલ્લેખ છે અને આ માણસ કરે છે શું? એ બહાર નીકળવા ખુરશીમાંથી ઊભી થઈ.
“બેસ, બેસ સુધા, મેનેજરે વિનંતીના સૂરમાં કહ્યું. “તું તારા પિતા સાથે જિનદાં મહોલ્લામાં રહેતી હતી ને?”
“હા,” એકાક્ષરી જવાબ આપીને સુધા ચૂપ થઈ ગઈ.
“હું એક દિવસ તારા ઘેર આવ્યો હતો, તને જોવા, તારી સાથે વાતો કરી હતી. પહેલાં મેં તને જોઈ ત્યારે તું આવી ખૂબસૂરત તો નહોતી. સાવ મામૂલી દેખાતી હતી.”
“ક્યારે?” સુધાએ અકળાઈને પૂછ્યું. એને આ બદસૂરત મેનેજરની સામે વધારે બેસવાની જરાય મરજી નહોતી.
“હું મોતી છું.”
સુધા સ્તબ્ધ.
“તારી સાથે લગ્ન ન કરીને મેં મારી બદનસીબી વહોરી લીધી. હું સમજી શકયો નહીં કે બાહ્ય દેખાવની અંદર એક અલગ વ્યક્તિત્વ હોય છે એ હું સમજી શક્યો નહોતો. હું યુવાન હતો, આકર્ષક હતો સાથે ગોરા રંગ અને દોલતનો લોભી હતો. મારી પત્ની ગોરી ચામડી અને દોલત લઈને આવી હતી પણ એ બદમિજાજ, મગરૂર તો હતી જ સાથે બેવફા પણ નીકળી. થોડા વર્ષોમાં પાંચ સંતાનો થયાં પણ એમાંના મારા કેટલા એ મને ખબર ન પડી. મારી વ્યથા ઓછી કરવા હું શરાબ પર ચઢ્યો. અન્ય સ્ત્રીઓ પાસે જવા માંડ્યો. ધીમે ધીમે શરાબનું ઝેર, બીમારી મારા શરીરમાં ફેલાવા માંડ્યાં. ઉંમર કરતાં હું વહેલો ઘરડો થઈ ગયો. હવે તો એ મરી ગઈ છે પણ મારી આંખો ખુલી ગઈ. વાંક મારો હતો કે મેં એક હીરાને પત્થર સમજીને છોડી દીધો અને કથીર હતું એને સોનું માનીને સ્વીકારી લીધું. હું જીવનભર પ્રેમ માટે તરસતો રહ્યો. તું મારી સાથે લગ્ન કરીશ, તું મને એ પ્રેમ આપીશ જેના માટે આખું જીવન વલખાં મારતો રહ્યો.” મોતી શરાબનો ગ્લાગ હાથમાં પકડીને બોલતો રહ્યો અને સુધા એને ફાટી આંખે જોતી રહી. સુધાને ચીસો પાડીને કહેવું હતું કે,
“હવે, બદસૂરત બનીને, ભયંકર બીમારીઓનો શિકાર બનીને તું આવ્યો? તને ક્યાં ખબર છે કે આખું જીવન મેં તને સમર્પણ કરી દીધું. મારી જુવાની તારી પર ઓવારી દીધી. તારા વિચારોમાં રાચતી રહી. તારા એક સ્પર્શ માટે, એક નજર હું મરી પડતી. આખું જીવન એકલી તારી છાયા સાથે ચાલતી રહી. અંધારા પાર્કોમાં બેસી રહી, જાતે પૈસા ખરચીને તારી પાસેથી સાડીઓની ભેટ લેતી રહી. બાજુની સીટ ખાલી રાખીને તારી સાથે ફિલ્મો જોતી રહી, મારું કુંવારું જીવન તારા નામ પર કરી દીધું, તારા નામની ચૂડી-ચાંદલો કર્યા, સેથાંને સિંદૂરથી સજાવ્યું. ક્યારેય તારી પાસેથી કશું ન માંગીનેય ઘણું બધું મેળવતી રહી, કેટલી ખુશ હતી, કેટલી મગ્ન હતી હું મારામાં અને તારા વિચારોમાં, ન તારી પાસે શાદી કે સુહાગરાતની માંગણી કરી કે ન સંતાન સુખની વાત કરી અને તેમ છતાં હું બધું જ માણતી રહી. બસ એક તારો ખ્યાલ, તારો વિચાર જે સતત મારામાં જીવ્યો એને હું સાથે લઈને ચાલી અને હવે તું મારા રચેલા સ્વર્ગને નરકની ચિતામાં હોમવા આવ્યો?”
પણ સુધા મોતીને કશુંજ કહી ન શકી. એ ટેબલ પર માથું ઢાળીને રડતી રહી, રડતી રહી. મોતી એના હાથનો સ્પર્શ કરવા ગયો તો ગુસ્સાથી એનો હાથ ઝટકાવીને ઊભી થઈ બહાર નીકળી ગઈ. મોતી એને બોલાવતો રહ્યો પણ એ ભાગતી રહી. રસ્તા પર અંધારું હતું., એ અંધારામાં પણ ભાગતી રહી. અટક્યા વગર એ આસિફ અલી પાર્કમાં પહોંચી જ્યાં એણે મોતી સાથે કલાકો પસાર કર્યા હતા એ બેંચ પર જઈને બેઠી, ખૂબ રડી.
“વ્યર્થ છે, બધું જ વ્યર્થ છે. હવે મારા સપનાનો રાજકુંવર, મારા મનનો માણીગર ક્યારેય નહીં આવે…”
અને એ હવે એક વિધવા છે એવી ખાતરીથી, એવી નિશ્ચલતાથી એણે પોતાના ભાલેથી સુહાગનો ચાંદલો અને સેંથીમાંથી સિંદૂર ભૂંસી નાખ્યું. બેંચ પર હાથ પછાડીને ચૂડીઓના ટુકડે ટુકડાં કરી નાખ્યાં.
મન્ટોના સમકાલિન એવા, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હિંદી, ઉર્દૂ કથાકાર કૃષ્ણ ચંદરની વાર્તા’ શાહજાદા’ પર આધારિત ભાવાનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વિરહ ગીતો – ૨ – कभी तन्हाईओ में हमारी याद आएगी
નિરંજન મહેતા
આ મણકાનો પહેલો હપ્તો ૨૭.૦૮.૨૦૨૨ના રોજ મુકાયો હતો જેમાં ૧૯૬૦ સુધીના ગીતો લેવાયા હતા. ત્યારબાદ અન્ય વિષયને લગતા લેખ મુકાયા હોવાથી આ વિષયનો બીજો હપ્તો હવે મુકાય છે.
શરૂઆત કરીએ ૧૯૬૦ની ફિલ્મ ‘મુગલે આઝમ’નાં આ ગીતથી. આ ગીત ઘણું કહી જાય છે
मोहब्बत की जूठी कहानी पे रोये
बड़ी चोट खाई जवानी पे रोयेમધુબાલાને જ્યારે કેદ કરાય છે ત્યારે તે આ ગીત દ્વારા પ્રેમ માટે પોતાનો આક્રોશ દર્શાવે છે ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે નો.લતાજી
૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘છલિયા’નું ગીત છે
मेरे टूटे हुए दिल से
कोई तो आज ये पूछे
के तेरा हाल क्या हैપ્રેમમાં નાસીપાસ રાજકપૂર પર આ ગીત ફિલ્માવાયું છે જેના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત કલ્યાણજી આણંદજીનું. ગાયક મુકેશ.
૧૯૬૧ની ફિલ્મ ‘નજરાના’માં પણ આવી જ વ્યથા રજુ કરાઈ છે.
एक वो भी दिवाली थी
एक ये भी दीवाली है
उजड़ा हुआ गुलशन है
रोता हुआ माली हैઆ ગીત પણ રાજકપૂર ઉપર રચાયું છે જેના શબ્દો છે રાજેન્દ્ર કૃષ્ણના અને સંગીત રવિનું. સ્વર મુકેશનો.
૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘ગંગા જમના’નું ગીત છે
दो हंसो का जोड़ा बिछड़ गयो रे
गजब भयो रामा जुलम भयो रेદિલીપકુમારના વિરહમાં વૈજયંતિમાલા આ ગીત ગાય છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદનું સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૬૧ની વધુ એક ફિલ્મ ‘ઝબક’નું ગીત છે
तेरी दुनिया से दूर चले हो के मजबूर
हमें याद रखनाશ્યામાથી જુદા થતા મહિપાલ પર આ ગીત રચાયું છે. શબ્દો છે પ્રેમ ધવનના અને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તે. ગાયક કલાકારો રફીસાહેબ અને લતાજી.
૧૯૬૨ની ફિલ્મ ‘સંગીત સમ્રાટ તાનસેન’નું આ ગીત પણ વ્યથાપૂર્ણ છે..
ज़ुमती चली हवा
याद आ गया कोई
बूजती बूजती आग को
फिर जला गया कोईભારત ભૂષણ પોતાના વિરહને શૈલેન્દ્રનાં શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. સંગીતકાર છે એસ. એન. ત્રિપાઠી અને ગાયક છે મુકેશ.
૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘હમારી યાદ આયેગી’નું આ ગીત વિરહમાં રહેલી તનુજા પર રચાયું છે.
कभी तन्हाईओ में हमारी याद आएगी
अँधेरे छा रहे होंगे के बिजली कौंध जायेगीતનુજા આ ગીતમાં કટાક્ષમય શબ્દો સાથે અશોક શર્માને જણાવે છે જેના શબ્દો છે કેદાર શર્માનાં અને સંગીત આપ્યું છે સ્નેહલ ભાટકરે. સ્વર છે મુબારક બેગમનો જેણે આ ગીતને. યાદગાર બનાવ્યું છે.
૧૯૬૨ની વધુ એક ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’નું આ વિરહગીત જોઈએ.
दिल तोड़ने वाले तुझे दिल ढूढ रहा है
आवाज़ दे तू कौन सी नगरी में छुपा हैવિરહમાં તડપતી કુમકુમ રેડીઓ પર કમલજીતને યાદ કરીને આ ગીત ગાય છે જે કમલજીત સાંભળે છે અને પોતે પણ પોતાની વ્યથાને દર્શાવે છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનું સંગીત. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મેહબૂબ’નું વિરહ ગીત છે
याद में तेरी जाग जाग के हम
रात भर करवटे बदलते हैસાધના અને રાજેન્દ્રકુમાર પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે લતાજી અને રફીસાહેબના.
૧૯૬૪ની ફિલ્મ ‘વહ કોન થી’નું આ અત્યંત પ્રખ્યાત ગીત છે
जो हमने दास्ताँ अपनी सुनाई आप क्यों रोये
तबाही तो हमारे दिल पे आई आप क्यों रोयेસાધના અને મનોજકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજા મહેંદી અલી ખાન અને સંગીતકાર છે મદનમોહન જેને સ્વર આપ્યો છે લતાજીએ.
૧૯૬૪ની અન્ય ફિલ્મ ‘દુલ્હા દુલ્હન’નું આ ગીત એક જુદા પ્રકારનું વિરહ ગીત છે.
जो प्यार तूने मुज को दिया था
वो प्यार तेरा मै लौटा रहा हुરાજકપૂર પ્યારમાં નાસીપાસ પોતાની વ્યથા આ ગીત માં રજુ કરે છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે મુકેશનો.
https://youtu.be/8GfVc1Dzvkg
૧૯૬૪ની વધુ એક ફિલ્મ ‘કશ્મીર કી કલી’નું ગીત પણ પ્રેમમાં નાસીપાસ અનુભવતા શમ્મીકપૂર પર રચાયું છે.है दुनिया उसी की ज़माना उसी का
मोहब्बत में जो हो गया हो किसी काદારૂના નશામાં શમ્મીકપૂર જીવનની સત્યતા વર્ણવે છે. એસ. એચ. બિહારીનાં શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘સહેલી’નું વિરહ ગીત જોઈએ.
जिस दिल में बसा था प्यार तेरा
उस दिल को कभी का तोड़ दियाગીત રચાયું છે કલ્પના ઉપર જે પ્રદીપકુમારની યાદમાં આ ગીત ગાય છે. ઇન્દીવરના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયિકા છે લતાજી.
૧૯૬૫ની અન્ય ફિલ્મ ‘ગાઈડ’નાં આ ગીતમાં દારૂના નશામાં ધૂત દેવઆનંદ પોતાના મનોભાવ વ્યક્ત કરે છે.
दिन ढल जाए हाय रात न जाए
तु तो न आए तेरी याद सताएશૈલેન્દ્રનાં શબ્દોને સુંદર સંગીત સાંપડ્યું છે સચિન દેવ બર્મન પાસેથી. દર્દભર્યો અવાજ છે રફીસાહેબનો.
૧૯૬૫ની વધુ એક ફિલ્મ ‘આરઝુ’નું વિરહગીત છે
बेदर्दी बालमा तुज को मेरा मन याद करता है
बरसता है जो आँखों से वो सावन याद करता हैરાજેન્દ્ર કુમારની યાદમાં સાધના આ ગીતમાં પોતાની વિરહ વેદના વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયિકા લતાજી.
૧૯૬૫ની જ વધુ એક ફિલ્મ ‘એક સપેરા એક લુટેરા’નું વિરહગીત છે
हम तुम से जुदा होके
मर जायेंगे रो रो केજંગલમાં ફસાયેલ ફિરોઝખાન કુમકુમની યાદમાં આ વિરહગીત ગાય છે. અસદ ભોપાલીના શબ્દોને સજાવ્યા છે ઉષા ખન્નાએ અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૭ની ફિલ્મ ‘અનીતા’નું ગીત છે
तुम बिन जीवन कैसे बिता पूछो मेरे दिल से
સાધનાની યાદમાં મનોજ કુમાર આ ગીત ગાય છે. રાજા મહેંદી અલીખાનના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર છે મુકેસનો.
હજી થોડા વિરહગીતો બાકી છે તે હવે પછી.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
-
વાદ્યવિશેષ : (૩) : કળવાદ્યો – ‘પેટી’ તરીકે ઓળખાતું હાર્મોનિયમ (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
સમય વિતવાની સાથે હાર્મોનિયમની રચનામાં વિવિધ સુધારા વધારા થતા રહ્યા છે. હા, મૂળ રચના અને કાર્યપધ્ધત્તિ જેમનાં તેમ જ રહ્યાં છે. એ જ રીતે તેના વાદનની શૈલીમાં પણ જુદાજુદા પ્રયોગો થતા રહ્યા છે.

હવે કેટલાંક ફિલ્મી ગીતો, જેમાં હાર્મોનિયમ બહુ પ્રાભાવક રીતે પ્રયોજાયું હોય તેની વાત. નોંધપાત્ર બાબત એ છે કે હિન્દી ફિલ્મી ગીતોમાં હાર્મોનિયમ વાદન મુખ્યત્વે ત્રણ પ્રકારનાં ગીતોમાં પડદે જોવા મળે છે _ કોઈ જાહેર સમારંભમાં રજૂઆત કરી રહેલાં અભિનેતા/ત્રી ગાઈ રહ્યાં હોય ત્યારે, મુજરા પ્રકારનાં ગીતોમાં સંગત તરીકે,. શેરીગાયકો ગાવાની સાથેસાથે હાર્મોનિયમ વગાડતા હોય તે રીતે. અલબત્ત, એ તેના ચિત્રીકરણની વાત છે. આ કડીમાં કેટલાંક વધુ ગીતો માણીએ.
ફિલ્મ’અલબેલા’(૧૯૫૧)ના ગીત હસીનોં સે મહોબત કા બૂરા અંજામ હોતા હૈ માં જોઈ શકાય છે કે નૃત્ય કરતા નાયક સાથે અન્ય કલાકાર હાર્મોનિયમ વગાડી રહ્યા છે.
૧૯૫૧ની ફિલ્મ ‘દીદાર’ના ગીત હુએ હમ જીન કે લીયે બરબાદ માં નાયક ખુદ જ ગાયન અને વાદન કરી રહ્યા છે.
ફિલ્મ સી આઈ ડી(૧૯૫૬)ના યાદગાર ગીત લે કે પેહલા પેહલા પ્યાર માં છેડાયેલું હાર્મોનિયમવાદન સાડા છ દાયકા પછી પણ એકદમ તરોતાજા લાગે છે.
ફિલ્મ ‘સાધના (૧૯૫૮)ના ખુબ જ લોકપ્રિય થયેલા ગીત આજ ક્યું હમ સે પરદા હૈ માં પણ યાદગાર હાર્મોનિયમવાદન સાંભળવા મળે છે.
૧૯૬૧માં પ્રદર્શિત થાયેલી ફિલ્મ ‘મેમદીદી’ના ગીત હુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ હમ તો ઘર મેં ચુલ્હા ફૂંકે માં રમાઈ રહેલી કબડ્ડીની રમત સાથે તાલ મિલાવતું હાર્મોનિયમવાદન સાંભળી શકાય છે.
૧૯૬૧ના જ વર્ષની અન્ય ફિલ્મ ‘ધર્મપુત્ર’નું ગીત મેરે દીલબર મુઝ પર ખફા ન હો સાંભળવાથી હાર્મોનિયમવાદનની બારીકીઓ ખ્યાલે આવે છે.
ફિલ્મ ‘એક મુસાફીર એક હસીના’ (૧૯૬૨)ના ગીત બહોત શુક્રીયા બડી મહેરબાની માંના ગીટારના ટહૂકા એટલા તો પ્રચલિત બની રહ્યા છે કે એમાં વાગતા હાર્મોનિયમ ઉપર શ્રોતાઓનું ધ્યાન પછીથી જાય છે.
૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી યાદગાર ફિલ્મ ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની સફળતામાં તેના સંગીતનો મોટો ફાળો હતો. તેના ગીત સાકીયા આજ મોહેં નીંદ નહીં આયેગી નું હાર્મોનિયમવાદન ગાયકી સાથે સાથે જાણે નૃત્યની પણ સંગત કરતું હોય તેમ ભાસે છે. આ મુજરા પ્રકારનું ગીત છે.
હાર્મોનિયમવાદન માટે યાદગાર એવાં ગીતોની યાદી ૧૯૬૬ની ફિલ્મ ‘મેરે લાલ’ના ગીત પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે ના સમાવેશ વગર અધૂરી રહી જાય એટલું પ્રભાવક વાદન છે.
એક યાદગાર હાર્મોનિયમપ્રધાન ગીત કજરા મહોબતવાલા ફિલ્મ ‘કિસ્મત’ (૧૯૬૮)માં નૃત્યગીત તરીકે ફિલ્માવાયું હતું.
૧૯૭૩ની ફિલ્મ ‘જંઝીર’નું ગીત દીવાનોં હૈ દીવાનોં કો ન ઘર ચાહીએ અને તેમાંનું હાર્મોનિયમવાદન આજે પણ ખુબ જ લોકપ્રિય છે.
ફિલ્મ ‘મજબૂર’ (૧૯૭૪)નું ગીત રૂઠે રબ કો મનાના આસાન હૈ અને તેમાંનું હાર્મોનિયમવાદન માણીએ.
ફિલ્મ ‘અપનાપન’ (૧૯૭૭)ના ગીત આદમી મુસાફીર હૈ માં ધ્યાનાકર્ષક હાર્મોનિયમવાદન છે.
હાર્મોનિયમ વિશેની કડીનું સમાપન ફિલ્મ ‘બોમ્બે’(૧૯૯૫)ના ગીતથી કરીએ. તેમાં સંગીતકાર એ.આર. રહેમાને તેમની વિશિષ્ટ, તાજગીસભર શૈલીના ગીત કહેના હી ક્યા યેહ નૈન એક અનજાન સે જો મીલે માં હાર્મોનિયમનો પ્રયોગ એક જ સ્થાને કર્યો છે, પણ એવી રીતે કર્યો છે કે આખા ગીતમાં એટલો અંશ પ્રભાવક બની રહે છે.
વિશેષ: ઉદાહરણ તરીકે આજથી લગભગ નવ દાયકા અગાઉનું એક રેકોર્ડીંગ સાંભળીએ, જેમા અમૃતલાલ દવેનું હાર્મોનિયમ વાદન છે. તે પછી હાલના સમયના કલાકારો પૈકીના બે – આદિત્ય ઓક અને સત્યજીત પ્રભુ નામના બે વાદકોનો હાર્મોનિયમ ઉપર વગાડેલો રાગ ચન્દ્રકૌંસ સાંભળતાં બન્ને યુગની વાદનશૈલીના તફાવતનો ખ્યાલ આવશે.
આમ, હિન્દી ફિલ્મી સંગીતયાત્રામાં હાર્મોનિયમ એક અભિન્ન અંગ બની રહ્યું છે તે સમજાય છે.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ક્યે દા’ડે છૂટીશું આવા “ખોટા વહેમો” અને “રીતિરીવાજો” માંથી ?
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“અલ્યા રવજી ! છેલ્લા ત્રણ-ચાર દા’ડાથી “આજ નહીં, કાલે વાત…આજ નહીં, આવતી કાલે વાત” એમ કર્યે જા છો તે તારે ટ્રેક્ટર હાંકી દેવું છે કે નહીં ? તારા ભરોહે તો ભલામાણહ મેં બીજાને કીધું નથી ! હવે આવતી કાલે સવારમાં તારું નાનું ટ્રેક્ટર લઈને આવી જા તો કપાહના ચાહની પડખામાં ખાતર વાવી દઈએ. આ જો, માથા ઉપર મે જળુંબી રહ્યો છે, ક્યારે ટૂટી પડે એનું કંઇ કહેવાય નહીં. જો આવી જાહે ને, તો તો પછી વરાપ થાતાં લાગી જાહે વાર, અને કપાહના છોડવા થઈ જાહે મોટા, એટલે પછી એમાં ટ્રેક્ટર હાંક્યે ડાળ્યું જાય ભાંગી, અને આ ખાતર વાવવાનો આપણો કાર્યક્રમ જ બંધ રાખવાનો થાહે. માટે કાલે મારો વારો લઈલે ભૈલા !” સાંજના રવજીને ઘેરે જઈ કરશનકાકાએ તાકીદ કરી.
“ના, કરશનકાકા કાલ નહીં ! કાલ તો છે “અગિયારશ” ! તમે બમણું ભાડું આપો તોયે અગિયારશ હું નહીં ભાંગુ ! મારું નીમ છે કાકા કે “અગિયારશ” અને “અમાહે” તો અગતો પાળવાનો જ !” રવજીએ કરશનકાકાની શરમ નો ભરી તે બસ નો જ ભરી ! અને કુદરતને કરવુ છે તે કરશનકાકાને બીક હતી એવું જ થયું ! બીજે દિવસે સાંજકનો વરસાદ શરૂ થયો તે ચાર દિ’ સુધી લાગલગાટ વરસ્યો ! રવજીની અગિયારશનો અગતો રવજીને તો ફળતા ફળશે પણ કરશનકાકાને તો સરખાઇનો નડી ગયો !
મિત્રો ! આપણે ખેડૂતોમાં હમણાં સુધી આવા અગિયારશ અને અમાસના અગતા પળાતા હતા. તે દિવસોમાં સાંતી-કોસ અને મુસાફરી જેવા બધાં કામો બળદ માથે હતાં. એટલે ક્યારેક એને થોડોક થાક-પોરો ખાવા મળે એવી એની પાછળની દ્રષ્ટિ હતી. પણ આજ તો હવે મશીનથી-ટ્રેક્ટરથી ખેતીકામો કરવાના થાય છે એમાં વળી “અગતા”ની જરૂર શી ? કહેશો ! ગામડાંમાં અને એમાંયે ખેડૂતસમાજમાં તો આવા કેટકેટલાય વહેમો ને અંધશ્રદ્ધાનું પાલન-પોષણ થઈ રહ્યું છે.કહો ! કોની વાત કરવી ને કોની ન કરવી?
હા, અગતા પાછળનું કોઇ વ્યાજબી કારણ હોય તો જરૂર પળાય. જેમકે અમારા વિસ્તારમાં “ઢસા ગામ” અને “ઢસા વીશી” એવા નામની બે મોટી વસ્તિ છે. બન્ને કસબાની પંચાયતો પણ અલગ અલગ છે. એકમાં અગતો રખાય છે “અમાસ” નો અને બીજામાં પળાય છે “પૂનમ” નો ! પણ એ એટલા માટે કે બન્નેની બજારોમાં આસપાસના ગામડાંઓનું હટાણું જબરું છે. એટલે બધા ધંધાદારીઓને મહિનામાં આવી રજા હોય તો વ્યાપાર-ધંધા બંધ રાખી, અન્ય કામો કરી શકે તે છતાં કોઇ બહારગામડેથી ખરીદીઅર્થે આવી ચડનારને ખોટો ધક્કો ન થાય ! ઢસા ગામની બજારોમાં રજા હોય તો ઢસા સ્ટેશન ખુલ્લું હોય અને ઢસા સ્ટેશનમાં રજા હોય તો ઢસાગામ ખુલ્લું હોય,બન્ને ગામ બાજુબાજુમાં સાવ અડીને છે તેથી આ બન્નેના અગતા સૌને નડતરરૂપ નથી
મૃત્યુ પ્રસંગે “મોટી કાણ્ય” નો દેખાડો :થોડા દિવસો પહેલાં અમારા પાડોશીના સગામાં એક વયોવૃદ્ધદાદાનું મોટું ગામતરું થયું. તો અમારા પાડોશીએ તો “તમારે બે જણાએ ખોટક્યાના કામે આવવાનું,……. તમારે બે જણાએ આવવાનું “ એવું કહી કહી 20-22 જણાને તૈયાર કર્યા, મોટું વાહન બાંધી ખરખરે જઈ આવ્યા. હવે તમે જ કહો, કોઇનું મૃત્યુ થાય એટલે એના નજીકના સગા-સંબંધી હોય તેઓને ફરજ પડે કે સગાંના દુ:ખમાં ભાગીદાર થવા-કંઇક આશ્વાસન દેવા- ખોંખારે જવું જોઇએ. પણ “મોટી કાણ્ય”નો દેખાડો કરવા જેઓને આ મૃત્યુ સાથે કંઇ લેવાલેવાદેવા નથી એ બધાનો સમય અને ગાડીભાડાનો વેડફાટ કરાવવાનો કંઇ અર્થ ખરો ? જ્યારે ને ત્યારે આવી “કાણ્ય” ની ઢાલો ઊભી જ હોય !
વૈતરણી તરવા ગાયને પૂંછડે પાણી ? એક દિવસ કે જેટલા દિવસ “બેસણું” રાખ્યું હોય તેટલા દિવસ કાણ્યે આવતા આદમી માથે ફાળિયાં ઓઢી લાંબે રાગે રોતા રોતા આવે અને બૈરાંઓ તો છાતી કૂટતી આવે એવો રિવાજ ખોટો દેખાડો નથી ? અને “પાણીઢોળ’ ની વિધિ વખતેય એવો ફજેતો કરવાનો, કે વાછરડીની ડોકે સાતધાનની પોટલીઓ ટીંગાડી કુટુંબીજનોએ એને પૂંછડે પાણી રેડવા ક્યાંય ક્યાંયથી આવી જવાનું ! કહેવાય છે કે આમ કરવાથી સદગત વૈતરણી પાર ઉતરી જાય, બોલો ! કોણે ભાળી છે વૈતરણી, કોઇ કહેશો ? બધું ગપેગપ કે બીજું કાંઇ ?
અને પાછો મરણ પછીનો રિવાજ તો જુઓ ! પાણીઢોળને દિવસે “સોગ” ભાંગ્યા પછી પાછા કારજ નિમીત્તે સૌએ ભેગા મળી લાડવા દાબવાના ! “મૃત્યુ” એ તો દુ:ખનો પ્રસંગ છે. તે પછી મૃત્યુ ભલેને વયોવૃદ્ધ દાદા કે દાદીનું થયું હોય ! એ ઘટના દુ:ખદ જ ગણાય. પહેલાં તાણી તાણીને રડી લેવાનું અને પછી ધરાઇ ધરાઇને મિઠાઇ ઝાપટવાની ? સગા-સ્નેહી-સંબંધી આપણા દુ:ખમાં ભાગ પડાવવા આવ્યા હોય તે ઈચ્છવાયોગ્ય છે, તેઓ પણ પ્રસંગની ગંભીરતા જાણી “સાદા રોટલા” જ જમે અને જમાડાય. વિચિત્રતા તો એવી છે કે જે કેટલાક પૈસેટકે થોડા માતબર હોય એતો વળી “ગળી કાણ્ય” નો કાર્યક્રમ આદરે ! મોઢે આવેલાને બધાને તાણ્ય કરી કરીને મિષ્ટાન જમાડીને પછી જ જવા દે,બોલો !
ઉદાહરણરૂપ માલપરાગામનો રિવાજ : અમારા ગામ માલપરામાં સ્વર્ગસ્થ માટલિયાભાઇના તપ થકી ગ્રામસમાજમાં કેટાલાક સંસ્કારો ઘડાયા છે, તેમાં આ “કારજ-દાડા” માંથી મોટાભાગના લોકો મુક્ત થયા છે, એની પાછળની પાક્કી સમજણ બસ એ જ કે “મૃત્યુ પાછળ મિજબાની” ન હોય ! એની પાછળ બીજો પણ શુભ હેતુ સમાયેલો એ છે કે “દાડા” જેવા ખોટા રીત-રિવાજમાં પૈસા ખરચવા એના કરતાં કોઇ સારા ગામાયત કાર્યમાં જ ન ખર્ચીએ ? અને એ નિમીતે કોઇ બસસ્ટેંડ, કોઇ હવાડા ઉપર છાંયો, કોઇ વળી પાણીનું પરબ કે શાળામાં વોટરકૂલર, ગ્રામ-પ્રવેશદ્વાર કે મકાનો બાંધવા જેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
અમારી જ વાત કરું તો અમારા માતુશ્રી દિવાળીબાનું અવસાન થતાં વાછરડીનાં પૂંછડે પાણીયે નથી રેડ્યું કે નથી ગાદલું-ગોદડું-ચાદર-ઓશિકું-લોટો-ચમ્પલ-છત્રી-ફળો જેવી ચીજવસ્તુઓ મૂકીને ખાટલોએ કળપ્યો ! કે નથી લાડવાવાળો દાડોયે કર્યો. હા, એ નિમીતે બા-બાપાની પૂણ્યસ્મૃતિ રૂપે અમે એમનાં સંતાનો જ્યાં ભણીને શિક્ષણ-સંસ્કાર પામ્યાં તે વાત્સલ્યધામ લોકશાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અનુકૂળતા થાય તે અર્થે ત્રણ વર્ગખંડો – Class Rooms બંધાવી આપ્યા, અને દર વરસે એમની નિર્વાણતિથિએ કુટુંબી બધાં ભેળાં થઈ તેમના ગુણસ્મરણનો કાર્યક્રમ રાખતા હોઇએ છીએ.
“લીલ પરણાવવી” : હજી એક એવોએ રજા દીધા જેવો રિવાજ છે કે કોઇ અપરણિત છોકરો, યુવાન કે ભલેને સાઇઠ છાંડી ગયેલ આધેડ હોય પણ [ પુરુષ જાતિ જ હો ! કોઇ દીકરી, કે સ્ત્રી લગ્ન થયા વિના મૃત્યુ પામે તો પાછું નહીં હો !] એના લગ્ન ન થયેલ હોય અને મૃત્યુ થયું હોય તો તેની પાછળ “લીલ પરણાવવી” પડે. અને એમ ન કરાય તો મરનારનો આત્મા અવગતે જાય ! જે રીતની લગ્નમાં વિધિ હોય એ રીતે જ ડાભડા [એક પ્રકારનું ઘાસ ]ના વર-કન્યા બનાવી, એમાં મરનારના આત્માનું નિરૂપણ કરી રીતસર ફેરા ફેરવી લગ્ન કરવાનો રિવાજ છે. બોલો, આવું કરવાનો કોઇ અર્થ ખરો ? માનસમાં ઘર કરી ગયેલ વહેમ કે બીજું કાં? સમયની બરબાદી,નાણાંનો વેડફાટ અને બુદ્ધિનું દેવાળું નહીં તો બીજું શું કહેશું કહો !
સુરધન-શિકોતર રૂપે ગોંખલા પૂજવા : માનો કે કોઇનું કોઇપણ જાતના અકસ્માતે મૃત્યું થયું ? તો તેના મનમાં અધૂરી રહી ગયેલી ઇચ્છાઓની પૂર્તિ માટે ભૂવાને બોલાવી-માંડવો નાખી-દાણા જોવરાવી એને “સુરધન-શિકોતર” સ્વરૂપે ગોંખલામાં બેસાડી કાયમખાતે ભૂવા કહે એમ એની સરભરા કર્યા કરવાની, અને માનોકે કુટુંબમાં કોઇ સભ્ય જરા સાજા-માંદા થયા કે કોઇ કામમાં નબળું પરિણામ મળ્યું ? તો તરત બોલાવો ભૂવાને, અને કરો માંડલું, જૂઓ દાણાં ! શોધો, આપણને કોણ નડે છે ? અને એ શોધવામાં ઢોંગી ભૂવાને રળાવ્યા કરવાનું અને પોતાના મગજને કાયમ આવા વહેમના બાનમાં રાખતા રહેવાનું !
અમારે ઘેર ચોસલામાં પણ મકાનની ઓંશરીના ભડે એક ગોંખલો હતો. એ ગોંખલા ઉપર એક પડદો હતો. એ પડદો ખુલ્લો હોય ત્યારે મારાં બાને એની લાજ કાઢવાની થતી. કારણ કે એમાં “સુરધનદાદા” બેઠેલા હતા. અને ઘરની પછીતે એક ગોંખલો હતો તેમાં “શિકોતરમા” બેઠેલા હતા. હું ત્યારે માલપરે માટલિયાભાઇની લોકશાળામાં 8 મું ધોરણ ભણતો હતો. મેં માટલિયાભાઇને સૂરધન-શિકોતરની વાત કરી. તો મને કહે “આપણે આગ્રા-ગંગાજીના પ્રવાસે જઈએ ત્યારે સાથે લઈ લેજે-ગંગાજીમાં પધરાવીને તેનો મોક્ષ કરી દઈશું.” મેં ઘેર વાત કરી તો કાકાએ તો ભૂવાને બોલાવ્યા. દાણાની એકી-બેકી કરીને ભૂવો કહે, “ જો છોકરા ! સુરધનદાદા સામાપૂરે હાલે તો મૂર્તિઓ સોનાની કરાવવી પડશે !” મારા બાપા કહે, “કંઇ વાંધો નહીં બેટા ! એવું થાય તો પાછા લાવજે”. હું તો ખાદીના રૂમાલમાં વીંટી, કપડાના થેલામાં મૂકી સાથે લઈ ગયો અને 32 વિદ્યાર્થીઓની સાક્ષીમાં ગંગાના વહેણમાં તરતા મૂક્યા,એ કંઇ સામાપૂરે ન હાલ્યાં,તણાઇ ગયા ! અમારા કુટુંબમાંથી સુરધન-શિકોતરનો વહેમ પણ કાયમ ખાતે તણાઇ ગયો
પિતૃઓને પાણી પાવું : ગામડાંઓમાં તો એક એવોએ રિવાજ છે કે ભાદરવી અમાસના દિવસે હાથમાં ઝારી-લોટા લઈ ધરો, બોરડી, પીપળે, વડલે, નદીને કાંઠે, ગાયોનો ગોંદરે વગેરે સ્થળે પિતૃઓને તૃપ્ત કરવાના બહાને પાણી રેડવું જોઇએ. સંત એકનાથજીએ આવું જોયું તો નદીના વહેણમાં ઊભા રહી ખોબલે ખોબલે દક્ષિણ દિશામાં પાણી ઉડાડવા માંડ્યા. કોઇકે કહ્યું કે “એકનાથજી ! આ શું કરો છો ?” તો એકનાથજી કહે, “મારું ખેતર આ બાજુ છે એને પાણી સિંચું છું.” તો પેલો જણ કહે “ આ તમારું ખોબે ખોબે ઉલેચેલું પાણી એટલે દૂર થોડું પહોંચે ?”ત્યારે એકનાથજીએ કહેલું કે “ભલાભાઇ ! મારું ખેતર તો નજીક જ છે, જો મારું ઉલેચેલું પાણી ત્યાં ન પહોંચવાનું હોય તો તમારા વડવાઓને એટલે બધે દૂર તમે આ રીતે રેડો છો તે થોડું પહોંચતું હશે ?” વડવાઓને પાણી તો જીવતેજીવ તેમણે માગ્યું ત્યારે પાયું હોય તો તેમનો કોઠો ઠર્યો હોય ! બાકી શું અર્થ છે આવી રીતે આવા વહેમ અને રીતરિવાજોની પાછળ સમય અને મગજ ખોયા કરવાનો ?
લીંબું-મરચાં અને ઘોડાનો નાળ દરવાજે ટીંગાડવા :એક દિવસ વન-પર્યાવરણ અંગેની એક મિટિંગમાં અમે 5-7 ખેડૂત મિત્રો પાલીતાણા જઈ રહ્યા હતા.રસ્તામાં રોડ ઉપર જ 3-4 મોટર-કાર ઊભેલી જોઇ અમે પણ “શું છે?” એ જાણવા જીપ ધીમી પાડી-ઊભી રાખી અને જોયું તો એક ઘોડાગાડીવાળો હાથમાં ઘોડાના પગેથી નીકળી ગયેલો “નાળ” હાથમાં ઉંચો રાખી, સૌને દેખાડી, “ઘેરે નાળ ટીંગાડી રાખવાથી થતા ફાયદા” વર્ણવી નાળનું વેચાણ કરતો ભાળ્યો. અમારા માહ્યલા કોઇને તો આવી હંબક વાત ગળે થોડી ઉતરે ? અમે તો ત્યાંથી ચાલતી પકડી. પણ અમારા માહ્યલા ઠાકરશીભાઇ કહે “હીરજીભાઇ ! તમે ભલે ન માનો, પણ દરવાજે ઘોડાનો “નાળ” અને લીંબું-મરચા ટીંગાડવાનો જો કંઇ લાભ ન હોય તો મોટા મોટા ડાક્ટરો અને શેઠિયાઓ પોતાના દવાખાને કે ઓફિસોમાં શું કામ ટીંગાડતા હોય ?” મેં કહ્યું કે “ઠાકરશીભાઇ ! ડોક્ટર કે શેઠિયા થઈ ગયા એટલે આવા વહેમોમાંથી નીકળી ગયા હોય એમ માનવું ભૂલ ભરેલું છે. તમને તો ગળે ઉતરે છે ને કે ઘોડાનો નાળ કે લીંબું-મરચાં તો શું, ઘોડાગાડીનું આખું પૈડું અને લીંબું-મરચાની આખી ગાંહડી બારણે ટીંગાડીએ તોયે વિના પુરુષાર્થે ક્યાંય રોટલા મળતા નથી ! એવું કરતા હોય એને કરવા દ્યો. આ જમાનો હવે ઘોડાના નાળ કે લીંબું-મરચાં ટાંગવાથી થાવાવાળી પ્રગતિનો નથી રહ્યો. કમ્પુટર અને ઇંટરનેટનો જમાનો આવી ગયો છે મિત્રો ! આપણે હજુ એવા વહેમોમાં જ રચ્યાપચ્યા રહેશું તો ખરેખર કરવા જેવા કામો કરવાનો ગાળો જ નહીં મળે ભાઇઓ ! એમાંથી જલ્દી બહાર નીકળીએ”આવા વહેમોયે પાર વિનાના : અરે ! કેવા કેવા વિચિત્ર વહેમો અને રીતરિવાજો આપણાં માનસમાં ઘર કરી ગયા છે કે ન પૂછો વાત ! ગામતરે જવા નીકળીએ અને બિલાડી આડી ઉતરે કે-કૂતરું કાન કરે કે વેળા-કવેળાનો વખત હોય અને જો ચીબરી બોલી ઊઠે તો ખલાસ ! ભારે અપશુકન જ થયા ગણાય. બિલાડી તો આપણાં ઘરોમાં રહેનારો જીવ છે, શું એને હરફર નહીં કરવાની ? એ ન આડી ઉતરે તો શું સાવજ-દીપડા આડા ઉતરે ? અને ચીબરી તો ખેતીપાકોનો રાતનો રખેવાળ હોઇ, એ તો ખેડૂતની સહેલી ગણાય. એની હાજરી તો આપણી મોલાતોને ઉંદર જેવા રાની જીવોથી રક્ષણ આપનાર છે.એ બોલે એ તો ખેડૂતને મન શુકન થયા ગણાય.
“શનિવાર” તો કહે હનુમાનદાદાનો વાર. “દેવદેરાં ચડાય પણ હનુમાનની હડિયે ન ચડાય” કંઇ વાંધો નહી, આપણે શનિવારે વાળ ન કપાવવા, નખ ન કાપવા કે એક દિ’ માથામાં તેલ ન નાખવું. દિ’નો ક્યાં દુકાળ છે ? બાકીના છ વાર છે, બીજો કોઇ વાર પસંદ કરવો. પણ ખિજડે મામો બેઠો હોય, પીપળાના ઝાડવે ભૂત હોય કે આંકડોનો ચૂલાપાયો ન કરાય-એ પાછી સારી વાત છે. એ ખોટા વહેમ નથી, પણ એ પર્યાવરણરક્ષાના હેતુસર વૃક્ષોને બચાવવા માટેની એ કહેતી છે.
ગાય-બળદ ખરીદવાના હોય કે ટ્રેક્ટર જોડાવવાનું હોય, કૂવો ગાળવાનો હોય કે મકાનના પાયા છાપવાના હોય, તિથિ-વાર-ને ચોઘડિયાનો મેળ કરવામાં શુંકામ વખત ગુમાવવો, કોઇ કહેશો ? પૂરા મનથી કોઇ કામની શરૂઆત કરીએ તો એમાં સફળ થવાના જ હોઇએ, ઠાલું મુહૂર્ત જોવરાવ્યે શું વળે ? દેખીતી રીતે એનાથકી થતું નુકશાન ભલે ન ભળાતું હોય, પણ એનાથી નુકશાન શું થાય તે કહું? એનાથી મનની નબળાઇ વધે છે. સ્વપુરુષાર્થ પરનો ભરોસો ઘટે છે.“કામ પાર પડશે જ” એવી દ્રઢતા ઓછી થાય છે.
આપણો વિશ્વાસ આપણી જાત ઉપરથી ખસીને પેલા સારા મૂહૂર્ત ઉપર ચાલ્યો જાય, એ આપણી નબળાઇ જ ગણાય. લગ્નો તો સારું મૂહૂર્ત જોઇને જ કરાતાં હોય છતાં છૂટાછેડા થતાં જ હોય છે. આવા વહેમમાંથી મુક્ત થવાનો કુટુંબને દાખલો બેસાડવા જ અમારા સંયુક્ત કુટુંબના એક દીકરાના લગ્ન બીજા કોઇ ન કરે તેવા “ધોકા” એટલે કે દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેના દિવસે ખાસ કમૂર્તુ જોઇને કર્યા ! એમનો ઘરસંસાર આદર્શ દાંપત્યને રૂપે વહી રહ્યો છે.
આ 21મી સદી વિજ્ઞાનયુગની ચાલી રહી છે. છતાં આપણે ત્યાંના ભણેલા કલાકારો, ક્રિકેટરો,રાજકારણીઓ, વિજ્ઞાનીઓ અને મોટા મોટા ખેરખાંઓ પણ ખોટા વહેમો અને અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા ભળાય છે.આ સાચા શિક્ષણની નિશાની નથી.પોતાના પુરુષાર્થ પર જીવનારો ખેડૂત શું આમાંથી બાકાત નહીં રહી શકે ? કહેતી છે-“એ વીલ વીલ ફાઇંડ એ વે”- મન હોય તો જરૂર માળવે પહોંચાય હો મિત્રો ! દ્રઢ સંકલ્પ શું નથી કરી શકતો ?
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
-
નેપાળમાં પારાની ઝેરી અસરનો ભોગ બનતા મૂર્તિ કારીગરો
વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી
જગદીશ પટેલ
નેપાળમાં પારાના પ્રદુષણનો સૌથી મોટો સ્ત્રોત ગોલ્ડ-પ્લેટિંગ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

પારો એ કુદરતી રીતે બનતું તત્વ છે જે હવા, પાણી અને જમીનમાં જોવા મળે છે. ડબ્લ્યુએચઓ દ્વારા પારાને જાહેર આરોગ્ય પર અસર કરતા ટોચના દસ રસાયણો અથવા રસાયણોના જૂથોમાંના એક તરીકે ગણવામાં આવે છે. પારાના સંપર્કમાં – નાની માત્રામાં પણ – આવવાને કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે, અને તે ગર્ભાશયમાં રહેલા ભ્રુણ અને બાળકોના શરૂઆતના વિકાસ માટે જોખમ છે.
ગોલ્ડ પ્લેટિંગ (ગોલ્ડ-પારાનું મિશ્રણ; સોનાનો ઢોળ ચડાવવાનું કામ) એ સૌથી જોખમી કામો પૈકીનું એક છે જે મુખ્યત્વે નેપાળમાં એક વંશીય સમુદાય દ્વારા કરવામાં આવે છે અને તે ઘણી સદીઓથી ચાલ્યું આવે છે. મેટલ પ્લેટિંગ એ એક પ્રક્રિયા છે જેમાં હાથમાં પકડેલા ખલમાં પારા અને સોનાને એકસાથે લસોટીને તાંબાની મૂર્તિ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલ સોના અને પારાનું મિશ્રણ ધાતુની મૂર્તિ પર લગાવવામાં આવે છે જે પછી પારાને બાષ્પીભવન કરવા માટે ગરમ કરવામાં આવે છે જેથી કરીને સોનાનું આવરણ પ્રતિમા પર રહે.

પારો-સોનાનું મિશ્રણ બનાવવાથી માંડીને મૂર્તિઓ પર તેને લગાડવા અને કોઈપણ રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કર્યા વિના પારાને બાષ્પીભવન કરવા માટે તેને ગરમ કરવા સુધીની આ બધી પ્રક્રિયાઓમાં, કામદારોને પારાના સીધા અને ખૂબ ઊંચા સ્તરના સંપર્કમાં આવવાનું થાય છે. પારાના વધુ ઉપયોગને કારણે પર્યાવરણીય (હવા, પાણી, માટી) સમસ્યાઓ પણ સર્જાય છે.
આ કામદારો પારાની વરાળ કે બાષ્પના સંપર્કમાં આવે છે જે તેમના શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. નેપાળના લલિતપુરના પાટણ વિસ્તારમાં ધાતુનો ઢોળ ચડાવવાનું કામ કરતી 20 મહિલા કામદારોની તપાસ કરતાં જણાયું હતું કે તેઓને પારાનો ખુબ સંપર્ક થાય છે. કામદારોમાં પારાના સંપર્કનું પ્રમાણ સરેરાશ 3.62 પીપીએમ જોવા મળ્યું જે આફ્રિકા, યુએસએ અને યુરોપમાં નોંધાયેલા સંપર્ક કરતાં વધારે છે. કામદારોના વાળના નમૂના લઇ તેમાં પારો કેટલો છે તે જાણવા તે નમૂના અમેરિકા મોકલવામાં આવ્યા. પારો શરીરમાં ગયો હોય તો લોહી અને પેશાબના નમૂનાઓમાં પણ જોવા મળે. પણ એ નમૂના અમેરિકા મોકલવા હોય તો એ પહોંચે ત્યાં સુધીમાં બગડી જાય તેથી વાળના નમૂના મોકલવામાં આવ્યા. નેપાળમાં લોહી-પેશાબમાં પારો છે કે નહી તેવું જોઇ આપી શકે તેવી લેબોરેટરીઓ નથી. ભારતમાં પણ ક્યાં કેટલી હશે તે આપણે જાણતા નથી. અમેરિકાની લેબના અહેવાલ અનુસાર મોકલવામાં આવેલા નમૂનાઓમાં પારાનું પ્રમાણ 0.35 થી 28.46 પીપીએમ સુધી જોવા મળ્યું. આ નમુનાઓમાં 75 ટકા (20 માંથી 15) કામદારોના નમૂનામાં પારાનું પ્રમાણ 1 પીપીએમ કરતાં વધી જાય છે. આ શોધ પરથી જાણવા મળ્યું છે કે નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય સાથે સંકળાયેલી વસતિને માથે પારાની ઝેરી અસરનું મોટું જોખમ છે. આ સમસ્યાના નિવારક પગલાં અને તબીબી સહાય માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
પારાના બંને પ્રકારના- કાર્બનીક અને અકાર્બનીક – સંયોજનો જોખમી છે. સામાન્ય તાપમાને પણ તે બાષ્પરૂપે હવામાં ભળે છે. તે શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. પારાની ઝેરી અસરને કારણે પાચનતંત્ર, ચેતાતંત્ર, શ્વસનતંત્ર, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુન સીસ્ટમ) અને ઉત્સર્ગતંત્ર પર અસર થાય છે. તે કારણે લકવો થવો, ધ્રુજારી થવી, ઉંઘ ન આવવી, માનસિક તકલીફ થવી (ઇમોશનલ ઇંસ્ટેબીલીટી – લાગણીઓ બેકાબુ બનવી) જેવી અસર થાય છે. કીડની અને ફેફસાં અસર પામે છે. એના સંપર્કને કારણે ત્વચા અને શેલષ્મ ત્વચા (મ્યુકસ મેંબ્રેન) ખવાઇ જાય છે. સ્નાયુઓનું સ્વૈચ્છિક હલનચલન થાય છે (તેના પર આપણો કાબુ રહેતો નથી). સાંભળવા, બોલવા અને જોવાની તકલીફ થઇ શકે છે. ચુસવા અને ગળવાની તકલીફ થઇ શકે છે. તેની સાથેનો સંપર્ક જીવલેણ પણ નીવડી શકે છે.
નેપાળ સરકારે 10મી ઓક્ટોબર 2013ના રોજ પારા પરના યુનોના મિનામાતા કન્વેન્શન (કરાર) પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ ધાતુ પર ઢોળ ચડાવવા માટે જો કોઇ દેશ પારાની આયાત કરવા માગતો હોય તો નિકાસ કરનારા દેશને તેમ કરવાની છુટ નથી. આ કરાર કરવા છતાં ધાતુ પર ઢોળ ચડાવવા પારાની આયાત નેપાળમાં ચાલુ રહી છે. આ કરારની કલમ સરકાર યુએન મિનામાતા મર્ક્યુરી કન્વેન્શનને બહાલી આપવા માટે પણ તૈયારી કરી રહી છે. નેપાળના પૂર્ણ થયેલ મિનામાતા પ્રારંભિક મૂલ્યાંકન (MIA) 2019ના અહેવાલો 2019ની શરૂઆતમાં યુનોના સંબંધીત સચિવાલયને સુપરત કરવામાં આવ્યા હતા. આ અહેવાલ અનુસાર નેપાળમાં વર્ષ 2016/17 દરમિયાન હવામાં અંદાજીત 19,615 કીલો પારાની બાષ્પ છોડવામાં આવી હતી. જેમાં યુનાઇટેડ નેશન્સ એન્વયર્નમેંટ પ્રોગ્રામ (UNEP) દ્વારા વિકસાવવામાં આવેલ ટૂલકિટ થકી ઓળખાયેલ વિવિધ સ્ત્રોત શ્રેણીઓમાંથી 35% (6,790 Kg Hg/y) કરતાં ઓછો અને એકલા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયમાંથી કુલ 65% (12825 Kg Hg/y)થી વધુ પારો વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો. નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય હવામાં પારો છોડવાનો સૌથી મોટો સ્ત્રોત છે.
નેપાળમાં પારો મળતો નથી તેથી તેની આયાત કરવી પડે છે. પારાની આયાતમાં વધારો થતો રહ્યો છે તે નીચેના કોઠા પરથી જોઇ શકાય છે. આ વિગતોમાં કેટલીક વિગતો સમજાતી નથી જેમ કે ૧૪/૧૫માં ૧૬૦૨ કીલોના ૧૬.૮૯ લાખ ચુકવ્યા પણ ૧૫/૧૬માં તેથી સાત ગણા જથ્થા માટે માત્ર ૧૩.૪૪ લાખ ચુકવ્યા.
વર્ષ જથ્થો કિંમત નેપાળી રુપીયા કિંમત અમેરીકન ડોલર ૨૦૧૪/૧૫ ૧,૬૦૨ કીલો ૧૬,૮૯,૦૦૦ ૧૬,૦૦૦.૫૫૮ ૨૦૧૫/૧૬ ૭,૧૨૮ કીલો ૧૩,૪૪,૦૦૦ ૧૩,૦૦૦.૧૭૬ ૨૦૧૬/૧૭ ૨૧૫ કીલો ૩,૧૫,૦૦૦ ૩૦,૮૮,૦૦૦ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) નામની નેપાળની આ વિષય પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા 2020માં મેટલ-પ્લેટિંગ વર્કશોપમાંથી નીકળતા ગંદા પાણીમાં પારાના દૂષણ અંગે કરાયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્કશોપમાંથી બહાર ફેંકવામાં આવેલા તમામ 5 નમૂનાઓમાં પારાના પ્રમાણ ખૂબ જ ઊંચું હતું. આ નમુનાઓમાં પારાનું પ્રમાણ 0.627 mg/L થી 11478 mg/L સુધી જોવા મળ્યું જે નેપાળ સરકારના જેનરિક સ્ટાન્ડર્ડ ઓફ વેસ્ટ વોટર એફ્લુઅન્ટ વોટરવેઝ માટે તેમજ જમીનમાં (0.01mg/L) ડિસ્ચાર્જ માટેના ધોરણ કરતાં 62.7 થી માંડીને 1147800 ગણું વધુ હતું. આ ગંદુ પાણી કોઇ જાતની પ્રક્રિયા કર્યા વગર જ જમીનમાં સપાટી પર છોડી મુકવામાં આવે છે અથવા નાની ગટરમાં છોડવામાં આવે છે જે કારણે નદી પ્રદુષિત થાય છે.
નેપાળમાં, 400 થી વધુ પરિવારો (દરેક પરિવારમાં સરેરાશ 10 કામદારો સાથે) આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ રીતે લગભગ 4000 લોકો ગોલ્ડ પ્લેટિંગ પ્રક્રિયા દરમિયાન પારાના સીધા જ વધુ પડતા સંપર્કમાં આવે છે. આ સમુદાય તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે અને તેમના કાર્યસ્થળને પારાના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોથી સુરક્ષિત અને મુક્ત બનાવવા માટે તાત્કાલિક સુધારણાની જરૂર છે. પારાની પ્રતિકૂળ અસરોને ઘટાડવા અથવા દૂર કરવા માટે ગંદા પાણીમાંથી પારો પરત મેળવવાની ટેક્નોલોજી અને/અથવા ઢોળ ચડાવવાની વૈકલ્પિક ટેકનોલઓજી (જેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ) તરફ લોકોને વાળવાની જરૂર છે. તેથી, નેપાળ માટે અનન્ય એવા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયને બચાવવા માટે અને લોકો, કામદારો અને પર્યાવરણની સુરક્ષા માટે મજબૂત તકનીકી નવિનીકરણની જરૂર છે.

આ સમુદાય છેલ્લા ૧૩૦૦ વર્ષથી આ કામ કરે છે. તેઓ પિત્તળ, તાંબા અને કાંસાની મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ કરે છે. આવી મૂર્તિઓ ની વિદેશમાં ઘણી માગ છે. નેપાળથી ભારત, ચીન, ફ્રાંસ, અમેરિકા, સ્પેન, જાપાન, મલેશિયા જેવા દેશોમાં તેની નિકાસ થાય છે. ૧૬/૧૭માં ૪૬.૮૨ કરોડ નેપાળી રૂપિયાની નિકાસ થઇ. નિકાસની વિગત નીચેના કોઠા પરથી જોઇ શકાય છે.
વર્ષ જથ્થો કિંમત નેપાળી રૂપિયા કિંમત અમેરીકન ડોલર ૨૦૧૪/૧૫ ૬૨૪,૮૯૬ ૨૫,૭૪,૪૯,૦૦૦ ૨૫,૨૪,૦૦૦.૦૦૯ ૨૦૧૫/૧૬ ૧,૦૭૮,૬૦૩ ૫૨,૦૯,૧૭,૦૦૦ ૫૧,૦૭,૦૦૦.૦૨૯ ૨૦૧૬/૧૭ ૭૮૧,૬૨૯ ૪૬,૮૨,૩૫,૦૦૦.૫૫ ૪૫,૯૦,૦૦૦.૫૪૪ આ મુદ્દાઓ પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) અને આ કારીગરો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ફેડરેશન ઑફ હેન્ડીક્રાફ્ટ એસોસિએશન ઑફ નેપાળ (FHAN) સાથે સંયુક્ત રીતે વિજ્ઞાન સંવાદનું આયોજન કરવા માટે નેપાળ એકેડમી ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી (NAST) દ્વારા લેવામાં આવેલી પહેલ ખૂબ જ નિર્ણાયક છે. એક તરફ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થાય અને બીજી તરફ ગોલ્ડ પ્લેટિંગની અનોખી પરંપરાગત પદ્ધતિઓનું રક્ષણ થાય તે સારૂ પર્યાવરણમાં છોડવામાં આવતા પારા પર નિયંત્રણ લાવવાની તાકીદની જરૂર છે. તે સરકારને પારા પરના યુનોના મિનામાતા કરારનું પાલન કરવામાં પણ મદદ કરે છે.

સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટના સ્થાપક રામ ચરીત સાહ સાથે મારે ફોન પર ૧/૧૦/૨૨ને રોજ થયેલી વાત મુજબ આ કામ ૨૦૧૯માં થયું હતું તે પછી હજુ પારાનું પ્રદુષણ ઘટાડવા સરકારે કોઇ પગલાં લીધાં નથી. ૨૦૧૯ પછી કોવીડ ફેલાયો અને તેમાં બધા ધંધા પર માઠી અસર પડી તેમ આ કારીગરોના ધંધા પર પણ પડી. આ કારીગરોને સંશોધનમાં સહકાર આપવા માટે મનાવવાનું કામ મોટું હતું. તેમના સહકાર વગર આવા અભ્યાસ થઇ શકે નહી. સામાન્ય રીતે આવા કામ કરવા કારીગરો સાથે વાત કરવામાં આવે ત્યારે એમને એવો ડર લાગતો હોય છે કે જો કોઇ વિપરીત પરિણામ આવશે તો એમના ધંધા પર જોખમ આવશે અને રોજીરોટી પર અસર પડશે. સંસ્થાએ એમના એસોસીએશન સાથે વાત કરી એના આગેવાનોને વિશ્વાસમાં લીધા તે પછી કામ થોડું સરળ થયું.
જેમને રસ હોય તે આ લીંક પર વીડીયો જોઇ શકે છેઃ
આ સંસ્થાને કારણે જ નેપાળમાં એસ્બેસ્ટોસ પર ૨૦૧૫માં પ્રતિબંધ મુકવામાં આવ્યો. સંસ્થાએ સિસાની ઝેરી અસર પર પણ કામ કર્યું છે.
જાપાનના મીનામાતા નામના શહેરમાં આવેલા રસાયણના કારખાનાનો પ્રવાહી કચરો સીધો દરિયામાં ફેંકવામાં આવતો હતો. દરિયાની માછલી તે કારણે પ્રભાવિત થઇ અને તે માછલી ખાવાને કારણે પહેલાં શહેરની બીલાડીઓ અને પછી માણસોમાં અસર દેખાઇ. તે રોગને જ પછી મીનામાતા રોગ તરીકે ઓળખાવાયો જે પારાના એક સંયોજનને કારણે થયો હતો.
સવાલ એ છે કે ભારતમાં પારાની ઝેરી અસરોની શી સ્થિતિ છે? ક્યા કારીગરો આવા કામ સાથે સંકળાયેલા છે? થોડા વર્ષ પહેલાં તામીલનાડુના કોડાઇકેનાલમાં હિંદુસ્તાન લીવર એટલે કે મલ્ટીનેશનલ યુનીલીવરનો થર્મોમીટરના ઉત્પાદનનો પ્લાંટ બંધ કરવામાં આવ્યો તે પછી પારાનો કચરો નજીકના જંગલમાં કોઇ જાતની પરવાનગી લીધા વગર ફેંકી દેવામાં આવ્યો. સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને લાંબા સંઘર્ષ બાદ તેમને વળતર ચૂકવવામાં આવ્યું. આ લડત માટે સ્વતંત્ર લેખ કરવો પડે. તે જ રીતે વડોદરા નજીક સરકારી પ્લાંટ ગુજરાત આલ્કલીઝ એંડ કેમીકલ્સ (જી.એ.સી.એલ) આવેલો છે. તેમાં પારાનો ઉપયોગ કરીને મીઠામાંથી કોસ્ટિક અને ક્લોરીનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ૯૨/૯૩ની આસપાસ તેમણે આ ટેકનોલોજી કાઢીને મેંબ્રેન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેમણે પણ પારાનો કચરો નંદેસરીમાં નાખ્યો હતો અને દિવસો સુધી લોકો ત્યાં જઇને પારો વીણી લાવતા હતા અને રોડ પર ઉભેલા વેપારીને વેચી દેતા હતા. તે સમયે અમે એ અંગે જાગૃતિ માટે પોસ્ટર પણ પ્રગટ કર્યા હતા. ભારતે ૧૯૯૬માં ૨૫૪ ટન પારો આયાત કર્યો હતો તે વધીને ૨૦૦૨માં ૫૩૧ ટન થયો. ભારતમાં પારાનો ઉપયોગ જંતુનાશકોના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રીક અને ઇલેક્ટોનીક્સ સાધનોમાં, થર્મોમીટરમાં, દાંતની સારવારમાં તેમજ રંગના ઉત્પાદનમાં વપરાય છે. દાંતના પોલાણમાં જે “ચાંદી” પુરવામાં આવે છે તે પારો હોય છે, ચાંદી નહી પારો હોય છે. આપણે ડોકટર પાસે જઇએ ત્યારે આપણું બ્લ્ડ પ્રેશર માપવા જે સાધન વાપરવામાં આવે છે તેમાં પારો હોય છે. પારાની બાષ્પના દીવા પણ આપણે વાપરીએ છીએ. તે ઉપરાંત થર્મોસ્ટેટ અને બટન સેલમાં પણ તે હોય છે અને તે બંનેની આપણે મોટા પાયે આયાત કરીએ છીએ.
શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું: jagdish.jb@gmail.com || M-+91 9426486855
