વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

નેપાળમાં પારાના પ્રદુષણનો સૌથી મોટો સ્ત્રોત ગોલ્ડ-પ્લેટિંગ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

પારો એ કુદરતી રીતે બનતું તત્વ છે જે હવા, પાણી અને જમીનમાં જોવા મળે છે. ડબ્લ્યુએચઓ દ્વારા પારાને જાહેર આરોગ્ય પર અસર કરતા ટોચના દસ રસાયણો અથવા રસાયણોના જૂથોમાંના એક તરીકે ગણવામાં આવે છે. પારાના સંપર્કમાં – નાની માત્રામાં પણ – આવવાને કારણે આરોગ્ય પર  ગંભીર અસર પડી શકે છે, અને તે ગર્ભાશયમાં  રહેલા ભ્રુણ અને બાળકોના શરૂઆતના  વિકાસ માટે જોખમ છે.

ગોલ્ડ પ્લેટિંગ (ગોલ્ડ-પારાનું મિશ્રણ; સોનાનો ઢોળ ચડાવવાનું કામ) એ સૌથી જોખમી કામો પૈકીનું એક છે જે મુખ્યત્વે નેપાળમાં એક વંશીય સમુદાય દ્વારા કરવામાં આવે છે અને તે ઘણી સદીઓથી ચાલ્યું આવે છે. મેટલ પ્લેટિંગ એ એક પ્રક્રિયા છે જેમાં હાથમાં પકડેલા ખલમાં પારા અને સોનાને એકસાથે લસોટીને તાંબાની મૂર્તિ પર સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવેલ સોના અને પારાનું મિશ્રણ ધાતુની મૂર્તિ પર લગાવવામાં આવે છે જે પછી પારાને બાષ્પીભવન કરવા માટે ગરમ કરવામાં આવે છે જેથી કરીને સોનાનું આવરણ પ્રતિમા પર રહે.

પારો-સોનાનું મિશ્રણ બનાવવાથી માંડીને મૂર્તિઓ પર તેને લગાડવા અને કોઈપણ રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કર્યા વિના પારાને બાષ્પીભવન કરવા માટે તેને ગરમ કરવા સુધીની આ બધી પ્રક્રિયાઓમાં, કામદારોને પારાના સીધા અને ખૂબ ઊંચા સ્તરના સંપર્કમાં આવવાનું થાય છે. પારાના વધુ ઉપયોગને કારણે પર્યાવરણીય (હવા, પાણી, માટી) સમસ્યાઓ પણ સર્જાય છે.

આ કામદારો પારાની વરાળ કે બાષ્પના સંપર્કમાં આવે છે જે તેમના શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. નેપાળના લલિતપુરના પાટણ વિસ્તારમાં ધાતુનો ઢોળ ચડાવવાનું કામ કરતી 20 મહિલા કામદારોની તપાસ કરતાં જણાયું હતું કે તેઓને પારાનો ખુબ સંપર્ક થાય છે. કામદારોમાં પારાના સંપર્કનું પ્રમાણ સરેરાશ 3.62 પીપીએમ જોવા મળ્યું જે આફ્રિકા, યુએસએ અને યુરોપમાં નોંધાયેલા સંપર્ક કરતાં વધારે છે. કામદારોના વાળના નમૂના લઇ તેમાં પારો કેટલો છે તે જાણવા તે નમૂના અમેરિકા મોકલવામાં આવ્યા. પારો શરીરમાં ગયો હોય તો લોહી અને પેશાબના નમૂનાઓમાં પણ જોવા મળે. પણ એ નમૂના અમેરિકા મોકલવા હોય તો એ પહોંચે ત્યાં સુધીમાં બગડી જાય તેથી વાળના નમૂના મોકલવામાં આવ્યા. નેપાળમાં લોહી-પેશાબમાં પારો છે કે નહી તેવું જોઇ આપી શકે તેવી લેબોરેટરીઓ નથી. ભારતમાં પણ ક્યાં કેટલી હશે તે આપણે જાણતા નથી. અમેરિકાની લેબના અહેવાલ અનુસાર મોકલવામાં આવેલા નમૂનાઓમાં પારાનું પ્રમાણ 0.35 થી 28.46 પીપીએમ સુધી જોવા મળ્યું. આ નમુનાઓમાં 75 ટકા (20 માંથી 15) કામદારોના નમૂનામાં પારાનું પ્રમાણ 1 પીપીએમ કરતાં વધી જાય છે. આ શોધ પરથી જાણવા મળ્યું છે કે નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય સાથે સંકળાયેલી વસતિને માથે પારાની ઝેરી અસરનું મોટું જોખમ છે. આ સમસ્યાના નિવારક પગલાં અને તબીબી સહાય માટે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

પારાના બંને પ્રકારના- કાર્બનીક અને અકાર્બનીક – સંયોજનો જોખમી છે. સામાન્ય તાપમાને પણ તે બાષ્પરૂપે હવામાં ભળે છે. તે શ્વાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. પારાની ઝેરી અસરને કારણે પાચનતંત્ર, ચેતાતંત્ર, શ્વસનતંત્ર, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુન સીસ્ટમ) અને ઉત્સર્ગતંત્ર પર અસર થાય છે. તે કારણે લકવો થવો, ધ્રુજારી થવી, ઉંઘ ન આવવી, માનસિક તકલીફ થવી (ઇમોશનલ ઇંસ્ટેબીલીટી – લાગણીઓ બેકાબુ બનવી) જેવી અસર થાય છે. કીડની અને ફેફસાં અસર પામે છે. એના સંપર્કને કારણે ત્વચા અને શેલષ્મ ત્વચા (મ્યુકસ મેંબ્રેન) ખવાઇ જાય છે. સ્નાયુઓનું સ્વૈચ્છિક હલનચલન થાય છે (તેના પર આપણો કાબુ રહેતો નથી). સાંભળવા, બોલવા અને જોવાની તકલીફ થઇ શકે છે. ચુસવા અને ગળવાની તકલીફ થઇ શકે છે. તેની સાથેનો સંપર્ક જીવલેણ પણ નીવડી શકે છે.

નેપાળ સરકારે 10મી ઓક્ટોબર 2013ના રોજ પારા પરના યુનોના મિનામાતા કન્વેન્શન (કરાર) પર હસ્તાક્ષર કર્યા હતા. તે મુજબ ધાતુ પર ઢોળ ચડાવવા માટે જો કોઇ દેશ પારાની આયાત કરવા માગતો હોય તો નિકાસ કરનારા દેશને તેમ કરવાની છુટ નથી. આ કરાર કરવા છતાં ધાતુ પર ઢોળ ચડાવવા પારાની આયાત નેપાળમાં ચાલુ રહી છે. આ કરારની કલમ સરકાર યુએન મિનામાતા મર્ક્યુરી કન્વેન્શનને બહાલી આપવા માટે પણ તૈયારી કરી રહી છે. નેપાળના પૂર્ણ થયેલ મિનામાતા પ્રારંભિક મૂલ્યાંકન (MIA) 2019ના અહેવાલો 2019ની શરૂઆતમાં યુનોના સંબંધીત સચિવાલયને સુપરત કરવામાં આવ્યા હતા. આ અહેવાલ અનુસાર  નેપાળમાં વર્ષ 2016/17 દરમિયાન હવામાં અંદાજીત 19,615 કીલો પારાની બાષ્પ છોડવામાં આવી હતી.  જેમાં યુનાઇટેડ નેશન્સ એન્વયર્નમેંટ પ્રોગ્રામ (UNEP) દ્વારા વિકસાવવામાં આવેલ ટૂલકિટ થકી ઓળખાયેલ વિવિધ સ્ત્રોત શ્રેણીઓમાંથી 35% (6,790 Kg Hg/y) કરતાં ઓછો અને એકલા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયમાંથી કુલ 65% (12825 Kg Hg/y)થી વધુ પારો વાતાવરણમાં છોડવામાં આવ્યો હતો. નેપાળમાં ગોલ્ડ-પ્લેટિંગ વ્યવસાય હવામાં પારો છોડવાનો સૌથી મોટો સ્ત્રોત છે.

નેપાળમાં પારો મળતો નથી તેથી તેની આયાત કરવી પડે છે. પારાની આયાતમાં વધારો થતો રહ્યો છે તે નીચેના કોઠા પરથી જોઇ શકાય છે. આ વિગતોમાં કેટલીક વિગતો સમજાતી નથી જેમ કે ૧૪/૧૫માં ૧૬૦૨ કીલોના ૧૬.૮૯ લાખ ચુકવ્યા પણ ૧૫/૧૬માં તેથી સાત ગણા જથ્થા માટે માત્ર ૧૩.૪૪ લાખ ચુકવ્યા.

વર્ષ જથ્થો કિંમત નેપાળી રુપીયા કિંમત અમેરીકન ડોલર
૨૦૧૪/૧૫ ૧,૬૦૨ કીલો ૧૬,૮૯,૦૦૦ ૧૬,૦૦૦.૫૫૮
૨૦૧૫/૧૬ ૭,૧૨૮ કીલો ૧૩,૪૪,૦૦૦ ૧૩,૦૦૦.૧૭૬
૨૦૧૬/૧૭ ૨૧૫ કીલો ૩,૧૫,૦૦૦ ૩૦,૮૮,૦૦૦

 

સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) નામની નેપાળની આ વિષય પર કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા  દ્વારા 2020માં મેટલ-પ્લેટિંગ વર્કશોપમાંથી નીકળતા ગંદા પાણીમાં પારાના દૂષણ અંગે કરાયેલા અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્કશોપમાંથી બહાર ફેંકવામાં આવેલા તમામ  5 નમૂનાઓમાં પારાના પ્રમાણ ખૂબ જ ઊંચું હતું. આ નમુનાઓમાં પારાનું પ્રમાણ 0.627 mg/L થી 11478 mg/L સુધી જોવા મળ્યું જે નેપાળ સરકારના જેનરિક સ્ટાન્ડર્ડ ઓફ વેસ્ટ વોટર એફ્લુઅન્ટ વોટરવેઝ માટે તેમજ જમીનમાં (0.01mg/L) ડિસ્ચાર્જ માટેના ધોરણ કરતાં 62.7 થી માંડીને 1147800 ગણું વધુ હતું. આ ગંદુ પાણી કોઇ જાતની પ્રક્રિયા કર્યા વગર જ જમીનમાં સપાટી પર છોડી મુકવામાં આવે છે અથવા નાની ગટરમાં છોડવામાં આવે છે જે કારણે નદી પ્રદુષિત થાય છે.

નેપાળમાં, 400 થી વધુ પરિવારો (દરેક પરિવારમાં સરેરાશ 10 કામદારો સાથે) આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ રીતે લગભગ 4000 લોકો ગોલ્ડ પ્લેટિંગ પ્રક્રિયા દરમિયાન પારાના સીધા જ વધુ પડતા સંપર્કમાં આવે છે. આ સમુદાય તરફ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે અને તેમના કાર્યસ્થળને પારાના ઉપયોગ સાથે સંકળાયેલા જોખમોથી સુરક્ષિત અને મુક્ત બનાવવા માટે તાત્કાલિક સુધારણાની જરૂર છે. પારાની પ્રતિકૂળ અસરોને ઘટાડવા અથવા દૂર કરવા માટે  ગંદા પાણીમાંથી પારો પરત મેળવવાની ટેક્નોલોજી અને/અથવા ઢોળ ચડાવવાની વૈકલ્પિક ટેકનોલઓજી (જેમ કે ઇલેક્ટ્રોપ્લેટિંગ) તરફ લોકોને વાળવાની જરૂર છે. તેથી, નેપાળ માટે અનન્ય એવા ગોલ્ડ પ્લેટિંગ વ્યવસાયને બચાવવા માટે અને લોકો, કામદારો અને પર્યાવરણની સુરક્ષા માટે મજબૂત તકનીકી નવિનીકરણની જરૂર છે.

આ સમુદાય છેલ્લા ૧૩૦૦ વર્ષથી આ કામ કરે છે. તેઓ પિત્તળ, તાંબા અને કાંસાની મૂર્તિઓ પર સોનાનો ઢોળ ચડાવવાનું કામ કરે છે. આવી મૂર્તિઓ ની વિદેશમાં ઘણી માગ છે. નેપાળથી ભારત, ચીન, ફ્રાંસ, અમેરિકા, સ્પેન, જાપાન, મલેશિયા જેવા દેશોમાં તેની નિકાસ થાય છે. ૧૬/૧૭માં ૪૬.૮૨ કરોડ નેપાળી રૂપિયાની નિકાસ થઇ. નિકાસની વિગત નીચેના કોઠા પરથી જોઇ શકાય છે.

વર્ષ જથ્થો કિંમત નેપાળી રૂપિયા કિંમત અમેરીકન ડોલર
૨૦૧૪/૧૫ ૬૨૪,૮૯૬ ૨૫,૭૪,૪૯,૦૦૦ ૨૫,૨૪,૦૦૦.૦૦૯
૨૦૧૫/૧૬ ૧,૦૭૮,૬૦૩ ૫૨,૦૯,૧૭,૦૦૦ ૫૧,૦૭,૦૦૦.૦૨૯
૨૦૧૬/૧૭ ૭૮૧,૬૨૯ ૪૬,૮૨,૩૫,૦૦૦.૫૫ ૪૫,૯૦,૦૦૦.૫૪૪

આ મુદ્દાઓ પર સંશોધન કરતી સંસ્થા સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટ (CEPHED) અને આ કારીગરો જે સંસ્થા સાથે જોડાયેલા છે તે ફેડરેશન ઑફ હેન્ડીક્રાફ્ટ એસોસિએશન ઑફ નેપાળ (FHAN) સાથે સંયુક્ત રીતે વિજ્ઞાન સંવાદનું આયોજન કરવા માટે નેપાળ એકેડમી ઓફ સાયંસ એન્ડ ટેકનોલોજી (NAST) દ્વારા લેવામાં આવેલી પહેલ ખૂબ જ નિર્ણાયક છે. એક તરફ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થાય અને બીજી તરફ ગોલ્ડ પ્લેટિંગની અનોખી પરંપરાગત પદ્ધતિઓનું રક્ષણ થાય તે સારૂ પર્યાવરણમાં છોડવામાં આવતા પારા પર નિયંત્રણ લાવવાની  તાકીદની જરૂર છે. તે સરકારને પારા પરના યુનોના મિનામાતા કરારનું પાલન કરવામાં પણ મદદ કરે છે.

સેન્ટર ફોર પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ ડેવલપમેન્ટના સ્થાપક રામ ચરીત સાહ સાથે મારે ફોન પર ૧/૧૦/૨૨ને રોજ થયેલી વાત મુજબ આ કામ ૨૦૧૯માં થયું હતું તે પછી હજુ પારાનું પ્રદુષણ ઘટાડવા સરકારે કોઇ પગલાં લીધાં નથી. ૨૦૧૯ પછી કોવીડ ફેલાયો અને તેમાં બધા ધંધા પર માઠી અસર પડી તેમ આ કારીગરોના ધંધા પર પણ પડી. આ કારીગરોને સંશોધનમાં સહકાર આપવા માટે મનાવવાનું કામ મોટું હતું. તેમના સહકાર વગર આવા અભ્યાસ થઇ શકે નહી. સામાન્ય રીતે આવા કામ કરવા કારીગરો સાથે વાત કરવામાં આવે ત્યારે એમને એવો ડર લાગતો હોય છે કે જો કોઇ વિપરીત પરિણામ આવશે તો એમના ધંધા પર જોખમ આવશે અને રોજીરોટી પર અસર પડશે. સંસ્થાએ એમના એસોસીએશન સાથે વાત કરી એના આગેવાનોને વિશ્વાસમાં લીધા તે પછી કામ થોડું સરળ થયું.

જેમને રસ હોય તે આ લીંક પર વીડીયો જોઇ શકે છેઃ

આ સંસ્થાને કારણે જ નેપાળમાં એસ્બેસ્ટોસ પર ૨૦૧૫માં પ્રતિબંધ મુકવામાં આવ્યો. સંસ્થાએ સિસાની ઝેરી અસર પર પણ કામ કર્યું છે.

જાપાનના મીનામાતા નામના શહેરમાં આવેલા રસાયણના કારખાનાનો પ્રવાહી કચરો સીધો દરિયામાં ફેંકવામાં આવતો હતો. દરિયાની માછલી તે કારણે પ્રભાવિત થઇ અને તે માછલી ખાવાને કારણે પહેલાં શહેરની બીલાડીઓ અને પછી માણસોમાં અસર દેખાઇ. તે રોગને જ પછી મીનામાતા રોગ તરીકે ઓળખાવાયો જે પારાના એક સંયોજનને કારણે થયો હતો.

સવાલ એ છે કે ભારતમાં પારાની ઝેરી અસરોની શી સ્થિતિ છે? ક્યા કારીગરો આવા કામ સાથે સંકળાયેલા છે? થોડા વર્ષ પહેલાં તામીલનાડુના કોડાઇકેનાલમાં હિંદુસ્તાન લીવર એટલે કે મલ્ટીનેશનલ યુનીલીવરનો થર્મોમીટરના ઉત્પાદનનો પ્લાંટ બંધ કરવામાં આવ્યો તે પછી પારાનો કચરો નજીકના જંગલમાં કોઇ જાતની પરવાનગી લીધા વગર ફેંકી દેવામાં આવ્યો. સ્થાનિક લોકોએ વિરોધ કર્યો અને લાંબા સંઘર્ષ બાદ તેમને વળતર ચૂકવવામાં આવ્યું. આ લડત માટે સ્વતંત્ર લેખ કરવો પડે. તે જ રીતે વડોદરા નજીક સરકારી પ્લાંટ ગુજરાત આલ્કલીઝ એંડ કેમીકલ્સ (જી.એ.સી.એલ) આવેલો છે. તેમાં પારાનો ઉપયોગ કરીને મીઠામાંથી કોસ્ટિક અને ક્લોરીનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ૯૨/૯૩ની આસપાસ તેમણે આ ટેકનોલોજી કાઢીને મેંબ્રેન ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્પાદન શરૂ કર્યું ત્યારે તેમણે પણ પારાનો કચરો નંદેસરીમાં નાખ્યો હતો અને દિવસો સુધી લોકો ત્યાં જઇને પારો વીણી લાવતા હતા અને રોડ પર ઉભેલા વેપારીને વેચી દેતા હતા. તે સમયે અમે એ અંગે જાગૃતિ માટે પોસ્ટર પણ પ્રગટ કર્યા હતા. ભારતે ૧૯૯૬માં ૨૫૪ ટન પારો આયાત કર્યો હતો તે વધીને ૨૦૦૨માં ૫૩૧ ટન થયો. ભારતમાં પારાનો ઉપયોગ જંતુનાશકોના ઉત્પાદનમાં, ઇલેક્ટ્રીક અને ઇલેક્ટોનીક્સ સાધનોમાં, થર્મોમીટરમાં, દાંતની સારવારમાં તેમજ રંગના ઉત્પાદનમાં વપરાય છે. દાંતના પોલાણમાં જે “ચાંદી” પુરવામાં આવે છે તે પારો હોય છે, ચાંદી નહી પારો હોય છે. આપણે ડોકટર પાસે જઇએ ત્યારે આપણું બ્લ્ડ પ્રેશર માપવા જે સાધન વાપરવામાં આવે છે તેમાં પારો હોય છે. પારાની બાષ્પના દીવા પણ આપણે વાપરીએ છીએ. તે ઉપરાંત થર્મોસ્ટેટ અને બટન સેલમાં પણ તે હોય છે અને તે બંનેની આપણે મોટા પાયે આયાત કરીએ છીએ.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855