કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
“અલ્યા રવજી ! છેલ્લા ત્રણ-ચાર દા’ડાથી “આજ નહીં, કાલે વાત…આજ નહીં, આવતી કાલે વાત” એમ કર્યે જા છો તે તારે ટ્રેક્ટર હાંકી દેવું છે કે નહીં ? તારા ભરોહે તો ભલામાણહ મેં બીજાને કીધું નથી ! હવે આવતી કાલે સવારમાં તારું નાનું ટ્રેક્ટર લઈને આવી જા તો કપાહના ચાહની પડખામાં ખાતર વાવી દઈએ. આ જો, માથા ઉપર મે જળુંબી રહ્યો છે, ક્યારે ટૂટી પડે એનું કંઇ કહેવાય નહીં. જો આવી જાહે ને, તો તો પછી વરાપ થાતાં લાગી જાહે વાર, અને કપાહના છોડવા થઈ જાહે મોટા, એટલે પછી એમાં ટ્રેક્ટર હાંક્યે ડાળ્યું જાય ભાંગી, અને આ ખાતર વાવવાનો આપણો કાર્યક્રમ જ બંધ રાખવાનો થાહે. માટે કાલે મારો વારો લઈલે ભૈલા !” સાંજના રવજીને ઘેરે જઈ કરશનકાકાએ તાકીદ કરી.
“ના, કરશનકાકા કાલ નહીં ! કાલ તો છે “અગિયારશ” ! તમે બમણું ભાડું આપો તોયે અગિયારશ હું નહીં ભાંગુ ! મારું નીમ છે કાકા કે “અગિયારશ” અને “અમાહે” તો અગતો પાળવાનો જ !” રવજીએ કરશનકાકાની શરમ નો ભરી તે બસ નો જ ભરી ! અને કુદરતને કરવુ છે તે કરશનકાકાને બીક હતી એવું જ થયું ! બીજે દિવસે સાંજકનો વરસાદ શરૂ થયો તે ચાર દિ’ સુધી લાગલગાટ વરસ્યો ! રવજીની અગિયારશનો અગતો રવજીને તો ફળતા ફળશે પણ કરશનકાકાને તો સરખાઇનો નડી ગયો !
મિત્રો ! આપણે ખેડૂતોમાં હમણાં સુધી આવા અગિયારશ અને અમાસના અગતા પળાતા હતા. તે દિવસોમાં સાંતી-કોસ અને મુસાફરી જેવા બધાં કામો બળદ માથે હતાં. એટલે ક્યારેક એને થોડોક થાક-પોરો ખાવા મળે એવી એની પાછળની દ્રષ્ટિ હતી. પણ આજ તો હવે મશીનથી-ટ્રેક્ટરથી ખેતીકામો કરવાના થાય છે એમાં વળી “અગતા”ની જરૂર શી ? કહેશો ! ગામડાંમાં અને એમાંયે ખેડૂતસમાજમાં તો આવા કેટકેટલાય વહેમો ને અંધશ્રદ્ધાનું પાલન-પોષણ થઈ રહ્યું છે.કહો ! કોની વાત કરવી ને કોની ન કરવી?
હા, અગતા પાછળનું કોઇ વ્યાજબી કારણ હોય તો જરૂર પળાય. જેમકે અમારા વિસ્તારમાં “ઢસા ગામ” અને “ઢસા વીશી” એવા નામની બે મોટી વસ્તિ છે. બન્ને કસબાની પંચાયતો પણ અલગ અલગ છે. એકમાં અગતો રખાય છે “અમાસ” નો અને બીજામાં પળાય છે “પૂનમ” નો ! પણ એ એટલા માટે કે બન્નેની બજારોમાં આસપાસના ગામડાંઓનું હટાણું જબરું છે. એટલે બધા ધંધાદારીઓને મહિનામાં આવી રજા હોય તો વ્યાપાર-ધંધા બંધ રાખી, અન્ય કામો કરી શકે તે છતાં કોઇ બહારગામડેથી ખરીદીઅર્થે આવી ચડનારને ખોટો ધક્કો ન થાય ! ઢસા ગામની બજારોમાં રજા હોય તો ઢસા સ્ટેશન ખુલ્લું હોય અને ઢસા સ્ટેશનમાં રજા હોય તો ઢસાગામ ખુલ્લું હોય,બન્ને ગામ બાજુબાજુમાં સાવ અડીને છે તેથી આ બન્નેના અગતા સૌને નડતરરૂપ નથી
મૃત્યુ પ્રસંગે “મોટી કાણ્ય” નો દેખાડો :થોડા દિવસો પહેલાં અમારા પાડોશીના સગામાં એક વયોવૃદ્ધદાદાનું મોટું ગામતરું થયું. તો અમારા પાડોશીએ તો “તમારે બે જણાએ ખોટક્યાના કામે આવવાનું,……. તમારે બે જણાએ આવવાનું “ એવું કહી કહી 20-22 જણાને તૈયાર કર્યા, મોટું વાહન બાંધી ખરખરે જઈ આવ્યા. હવે તમે જ કહો, કોઇનું મૃત્યુ થાય એટલે એના નજીકના સગા-સંબંધી હોય તેઓને ફરજ પડે કે સગાંના દુ:ખમાં ભાગીદાર થવા-કંઇક આશ્વાસન દેવા- ખોંખારે જવું જોઇએ. પણ “મોટી કાણ્ય”નો દેખાડો કરવા જેઓને આ મૃત્યુ સાથે કંઇ લેવાલેવાદેવા નથી એ બધાનો સમય અને ગાડીભાડાનો વેડફાટ કરાવવાનો કંઇ અર્થ ખરો ? જ્યારે ને ત્યારે આવી “કાણ્ય” ની ઢાલો ઊભી જ હોય !
વૈતરણી તરવા ગાયને પૂંછડે પાણી ? એક દિવસ કે જેટલા દિવસ “બેસણું” રાખ્યું હોય તેટલા દિવસ કાણ્યે આવતા આદમી માથે ફાળિયાં ઓઢી લાંબે રાગે રોતા રોતા આવે અને બૈરાંઓ તો છાતી કૂટતી આવે એવો રિવાજ ખોટો દેખાડો નથી ? અને “પાણીઢોળ’ ની વિધિ વખતેય એવો ફજેતો કરવાનો, કે વાછરડીની ડોકે સાતધાનની પોટલીઓ ટીંગાડી કુટુંબીજનોએ એને પૂંછડે પાણી રેડવા ક્યાંય ક્યાંયથી આવી જવાનું ! કહેવાય છે કે આમ કરવાથી સદગત વૈતરણી પાર ઉતરી જાય, બોલો ! કોણે ભાળી છે વૈતરણી, કોઇ કહેશો ? બધું ગપેગપ કે બીજું કાંઇ ?
અને પાછો મરણ પછીનો રિવાજ તો જુઓ ! પાણીઢોળને દિવસે “સોગ” ભાંગ્યા પછી પાછા કારજ નિમીત્તે સૌએ ભેગા મળી લાડવા દાબવાના ! “મૃત્યુ” એ તો દુ:ખનો પ્રસંગ છે. તે પછી મૃત્યુ ભલેને વયોવૃદ્ધ દાદા કે દાદીનું થયું હોય ! એ ઘટના દુ:ખદ જ ગણાય. પહેલાં તાણી તાણીને રડી લેવાનું અને પછી ધરાઇ ધરાઇને મિઠાઇ ઝાપટવાની ? સગા-સ્નેહી-સંબંધી આપણા દુ:ખમાં ભાગ પડાવવા આવ્યા હોય તે ઈચ્છવાયોગ્ય છે, તેઓ પણ પ્રસંગની ગંભીરતા જાણી “સાદા રોટલા” જ જમે અને જમાડાય. વિચિત્રતા તો એવી છે કે જે કેટલાક પૈસેટકે થોડા માતબર હોય એતો વળી “ગળી કાણ્ય” નો કાર્યક્રમ આદરે ! મોઢે આવેલાને બધાને તાણ્ય કરી કરીને મિષ્ટાન જમાડીને પછી જ જવા દે,બોલો !
ઉદાહરણરૂપ માલપરાગામનો રિવાજ : અમારા ગામ માલપરામાં સ્વર્ગસ્થ માટલિયાભાઇના તપ થકી ગ્રામસમાજમાં કેટાલાક સંસ્કારો ઘડાયા છે, તેમાં આ “કારજ-દાડા” માંથી મોટાભાગના લોકો મુક્ત થયા છે, એની પાછળની પાક્કી સમજણ બસ એ જ કે “મૃત્યુ પાછળ મિજબાની” ન હોય ! એની પાછળ બીજો પણ શુભ હેતુ સમાયેલો એ છે કે “દાડા” જેવા ખોટા રીત-રિવાજમાં પૈસા ખરચવા એના કરતાં કોઇ સારા ગામાયત કાર્યમાં જ ન ખર્ચીએ ? અને એ નિમીતે કોઇ બસસ્ટેંડ, કોઇ હવાડા ઉપર છાંયો, કોઇ વળી પાણીનું પરબ કે શાળામાં વોટરકૂલર, ગ્રામ-પ્રવેશદ્વાર કે મકાનો બાંધવા જેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.
અમારી જ વાત કરું તો અમારા માતુશ્રી દિવાળીબાનું અવસાન થતાં વાછરડીનાં પૂંછડે પાણીયે નથી રેડ્યું કે નથી ગાદલું-ગોદડું-ચાદર-ઓશિકું-લોટો-ચમ્પલ-છત્રી-ફળો જેવી ચીજવસ્તુઓ મૂકીને ખાટલોએ કળપ્યો ! કે નથી લાડવાવાળો દાડોયે કર્યો. હા, એ નિમીતે બા-બાપાની પૂણ્યસ્મૃતિ રૂપે અમે એમનાં સંતાનો જ્યાં ભણીને શિક્ષણ-સંસ્કાર પામ્યાં તે વાત્સલ્યધામ લોકશાળામાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં અનુકૂળતા થાય તે અર્થે ત્રણ વર્ગખંડો – Class Rooms બંધાવી આપ્યા, અને દર વરસે એમની નિર્વાણતિથિએ કુટુંબી બધાં ભેળાં થઈ તેમના ગુણસ્મરણનો કાર્યક્રમ રાખતા હોઇએ છીએ.
“લીલ પરણાવવી” : હજી એક એવોએ રજા દીધા જેવો રિવાજ છે કે કોઇ અપરણિત છોકરો, યુવાન કે ભલેને સાઇઠ છાંડી ગયેલ આધેડ હોય પણ [ પુરુષ જાતિ જ હો ! કોઇ દીકરી, કે સ્ત્રી લગ્ન થયા વિના મૃત્યુ પામે તો પાછું નહીં હો !] એના લગ્ન ન થયેલ હોય અને મૃત્યુ થયું હોય તો તેની પાછળ “લીલ પરણાવવી” પડે. અને એમ ન કરાય તો મરનારનો આત્મા અવગતે જાય ! જે રીતની લગ્નમાં વિધિ હોય એ રીતે જ ડાભડા [એક પ્રકારનું ઘાસ ]ના વર-કન્યા બનાવી, એમાં મરનારના આત્માનું નિરૂપણ કરી રીતસર ફેરા ફેરવી લગ્ન કરવાનો રિવાજ છે. બોલો, આવું કરવાનો કોઇ અર્થ ખરો ? માનસમાં ઘર કરી ગયેલ વહેમ કે બીજું કાં? સમયની બરબાદી,નાણાંનો વેડફાટ અને બુદ્ધિનું દેવાળું નહીં તો બીજું શું કહેશું કહો !
સુરધન-શિકોતર રૂપે ગોંખલા પૂજવા : માનો કે કોઇનું કોઇપણ જાતના અકસ્માતે મૃત્યું થયું ? તો તેના મનમાં અધૂરી રહી ગયેલી ઇચ્છાઓની પૂર્તિ માટે ભૂવાને બોલાવી-માંડવો નાખી-દાણા જોવરાવી એને “સુરધન-શિકોતર” સ્વરૂપે ગોંખલામાં બેસાડી કાયમખાતે ભૂવા કહે એમ એની સરભરા કર્યા કરવાની, અને માનોકે કુટુંબમાં કોઇ સભ્ય જરા સાજા-માંદા થયા કે કોઇ કામમાં નબળું પરિણામ મળ્યું ? તો તરત બોલાવો ભૂવાને, અને કરો માંડલું, જૂઓ દાણાં ! શોધો, આપણને કોણ નડે છે ? અને એ શોધવામાં ઢોંગી ભૂવાને રળાવ્યા કરવાનું અને પોતાના મગજને કાયમ આવા વહેમના બાનમાં રાખતા રહેવાનું !
અમારે ઘેર ચોસલામાં પણ મકાનની ઓંશરીના ભડે એક ગોંખલો હતો. એ ગોંખલા ઉપર એક પડદો હતો. એ પડદો ખુલ્લો હોય ત્યારે મારાં બાને એની લાજ કાઢવાની થતી. કારણ કે એમાં “સુરધનદાદા” બેઠેલા હતા. અને ઘરની પછીતે એક ગોંખલો હતો તેમાં “શિકોતરમા” બેઠેલા હતા. હું ત્યારે માલપરે માટલિયાભાઇની લોકશાળામાં 8 મું ધોરણ ભણતો હતો. મેં માટલિયાભાઇને સૂરધન-શિકોતરની વાત કરી. તો મને કહે “આપણે આગ્રા-ગંગાજીના પ્રવાસે જઈએ ત્યારે સાથે લઈ લેજે-ગંગાજીમાં પધરાવીને તેનો મોક્ષ કરી દઈશું.” મેં ઘેર વાત કરી તો કાકાએ તો ભૂવાને બોલાવ્યા. દાણાની એકી-બેકી કરીને ભૂવો કહે, “ જો છોકરા ! સુરધનદાદા સામાપૂરે હાલે તો મૂર્તિઓ સોનાની કરાવવી પડશે !” મારા બાપા કહે, “કંઇ વાંધો નહીં બેટા ! એવું થાય તો પાછા લાવજે”. હું તો ખાદીના રૂમાલમાં વીંટી, કપડાના થેલામાં મૂકી સાથે લઈ ગયો અને 32 વિદ્યાર્થીઓની સાક્ષીમાં ગંગાના વહેણમાં તરતા મૂક્યા,એ કંઇ સામાપૂરે ન હાલ્યાં,તણાઇ ગયા ! અમારા કુટુંબમાંથી સુરધન-શિકોતરનો વહેમ પણ કાયમ ખાતે તણાઇ ગયો
પિતૃઓને પાણી પાવું : ગામડાંઓમાં તો એક એવોએ રિવાજ છે કે ભાદરવી અમાસના દિવસે હાથમાં ઝારી-લોટા લઈ ધરો, બોરડી, પીપળે, વડલે, નદીને કાંઠે, ગાયોનો ગોંદરે વગેરે સ્થળે પિતૃઓને તૃપ્ત કરવાના બહાને પાણી રેડવું જોઇએ. સંત એકનાથજીએ આવું જોયું તો નદીના વહેણમાં ઊભા રહી ખોબલે ખોબલે દક્ષિણ દિશામાં પાણી ઉડાડવા માંડ્યા. કોઇકે કહ્યું કે “એકનાથજી ! આ શું કરો છો ?” તો એકનાથજી કહે, “મારું ખેતર આ બાજુ છે એને પાણી સિંચું છું.” તો પેલો જણ કહે “ આ તમારું ખોબે ખોબે ઉલેચેલું પાણી એટલે દૂર થોડું પહોંચે ?”ત્યારે એકનાથજીએ કહેલું કે “ભલાભાઇ ! મારું ખેતર તો નજીક જ છે, જો મારું ઉલેચેલું પાણી ત્યાં ન પહોંચવાનું હોય તો તમારા વડવાઓને એટલે બધે દૂર તમે આ રીતે રેડો છો તે થોડું પહોંચતું હશે ?” વડવાઓને પાણી તો જીવતેજીવ તેમણે માગ્યું ત્યારે પાયું હોય તો તેમનો કોઠો ઠર્યો હોય ! બાકી શું અર્થ છે આવી રીતે આવા વહેમ અને રીતરિવાજોની પાછળ સમય અને મગજ ખોયા કરવાનો ?
લીંબું-મરચાં અને ઘોડાનો નાળ દરવાજે ટીંગાડવા :એક દિવસ વન-પર્યાવરણ અંગેની એક મિટિંગમાં અમે 5-7 ખેડૂત મિત્રો પાલીતાણા જઈ રહ્યા હતા.રસ્તામાં રોડ ઉપર જ 3-4 મોટર-કાર ઊભેલી જોઇ અમે પણ “શું છે?” એ જાણવા જીપ ધીમી પાડી-ઊભી રાખી અને જોયું તો એક ઘોડાગાડીવાળો હાથમાં ઘોડાના પગેથી નીકળી ગયેલો “નાળ” હાથમાં ઉંચો રાખી, સૌને દેખાડી, “ઘેરે નાળ ટીંગાડી રાખવાથી થતા ફાયદા” વર્ણવી નાળનું વેચાણ કરતો ભાળ્યો. અમારા માહ્યલા કોઇને તો આવી હંબક વાત ગળે થોડી ઉતરે ? અમે તો ત્યાંથી ચાલતી પકડી. પણ અમારા માહ્યલા ઠાકરશીભાઇ કહે “હીરજીભાઇ ! તમે ભલે ન માનો, પણ દરવાજે ઘોડાનો “નાળ” અને લીંબું-મરચા ટીંગાડવાનો જો કંઇ લાભ ન હોય તો મોટા મોટા ડાક્ટરો અને શેઠિયાઓ પોતાના દવાખાને કે ઓફિસોમાં શું કામ ટીંગાડતા હોય ?” મેં કહ્યું કે “ઠાકરશીભાઇ ! ડોક્ટર કે શેઠિયા થઈ ગયા એટલે આવા વહેમોમાંથી નીકળી ગયા હોય એમ માનવું ભૂલ ભરેલું છે. તમને તો ગળે ઉતરે છે ને કે ઘોડાનો નાળ કે લીંબું-મરચાં તો શું, ઘોડાગાડીનું આખું પૈડું અને લીંબું-મરચાની આખી ગાંહડી બારણે ટીંગાડીએ તોયે વિના પુરુષાર્થે ક્યાંય રોટલા મળતા નથી ! એવું કરતા હોય એને કરવા દ્યો. આ જમાનો હવે ઘોડાના નાળ કે લીંબું-મરચાં ટાંગવાથી થાવાવાળી પ્રગતિનો નથી રહ્યો. કમ્પુટર અને ઇંટરનેટનો જમાનો આવી ગયો છે મિત્રો ! આપણે હજુ એવા વહેમોમાં જ રચ્યાપચ્યા રહેશું તો ખરેખર કરવા જેવા કામો કરવાનો ગાળો જ નહીં મળે ભાઇઓ ! એમાંથી જલ્દી બહાર નીકળીએ”
આવા વહેમોયે પાર વિનાના : અરે ! કેવા કેવા વિચિત્ર વહેમો અને રીતરિવાજો આપણાં માનસમાં ઘર કરી ગયા છે કે ન પૂછો વાત ! ગામતરે જવા નીકળીએ અને બિલાડી આડી ઉતરે કે-કૂતરું કાન કરે કે વેળા-કવેળાનો વખત હોય અને જો ચીબરી બોલી ઊઠે તો ખલાસ ! ભારે અપશુકન જ થયા ગણાય. બિલાડી તો આપણાં ઘરોમાં રહેનારો જીવ છે, શું એને હરફર નહીં કરવાની ? એ ન આડી ઉતરે તો શું સાવજ-દીપડા આડા ઉતરે ? અને ચીબરી તો ખેતીપાકોનો રાતનો રખેવાળ હોઇ, એ તો ખેડૂતની સહેલી ગણાય. એની હાજરી તો આપણી મોલાતોને ઉંદર જેવા રાની જીવોથી રક્ષણ આપનાર છે.એ બોલે એ તો ખેડૂતને મન શુકન થયા ગણાય.
“શનિવાર” તો કહે હનુમાનદાદાનો વાર. “દેવદેરાં ચડાય પણ હનુમાનની હડિયે ન ચડાય” કંઇ વાંધો નહી, આપણે શનિવારે વાળ ન કપાવવા, નખ ન કાપવા કે એક દિ’ માથામાં તેલ ન નાખવું. દિ’નો ક્યાં દુકાળ છે ? બાકીના છ વાર છે, બીજો કોઇ વાર પસંદ કરવો. પણ ખિજડે મામો બેઠો હોય, પીપળાના ઝાડવે ભૂત હોય કે આંકડોનો ચૂલાપાયો ન કરાય-એ પાછી સારી વાત છે. એ ખોટા વહેમ નથી, પણ એ પર્યાવરણરક્ષાના હેતુસર વૃક્ષોને બચાવવા માટેની એ કહેતી છે.
ગાય-બળદ ખરીદવાના હોય કે ટ્રેક્ટર જોડાવવાનું હોય, કૂવો ગાળવાનો હોય કે મકાનના પાયા છાપવાના હોય, તિથિ-વાર-ને ચોઘડિયાનો મેળ કરવામાં શુંકામ વખત ગુમાવવો, કોઇ કહેશો ? પૂરા મનથી કોઇ કામની શરૂઆત કરીએ તો એમાં સફળ થવાના જ હોઇએ, ઠાલું મુહૂર્ત જોવરાવ્યે શું વળે ? દેખીતી રીતે એનાથકી થતું નુકશાન ભલે ન ભળાતું હોય, પણ એનાથી નુકશાન શું થાય તે કહું? એનાથી મનની નબળાઇ વધે છે. સ્વપુરુષાર્થ પરનો ભરોસો ઘટે છે.“કામ પાર પડશે જ” એવી દ્રઢતા ઓછી થાય છે.
આપણો વિશ્વાસ આપણી જાત ઉપરથી ખસીને પેલા સારા મૂહૂર્ત ઉપર ચાલ્યો જાય, એ આપણી નબળાઇ જ ગણાય. લગ્નો તો સારું મૂહૂર્ત જોઇને જ કરાતાં હોય છતાં છૂટાછેડા થતાં જ હોય છે. આવા વહેમમાંથી મુક્ત થવાનો કુટુંબને દાખલો બેસાડવા જ અમારા સંયુક્ત કુટુંબના એક દીકરાના લગ્ન બીજા કોઇ ન કરે તેવા “ધોકા” એટલે કે દિવાળી અને બેસતા વર્ષના વચ્ચેના દિવસે ખાસ કમૂર્તુ જોઇને કર્યા ! એમનો ઘરસંસાર આદર્શ દાંપત્યને રૂપે વહી રહ્યો છે.
આ 21મી સદી વિજ્ઞાનયુગની ચાલી રહી છે. છતાં આપણે ત્યાંના ભણેલા કલાકારો, ક્રિકેટરો,રાજકારણીઓ, વિજ્ઞાનીઓ અને મોટા મોટા ખેરખાંઓ પણ ખોટા વહેમો અને અંધશ્રદ્ધામાં ગરકાવ થયેલા ભળાય છે.આ સાચા શિક્ષણની નિશાની નથી.પોતાના પુરુષાર્થ પર જીવનારો ખેડૂત શું આમાંથી બાકાત નહીં રહી શકે ? કહેતી છે-“એ વીલ વીલ ફાઇંડ એ વે”- મન હોય તો જરૂર માળવે પહોંચાય હો મિત્રો ! દ્રઢ સંકલ્પ શું નથી કરી શકતો ?
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com