ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

સમય વિતવાની સાથે હાર્મોનિયમની રચનામાં વિવિધ સુધારા વધારા થતા રહ્યા છે. હા, મૂળ રચના અને કાર્યપધ્ધત્તિ જેમનાં તેમ જ રહ્યાં છે. એ જ રીતે તેના વાદનની શૈલીમાં પણ જુદાજુદા પ્રયોગો થતા રહ્યા છે.

હવે કેટલાંક ફિલ્મી ગીતો, જેમાં હાર્મોનિયમ બહુ પ્રાભાવક રીતે પ્રયોજાયું હોય તેની વાત. નોંધપાત્ર બાબત એ છે કે હિન્દી ફિલ્મી ગીતોમાં હાર્મોનિયમ વાદન મુખ્યત્વે ત્રણ પ્રકારનાં ગીતોમાં પડદે જોવા મળે છે _ કોઈ જાહેર સમારંભમાં રજૂઆત કરી રહેલાં અભિનેતા/ત્રી ગાઈ રહ્યાં હોય ત્યારે,  મુજરા પ્રકારનાં ગીતોમાં સંગત તરીકે,. શેરીગાયકો ગાવાની સાથેસાથે હાર્મોનિયમ વગાડતા હોય તે રીતે. અલબત્ત, એ તેના ચિત્રીકરણની વાત છે. આ કડીમાં કેટલાંક વધુ ગીતો માણીએ.

ફિલ્મ’અલબેલા’(૧૯૫૧)ના ગીત હસીનોં સે મહોબત કા બૂરા અંજામ હોતા હૈ માં જોઈ શકાય છે કે નૃત્ય કરતા નાયક સાથે અન્ય કલાકાર હાર્મોનિયમ વગાડી રહ્યા છે.

૧૯૫૧ની ફિલ્મ ‘દીદાર’ના ગીત હુએ હમ જીન કે લીયે બરબાદ માં નાયક ખુદ જ ગાયન અને વાદન કરી રહ્યા છે.

ફિલ્મ સી આઈ ડી(૧૯૫૬)ના યાદગાર ગીત લે કે પેહલા પેહલા પ્યાર માં છેડાયેલું હાર્મોનિયમવાદન સાડા છ દાયકા પછી પણ એકદમ તરોતાજા લાગે છે.

ફિલ્મ ‘સાધના (૧૯૫૮)ના ખુબ જ લોકપ્રિય થયેલા ગીત આજ ક્યું હમ સે પરદા હૈ માં પણ યાદગાર હાર્મોનિયમવાદન સાંભળવા મળે છે.

૧૯૬૧માં પ્રદર્શિત થાયેલી ફિલ્મ ‘મેમદીદી’ના ગીત હુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ તુ હમ તો ઘર મેં ચુલ્હા ફૂંકે માં રમાઈ રહેલી કબડ્ડીની રમત સાથે તાલ મિલાવતું હાર્મોનિયમવાદન સાંભળી શકાય છે.

૧૯૬૧ના જ વર્ષની અન્ય ફિલ્મ ‘ધર્મપુત્ર’નું ગીત મેરે દીલબર મુઝ પર ખફા ન હો સાંભળવાથી હાર્મોનિયમવાદનની બારીકીઓ ખ્યાલે આવે છે.

ફિલ્મ ‘એક મુસાફીર એક હસીના’ (૧૯૬૨)ના ગીત બહોત શુક્રીયા બડી મહેરબાની માંના ગીટારના ટહૂકા એટલા તો પ્રચલિત બની રહ્યા છે કે એમાં વાગતા હાર્મોનિયમ ઉપર શ્રોતાઓનું ધ્યાન પછીથી જાય છે.

૧૯૬૨માં જ પ્રદર્શિત થયેલી યાદગાર ફિલ્મ ‘સાહબ, બીબી ઔર ગુલામ’ની સફળતામાં તેના સંગીતનો મોટો ફાળો હતો. તેના ગીત સાકીયા આજ મોહેં નીંદ નહીં આયેગી નું હાર્મોનિયમવાદન ગાયકી સાથે સાથે જાણે નૃત્યની પણ સંગત કરતું હોય તેમ ભાસે છે. આ મુજરા પ્રકારનું ગીત છે.

હાર્મોનિયમવાદન માટે યાદગાર એવાં ગીતોની યાદી ૧૯૬૬ની ફિલ્મ ‘મેરે લાલ’ના ગીત પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે ના સમાવેશ વગર અધૂરી રહી જાય એટલું પ્રભાવક વાદન છે.

એક યાદગાર હાર્મોનિયમપ્રધાન ગીત કજરા મહોબતવાલા ફિલ્મ ‘કિસ્મત’ (૧૯૬૮)માં નૃત્યગીત તરીકે ફિલ્માવાયું હતું.

૧૯૭૩ની ફિલ્મ ‘જંઝીર’નું ગીત દીવાનોં હૈ દીવાનોં કો ન ઘર ચાહીએ અને તેમાંનું હાર્મોનિયમવાદન આજે પણ ખુબ જ લોકપ્રિય છે.

ફિલ્મ ‘મજબૂર’ (૧૯૭૪)નું ગીત રૂઠે રબ કો મનાના આસાન હૈ અને તેમાંનું  હાર્મોનિયમવાદન માણીએ.

ફિલ્મ ‘અપનાપન’ (૧૯૭૭)ના ગીત આદમી મુસાફીર હૈ માં ધ્યાનાકર્ષક હાર્મોનિયમવાદન છે.

હાર્મોનિયમ વિશેની કડીનું સમાપન ફિલ્મ ‘બોમ્બે’(૧૯૯૫)ના ગીતથી કરીએ. તેમાં સંગીતકાર એ.આર. રહેમાને તેમની વિશિષ્ટ, તાજગીસભર શૈલીના ગીત કહેના હી ક્યા યેહ નૈન એક અનજાન સે જો મીલે માં હાર્મોનિયમનો પ્રયોગ એક જ સ્થાને કર્યો છે, પણ એવી રીતે કર્યો છે કે આખા ગીતમાં એટલો અંશ પ્રભાવક બની રહે છે.

વિશેષ:  ઉદાહરણ તરીકે આજથી લગભગ નવ દાયકા અગાઉનું એક રેકોર્ડીંગ સાંભળીએ, જેમા અમૃતલાલ દવેનું હાર્મોનિયમ વાદન છે. તે પછી હાલના સમયના કલાકારો પૈકીના બે – આદિત્ય ઓક અને સત્યજીત પ્રભુ નામના બે વાદકોનો હાર્મોનિયમ ઉપર વગાડેલો રાગ ચન્દ્રકૌંસ સાંભળતાં બન્ને યુગની વાદનશૈલીના તફાવતનો ખ્યાલ આવશે.

આમ, હિન્દી ફિલ્મી સંગીતયાત્રામાં હાર્મોનિયમ એક અભિન્ન અંગ બની રહ્યું છે તે સમજાય છે.

નોંધ :

૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે. ગીત-સંગીત-ફિલ્મ કે અન્ય કલાકારોનો ઉલ્લેખ જાણીબૂઝીને ટાળ્યો છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com