ફિર દેખો યારોં

બીરેન કોઠારી

વાત ભલે આપણા દેશની નથી, આપણને સીધેસીધી ખાસ લાગતીવળગતી નથી, છતાં આનંદ થાય એવી છે, કેમ કે, આખી વાતના મૂળમાં માનવીય સ્વતંત્રતાનો મુદ્દો છે. ઈરાનમાં મોટે પાયે દેખાવ થયા, મહિલાઓ સડક પર ઊતરી આવી, તેમણે પોતાના હિજાબ ફગાવ્યા, પોતાના વાળ કાપી નાંખ્યા અને ઝંડાની જેમ વાળ લહેરાતા હોય એવી તસવીર પ્રસાર માધ્યમોમાં ફરતી થઈ. આ તસવીર બહુ સૂચક છે. દમન હદ વટાવે એટલે એક તબક્કે એનો ફુગ્ગો ફાટે છે.

ઈરાનમાં કંઈક આવું જ થયું. તેની પૂર્વભૂમિકા તપાસવા જેવી છે. 1979માં ઈરાનમાં ઉદાર રાજતંત્રનો અસ્ત થયો અને ધર્મ આધારિત શાસન સ્થપાયું. આ અગાઉ ઈરાનમાં મહિલાઓ મુક્ત હતી. તેમને અભિવ્યક્તિસ્વાતંત્ર્ય હતું. તેઓ તમામ પ્રકારનાં વસ્ત્રપરિધાન કે શણગાર કરી શકતી. એ પછીના ધર્મકેન્‍દ્રી, બલ્કે ધર્મઝનૂની શાસનમાં સૌથી મોટો કાપ મહિલાઓના સ્વાતંત્ર્ય પર આવી ગયો. તેમણે ફરજિયાત હિજાબ પહેરવો પડતો. શરીરનો એકે ભાગ ઢંકાયા વિનાનો ન હોવો જોઈએ, તેઓ વાળ કાપી ન શકે વગેરે પાબંદીઓ તેમની પર લાગુ પાડી દેવામાં આવી. વસ્ત્ર અને શણગાર પર આટલી પાબંદીઓ આવે એટલે બીજું શું બાકી રહે એ જ સવાલ છે. એ પણ હકીકત છે કે આ ધર્મઝનૂની શાસકો કંઈ આકાશમાંથી નહોતા ટપકી પડ્યા. લોકોના સમર્થન વિના શાસકો આ હદે શી રીતે જઈ શકે?

આ શાસનના અધિકારીઓને એ હદની સત્તા આપવામાં આવેલી કે તેઓ કોઈ પણ સ્ત્રીને અટકાવીને તેનાં વાળ, વસ્ત્રો, શણગાર વગેરેની ચકાસણી કરી શકતા. કાનૂનભંગ બદલ દંડ, કેદ યા શારિરીક સજાની જોગવાઈ હતી. આ સીલસીલો બે, પાંચ કે દસ વરસ નહીં, પૂરાં ચાર- સવા ચાર દાયકા સુધી ચાલતો રહ્યો. ઈરાનની બે-ત્રણ પેઢીઓ આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં જન્મી અને ઉછરી. કોઈ પણ ધર્મ, કાનૂન કે નૈતિકતાનાં કારણોસર વ્યક્તિગત સ્વાતંત્ર્યનું દમન કરી શકાય નહીં, છતાં એમ કરવા માટે આ ત્રણે બાબતોને જ આગળ ધરવામાં આવે છે.

ઈરાનની મહિલાઓ પણ આ સીતમ સૂપચાપ વેઠતી આવી હશે. આખરે એનો છેડો આવ્યો એક નાનકડી ઘટના થકી.મહાસા અમીની નામની બાવીસ વર્ષીય મહિલા તેના ભાઈ સાથે બહાર નીકળી હતી ત્યારે રોકવામાં આવી અને તેણે વધુ પડતા વાળને પ્રદર્શિત કર્યા હોવાનું જણાવીને તેની અટકાયત કરવામાં આવી. પોલિસ કસ્ટડીમાં તેને માર મરાયાનો આક્ષેપ છે, જેને કારણે દવાખાને લઈ જતાં તેનું મૃત્યુ થયું. આ ઘટના ચિનગારીરૂપ બની રહી જોતજોતાંમાં દેશ આખામાં વિરોધની જ્વાળા પ્રસરી ગઈ.

ખાસ કરીને મહિલાઓ શાસનના વિરોધમાં સ્વયંભૂ રીતે રસ્તા પર ઊતરી આવી અને ઠેકઠેકાણે તેમણે વિરોધપ્રદર્શન કર્યાં. વિરોધ પણ તેમણે આગવી રીતે કર્યો, જેનો ઉલ્લેખ લેખના આરંભે છે.

આ વિરોધને ડામવા માટે સરકારે પણ આકરાં પગલાં લીધાં. તેને કારણે 26નાં મૃત્યુ થયાં. આમ છતાં, ઈરાનનાં 80 જેટલાં નગરોમાં તે પ્રસરી ચૂક્યો છે.

આનું અંતિમ પરિણામ શું આવશે અને એ પછીની સ્થિતિ શી હશે એ કહેવું મુશ્કેલ છે, પણ કેટલીક બાબતો આના થકી વધુ એક વાર સ્પષ્ટ થાય છે. ધર્મ કે ધર્મગ્રંથ ગમે એટલો પવિત્ર કે અનુકરણીય હોય, તે કદી રાજ્યવ્યવસ્થાનું કેન્‍દ્ર બની શકે નહીં. મોટા ભાગના ધર્મોમાં તેના અનુયાયીઓ માટે અનેક માર્ગદર્શિકાઓ ઉલ્લેખાયેલી છે, જે વરસો નહીં, પણ સદીઓ પુરાણી છે. ચોક્કસ સામાજિક, ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર તેની રચના થયેલી છે અને એ મુજબના સંદર્ભો તેમાં હોય છે. તેમાં રહેલી સામગ્રીને સનાતન કે શાશ્વત કહેવું મૂર્ખતા છે, કેમ કે, થોડી સદીઓ પહેલાં રચાયેલી સામગ્રીને શી રીતે શાશ્વત ગણાવી શકાય? સામગ્રીમાં શાશ્વતપણું જણાય એવી કોઈક બાબત હોય તો એ કદાચ પાયાનાં માનવીય મૂલ્યોને ગણાવી શકાય. પણ આચરણ કે અનુસરણમાં તેનો ક્રમ સૌથી છેલ્લો આવતો હોય એમ જોવા મળ્યું છે. ધર્મગ્રંથોમાં ગમે એટલી ઉપયોગી, માનવીય બાબતો સમાવાયેલી હોય, તેનું અર્થઘટન છેવટે જે તે ધર્મના સત્તાધીશો પર નિર્ભર છે, અને સૌથી મોટી સમસ્યા જ એ છે. સમાનતાની શીખ આપતા કોઈ પણ ધર્મમાં ધર્મસત્તાધીશો દાખલ થાય ત્યારે તેમાં પદક્રમની રચના થાય છે, અને પહેલો ભોગ સમાનતાનો લેવાય છે. આમાંથી એકે ધર્મ બાકાત નથી. યાદ રહે કે અહીં ધર્મના વ્યવહારુ આચરણની વાત છે.

સરખામણીએ લોકશાહી શાસનવ્યવસ્થા સમાનતાનો સૌથી ઓછો ખરાબ વિકલ્પ છે. આ વ્યવસ્થાની અનેક મર્યાદાઓ છે, પણ બહેતર વિકલ્પ ન મળે ત્યાં સુધી આ વિકલ્પ અપનાવવા જેવો છે એમ કહી શકાય. શાસનમાં ધર્મની દખલઅંદાજી કે ભેળસેળ હંમેશાં સંકુચિતતા, બંધિયારપણું અને કટ્ટરતાને નોતરે છે. આનાં પરિણામ અનેક દેશોમાં જોવાં મળેલાં છે અને હજી મળી રહ્યાં છે.

વિવિધ જીવોનો જન્મ મૂળભૂત રીતે સ્વતંત્ર જીવન જીવવા માટે જ થયેલો હોય છે, પણ એમાં એક માનવ જ એવો જીવ છે કે જેને એક યા બીજી રીતની પરતંત્રતામાં જીવ્યા વિના ચાલતું નથી. આ પરતંત્રતા વૈચારિક, ધાર્મિક, સાંપ્રદાયિક કે બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે. એ કેવી વક્રતા કહેવાય કે સૌથી બુદ્ધિશાળી ગણાતું માનવ નામનું પ્રાણી પોતાની બુદ્ધિ કોઈકને ત્યાં ગિરવે મૂકી દે છે, અને પોતે સ્વતંત્ર હોવા ઉપરાંત બુદ્ધિશાળી હોવાનું પણ ગૌરવ લે છે. ઈરાનમાં જે થયું એ પ્રતિક્રિયા છે, અને એ મહત્ત્વની છે. પણ પ્રતિક્રિયા શમ્યા પછી શી સ્થિતિ સર્જાશે એ વધુ અગત્યનું છે. મહિલાઓ ખરેખર સ્વતંત્રતા મેળવશે? કે બીજી કોઈ વિચારસત્તાનું શરણ શોધશે?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩ -૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)