નિત નવા વંટોળ

પ્રીતિ સેનગુપ્તા

જેને “સાહિત્યિક સ્મૃતિ-ગ્રંથ” જેવું આકર્ષક વર્ગીકરણ પ્રાપ્ત થયું છે તે, આત્મ-ચરિત્રણનો પ્રકાર, અમેરિકામાં એવો જનપ્રિય થયો છે કે દર વર્ષે એનાં બસો-સવા બસો જેટલાં પુસ્તકો બહાર પડે છે ! આ દેશમાં, કે જૂયાં પ્રજાજનોને ભૂલ કરવાની પણ છૂટ છે, ત્યાં કોઈ પણ નાની, મોટી, જાણીતી, અજાણી, ડાહી, ગાંડી વ્યફિત આત્મકથાકારનું બિરુદ ધારણ કરી શકે  છે. પહેલી વિભ[ફિતના એકચનમાં લખવાના જુવાળમાં કેટલાયે પ્રાધ્યાપકો અને વિચારકો પણ ખેંચાયા છે.

 

આ એવો કોઈ કાળ લાગે છે જ્યાં નિજીપણા અથવા “પ્રાઈવસી?નો ખ્યાલ જ કશા અજાણ્યા સૂચન જેવો બનેલો છે, ને સામૂહિક પરીક્ષણથી કોઈ ગભરાતું નથી. એક વખત જે “આત્મ-રતિના યુગ” તરીકે ઓળખાતો હતો, તે હવે “આત્મ-સ્વીકૃતિનો યુગ” બન્યો છે, એમ વિદ્વાન વિવેચકો નોંધે છે. આ લેખન-પ્રકારમાં કોઈ નિયમો કે નિયંત્રણો હોતાં નથી. નીતિ અંગેનાં પણ નહીં. “જે ખરેખર બન્યું છે તે વિષે કહેવામાં શું વાંધો?” – એવું મંતવ્ય પ્રસારિત થયેલું જણાય છે. ઘણા લોકો ગંદી કે હલકી જેવી વાતો, કે જુગુપ્સાજનક પ્રસંગો નોંધતાં પણ શરમાતા નથી, જ્યારે બીજા કેટલાક લોકો સાચી હોવા છતાં અમુક વાતો બાકાત રાખે છે. આત્મકથાનકમાં જેમ બધું કહેવાની છૂટ છે, તેમ કશુંક છુપાવી રાખવાની પણ છૂટ છે. અન્ય જીવનકથાની જેમ આત્મ-કથાના લેખનમાં પણ લેખકના હાથમાં જ બધી સત્તા હોય છે.

નવલકથાકાર પોતાના લખાણમાં આત્મકથાનાં તત્ત્વોને કળાત્મક રીતે વેશપલટો કરાવીને રાખે છે. આત્મકથાકારને એવું કશું કરવાની જર્‌ર નથી. તે છતાં, જયારે સારા લેખકના હાથમાં નવલકથા માટેનાં સાધનો – પાત્રો, દૃશ્યો, કથાવસ્તુ વગેરે – આવે છે ત્યારે સ્મૃતિ-ગ્રંથ અદ્વિતીય ઊંડાણ પામે છે. કથાનકને જ્યારે ગતિ મળે, “ત્યાં”થી “અહીં?” સુધીનો પથ જ્યારે એમાં આલેખાય, ત્યારે જ કથાનક ભાવપ્રવણ અને સાર્થક બને છે.

આવાં સફળ અને અસરકારક વિભિન્ન બાર સર્જકોએ લખેલાં કથાનકોના અલ્પાંશ, થોડાં વર્ષો પહેલાં એક વિશેષાંકમાં પ્રગટ કરીને, ન્યૂયોર્ક ટાઈમ્સે આ પ્રકારને બિરદાવ્યો. એમાં જાતજાતનાં સર્જકોનો સમાવેશ થયો હતો – વ્હાઇટ, બ્લેક, યુરોપી-અમેરિકન, કોરિઅન-અમેરિકન, ખ્રિસ્તી, યહુદી, લેખક, લેખિકા વગેરે. એક લખાણ માતાને પત્ર રૂપે છે, તો વળી એક કાર્ટુન-આર્ટિસ્ટ સચિત્ર રીતે પોતાનું કથાનક રજૂ કરે છે. આ બધાં વિશિષ્ઠ લખાણોમાંથી દરેક સર્જકનાં જીવન તથા પ્રતિભા તાદૃશ થાય છે. જેમકે, લુક સાન્તે નામના માણસ છ વર્ષની ઉમરે બેલ્જિયમથી અમેરિકા આવ્યા, અને માતૃભાષા ફ્રેન્ચ અને અંગ્રેજીની વચ્ચે ઝોલાં ખાતા રહ્યા. આજે પંચાવન-સાઠની ઉમરે એ આ નિષ્કર્ષ પર આવ્યા છે : “મારા જન્મની ભૂમિ છોડીને બીજે ગયો તેથી, અને બે જાતની જર્‌રિયાતો – એક, મારા બેકગ્રાઉન્ડની અને બીજી, મારા પરિવેશની – માટે થઈને એક ઓળખ તૈયાર કરવી પડી હોઈ હું હંમેશને માટે “કોઈ બીજો?” બની ગયો છું. મારી સામે જે વિકલ્પ છે તે સીધો છે – મારે માનવાનું છે કે ક્યાંતો હું દરેક જગ્યાએ સુ-સ્થ છું, ક્યાંતો કોઈ પણ જગ્યાએ નથી; ક્યાંતો દરેક જાતિ અને નાગરિકતાના માનવ-જનો સાથેના સંબંધ મારે સમજવાના છે, અથવા ખાલીપણામાં ગુંગળાઈને હું મરી જવાનો છું.“

જો લુક સાન્તેને વ્યક્તિની વ્યાપકતા અભિપ્રેત છે, તો વેરોનિકા ચેમ્બર્સ નામની યુવતી ‘મમ્મીની દીકરી’નામના સ્મૃતિ-ગ્રંથમાં એક નાનકડા પ્રસંગથી પોતાના આખા જીવનનો બદલાયેલો મર્મ શબ્દગત કરે છે : “મારી આખી જિંદગી મને એ જ સૂચનો મળતાં રહેલાં કે બ્લૅક સ્ત્રીઓ સ્ટ્રૉન્ગ હતી, ક્યારેય હતોત્સાહ નહતી થતી, અને જાણે ડિપ્રેશન પર વ્હાઇટ છોકરીઓનો જ હક હતો…. હું ડિપ્રેસ્ડ હતી એવું મેં મારી માને એક જ વાર કહેલું. ત્યારે હું તેર વર્ષની હતી. રવિવારની બપોર હતી, રસોડામાં જમવાનું રંધાતું હતું, ને હું એની પાસે ગઇ, ને મેં કહ્યું, હું ખરેખર ડિપ્રેસ્ડ છું….મારી મા જે ધસારાથી ગોળ ફરી એના ધક્કાથી કોઈ ચારસો પાઉન્ડનો માણસ પણ પડી જઈ શક્યો હોત….તારે શું કારણ છે ડોપ્રેસ્ડ થવાનું, એણે પૂછ્યું, પણ એના અવાજનો સૂર એવો હતો કે ગમે તેવો જવાબ ના જ ચાલત. હું કશું બોલી નહીં. “તારા માથા પર છાપરું, તારા શરીર પર કપડાં, અને ટેબલ પર ખાવાનું હોય એ માટે હું અઠવાડિયાના ચાલીસ કલાક કામ કરું છું, અને ડિપ્રેસ્ડ તું છું?” એણે કહ્યું. ને અચાનક, સ્કૂલની અને બીજી કોઈ પણ બાબત મને નિરર્થક અને ક્ષુલ્લક લાગવા માંડી.”

દરેક લખાણમાં આમ વીજળી પડતી નથી દેખાતી. સુઝન ચીવર નામનાં લેખિકા ખૂબ લંબાણપૂર્વક પોતાના કુટુંબમાં રોજ સાંજે ખૂબ શોખથી પીવાતાં માદક પીણાંની વાત કરે છે. એ ટેવ પછી એમને પોતાને પણ પડી ગયેલી. “શ્વાસ લેવાની અને ખાવાની જેમ “પીવું” પણ જિંદગીના અગત્યના ભાગ જેવું બની ગયું હતું. જ્યારે દારૂ અમારા કુટંબની આસપાસ, એક રૂંધતી, ઘાતક, અદૃશ્ય વેલની જેમ વીંટળાતો હતો ત્યારે હજી અમે હસતાં હતાં. કોઈ એ વિષે વાત નહતું કરતું. કોઈને ખ્યાલ નહતો કે શું બની રહ્યું હતું. અને એ બધા સમય દરમ્યાન અમને કાંઈ ખબર નહતી કે કેમ અમારી મા ઉપર એના રૂમમાં રડતી હતી, અથવા કેમ અમારા પિતાને હંમેશાં હૉસ્પિટલમાં જવું પડતું હતું, અથવા શા માટે હું ફરી ફરી ખોટી વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી, પરણતી હતી.“

એક કોરિઅન-અમેરિકન લેખક પોતાનો લેખ સરસ સૂક્ષ્મ વિનોદથી રંગે છે. કોરિઅન કુટુંબીજનોની લાક્ષણિક વાતો રસપ્રદ છે. એમના કથાનકનું મુખ્ય પાતર એમના કાકા છે, જેને કારણે પણ લેખક જુદા પડી આવે છે. ભાગ્યે જ કોઈ અપવાદ વગર, અમેરિકન આત્મકથાઓના કેન્દ્રમાં હંમેશાં માતા કે પિતા જ રહેલા હોય છે. જેમકે, એક અમેરિકન લેખકના પિતા બાળકો સાથે હસતા, રમતા, પિ્કાનિક પર લઈ જતા. સાથે જ, એ ખૂબ ક્રોધી સ્વભાવના હતા, ઘાંટા પાડતા અને હાથ પણ ઉગામતા. આવું કર્યા પછી એ મનોમન દુ:ખી થતા, અને ઓફિસમાં બેસીને પોતાના પર જ લાંબા લાંબા કાગળો લખી પોતાનાં વર્તન અને  લાગણીઓનું વિશ્લેષણ કરતા. લેખકનો પોતાનો સૂર વિશ્લેષણ કે વિવેચનનો નથી. એ તો જે બન્યું તે જ લખે છે. વાચકે જ એમાંથી એમના જીવનનો ચિતાર મેળવવાનો છે. જે ઘણી વાતો સ્પષ્ટ થાય છે તેમાં મુખ્ય વાત આ લાગે છે, કે જેવા કૉલેજમાં ગયા તેવા જ લેખક ઘરથી બને તેટલા દૂર રહેવા માંડ્યા, અને મા-બાપને મળવા જ ક્યારેક ઘેર જતા.

આ બધાં કથાનકો, ટુકડા ટુકડા થઈને રહેલા આ સમાજની અંદર ઘણું સારું ડોકિયું કરાવે છે. અલબત્ત, દરેકે દરેક લખાણમાં સૌથી અગત્યની બાબત તો સર્જકની અંતર્ગત યાત્રા અંગેની જ હોય છે. લગભગ દરેક સર્જકનો પ્રયત્ન પોતાની જાતને સમજવાનો, ભૂતકાળનાં કનડતાં ભૂત-પ્રેતોથી પીછો છોડાવવાનો હોય છે. આવા સકારાત્મક દૃષ્ટિકોણને સુસ્પષ્ટ કરવામાં જ્યારે લેખક સફળ બને છે, ત્યારે જ એ કૃતિ ઉત્તમ કક્ષા પ્રાપ્ત કરતી લાગે છે.

લેખિકા મૅરિ ગૉર્ડનનું કથાનક આવી કક્ષા પર પહોંચ્યું હતું. એ સાત વર્ષનાં હતાં ત્યારે એમના પિતા મરણ પામ્યા હતા, પણ પિતાનો પ્રભાવ હંમેશાં એમના પર રહ્યો. પછી તો લેખિકાને એ જાણ થઈ કે પિતા તરીકે જે અમુક રીતની હતી તે વ્યક્તિ માણસ તરીકે સાવ જુદી જ હતી, અને સાવ જુઠ્ઠી પણ હતી. પુસ્તકને અંતે. લેખિકા પિતાનાં બધાં જુઠાણાંનો સ્વીકાર કરતાં દેખાય છે. પિતાના સ્મરણને એ વફાદાર રહે છે, કે “એ હંમેશાં મારા પોતાના જ છે.” વાચકને માટે, જોકે, અહીં ખરો વિજય લેખિકાના સાહિત્યિક સામર્થ્યમાં રહેલો છે.

જૂના ફોટા જોઈએ – એ ઘર, એ હિંચકો, એ નાનકડી હસ્તીઓ – ત્યારે થાય, “ઓહ, એ સમયમાં પાછાં જતાં રહેવાય તો?” પણ અલબત્ત, એ શક્ય નથી. પ્રખર વિદુષી અમેરિકન  સર્જક જોંઇસ ઓટ્સ પોતાના લેખને અંતે કહે છે, “આપણાં જીવનમાં સમય એક જ દિશા તરફ ગતિ કરતો હોય છે. આપણે એકબીજાંની સાથે રહીએ છીએ – જ્યાં સુધી રહી શકાય ત્યાં સુધી, જ્યાં સુધી સમય રજા આપે ત્યાં સુધી.”


સુશ્રી પ્રીતિ સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે