વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સુધા,
એક સાધારણ, સાંવલી સૂરત ધરાવતી, બેહદ શાંત અને શર્મિલી ઘરેલુ યુવતિ હતી. એની આંખોમાં સતત ઉદાસીની છાયા ડોકાતી. હા, ભણવામાં હોશિયાર, રસોઈ, સીવણકલાબધી જ આવડત પણ દેખાવમાં સાવ મામૂલી છોકરી. એનામાં એવી કોઈ ખૂબી નહોતી જેનાથી કોઈ સાધારણ યુવકને પણ એના માટે આકર્ષણ થાય.
એ નાનપણથી જ એવી હતી. એ એકલી એકલી એની ઢીંગલીઓ જોડે વાતો કર્યા કરતી કે ઘર ઘરની રમત રમ્યા કરતી. એ ઢીંગલીઓ જ તો એની સખીઓ હતી. કોઈ આવીને એનું માટીનું ઘર બગાડે તો શાંતિથી ફરી એક નવું ઘર બનાવીને એ રમવા માંડતી.
કૉલેજમાં પણ એવી જ હતી. બસ પોતાની જાતમાં જ ખોવાયેલી શાંત, સાધારણ, ખામોશ અને નીચી નજર, પોતાનામાં મસ્ત અને વ્યસ્ત. એને જોઈને કોઈ યુવક એની તરફ આકર્ષાય એવી કોઈ શક્યતા નહોતી કે નહોતી એના પિતાની હેસિયત જે જોઈને કોઈ મા-બાપ સુધાને ધ્યાનમાં લે.
બાપને જેટલી એની ચિંતા હતી એના કરતાં અનેકગણી ચિંતા મા ને હતી પણ કરે શું? સુધાનો દેખાવ કે પોતાની આર્થિક સ્થિતિ બંને સાવ સાધારણ એટલે એનો ઉકેલ પણ જલદી આવે એવી કોઈ શક્યતા નહોતી. સુધાની ઉંમરની છોકરીઓ, કોઈ પોતાના પિતાની હેસિયતથી તો કોઈ પોતાની ખાસિયતથી એક પછી એક ઠેકાણે પડતી ગઈ. હવે તો સુધાના માતા-પિતા પણ ઈચ્છતા કે સુધા પોતાની પસંદગીનો યુવક શોધી લે પણ એવુંય કશું ન બન્યું. મા એ બે ત્રણ જગ્યાએ વાત ચલાવી, સાઈકલ ખરીદવાની હેસિયત નહોતી એ પિતાએ સ્કૂટર આપવાની કે થોડું વધારે દહેજ આપવાની પિતાએ પણ તૈયારી કરવા માંડી અને તો પણ પરિણામ શૂન્ય… અરે, જરા સારા દેખાવડા છોકરાઓ સુધાને ના પડે એ તો સમજ્યા પણ જે પોતે પણ આંખને જચે એવા ન હોય એ છોકરાઓ પણ સુધાને નાપસંદ કરે ત્યારે બંનેને ખૂબ આઘાત લાગતો.
પણ સુધા જેનું નામ, એનો તો કોઈ ફરક નહોતો પડતો. સુધાનું આંતરિક જગત સાવ જુદુ હતું. બહારથી શાંત સુધા અંદરથી લાવા હતી. સાવ ચૂપ રહેતી સુધાના વિચારોની દુનિયા વિશાળ હતી. સમાજે દોરેલા સાંકડા, અંધારા વિશ્વની બહારના એના કલ્પનાના મનોજગતમાં એ કેવીય ઊંચી ઊડાન ભરતી, એ ક્યાં કોઈને ખબર હતી? બહારથી સાવ મામૂલી લાગતી સુધાની અંદર એક અલગ ચમકતી જીંદગી હતી જેમાં એ રાચતી હતી. કોઈ સાધારણ દેખાતી વ્યક્તિ કે એની સાદગી જોઈને એની સમૃદ્ધિનો અણસાર ન આવે એમ સુધાને જોઈને કોઈ એની અંદરની દુનિયાનો વ્યાપ માપી શકતું નહીં. જેને બાહ્ય સૌંદર્યનો મોહ છે એને પોતાના આંતરિક સૌંદર્યનો પરિચય આપવાની જરૂર સુદ્ધા એને લાગતી નહીં.
“આ કેવી છોકરી તેં જણી છે, જ્યારે જુવો ત્યારે નીચી નજર. મોઢા પર ક્યારેય હાસ્યની એક રેખા નહીં, આખો દિવસ કામ કામ ને કામ.. એની ઉંમરની છોકરીઓને જો, ફૂલોની જેમ મહેંકતી અને પંખીની જેમ ચહેકતી, ઘરને ગુલઝાર બનાવે છે અને આ એક સુધા…” મા પર અકળાયેલો બાપ વાક્ય અધૂરું છોડી દેતો..
“જે છોકરીઓની વાત કરો છો એમના બાપની હેસિયત તમે જોઈ છે? એકનો બાપ સુપરિટેંડન છે, બીજીનો ઓફિસર, ગણીને ચારસો રૂપિયા લઈને આવો છો. સુધા પાસે બે જોડી કપડાં છે અને તમે જેની વાત કરો છો એ દિવસમાં બે જોડ કપડાં બદલે છે એ તમે નથી જાણતાં?” મા પણ બાપનું સાંભળી સાંભળીને સહનશક્તિની હદ વળોટી ગઈ હતી.
બાપની પરિસ્થિતિ મા એ બનાવેલી પાણી જેવી પાતળી દાળ કરતાંય પાતળી હતી. મૌન રહેવા સિવાય બીજું એ શું કરે? દાંત ભીંસીને એ ચૂપ થઈ જતો. પછી તો સુધાને પિતાએ પોતાની હેસિયત હતી ત્યાં સુધી જ ભણાવી. જો કે સુધાને એનાથી પણ કોઈ ફરક ન પડ્યો.
બીજા બે વર્ષ પસાર થઈ ગયા. સુધાની બીજી સહેલીઓના પણ લગ્ન થતાં ગયાં. સુધાને એક ફર્મમાં ટાઈપિસ્ટ તરીકેની નોકરી મળી ગઈ. એ પહેલાં કરતાંય વધુ શાંત, વધુ મહેનતુ બનતી ગઈ. સુધાની કમાણી ઉમેરાતાં ઘરની હાલત સુધરતી ગઈ. ઓફિસના કામ પછી એણે સ્ટેનોનું કામ શીખવા માંડ્યું. એને બી.એ કરવાની પણ ઈચ્છા હતી.
હવે તો એના પિતા જીવન રામ અને મા મગહીના સુધા માટે વર શોધવાના પ્રયાસો વધુ જોશીલા બનતા ગયા. ઘર ખર્ચમાં કાપ મૂકીને, પૈસા બચાવીને સ્કૂટર લેવા જેટલી મૂડી એકઠી કરવા માંડી. વળી એક મુરતિયો સુધાને જોવા આવશે એવી આશા બંધાઈ. વિવાહની રકમ, દહેજમાં આપવાની રકમ, સોનું વગેરે નક્કી કરીને એ સુધાને જોવા આવ્યો.
યુવાન ગોરો અને સાચે જ દેખાવડો હતો. નામ એનું મોતી. ઘેરા બ્રાઉન રંગનો સુટ પહેરીને એ આવ્યો હતો. સુધાને પહેલી વાર કોઈ યુવકમાં રસ પડ્યો. સાજ સજીને ચા લઈને આવેલી સુધા સામે એણે સ્મિત ફરકાવ્યું અને સુધાનું દિલ મીણની જેમ પીગળવા માંડ્યું. ચાનો કપ આપતા મોતીની આંગળીઓના સ્પર્શથી એના રોમેરોમમાં દીવા પ્રગટ્યાં. સુધાને પહેલી વાર કોઈ યુવક ગમી ગયો. મોતીની એ પહેલી અલપઝલપ મુલાકાત પછીની એ રાતે સુધા ઊંઘી ન શકી. જાગતી આંખે એ મોતીના સપના જોતી રહી. આખી રાત મોતીનો સોહામણો ચહેરો એની નજર સામે તરવરતો રહ્યો. એની આંગળીઓનો સ્પર્શ એ અનુભવતી રહી. મોતી સાથે મનોમન સંસાર રચતી રહી પણ બીજા દિવસે એનું એ સોહામણું સપનું ચૂરચૂર થઈ ગયું. મોતીને સુધા પસંદ નથી એવા સમાચાર આવી ગયાં.
મા મગહીનો ગુસ્સો અને જીવન રામની હતાશાથી અનેકગણી વધારે હતાશાથી એ ઘેરાઈ ગઈ. સુધા પહેલી વાર કોઈને દિલ આપી બેઠી હતી. એ જાત સાથે વધુ ઊંડી ઉતરતી ગઈ. વધુ શાંત બનતી ગઈ. એના ચહેરાની નર્મી ધીમે ધીમે સખતાઈ ધારણ કરતી ગઈ. જાણે એક જીવતી લાશ બની ગઈ. ઓફિસના કામમાં વધારે ખૂંપતી ગઈ.
એ દિવસે તો એણે સાંજના બદલે રાત ઢળવા આવી ત્યાં સુધી ઓફિસમાં કામ કરે રાખ્યું અને થાકીને સીધી બહારના આસિફ અલી પાર્કમાં જઈને બેઠી. સાવ એકલી, ચૂપચાપ. ઘણીવાર સુધી એ બેસી રહી. પાર્ક પણ ખાલી થવા માંડ્યો હતો, તેમ છતાં એને ઊભા થવાની કોઈ ઈચ્છા ન થઈ કે ન એણે એવી કોઈ ચેષ્ટા કરી. એ એકાંત ઈચ્છતી હતી કે એકલતા અનુભવતી હતી એ તો એનેય ન સમજાયું પણ એ પછી તો દિવસો સુધી આમ જ આવીને આ બેંચ પર બેસવાનો એનો નિત્ય ક્રમ બની ગયો. એકલતા કે અંધકાર, એ કશાથી વિચલિત થયા વગર બેસી રહેતી.
આજે પણ એ આમ જ બંધ આંખે બેઠી હતી અને એક અવાજ એના કાને પડ્યો.
“અરે આમ કેમ એકલી બેઠી છું?”
આંખ ખોલીને જોયું તો મોતી. એ જ બ્રાઉન સુટ, એ જ સોહામણો ચહેરો, સફેદ દાંતોથી ઝગમગતી મુસ્કાન. સુધા કઈક બોલવા ગઈ પણ એ બોલી ન શકી.
“તને મારી પર ગુસ્સો આવે છે ને, બહુ ખરાબ લાગે છે ને?”
સુધા ચૂપ..
મોતી એની પાસે આવીને બેસી ગયો. એટલો પાસે કે એના શરીરનો સ્પર્શ અને સુગંધ એ અનુભવી રહી. સુધાની આંખોમાં આંસુ આવી ગયા.
“અરે, એમાં રોવાની ક્યાં જરૂર છે? કોઈ વ્યક્તિની પોતાની પસંદ-નાપસંદ હોય કે નહીં?”
હવે સુધાની આંખોના આંસુ એના ગાલ પર રેલાવા માંડ્યા. મોતીએ પોતાનો રૂમાલ કાઢીને એના આંસુ ઝીલી લીધાં.
“પણ તું આમ અહીં એકલી કેમ બેઠી છું?”
સુધા હજુ ચૂપ હતી.
“સારું,ચલ હવે મને એ તો કહે કે તેં મારામાં શું જોયું હતું?”
હવે સુધાથી ચૂપ ન રહેવાયું, “ મેં તારામાં શું જોયું એની વાત જવા દે, તેં મારામાં શું જોયું કે મને નાપસંદ કરી ? તેં મારા હાથની રસોઈ ચાખી હતી, તેં મારા દિલની લાગણી અનુભવી હતી, તું મારા શરીરના રંગથી ડરી ગયો? મારા ચહેરાની સખતાઈ જોઈ પણ તેં મારું હાસ્ય કે કે મારા આંસુંય ક્યાં જોયા છે, તારા આ ઘુંઘરિયાળા વાળમાં ફરતી મારી આંગળીઓનો સ્પર્શ ક્યાં અનુભવ્યો છે, તારા શર્ટનું બટન ટાંકતી મારી આંગળીઓની નજાકત ક્યા જોઈ છે, મારું આ કુંવારું શરીર તારામાં ઓગળતું ક્યાં અનુભવ્યું છે, તારું એ બાળક જે મારી કોખમાં ઉછરી રહ્યું હતું એનો ફરકાટ તેં ક્યાં અનુભવ્યો હતો કે મને ના પાડીને ભૂલી ગયો?”
સુધાને સમજણ ના પડી કે એ આટલું બધું કેવી રીતે બોલી ગઈ. મોતીના ખભા પર માથું ઢાળીને બસ એ બોલતી ગઈ અને મોતી એને સાંભળતો રહ્યો, એની પીઠને પોતાના પૌરુષીય હાથોથી પંપાળતો રહ્યો. સમય પસાર થતો રહ્યો અને પછી ધીરેથી એ બંને છૂટા પડીને પોતાના રસ્તે ચાલ્યા ગયાં.
એ દિવસથી સુધાના તેવર બદલાઈ ગયા.
********
હવે સુધાના ચહેરા પર ઉદાસીના વાદળના બદલે ખુશીની વીજળી ચમકવા માંડી. એની આંખો અને ભાવમાં છલોછલ આત્મવિશ્વાસ વર્તાવા માંડ્યો. સાવ ચૂપચાપ રહેતી સુધાનું મૌન પણ જાણે બોલકું બન્યું.
મા-બાપે પરાણે શોધેલા યુવકોને હવે એક પણ કારણ આપ્યા વગર સુધા નાપસંદ કરવા માંડી. પચ્ચીસ વર્ષની સુધાના બદલાયેલા વર્તનથી મા-બાપ વધુ ચિંતામાં અટવવા માંડ્યા. સુધાના આવા વર્તન પાછળ કોઈક પુરુષ તો છે, પણ કોણ છે એની બંનેમાંથી કોઈને ખબર નહોતી પડતી.
સમય પસાર થતો ગયો, દિવસો, મહિનાઓ, આખું વર્ષ પસાર થઈ ગયું. મોતીનું પણ લગ્ન થઈ ગયું અને પછી તો વર્ષો પસાર થતાં ગયાં તેમ છતાં મોતીને સુધા રોજેરોજ મળતાં રહ્યાં. મોતીને મળીને સુધા વધુને વધુ નિખરતી ગઈ. પચ્ચીસની સુધા પાંત્રીસની થઈ. મોતી એને લગ્ન કરી લેવા કહેતો.
“કેમ, પછી મારે તને છોડી દેવાનો?”
“પણ મેં તારી સાથે લગ્ન નથી કર્યા તો તને પૂરો હક છે અન્ય સાથે લગ્ન કરવાનો.” મોતી એને સમજાવતો.
“તો શું થયું, લગ્ન વગર પણ હર ક્ષણ તું મારો છું, તારો સમય મારો છે. મારે બીજું શું જોઈએ?” મોતી હસી પડતો.
“હા, એ વાત સાચી, તું જ્યારે જ્યાં મન થાય ત્યાં બોલાવી લે છે અને હું આવી જઉં છું. લવર્સ લેન, ફિલ્મ, રેસ્ટોરાં.”
“પહેલાં તો તું આવો નહોતો.” સુધા એની વાત વચ્ચેથી કાપીને બોલતી.
“શરૂમાં મને ક્યાં પ્રેમ હતો અને તારો પ્રેમ સમજવામાં મને સમય લાગ્યો એ વાત સાચી. મોતી એને હળવો સ્પર્શ આપતા બોલ્યો અને સુધાના રોમેરોમમાં કંપન ઉઠ્યું.
રોજના આ મિલનથી સુધા ખીલતી ગઈ. ઉંમર વધવાની સાથે એની યુવાની વધુ ખીલતી ગઈ. એના હોઠ પર સતત સ્મિત અને આંખોમાં સુખ છલકાતું. એને સ્ટેનોની નોકરી મળી, પગાર વધ્યો, સરસ ઘર લીધું, ખુશહાલ અને આરામદાયી જીવન બની રહ્યું.
મા-પિતાનું અવસાન થતાં સુધા એકલી પડી ગઈ પણ હવે એ એકલી ક્યાં હતી? એ વધુ સ્વતંત્ર બનતી ગઈ. ભાલ પર બિંદી, સેંથીમાં સિંદૂર, સુહાગની હર નિશાની એના પર ઉમેરાતી ગઈ.
સૌને ખબર હતી કે કોઈક તો છે, કોઈ એને મળવા આવે છે પણ કોણ એની કોઈને ખબર ન પડી. હવે સુધા અને મોતીને બહાર મળવાની જરૂર નહોતી. જગત આખું નિંદ્રામાં સરે એ પછી મોતી એને મળવા આવતો. એ દિવસે સુધાનો ચાલીસમો જન્મદિન હતો. ગજબની મદહોશીમાં રાત પસાર થઈ. મોતી હંમેશા એ બ્રાઉન સુટમાં જ આવતો. એ પહેલાં પણ સોહામણો હતો અને આજે પણ એટલો જ સોહામણો લાગતો હતો, ફક્ત એના કાન પાસેના વાળમાં જરા સફેદી ધાર પકડાઈ હતી પણ એનાથી તો એ વધુ ધ્યાનાકર્ષક લાગતો. સુધા એની પર વારી જતી.
સુધાના પચાસમા જન્મદિને પણ એ જ બ્રાઉન સુટ પહેરીને આવ્યો હતો. હવે એના હાથમાં સુધાને ભેટ આપેલી વૉકિંગ સ્ટિક રહેતી. એનાથી મોતી વધુ દિલકશ લાગતો અને સુધા અતિ સુંદર.. મોતીને જોઈને સુધાના દિલના તાર રણઝણી ઉઠતાં. લગ્ન વગર એ એની વધુ નજીક થતી ગઈ. એમનો સંસાર હંમેશા મહેકતો, ચહેકતો રહ્યો.
હવે સુધા હેડ સ્ટેનો બની ગઈ પણ એની ઓફિસમાં એક ઘટના બની. એનો મેનેજર બદલાયો.
તપેલા તાંબા જેવો વાન, બદસૂરત ચહેરો, હંમેશા જાણે નશામાં હોય એવી આંખો, મોટું નાક, લટકી ગયેલા ગાલ, આંખો, બોલે તો તળાવના દેડકા જેવો સૂર. હેડ સ્ટેનો હોવાના લીધે સુધાને આખો દિવસ નવા મેનેજરની કેબિનમાં બેસીને કામ કરવું પડતું જે એને ક્યારે નહોતું ગમતું. એને જોઈને સુધાને સતત એવું લાગતું કે એને ક્યાંક જોયેલો છે. ક્યાંક એ મળી છે. ક્યાં એ યાદ નહોતું આવતું. એની કોઈ એક હિલચાલ એવી હતી જે પિતાના કોઈ મિત્રના પરિવારમાં, ભાઈના ભાઈબંધોમાંથી કે કોઈકને મળતી આવતી જે સુધાને બેચેન બનાવી દેતી.
એ દિવસે પહેલી તારીખ હતી. મેનેજર પગારપત્રક લઈને બેઠો હતો. આજે એણે સુધાને રોકી હતી. કેબિનના કબાટમાંથી એણે વ્હિસ્કીની બોટલ કાઢી. એક ગ્લાસમાં પેગ ભર્યો અને નિરાંતે પોતાની ખુરશીમાં ગોઠવાયો. સુધા અકળાઈ. મેનેજરે હળવેથી એના હાથને સ્પર્શ કર્યો. સુધા છળી ગઈ. એની ચિંતા કર્યા વગર મેનેજર બોલ્યો,
“આજે તારી ફાઈલ મારા હાથમાં આવી તો ખબર પડી કે તું આ ઓફિસની સૌથી જૂની અને ઉચ્ચ પગારદાર વ્યક્તિ છો. તારું નામ સુધા છે ને?”
સુધાને નવાઈ લાગી, આટલા સમયથી કામ કરે છે અને આજે નામ પૂછે છે?
“તારા પિતાનું નામ જીવન રામ છે?”
હવે સુધાને ચીઢ ચઢી. ફાઈલમાં બધો ઉલ્લેખ છે અને આ માણસ કરે છે શું? એ બહાર નીકળવા ખુરશીમાંથી ઊભી થઈ.
“બેસ, બેસ સુધા, મેનેજરે વિનંતીના સૂરમાં કહ્યું. “તું તારા પિતા સાથે જિનદાં મહોલ્લામાં રહેતી હતી ને?”
“હા,” એકાક્ષરી જવાબ આપીને સુધા ચૂપ થઈ ગઈ.
“હું એક દિવસ તારા ઘેર આવ્યો હતો, તને જોવા, તારી સાથે વાતો કરી હતી. પહેલાં મેં તને જોઈ ત્યારે તું આવી ખૂબસૂરત તો નહોતી. સાવ મામૂલી દેખાતી હતી.”
“ક્યારે?” સુધાએ અકળાઈને પૂછ્યું. એને આ બદસૂરત મેનેજરની સામે વધારે બેસવાની જરાય મરજી નહોતી.
“હું મોતી છું.”
સુધા સ્તબ્ધ.
“તારી સાથે લગ્ન ન કરીને મેં મારી બદનસીબી વહોરી લીધી. હું સમજી શકયો નહીં કે બાહ્ય દેખાવની અંદર એક અલગ વ્યક્તિત્વ હોય છે એ હું સમજી શક્યો નહોતો. હું યુવાન હતો, આકર્ષક હતો સાથે ગોરા રંગ અને દોલતનો લોભી હતો. મારી પત્ની ગોરી ચામડી અને દોલત લઈને આવી હતી પણ એ બદમિજાજ, મગરૂર તો હતી જ સાથે બેવફા પણ નીકળી. થોડા વર્ષોમાં પાંચ સંતાનો થયાં પણ એમાંના મારા કેટલા એ મને ખબર ન પડી. મારી વ્યથા ઓછી કરવા હું શરાબ પર ચઢ્યો. અન્ય સ્ત્રીઓ પાસે જવા માંડ્યો. ધીમે ધીમે શરાબનું ઝેર, બીમારી મારા શરીરમાં ફેલાવા માંડ્યાં. ઉંમર કરતાં હું વહેલો ઘરડો થઈ ગયો. હવે તો એ મરી ગઈ છે પણ મારી આંખો ખુલી ગઈ. વાંક મારો હતો કે મેં એક હીરાને પત્થર સમજીને છોડી દીધો અને કથીર હતું એને સોનું માનીને સ્વીકારી લીધું. હું જીવનભર પ્રેમ માટે તરસતો રહ્યો. તું મારી સાથે લગ્ન કરીશ, તું મને એ પ્રેમ આપીશ જેના માટે આખું જીવન વલખાં મારતો રહ્યો.” મોતી શરાબનો ગ્લાગ હાથમાં પકડીને બોલતો રહ્યો અને સુધા એને ફાટી આંખે જોતી રહી. સુધાને ચીસો પાડીને કહેવું હતું કે,
“હવે, બદસૂરત બનીને, ભયંકર બીમારીઓનો શિકાર બનીને તું આવ્યો? તને ક્યાં ખબર છે કે આખું જીવન મેં તને સમર્પણ કરી દીધું. મારી જુવાની તારી પર ઓવારી દીધી. તારા વિચારોમાં રાચતી રહી. તારા એક સ્પર્શ માટે, એક નજર હું મરી પડતી. આખું જીવન એકલી તારી છાયા સાથે ચાલતી રહી. અંધારા પાર્કોમાં બેસી રહી, જાતે પૈસા ખરચીને તારી પાસેથી સાડીઓની ભેટ લેતી રહી. બાજુની સીટ ખાલી રાખીને તારી સાથે ફિલ્મો જોતી રહી, મારું કુંવારું જીવન તારા નામ પર કરી દીધું, તારા નામની ચૂડી-ચાંદલો કર્યા, સેથાંને સિંદૂરથી સજાવ્યું. ક્યારેય તારી પાસેથી કશું ન માંગીનેય ઘણું બધું મેળવતી રહી, કેટલી ખુશ હતી, કેટલી મગ્ન હતી હું મારામાં અને તારા વિચારોમાં, ન તારી પાસે શાદી કે સુહાગરાતની માંગણી કરી કે ન સંતાન સુખની વાત કરી અને તેમ છતાં હું બધું જ માણતી રહી. બસ એક તારો ખ્યાલ, તારો વિચાર જે સતત મારામાં જીવ્યો એને હું સાથે લઈને ચાલી અને હવે તું મારા રચેલા સ્વર્ગને નરકની ચિતામાં હોમવા આવ્યો?”
પણ સુધા મોતીને કશુંજ કહી ન શકી. એ ટેબલ પર માથું ઢાળીને રડતી રહી, રડતી રહી. મોતી એના હાથનો સ્પર્શ કરવા ગયો તો ગુસ્સાથી એનો હાથ ઝટકાવીને ઊભી થઈ બહાર નીકળી ગઈ. મોતી એને બોલાવતો રહ્યો પણ એ ભાગતી રહી. રસ્તા પર અંધારું હતું., એ અંધારામાં પણ ભાગતી રહી. અટક્યા વગર એ આસિફ અલી પાર્કમાં પહોંચી જ્યાં એણે મોતી સાથે કલાકો પસાર કર્યા હતા એ બેંચ પર જઈને બેઠી, ખૂબ રડી.
“વ્યર્થ છે, બધું જ વ્યર્થ છે. હવે મારા સપનાનો રાજકુંવર, મારા મનનો માણીગર ક્યારેય નહીં આવે…”
અને એ હવે એક વિધવા છે એવી ખાતરીથી, એવી નિશ્ચલતાથી એણે પોતાના ભાલેથી સુહાગનો ચાંદલો અને સેંથીમાંથી સિંદૂર ભૂંસી નાખ્યું. બેંચ પર હાથ પછાડીને ચૂડીઓના ટુકડે ટુકડાં કરી નાખ્યાં.
મન્ટોના સમકાલિન એવા, પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હિંદી, ઉર્દૂ કથાકાર કૃષ્ણ ચંદરની વાર્તા’ શાહજાદા’ પર આધારિત ભાવાનુવાદ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.