વ્યંગ્ય કવન

ડો.શ્યામલ મુનશી

ટાલિયાની વાત કરું તમને હું સાંભળજો કાન ખોલી વાળવાળા લોકો,
ટાલ એ તો પડવાની ઘટના છે, ભાઈ એને કેમ કરી કઈ રીતે રોકો?

એક વખત એવો ઉગ્યો’તો કે માથા પર જંગલ પથરાયુ’તુ વાળનું
ઝુલ્ફાની ઝાડીમાં ક્યાંયે નિશાન ન્હોતુ એના બે કાન કે કપાળનું

ટાલિયાને વાળ સાથે જબ્બરની પ્રિત હતી- કાંસકાને ખિસ્સામાં રાખતો
શેમ્પુ ને ડ્રાયર ને કાતરની સાથ આખો દિવસ અરીસામાં ગાળતો

ચોળતો એ વાળને કંઈ કેટલીયે વાર અને હળવેથી ગૂંચને નિકાળતો
ઓળતો એ વાળ કંઈ કેટલીયે વાર જુદી જુદી રીતે વાળને એ વાળતો

ટાલિયાને વાળ વિના ચાલે નહી, અરે, એક એક વાળને એ સાચવે
રોજ રોજ વાળ સાથે ઊગતા ને પાંગરતા જુવાનીકાળને એ સાચવે

ટાલિયાના વાળ ઉપર મોહી પડેલો હાથ નમણો, રૂપાળો, મુલાયમ
ટાલિયાને એમ થતું વાળ માટે હાથ અને હાથ માટે વાળ રહે કાયમ

પણ એક દિવસ એવીયે ઘટના બની કે એક નાની તિરાડ પડી વાળમાં
ટાલિયાને સહેજ એમ લાગ્યું ફસાયો હું આખરે આ કાળ કેરી જાળમાં

ગમે તે કારણથી ટાલ થતી રોકવાને ટાલિયાને અજમાવ્યા તુક્કા
એક પછી એક વાળ ખરવા લાગ્યા ને બધી આશાના થૈ ગયા ભુક્કા

ટાલિયો વિચારે કે વિગ જો હું પહેરું તો માથા પર વાળ જેવું લાગે
પણ શેમ્પુ ને ડ્રાયર ને કાતર ને હાથ પેલો અસલનાં વાળ પેલા માંગે

રોજ રોજ ટાલ પછી વધતી ચાલી ને એવી ફેલાઈ ચાર તરફ વાળમાં
કાળુ ભરાવદાર વાળકેરુ જંગલ ને ફરી ગયું લિસ્સા એક ઢાળમાં

એક દિવસ વાળકેરી માયામાં મોહેલો ફૂટડો જવાન એક બાંકો
કાળકેરો હાથ એમ ફર્યો જોતજોતામાં બની ગયો ટાલવાળો કાકો!

કોઈ કહે દરિયામાં ટાપુ દેખાયો ને કોઈ કહે ચાંદ ઊગ્યો આભમાં
ટાલિયો વિચારે કે ટાલ સાથે વર્ષોની કીધી પડોજણ શું લાભમાં?

ટાલિયો વિચારે કે શું છે આ વાળ? અને શું છે થવું વાળ ઉપર વ્હાલ?
શું છે એક હાથનું આ વાળમાં ગુંથાવુ? ને શું છે આ ચકમકતી ટાલ?

ટાલિયાને સમજાયું, વાળ છે ભૂતકાળ ને ટાલ એ હકીકતમાં કાલ છે.
વાળ સાથે રાખી’તી જબ્બરની પ્રિત, હવે એની આ આજે બબાલ છે.

ટાલિયાની વાત કરી તમને મેં એટલે એક નક્કર હકીકતને જાણવા,
પડવાની ટાલ એવું ભૂલી જઈને પછી વાળ ઉગ્યા એને બસ માણવા.

સૂરજની સાથે છે જીવવાનું ભાઈ, આજ જાવાની આવવાની કાલ,
દિવસની સાથ સાથ ઉગવાનાં વાળ અને સાંજ પડે પડવાની ટાલ,

સાંજ પડે બાંકડા પર બેસીને જોવાની વાળ સાથે ફરતી સૌ આજને.
ટાલ ઉપર યાદોની ટોપીઓ પહેરીને કરવી પસાર પછી સાંજને.

વ્યંગકાવ્ય – સૌજન્ય : લયસ્તરો


વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com