દિનેશ લ. માંકડ

દિવાળીના  તહેવારો આવે એટલે સહુના મનમાં ઉલ્લાસ હોય.બાળકોનું મન ફટાકડા ફોડવામાં અને મીઠાઈ ખાવામાં હોય,બહેનોનું મન પહેરવામાં-ઓઢ્વામ હોય પણ વ્યવસાયી -વેપારીનું મન તો લક્ષ્મીપૂજનમાં જ હોય.  મા લક્ષ્મીનું પૂજન થવું જ જોઈએ.અને કરવું જ જોઈએ.ખુબ ખુબ સારી વાત છે. જેના પૂજન કરીએ ,જેમાં શ્રદ્ધા- આસ્થા હોય તેના સ્વરૂપ વિષે વિશેષ જાણીએ -સમજીએ ત્યારે તો શ્રદ્ધા -આસ્થા બેવડાઈ જાય.

મા લક્ષ્મી એટલે શ્રી વિષ્ણુના સહધર્મચારિણી. ભગવાન વિષ્ણુ તો વિશ્વંભર, જગતના પાલન પોષક અને તેના પત્નીની સમૃદ્ધિ, આપણા ઘર; વ્યવસાયમાં વધે એથી રૂડું શું હોઈ શકે?  અને એને માટે એને રીઝવવાં એ તો ખુબ સારી વાત છે. શું ફોટામાં કે મૂર્તિમાં જેના દર્શન કરીએ છીએ તે જ માત્ર લક્ષ્મી છે ? કે તેનાં વિશેષ સ્વરૂપ છે ખરાં ?

પૌરાણિક રીતે વિદ્વાનોએ શ્રી લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપોના વર્ણન કર્યાં છે  લક્ષ્મીજીના ભિન્ન સ્વરૂપો એટલે છે કે તેને સમજીને ,સ્વીકારીને આપણે જીવન વિકાસ કરીએ,. માત્રને માત્ર ભૌતિક દૃષ્ટિકોણથી જ લક્ષ્મીને જોવાથી મનોવૃત્તિ અને જીવન શૈલીમાં ઘણા અનિષ્ટો પેદા થાય છે જે આપણા બાહ્ય અને આંતરિક વિકાસને રોકે છે..લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપો જાણીએ. જેને આપણે ભૌતિક સ્વરૂપે સ્વીકારીએ છીએ તે ધન લક્ષ્મી. જીવનમાં માણસમાત્ર પોતાના વ્યવસાયોક કે સમાજક્ષેત્રમાં પ્રવૃત્તિ કે સાહસ કરતો હોય છે.પરંતુ  દરેક વખતે તેમાં સફળતા જ મળે તેવું બનતું નથી તેથી નિરાશા કે  હતાશા જન્મે. ‘ યશ લક્ષ્મી’ ની પ્રાર્થનાથી આત્મબળ પ્રગટે અને સિદ્ધિ પ્રાપ્ત થાય.કોઈપણ વ્યક્તિને પોતે તંદુરસ્ત રહે ,સ્વસ્થ જીવન જીવે અને લાબું જીવે તેવી પ્રબળ અપેક્ષા રાખે છે.અને તેથી ‘ આયુ લક્ષ્મી ‘ નું પૂજન અર્ચન, શ્રદ્ધા જન્માવે છે  અન્ન એ જ જીવન એટલે  ધાન્યલક્ષ્મી તો રોજ આપણા પ્રત્યક્ષ દેવી છે.વિચારલક્ષ્મી અને વાણીલક્ષ્મી તો માનવની મૂલ્યવાન લક્ષ્મી છે.કોઈપણ લક્ષ્મી સ્વરૂપ નો કેમ ઉપયોગ કરવો તે બુદ્ધિ લક્ષ્મી નક્કી કરી આપે .

.          અને અદભુત અને ભવ્ય વારસો ધરાવતા ભારત દેશ પાસે મા લક્ષ્મીને રીઝવવાના ઉકેલ તો હોય જ.આપણા અનેક શાસ્ત્રોક્ત સ્તોત્રમાં ‘શ્રી સૂક્ત ‘ એક અનેરું સ્તોત્ર છે. અગ્નિ એ પ્રત્યક્ષ દેવ છે જેને જોઈ શકાય છે. અહીં અગ્નિદેવને વિનંતી છે हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् । चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह ॥  ‘ હે  અગ્નિ દેવ, સુવર્ણ જેવા વર્ણવાળી, હરણ જેવી ચપળ લક્ષ્મીને મારે ઘેર લઈને આવો.’ આગળ ઉપર પ્રાર્થે છે કે  ‘ સસ્મિત ખીલેલી અને જેના આગમનની હાથી ચિત્કારથી ખબર પડે એવી લક્ષ્મીને  કે જે અવિનાશી હોય

तां म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम्  જેના દ્વારા હું સુવર્ણ,ગાય ,ઘોડા ( સંપત્તિ ) પ્રાપ્ત કરી શકું.

જેની કીર્તિ ત્રિભુવનમાં છે તે હે માં લક્ષ્મી મારુ દરિદ્ર દૂર કરી (સમૃદ્ધ  બનાવે )चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् ।  तां पद्मिनीमीं शरणमहं प्रपद्येऽलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे ॥  તો આ મંત્રમાં પોતાની શ્રેષ્ઠ મહત્તા આ રીતે  મૂકે છે. प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे ॥ હું આ રાષ્ટ્રમાં જન્મ્યો છું તેથી જ મને જગતમાં પ્રસાર પામેલી કીર્તિ અને ઐશ્વર્ય આપો.

ઉત્તમ લક્ષ્મીની માંગણી પછી પોતાની ત્રુટીઓ અને મર્યાદાની ખબર છે એટલે  હવે ના મંત્રમાં સીધો  માતા લક્ષ્મીથી જ સંવાદ છે.’ સૂર્ય જેવાં તેજસ્વી હે જગન્માતા, મારી અંદર રહેલાં અવિદ્યાજન્ય અજ્ઞાન અને દૈન્યનો નાશ  કરો. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः ।  तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः  સ્તોત્રની ભવ્યતા તો જુઓ .મારા ઘરમાં ( ભૂલથી પણ ) આવેલી અલક્ષ્મી ,અભૂતિ કે અસમૃદ્ધિ  ઘરમાંથી બહાર નીકળી જાય. क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् ।  अभूतिमसमृद्धिं च सर्वां निर्णुद मे गृहात् ॥ સ્તોત્રના રચનાકારે આ સ્તોત્રનું મૂલ્ય સમજાવતાં કહ્યું છે કે न क्रोधो न च मात्सर्य न लोभो नाशुभा मतिः ।  भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपेत्सदा ॥ જેમણે પુણ્ય કર્યાં છે એવા ભક્તો ક્રોધ,મત્સર્યં ,લોભ કે અશુભ બુદ્ધિ ન થાય તે માટે શ્રી સૂક્ત જપ કરે.

સંપત્તિ હોવી શ્રેષ્ઠ છે.પણ સાથે સાથે સંપત્તિ જ કેટલીયે સમસ્યાનું મૂળ પણ છે.પરસેવાથી અને હક્ક અનુસાર પ્રાપ્ત થયેલા નાણાનો તો સદુપયોગ જ થાય.એનો પ્રભાવ પણ ઉચ્ચ જ હોય. અયોગ્ય રીતે પ્રાપ્ત સંપત્તિ એક કે બીજી રીતે કશુંક તો પ્રત્યક્ષ કે પરોક્ષ અયોગ્ય તો કરે જ. એક વખત નાના મોઢે મોટી વાત સાંભળેલી -‘ પૈસો પોતે મારગ કર.! ‘

સમાજનું સંપત્તિ સંતુલન પણ અયોગ્ય હોય તે નુકસાનકારક જ છે.સમાજમાં અતિ અલ્પ પ્રાપ્તિવાળા અને અતિ પ્રાપ્તિવાળાની ઊંડી ખાઈ પણ સમાજ માટે અનિષ્ટ અને હાનિકારક જ છે. ભારતીય સંસ્કૃતિની વિશેષ મહત્તા એટલા માટે છે કે જ લક્ષ્મી પ્રાપ્ત કરીએ તેમાંથી પ્રત્યેક  ધર્મ,સંપ્રદાય એક કે બીજી રીતે ભગવાનનો ભાગ કાઢવા સૂચવે છે પ્રખર ચિંતક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી સરસ સમજાવે છે.- ‘ ઋષિઓએ મંદિર એટલે જ  આપ્યાં છે. આપણે પ્રાપ્ત લક્ષ્મીમાંથી ભગવાનનો ભાગ કાઢીને મંદિરમાં મૂકીએ. અને ભગવાનની પ્રસાદીરૂપ જરૂરિયાત વાળાને પહોંચે..સમાજની આર્થિક અસમતુલા ઘટે અને સાથે સાથે લેવા-આપવાથી આવનારી લઘુતા-ગુરુતા પણ ઉભી ન થાય, એવી સંકલ્પના છે.’ એથી વિશેષ પૂજ્ય શાસ્ત્રીજી  સમજાવે છે કે ‘ ભગવાનને ભાગ આપવો સારી વાત છે. પણ ભગવાને જ આપેલું ભગવાનને અર્પણ કરીએ એમાં મારુ પોતાનું કર્તુત્વ શું ? તો પછી એનો ઉપાય શો ? ઉપાય એ કે હું એવું કૈક વિશેષ કરું જેમાં મારો બિલકુલ સ્વાર્થ ન હોય.કેવળ ને કેવળ નિસ્વાર્થ કશુંક કરું ને તે ભગવાનને અર્પણ કરું..’ પૂજ્ય પાંડુરંગ દાદા તો એને લક્ષ્મી પણ મહાલક્ષ્મી તરીકે ઓળખાવે છે.,તેમના દ્વારા પ્રેરિત સ્વાધ્યાય પરિવારને તેમણે આપેલા અનેક પ્રયોગો યોગેશ્વર કૃષિ,વૃક્ષ મંદિર ,મત્સ્ય ગંધા ,અમૃતાલયમ દ્વારા મહાલક્ષ્મી સર્જન કરે છે ,જે પ્રભુના પ્રસાદ તરીકે જરૂરિયાત સુધી પહોંચે .

ભગવદગીતામાં અઢારમા અધ્યાયના છેતાલીશમાં શ્લોકમાં પણ માણસના કર્તુત્વને કેટલું બધું ઊંચું સ્થાન આપ્યું છે.! શ્રી કૃષ્ણ કહે અર્જુનને માધ્યમ બનાવી આપણને સંદેશ આપે છે.- स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव: || ‘ પોતાનું તમામ શ્રષ્ઠ કર્તુત્વ મને અર્પણ કરી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે.’ ઈશાવાસ્ય ઉપનિષદ પણ કેટલો ઉચ્ચ આદર્શ આપે છે ! तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम्‌ ॥ તેને ત્યાગીને તું ભોગવ.,અને બીજાના ધન પર લાલચદૃષ્ટિ ન કર’

કોઈપણ માતાને કેવો પુત્ર વહાલો હોય ? આપણે પણ માતા લક્ષ્મીના એવા સુપુત્ર થવું છે કે માતા આપણે ઘેર બધા સ્વરૂપની સમૃદ્ધિ ના ભંડાર ભરી દે..લક્ષ્મીલાલ  ( પુત્ર ) બનીને પૂજન કરીએ. ,લક્ષ્મીદાસ નહિ.અસ્તુ.


શ્રી દિનેશ  માંકડનું સંપર્ક  ઈ-મેલ સરનામું :-   mankaddinesh1952@gmail.com