નિસબત
ચંદુ મહેરિયા
ભણી-ગણીને ‘સાહેબ’ બનાય અને રમવા-કૂદવાથી ‘ખરાબ’થવાય આ મૂલ્ય સ્થાપિત કરવા વડીલો આપણા બાળકો, કિશોરો અને યુવાનોને અવારનવાર કહ્યા કરે છે કે, “ પઢોગે-લિખોગે તો બનોગે નવાબ, ખેલોગે-કૂદોગે તો હોગેં ખરાબ.” એટલે ભારતમાં ભણતરને ચઢિયાતી અને રમત-ગમતને ઉતરતી બાબત માનવામાં આવે છે. દેશની કુલ વસ્તીના માત્ર પંદર ટકા લોકોને જ રમતમાં રસ-રુચિ છે કે એટલા જ લોકો માટે રમતની સગવડો છે તે પણ હકીકત છે. રમતને આપણે ત્યાં શોખ ગણવામાં આવે છે, વ્યવસાય નહીં. તેથી સરકાર અને સમાજ બેઉ તેના વિકાસ માટે ઉદાસીન છે.
આઝાદીના અમૃત વરસે પંચોતેર વરસનું આપણું રમત ક્ષેત્રનું સરવૈયું માંડીએ તો નિરાશા સાંપડે છે. એશિયન અને કોમનવેલ્થ ગેમ્સમાં નિ:શંક ભારતીય રમતવીરોનું પ્રદર્શન ઘણું સારું હોય છે. પણ રમત વિશ્વના મહાકુંભ ગણાતા ઓલમ્પિકમાં સવાસો કરોડની વસ્તીના દેશને એટલી સફળતા મળી નથી. ભારતના ખેલાડીઓ ઓલમ્પિકમાં અત્યાર સુધી ૭ સુવર્ણ, ૭ રજત અને ૧૬ કાંસ્ય પદકો જ જીત્યા છે. વળી સાતમાંથી પાંચ ગોલ્ડ તો આપણે હોકીમાં મેળવ્યા હતા.
જોકે છેલ્લા એક-બે દાયકાથી સ્થિતિ સુધરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં દેશનું પ્રદર્શન અગાઉની તુલનાએ બહેતર થયું છે. એ ખરું કે વધારે પદકોની પ્રાપ્તિ એ જ કંઈ માપદંડ ન હોઈ શકે પરંતુ દેશનું આરોગ્ય, લક્ષ્ય પ્રાપ્તિની સજગતા અને માનસિક અવસ્થા પણ તેનાથી પરખાય છે. કોઈ દેશની પ્રતિષ્ઠા રમતક્ષેત્રે તેની ઉત્કૃષ્ટતા સાથે જોડાયેલી છે.
દેશમાં મોટા પ્રમાણમાં યુવા વસ્તી છે. નિર્ધનતા અને અભાવો છતાં પ્રતિભાઓની કમી નથી. તેમને શોધવાની અને તક આપવાની. જરૂર છે.સાવ નાના ગામમાં પણ ક્રિકેટ રમતા ટાબરિયા જોવા મળે છે. પરંતુ અન્ય ઘણી રમતો ઉપેક્ષિત છે. નીતિનિર્ધારકોને મન પણ રમત એટલે ક્રિકેટ છે. તેને કારણે દેશમાં સૌથી વધુ મેદાનો ક્રિકેટના છે અને ઓલમ્પિકમાં પાંચ ગોલ્ડમેડલ મેળવનાર હોકીના મેદાનો આખા દેશમાં પચીસેક જ છે. આ સ્થિતિ બદલવી પડશે. યુવાનો કેમ રમતને શોખ પૂરતી મર્યાદિત રાખે છે અને તેને કેરિયર નથી બનાવતા તે પણ સમજવા જેવું છે. સારું શિક્ષણ મેળવવાનું દબાણ, સલામત નોકરી માટેની માનસિકતા અને રમતમાં સફળતાનો નીચો તથા ધીમો દર તેમને રોકે છે.
ચીનને ૧૯૫૨ના ઓલમ્પિકમાં એક પણ પદક મળ્યો નહોતો. ૨૦૧૬ના રિયો ઓલમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ૧૧૫ રમતવીરોએ ભાગ લીધો હતો. પરંતુ રિયોમાં ભારતે જેટલા પદકો મેળવ્યા હતા એટલા તો એક જ અમેરિકી રમતવીરે મેળવ્યા હતા. બ્રિટને ૧૯૯૬માં એક જ ગોલ્ડ મેળવ્યો હતો. તેમ છતાં આ બધા દેશોનું રમતમાં ઉત્તરોઉત્તર પ્રદર્શન સુધરતું રહ્યું છે. તેનું મુખ્ય કારણ તેમણે રમતને પ્રાથમિકતા આપીને. દેશમાં રમત સંસ્કૃતિને વિકસાવી છે.
ભારતમાં રમત પ્રત્યેનો સરકારનો આરંભિક દ્રષ્ટિકોણ પણ સમાજના જેવો જ હતો.રમતગમત રાજ્ય યાદીનો વિષય છે એટલે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આ બાબતે સંતુલન નથી. છેક ૧૯૮૨ સુધી તો ભારત સરકારમાં રમત મંત્રાલય જ નહોતું. ૧૯૮૨માં મંત્રાલય તો મળ્યું પણ ૧૯૮૫ના યુવા વરસે તેને રમતગમત અને યુવા મંત્રાલય બનાવવામાં આવ્યું સ્વતંત્રતાના ત્રેપન વરસે, ૨૦૦૦માં, રમતગમતનું સ્વતંત્ર મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું. ૧૯૮૨માં દિલ્હીમાં એશિયન ગેમ્સની યજમાની કરનાર ભારતે પહેલી નેશનલ સ્પોર્ટસ પોલિસી ૧૯૮૪માં બહાર પાડી હતી. કેન્દ્ર અને રાજ્યોના રમતગમત વિભાગો અને સ્પોર્ટસ માટેના સ્વતંત્ર ફેડરેશનો વચ્ચે સત્તા અને જવાબદારીઓની સ્પષ્ટ વહેંચણીના અભાવે પણ દેશમાં રમતોના વિકાસ અને રમતવીરોને સહન કરવું પડે છે.
રમતોને સરકારની સહાય અને પ્રોત્સાહન આવશ્યક છે પણ તેને રાજનીતિથી દૂર રાખવાની પણ એટલી જ જરૂર છે. ક્રિકેટ બોર્ડ સહિતની ઘણી સ્પોર્ટસની સંસ્થાઓ પર રાજકારણીઓનો કબજો છે. બીસીસીઆઈ(ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ) અને એઆઈએફએફ(ઓલ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન)ની કામગીરી તથા વહીવટ અંગે સુપ્રીમ કોર્ટને હસ્તક્ષેપ કરવાની અને કમિટી બનાવવાની ફરજ પડી હતી.એ હદે રમતની સંસ્થાઓમાં રાજનીતિ તથા અનિયમિતતાઓ જોવા મળે છે.
જેમ ક્રિકેટમાં તેમ અન્ય રમતોમાં હવે નાના શહેરોના અને આર્થિક રીતે સંપન્ન ન હોય તેવા વર્ગના પણ અત્યંત પ્રતિભાશાળી યુવાનો, ખાસ કરીને યુવતીઓ, આવી રહી છે. તેમણે કઠોર પરિશ્રમ કરીને રાજ્યથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશનું નામ રોશન કર્યું છે. તેનાથી રમત ક્ષેત્રે દેશની ઉજળી આશાના એંધાણ વર્તાવા માંડ્યા છે. મોટા રાજ્યો અને મહાનગરોમાંથી જેમ દેશને ઉત્તમ ક્રિકેટરો મળ્યા છે તેમ નાના રાજ્યો અને નગરો કે ગામડાઓમાંથી બીજી અનેક રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ ઉભરી આવ્યા છે. દેશની કુલ વસ્તીમાં માત્ર બે ટકાની વસ્તી ધરાવતા હરિયાણાનો વ્યક્તિગત ઓલમ્પિક એવોર્ડમાં ત્રીસ ટકા હિસ્સો છે. દેશના સૌથી ઓછી વસ્તીના રાજ્યો પૈકીના એક મણિપુરમાંથી દેશને મેરીકોમ અને મીરાબાઈ ચાનુ જેવા ઉત્તમ પ્લેયર મળ્યાં છે.ઓલમ્પિકમાં બે વ્યક્તિગત સુવર્ણ પદકો સાથેના વીસ પદકો વર્તમાન સદીમાં મળ્યા છે. સરકારના પ્રયાસો અને સમાજના બદલાયેલા દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ આ તમામ હકીકતોમાં જણાઈ આવે છે.
હાલ રમતે ક્ષેત્રે જેમ પરિવર્તન તેમ સકારાત્મક વિકાસના તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. દેશના જુદા જુદા રાજ્યોના ખેલાડીઓ પોતપોતાના રાજ્યોની રમતોમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી રહ્યા છે. પંજાબ હોકીમાં, કેરળ, ગોવા, પશ્ચિમ બંગાળ ફુટબોલમાં, હરિયાણા કુશ્તીમાં, આંધ્ર, તમિલનાડુ એથલેટિક્સમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક વગેરે ક્રિકેટમાં આગળ વધી રહ્યા છે.
ઉજળી આશાના આ એંધાણના ઓવારણાં લેવા સાથે એ હકીકત પ્રત્યે પણ આપણે સજાગ રહેવાનું છે કે રમતોમાં પુરુષ અને મહિલા ખેલાડીઓને તેમની પ્રતિભા મુજબ સમાન તક અને સમાન પારિશ્રમિક મળી રહે. દેશના વિકસિત દેશોમાં પણ આ બાબતે અસમાનતા પ્રવર્તે છે ત્યારે ભારત તો મહિલા સમાનતાની બાબતમાં ઘણું પાછળ છે. અમેરિકાના મહિલા ફુટબોલ ખેલાડીઓએ સરકાર અને ફેડરેશન સાથે લાંબો સંઘર્ષ કરીને સમાન પારિશ્રમિકનો અધિકાર મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે આંતરરાષ્ટ્રીય જ નહીં ઘરેલુ ક્રિકેટમાં પણ પુરુષ અને મહિલા ક્રિકેટરોને એક સમાન નાણાં આપવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. એટલે ભારત પણ જો આ દિશામાં સજાગ રહેશે તો જે અનેક પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ છે તે દેશને રમત ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.