પુસ્તક પરિચય

રીટા જાની

આપણે બધાએ એ કહેવત સાંભળી છે કે ‘પુત્રના લક્ષણ પારણામાંથી’ ..ઇમારતની જેમ માણસની બ્લ્યુ પ્રિન્ટ તો નથી હોતી પણ મનુષ્યના વૃક્ષને જે ફળ લાગે છે, તેનું બીજ ચોક્કસપણે બાળપણમાં છે. બાળપણમાં  પ્રતિભાબીજ રોપાય, કેળવણી દ્વારા તેની માવજત થાય, તેની કલ્પનાશક્તિ ખીલે, બાળકનું ચારિત્ર્ય ઘડતર થાય અને વ્યક્તિવનો પાયો નખાય. નેથેનિયલ નામના એક નવલકથાકાર લખે છે કે જિંદગી તો કાદવ અને આરસ બંનેની બનેલી છે. જન્મ્યા પછી આપણે કેટલો કાદવ દૂર કરીએ અને આરસને ઉજળો બનાવીને જિંદગી સાર્થક બનાવીએ તેના એંધાણ બાળપણમાં મળી જાય છે. ગત અંકમાં આપણે મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’ની વાત શરૂ કરી હતી  અને આજે આપણે પણ મુનશીના બાલ્યકાળની વાતો  કરીશું.

ખૂબ નાટકીય ઢબે શરૂઆત કરે છે મુનશી પોતાના બાલ્યકાળની. “કોદાળી ને પાવડો લઈને હું ઊભો છું. જે શોધું છું, તેના પર પિસ્તાળીસ વર્ષના અનુભવનો ઢગ ખડકાયો છે. સૌથી ઉપર પડ્યો છે યરવડા સેન્ટ્રલ જેલમાં ફરતો કે.એમ.મુનશી નામથી ઓળખાતો માણસ. તેની નીચે જડે છે: લાલ વાઘામાં સજ્જ પટાવાળાથી સંવૃત્ત, પોલીસ ગાર્ડઝની સલામી લેતો મુંબઈ સરકારનો ગૃહમંત્રી. તેની નીચે નજરે પડે છે બિજાપુર જેલના કેદી નંબર ૬૦૮૬નો ચોખંડી ભૂરી લીટીવાળા કેદીના કપડામાં વીંટાયેલો દેહ: પ્રિઝનર મુનશી. એ પછી નજરે પડે છે – જયજયકારથી મહેકતો દેશભક્ત શ્રીયુત મુનશી. એનાથી આગળ ચાલતા દેખાય છે સાક્ષર શ્રી.મુનશી, ચારે તરફ પુસ્તકો વિખેરાતા. ત્યારબાદ દેખાય છે બ્રીફોનો ઢગ હાથમાં રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા મિસ્ટર મુનશી. કોદાળી ને પાવડાથી ખોદતા ને ફેંકતા ચારે તરફ ધૂળ ઉડે છે ને ઢગના તળિયે સાત વર્ષનો છોકરો દેખાય છે: કેડે સાંકળી, હાથે સોનાની કલ્લી, કાને મોતીની કડી:  સુકો, ગંભીર ને લાડકો: સુરતમાં, મોટા મંદિરના ચોકમાં ધનુષ્ય બાણથી રમતો…હા, શોધ્યો જડ્યો એ કનુભાઈ, આખરે પકડાયો.”

૧૯૧૩ સુધી તેઓ કનુભાઈ તરીકે જ ઓળખાતા. તેમના પિતા સૌથી મોટા અને પ્રતાપી માણસ હતા એમ તેઓ માનતા  અને તેનો ગર્વ અનુભવતા. સાંજે બાપાજી તેમને અંગ્રેજી શીખવતા. દીકરાને સિવિલિયન કરવાની ઈચ્છાથી બાલ્યવયથી તૈયાર કરતાં. કનુભાઈ પલાખા તબલા સાથે ગોખતાં. “રાવસાહેબ” ના દીકરા કનુભાઈને ઘણી વિશિષ્ટ સુખ સગવડ ને સ્થાન મળતા. પછી એ કોઈ દુકાનદાર હોય, શાળા હોય કે પછી નાટકમંડળી. બાલ્યકાળમાં જોયેલા નાટકોનો તેમના મન પર ઘણો પ્રભાવ રહ્યો. સૌથી પહેલો ખેલ તેમણે જોયો રા’ખેંગાર અને રાણકદેવીનો. જ્યારે સિદ્ધરાજ રાણકદેવીના બે પુત્રોને મારી નાખે છે ત્યારે તેઓ ખૂબ રડ્યા હતા. મુનશી નોંધે છે કે રંગભૂમિ કે ચલચિત્રમાં ભાવમય દૃશ્ય જુએ કે કોઈ હૃદયવેધક પ્રસંગ જો સાહિત્યમાં આલેખે તો તેમની આંખોમાંથી આંસુ સરી જતાં. એમના હૃદયની આ ઋજુતા તેમના સાહિત્યમાં ભારોભાર જોવા મળે છે. તેમણે ઘણા નાટકો જોયા ને ત્યારથી નાટક કરવાનો શોખ લાગ્યો. તેના પાત્રો સાથે એટલા ઓતપ્રોત થઈ જતાં કે ક્યારેક પોતે પરશુરામ બની જતા તો ક્યારેક કાલ્પનિક સહચરી સાથે મહાલતા. ત્યારબાદ ગાગરિયા ભટની કથાઓમાં ચકચૂર થઈ ગયા .

આજની પેઢી માટે તો આશ્ચર્યની અવધિ ના રહે કે ત્યારે પાંચમી ગુજરાતીના મહેતાજી છોકરાઓના નંબર પૂરવા પૂછે કે તમારામાંથી જે પરણેલા હોય તે ઊભા થાય ને તેને પહેલા બેસાડ્યા. પછી જેના વિવાહ થયા હોય તેનો નંબર અને બાકીનાને કહ્યું, “દુષ્ટો, તમે છેલ્લા જાઓ. આટલા મોટા ઉલ્લુઓ જેવા થયા તોય કોઈ દીકરી ધીરનાર ન મળ્યું. છેલ્લા જાઓ.” બાળ લગ્ન અને બાળવૈધવ્યના એ યુગમાં મુનશી જ્યારે વડોદરા કોલેજમાં હતા ત્યારે વાદવિવાદમાં પુનર્લગ્ન, સ્ત્રી કેળવણી જેવા  વિષયો રહેતા, જેમાં મુનશી હંમેશા તેની હિમાયતના પક્ષમાં રહેતા.

બાળકનો પહેલો શિક્ષક છે તેની માતા. મુનશીના માતા તાપીબા મુનશી-બા-જીજીમાનું વ્યક્તિત્વ, તેના હૃદયના રહસ્યો ને અંતરના મંથનો તેમના જીવનના સીમાચિહ્નો “છેલ્લા દફતર” માં સંગ્રહાયેલા હતા. એ કાગળોમાં છે: એના દુઃખો, સુખો, એનાં આત્મમંથનો અને લેખિની વડે આત્મા પર મેળવેલા વિજયો; વિશુદ્ધ બુદ્ધિ ને કર્તવ્યપરાયણતાથી પ્રેરાયેલા એંશી વર્ષોના સહિષ્ણુતા, ક્ષમા, ઔદાર્ય અને સંસ્કાર! તેમાં દાંપત્યજીવનના મોહક રંગો હતા તો હૃદયમાંથી શોધી કાઢેલા વાણીનું તપ તપાવવાના સૂત્રો પણ હતાં. તેમણે હૃદયના માધુર્યને સર્વગ્રાહી બનાવેલું તો તેમનામાં સામાની શક્તિઓ અને મુશ્કેલીઓ સમજવાની અદભૂત શક્તિ હતી. તેમણે મુનશીઓની ઉગ્રતા ઝીલી ચંદ્રના અમીવર્ષણ કરેલાં. તેઓ હંમેશા કંઈને કંઈ લખ્યા કરતાં. ઊર્મિ થાય ત્યારે કવિતા પણ લખે. પ્રેમાનંદના કાવ્યો પોતાને હાથે ઉતરેલા. બાએ પુરાણકથાઓથી કનુભાઈનું મગજ ભરી દીધું હતું એટલે ભૃગુ પૂર્વજોની કારકિર્દી  તો મન આગળ રમતી જ  હતી.

૧૯૦૩ માં કનુભાઈએ વાક્ પાટવ ખીલવવાના  પ્રયત્નો કરવા માંડેલા સાથે અંગ્રેજી નિબંધો લખવાનું પણ શરૂ કર્યું. ૧૯૦૪માં કોલેજના અર્ધવાર્ષિકમાં લેખો લખવા માંડ્યા. પોતાની લેખનપ્રવૃત્તિની શરૂઆત વિશે મુનશી નોંધે છે – “આમ મુનશીઓનાં રંગસમૃદ્ધ રંગચિત્રોમાં પ્રબળ ઊર્મિઓને વ્યક્ત કરવાની વૃત્તિ અને બાની લખી લખીને હૃદય ઠારવાની વૃત્તિ બંને પ્રવાહોને વશ કરીને સરસ અને સચોટ કથન સર્જવાના મારા પ્રયત્નો શરૂ થયા. આ ઉપાસના કરવામાં મને જે અક્ષય આનંદ મળ્યો તે જ એ પ્રયત્નોનું સાફલ્ય છે.”

એક મહાન કલમની આવી હતી શરૂઆત…


સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com