પુસ્તક પરિચય

વિરાટનો સ્પર્શહરેશ ધોળકિયા

૨૧મી સદીની Out of Box કથા

પરિચયકર્તા : અશોક વૈષ્ણવ

હરેશ ધોળકિયા ‘વિરાટનો સ્પર્શા’ પુસ્તકની પ્રસ્તાવનામાં જ ખેલદિલીથી સ્વીકારે છે કે તેઓ મૂળત: : વિચારપ્રેરક નિબંધો લખનાર વ્યક્તિત્વ છે, નવલકથા જેવા સાહિત્ય પ્રકાર માટે તેઓ એટલા સજ્જ નથી. તેમ છતાં અમુક અમુક સમયે તેમના મનનો કબજો  જ્યારે એવો કોઈ વિચાર લઈ લે છે જે નિબંધ સ્વરૂપે મૂર્ત ન જ થઈ શકે ત્યારે તેમની લેખની કોઈક અવશ પ્રેરણાથી પ્રેરાઈને જ કંઈ લખવા લાગે છે તેનું સ્વરૂપ નવલકથાનું હોય છે, આ રીતે  તેમના મૂળ વિચાર કાલ્પનિક પાત્રો અને પરિવેશના માધ્યમથી તેઓ રજૂ કરે છે.

‘વિરાટનો સ્પર્શ’ તેમના આવા જ મનોવ્યાપારની નીપજ છે. આ નવલકથાનો કેન્દ્રીય  વિચાર  એકવીસમી સદીમાં પ્રવર્તી રહેલ ખૂબ ઝડપી પરિવર્તનો માટે જે મુક્ત માનસ હોવું જોઈએ તે ‘‘મુક્ત માનસ’ એટલે ખરા અર્થમાં કેવાં બંધારણના પાયા પર ચણાયેલું વ્યક્તિત્વ હોવું જોઈએ?’ તે વિશે છે. આજની પરિસ્થિતિ સાથે અનુકૂલન કરી શકે તેવું કે આવતી કાલના પડકારો ઝીલી શકે તેવું એ માનસ હોવું જોઈએ? અતિ ઝડપી ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટફોન વડે, દુનિયા આખીના ખબરોને  હથેળીમાં સમાવી લેવાની ભૌતિક ક્ષમતા ધરાવતી  ભારતીય યુવાન પેઢી તેનાં કુટુબના સંસ્કારો અને સામાજિક, કે ધાર્મિક કે રાજકીય માન્યતાઓની કે આર્થિક મર્યાદાઓની અડચણોને અતિક્રમવા જેટલો માનસિક રીતે આધુનિક બની શકેલ છે? આજનાં ભણતર દ્વારા  તેને જે તાલીમ મળે છે તેનાથી તે પોતાનાં પારંપારિક મૂલ્યોને વૈશ્વિક વિચાર પ્રક્રિયાનાં ધોરણોને સમજવા અને પોતાની જીવન પદ્ધતિને તે માપદંડોને પાર કરી શકવાને સક્ષમ બની રહ્યો છે ખરો?

રૂઢિચુસ્તતાની સામેની લડત સમાજના અમુક તમુક વર્ગથી થોડાં વર્ષો સુધી ચાલતી ઝુંબેશોમાં સમેટાઈ જતી ઈતિહાસે જોઈ છે. આવતી કાલની સાથે કદમ તાલ મિલાવી શકવાની કુશળતા સમાજમાં રહેલ વ્યક્તિઓનાં  વર્તન માત્રમાં થતાં ફેરફારોથી નહીં, પણ સમગ્ર સમાજની સામૂહિક વિચારસરણીમાં થતાં, લાંબા ગાળે પણ ટકી રહી શકનારાં, દરેક ક્ષેત્રોમાં થતાં, પરિવર્તનોમાંથી આવી શકશે.

આ દિશામાં, સામાજિક રીતે વિકટ પરિસ્થિતિમાંથી, માર્ગ કાઢી રહેલ એક સિંગલ પેરંટ માનો પ્રયાસ એ આ  નવલકથા ‘વિરાટનો સ્પર્શ’નું કથાવસ્તુ છે. પરંપરાગત રિવાજોના સામાજિક દૌરમાંથી પોતાની જીવન નૌકાને ખેડતી એક મા અનાથાશ્રમમાંથી દત્તક તરીકે સ્વીકારેલ પોતાનાં દીકરી અને દીકરાને કેવું વાતાવરણ પૂરું પાડે છે, જેની નીપજથી દીકરી એક અવકાશયાત્રી બને અને દીકરો સંયુક્ત રાષ્ટ્રસંઘનો સેક્રેટરી જનરલ બને  એવું એનું એ સ્વપ્ન તે સિદ્ધ કરી શકે છે તેનો ઘટનાક્રમ એ ત્રણેય પાત્રો દ્વારા જ કરાયેલ વર્ણનોમાં વણી લેવાયો છે.

દીકરી અવકાશયાત્રી થઈને જ નથી અટકી ગઈ પણ અવકાશ યાત્રા દ્વારા અથાગ વિશ્વને સમજતાં રહેવા માટે નિરંતર વિદ્યાર્થિની બની રહેવા માગે છે. દીકરો માત્ર સેક્રેટરી જનરલની કક્ષાએ પહોચીને સંતોષ માની લેવાને બદલે સમગ્ર વિશ્વ હમેશાં માનવીય મૂલ્યોની સમજને ભૂલી ન જાય તેવી સમયોચિત વ્યવસ્થા બની શકે તે માટે પ્રયાસ કરતો રહેવા માગે છે. તેમના વિચારોને આમ વર્તમાનનાં ભૌતિક સાધ્યોની સિદ્ધિઓને  અતિક્રમીને ભવિષ્યલક્ષી દૃષ્ટિકોણલક્ષી બનાવવામાં મા દ્વારા રચવામાં આવેલાં  વાતવારણમાંથી મળેલા સંસ્કારોનું ઘડતર તેમનાં પોતપોતાનાં જીવનના સારા અને નરસા કેવા કેવા વળાંકોમાંથી પસાર  થતાં થતાં આકાર લે છે તે વિષે નવલકથાનું પોત થોડું પાતળું પડતું  જણાય છે. સામાજિક, આર્થિક, રાજકીય કે પ્રાદેશિક વાડાબંધીની ભુલભુલામણીમાં નાની નાની, પ્રમાણમાં છીછરી કહી શકાય તેવી સફળતા મેળવવાની દોડમાં વ્યસ્ત બનેલ આજની પેઢી આવા વિશાળ, આદર્શ, દૃષ્ટિકોણને પામવા માટેના માર્ગ આટલી સંક્ષિપ્તમાં કહેવાયેલી વાર્તાનાં માધ્યમથી સમજી જઈ શકશે કે કેમ તે સવાલ મનના કોઈ ખૂણામાં રહી જતો  જણાય છે.

નવલકથાના અંતમાં કથાનાં મુખ્ય પાત્રોના સત્કાર સમારંભમાં હાજર શ્રોતાગણ દ્વારા કરાયેલા રૂઢિગત સવાલોનાં એ પાત્રો દ્વારા અપાયેલા જવાબોને બદલે આપણે, દરેક વાચક, એ સવાલોના જવાબો પોતાનાં જીવનના સંદર્ભમાં ખોળતાં થઈએ  તો ગઈકાલની, આજની અને નવી પેઢીને પોતાનાં વિચારોને નવાં પરિપેક્ષ્યમાં વિચારતાં કરવાનો  નવલકથાનો મૂળ હેતુ ખરેખર બર આવશે. જોકે એક જ બેઠકે વાંચી  જવાય એવી ચુસ્ત શૈલીમાં લખાયેલ આ (લઘુ) નવલકથા જો વ્યાપક વાચક વર્ગની પસંદ બની રહેશે તો અનેક વ્યક્તિઓની થોડી થોડી સમજનાં  ઝરણાઓમાંથી પણ જે એક શક્તિશાળી પરિવર્તક વિચારસરણી  બની શકે, એવી આશા સેવવી આ નવલકથા વાંચ્યાં પછી સાવ અસ્થાને નથી લાગતી

0        –         0        –         0        –

‘વિરાટનો સ્પર્શ’ ની અન્ય વિગતોઃ

લેખક – હરેશ ધોળકિયા

પ્રથમ આવ્રુતિ : જુલાઈ ૨૦૨૨

પૃષ્ઠસંખ્યા – ૧૫૧। કિંમત:  રૂ. . ૧૭૫   /-

પ્રાપ્તિસ્થાન: આર આર શેઠ એન્ડ કંપની, અમદાવાદ ૩૮૦૦૧ । ઈ-મેઈલ – sales@rrsheth.com


શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો

નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧

ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com


પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com