ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘ખેલદિલી’ શબ્દ ‘ખેલ’ એટલે કે રમત સાથે સંકળાયેલો છે, રમતમાં અને રમતવીરમાં અપેક્ષિત એવી ઉદારતા અને મનનું ખુલ્લાપણું આ શબ્દ દ્વારા વ્યક્ત થાય છે. રમતમાં સ્પર્ધાનું તત્ત્વ સીધેસીધું સંકળાયેલું હોવાથી તેમાં ભાગ લેનારાઓ પાસે પોતાના હરીફને હરાવવાનો જુસ્સો હોય એ સ્વાભાવિક છે, પણ જીતવા માટે કોઈ ગેરવાજબી તરીકો અપનાવવાને બદલે માત્ર ને માત્ર રમતના નિયમોને આધીન થઈને તેઓ રમે એ આદર્શ છે. સાથોસાથ પોતે હાર સ્વિકારવાનો ગુણ પણ વિકસાવે એ જરૂરી છે. આથી જ ‘ખેલદિલી’ શબ્દનો ઉપયોગ રમત ઉપરાંતનાં અન્ય ક્ષેત્રોમાં પણ છૂટથી કરવામાં આવે છે. અલબત્ત, રમતોનું જે રીતનું વ્યાપારીકરણ થયું છે એ જોતાં આયોજકો વિવિધ સ્પર્ધાઓનો એ રીતે પ્રચાર કરે છે કે જાણે એ કોઈ સ્પર્ધા નહીં, પણ યુદ્ધનો તમાશો હોય! આ રીતે વધુ ને વધુ ચાહકો ખેંચાઈ આવે છે, જેની સીધી અસર આવક પર થાય છે. ‘ખેલદિલી’નો ગુણ ખેલાડીઓ પાસે અપેક્ષિત હોય, પણ ચાહકો એમાંથી બાકાત હોય છે. ચાહકો ચોક્કસ ખેલાડીઓ, ચોક્કસ ટીમ બાબતે એકદમ ઝનૂની વલણ અપનાવતા જોવા મળે છે. તેમનું આવું વલણ કેવાં દુષ્પરિણામ લાવી શકે એ દર્શાવતી એક દુર્ઘટના હમણાં ઈન્ડોનેશિયામાં એક ફૂટબૉલની મેચ દરમિયાન બની ગઈ.
ઈન્ડોનેશિયાના પૂર્વ જાવામાં આવેલા માલાન્ગના કાન્જુરુહાન સ્ટેડિયમમાં 1 ઑક્ટોબરને શનિવારની સાંજે અરેમા એફ.સી. અને પર્સેબાયા સુરાબાયાની ટીમ વચ્ચે ફૂટબૉલની મેચ યોજાઈ હતી. આ બન્ને ટીમના સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળવાની નવાઈ નથી. આ બાબતને ધ્યાનમાં લઈને વિશેષ સાવચેતી લેવામાં આવી હતી. પર્સેબાયાની ટીમના ચાહકોને મેચમાં પ્રતિબંધિત કરાયા હતા. એટલે કે ઘરઆંગણાની અરેમા એફ.સી.ટીમના સમર્થકો જ ઉપસ્થિત હતા. વધારાના પોલિસ બંદોબસ્તની જોગવાઈ કરવામાં આવી હતી. સ્ટેડિયમની 38,000 ની ક્ષમતાની સામે 42,000 ટિકીટોનું વેચાણ કરવામાં આવ્યું હતું. વિરામના સમય સુધી પરિસ્થિતિ બરાબર હતી. પર્સેબાયાની ટીમ 3-2થી વિજેતા બની એથી ક્રોધે ભરાયેલા અરેમાની ટીમના સમર્થકોએ મેદાન પરના ખેલાડીઓ પર ચીજવસ્તુઓ ફેંકવા માંડી. આખેઆખો ઘટનાક્રમ કડીબદ્ધ રીતે જાણવો મુશ્કેલ છે. ટીમના ખેલાડીઓ મેદાન વચ્ચે ઊભેલા હતા, અને વિજેતા ટીમના ખેલાડીઓને સુરક્ષિત રીતે પોલિસે ચેન્જિંગ રૂમ સુધી પહોંચાડ્યા હતા. એવામાં અરેમાની ટીમના ત્રણેક હજાર સમર્થકો મેદાન પર ધસી આવ્યા. મેદાન પર અરાજકતા વ્યાપી ગઈ, અને પોલિસે બળપ્રયોગ આરંભ્યો. ટોળાને વિખેરી નાંખવા માટે અશ્રુવાયુ છોડવામાં આવ્યો. તેને લઈને પરિસ્થિતિ ઓર વણસી અને રીતસરની નાસભાગ મચી. લોકો આડેધડ દોડવા લાગ્યા, મેદાનની બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આ બધી ધમાલમાં અંતે આશરે સવાસો લોકો મરણને શરણ થયા, જેમાં સત્તર બાળકોનો પણ સમાવેશ થાય છે.
આખી ઘટનાની વિગતવાર તપાસ થઈ રહી છે, અને એના માટે જેને કસૂરવાર ઠરાવવામાં આવે એ ખરું, પણ જેમણે પોતાના જીવ ગુમાવ્યા એમનું શું? પોલિસ વિભાગ પર માછલાં ધોવાઈ રહ્યાં છે, અને અશ્રુવાયુ છોડવાની પહેલ કરવા બદલ તેમની ટીકા થઈ રહી છે. પોલિસે કેવળ અશ્રુવાયુનો જ પ્રયોગ નહોતો કર્યો. લોકોને લાકડીઓ વડે ઠમઠોર્યા પણ હતા. નાસભાગ મચે એમાં આ બધી બાબતોનો ગુણાકાર થતો હોય છે.
આ પ્રકારની દુર્ઘટના કંઈ પહેલવહેલી નથી, એમ ઈન્ડોનેશિયામાં જ બને છે એવું નથી. આપણે ત્યાં કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન ખાતે 1980માં યોજાયેલી ફૂટબૉલની મેચ દરમિયાન મચેલી દોડધામને પગલે સોળ લોકો કચડાઈ મર્યા હતા. 1989માં ઈન્ગ્લેન્ડના હીલ્સબરો ખાતે રમાયેલી ફૂટબૉલની મેચમાં અંધાધૂંધી સર્જાઈ અને 97 લોકો મૃત્યુ પામ્યા. અલબત્ત, સૌથી અરેરાટીપૂર્ણ કરુણાંતિકા 1964માં પેરુના લીમા ખાતે પેરુ અને આર્જેન્ટિના વચ્ચે ઑલિમ્પીકની પાત્રતા માટે રમાયેલી મેચમાં સર્જાયેલી, જેમાં 320 લોકો માર્યા ગયા હતા.
રમત દરમિયાન બનતી રહેતી આવી દુર્ઘટનાઓને રમતના મૂળ હાર્દ ગણાવી શકાય એવી ખેલદિલી સાથે કશી લેવાદેવા હોતી નથી. પોતાના પ્રિય ખેલાડી કે ગમતી ટીમ બાબતે તેના ચાહકો એટલો પ્રબળ માલિકીભાવ ધરાવે છે કે એની હાર તેઓ સ્વિકારી શકતા નથી. ચાહકોના આ વલણનો કસ કાઢવાનો મોકો આયોજકો છોડે! તેઓ પણ રમતના આ મુકાબલાને જાણે કે બે દેશ વચ્ચેનો શેરીઝઘડો હોય એવો પ્રચાર કરીને વધુ ને વધુ લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરતા રહે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ જાણે કે બે દેશ વચ્ચેનું યુદ્ધ હોય અને એક દેશ બીજાને હરાવે તો યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હોય એવો માહોલ સર્વત્ર વ્યાપી જાય છે.
ચાહકો એ સ્વિકારી શકતા નથી કે રમતમાં હંમેશાં કોઈ એક પક્ષનો વિજય નિશ્ચિત હોય છે, તેની સાથે બીજા પક્ષની હાર પણ નક્કી હોય છે. વધુ ને વધુ નાણાં ઉસેટી લેવાની લ્હાયમાં તેમને કેળવવાને બદલે તેમની લાગણીઓને ભડકાવવામાં આવે છે. આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તેની પર આંસુ સારવામાં આવે, તપાસના આદેશ થાય, શોકસંદેશા પાઠવવામાં આવે, મૃતકોને વળતર અપાય કે કોઈકને સજા પણ થતી હશે, છતાં રમત પ્રત્યેનું આયોજકોનું વલણ ભાગ્યે જ બદલાય છે અને ચાહકોની લાગણીઓનું નાણાંમાં રૂપાંતર કરવાનો ઉદ્યોગ સતત ચાલતો રહે છે. પરિણામે તેમાંથી કશો બોધપાઠ ભાગ્યે જ અંકે કરવામાં આવે છે. ચાહકોને કોઈ પણ રીતે એ સંદેશો પાઠવવો જરૂરી બની રહે છે કે તમારી ટીમ જીતે યા હારે, તમને ઉત્તમ રમત જોવા મળશે એ નક્કી છે. છે તો આ સાવ સરળ બાબત, પણ તેનો અમલ કરવા માટે નાગરિકની દૃષ્ટિએ વિચારવું પડે. અને એ બહુ કઠિન હોય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૧૦ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)