કોઈનો લાડકવાયો

દીપક ધોળકિયા

આ શ્રેણીના પ્રકરણ૫માં આપણે કેરલા વર્મા વિશે જાણ્યું. એના પર ફરી નજર કરી લઈએ તો  વાયનાડના કુરિચિયા (અથવા કુરિચિયાર) અને કુરુમા (અથવા કુરુંબરા) આદિવાસીઓના વિદ્રોહ વિશે સમજવાનું સહેલું પડશે.

મલબારમાં નાનામોટા ઘણા રાજાઓ (જાગીરદારો) હતા. ૧૭૮૭માં મલબારના રાજાઓનો વિરોધ ટીપુ સામે હતો. એટલે એમણે ત્રાવણકોરના રાજાનું શરણું લીધું. આમાં કોટ્ટયટ્ટૂના રાજાએ જતાં પહેલાં પોતાના નાના ભાઈ કેરલા વર્માને ગાદી સોંપી દીધી. એ નીડર હતો અને ટીપુની બીક રાખ્યા વિના એની વિરુદ્ધ લોકોને તૈયાર કરતો અને લડાઈ માટે ધન એકઠું કરતો હતો. પણ ૧૭૯૨માં ટીપુ સામે લડાઈ પછી મલબાર કંપનીના હાથમાં આવી ગયું. કંપનીએ બધા રાજાઓને પાછા બોલાવીને સમજૂતી કરી કે એ બધા એમની આવકનો પાંચમો ભાગ કંપનીને આપે. કેરલા વર્માને લાગ્યું કે એ તો ટીપુ સામે લડતો જ હતો, ભાગી નહોતો ગયો  એટલે એ શાનો ભાગ આપે? અંગ્રેજોએ એને પણ બીજા જેવો જ ગણ્યો. આથી એનો રોષ હવે કંપની તરફ વળ્યો. એણે લોકોની મદદથી કંપનીને મલબારમાં સ્થિર થવા ન દીધી.

કેરલા વર્માનું પાટનગર પળાશી હતું ત્યાં વિદ્રોહનો અવાજ ઊઠ્યો કે તરત  કુરિચિયા આદિવાસીઓને  એમના નેતા તળક્કળ ચંદુએ એકઠા કર્યા અને કેરલા વર્મા પળાશી છોડીને વનમાં રહેવા આવ્યો ત્યારે બધી મદદ કરી.

પળાશીના વિદ્રોહને તો અંગ્રેજોએ દબાવી દીધો અને કુરિચિયાઓને પકડી લીધા અને વેઠ બેગારમાં લગાડી દીધા.  ચંદુને ફાંસીએ લટકાવી દીધો.

                                      કુરિચિયા આદિવાસી

કુરિચિયા આદિવાસીઓ મલ્લૈ બ્રાહ્મણ (પર્વતના બ્રાહ્મણ) તરીકે પણ ઓળખાય છે અને આદિવાસી સમાજમાં એમનું બહુ માન છે.  ૧૮૧૨માં કંપનીએ પોતાનું પોત પ્રકાશ્યું અને હવે અહીં પણ રોકડેથી મહેસૂલ લેવાનું શરૂ કર્યું. કુરુમા આદિવાસીઓ મોટા ભાગે ડાંગરની ખેતી કરતા.  રોકડા પૈસા તો એમની પાસે હતા નહીં એટલે કંપનીએ કુરુમાઓની જમીનો આંચકી લેવાનું શરૂ કર્યું.  આથી, કુરિચિયાની સાથે કુરુમા પણ અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા. આ વખતે રામા નામ્બીએ કુરિચિયાઓની સરદારી લીધી.

વિદ્રોહ આખા વાયનાડમાં ફેલાઈ ગયો. કુરિચિયાઓના ધર્મગુરુઓએ પણ લોકોને કંપની સરકાર વિરુદ્ધ જંગ છેડવા એલાન કર્યું અને તે સાથે કુરિચિયા કોળકાર (કુરિચિયા પોલીસ) દળના સિપાઈઓ પણ કૂદી પડ્યા. બધા મુખ્ય માર્ગો પર કુરિચિયા-કુરુમા આદિવાસીઓનો કબજો થઈ ગયો. ત્યાંથી કોઈ પણ યુરોપિયન પસાર થાય તે જીવતો જઈ ન શકતો. એમણે કેટલાંય પોલીસ સ્ટેશનો પર હુમલા કર્યા અને બ્રિટિશ સેનાને મળતી કુમકના બધા રસ્તા બંધ કરી દીધા. વાયનાડના મુખ્ય તાલુકાઓ સુલતાન બતેરી અને માનંતવાડીમાં એમણે યુનિયન જૅકની જગ્યાએ પોતાનો વાવટો ફરકાવી દીધો. પરંતુ અંગ્રેજોની જબ્બરદસ્ત તાકાત સામે એ કેટલું ટકી શકે? અંતે વિદ્રોહીઓનો પરાજય થયો.

એના પહેલાં ૧૮૦૨ અને ૧૮૦૯ વચ્ચે ત્રાવણકોર સાથે પણ કંપનીએ  દગો કર્યો. ત્રાવણકોરના રાજાએ કંપની સાથે મિત્રતાના કરાર કર્યા. એમાં કંપની એક પોલિટિકલ એજન્ટ નીમી શકે એવી વ્યવસ્થા હતી. એણે રાજ્યની આંતરિક બાબતોમાં માથું મારવાનું નહોતું પણ એ માથું મારવા લાગ્યો અને ત્રાવણકોરને બધું  ચડત દેવું ચૂકવી દેવા તાકીદ કરી. રાજાનો દીવાન વેલુ તંબી આ સહન ન કરી શક્યો અને એણે અંગ્રેજોની દાદાગીરીનો જવાબ આપવાનું નક્કી કર્યું. અંગ્રેજોને ભગાડવા માટે એણે ફ્રાંસની કંપનીની મદદ માગી પણ એમણે કંઈ મદદ ન કરી.

અંતે ૧૮૦૮ના ડિસેમ્બરમાં ત્રાવણકોર અને કોચીનની ફોજોએ સાથે મળીને રેસીડેન્ટ એજન્ટના નિવાસસ્થાન પર હુમલો કર્યો. જો કે એને ખબર પડી ગઈ હતી એટલે ભાગી છૂટ્યો હતો, વિદ્રોહીઓએ હવે જેલો પર હુમલા કરીને બધા રાજકીય કેદીઓને મુક્ત કર્યા. પરંતુ કોચી પરના હુમલામાં અંગ્રેજો એમના કરતાં વધારે સ્બળ પુરવાર થયા અને વિદ્રોહીઓ હાર્યા. વેલુ તંબી નાસી છૂટ્યો. ૧૮૦૯ની ૧૧મી જાન્યુઆરીએ એને વિદેશી સત્તા સામે બળવો પોકારવા જનતાને ખુલ્લી અપીલ કરી. તે પછી એ ત્રિવેંદ્રમ (હવે તિરુઅનંતપુરમ)થી ભાગી છૂટ્યો અને  મન્નાડીના મંદિરમાં આપઘાત કરી લીધો. કંપનીના સૈનિકો એને શોધતા હતા પણ એનું શબ હાથ લાગ્યું. હવે કંપનીએ પોતાની જંગલી વૃત્તિ પ્રગટ કરી મૃત તંબીનું માથું કાપીને અલગ અને ધડ અલગ, એમ લઈ ગયા અને ઠેકઠેકાણે લોકોમાં ધાક બેસાડવા એનું પ્રદર્શન કરતા રહ્યા.

વેલુ તંબી, કુરિચિયાઓના નેતા તળક્કળ ચંદુ અને આ વિદ્રોહમાં પોતાના પ્રાણનું બલિદાન આપનારા બધા જ, આપણી આઝાદીના પાયામાં છે. એમને વિસાર પાડી ન શકાય. એ  સૌને વંદીએ.


દીપક ધોળકિયા

વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી