ચેલેન્જ.edu
રણછોડ શાહ
એક ગુરુ એવો હોય છે જે દરેક માણસને
તેની લઘુતાનું ભાન કરાવે છે.
પરંતુ
સાચો ગુરુ એવો હોય છે જે દરેક માણસને
એની મહત્તાનું ભાન કરાવે છે.
સમાજમાં વિવિધ વ્યવસાયોને સન્માનવા માટે તે અંગેના દિવસો ઊજવવાનો રિવાજ છેલ્લા થોડાક દાયકાઓથી શરૂ થયો છે. સી.એ. ડે, એન્જિનિયર્સ ડે, ડૉકટર્સ ડે, શિક્ષક દિન, સૈનિક દિવસ વગેરે જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. તો શારીરિક સ્વાસ્થ્યની સાચવણી અંગે જે તે રોગની વ્યવસ્થિત કાળજી લેવા માટે પણ દિવસોની ઉજવણી કરી રોગના કારણો અને ઉપચાર અંગે સમજ આપવામાં આવે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો ઉજવણીના દિવસે પોતાના વિચારો રજૂ કરે છે. સંશોધન અને જે તે વિષય અન્વયે થયેલ સર્વેની માહિતી સમાચારપત્રો દ્વારા જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન પણ થાય છે. આ નિષ્ણાતો ગરુપદ શોભાવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણીનો વિચાર કરીએ તો વર્ષમાં ૩૬૫ દિવસ પણ ઓછા પડે તેવી સ્થિતિમાં આપણે પહોંચી ગયા હોય તેવું નથી લાગતું ?
જન્મથી મમ્મી-પપ્પા દરેક બાળકના પ્રથમ ગરુ બને છે. પછી અભ્યાસ માટે શાળા-કોલેજોમાં જોડાતાં ગુરુ-શિષ્યનો નાતો વિધિવત શરુ થાય છે. વ્યવસાયમાં આવેલ નવીન આગંતુકને તેના પૂર્વસૂરીઓ માર્ગદર્શન આપે ત્યારે તે ગુરુની જ ભૂમિકા ભજવે છે. ધાર્મિક સંપ્રદાયના વડાઓ આઘ્યાત્મિક માર્ગદર્શન આપી ગુરુપદનું સ્થાન શોભાવે છે. પરંતુ આ તમામ કરતાં વિશિષ્ટ જવાબદારી શાળામાં શિક્ષકો અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અધ્યાપકોની છે તેવી સામાજિક સમજણ છે. અહીંયાં ગુરુ-શિષ્યનો નાતો, જવાબદારી, નિસ્બત અને સંબંધ ખૂબ જ અલગ પ્રકારના હોય છે તેવું સમજવાની અને સમજાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.
માત્ર ડિગ્રી મેળવવાથી શિક્ષકના વ્યવસાયમાં પ્રવેશ જરૂર મળે, પરંતુ તેનાથી શિક્ષકત્વ પ્રાપ્ત થતું નથી. શિક્ષકની કામગીરી માત્ર પાઠયપુસ્તકનું જ્ઞાન આપીને પૂર્ણ થતી નથી. કદાચ તેની શરૂઆત હોઈ શકે પરંતુ તેનું વિસ્તરણ તો અફાટ છે.
બાળક ઘરનું આંગણું છોડી શાળામાં પ્રવેશ લે છે ત્યારે તે લગભગ કોરી સ્લેટ જેવું હોય છે. અનેક આશાઓ અને ઉમંગો લઈને શાળાના પ્રાંગણમાં પગ મૂકે છે. કુટુંબની મર્યાદિત ઘટનાઓમાંથી શૈક્ષણિક સંસ્થાના વિવિધ અને વિશિષ્ટ અનુભવોમાંથી પસાર થવાનું હોય છે. શાળાજીવનનાં વર્ષો જિંદગીના ‘જીવન ઘડતરનાં વર્ષો’ છે. આ સમયગાળાનું જીવનમાં અત્યંત આગવું મહત્ત્વ છે. જીવનનાં વિવિધ પાસાઓનું વૈધિક તથા અવૈધિક શિક્ષણ આ વર્ષો દરમિયાન જ પ્રાપ્ત થાય છે. મહાશાળાઓમાં પણ લગભગ આ જ પરિસ્થિતિ છે, તફાવત માત્ર ઉંમરનો છે.
વિદ્યાર્થી અને સમાજ શિક્ષકને એક આગવી નજરે જુએ છે. અન્ય વ્યવસાયો કે કામગીરીમાં અને શૈક્ષણિક કાર્યની જવાબદારીમાં આસમાન જમીન જેટલું અંતર છે. અહીંયા કામ કરનારના વ્યકિતત્વને તેની કામગીરી સાથે સીધી રીતે સાંકળવામાં આવે છે. વર્ગખંડમાં કરેલ શ્યામફલક ઉપરની કામગીરીને સ્વચ્છ કરવાની જવાબદારી શિક્ષકની છે. તે લખાણને ભૂંસવા માટે વિદ્યાર્થીના હાથમાં ડસ્ટર પકડાવી દેતા શિક્ષક તરફ વિદ્યાર્થીઓ કઈ નજરે જોતા હશે? વિદ્યાર્થી વર્ગમાં એકચિત્તે જ્ઞાન પ્રાપ્ત કરે તેવી અપેક્ષા હોય તો વર્ગમાં શિક્ષક મોબાઈલ ઉપર વાતચીત કરી શકે ખરા ? શૈક્ષણિક કાર્ય દરમિયાન બાજુના વર્ગના શિક્ષક સાથે લાંબા સમય સુધી ગપ્પાં મારતા શિક્ષકને સમાજ સન્માનની નજરે જોશે ? પરવાનગી વિના વર્ગખંડ છોડી જતા વિદ્યાર્થીની વર્તણૂંક અયોગ્ય ગણાય તો તાસની અધવચ્ચેથી વર્ગ છોડી જતા શિક્ષક તરફ કેવી લાગણી પેદા થાય ? વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત ડિઝાઈન, શોભે તેવા રંગના અને સ્વચ્છ કપડાં પરિધાન કરવા ફરજિયાત હોય તો આ વિનય અને વિવેકનો મુદ્દો સારસ્વતશ્રીને લાગુ પડે કે નહીં? શાળાના વર્ગખંડમાં અયોગ્ય અને તોછડી ભાષાનો ઉપયોગ કરતા શિક્ષક વિદ્યાર્થીઓ પાસે યોગ્ય ભાષાની અપેક્ષા રાખી શકે?
શિક્ષણની કામગીરી કરતા શિક્ષક, આઘ્યાત્મિક જ્ઞાન આપતા ગુરૂ કે સદવર્તનની સમજ આપતા કોટુંબિક વડાઓની કહેણી અને કરણીમાં ફરક હોય તો તેમની વાતો વિદ્યાર્થીઓ, ભકતો કે સંતાનો સ્વીકારતા નથી. તેઓની વર્તણૂક અયોગ્ય બને ત્યારે આ વડીલો તરફ માનની નજરે જોવાતું નથી. તેઓ સન્માન પામતા નથી અને પામી શકે પણ નહીં. આ કામગીરીની જવાબદારી નિભાવતા વડીલોએ વાણીનો નહીં, વર્તનનો ઉપયોગ કરવાનો હોય છે. આ બાબતે નિષ્ઠા, નિસ્બત, પ્રામાણિકતા અને વફાદારી હોય તે આવશ્યકતા ભૂતકાળમાં પણ હતી અને આજે પણ છે. તમામ મહાપરૃષો વર્ષોથી સમાજને શિક્ષણ આપે છે, તેમ છતાં સમાજમાં હિંસા, દુરાચાર, અજ્ઞાનતા, અસહિષ્ણુતા જેવાં દૂષણો દૂર કેમ થતા નથી ? આ બાબતે સ્વમૂલ્યાંકન કરવાનું છે. ગાંધીજી સોને સ્વીકાર્ય હતા કારણ કે તે કહેતા તે જ કરતા અને જે કરતા તેનો જ પ્રચાર કરતા. તેમનંનું જીવન જ તેમનો સંદેશો હતો. પરંતુ આજના ગુરુઓ બાબતે આ વિધાન કરવું કઠિન છે.
ગુરૂએ સ્વયંશિસ્ત પાળવી પડે. જાતે જ નિયમિત, સ્વચ્છ, વિનયી, વિવેકી, પ્રામાણિક બનવું પડે. પ્રામાણિકતા, વફાદારી, અહિંસા, સત્ય જેવાં મૂલ્યોનું આચરણ કરવું પડે. આ બાબત પ્રત્યેક વ્યવહારમાં દૃષ્ટિગોચર થવી જોઈએ. એક પણ વાર જો તેમાં ચૂક થાય તો વિદ્યાર્થી, અનુયાયીઓ કે સંતાનોને તેમના ગુરુમાંથી વિશ્વાસ ઊઠી જશે. વ્યસનમુક્તિની વાત કરવી હોય તો શરૂઆત ‘સ્વ’થી કરવી પડે.
જેને ગાવું છે
તેને ગીત હંમેશાં જડી રહે છે.
શિક્ષકત્વ, ગુરુપદ અને ઉત્તમ મમ્મી-પપ્પા બનવાનું સોભાગ્ય સૌના નસીબમાં એટલા માટે નથી હોતું કે આ પદ પ્રાપ્ત કરવા માટે ભોગનું પ્રમાણ નહીંવત્ અને ત્યાગનું પ્રમાણ સર્વોચ્ચ સ્થાને હોવું જોઈએ. મેળવવા કરતાં આપવાનું વધારે હોવાથી તે સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. બહુ જ થોડાક લોકો આ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે તેમાં સ્વને ઓગાળવો પડે છે. પ્રત્યેક ક્ષણે ‘હું શું આપી શકું?’ તેનું મનન, ચિંતન અને અઘ્યયન કરવું પડે. ‘સ્વ’ છોડી ‘સર્વ’નો વિચાર કરવાનું કાર્ય કઠિન જરૂર છે, પરંતુ અશકય નથી. ઈતિહાસનાં અનેક અમર પાત્રો આપની સમક્ષ છે, તો વર્તમાનમાં પણ આપણે ઘ્યાનથી જોઈએ તો તેવા સજ્જનો અચૂક મળે તેમ છે. પરંતુ તેમાંના એક થવા માટે તો જાતે જ નિર્ણય કરવો પડે, તાવણીમાં તપવું પડે અને સ્વેચ્છાએ ઘણું બધું ત્યાગવું પડે. આ તો નિરાળું નેતૃત્વ છે.
આચમન:
લોકો વિકલ્પ સૂચવો ત્યારે બદલાતા નથી,
વિકલ્પ ન હોય ત્યારે બદલાય છે.
શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com
(તસવીર નેટ પરથી)