શૈલા મુન્શા

જૂન મહિનો અમારા સ્પેસીઅલ નીડ બાળકો માટે ESY (Extended school year) તરીકે ઓળખાય. અવનવા અનોખા આ બાળકોની પ્રગતિ ધીમી ન પડી જાય એટલે ઘણા બાળકોને એક મહિનો વધુ સ્કૂલમાં આવવાનો લાભ મળે.

આ મહિનામાં અમને શિક્ષકોને પણ નવા બાળકો સાથે સમય વિતાવવાનો લાભ મળે, કારણ બે થી ત્રણ સ્કૂલના બાળકો એક સ્કૂલમાં ભેગા થાય.

ખરી મજા ત્યારે આવે કારણ બાળકો માટે અમે નવા, અને અમારા માટે બાળકો નવા. ત્રણથી છ વર્ષના ભાતીગળ બાળકો. દરેકના લેબલ જુદા અને વર્તન પણ સાવ જુદું જ! સ્કૂલ શરૂ થવાના આગલા દિવસે જ ફાઈલ અમારા હાથમાં આવી હોય, એનો અભ્યાસ કરીએ પણ પેપર અને હકીકતમાં તો હમેશા તફાવત હોય જ ને!!

દિમીતાર પણ એવી જ રીતે બીજી સ્કૂલમા થી આવ્યો હતો. લગભગ છ વર્ષનો બાળક એટલે બીજા ત્રણ થી ચાર વર્ષના બાળકો પાસે મોટો લાગે. લાંબો  પાતળો, અને ચશ્મા પહેરે. પહેલે દિવસે મમ્મી મુકવા આવી, પણ બપોરથી સ્કૂલ બસમાં જવા માંડ્યો.

પહેલે દિવસે રઘવાયાની જેમ ક્લાસમાં આંટા માર્યા કરે, એક જગ્યાએ સ્થિર બેસે નહી, કાંઈક બોલે પણ બરાબર સમજાય નહિ, પાણી અતિશય પીવા જોઈએ, અને વળી મમ્મીએ મોટી પાણીની બોટલ આપી હતી, એટલે “Drink water, Drink water” કહેતા કહેતા જ પોતાની પાણીની બોટલ લઈ આવ્યો.

બે એક દિવસમાં ધીરે ધીરે ભાઈનુ રૂટિન ગોઠવાવા માંડ્યુ અને દિમીતાર થોડો શાંત થયો. સવારની બાળ પ્રવૃતિમાં ભાગ લેવા માંડ્યો. સવારના અમે બાળકોને એ, બી, સી, ડી ની ડીવીડી બતાવીએ અને એ પણ આલ્ફાબેટ સર્કસ ડીવીડી. બાળકોને એ ખૂબ ગમે. બધા સર્કસના પ્રાણીઓ નાચતા, ગાતાં અને સર્કસના ખેલ કરતાં હોય, જોકરની દોડાદોડીને ,હીંચકા પર ઝુલતા માણસો, અને તોપના નાળચામાં થી બુલેટની જેમ છૂટતો માણસ નેટ પર જઈ પડે, એવું બધુ આ બાળકોને ખુબ ગમે.

હજી તો પહેલીવાર જ એ ડીવીડી ચલાવી અને અમે બન્ને સામન્થા અને હું, બાળકોને બીજી કઈ પ્રવૃતિ કરાવવી એ વિશે વાત કરતા હતાં, ત્યાં અમારી નજર સ્માર્ટ બોર્ડ પર ગઈ. સમન્થા મને કહે મીસ મુન્શા, હમણા તો letter “S” હતો અને letter”N” ક્યાંથી આવી ગયો?

letter”N” એટલે નેટ પર હીંચકા પરથી જાણિ જોઈને પડી જતો જોકર.

દિમીતારભાઈને નેટ પર ઝંપલાવતા જોકરને જોવાની એટલી મજા આવી કે એ જઈને ક્યારે ડીવીડીનુ રિવાઈન્ડ બટન દબાવી આવ્યો એનો અમને ખ્યાલ પણ ન રહ્યો!!
કેવી એની ચપળતા અને સમજ!!

દિમીતાર એક Autistic child, પણ બધા  Autistic childની ખાસિયત જુદી જુદી. દિમીતારની હોશિયારીનો પરચો અમને ધીરે ધીરે મળવા માંડ્યો.

જૂન મહિનો એટલે હ્યુસ્ટનમાં ગરમીનો પારો ધીમે ધીમે ઉપર ચઢવા માંડે. ગરમી સાથે હવામાં ભેજ પણ ખરો, એટલે જ ત્રણ ચાર દિવસે વરસાદ પણ આવી જાય. તાપ આકરો ન લાગે એટલે અમે બાળકોને સવારે દસ વાગ્યે સ્કૂલના પાર્કમાં લઈ જઈએ. દસ વાગ્યા હોય તો પણ ગરમી અને બફારો તો થતાં જ હોય. બાળકો બધાં રમતા હતાં, લસરપટ્ટી પર લસરતા હતા અને દિમીતાર મારો હાથ પકડી  કહે, “go pipi, go pipi” એટલે કે એને બાથરૂમ જવું હતું. હું એને ક્લાસમાં લઈ આવી. અમારા બાળકો માટે બધી સગવડ ક્લાસમાં જ હોય.

દિમીતાર ભાઈ તો ક્લાસમાં આવી આરામથી ખુરશી પર બેસી ગયા, બે ત્રણ મિનિટ થઈ, પણ દિમીતારભાઈ ઊભા થવાનુ નામ જ ના લે. મેં બાથરૂમનો દરવાજો ખોલી આપ્યો, પણ ભાઈ તો ઐર કન્ડીશનની ઠંડી હવા ખાતા બોલ્યા “hot hot” મતલબ બહાર બહુ ગરમી છે. ગરમીથી બચવાનો કેવો ઉપાય એને શોધી કાઢ્યો!! દિમીતાર ને ગરમી અને સૂરજના તાપ સામે સખત ચીઢ પણ અમારે બાળકોને ખુલ્લી હવામાં રમવા તો લઈ જવા પડે.

દિમીતારે જોયું કે બહાર જવામાંથી તો મુક્તિ નહિ મળે એટલે જેવા અમે બાળકોને રમવા પાર્કમાં લઈ જઈએ, ને થોડીવારમાં જ અંદર જવા માટે દિમીતારની રેકર્ડ ચાલુ થઈ જાય, અમારા બન્ને શિક્ષકોમાં થી કોઈનો પણ હાથ પકડી “let’s go let’s go” એકધારૂં બોલ્યા કરે, ત્યાં જો વાત મંજુર ન થાય, એટલે બીજી રેકર્ડ ચાલુ થાય, “eat yam yam” કારણ પાર્કમાંથી આવી બાળકોને સ્વચ્છ કરી કાફેટેરિઆમાં જમવા લઈ જવાનો નિત્ય ક્રમ એને બરાબર યાદ હોય.

કેવી અજાયબ જેવી વાત છે કે આ બાળકોના મગજમાં પણ એક ઘડિયાળ જાણે ફીટ થઈ ગઈ હોય એમ સમય અનુસાર જ બધું થવું જોઈએ.  અને એ સમય ભીંત પરની ઘડિયાળ જોઈને નહિ, પણ મગજની ઘડિયાળનો સંકેત જાણે એમને મળતો હોય એવું લાગે.

આ અનુભવ અમને ઘણીવાર થયો છે કે અમે ગમે તે પ્રવૃતિ બાળકોને કરાવતાં હોઈએ, પણ બપોરના અઢીવાગે અને ઘરે જવાનો સમય થાય તો કોઈ બાળક જઈને પોતાનુ દફતર લઈ તૈયાર થઈ જાય, કોઈ મમ્મીનુ રટણ ચાલુ કરી દે અને દિમીતાર જેવા બાળકો જે સ્કૂલ બસમાં જતાં હોય, એમનુ સ્કૂલબસ, સ્કૂલબસ રટણ ચાલુ થઈ જાય. લગભગ ત્રણ વાગ્યે સ્કૂલ બસ આ બાળકોને લેવા આવતી હોય એની પહેલા જાણે  એલાર્મની ઘંટડી આ બાળકોના મગજમાં વાગતી ન હોય!!!!
દિમીતાર જેવા કેટલાય બાળકોને જ્યારે યોગ્ય શિક્ષણ, રસ્તો મળે છે ત્યારે આગળ જતાં પ્રગતિનુ સોપાન સર કરે છે.
ઈશ્વરે મને આ બાળકો સાથે કામ કરવાની, એમના દ્વારા નવું શિખવાની જે તક આપી છે એનો મને વિશેષ આનંદ અને ગૌરવ છે!!
નભોમંડળના આ ચમકતા તારલાં ચંદ્રની ચાંદની કે અમાસની રાત, સદા ટમટમતા રહે છે! એ જ તો એમના અસ્તિત્વનો ઉજાશ છે!!!

કેવા અનોખા બાળકોને કેવી એમની અનોખી વાતો!!
અસ્તુ,


સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

ઈ-મેલ: smunshaw22@yahoo.co.in

બ્લૉગ: www.smunshaw.wordpress.com